(ગતાંકથી આગળ)

શ્રીરામકૃષ્ણની મહાસમાધિથી અક્ષયસેન શોકના ઊંડા સાગરમાં ડૂબી ગયા. તેઓ ભક્તિભાવપૂર્વક રોજ શ્રીરામકૃષ્ણની છબિને ચંદનથી શણગારતા રહેતા અને એકતારા સાથે શ્રીઠાકુરનું ગુણસંકીર્તન કરતા રહેતા. એમની પાસે કોઈ સાહિત્યિક કૌશલ તો ન હતું છતાં પણ શ્રીરામકૃષ્ણ વિશે કશુંક લખવા માટેની તીવ્ર લાગણી તેમને વિવશ બનાવી રહી હતી. અક્ષયને સૌ પ્રથમવાર શ્રીરામકૃષ્ણ પાસે લઈ જનાર દેવેન્દ્રે તેમને શ્રીરામકૃષ્ણના જીવન વિશે લખવા સૂચવ્યું. અક્ષયે પોતાની અદ્‌ભુત કૃતિ ‘રામકૃષ્ણ પૂંથિ’માં દેવેન્દ્રે આપેલા ઉત્સાહની નોંધ લીધી છે. તેઓ લખે છે :

પહેલાં તો નમું ગુરુ દેવેન્દ્ર બ્રાહ્મણ;
જેમની કૃપાથી થયું પ્રભુનું દર્શન.
તેમની કૃપાથી લીલાગ્રંથારંભ થાય;
વેચાયો જનમભર તેમને સદાય.

છતાંયે અક્ષયને પોતાની શક્તિ વિશે શંકા હતી એ તેમણે સ્વામી વિવેકાનંદ આગળ રજૂ કરી. જો કે અક્ષયની ભીતરથી કંઈક એવી પ્રેરણા એને શ્રીરામકૃષ્ણના જીવન વિશે લખવા ધકેલી રહી હતી, છતાં એમને એવું લાગ્યા કરતું કે પોતાની પાસે એટલી સાહિત્યિક ક્ષમતા નથી. એમની નિષ્ઠાને જોઈને સ્વામી વિવેકાનંદે તેમને અંગ્રેજ કવિ કાયેડમનની કથા કહી. કાયેડમન એક નિરક્ષર ભરવાડ હતો. એને વર્ણમાળાનું યે જ્ઞાન ન હતું. એક રાતે એને એક દેવદૂતની ઝાંખી થઈ. અને એ દેવદૂતની કૃપાથી એની કવિત્વશક્તિ જાગી ઊઠી. કાયેડમને શીઘ્ર્ર કવિતાઓ રચી અને જાહેરમાં એ કવિતાઓ અને ગીતોનું ગાન પણ કર્યું.

આ કથામાંથી પ્રેરણા લઈને અક્ષય સેને ૧૮૮૭માં બંગાળી કવિતા લખવાનું શરૂ કર્યું. શ્રીરામકૃષ્ણનું પૂર્વજીવન પૂરું કર્યા પછી તે તેમણે વરાહનગર મઠમાં સ્વામી વિવેકાનંદ આગળ વાંચી સંભળાવ્યું. સ્વામીજી તો એનાથી ખૂબ પ્રભાવિત થયા અને તેમને શ્રીશ્રીમા પાસે લઈ ગયા. તેઓ ત્યારે ભાડાના મકાનમાં બેલૂરમાં રહેતાં હતાં. આ હસ્તપ્રત સાંભળીને શ્રીશ્રીમાએ અક્ષયને આશીર્વાદ આપ્યા. 

મારી સાથે સ્વામીજીનો સંબંધ પ્રકાર;
સંક્ષેપમાં સુણો મન કહું સમાચાર.
દેવેન્દ્રની આજ્ઞા વડે ગ્રંથારંભ થાય;
બાળલીલા પરિચય જે કાળે લખાય.
સ્વામીજી લોકો પાસેથી સુણતાં ખબર;
તેડાવીને લઈ ગયા મઠની અંદર.
મઠ ત્યારે વરાહનગરમાં નૂતન;
મુન્શીઓનું ભૂતિયું મકાન એ ભવન.
લીલા અંશ કરી પાઠ, વિના પ્રતિવાદ;
‘મોટી થશે પોથી’ એમ આપ્યા આશીર્વાદ.
પછી એમ બોલી આપ્યા આશીર્વાદ મને;
પુરાણ લખવા અધિકાર માત્ર તને.
મારામાં તો ન્હોતી ત્યારે ગતાગમ કાંઈ;
સ્વામીજીની વાણી મને નવ સમજાઈ.
પ્રેમિક સંન્યાસી એ તો દૂરદ્દષ્ટિમાન;
નિર્મલ પવિત્ર નેત્રો અતિ જ્યોતિષ્માન.
નિત્યસિદ્ધ સિદ્ધવાક્ દયાળુ સ્વભાવા;
વિઘ્ન વિના રામકૃષ્ણ પુરાણ રચાવા.
કહ્યું બીજા બધા ત્યાગી બંધુઓને વીરે;
ચાલો આને લઈને જઈએ ગંગાતીરે.
બેલુડે બિરાજે જ્યાં શ્રીશારદા જનની;
તેમને સુણાવ્યે કૃપા મળશે તેમની.
સુણી આ પુરાણ માએ આપ્યા આશીર્વાદ.
‘નિર્વિઘ્ને એ પૂરું થશે પુરાશે મુરાદ.’

