મૂળ બંગાળી પુસ્તક ‘શ્રી શ્રીમાયેર કથા’ના અંગ્રેજી અનુવાદ ‘The Gospel of Holy Mother’નો કેટલોક ભાગ ‘શ્રી શ્રીમાતૃચરણે’એ નામે ગુજરાતીમાં પ્રકાશિત થયો હતો. મૂળ અંગ્રેજી ગ્રંથમાંથી અનુવાદિત ન થયેલા કેટલાક અંશ અમે ક્રમશ: ધારાવાહિક રૂપે ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં ભાવિકોના લાભાર્થે આપીએ છીએ. આ અનુવાદ કાર્ય શ્રી દુષ્યંત પંડ્યાએ કર્યું છે. ‘શ્રી શ્રીમાતૃચરણે’ની નવી સુધારેલી અને વર્ધિત આવૃત્તિ પ્રગટ થઈ ગઈ છે. અહીં જેમનાં સંસ્મરણો આપેલાં છે તેવા બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી ઋતાનંદજી મહારાજ પૂજ્ય શ્રી શ્રીમા શારદાદેવીના મંત્ર દીક્ષિત શિષ્ય હતા. – સં.

(ગતાંકથી આગળ)

તે દિવસે પોતાને જયરામવાટીના ગ્રામ ગૃહે જગદ્ધાત્રી પૂજા અંગે મા ખૂબ વ્યસ્ત હતાં. એ અવારનવાર બોલતાં હતાં, ‘માની પૂજા કેવી રીતે કરવામાં આવશે?’ આજે એ ઠાકુરની નિત્યપૂજા ખૂબ વહેલી કરી રહ્યાં હતાં. ફળ, મીઠાઈ વગેરે મોટા જથ્થામાં ધરવામાં આવ્યાં હતાં. એ ધરાવતી વખતે માએ ઠાકુરને કહ્યું, ‘જુઓ આજે દેવીની પૂજા થશે. કૃપા કરી જલદીથી આરોગી લો. મારે પૂજા સ્થાને જવું પડશે.’ પછી એ બોલ્યાં તે સ્પષ્ટ સંભળાયું નહીં. જાણે એ જીવંત વ્યક્તિની સાથે વાત કરતાં હોય એમ લાગતું હતું. ઠાકુરની પૂજા પૂરી કર્યા પછી, જગદ્ધાત્રીનું પૂજન થતું હતું ત્યાં એ ગયાં અને, પ્રતિમાને ભક્તિભાવપૂર્વક નિરખતાં એ આખી પૂજા દરમિયાન બેઠાં રહ્યાં.

એક દિવસે કોઆલપાડાથી મેં ખરીદી કરી. પછી ઠાકુરની પૂજાનાં ફૂલ મેં મા માટે લીધાં અને જયરામવાટી જવા રવાના થયો. ત્યાં પહોંચ્યો ત્યારે માએ કહ્યું, ‘મને લાગતું હતું કે તું હવે આવવો જ જોઈએ અને પછી હું નહાવા જઉં.’ એમણે બધી વસ્તુઓ લીધી અને પછી મને મમરા આપ્યા. પછી નહાવાની સાડી પહેરી મા પોતાને શરીરે તેલ ચોળવા લાગ્યાં અને, એ બધો સમય અમે કોઆલપાડા મઠના નિવાસીઓ વિશે વાતો કરતાં રહ્યાં. અચાનક મા કહે, ‘હું તો તારી મા છું. તારે શા માટે શરમાવું જોઈએ?’ પછી નહાવાનું પતાવી એ ઠાકુરની પૂજામાં લાગ્યાં.

