ભારતના આધ્યાત્મિક ઈતિહાસમાં વેદકાળથી માંડીને અર્વાચીનકાળ સુધીમાં અનેક નારી રત્નો ઝળહળી રહ્યાં છે. આધ્યાત્મિક ક્ષેત્રમાં નારીનું પ્રદાન ઘણું મોટું છે. વેદકાળની ઋચાઓની સર્જક વિશ્વવારા અપાલા, ઘોષાથી માંડીને આધુનિક યુગના શ્રીમા આનંદમયી સુધીનાં અસંખ્ય નારી રત્નોથી ભારતનું આધ્યાત્મિક ક્ષેત્ર આલોકિત છે. પણ સૌમાં શ્રી શ્રીમા શારદાદેવી અજોડ છે. પ્રેમાળપુત્રી, આદર્શપત્ની, શ્રેષ્ઠ સાધ્વી, વાત્સલ્યમયી માતા, ઉત્તમ સંચાલિકા, જાગ્રત ગુરુ અને કરુણામય સંત, આ સાત સ્વરૂપોનો એક સાથે જેમાં સમન્વય થયો હોય એવી બીજી કોઈ નારીપ્રતિભા કોઈ ધર્મમાં જોવા મળતી નથી. શ્રી શ્રીમાશારદાદેવીના આ સાતેય સ્વરૂપો એવાં પરિપૂર્ણ જ જણાય છે કે હિમાલયની ગિરિમાળાના શિખરોની જેમ જે સ્વરૂપમાં શ્રી શ્રીમાનાં દર્શન કરીએ, એ સ્વરૂપ ભવ્ય, દિવ્ય ને પરિપૂર્ણ જ જણાય છે. અને એટલે જ શ્રી શ્રીમાનો મહિમા વર્ણવવા કોઈ જ સમર્થ નથી. સ્વામી વિવેકાનંદે પણ અમેરિકાથી પત્રમાં લખ્યું હતું : ‘માના જીવનની અપૂર્વ વિશિષ્ટતા કોણ સમજી શક્યું છે? કોઈ પણ નહીં. પણ ધીમે ધીમે બધાં જાણશે. જે શક્તિ વિના જગતનો ઉદ્ધાર ન થઈ શકે, તે જ મહાશક્તિના પુનરાગમનને માટે મા અવર્તીણ થયાં છે. અને તેમના આદર્શને લઈને ફરી એકવાર જગતમાં ગાર્ગી અને મૈત્રેયી રૂપી સ્ત્રીરત્નો ઉત્પન્ન થશે.’ તેઓ લખે છે : ‘અમેરિકા જતાં પહેલાં મેં પત્ર લખીને મા પાસેથી આશીર્વાદ માગ્યા હતા, તેમણે આશીર્વાદ આપ્યા કે બસ હું છલાંગ લગાવીને સાગર પાર થઈ ગયો.’ સ્વયં શ્રીરામકૃષ્ણ પણ કહ્યું હતું : ‘તે શારદા છે, સરસ્વતી છે. જ્ઞાન દેવા માટે જ તેમનું આગમન થયું છે.’ આવાં જ્ઞાનદાયિની માતા શારદાદેવીના વ્યક્તિત્વને આપણે સામાન્ય મનથી કેવી રીતે જાણી શકીએ? આપણે તો ભક્તિનમ્ર ભાવે તેમની સ્તુતિ કરી શકીએ. તેમના ચરણોમાં શબ્દોનાં ભાવપુષ્પો અર્પણ કરી એમની કૃપાની યાચના કરી શકીએ.

શ્રી શ્રીમાનું એક સ્વરૂપ અપાર કરુણા રેલાવતા સંતનું છે. સંતનું દર્શન જ ૫૨મહિતકારી છે, એમ કહેવાયું છે. સૌમ્ય, શાંત, સ્થિર, ધીર, ગંભીર અને તેજોમય આભાથી મંડિત આકૃતિને જોતાં તેના પ્રત્યે આપોઆપ મનુષ્ય નમી પડે તે સંત. ભગિની નિવેદિતા યુરોપમાં એક દેવળમાં ગયાં અને ત્યાં માતા મેરીની પ્રતિમા જોતાં જ તેમને શ્રી શ્રીમાશારદાદેવીનું દર્શન થયું. એ અનુભૂતિ વિશે તેમણે લખ્યું છે: ‘તમારું એ મધુર મુખ, સ્નેહ નીતરની આંખો, એ શ્વેતવસ્ત્રો, અને પેલાં કંકણ, બધું ય નજર સમક્ષ તરવરી રહ્યું.’ મા વિશે તેઓ આગળ લખે છેઃ