ત્યાર પછી શ્રીમા જ્યારે કામારપુકુર હતાં, ત્યારે અક્ષય પણ ત્યાં જ હતા. એટલે શ્રીશ્રીમાએ ગામમાં શ્રીઠાકુરને ઓળખતી બધી સ્ત્રીઓને પોતાને ત્યાં આમંત્રણ આપ્યું કે જેથી અક્ષય તેમની સામે પોતાનું પુસ્તક વાંચી શકે. આ પ્રસંગે પણ શ્રીશ્રીમાએ ભાવાવેશની અવસ્થામાં અક્ષયને ફરીથી આશીર્વાદ આપ્યા અને શ્રીઠાકુર વિશે વધુ લખવા કહ્યું. પૂંથિમાં આ વાતને અક્ષયે કાવ્ય સ્વરૂપે આ શબ્દોમાં વર્ણવી છે:

કામારપુકુરે માતા જ્યારે એકવાર;
ત્યારે કૃપા પામિયો હું માતાની અપાર.
સુણો ત્યારે કહું વાત; માએ એક દિન;
તેડાવીઆં બૈરાંઓને ગામનાં પ્રાચીન.
પ્રભુના સમયનાં ને કૃપાને પામેલાં;
શ્રીપ્રભુની લીલાપોથી સુણવાને ઘેલાં.
તે દિવસે લીલાપોથી કરીને શ્રવણ;
કોણ જાણે આવ્યું શું શ્રીમાતાજીને મન.
આશીર્વાદ આપ્યા મને હાથ બે ઉપાડી;
‘મન ભરી ખૂબ લખો પોથી’ બોલ્યાં માડી.
પછી તો માતાએ કરી કૃપા બહુ વાર;
એ બધી વાતોનો કે’તાં આવે નહિ પાર.
લીલાગીતિ રચનામાં હતી જે કૈં શક્તિ;
મારી નહિ એ સંપત્તિ,માતાજીની હતી.

શ્રી શ્રીમા, સ્વામી વિવેકાનંદ અને દેવેન્દ્ર સિવાય પણ આ પૂંથિ રચના માટે ગિરીશઘોષ, સ્વામી યોગાનંદ, સ્વામી નિરંજનાનંદ અને સ્વામી રામકૃષ્ણાનંદ પાસેથી મળેલી ગ્રંથલેખનની સામગ્રી અને પ્રેરણા અક્ષયે કૃતજ્ઞતાપૂર્વક સ્વીકારી. ગિરીશઘોષ વિશે તેઓ લખે છે: 

દ્વિતીય ગિરિશચંદ્ર ઘોષ ભક્તવર;
આપ્યા જેણે ગુપ્ત ગુપ્ત લીલાના ખબર.
અંતરે અંતરે રાખી પ્રેમ મારા પર;
જનમ આખો હું તેનો વેચાયો કિંકર.

શ્રીરામકૃષ્ણદેવના અંતરંગ સંન્યાસી શિષ્ય સ્વામી યોગાનંદ વિશે અક્ષય કાવ્યદેહે આવું વર્ણન કરે છે :

તૃતીય છે યોગાનંદ પ્રેમિક સંન્યાસી;
મારા પર કૃપા જેની થઈ રાશિ રાશિ.
કરુણ પ્રાર્થના જેણે કરી વારે વારે;
મમ મંગલની માતાજીને દરબારે.
સ્વાર્થહીન પ્રીતિ જેણે રાખી મારા પર;
જનમભર છું હું તેનો ખરીદ્યો કિંકર.

એવી જ રીતે સ્વામી નિરંજનાનંદ વિશે પૂંથિમાં એમણે આ શબ્દોમાં વર્ણન કર્યું છે :

ચતુર્થ જે જન તે તો નિત્ય નિરંજન;
સદા મુખે હાસ્યરાશિ ને સરલ મન.
પવિતર કર્યું જેણે મારું જન્મસ્થળ;
વેરીને ચોટેલી રજ ચરણોને તળ.
જેમની કૃપાથી મમ સાર્થક જીવન;
સદા સારુ તેનો હું ખરીદ્યો દાસજન.

શ્રીરામકૃષ્ણદેવના અન્યતમ શિષ્ય સ્વામી રામકૃષ્ણાનંદ પાસેથી મળેલી લેખન સામગ્રી અને પ્રેરણા વિશે કાવ્યમાં કવિ આ રીતે વર્ણન કરે છે:

અંતે રામકૃષ્ણાનંદ શ્રી શશીમા’રાજ;
શ્રીપ્રભુની સેવા સારુ સદા જે આતુર.
લીલાતત્ત્વ સિંધુ તીરે દીધું જેણે મને;
વેચાયેલો છું હું દાસ સદા તેની કને.

અક્ષયે કૃત્તિવાસના, રામાયણ અને કાશીરામ દાસના મહાભારતની શૈલીથી શ્રીરામકૃષ્ણનું જીવન આલેખ્યું છે. આ પુસ્તક ૧૮૯૪ થી ૧૯૦૧ના સમયગાળામાં ચાર ભાગમાં પ્રકાશિત થયું હતું. એ વખતે એનું શીર્ષક ‘ભગવાન શ્રીશ્રીરામકૃષ્ણ પરમહંસદેવેર ચરિતામૃત’ હતું. ત્યાર પછી ૧૯૦૧ના નવેમ્બરની પચ્ચીસમી તારીખે ચારેય ભાગોનું એક પુસ્તકરૂપે ‘શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ’ના નામથી પ્રકાશન થયું.

