[શ્રીમત્ સ્વામી અભયાનંદજી મહારાજ રામકૃષ્ણ મઠના એક વરિષ્ઠ સંન્યાસી અને ટ્રસ્ટી છે. હાલમાં જ તેમણે એકસો વર્ષ પૂરાં કર્યાં. તેઓ ‘ભરત મહારાજ’ના નામથી સર્વત્ર પ્રખ્યાત છે. તેમણે શ્રી શ્રી મા શારદામણિદેવી પાસેથી મંત્રદીક્ષા લીધી હતી. અને શ્રી રામકૃષ્ણદેવના ઘણા અંતરંગ શિષ્યો સાથે ગાઢ સંપર્કમાં આવવાની તક તેમને સાંપડી હતી. શ્રી શ્રી મા વિશેનાં તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, દિલ્હી દ્વારા પ્રકાશિત “Sri Sarada Devi : The Great Wonder” ગ્રંથમાંથી લેવામાં આવેલ છે.]
ભાષાંતરકાર – ડૉ. ચેતના માંડવિયા
એક દિવસ હું કલકત્તા ગયો. બાબુરામ મહારાજે (સ્વામી પ્રેમાનંદે) મને કહેલું કે, તેઓ પોતે બલરામબાબુના* ઘેર રહેવાના છે અને મને પણ ત્યાં આવીને એક રાત માટે રહેવાનું કહ્યું. આથી સાંજે હું ત્યાં ગયો. એ દિવસોમાં કલકત્તામાં રહેવા માટે બીજું કોઈ સ્થળ હતું નહિ. બલરામબાબુનું ઘર સાધુઓનું એકમાત્ર એવું આશ્રયસ્થાન હતું કે, જ્યાં જઈ શકાય, જમી શકાય, રોકાઈ શકાય અને માંદગી વખતેય રહી શકાય. તેમનું આખું કુટુંબ સાધુઓની ખૂબ કાળજી લેતું. તે સાંજે તેમને ઘેર મેં એક ખૂબ ઊંચા યુવાનને જોયો. હું તેને ઓળખતો નહોતો, પણ બાબુરામ મહારાજ ઓળખતા હોય એમ લાગ્યું. પછી મને મહારાજે કહ્યું, “જો, એ આજે જ આવ્યો હોવાથી તારે કંઈક કરવું પડશે. આ છોકરો કલકત્તા વિષે કંઈ જાણતો નથી અને આવતી કાલે શ્રીમા પાસેથી મંત્રદીક્ષા લેવાનો છે. આથી આવતી કાલે સવારે તારે એની સાથે જવાનું છે. એને ‘ઉદ્બોધન’ની પાસે નદીકિનારે લઈ જા. અને પહેલાં તમે બંને સ્નાન કરજો, પછી ઉદ્બોધન જઈ શરત્ મહારાજને કહેજે કે, એને મંત્રદીક્ષા આપવાની છે. આટલું તું કરી શકીશ ?”
“હા મહારાજ, શા માટે નહીં ?” મેં કહ્યું અને પછી હું સૂવા માટે ગયો.
મળસ્કા પહેલા બાબુરામ મહારાજ ઊઠીને તે વખતે ત્યાં રહેલા બીરેનને અવાજ દેવા લાગ્યા : “બીરેન, ઊઠ, ઊઠ. તારે ગંગાસ્નાન કરીને મંત્રદીક્ષા માટે જવાનું છે.” પછી મને કહેવા લાગ્યા, “ઊભો થઈને મોં ધોઈ આવ.” અંધારામાં જ હું ઊઠ્યો અને મોં ધોઈને તૈયાર થઈ ગયો. જેવો હું સીડી ઊતરીને નીચે આવ્યો, કે બાબુરામ મહારાજે મને પાછો બોલાવ્યો. “સાંભળ ! એક ક્ષણ થોભ ! તેં મંત્રદીક્ષા લીધી છે ? તું દીક્ષા લઈ લે. આ બાબત મેં મહારાજ (સ્વામી બ્રહ્માનંદ)ની સાથે વાતચીત કરી લીધી છે. અને મને યાદ છે કે, એમણે દીક્ષા લેવાનું કહેલું.” તેમણે ઉમેર્યું, “તું મારું માનીશ ને ? મારું માન રાખીશ ને ?”