મા, કેવાં સ્નેહથી છલકાતાં છો તમે,
તમારો સ્નેહ અમારા સ્નેહની પેઠે નથી ઉછાંછળો કે નથી ઉગ્ર.
એ કંઈ પાર્થિવ પ્રેમ નથી.
પણ એ તો છે સૌમ્યશાંતિ,
સૌનું કલ્યાણ કરતી, કોઈનું ય અમંગળ ન વાંછતી.
લીલાથી પરિપૂર્ણ સોનેરી આભા.
તમે તો છો, પ્રભુની અદ્ભુત કૃતિ.
શ્રીરામકૃષ્ણના પોતાના પ્રેમથી છલકાતું મધુપાત્ર.
મા, તમારી સ્મૃતિ તો છે, સર્વ રાગદ્વેષનાં દ્વન્દ્વોથી પર
કમળપત્રના જળબિંદુની જેવી,
સંસારથી અળગી ને પ્રભુમાં થરકી રહેલી.

નિવેદિતાએ વર્ણવેલા શ્રી શ્રીમાના આ સ્વરૂપમાંથી જ શ્રી શ્રીમાનું સંતત્વ પ્રગટ થઈ રહ્યું છે. સંતત્વનાં લક્ષણો છે; પ્રેમ, કરુણા, ત્યાગ, ઉદારતા, ક્ષમા, તિતિક્ષા, સમભાવ, સહિષ્ણુતા, સર્વનું મંગલ વાંછતી દૃષ્ટિ અને પરમ તત્ત્વમાં સ્થિતિ. શ્રી શ્રીમાના જીવનમાં પળે પળે આ લક્ષણો પ્રગટ થતાં જોવા મળે છે.

સંતત્વની શક્તિ એટલે મનુષ્યની અંદર રહેલા ભગવાનને જગાડવાની શક્તિ. દુરાચારી, પાપી, લંપટ અને કાદવથી ખરડાયેલાંઓને ભક્તમાં પલટાવવાની શક્તિ. સંતત્વની શક્તિ એટલે પશુતાને માનવતામાં જ નહીં પણ દિવ્યતામાં રૂપાંતરિત કરવાની શક્તિ. શ્રી શ્રીમામાં રહેલી આ મહાન શક્તિ વિશે શ્રીરામકૃષ્ણ જાગ્રત હતા. તેથી જ પોતાના લીલાકાળ દરમિયાન તેઓ સમયે સમયે શ્રીમાની આ આધ્યાત્મિક શક્તિ પ્રગટ થાય તે માટે પ્રયત્ન પણ કર્યે જતા હતા. તે સમયે શ્રીરામકૃષ્ણને ગળામાં દર્દ વધી ગયું હતું. શ્રી શ્રીમા તેમની પાસે બેઠાં હતાં. તે સમયે શ્રીરામકૃષ્ણ એમની સામે જોઈ રહ્યા. માને થયું કે તેઓ કંઈ કહેવા ઇચ્છે છે એટલે તેમણે કહ્યું : ‘તમે શું કહેવા ઇચ્છો છો? કહોને!’ ત્યારે શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘શું તમે કંઈ જ કરવાનાં નથી? બધું આને (પોતાના શરીરને બતાવીને) એકલા હાથે જ કરવું પડશે?’

‘હું સ્ત્રી છું. હું શું કરી શકું?’

‘ના, ના, તમારે ઘણું કરવું પડશે.’ આમ કહીને શ્રીરામકૃષ્ણે શ્રી શ્રીમાને એમના ભાવિ કાર્યનો નિર્દેશ કરી દીધો. ફરી એક સમયે તેમણે કહ્યું ‘જુઓ, કલકત્તાના લોકો કીડાની જેમ અંધારામાં સબડે છે. તમે એમને સંભાળજો.’ ત્યારે માએ ફરી એમને એ જ કહ્યું કે ‘હું સ્ત્રી છું, હું શું કરી શકું?’ ત્યારે શ્રીરામકૃષ્ણે પોતાનું શરીર બતાવીને કહ્યું, ‘આખરે આ શરીરે શું કર્યું છે? તમારે આનાથી ઘણું વધારે કરવું પડશે.’ અને આપણે જાણીએ છીએ કે શ્રીરામકૃષ્ણના લીલા સંવરણ બાદ શ્રી શ્રીમાનું આધ્યાત્મિક સ્વરૂપ પૂર્ણપણે પ્રકાશી ઊઠ્યું. સંઘમાતા, ગુરુ, સંત અને દેવીશક્તિ આ ચાર સ્વરૂપો શ્રીરામકૃષ્ણના તિરોધાન પછી જ પ્રગટ થયાં.