એક પ્રસંગે સ્વામી શિવાનંદે ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’ કેવી રીતે બની તે વિશે આ પ્રમાણે કહ્યું છે :

‘શ્રીશ્રી રામકૃષ્ણ પૂંથિ’ ના લેખક અક્ષય સેને વિશ્વના ઘણા લોકોને સહાય કરી છે. તેઓ એક સજ્જન અને ભક્ત હતા, પણ ખૂબ જ ગરીબ હતા. પૂંથિમાં તેમણે જે જે વસ્તુઓ રજૂ કરી છે, તે ખરેખર ખૂબ સુંદર છે. એમાંની કેટલીક કથાઓ તો અમે જાણતા જ ન હતા. અક્ષયે કામારપુકુર, સિહોડ અને અન્ય સ્થાનોમાંના ઠાકુરના સમકાલીનો પાસેથી સામગ્રી ભેગી કરીને પછી શ્રીઠાકુરનું જીવન રામાયણ અને મહાભારતની કવિત્વભરી શૈલીથી ગામડાની તળપદી અને સરળ ભાષામાં લખ્યું છે. પણ હવે તો પૂંથિને વિદ્વાનો પણ વખાણવા લાગ્યા છે. અક્ષય તો વિદ્વાન ન હતા પણ એમની નિષ્ઠા જબરદસ્ત હતી. અમે સાંભળ્યું છે કે જ્યારે તેમણે આ ગ્રંથ લખવાનું શરૂ કર્યું, ત્યારે તેઓ આહિરીટોલામાં એક સાવ સામાન્ય નોકરી કરતા અને રાતે પૂંથિ લખતા રહેતા. અમે એવું પણ સાંભળ્યું છે કે રાત્રે તેઓ ગંગા તીરે જતા અને શ્રીઠાકુરને ઝંખનાભર્યા હૃદયે પોકારતા કે ‘હે ઠાકુર, કૃપા કરીને મને શક્તિ આપો કે જેથી આપના અમૂલ્ય જીવન વિશે હું કશુંક લખી શકું.’ અને તરત તેમનામાં ભીતરથી કંઈક શક્તિ ઊભરાતી અને તરત જ પોતાને નિવાસસ્થાને આવીને લખવાનું શરૂ કરી દેતા. આમ આ પૂંથિ સારી રીતે લખાઈ ગઈ.’ (‘શ્રીશ્રી મહાપુરુષ મહારાજેર સ્મૃતિ કથા’, પૃ.૪૯-૫૦)

સને ૧૮૯૫માં, શ્રીરામકૃષ્ણની જન્મજયંતીના ઉત્સવ દરમિયાન, દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરના ઓરડાની ઉત્તર બાજુના વરંડામાં, ‘શ્રીરામકૃષ્ણ પૂંથિ’નું સૌ પહેલાં અક્ષયે જાહેરમાં ગાન કર્યું. સ્વામી અદ્‌ભુતાનંદ ત્યાં હાજર હતા. ગાનથી પ્રભાવિત થઈ જઈને તેમણે કહ્યું : 

‘અક્ષય બાબુ, તમે લોકોની ઘણી સારી સેવા કરી છે. તમે શ્રીઠાકુરની જીવનકથા એવી સુંદર રીતે લખી છે કે એક સ્ત્રી પણ (એ જમાનામાં સ્ત્રીઓ લગભગ ભણતી જ ન હતી) એમને સમજી શકે.’

અક્ષયે પોતાના ગ્રંથની એક નકલ સ્વામી વિવેકાનંદને મોકલી. એ વખતે તેઓ અમેરિકામાં વેદાંતનો પ્રચાર કરતા હતા. સને ૧૮૯૫ની શરૂઆતમાં સ્વામીજીએ યુ.એસ.એ.થી સ્વામી રામકૃષ્ણાનંદને પત્ર લખ્યો. એમાં એમણે લખ્યું : 

..હમણાં જ મેં અક્ષયનું પુસ્તક વાંચ્યું. તેને મારા તરફથી પ્રેમપૂર્વકનાં લાખો આલિંગન આપશો. તેની કલમ દ્વારા શ્રીરામકૃષ્ણદેવ પોતાને વ્યક્ત કરે છે. અક્ષય ખરેખર પુણ્યશાળી છે! તે બધા સમક્ષ ‘પૂંથી’નું ગાન કરે. જન્મજયંતી પ્રસંગે સૌની સમક્ષ તેણે તેનું ગાન કરવાનું છે. પુસ્તક બહુ મોટું લાગે તો તેમાંથી કંડિકાઓનું ગાન કરે. તેમાં એક પણ નકામો શબ્દ વાપર્યો નથી. તેનું પુસ્તક વાંચીને મેં જે આનંદ અનુભવ્યો તે શબ્દોમાં વ્યક્ત કરી શકતો નથી. આ પુસ્તકનું બહોળું વેચાણ થાય તે માટે બધા પ્રયત્ન કરશો. પછી અક્ષયને ગામડે ગામડે જઈને પ્રચાર કરવાનું કહેજો. કમાલ કરી, અક્ષય, અક્ષય પોતાનું કાર્ય બરાબર કર્યે જાય છે. ગામડે ગામડે જઈને શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશની ઘોષણા કરજો. આનાથી વધારે ભાગ્યશાળી કામ બીજું કયું હોઈ શકે?

‘ધર્મપ્રચાર’ નામના તેના પુસ્તકના ત્રીજા ખંડમાં નીચેની બાબત ઉમેરવાનું તેને કહેશો.—

૧. વેદો, વેદાન્તો અને બધા અવતારોએ ભૂતકાળમાં જે કાર્ય કર્યું છે, તેનું આચરણ શ્રીરામકૃષ્ણદેવ એક જ જિંદગીમાં કરી ગયા છે.

