મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશ: ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. અપેક્ષા છે કે ભાવિકોને શ્રી શ્રીમાની વાણી મનની શાંતિ અને આધ્યાત્મિક ઉન્નતિ સાધવામાં સંતર્પક નીવડશે. અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા શ્રીમત્ સ્વામી શાંતાનંદજી મહારાજ પૂજ્ય શ્રી શ્રીમા શારદાદેવીના મંત્ર દીક્ષિત શિષ્ય હતા. – સં.

મેં પૂજ્ય માને પૂછ્યું, ‘આધ્યાત્મિક જીવન જીવવા માટે મારે શું કરવું મા?’ મા બોલ્યાં: ‘હાલ તું જે રીતે દિવસો પસાર કરે છે તે રીતે પસાર કરતો રહે. એમને હંમેશાં પ્રાર્થના કર અને એમનું રટણ કર.’

શિષ્ય: મા, મહાપુરુષોનું થતું પતન મને ખૂબ ગભરાવે છે.

મા: માણસની ચોપાસ મોજમજાનાં સાધનો પડ્યાં હોય તો, કુદરતી રીતે જ એ તેની ઉપર અસર કરે. બેટા, સ્ત્રીની આકૃતિ સામે જોવું જ નહીં, પછી ભલે એ લાકડાની ઢીંગલી હોય. સ્ત્રીઓની સોબત ટાળવી.

શિષ્ય: માણસ પોતાનું ધાર્યું કશું કરી શકતો નથી. માણસ જે કરે છે તે ભગવાન જ કરાવે છે.

મા: માણસ પાસે એ જ બધું કરાવે છે એ સાચું છે. પણ માણસ પાસે એ સમજણ છે? અહંકારથી ભર્યો હોઈ એ માને છે કે, પોતે બધાંનો કર્તા છે અને ભગવાન ઉપર આધાર રાખવાની જરૂર નથી. ઈશ્વર પર આધાર રાખનારનું એ બધા ભયથી રક્ષણ કરે છે.

પછી એક સાધુને ચીંધી મા આગળ બોલ્યાં: ‘ઠાકુર કહેતા, ‘સાધુ ચેત!’ સાધુએ હંમેશાં જાગ્રત રહેવું જોઈએ. એણે સદા ચેતતા રહેવું જોઈએ. સાધુનો પંથ ઘણો લપસણો છે. એવે લપસણે માર્ગે ચાલતાં દરેક પળ સાધુએ સાવચેત રહેવું જોઈએ. સાધુ થવું શું સહેલું છે? સાધુએ કદી સ્ત્રીની સામે નજર પણ નહીં કરવી જોઈએ. ચાલતી વખતે એની આંખો પોતાના પગ પર જ જડેલી હોવી જોઈએ. કૂતરાના ગળાના પટ્ટાની માફક ભગવું કપડું સાધુનું રક્ષણ કરે છે. ગળે પટ્ટાવાળા કૂતરાનો ધણી છે એમ સૌ જાણે છે એટલે, કોઈ એને કશી ઇજા કરતું નથી.

‘માણસનું મન ખરાબ બાબતો પાછળ દોડે છે. એને સદ્‌વૃત્તિથી જીવવું હોય તો પણ, મન સહકાર આપવામાં નિષ્ફળ જાય છે. આરંભના દિવસોમાં ધ્યાન માટે હું ત્રણ વાગ્યે પથારી છોડી દેતી. એક દિવસ મને અઠીક લાગ્યું અને ધ્યાન કરવાનું બંધ રાખ્યું. આને કારણે મારા ધ્યાનમાં થોડા દિવસ ભંગ પડ્યો. એટલે માણસને કશું ઉદાત્ત પ્રાપ્ત કરવું હોય તો એણે નિષ્ઠાપૂર્વક મહેનત કરવી જોઈએ અને દૃઢ નિશ્ચયી બનવું જોઈએ. હું નોબતખાને રહેતી ત્યારે ચાંદની રાતોએ, ગંગામાં શાંત જળમાં ચંદ્રનું પ્રતિબિંબ જોતી અને, રડતાં રડતાં પ્રભુને પ્રાર્થતી, ‘ચંદ્રમામાં પણ કલંક છે. પણ, મારા મનને તદ્દન નિષ્કલંક બનાવો’. ત્યાના મારા રહેવાસ દરમ્યાન, રામલાલ અમારો ભત્રીજો હતો તો પણ, મને મળવાની એને મનાઈ કરી હતી. હવે તો હું બધાની સાથે વાતો કરું છું અને ખુલ્લામાં આવું છું.