સાધુ નાગમહાશયે કહ્યું હતું, ‘પિતા કરતાં માતા વધુ દયાળુ છે.’ આ વિધાન એમના એકલા માટે જ યથાર્થ નહોતું, પણ સહુ કોઈ માટે આ વિધાન સાચું હતું. શ્રી શ્રીમાની કરુણા અને કૃપા તેમની સમીપ આવનાર સર્વ પર સમાનભાવે વહેતી હતી. શ્રીમાના સાંનિધ્યમાં આવનાર વ્યક્તિ ગમે તેવી હોય પણ બદલાઈ જતી. તેના જીવનની ગતિ ઊર્ધ્વ તરફ થઈ જતી. શ્રી શ્રીમાની આ દિવ્યશક્તિ જન્મજાત હતી. પણ શ્રીરામકૃષ્ણના સાન્નિધ્યમાં આવ્યા પછી તે વિકસી. પણ એ પહેલાં પણ આ શક્તિનું પ્રાગટ્ય ક્યારેક ક્યારેક થયેલું જોવા મળે જ છે. તેલોભેલોના મેદાનમાં, સાંજના સમયે તેમની સાથીદાર સ્ત્રીઓ આગળ નીકળી જતાં સોળ વરસના શારદાદેવી એકલાં ચાલી રહ્યાં હતાં અને બાગદી લુંટારાએ જ્યારે એમને પૂછ્યું કે ત્યાં કોણ છે? ત્યારે સહેજ પણ થડકાટ વગર તેમણે કહ્યું હતું, ‘બાપુ, એ તો હું તમારી દીકરી શારદા.’ એમના આટલા શબ્દોએ જ એ લુંટારા દંપતીનું હૃદય પરિવર્તન કરી દીધું. ત્યારે તો તેઓ હજુ શ્રીરામકૃષ્ણને મળવા દક્ષિણેશ્વર જઈ રહ્યાં હતાં. ફક્ત આટલા શબ્દો કોઈનું હૃદય પરિવર્તન કરી શકે ખરા? પણ ના. એ શબ્દો નહોતા. એ શબ્દોની પાછળ પ્રેમની શક્તિ હતી. પરિવર્તનની શક્તિ હતી. એ શક્તિએ લુંટારા દંપતીમાં વાત્સલ્યભાવ જાગૃત કર્યો અને તેમણે આખી રાત દીકરી શારદાનું જતન કર્યું. આ હતું શ્રી શ્રીમાની પરિવર્તનકારી સંત-શક્તિનું પ્રથમ પ્રાગટ્ય. પછી તો શ્રી શ્રીમાનું જીવન સંસારી જનોનાં દુઃખ, સંતાપ, ઉદ્વેગ અને ચિંતાને દૂર કરી, એમના જીવનમાં સાચા સુખ શાંતિ માટે પ્રભુપ્રીતિ જગાડવામાં જ વીત્યું.

શ્રી શ્રીમા જ્ઞાનદાયિની હતાં, મુક્તિદાયિની હતાં. તેમણે હજારોને મંત્ર દીક્ષા આપી. અધ્યાત્મજ્ઞાન આપ્યું. તેમના પાપ-તાપ સહન કર્યાં. છેવટની માંદગી વખતે તેમણે એક ભક્તને કહ્યું હતું; ‘તમે શું ધારો છો? ઠાકુર આ શરીરને બહુ દિવસ ટકાવી ન રાખે તો પણ જેનો મેં ભાર લીધો છે, તેમાનાં એકને પણ મુક્તિ મળવી બાકી રહે, ત્યાં સુધી મને કંઈ રજા મળવાની છે? મારે એમની સાથે રહેવું જ પડશે. એમનાં પાપ-પુણ્યોના ભારનો મેં સ્વીકાર કર્યો છે. દીક્ષા એ કંઈ રમત નથી. કેટલો બોજો માથા પર લેવો પડે છે? ને તેને માટે કેટલી ચિંતા કરવી પડે છે? જેમને મેં મારા પોતાના તરીકે સ્વીકાર્યા છે, એમને હું દૂર ફેંકી શકું નહીં.’ અને મા પાસે આવનારાઓની સંખ્યા તો વધતી જતી હતી. કૃપામયી માએ બધાંનાં પાપ-તાપ પોતાના શિરે લઈને પોતાની પાસે આવનાર સર્વને દુઃખોથી મુક્ત કરી દીધાં હતાં. આ વિશે માએ બ્રહ્મચારી રાસબિહારીને કહ્યું હતું; ‘મંત્ર દ્વારા એકમાંથી બીજામાં શક્તિનો સંચાર થાય, ગુરુની શક્તિ શિષ્યમાં આવે, શિષ્યની ગુરુમાં આવે . તેથી તો મંત્ર આપવાથી શિષ્યના પાપ લેવાં પડે. શરીરમાં કેટલાય રોગો થાય. ગુરુ થવું બહુ આકરું છે. શિષ્યનાં પાપો લઈ લેવાં પડે છે.’ આ જાણતાં અને અનુભવતાં હોવાં છતાં પણ માએ સર્વના કલ્યાણ માટે પોતાના ઉપર પાપનો ભાર ઉઠાવી લીધો હતો. એટલે તો સ્વામી પ્રેમાનંદે શ્રી શ્રીમાની આ પરમ ઉદારતા અને કરુણા વિશે કહ્યું હતું કે; ‘ઠાકુર શિષ્યોની પસંદગીમાં સાવધાની રાખતા. કસોટી કરીને પછી સ્વીકારતા. જ્યારે મા તો પાસે આવનાર સર્વનો પ્રેમથી સ્વીકાર કરી એના જીવનનો બોજો ઉઠાવી લેતાં હતાં.’