૨. શ્રીરામકૃષ્ણનું જીવન સમજ્યા વિના માણસ વેદો, વેદાન્તો અને અવતારો વગેરેને સમજી શકે નહિ. તે બધાનું સ્પષ્ટીકરણ શ્રીરામકૃષ્ણ હતા.

૩. તેમના જન્મ સાથે જ સત્યયુગનો પ્રારંભ થયો છે. ત્યારથી બધા પ્રકારના ભેદભાવોનો અંત આવ્યો છે. છેક ચાંડાલ સુધીનો પ્રત્યેક માનવ ઈશ્વરી પ્રેમનો ભાગીદાર છે. પુરુષ અને સ્ત્રી વચ્ચેનો, ગરીબ અને અમીર વચ્ચેનો, ભણેલા અને અભણ વચ્ચેનો, બ્રાહ્મણ અને ચાંડાલ વચ્ચેનો: બધા ભેદભાવો નિર્મૂળ કરવા તેઓ જીવ્યા. તેઓ શાંતિના પુરોગામી હતા. હિંદુઓ અને મુસલમાનો તેમ જ હિંદુઓ અને ખ્રિસ્તીઓ વચ્ચેની જુદાઈ હવે ભૂતકાળની હકીકત બની ગઈ છે. જુદાપણાનો જે ઝઘડો હતો તે હવે ગયા યુગની વાત બની ગઈ છે. આ સત્યયુગમાં શ્રીરામકૃષ્ણદેવના પ્રેમની ભરતીએ સૌને એક કરી દીધા છે.

અક્ષય આ વિચારોને વિસ્તૃત કરે અને પોતાની શૈલીમાં લખે તેમ તેને કહેજો.

સ્ત્રી કે પુરુષ જે કોઈ શ્રીરામકૃષ્ણદેવને ભજશે તે ગમે તેટલો અધમ હશે તો પણ ત્યાં ને ત્યાં સૌથી મહાન બની જશે. બીજું એ છે કે આ અવતારમાં ઈશ્વરના માતૃત્વભાવનું દર્શન સવિશેષ પ્રગટ થાય છે. શ્રીરામકૃષ્ણદેવ પોતે સ્ત્રીવેશ ધારણ કરતા. તેઓ જાણે કે આપણી મા જેવા હતા. તેવી જ રીતે આપણે દરેક સ્ત્રીને મા ભગવતીની મૂર્તિરૂપે જોવી જોઈએ. ભારતમાં બે મહાન અનિષ્ટો છે: સ્ત્રીઓને કચડી નાખવાનું અને જ્ઞાતિનાં બંધનોમાં ગરીબોને પીસી નાખવાનું. શ્રીરામકૃષ્ણદેવ સ્ત્રીઓના તારણહાર હતા, જનતાના તારણહાર હતા, ઊંચનીચ બધાના તેઓ તારણહાર હતા. અક્ષય તેમની ઉપાસના પ્રત્યેક ઘરમાં શરૂ કરાવે -બ્રાહ્મણ કે ચાંડાળ, સ્ત્રી કે પુરુષ- દરેકને શ્રીરામકૃષ્ણની ઉપાસનાનો અધિકાર છે. જે ભક્તિભાવથી શ્રીરામકૃષ્ણદેવની ઉપાસના કરશે તે સદાને માટે ધન્ય થઈ જશે.

આવા વિચારો આપવાનું તેને કહેશો. બીજા કશાની ચિંતા ન કરો. ભગવાન તેની પડખે રહેશે.

પ્રેમપૂવક, તમારો,
વિવેકાનંદ
(‘સ્વા.વિ.ગ્રં.મા.’ ભાગ-૧૦, પૃ.૧૦૨-૧૦૯)

પૂંથિમાં અક્ષય દર્શાવે છે કે સ્વામી વિવેકાનંદ તરફથી તેને ‘શાંક ચુન્ની માસ્ટર’ એવું એક હાસ્યજનક હુલામણું નામ સને ૧૮૮૫માં મળ્યું હતું. બંગાળીમાં ‘ચુન્ની’નો શબ્દાર્થ છે ‘બંગડી પહેરેલી ચૂડેલ’ અને પોતે શાળાનો શિક્ષક હોવાને કારણે ‘માસ્ટર’ તો કહેવાતા જ હતા! સ્વામીજી એને ‘શાંક ચુન્ની માસ્ટર’ એના બાહ્ય દેખાવને કારણે કહેતા. ઝીણી ઝીણી આંખોને જાડા જાડા હોઠ, ચપટું નાક અને પાતળું શરીર, કાળો કાળો વાન! પાછલાં વર્ષોમાં તો અક્ષય લાંબી ભૂરી દાઢી અને મોટી મૂછો રાખતા, જાડાં ચશ્માં પહેરતા અને ઘણી વખત માથે પાઘડી બાંધતા – એના વિચિત્ર દેખાવમાં આ બધાંનો ફાળો પણ ઠીક ઠીક હતો.