“મહારાજ, આજ્ઞા કરો.” મેં જવાબ આપ્યો. તેમણે કહ્યું, “શ્રીમા પાસેથી દીક્ષા લે.”
“પણ હું એમની પાસેથી દીક્ષા શી રીતે લઉં ? તેઓ તે મને ઓળખતાં પણ નથી. હું જઈશ, અને તેમને પ્રણામ કરીને પાછો આવતો રહીશ.” મેં સામો પ્રશ્ન કર્યો.
“નહીં, તેઓશ્રી તને ઓળખે છે.” આ તેમનો ઉત્તર હતો. “પણ હું શું બોલીશ ?” મેં આજીજી કરી. તેમણે ચાલુ રાખ્યું : “તું જા અને શરત્ મહારાજને વાત કર. તેઓ તને ઓળખે છે.” “હા, બરાબર ઓળખે છે. આ પહેલા શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ)ની માંદગી વખતે થોડો સમય મેં તેમની શુશ્રુષા કરી હતી, પણ તેમણે જલદી દેહ છોડી દીધો. એ વખતે મેં એ સેવા બદલ પ્રશંસા મેળવેલ.”
બાબુરામ મહારાજે કહ્યું, “શરત્ મહારાજ તને સારી રીતે ઓળખે છે. તેઓ તારાથી ખૂબ ખુશ છે. ફક્ત થોડા સમય અગાઉ જ તેં શશી મહારાજની ઘણા દિવસો સુધી આકરી મહેનત કરીને સેવા કરેલી. શરત્ મહારાજને તારા ઉપર ખૂબ માન છે.” “હું આ વિષે કંઈ જાણતો નથી.” મેં કહ્યું. “ગમે તેમ, તું આને લઈ જા અને તારા માટે પણ નવાં વસ્ત્ર લેતો જા. બંને જણ સ્નાન કરીને ઉદ્બોધન જજો. અને તું શરત્ મહારાજને કહેજે કે, બાબુરામ મહારાજે તમને શ્રીશ્રીમાને કહેવાનું અને મંત્રદીક્ષા માટે વ્યવસ્થા કરવાનું કહ્યું છે.” આ તેમનો આદેશ હતો.
મેં મહારાજ (સ્વામી બ્રહ્માનંદજી)ને મને માર્ગદર્શન આપવા પ્રાર્થના કરેલી. જો કે વિધિવત્ મંત્રદીક્ષા લીધેલી નહિ, ફક્ત આધ્યાત્મિક જીવન માટે માર્ગદર્શન માંગેલું. આ ઉપરાંત સૌ પ્રથમ મારો પરિચય તેમની સાથે જ થયેલો એટલે તેમની પાસેથી મંત્ર-દીક્ષા લેવાની મારી તીવ્ર ઇચ્છા હતી, પણ બાબુરામ મહારાજે એવી રીતે આગ્રહ કર્યો કે, હવે છૂટકો જ નહોતો. “તને મારા ઉપર વિશ્વાસ નથી ? શું તું મને ચાહતો નથી ?” એમણે અધિકારપૂર્વક કહેલું, “આ હું તારા પોતાના ભલા માટે કહી રહ્યો છું. શ્રીમા પાસેથી દીક્ષા લે.” હવે હું શું કહી શકું ? જે આદેશ અપાયો તેનું જ મારે તો પાલન કરવાનું હતું. તેમના શબ્દોને હું પાછા ઠેલી શક્યો નહીં. મેં શરત્ મહારાજ પાસે જઈને વાત કરતાં તરત જ તેમણે કહ્યું, “ચોક્કસ, એમ જ થશે !” તેઓ અમને શ્રીમા પાસે લઈ ગયા. મારી ઓળખાણ આપતાં કહ્યું કે, આણે શશી મહારાજની અથાક સેવા કરી છે વગેરે. શ્રીમાએ કહ્યું, “હા, બેટા. તને મંત્રદીક્ષા મળશે. જા અને નીચે બેસ, હું તને પછી બોલાવીશ.”