એક દિવસ દુર્ગાષ્ટમીના દિવસે યોગીનમાએ જોયું તો શ્રી શ્રીમા ગંગાના પાણીથી પોતાના પગ વારંવાર ધોતાં હતાં. તેમણે કહ્યું: ‘અરે મા આ શું કરો છો? તમને શરદી થઈ જશે.’ ત્યારે શ્રીમાએ કહ્યું હતું; ‘શું કરું યોગીન? કેટલાંક આવીને પ્રણામ કરે છે, ત્યારે પગ ઉપર કોઈએ દેવતા નાખ્યો હોય તેવું લાગે છે, તેથી ગંગાજળમાં પગ ધોયા વગર કળ વળતી નથી.’ તેથી એક ભક્તે માને સલાહ આપી; ‘મા, ભક્તોના સ્પર્શથી પીડા થાય છે તો પછી સ્પર્શ ન કરવો જોઈએ.’ ત્યારે માએ તેને કહ્યું; ‘ના દીકરા, આ કામને માટે તો અમે આવ્યાં છીએ અમે જો પાપ અને કષ્ટ નહીં લઈએ, નહીં પચાવીએ તો બીજું કોણ પચાવશે? પાપી-તાપીઓનો ભાર કોણ સહન ક૨શે?’ આમ અન્યોનાં પાપ, તાપ, દુઃખથી પોતાના શરીરને કષ્ટ થતું હોવા છતાં માએ પોતે એ બધું સ્વીકારીને તેમની પાસે આવનારા સર્વને સુખ-શાંતિ આપ્યાં.

પોતાની તબીયત સારી ન હોય તો પણ મા પોતાની પાસે આવેલા ભક્તના કલ્યાણ માટે તેને દીક્ષા આપતાં. લોકોનાં દુઃખ જોઈને તેમનું હૃદય દ્રવી જતું. તેમણે પોતે જ કહ્યું હતું; ‘હું એમ વિચારું છું કે આ શરીરનો નાશ તો થવાનો જ છે, પણ લોકોનું કલ્યાણ થવું જોઈએ. શરી૨ જવાનું છે, તો ભલે જાય, પણ મંત્ર આપી દેવા દો.’ આ મંત્ર આપીને મા તેમની સમીપ આવનારની આત્મિક જવાબદારી ઉઠાવી લેતા હતાં.

તે સમયે મા જયરામવાટીમાં હતાં. સંધિવાને લઈને તેઓ ચાલી પણ શક્તાં ન હતાં. પણ એ સ્થિતિમાં ય માને શ્રીઠાકુરને પ્રાર્થના કરતાં સ્વામી ગૌરીશાનંદે સાંભળ્યા; ‘હે ઠાકુર, આજનો દિવસ વૃથા ગયો. કોઈ ન આવ્યું. તમે તો કહેતા હતા કે તમારે રોજ ને રોજ કંઈક કરવું પડશે.’ અને ગૌરીશાનંદે જોયું કે બીજે દિવસે ત્રણ ભક્તો મા પારો જ્ઞાન લેવા આવી પહોંચ્યા. આમ આ જ્ઞાનદાત્રી, કલ્યાણી, શુભંકરી માતાનો એક પણ દિવસ સુષુપ્ત આત્માઓને જાગૃત કર્યા વગરનો વીતતો ન હતો.