શ્રીરામકૃષ્ણનું જીવન લખીને પૂરું કર્યા પછી પણ અક્ષયની કવિત્વ-શક્તિ વિરમી ન ગઈ. એમણે શ્રીરામકૃષ્ણના ઉપદેશો પણ સરળમધુર કવિતાઓમાં ગૂંથ્યા. આ ગ્રંથમાં શ્રીરામકૃષ્ણના ૧૪૧ ઉપદેશો સમાવાયા છે અને ‘પદ્યે શ્રીશ્રીરામકૃષ્ણ પરમહંસદેવેર ઉપદેશ’ (શ્રીરામકૃષ્ણ પરમહંસદેવના પદ્યમાં ઉપદેશો)ના નામે ૧૮૯૬માં પ્રકાશિત થયો. પછીનાં ચૌદ વરસે, એટલે કે ૧૯૧૦માં અક્ષયે પ્રશ્નોત્તર સ્વરૂપે ‘શ્રીરામકૃષ્ણ મહિમા’ પુસ્તક લખ્યું. આ પુસ્તકમાં અક્ષયનો સાહિત્યિક કસબ, બૌદ્ધિક દૃષ્ટિકોણ અને શ્રીરામકૃષ્ણના જીવન અને તત્ત્વજ્ઞાનનું ઊંડું જ્ઞાન જોઈને વાચક છક જ થઈ જશે.

અક્ષયે કેટલોક સમય ‘વસુમતી પબ્લિકેશન ઑફિસ’માં કામ કર્યું. એના માલિક ઉપેન્દ્રનાથ મુખોપાધ્યાય, શ્રીરામકૃષ્ણના ગૃહસ્થભક્ત હતા. એ નોકરીમાંથી નિવૃત્ત થઈને અક્ષય કોલકાતા છોડીને પોતાને ગામડે ગયા અને ત્યાં જ તેમણે જીવનનાં પાછલાં વરસો પસાર કર્યાં. એકવાર વળી ડૉ. દિનેશબાબુ અને કેટલાક ભક્તો એમને મૈમેનસિંગ (અત્યારે બાંગ્લાદેશમાં છે) લઈ ગયા હતા ખરા! ત્યાં તેમણે શ્રીઠાકુર વિશેનાં પોતાનાં સંસ્મરણો તથા સંદેશના પ્રચાર કાર્યમાં કેટલાક માસ વિતાવ્યા હતા. મૈમેનસિંગ, ઢાકા, મદ્રાસ અને લખનૌના ભક્તોએ તેમને આર્થિક મદદ કરી હતી.

એક વખત અક્ષયે ઉદ્‌બોધનની મુલાકાત લીધી હતી, ત્યારે સ્વામી સારદાનંદે તેમને ‘શ્રીશ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’નો એક સેટ ભેટ આપ્યો અને તેમને એ વાંચી જવા કહ્યું. પછીથી અક્ષયે એક યુવાન સંન્યાસીને આમ કહ્યું હતું :

‘ભાઈ, આ પુસ્તકો હું લઈ ગયો અને એને મારા ઓરડામાં રાખી મૂક્યાં. હું થોડો ઘમંડી થઈને એવું ધારતો હતો કે શ્રી ‘મ’ એ અને મેં શ્રીઠાકુર વિશે લખ્યું તો છે જ. હવે આથી વધારે તો સ્વામી સારદાનંદ શ્રીઠાકુર વિશે શું લખવાના હતા? પછી એક દિવસ એકાએક જ મારા મનમાં ઝબકારો થયો કે મારા સંન્યાસી ભાઈએ મને આ બધા મોટા મોટા ગ્રંથો મફત જ આપ્યા છે. અને મારા અભિમાનને કારણે મેં એને ઉઘાડ્યાં પણ નથી! ભાઈ, પછી એને વાંચીને તો હું આભો જ બની ગયો. મને ભાન થયું કે પૂંથિમાં મેં કેટલીક ભૂલો કરી છે કારણ કે મને મળેલી માહિતી પરોક્ષ-અન્ય દ્વારા મળેલી હતી, જ્યારે તેમણે કહેલી કથાઓ તો પ્રત્યક્ષ પુરાવાઓ ઉપર આધાર રાખીને લખાયેલી છે.

વળી, જો કે હું ઘરડો થયો છું છતાં જેટલાં બની શકે તેટલા સુધારા મેં મારા પુસ્તકમાં કર્યા છે. પૂંથિની આ મારી છેલ્લી સુધારેલી આવૃત્તિ છે. એ હું તમને સોંપું છું. હવે હું લાંબું જીવવાનો નથી. આ ગ્રંથ સ્વામી સારદાનંદને આપવા માટેની જવાબદારી તમારે શિરે મૂકું છું. તેમની ઇચ્છા હોય તો ભવિષ્યમાં એને પ્રકાશિત કરે. મારી સ્વામી સારદાનંદને વિનંતી છે કે પુસ્તકના વેચાણ દ્વારા થતા લાભમાંથી અમુક ટકા શ્રીઠાકુરની પૂજા માટે અહીં મોકલવાની કૃપા કરે.’

(‘ઉદ્‌બોધન’, વર્ષ-૮૫, પૃ.૨૧૫-૧૬)

અક્ષયના દેહાવસાન પછી ઉદ્‌બોધન દ્વારા ઉપર્યુક્ત સુધરેલી હસ્તપ્રતને ગ્રંથાકારે પ્રકાશિત કરવામાં આવી.