એક દિવસ મને વિચાર આવ્યો કે, મારે આધ્યાત્મિક સાધના કેવી રીતે કરવી તે વિશે માને મારે પૂછવું. બપોર પછી વરંડામાં બેસી એ માળા ફેરવી રહ્યાં હતાં. હું પણ એમની પાસે ગયો ત્યારે મારે પૂછવું હતું તે બધું ભૂલી ગયો. મારો પ્રશ્ન પૂછવાનું મને મન જ ન થયું. ‘મા, કૃપા કરી મને સંભાળી લો;’ એટલું બોલી, હું રડી પડ્યો. એટલે, મને આશ્વાસન આપી મા બોલ્યાં, ‘રડ મા. બહુ સમય પહેલાંથી તારી જવાબદારી મેં સંભાળી લીધી છે. અને ઠાકુરે પણ તારી જવાબદારી ક્યારનીયે સંભાળી લીધી છે. શા માટે ચિંતા કરે છે?’

એક દિવસે મને એવું સ્વપ્ન આવ્યું કે, મા મને કહેતાં હતાં, ‘બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લે.’ આ વાત મેં પૂજ્ય હરિ મહારાજ (સ્વામી તુરીયાનંદ)ને કહી ત્યારે, એ બોલ્યા, ‘જા અને પૂજ્ય માને આ વાત કર.’ થોડા દિવસ પછી કોઆલપાડામાં આ વાત મેં માને કરી. મને સાંભળી, હસીને મા બોલ્યાં, ‘સારું, એક નવું કપડું લઈ કાલે હું પૂજા કરતી હોઉં ત્યારે તું મારી પાસે આવ. મુલાકાત ખાનગી રાખજે.’ બીજે દિવસે હું મા પાસે ગયો ત્યારે મેં જોયું કે, પૂજાવિધિ પતાવી મા દાંતે ગુલ (તમાકુની રાખ) ઘસતાં વરંડામાં બેઠાં હતાં. મને જોયો તેવાં જ, જીભ બહાર કાઢી એ બોલી ઊઠ્યાં, ‘જો, પૂજા તો થઈ ગઈ અને હું ભૂલી ગઈ હતી. પણ હું કોગળા કરીને આવું છું. જા, પૂજાઘરમાં બેસ.’ પૂજાઘરમાં પ્રવેશી મા બોલ્યાં, ‘દરવાજો બંધ કર. એ લોકો (કુટુંબની સ્ત્રીઓ) ત્યાં બેઠાં છે.’ પછી એમણે મને કહ્યું, ‘તારું પહેરણ કાઢી નાખ.’ પિત્તળના પૂજાપાત્રમાંથી જળ લઈ, માએ એનું પ્રોક્ષણ મારા શરીરે પણ કર્યું. પછી પોતાના હાથ વડે માએ મારી નાભિ, છાતી અને મારા મસ્તકને સ્પર્શ કર્યો અને કંઈક રહસ્યમય બોલ્યાં. નવું કપડું લઈ એમણે કહ્યું, ‘જો, ઠાકુર અહીં પ્રત્યક્ષ જ છે. બોલ, હું આજે તમને મારી સંપૂર્ણ જવાબદારી સોંપુ છું.’ પછી કપડું મને આપી કહે, ‘આજે તારા ખુદ આત્માને મેં સંન્યાસ આપ્યો છે.’ હું તે સમયે એટલો હર્ષાન્વિત થયો હતો કે, પૂજ્ય માને પ્રણામ કરવાનું પણ ભૂલી ગયો! મારી આ મનોદશા થોડા દિવસ ચાલી.

રાધુ સાથે મા કોઆલપાડામાં રહેતાં હતાં. લગભગ ગાંડી એવી રાધુને બાળક આવવાનું હતું. આ કઠણ પરિસ્થિતિમાંથી રાધુ કેવી રીતે પાર થશે એ વિશે પૂજ્ય માને ખૂબ ચિંતા રહેતી અને, આ હેતુથી, એ જુદાં જુદાં દેવદેવીઓની માનતા માનતાં અને એમને આતુરતાપૂર્વક પ્રાર્થના કરતાં.