‘તું કલકત્તાનો છોકરો છો. તેં ધાર્યું હોત તો પરણી શક્યો હોત અને ગૃહસ્થ જીવન જીવી શક્યો હોત. તેં એ સર્વનો ત્યાગ કર્યો છે તો તારે એમાં ફરી ચિત્ત શા માટે દેવું જોઈએ? માણસે શું થૂંક્યું પાછું ગળવું?’

શિષ્ય: મા, આસનો, પ્રાણાયામ અને બીજો વ્યાયામ કરવો લાભદાયક છે?

મા: આસનો અને પ્રાણાયામ માણસને કેટલીક સિદ્ધિઓ આપે છે અને એ માણસને ખોટે રવાડે ચડાવે છે.

શિષ્ય: સાધુએ યાત્રાસ્થાનોએ જવું સારું છે?

મા: એક સ્થાને શાંતિ પ્રાપ્ત થતી હોય તો યાત્રા સ્થાનોએ જવાની શી જરૂર છે?

શિષ્ય: મા, મને ધ્યાન કરવાની પણ ફૂરસદ નથી. કૃપા કરી મારી કુંડલિને જાગ્રત કરો.

મા: એ ચોક્કસ જાગ્રત થશે. થોડાં જપધ્યાનથી એ જાગશે. એ કંઈ પોતાની મેળે થોડી જાગે છે? જપધ્યાન કર. ધ્યાનથી ચિત્ત એવું એકાગ્ર થશે કે તને ધ્યાન છોડવું નહીં ગમે. પણ મનની એવી એકાગ્રતા ન સધાય તો પરાણે ધ્યાનમાં બેસવું નહીં. આવે પ્રસંગે પ્રભુને પ્રણામ કરીને જ સાધના આટોપી લેવી. મનનું વલણ યોગ્ય થાય તે દી આપો-આપ ધ્યાન થશે.

ઉદ્બોધન

૧૯ જૂન, ૧૯૧૨

શિષ્ય: મા, મારું મન કેમ શાંત થતું નથી? ભગવાનનું ચિંતન કરું છું ત્યારે, વિવિધ દુન્યવી પદાર્થોમાં એ ખેંચાય છે.

મા: પૈસા અને પોતાનાં કુટુંબીજનોમાં મન જાય તો એ નુકસાનકારક છે. પણ, મન તો માણસની રોજિંદી પ્રવૃત્તિઓમાં જ વસેલું રહે છે. તું ધ્યાન ન કરી શકતો હો તો, જપ કર. જપ પૂર્ણતા તરફ લઈ જાય છે. જપ દ્વારા માણસ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. ધ્યાનની વૃત્તિ જાગે તો સારું. ન જાગે તો, જોરજુલમથી ધ્યાન કરવું નહીં.

૨૬ અગ્રહાયણ (નવેંબરડિસેંબર). ૧૯૧૨

શિષ્ય: વારાણસીમાં રહી સાધના કરવા માટે મઠમાં રહેવું કે કોઈ એકાંત સ્થાનમાં?