આ કૃતિ ૬૩૯ પાનામાં પથરાયેલી અને મહાકાવ્યોની શૈલીમાં લખાયેલી એક કાવ્યાત્મક ગાથા છે અને ભક્તિરસથી ભરપૂર છે. શ્રીરામકૃષ્ણના જન્મ પહેલાંથી માંડીને તેમની મહાસમાધિ પછીના સમય સુધીની ઘટનાઓનાં સજીવ વર્ણનો અને સમજૂતીઓ એમાં છે. શ્રીરામકૃષ્ણની દિવ્યતા અને ક્રમે ક્રમે એની અભિવ્યક્તિ કેવી રીતે થઈ એ એક આકર્ષક અને સંઘર્ષભરી યાત્રા છે. આ યાત્રા અહીં ભક્તો સાથેની તેમની દિવ્ય લીલાના સંદર્ભમાં સમજાવવામાં આવી છે. પોતાના અનુયાયીઓની સાથે વ્યવહારુ વ્યક્તિત્વ ધરાવતા શ્રીરામકૃષ્ણ સાવ સામાન્ય માનવ તરીકે જ વર્તતા હતા. ફરક ફક્ત એટલો જ હતો કે તેઓ પ્રેમ અને નમ્રતાના સાકાર સજીવ સ્વરૂપ હતા. ચારિત્ર્યની આ ખાસિયત કેવળ ઈશ્વરના અવતારમાં જ જોવા મળે છે. તેમને વારંવાર થતા સમાધિના અનુભવોની આ પૂંથિમાં વેદાંતના પ્રકાશમાં વર્ણવીને સમજૂતી આપવામાં આવી છે. લેખકે કરેલા દાવા પ્રમાણે શ્રીઠાકુરનું જીવન એક નિરક્ષર ગ્રામીણ જનના સ્વાંગમાં સાવ સીધું સાદું હતું. છતાં પણ તેઓ પરમોચ્ચ જ્ઞાનની વાતો કરતા અને શાસ્ત્રોના ખૂબ ગુંચવણભરેલ વિચારોને ખૂબ સ્પષ્ટ અને સરળ રીતે સમજાવતા. તેમની સમજૂતીઓ ઘણું કરીને ઉપમાઓ, રૂપકો અને વધારે તો હાસ્યની છાંટથી ભરેલી હતી અને તેથી ભણેલા કે અભણ, સૌ કોઈ એને સમજી શકતા અને માણી શકતા.

લેખકે લખ્યું છે : ‘ભક્તો સાથે શ્રીઠાકુરે કરેલી લીલાને અથવા તો શ્રીઠાકુર અને તેમના ભક્તોની પરસ્પરની માણેલી ઠઠ્ઠામજાકને સજીવ રીતે તો કોઈ પણ નિરૂપી શકે તેમ નથી. એને તો કેવળ ઈંગિત જ કરી શકાય તેમ છે.’ છતાંયે અક્ષય સેને આપેલાં શ્રીરામકૃષ્ણના જીવનપ્રસંગોનાં વર્ણનો, એના વિગત વિસ્તાર અને આધ્યાત્મિક અંતર્દૃષ્ટિમાં ખરેખર અનન્ય અને અસાધારણ જ છે.

આ ગ્રંથ પાંચ ભાગોમાં વહેંચાયેલો છે અને એનાં પ્રકરણો ૯૧ છે; દરેક પ્રકરણ શ્રીરામકૃષ્ણ, શ્રી શ્રીમા અથવા બંનેની પ્રાર્થનાની નાનકડી કડીથી શરૂ થાય છે.

આમાં લગભગ બસ્સો વ્યક્તિઓનો પરિચય લેખકે આપ્યો છે. અને આમાંનાં કેટલાંક નામો તો શ્રીઠાકુર સાથેની તેમની લીલા વર્ણવવા માટે લગભગ પચાસ વખત આપવામાં આવ્યાં છે.

સમગ્ર ગ્રંથમાં લેખક, ‘હે મારા મન! સાંભળ’ આ શબ્દ સમૂહ વારંવાર બેવડાવ્યા કરે છે. પોતાને ઉદ્દેશીને, શ્રોતાજનોને પરોક્ષ રીતે કહેવાની આ એક રીત છે. આ શૈલી મહાકાવ્યોમાં જોવા મળે છે. કેટલીક વખત વાચક એવું પણ જોઈ શકશે કે કેટલીક વાર કોઈક વાત પર ભાર મૂકવા માટે પણ લેખક શબ્દસમૂહનું પુનરાવર્તન કરે છે. ગ્રંથના પાંચ ભાગોમાં શ્રીઠાકુરનું જીવન ખૂબ સજીવ રૂપે અને સાક્ષાત્‌ સ્વરૂપે ઉદ્‌ઘાટિત થાય છે.

પહેલો ભાગ શ્રીઠાકુરના જન્મ પહેલાંની ઘટનાઓના વર્ણનથી શરૂ થાય છે. જેમાં તેમના જન્મની રસિક ક્ષણો, તેમના વતનના ગામડામાં ગ્રામજનો- ખાસ કરીને ગોવાળિયાઓના કુટુંબોના સહવાસમાં તેમનો ઉછેર અને પછી ત્યાં જ પુખ્ત ઉંમરના થવું – આ બધું અદ્‌ભુત – વિલક્ષણ જ છે! તેમના જીવનનો આ ઓછો જાણીતો કાલખંડ વાચકને ભગવાન શ્રીકૃષ્ણની, એમણે બાળપણમાં વૃંદાવનમાં ગોવાળિયાનાં બાળકો સાથે કરેલી લીલાઓની યાદ આપી જાય છે. શ્રીઠાકુરનો ગામની ગૃહસ્થ યુવતીઓ સાથેનો સંબંધ આપણને વૃંદાવનની ગોપીઓ સાથેના શ્રીકૃષ્ણના સંબંધને યાદ કરાવ્યા વગર રહેતો નથી. પોતાનું બાહ્ય ભાન ગુમાવીને ધીરે ધીરે સમાધિની સ્થિતિમાં ચાલ્યા જવાની વારંવાર બનતી ઘટના સમગ્ર જીવનકાળ દરમિયાન દેખાતી રહી, તે બાળક ગદાધરમાં એક યા બીજા રૂપે સ્પષ્ટ રીતે જોવા મળે છે.