દીક્ષાવિધિ શરૂ થયો અને અમને એક પછી એક બોલાવવામાં આવ્યા. મારા સાથીનો વારો પહેલાં આવ્યો. પછી મને બોલાવ્યો. ઉદ્બોધનમાં અત્યારે જ્યાં શ્રીરામકૃષ્ણદેવની પૂજા થાય છે એ જ એ ઓરડો હતો. સામાન્યતઃ શ્રીમાના ચહેરા ઉપર રહેતો પડદો ત્યારે હતો નહિ.
હું અંદર ગયો અને મારી જગ્યા લીધી. થોડા સમય બાદ તેમણે મને થોડા સવાલો પૂછ્યા. મને યાદ છે ત્યાં સુધી મારા ઇષ્ટ અને એને લગતા. મેં કહ્યું, “મને શું ગમે છે અને શું નહિ, એની મને ખબર નથી. આપને જે ગમે તે મને આપો.” “ભલે,” તેમણે કહ્યું, અને થોડી વાર ધ્યાન કર્યા પછી તેમણે મને મંત્ર આપ્યો. મને આશ્ચર્ય થયું, આટલાં વર્ષ હું જે દિશામાં જતો હતો, એ જ દિશામાં લઈ જતો એ મંત્ર હતો ! મેં તેમને મને આ ગમે કે તે, એ વિષે કંઈ કહ્યું જ નહોતું. તેમને ગમે તે જ મને આપે એવું હું ઇચ્છતો હતો. મને ઘણી વસ્તુઓ ગમી શકે, પણ એમણે જે આપ્યું એ તો તે જ હતું કે જેની પાછળ હું મંડી પડ્યો હતો. મારા પથને તેમણે દિવ્ય બનાવી દીધો. આથી હું અપૂર્વ સંતોષ અને મહા આનંદ પામ્યો અને આમ, મને મંત્રદીક્ષા મળી ગઈ.
ગંગાતીરે આવેલા બેલુર મઠમાં રહેવાનું મેં ચાલુ રાખ્યું. બીજે કાંઠે શ્રીમા પોતાનાં સંગાથીઓ સાથે રહેતાં હતાં. એ દિવસોમાં અત્યારની જેમ જ્યારે મન ફાવે ત્યારે મઠની બહાર જઈ શકાતું નહિ. તેથી બાબુરામ મહારાજ જ્યારે મને કંઈક કામ માટે કલકત્તા મોકલતા ત્યારે હંમેશાં કહેતા, “પ્રસાદ માટે શ્રીમાને ઘેર જજે. અને જ્યારે જાય ત્યારે તેમને પ્રણામ કરજે.” તેમને પ્રણામ કરવા એ ખરેખર કઠિન કોયડો હતો. તેમની આજુબાજુ હંમેશાં સ્ત્રીઓ રહેતી. આથી પહેલાં શરત્ મહારાજને મળતું પડતું. પછી શરત્ મહારાજ રાસબિહારી મહારાજને કહેતા અને તેઓ અમને તેમની સાથે લઈ જતા. આ જાતની રીત હતી. આથી મોટે ભાગે આ માટે કોઈને વિનંતી કરવી મને ગમતી નહિ. પણ મને ઘણી વખત મદદ મળી રહેતી. મેં ઓરડામાં દાખલ થઈને જોયું કે, તેમનું મુખ ઢંકાયેલું હતું. જ્યારે તેમણે જાણ્યું કે, હું બેલુર મઠથી આવું છું ત્યારે તેમણે માથા ઉપરથી છેડો થોડો સરકાવ્યો અને કહ્યું, ‘બેટા, તું મઠમાંથી આવે છે ? બાબુરામ કેમ છે ? આપણા મહાપુરુષ મહારાજ શું કરે છે ?’ અને ત્યાર પછી તેમણે મઠની દરેક વ્યક્તિના અરે, નોકરોના પણ કુશળ સમાચાર પૂછ્યા. દરેક વ્યક્તિ વિષે મારે લંબાણથી કહેવું પડ્યું. પણ, આવું તો પ્રસંગોપાત જ બનતું અને આવા પ્રસંગો ખૂબ ઓછા તેમ જ લાંબા ગાળે આવતા. શ્રીમાની સાથે નજીકનો સંબંધ હોવો કે તેમના સાંનિધ્યમાં દિવસો વિતાવવા એવું મારું સદ્ભાગ્ય ક્યારેય નથી રહ્યું.