મા: ‘હૃષીકેશ જેવા એકાંત સ્થાને તું થોડો સમય સાધના કરે તો, તારું ચિત્ત દૃઢ થયું જણાશે; પછી તું ક્યાંય પણ રહી શકે, કોઈની પણ સાથે રહી શકે અને તને કશી હરકત નહીં થાય. કૂંપળ ફરે ત્યારે, વાડ કરી એનું ચોમેરથી રક્ષણ કરવું જોઈએ. પણ એ મોટું ઝાડ થાય ત્યારે, ગાય કે બકરાં એને કશી ઇજા કરી શકે નહીં. સાધના એકાંત સ્થાનમાં થાય તે જરૂરી છે. સંસારી વિચારો તારા મનનો કબજો લે ત્યારે, બીજાઓના સાથમાંથી તારે અળગા થઈ જવું જોઈએ અને અશ્રુભરી આંખે પ્રભુને પ્રાર્થના કરવી જોઈએ. એ તારા મનનો બધો મેલ સાફ કરશે અને તને સાચી સમજ આપશે.

શિષ્ય: સાધના માટે આવશ્યક બળ મારી પાસે નથી. મેં તો આપને પુનિત ચરણે શરણ લીધું છે. આપ યથાયોગ્ય કરો.

હાથ જોડીને મા ઠાકુરને પ્રાર્થના કરવા લાગ્યાં: ‘તારી સંન્યાસની પ્રતિજ્ઞાનું ઠાકુર રક્ષણ કરો. એ તારી સંભાળ લે છે પછી, તારે ડરવાનું શું કારણ છે? મન કોઈ કામમાં રોકાયેલું હોય તો, એ નકામા વિચારો કરતું નથી. પણ તું નવરો બેસે તો, મન જાતજાતના વિચારોમાં દોડશે.’

વારાણસી

૧૭ પોષ (જાન્યુ. – ફેબ્રુ.) ૧૯૧૨

શિષ્ય: મારે કેવી રીતે અને ક્યાં સાધના કરવી?

મા: તારે માટે વારાણસી યોગ્ય સ્થળ છે. આધ્યાત્મિક સાધના એટલે, બધો વખત દૃઢપણે મન ઈશ્વરને ચરણે રાખવું અને એના ચિંતનમાં જ ડૂબેલું રાખવું. એનું નામ જપવું.

શિષ્ય: નિષ્ઠાપૂર્વક ન થાય તો નામજાપથી શું મળે?

મા: પાણીમાં તું તારી મેળે પડે કે કોઈ તને ધક્કો મારે, તારાં કપડાં ભીનાં થવાનાં જ છે. તારું મન હજી કાચું છે એટલે નિયમિત રીતે ધ્યાન કર. ધ્યાનના લાંબા સમયના અભ્યાસ પછી તારું મન સ્થિર થશે. અને તારે સત્ અને અસત્ વચ્ચેનો વિવેક નિત્ય કરવો જોઈએ. જે સંસારી પદાર્થો પાછળ મન દોડ્યા કરે છે તેમને અસત્ જાણ. તારું ચિત્ત ઈશ્વરને સમર્પિત કરી દે. એક તળાવને કાંઠે એક એકલો માણસ માછલી પકડી રહ્યો હતો. એ વખતે એક વરઘોડો પસાર થયો પણ એનું ધ્યાન તો માછલી પર જ હતું.

શિષ્ય: જીવનનું ધ્યેય શું છે?

મા: ઈશ્વરને પામવો અને એના પાવન ચરણોના ધ્યાનમાં ડૂબેલા રહેવું એ જીવનનું ધ્યેય છે. તમે સાધુઓ ઠાકુરના છો. તમારા પાર્થિવ જીવન ઉપર તેમજ ભાવિ જીવન પર એ ધ્યાન રાખી રહેલા છે. તારે શી ચિંતા છે? થોડો સમય આરામમાં અને થોડો સમય ઠાકુરના ચિંતનમાં નિમગ્ન રહે.

વારાણસી

૧૮ પોષ, ગુરુવાર

મા: સાધુએ રાગદ્વેષથી મુક્ત રહેવું જોઈએ, એણે બધું સહન કરવું જોઈએ. ઠાકુર હૃદયને કહેતા: ‘તારે મારું બોલ્યું સહન કરવું પડશે અને મારે તારું — તો જ આપણે સંતોષથી રહી શકશું. નહીં તો આપણા મતભેદોના તોડ માટે મંદિરના ખજાનચીને બોલાવવા પડશે.