દીક્ષા આપ્યા પછી પણ મા પોતાના દીક્ષિત સંતાનોનું અમંગલ ન થાય તે માટે તેઓ પોતે જપ કરતાં. નાદુરસ્ત તબિયત છતાં પરોઢિયે ત્રણ વાગે ઊઠીને તેઓ જપ કરતાં. અશક્ત શરીરે બેસી શકાતું નહીં તો તેઓ સૂતાં સૂતાં પણ જપ કરતાં. આથી એક ભક્તે પૂછ્યું: ‘મા, તમારે જપ કરવાની શી જરૂર છે?’ ત્યારે તેમણે કહ્યું; ‘છોકરાઓ આગ્રહ કરીને દીક્ષામંત્ર લઈ જાય છે, પછી તેઓ નિયમિત જપ કરી શક્તા નથી. પણ મેં એમનો ભાર ઉઠાવ્યો છે, એટલે એમના માટે જપ કરું છું! પ્રભુ પાસે એમના માટે પ્રાર્થના કરું છું કે હે ઠાકુર એમનું અજ્ઞાન દૂર કરો. એમને મુક્તિ આપો. ઇહલોકમાં અને પરલોકમાં એમની સંભાળ રાખો. આ સંસાર દુઃખમય છે, એમને ફરી જન્મવું ન પડે તે જોજો.’ માની કેવી અપાર કરુણા! દુઃખમય સંસારમાંથી પોતાનાં સંતાનોને મુક્તિ મળે, પરમાત્મામાં ચિરસ્થાન મળે તે માટે આ મુક્તિદાયિની માતાએ પોતાની સમીપ જે આવ્યાં, તેમને પોતાની અંદર ધારણ કરી લીધાં અને શ્રીરામકૃષ્ણ પાસે એમના માટે મુક્તિ માગી! જન્મદાત્રી માતા પણ આવું કાર્ય પોતાના બાળક માટે કરતી હોતી નથી. એક ભક્તે માને પૂછ્યું: ‘મા, તમારાં તો કેટકેટલાં સંતાનો છે? બધાનાં નામ તમને યાદ હોય છે?’ મા એ કહ્યું: ‘જેમનાં નામ યાદ હોય તેમના માટે જપ કરું છું. જેમનાં નામ યાદ ન હોય તે માટે ઠાકુરને પ્રાર્થના કરું છું કે ‘હે ઠાકુર, મારાં સંતાનો ઘણી જગ્યાએ રહે છે, જેનાં નામો મને યાદ પણ નથી આવતાં. તમે એમની સંભાળ રાખજો. તેમનું કલ્યાણ થાય તેમ કરજો.’ આમ મા સાથે જેનો એક વાર પણ જીવનમાં સંપર્ક થયો, તેઓ ભવસાગરને સહેલાઈથી પાર કરી ગયા!

માની આધ્યાત્મિક શક્તિનો સ્રોત ગંગાના સ્રોતની પેઠે સર્વ પ્રત્યે સમાનભાવે વહેતો હતો. તેમાં ઉચ્ચ-નીચ, ગરીબ-તવંગર, સજ્જન-દુર્જનના કોઈ જ ભેદ નહોતા. જયરામવાટીમાં જ્યારે માનું ઘર બંધાતું હતું ત્યારે તેમાં મુસ્લિમ મજૂરો પણ કામ કરતા હતા. તેઓ લૂંટફાટ કરનારા હતા, સૌ કોઈ તેમને ધિક્કારતા પણ માના સંપર્કમાં આવ્યા ને તેઓ બદલાઈ ગયા. એક મુસલમાન મજૂર છાપરા ઉપર કામ કરી રહ્યો હતો. બપોર થઈ ગયા તો પણ તેણે કામ ચાલુ રાખ્યું. તે જમવા માટે પણ નીચે ન આવ્યો. ઘણો સમય થઈ ગયો. પછી નીચેથી કોઈએ તેને કહ્યું: ‘હવે તો નીચે ઊતર. માને ક્યાં સુધી ભૂખ્યાં રાખીશ?’ અને એ મજૂરની આંખમાં આંસુ આવી ગયા. ‘હું નથી જમ્યો એટલે મારા જેવા તુચ્છ મજૂર માટે ખુદ મા ભૂખ્યાં રહ્યાં?’ અને તે છલાંગ મારીને છાપરા પરથી નીચે ઊતર્યો અને આંસુભરી આંખે માની માફી માગી. માની આ પ્રેમની શક્તિએ એને પલટાવી દીધો. આ મુસલમાન ધાડપાડુ અમજદને શ્રી શ્રીમાએ અંતરના પ્રેમના આ ‘જાદુઈ દંડ’થી પલટાવી દીધો હતો. એમની ભત્રીજી નલિનીએ અમજદના ભાણામાં દૂરથી રોટલી ફેંકી. માએ જોયું ને બોલી ઊઠ્યાં: ‘અરેરે, નલિની, આવી રીતે તે કોઈને જમાડાય? આમ પી૨સે તો માણસ કેવી રીતે ખાઈ શકે?’ પછી માએ પોતે તેને ખવડાવ્યું એટલું જ નહીં પણ એની એંઠી પાતળ પણ ઉપાડી લીધી. એ જોઈને પછી નલિનીએ કહ્યું: ‘અરેરે, ફોઈબા, તમારી તો જાત જ ગઈ.’ અજ્ઞાન નલિની માના આધ્યાત્મિક પ્રેમપ્રવાહને જોઈ શક્તી ન હતી. એટલે જ માએ તેને કહ્યું: ‘જેવો શરત્ મારો પુત્ર છે. તેવો જ અમજદ પણ છે.’ માને મન તો કોઈ જ ભેદ નહોતો. એમના પ્રત્યે શ્રદ્ધા ભક્તિ ધરાવનાર, ખુલ્લા થનાર સહુ કોઈ પોતાની પાત્રતા પ્રમાણે એ પ્રેમને ઝીલી શકતા હતા. એમ તો માના ભાઈ કાલી ચરણ, કાકા નીલ માધવ, પગલીમામી સુરબાલા કે ભત્રીજીઓ નલિની, માકુ કે રાધુ – આ કોઈ માના સ્વરૂપને ઓળખી શક્યાં ન હતાં. તેથી જ આ પરિવર્તનકારી દિવ્યપ્રેમથી વંચિત રહી ગયાં હતાં. પણ એમ છતાંય માની કૃપાને કરુણા તો સર્વ પ્રત્યે સમાનભાવે વહી રહી હતી.