શ્રીમા એક વખત દુર્ગાપૂજા વખતે બેલુર મઠ આવ્યાં. રાખાલ મહારાજની ગેરહાજરીમાં બધી વ્યવસ્થા બાબુરામ મહારાજની પ્રેરણાથી થઈ હતી. એક ભક્તે પૂજા માટે જરૂરી બધો જ ખર્ચ આપ્યો. પૂજા કરવા માટેની મૂર્તિ કલકત્તાથી હોડી દ્વારા લાવવામાં આવી હતી. મઠના મકાન અને જૂના મંદિરની વચ્ચેની જગ્યામાં પૂજા રાખવામાં આવી હતી. તે માટેની જગ્યાની આજુબાજુ વાંસની ખપાટો ગોઠવી અને તે જગ્યા તાડપત્રી વડે ઢાંકવામાં આવેલી. જો હું ભૂલતો ન હોઉં તો એ વર્ષે શશી મહારાજના પિતાશ્રી ઈશ્વરચંદ્ર ચક્રવર્તીએ તંત્રધારક (જે પૂજારીને મંત્રોચ્ચાર દ્વારા મદદ કરે છે) તરીકે દુર્ગાપૂજા કરાવેલી.
એ પછી ખૂબ ધામધૂમ અને હર્ષ સાથે પૂજાનું આયોજન થયું. એક દિવસ બધા જ ભક્તોને જમાડવામાં આવ્યા. જો કે અત્યારના કરતાં એ વખતે સંખ્યા ઘણી ઓછી હતી. બીજા એક દિવસે બાબુરામ મહારાજે બેલુર મઠની આજુબાજુ રહેતા અને માછલી પકડવાનો ધંધો કરતા બધા જ માછીમારોને જમાડવાની વ્યવસ્થા કરેલી. આવા ગરીબોને શ્રીરામકૃષ્ણદેવનો પ્રસાર ભરપેટે જમાડવામાં તેમને ખૂબ આનંદ આવતો. ખરેખર, તેમના અજોડ ચરિત્રનું આ એક ધ્યાન ખેંચે એવું પાસું હતું. અને લોકોને જમાડવામાં, ખાસ કરીને આવા ગરીબોને જમાડવામાં તેમને ખૂબ આનંદ આવતો. તેઓ કહેતા, “જુઓ, તેઓ શ્રીઠાકુરની પાસે આવે છે, નહિ કે તમારી પાસે. જો તમે ખરેખર શ્રીઠાકુરને ચાહતા હો તો એમની પાસે જે આવે છે તેમને પણ તમારે એ જ દૃષ્ટિથી જોવા જોઈએ. તેમને તમારાં સગાંવહાલાં જેવા જ ગણો. તેમને આદર આપો. ધ્યાન રાખો કે ક્યારેય એમને દુઃખ ન પહોંચે ! આ લોકો પ્રત્યે અમને અણગમો ન ઊપજે એટલા માટે તેઓ આ બધું કહેતા એવું લાગતું. આમાં હું તેમની માણસ-પ્રત્યેક મનુષ્ય પ્રત્યેની અનોખી અને અદ્ભુત લાગણીનાં દર્શન કરતો.
(ક્રમશઃ)
* શ્રી બલરામ બોઝ શ્રીરામકૃષ્ણદેવના ગૃહસ્થ શિષ્ય હતા.
Your Content Goes Here