આ દિવસોમાં એક વાર માએ મને કહ્યું, ‘જો એમ લાગે છે કે હનુમાન ચરિત્ર વ્યક્તિનું સારુંનરસું ભાવિ કહી શકે છે. વારુ, એ વાંચી તું રાધુનું નસીબ કેમ નથી જોતો?’ મેં એ ચોપડી મેળવી અને એમાં, ચોરસ ખાનાંઓની એક સારિણી જોઈ. એના કોઈ પણ ચોરસ ખાના પર આંગળી મૂકવાની. માએ એક ચોરસ પર આંગળી મૂકી. પછી મેં એને લગતું ફળ વાંચ્યું. એમાં હતું કે, રાધુનું ભાવિ ઊજળું છે. આથી ખૂબ ખુશ થઈ મા બોલ્યાં, ‘તો રાધુ સાજી થઈ જશે. એ હનુમાનનો બોલ છે તો, રાધુ પાર ઊતરી જશે.’

એક વેળા, કોઆલપાડા મઠના વડા અને એમના સાથીઓ વચ્ચે થોડો મતભેદ હતો. મા ત્યારે જયરામવાટીમાં હતાં. એમની જરૂરિયાતની વસ્તુઓ અમે ઘણી વાર કોઆલપાડાથી ખરીદી જયરામવાટી પહોંચાડતા. મઠના અંતેવાસીઓ વિશે, મા મને વિગતથી પૂછતાં. મઠમાં બનતી બધી બાબતોથી એ પૂરાં માહિતગાર હતાં. એક દિવસ એમની ભત્રીજીએ મઠમાંના મતભેદો વિશે મને પૂછ્યું ત્યારે, માએ એને કહ્યું, ‘શા માટે એ પંચાતમાં પડે છે?’ ભત્રીજીના ગયા પછી મા બોલ્યાં, ‘જુઓ, તમને સંજોગોને અનુકૂળ થતાં આવડવું જોઈએ. ઠાકુર કહેતા, ‘શ,સ,ષ’ — દરેક બાબતમાં ધૈર્ય રાખો. ઠાકુર બધું જુએ છે.’

પછીથી મા કોઆલપાડા રહેતાં હતાં ત્યારે, મઠના વડાએ એમને કહ્યું, ‘મા, સંન્યાસી કાર્યકરો અહીં રહેવા ઇચ્છતા નથી. બીજા કોઈ મઠમાં એમને આશરો મળશે નહીં અને, એમાંના દરેકે પોતાનું કામ જાતે જ કરવું પડશે. એમ, કૃપા કરી આપ એમને કહો. એમને બીજે જવું છે. આપ આજ્ઞા કરશો તો એ લોકો બીજે ક્યાંય નહીં જાય.’ આ શબ્દો માને કાને પડતાં જ થોડી નારાજગી સાથે મા બોલી ઊઠ્યાં, ‘એ લોકોને એમ કહેવાનું તું મને કહી જ કેમ શકે? તું એમ કહેવા માગે છે કે એમને બીજે કશે આશરો નહીં મળે એમ મારે એમને કહેવું? એ સૌ મારાં બાળકો છે અને એ સૌએ ઠાકુરનું શરણ લીધું છે. એ લોકો જ્યાં જશે ત્યાં ઠાકુર એમની સંભાળ રાખશે. ને તું મને એમ બોલાવવા માગે છે કે, ‘તમને ક્યાંય શરણ નહીં મળે?’ હું કદી એમ કહી શકું નહીં.’ માનો અવાજ ત્યારે મોટો હતો. બધા ગભરાઈ ગયા. તરત જ મઠના વડા પૂજ્ય માને પગે પડતાં ને રડતાં બોલ્યા, ‘મા, કૃપા કરી મને માફ કરો ને મારું રક્ષણ કરો.’ તરત જ મા તદ્દન શાંત થઈ ગયાં.