વારાણસી

૨૩ પોષ, મંગળવાર ૧૦૩૦ (સવારે)

મા: ઠાકુર મને કહેતા: ‘રોજ થોડું ચાલવાનું રાખવું, નહીં તો, તમારી તબીયત સારી નહીં રહે.’ એ કાળે હું નોબતખાનામાં રહેતી. સવારે ૪-૦૦ વાગ્યે હું ગંગામાં નહાવા જતી અને પછી નોબતખાનામાં ભરાઈ જતી અને દિવસભર બહાર નીકળતી જ નહીં. એક દિવસ ઠાકુર મને કહે, ‘આજે એક ભૈરવી આવશે. એક કપડું રંગીને તૈયાર રાખો, મારે એમને આપવાનું છે.’ તે દિવસે મા કાલીની પૂજા થયા પછી ભૈરવી આવ્યાં. ઠાકુર એમની સાથે વિવિધ વિષયો પર વાત કરવા લાગ્યા. ભૈરવી થોડાં તેજ મિજાજનાં હતાં. મારી ઉપર એ હંમેશ સાસુપણું કરતાં. મને એ વારંવાર કહેતાં, ‘મારે માટે પાંથાભાત – રાંધ્યા પછી ઠંડા પાણીથી ધોયેલા ભાત જેથી દાણેદાણો છૂટો પડી જાય – રાખજે નહીં તો, મારા ત્રિશૂળથી તને ભેદી નાખીશ.’ આ સાંભળી મને ડર લાગતો. પરંતુ ઠાકુર મને હિંમત આપતા ને કહેતા, ‘તમારે બીવાનું કારણ નથી. એ સાચી ભૈરવી છે એટલે તેજ મિજાજી છે.’ કોઈક વાર એ એટલી ભિક્ષા લાવતાં કે સાતઆઠ દિવસ એ ચાલે. આ જોઈ મંદિરનો ખજાનચી કહેતો, ‘મા, ભિક્ષા માટે તમે શા માટે બહાર જાઓ છો? અહીંથી બધું જ મળી શકે છે.’

ભૈરવી ઉત્તર આપે છે: ‘તમે મારા કાલનેમી (રામાયણ અનુસાર એ રાવણને માર્યો છતાં, રાવણનો વિરોધી હતા) મામા છો. તમારી ઉપર મારાથી કેવી રીતે ભરોસો કરી રખાય?

મા આગળ બોલ્યાં: ‘ઠાકુરના સાધનાકાળ દરમિયાન, મનને લલચાવે તેવા પદાર્થના દર્શનમાત્રથી ઠાકુર સંકોચ પામી જતા; બધી લલચામણીઓથી એ દૂર જ રહેતા. એક દહાડો પંચવટીમાં એમણે અચાનક એક છોકરાને પોતાની તરફ આવતો જોયો. ઠાકુર વિચારવા લાગ્યા: આ શું છે? એટલે, જગદંબાએ ઠાકુરને સમજાવ્યું કે, ‘તારા આધ્યાત્મિક પુત્ર તરીકે વ્રજનો એક ગોવાળિયો આવશે.’ રાખાલ આવ્યો ત્યારે ઠાકુર બોલ્યા હતા, ‘મારો ગોપાલ આવ્યો છે. બોલ, તારું નામ શું છે? ‘રાખાલ’, એણે જવાબ આપ્યો. ઠાકુર બોલ્યા, ‘હા, બરાબર, બરાબર. એ સાચું જ છે.’ એમને પંચવટીમાં દર્શન થયા પ્રમાણે જ આ હતું.