દારૂડિયો પદ્મવિનોદ અર્ધી રાત્રે માના ઘર આગળ ઊભો રહીને બૂમો પાડી કહેતો, ‘મા, મા, તમારે દ્વારે આવીને ઊભો છું. દયામયી, આ દીન પર શું તમારી કૃપા નહીં થાય? કુટિરના દ્વાર ખોલો. મા, દ્વાર ખોલો.’ ભલે તેના પગ દારૂના ઘેનમાં લથડિયા ખાતા હતા, તે બૂમો પાડતો, પણ તેના આત્માનો પોકાર અર્ધી રાત્રીએ પણ માને સંભળાતો હતો. તેના આર્ત પોકારે મા ફટાક દઈને પોતાના ઝરુખાનું બારણું ખોલીને ત્યાં આવી જતાં ને કરુણામયી માનાં દર્શન કરતાં જ પદ્મવિનોદ નીચે ધૂળમાં આળોટવા લાગતો. માની અમીદ્રષ્ટિ પડતાં પછી તે શાંત થઈ જતો. દર્શન આપી મા ચાલ્યા જાય પછી તે પોતાના મિત્ર સ્વામી શારદાનંદને બૂમો પાડી ચીડવતો કે ‘તારા કરતાં મા મને અધિક પ્રેમ કરે છે!’ આમ દારૂડિયો હોય કે સર્વત્યાગી સંન્યાસી હોય માનો પ્રેમ તો સર્વ પ્રત્યે વહેતો રહેતો. માએ પોતે જ કહ્યું હતું કે ‘હું સજ્જનોની પણ માતા છું અને દુર્જનોની પણ. જો પોતાનું બાળક કાદવથી ખરડાઈ જાય તો માએ જ તેને સાફ કરીને લેવું પડે છે.’ કાદવથી ખરડાયેલાં, કીચડમાં પડેલાંને માએ પ્રેમથી ઉઠાવીને સ્વચ્છ કરી તેમને સાચા રસ્તા પર મૂકી દીધાં.

એક યુવક વિધવાના પ્રેમમાં પડ્યો. ભક્તોએ કહ્યુંઃ ‘મા, એ તો ભ્રષ્ટ છે, એને તમારી પાસે ન આવવા દો.’ ત્યારે માએ કહ્યું: ‘હું મા થઈને એને કેવી રીતે ના પાડું કે તું મારી પાસે ન આવતો.’ તે યુવક મા પાસે આવતો રહ્યો. માના પ્રેમપ્રવાહમાં તેના મનની બધી જ વિકૃતિઓ ધોવાઈ ગઈ. તે તો શુદ્ધ બન્યો પણ સાથે પેલી વિધવા સ્ત્રીનું જીવન પણ ધર્મપરાયણ બની ગયું. બીજી એક ઉચ્ચ કુળની સ્ત્રી ભૂલ કરી બેઠી. માએ તેને પોતાને મળી જવા ખાસ બોલાવી. તે આવી તો ખરી પણ મા પાસે આવતાં તેને ખૂબ જ સંકોચ થતો હતો. તે દરવાજાની બહાર ઊભી હતી. તેણે ત્યાંથી જ આંસુભરી આંખે માને કહ્યું: ‘મા, મારી શી ગતિ થશે? આ પવિત્ર મંદિરમાં પ્રવેશ કરવાની અને તમારી પાસે આવવાની મારી પાત્રતા નથી.’ તે ત્યાં દરવાજામાં જ સ્થિર ઊભી રહી ગઈ. પણ ત્યાં તો તેના આશ્ચર્ય વચ્ચે મા પોતે તેની પાસે આવ્યાં અને પોતાના પવિત્ર હાથ તેને ગળે વળગાડીને બોલ્યાં; ‘દીકરી, ચાલ અંદર આવ. પાપ કોને કહેવાય એ હવે તું બરાબર સમજી છો. તને હવે પશ્ચાતાપ થાય છે. આવ, તને મંત્રદીક્ષા આપું. ઠાકુરને ચરણે બધું જ ધરી દે. તને હવે ભય શેનો?’ એ પતિતાને માએ પવિત્રતા બક્ષી દીધી. એટલે જ તો તેઓ પતિતોદ્ધારિણી હતાં!