મા કોઆલપાડા રહેતાં હતાં ત્યારે, એક દિવસ, પૂર્વ બંગાળમાંથી એક ભક્ત દીક્ષા માટે આવ્યો. આ સાંભળ્યું ત્યારે મા કહે, ‘ના, એ દીક્ષા નહીં લઈ શકે.’ આ સાંભળી પેલા ભક્તના મોતિયા મરી ગયા. બીજે દિવસે, કોઈને કહ્યા વગર, મા રહેતાં હતાં તે ઘરની સામે, એ તડકામાં જઈ રડતો બેઠો. આની ખબર પડતાં મા કહે, ‘એ શા માટે આમ રડે છે? એને કહો કે એ ચાલ્યો જાય.’ માની આજ્ઞા સંભળાવવા હું એની પાસે ગયો પણ, એની દયાજનક દશા જોઈ હું કંઈ બોલી શક્યો નહીં. દરમિયાનમાં મેં જોયું કે માએ પોતાના ઘરનો મુખ્ય દરવાજો જરા ખોલી એ ભક્ત પર નજર નાખી લીધી હતી. જેવો હું અંદર દાખલ થયો તેવું માએ મને કહ્યું, ‘કાલે એને દીક્ષા મળશે એમ એને જઈને કહે.’ આ સાંભળી એ ભક્ત તો વળી વધારે રડવા મંડ્યો. બીજે દિવસે એની દીક્ષા થઈ.

કૃષ્ણપ્રસન્ન નામનો એક ભણેલો ભક્ત કોઆલપાડા મઠમાં થોડા દિવસ રહ્યો. એક દિવસે માએ અમને કહ્યું, ‘જો જો, સમય જતાં, વિદેશોથી ઘણા ભક્તો આવશે. કૃષ્ણપ્રસન્ન પાસેથી તમારે અંગ્રેજી શીખવું જોઈએ.’ એ મુજબ અમે અંગ્રેજી શીખવા લાગ્યા. પરંતુ થોડા દિવસ બાદ કૃષ્ણપ્રસન્ન જતાં એ બંધ થયું.

કોઈ સ્ત્રી ભક્ત પાસે માનાં પગલાંની છાપ હતી તે ખોવાઈ ગઈ હતી. એને લઈને સ્ત્રી ભક્તોમાં તકરાર થઈ પડી. એ સમયે કોઆલપાડા રહેતાં મા આ સાંભળી હસી પડ્યાં. એ બોલ્યાં, ‘આ વિશે આટલી કચકચ શી કરવી? હું બેઠી છું. તમને જોઈએ એટલી પગલાંની છાપ લઈ લો.’ પછીથી એ કાપડના કેટલાક ટુકડાઓ લાવ્યાં અને લાખના રંગની સહાયથી પોતાનાં પગલાંની કેટલીક છાપ તેમણે પાડી. એટલે ઝઘડો પણ પત્યો!

એક વાર પ્રસન્નમામાને ઘેર, વાત વાતમાં માએ કહ્યું કે, ‘રાધુનો જન્મ થયો તેની પહેલાં પડછાયાના રૂપમાં મને હાલતી ચાલતી દેખાતી. એને ચીંધી ઠાકુરે મને કહ્યું, ‘આધાર તરીકે એને લઈ જીવન વ્યતીત કરજો.’ રાધુ પર મને કેટલી માયા છે એ તું જુએ છે ને? ગૌરદાસીએ પોતાની દત્તક દીકરીને કેવી સારી રીતે ઉછેરી છે અને મેં ઉછેરી છે વાંદરી!’

કોઆલપાડા મઠમાં એ દિવસોમાં અમે ગળેલા નહીં એવા ચોખા ખાતા. પૈસાની તંગીને લઈને પૂરતાં શાકભાજી અમે લઈ શકતા નહીં. આવા નબળા ખોરાકની માઠી અસર મઠના સૌ અંતેવાસીઓની તબિયત પર થઈ. આ ખબર પૂજ્ય માને પડતાં એ કહે, ‘તમે શા માટે માછલી ખાતા નથી? માછલી ખાવાથી દૂર રહીને તમારી તબિયત બગાડવાથી શો લાભ? એ ખાવામાં કંઈ દોષ નથી, હું કહું છું. માછલી ખાઓ.’ પછીથી માએ મઠના વડાને આમ કહ્યું અને, મઠના ખોરાકમાં માછલીનો સમાવેશ કરવા તેમને સમજાવ્યા.