હાજરા(પ્રતાપચંદ્ર)એ ઠાકુરને પૂછ્યું હતું. તમે નરેન્દ્ર, રાખાલ અને બીજાઓ વિશે આટલો બધો વિચાર શા માટે કરો છો? ઈશ્વરના ચિંતનમાં એટલો સમય શા માટે નથી ગાળતા? ઠાકુરે જવાબ આપ્યો, ‘વારુ, મારું મન હું ઈશ્વરમાં ડૂબેલું રાખીશ.’ આટલું બોલી એ સમાધિમાં લાગી ગયા. એમનાં રુંવાડાં ખડાં થઈ ગયાં. આશરે એક કલાક એ આ દશામાં રહ્યા. પછી રામલાલ જુદાં જુદાં દેવદેવીઓનાં નામ બોલવા લાગ્યો. આમ એણે લાંબો સમય કર્યા પછી ઠાકુરને દેહભાન આવ્યું. સમાધિ પૂરી ઊતરતાં ઠાકુરે રામલાલને પૂછ્યું: ‘મારું મન ભગવાનમાં વસે છે ત્યારે, મારું ચિત્ત કઈ દશામાં હોય છે એના તરફ તારું ધ્યાન કદી ગયું છે? એટલા માટે, નરેન્દ્ર અને બીજાઓનો વિચાર કરતો રહી, માર ચિત્તને હું નીચેરી સપાટીએ રાખું છું.’ રામલાલ કહે, ‘ના, તમે તમારી સ્થિતિમાં જ રહો.’

શિષ્ય: હું રોજ થોડો પ્રાણાયામ કરું છું. એ ચાલુ રાખું?

મા: થોડો ભલે ચાલુ રાખ પણ એ લાંબો સમય ન કરતો, નહીં તો તારી સમતોલતા ચાલી જશે. તારું મન જાતે જ વશ થઈ જતું હોય તો પછી પ્રાણાયામની શી જરૂર રહે? કુંડલિની જાગ્રત ન થાય ત્યાં સુધી કશું જ અગત્યનું પ્રાપ્ત થતું નથી. તારું ચિત્ત એકાગ્ર ન થાય તો પણ એમનું પવિત્ર નામ હજારો વાર લઈ શકાય. કુંડલિનીજાગ્રતિ પૂર્વે સાધકને અનાહત નાદ સંભળાય છે. પરંતુ, જગદંબાની કૃપા વિના આ શક્ય નથી.

માએ આગળ કહ્યું: ‘વહેલી સવારમાં હું વિચારતી હતી કે વિશ્વનાથનાં દર્શન મારા ભાગ્યમાં નથી. એ તો શિવનું નાનું પ્રતીક છે અને ચાંદીનાં બિલીપત્રોથી અને પાણીથી એટલું બધું ઢંકાયેલું છે કે, કોઈને એ ભાગ્યે જ દેખાય. હું આ વિચાર કરતી હતી ત્યાં જ, અચાનક, મેષ જેવું કાળું, વિશ્વનાથનું લિંગ પ્રગટ થયું! મેં નટીની મા (મહેન્દ્રનાથ ગુપ્તનાં પત્ની)ને શિવ મસ્તકે પોતાનો હાથ ફેરવતાં જોયાં. પછી હું પણ તરત જ પાસે ગઈ અને, મેં મારો હાથ પણ શિવ મસ્તકે મૂક્યો.’

શિષ્ય: મા, મને આ પત્થરનું શિવલિંગ જરાય ગમતું નથી.

મા: એ શા કારણે, બેટા? વારાણસીમાં કેટલા બધા પાપીઓ આવે છે અને ભગવાન વિશ્વનાથને સ્પર્શી મોક્ષ પામે છે. પૂર્ણ સ્વસ્થતાથી એ સૌનાં પાપ સ્વીકારે છે. લોકો અહીં શનિ-રવિવારે આવે છે અને ચરણસ્પર્શ કરે છે ત્યારે, મારા પગ બળતા હોય એવું હું અનુભવું છું. પગ ધોયા પછી જ મને શાંતિ થાય છે.

શિષ્ય: ભગવાન સહુના માતા પિતા હોય તો, લોકોને પાપ કરવા એ શા માટે પ્રેરે છે?

મા: એ સાચું છે કે એ જ બધાં પ્રાણીઓના રૂપ લઈ રહ્યો છે પણ, દરેકને પોતાના ગત સંસ્કાર અને કર્મ અનુસાર ફળ મળે છે. સૂર્ય એક જ છે છતાં, જે સ્થાન અને પદાર્થને એ પ્રકાશિત કરે છે તેના પર તેના પ્રકાશનો આધાર રહે છે.