એક વખત મા કલકત્તા આવતાં હતાં. રસ્તામાં વિષ્ણુપુરના સ્ટેશને મા ઊતર્યાં. એક કુલીએ માને જોયાં અને દોટ મૂકીને આવ્યો ને માના ચરણમાં પડી ગયો ને બોલ્યો, ‘તું જ મારી જાનકી માતા છો.’ તે અભણ હતો. માને તેણે ક્યારેય જોયાં ન હતાં, છતાં એના આત્માએ માને ઓળખી લીધાં અને માએ પણ તેના આત્માનો પોકાર સાંભળી લીધો. તેનું ભાગ્ય ખૂલી ગયું. માએ ત્યાંથી ફૂલો મગાવ્યાં અને તે કુલીને કહ્યું: ‘મારા ચરણમાં મૂક.’ અને સ્ટેશનના પ્લેટફોર્મ ૫૨ માએ તેને મંત્રદીક્ષા આપી. સ્થળ કે કાળનાં બંધનો માને ક્યાં હતાં? દીક્ષાવિધિ, સમય, સંયોગો, બધું જ આત્માના પોકાર આગળ ગૌણ બની જતું. સાચો પોકાર હોય તો મા કોઈ પણ જાતના બાધ વગર મંત્રદીક્ષા આપતાં. એક દસ વરસના બાળકને મા પાસે મંત્રદીક્ષા લેવી હતી. ‘આવડો બાળક શું જાણે મંત્ર-તંત્રની વાત?’ કહીને ગોલાપમાએ તેને ચોખ્ખી ના પાડી દીધી. પણ એ બાળક તો આખો દિવસ બહાર બેસી રહ્યો. બીજે દિવસે પણ આવ્યો ને બહાર ભુખ્યો- તરસ્યો બેસી જ રહ્યો. ભાવગ્રાહી માને કંઈ ખબર પડ્યા વગર રહે ખરી? બાળકને પોતાની પાસે બોલાવ્યો અને પછી તે આનંદથી ઉછળતો મંત્રદીક્ષાની સામગ્રી લેવા બજારમાં ગયો. મા પાસેથી તેને મંત્રદીક્ષા મળી! માએ વય, જાતિ, ધર્મ કે વર્ણનો ક્યારેય વિચાર કર્યો નથી. તેમણે ફક્ત અંતરનો ભાવ જોયો અને પોતાની સમીપ આવનાર સર્વને પ્રેમથી ઊંચકીને પતિતપાવની ગંગાની જેમ પવિત્ર બનાવી દીધા.

જ્યારે સ્વામી વિવેકાનંદની વિદેશી શિષ્યાઓ માને મળવા ગઈ, ત્યારે સ્વામીજીને મનમાં આશંકા હતી કે તેમનો યોગ્ય સત્કાર કદાચ નહીં થાય. કેમ કે માના અંતઃપુરમાં ગોપાલની મા, ગોલાપમા, યોગીનમા, આ બધી ચુસ્ત બ્રાહ્મણ વિધવાઓ કોઈને ય અડકતી નહીં. છૂતાછૂતના ભારે ભેદ હતા. કઠોર આચાર સંહિતાનું પાલન કરવામાં આવતું હતું. પરંતુ માએ તો કોઈ જ ભેદ રાખ્યો નહીં. સ્વામીજીની આ વિદેશી શિષ્યાઓને ગળે લગાડી ચૂંબન કર્યું. એટલું જ નહીં પણ એમની સાથે ભોજન પણ લીધું. માના હૃદયની આવી વિશાળતા અને ઉદારતાથી તો સ્વામીજી પણ આશ્ચર્યચકિત થઈ ગયા! એમણે શશિમહારાજને પત્રમાં લખ્યું હતું: ‘શશિ, તું માની શકે છે કે માએ વિદેશી શિષ્યાઓ સાથે ભોજન લીધું. કેવી ઉદારતા!’ સંતને કોઈ સીમાડા હોતા નથી. આધ્યાત્મિકતા એ કોઈ વાડામાં પૂરાયેલી નથી. એ તો છે મુક્ત, સહજ, સરલ. માએ આધ્યાત્મિકતાની જીવંત પ્રતિમૂર્તિ હતાં.