એક દિવસ જયરામવાટીમાં કોઈ સંન્યાસી મા પાસે કાગળ, કલમ અને શાહીનો ખડિયો લઈને ગયા અને બોલ્યા, ‘મા, અમારી પાસે એક જ ગાય છે ને એ બહુ થોડું દૂધ આપે છે; અમારી જરૂરિયાતો એથી સંતોષાતી નથી. એટલે હું બીજી ગાય લેવા વિચારું છું. આપ રજા આપવાની કૃપા કરો તો, કેટલાક ભક્તોને હું પૈસા માટે લખું.’ માએ ઉત્તર આપ્યો, ‘ભલે, લખ. તું મને સાધન તરીકે વાપરવા ચાહે છે નહીં? ભક્તોને લખીશ એટલે પૈસા મળવા લાગશે એમ તું માને છે, નહીં?’

એમના ગયા પછી મા હસીને કહે, ‘જો તો, એ કેવી ઇચ્છા સેવે છે!’ એક વાર બાબુરામ પેટશૂળથી પીડાતો હતો ત્યારે મેં એને સાકરનું શરબત પીવા આપ્યું. ઠાકુરે એ જોયું અને, એક દિવસે પૂછ્યું, ‘તમે બાબુરામને શું પીવા આપ્યું હતું?’ ‘સાકરનું શરબત’, મેં જવાબ આપ્યો. આ સાંભળી ઠાકુર બોલ્યા: ‘એ સૌ સર્વત્યાગી સંન્યાસી થવાના. તમે એમને કેવી ખરાબ ટેવો પાડો છો?’

એક વાર મેં માને પૂછ્યું, ‘મારે સાધના કેવી રીતે કરવી?’ એમણે ઉત્તર આપ્યો, ‘તું ઠાકુરને સાદ કર, તને બધું પ્રાપ્ત થઈ જશે.’ મને આથી સંતોષ ન થયો એટલે, મેં ફરી પૂછ્યું. નારાજ થઈ, ભારપૂર્વક મા બોલ્યાં, ‘હું બીજું જાણતી નથી. તને જે જોઈતું હોય તે તને એમની પાસેથી સાંપડશે.’

એક ભક્ત મા પાસે દીક્ષા માટે ગયો. માએ એને પૂછ્યું, ‘તારા કુળનો મંત્ર ક્યો છે?’ ‘હું જાણતો નથી’, ભક્ત બોલ્યો. થોડી વાર શાંત રહી મા કહે, ‘આ છે તારા કુળનો મંત્ર’ અને, પછી તેને દીક્ષા આપી. પછીથી તપાસ કરતાં જાણવા મળ્યું છે, મા સાચાં હતાં.

એક દિવસે કોઆલપાડામાં, માનસિક રોગથી પીડાતો એક માણસ પૂજ્ય માના ઘર સામે ઘેલછા પ્રગટ કરવા લાગ્યો. એની વિચિત્ર ચેષ્ટા જોઈ મા બોલ્યાં, ‘અરે, જુઓ. આ તો જાણે પાગલોનો ઝમેલો છે! અમે આવ્યાં એટલે ચક્કર ખસેલાં બધાં અહીં એકઠાં થવા લાગ્યાં. જુઓ, રાધુ ગાંડી છે, એની મા ગાંડી છે – મારું કુટુંબ આવું ગાંડાંઓનું છે!’ આમ કહી, એ થોડી વાર મૂંગાં રહ્યાં. પછી એ એક કડી બોલ્યાં: ‘માતા ચંડી મારે ઘેર પધારશે; હું સાંભળીશ ચંડી; પછી ભેગા મળશે ઘણા દંડી, યોગી અને જટાધારી સાધુઓ.’

ભાષાંતર : શ્રી દુષ્યંત પંડ્યા

Total Views: 498

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.