૧ જાન્યુઆરી, ૧૯૧૭

મેં માને કહ્યું, ‘મા, મને આશીર્વાદ આપો કે હું સારી રીતે ધ્યાન કરી શકું અને ઠાકુરના ચિંતનમાં નિમગ્ન રહું.’

માએ પોતાનો હાથ મારે મસ્તકે મૂકી મને આશીર્વાદ આપ્યા અને કહ્યું, ‘તેમજ સત્-અસત્ વચ્ચે તું હંમેશાં ભેદ કરતો રહેજે.’

શિષ્ય: મા, જુઓ, શાંતિથી બેઠો રહીને હું સત્-અસત્‌નો ભેદ કરી શકું છું પરંતુ કર્મના ક્ષેત્રમાં ખરી કસોટી આવે છે ત્યારે, હું ઘસડાઈ જાઉં છું. આવે સમયે પણ હું દૃઢ રહી શકું તેવી શક્તિ, મા, મને આપો.

મા: બેટા, ઠાકુર તારી રક્ષા કરશે. તને જ્ઞાન અને જ્યોતિ લાધો. પછી એમણે બીજા સાધુને કહ્યું, ‘તમે બધા સંન્યાસીઓ છો. ગૃહસ્થો સાથે સંબંધ રાખવો તમારે માટે ખૂબ જોખમકારક છે. સંસારી લોકોની નિકટ હોવું એ પણ ખરાબ છે.’

કોઆલપાડા

૨૭મી મે, ૧૯૧૯

શિષ્ય: મા, કેટલા બધા દિવસો વીતી ગયા! મેં શું પ્રાપ્ત કર્યું?

મા: સંસારની ઉપાધિઓમાંથી તને બહાર કાઢી ભગવાને તને પોતાને ચરણે મૂકી દીધો છે. આ શું અનન્ય સદ્‌ભાગ્ય નથી? યોગેન(સ્વામી યોગાનંદ) કહેતો, ‘અધ્યાત્મિક સાધના કરું કે ન કરું, સાંસારિક ઉપાધિઓથી હું મુક્ત છું.’ રાધુને લઈને હું માયાથી કેટલી પીડાઉં છું એ નથી જોતો તું?

શિષ્ય: થોડા દહાડા એકાંત બાગમાં બેસી હું ધ્યાન કરવા ચાહું છું.

મા: આવી સાધના માટે આ સમય યોગ્ય છે. જુવાન વયે જ એ બધું કરવું જોઈએ. તું અવશ્ય એમ કરજે. પણ તારા ખાવાપીવાનું ધ્યાન રાખજે. વધારે પડતું આકરું તપ યોગેનને ખૂબ આકરું લાગ્યું હતું અને અંતે એ કાચી વયે ગુજરી ગયો.

કોઆલપાડા

૨૯મી મે, ૧૯૧૯

શિષ્ય: … બાબુ હવે મઠમાં જરાય આવતા નથી. એ અહીં આપની પાસે યે નથી આવતા. એ આમ શા માટે કરે છે?

મા: બરાબર, હું કલકત્તા હતી ત્યારે એ મને મળવા આવ્યા ન હતા.

શિષ્ય: એ તો જૂનો ભક્ત છે. એનામાં આ ફેરફાર કેમ થયો?

મા: આ બધું પૂર્વકર્મને કારણે. અનેક જન્મોનાં કર્મો ભેગાં થયાં છે. આખરે એ એની અસરને વશ થયા છે. પણ પૂર્વકર્મોના આ બધાં તરંગો પસાર થઈ જશે. એક જન્મમાં જ એ મુક્તિ પામશે.

શિષ્ય: બધું ઈશ્વરની ઇચ્છા પ્રમાણે જ થતું હોય તો, કર્મનાં બંધનને એ શા માટે છેદતો નથી?