સમાજ જેને માનની નજરે જોતો નથી. જેની ઉપેક્ષા કરે છે એવી પતિતાઓ પણ માની પાસે આવતી ને માના આશીર્વાદથી નવું જીવન પામતી. નાટકની અભિનેત્રીઓ અને અભિનેતાઓ પણ આવતા. મિનરવા થિયેટરના અપરેશચંદ્રને મા પ્રત્યે ખૂબ ભક્તિભાવ હતો. તેમના થિયેટરની તારાસુંદરી, તિનકોરી, આ અભિનેત્રીઓ મા પાસે આવતી. મા તેને ભોજન કરાવતાં. પાનસોપારી આપતાં. મા પાસેથી તેઓ શાંતિ અને આનંદનું ભાથું મેળવી પાછી જતી. અપરેશચંદ્રે આ વિશે લખ્યું છેઃ ‘સામાન્ય માણસો માત્ર બાહ્ય આવરણને જ ધ્યાનમાં લે છે, માત્ર ઈશ્વર જ મનુષ્યના આંતરિક સત્ત્વને ધ્યાનમાં લે છે. એ હકીકતને હું સમજી શક્યો છું કે માની કરુણા શ્રીરામકૃષ્ણના બધા ભક્તો માટે જે છે, તે જ પતિત સ્ત્રીઓ અને રંગમંચની અભિનેત્રીઓ માટે પણ છે. માએ તેમને પોતાના ખોળામાં સ્થાન આપ્યું છે. કરુણા કોઈ નિયમ કે કાયદો પાળતી નથી. તે યોગ્યતા કે અયોગ્યતાનાં બંધનો પણ સ્વીકારતી નથી. એ તો દરેકને શુદ્ધ કરે છે, પવિત્ર કરે છે, દિવ્ય બનાવે છે.’ માએ કૃપાધારા વહાવીને શ્રીરામકૃષ્ણે એમને સોંપેલું કાર્ય, કીડાની માફક અંધકાર અને અજ્ઞાનમાં સબડતા લોકોના ઉદ્ધારનું કાર્ય જીવનપર્યંત કર્યું.

માની કૃપાદૃષ્ટિથી સંસારીઓએ દુઃખમાં શાતા મેળવી છે. ત્યાગીઓ અને મુમુક્ષુઓએ સાધનામાં સહાય મેળવી છે. શ્રીરામકૃષ્ણનાં સંતાનોનાં જીવન તો માની વાત્સલ્યમ છાયામાં પૂર્ણપણે વિકસ્યાં છે. માની એ કૃપાધારા આજે પણ વહી રહી છે. સ્વામી અશેષાનંદ લખે છે; ‘આજે સિત્તેર વર્ષ પછી મને સ્પષ્ટ કળાય છે કે શ્રીમા મારી ચેતનામાં જીવંત છે. અને આ સંસાર સાગરને પાર કરી ચિરંતન જ્યોતિ અને આનંદના રાજ્યમાં લઈ જવા તેમની વરદ્ હસ્ત મારા શિર પર સદાય મંડાયેલો છે. માટે મેં જોયાં છે. એમનો પવિત્ર શબ્દ મારા કાને સાંભળ્યો છે. માત્ર હોઠના જપથી નહીં, પણ અંતરના જપથી મને અંધારામાં તેજ મળ્યું છે. નિરાશામાં આશા સાંપડી છે. જીવનના ઝંઝાવાતોમાં શાંતિ મળી છે. મા શક્તિનો આધાર અને પ્રેરણાનો કદી નિષ્ફળ ન જનાર સ્રોત બની રહ્યાં છે.’

આજે ભલે મા સ્થૂલદેહે નથી, પણ તેમની ચૈતન્યશક્તિ આજે પણ, જો આપણે શ્રદ્ધા-ભક્તિથી તેનું આવાહન કરીએ તો તે શક્તિનો આધાર અને પ્રેરણાનો કદી નિષ્ફળ ન જનાર સ્રોત બનીને આપણાં સામાન્ય જીવનમાંથી આપણને ઊંચકીને ઉચ્ચ આધ્યાત્મિક જીવનમાં પ્રતિષ્ઠિત કરી દે છે. મનુષ્યોને દિવ્યતા અર્પવા માટે શ્રીરામકૃષ્ણદેવના લીલા સહધર્મચારિણી સ્વરૂપે આવેલી એ મહાશક્તિને તેના પાર્થિવ જન્મદિવસે… શતશઃ પ્રણામ.

Total Views: 179

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.