બીજા ભાગમાં કવિ અક્ષય કર્મકાંડ કરતા મોટાભાઈ રામકુમારને મદદ કરવા માટે પુખ્ત વયના શ્રીઠાકુરના કોલકાતા આગમનનું વર્ણન કરે છે. સામાન્ય બ્રાહ્મણ બાળક માટે અપેક્ષિત પરંપરાગત સંસ્કૃત શિક્ષક બનવા માટેનો પણ એમાં હેતુ હતો. ગદાધરે થોડા જ વખતમાં આ પ્રકારની જીવનશૈલી તરફ અણગમો અને બેદરકારી બતાવ્યાં અને ભૌતિક પદાર્થોની પેલીપારની વસ્તુમાં પોતાનું અત્યંત આકર્ષણ બતાવ્યું. પોતાની ભાવિ કારકિર્દીના તેમજ તેમની દિવ્યતાના પ્રકટીકરણના સ્થાન રૂપ દક્ષિણેશ્વર તેમના જીવનના એક ભાગ રૂપ કેવી રીતે બની ગયું, તે બધું નિહાળવું રસપ્રદ થઈ પડશે. ત્યાં તેઓ શ્રીમથુર વિશ્વાસના સંપર્કમાં આવે છે અને ત્યાર પછી મંદિરના સંકુલના વ્યવસ્થાપક અને સ્થાપક રાણી રાસમણિના સંપર્કમાં આવે છે. તે બંને પાસે ગદાધરની અનન્યતાને ઓળખવાની આંખો હતી. ધીરે ધીરે અને ખચકાતાં ખચકાતાં શ્રીરામકૃષ્ણની નિમણૂક ‘નાના પુરોહિત’ તરીકે કરવામાં આવી. આ રીતે એમની દિવ્ય લીલાઓના ઉદ્‌ઘાટન માટેની ભૂમિ તૈયાર થઈ. પછી તેમના મોટાભાઈ રામકુમારનું અકાળે અવસાન થતાં, શ્રીઠાકુરને કાલીમંદિરના મુખ્ય પુજારી તરીકેનું સ્થાન સ્વીકારવાની દરખાસ્ત કરવામાં આવી. પહેલાં તો એમણે એનો સખત ઇન્કાર કર્યો પણ છેલ્લે સંમત થયા. એક પુજારી વ્યક્તિ તરીકે તેઓ વારંવાર એવી વિધિઓ કરવા લાગ્યા કે જેને વિશે પહેલાં કોઈએ સાંભળ્યું ન હોય અને જે અસાધારણ વિચિત્ર હોય! એવી વિધિઓ ન તો કોઈ શાસ્ત્રો દ્વારા સ્વીકૃત હતી કે ન તો તત્કાલીન રીતિરિવાજો દ્વારા માન્ય ગણી શકાય એવી હતી. કેટલીક વાર તો એ વિધિઓ સામાન્ય માણસના મગજમાં ઉહાપોહ પેદા કરી નાખે તેવી નીવડતી. શ્રીઠાકુરની પવિત્રતાની કસોટી કર્યા પછી મથુર આ બધી ઠાકુરની દેખીતી વિચિત્રતાઓને હંમેશાં માટે દરગુજર કરી દેતા અને શ્રીઠાકુરને પોતાની સાધના માટે જે જે વસ્તુઓની જરૂર પડે તે તે વસ્તુ પૂરી પાડતા રહેતા. આમાં ચોખ્ખેચોખ્ખો દિવ્યતાનો હસ્તક્ષેપ જ વરતાય છે. અને એ પણ ખાસ તો એવે સમયે દેખાય છે કે જ્યારે વિધિવિધાનના અક્કલવગર દુરાગ્રહી અંધાનુકરણનું ચલણ હતું. આ સમયગાળામાં શ્રીરામકૃષ્ણે બાર વરસ સુધી હિંદુ ધર્મના તમામ મુખ્ય સાધનાપથને અનુસરીને એમાં સિદ્ધિ મેળવી. ઉપરાંત એમણે ઈસ્લામ તથા ખ્રિસ્તી ધર્મની સાધના પણ બાકાત ન રાખી. માનવજાતિના ઇતિહાસમાં સર્વ પ્રથમવાર જ સર્વધર્મસંવાદિતા અથવા તો બધા ધર્મો વચ્ચેની સૈદ્ધાન્તિક સમાનતાનું નિદર્શન પ્રયોગાત્મક રીતે અને વિસ્તૃત સમજૂતી સાથે શ્રીઠાકુરે પોતાની અદ્‌ભુત દિવ્ય સાધના દ્વારા કર્યું.