મા: એની ઇચ્છા હોય તો, એ જરૂર કાપી શકે. પરંતુ ઠાકુરને પણ પોતાનાં પૂર્વ કર્મો માટે ભોગવવું પડ્યું હતું એ તું નથી જાણતો શું? એક વાર એમના મોટાભાઈ સનેપાતમાં પાણી પીવા જતા હતા ત્યારે ઠાકુરે એમના હાથમાંથી ગ્લાસ ઝૂંટવી લીધો. ગુસ્સે ભરાઈ રામકુમારે એમને શાપ આપ્યો હતો, ‘મને તેં પાણી પીતાં અટકાવ્યો છે તેમ, તારા છેલ્લા દિવસોમાં તું પણ કંઈ ખાઈપી નહીં શકે.’ ઠાકુર બોલ્યા, ‘દાદા, મેં તો તમારા હિત માટે જ પાણીનો ગ્લાસ લઈ લીધો હતો અને તમે મને એ માટે શાપ આપ્યો!’ એટલે રામકુમાર રડતાં રડતાં બોલ્યા, ‘ભાઈ, હું શાથી એમ બોલ્યો તે જાણતો નથી.’ જો, ઠાકુરને પણ આમ પૂર્વકર્મનાં ફળ ભોગવવાં પડ્યાં હતાં. પોતાના છેલ્લા દિવસોમાં ભક્ત પણ બદલાયો છે. અ…ને શું થયું એ તું નથી જાણતો? ક્યારે અને કેવી રીતે આ બધું બને છે તે જાણવું કઠિન છે.

કોઆલપાડા

૪થી જૂન, ૧૯૧૯

શિષ્ય: મા, જપ કરું ત્યારે એની ગણતરી મારે કરવી?

મા: જપ કરતી વેળા ગણતરી કરવા જઈશ તો ધ્યાન એ ગણતરીમાં જ રહેશે. જપ ગણતરી વિના જ કરવા.

શિષ્ય: જપ કરતી વેળા મારું ચિત્ત કેમ એક ધ્યાન નથી થતું?

મા: અભ્યાસ વિના તને સફળતા મળશે. તારું મન સ્થિર ન થાય તો પણ, જપ કરવાનું તું છોડી ન દેતો. સાધના ધગશપૂર્વક કરવી. નિર્વાત દીપજ્યોતની જેમ, નામજપથી તારું મન સ્થિરતા પ્રાપ્ત કરશે. પવનથી જ્યોત અસ્થિર બને, એ જ રીતે, ઇચ્છાઓ ચિત્તને એકધ્યાન થતું રોકે છે. તેમજ, મંત્ર શુદ્ધ રીતે ઉચ્ચારાય નહીં તો, ધાર્યું પરિણામ લાવતાં વધારે સમય લાગે છે. એક સ્ત્રીનો મંત્ર હતો ‘રુક્મિણીનાથાય’. એ સ્ત્રી ‘રુકુ’ ‘રુકુ’ બોલતી અને એને લઈને એની પ્રગતિ થંભી ગઈ. પણ પ્રભુકૃપાથી, એનો મંત્ર પછી સુધરી ગયો.

કોઆલપાડા

૧૨મી જૂન, ૧૯૧૯

શિષ્ય: મારા શરીરને તંદુરસ્ત રાખવા માટે થોડાક દિવસથી હું આસનો કરું છું. એથી ખોરાકનું પાચન થાય છે અને, સંયમ રાખવામાં સહાય મળે છે.

મા: તું એ વધારે પડતું કરીશ તો, તારું ચિત્ત શરીર ઉપર કેંદ્રિત થશે પણ, એને છોડી દેશે તો માંદો પડવાનું જોખમ છે. આને ધ્યાનમાં રાખી યોગ્ય કરવું.

શિષ્ય: પાચન સરખું રહે એ માટે હું પાંચ દસ મિનિટ જ એની પાછળ ગાળું છું.

મા: તો એમ કર્યે જા. શરીરનો વ્યાયામ મૂકી દેવાતાં માણસ માંદો પડી જાય છે એ વાત તારા ધ્યાન પર મારે લાવવી હતી. મારા આશીર્વાદ છે, બેટા. તને જ્યોતિ લાધો.

Total Views: 512

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.