ત્રીજા અને ચોથા, બંને ભાગોમાં બંગાળના એક અજાણ્યા ગામમાં ઉછરેલા અડધુંપડધું ભણેલા આ પુજારીની આસપાસ ધીરે ધીરે ભેગા થઈ ટોળેવળતા વિવિધ વિશુદ્ધ આધ્યાત્મિક વલણોવાળા યુવાનોનું રંગીન ચિત્ર દોરવામાં આવ્યું છે. દક્ષિણેશ્વરમાં રાણી રાસમણિની હવેલીની છત પરથી, શ્રીરામકૃષ્ણ પોતે જેની આટલા લાંબા વખત સુધી રાહ જોઈ રહ્યા હતા એવા ભાવિ ભક્તોને વારંવાર પોકાર્યા કરતા. જેઓ પોતાના હૃદયમાં એમનો એ સાદ સાંભળી શક્યા તેઓ તેમની પાસે આવી ગયા. કેટલાકે ગૃહસ્થ રહેવાનું જ પસંદ કર્યું તો વળી કેટલાકે યતિજીવન (સંન્યાસી જીવન) સ્વીકાર્યું અને પછીના સમયમાં રામકૃષ્ણ સંઘના સૌ પહેલાં પુરસ્કર્તાઓ બન્યા. અને તેમનો ઉપદેશ બધે ફેલાવ્યો કે જીવનનો હેતુ તો ભગવાનને પ્રાપ્ત કરવાનો અને જીવસેવા દ્વારા શિવસેવા કરવાનો જ છે. આ પુરસ્કર્તાઓમાં એક નરેન્દ્રનાથ હતા, જે પાછળથી સ્વામી વિવેકાનંદના નામથી સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ થયા. આ ગ્રંથમાંના કેટલાંક દૃશ્યો શ્રી ‘મ’ એ લખેલા કથામૃતનાં પ્રકરણોની યાદ કરાવે છે પણ અહીં એ પ્રકરણો જુદા જ પરિપ્રેક્ષ્યમાં અને વધારે વિસ્તારપૂર્વક લખાયેલાં છે. તે સમયના બહુ જ ગણનાપાત્ર શ્રી કેશવચંદ્ર સેન, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર અને બીજાઓ સાથેના શ્રીરામકૃષ્ણનાં મિલનો સ્પષ્ટ રીતે તેમની સર્વસ્વીકૃતતા તેમજ વૃદ્ધો-યુવાનો-વિદ્વાનો-બૌદ્ધિકો-શીખો-ખ્રિસ્તીઓ, સાકાર કે નિરાકાર ઈશ્વરમાં માનનારાઓ સૌ ઉપર તેમની પડેલી અનિવાર્ય અસરની સાક્ષી પૂરે છે. એમનાં આ મિલનો શ્રીરામકૃષ્ણની મેધા, હાસ્યવૃત્તિ અને દિવ્યાનંદથી ઝળહળે છે. અને આ તેમના જીવનની અજાણી કેટલીક મધુર ઘટનાઓ પહેલી જ વખત અહીં વાંચવા મળે છે.

ભાગ પાંચમાં શ્રીઠાકુરના અંતિમ દિવસોનું સ્પષ્ટ અને કરુણાજનક ચિત્ર જોવા મળે છે. ત્યારે ઠાકુર પોતાના પ્રાણઘાતક રોગની સારવાર માટે કોલકાતા આવ્યા હતા. ત્યારે માનવીય સ્તરે શરીરનાં બધાં દુ:ખો અને પીડાઓ સાથે સંઘર્ષ થયો અને એની સમાંતરે જ એ બધા દુ:ખોથી જરાપણ ભેદી-રોકી ન શકાય તેવી દિવ્યતાની ઝાંખી પણ થતી રહી. કોઈ પણ માણસ શ્રીઠાકુરના શરીર અને આત્માની બે અલગ નક્કર હસ્તીઓ આમાં જોઈ શકે છે. શરીર પીડિત હતું પણ મન અને આત્મા પીડા અનુભવતાં ન હતાં, એ બધા જ જોનારાઓએ જાણ્યું છે.

શ્રીરામકૃષ્ણના જીવનનાં તેમના જન્મથી માંડીને અવસાન સુધીનાં સેંકડો ચિત્રો આબેહૂબ અને કવિત્વ ભરી રીતે લેખકે પૂંથિમાં આલેખ્યાં છે. તેમનો ભક્તિનો ઊભરો અને આધ્યાત્મિક અંતર્દૃષ્ટિ, ભક્તોને શ્રીરામકૃષ્ણમાં પૂર્ણપણે નિમગ્ન થઈ જવાની તક આપે છે. લેખક વાચકને વારંવાર શ્રીરામકૃષ્ણની આ લીલાકથાઓને ધ્યાનપૂર્વક સાંભળવાનું કહે છે, જેથી એની બધી શંકાઓ દૂર થઈ જશે અને એ પરમાનંદને પ્રાપ્ત કરશે.

અત્યંત ગરીબી અને અન્ય પારિવારિક સમસ્યાઓની વચ્ચે પણ અક્ષય શ્રીઠાકુરના સ્મરણમાં જ દિવસો પસાર કરવા લાગ્યા. દરરોજ પોતાની પૂજા પહેલાં તેઓ ફૂલો ચૂંટતા અને વાસણો સાફ કરતા. પછી વૃદ્ધ હોવા છતાં મધુર સ્વરથી તેઓ એકતારાની સાથે ભગવાનના ગુણાનુવાદ ગાતા. સ્નાન અને પૂજાપાઠ કર્યા પછી તેઓ કાં તો શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ વાંચતા અથવા તો કશુંક લખતા. ઉનાળાના મહિનાઓમાં બપોરે અક્ષય મંદિરમાં જઈને શ્રીઠાકુરને પંખો કરતા. તેમના જીવનનાં છેલ્લાં ત્રણ વરસો દરમિયાન જ્યારે તેઓ દમને લીધે કે અન્ય શારીરિક અશક્તિને કારણે પૂજા ન કરી શકતા, ત્યારે તેમનાં પુત્રવધૂએ એ શ્રીઠાકુરની પૂજાની જવાબદારી ઉપાડી લીધી અને અક્ષયને ઘણી રાહત આપી.

અક્ષયને શ્રીશ્રીમા પ્રત્યે ઊંડી ભક્તિ હતી. તેમનું ઘર અને શ્રીશ્રીમાના પિયરનું ઘર એક જ જિલ્લામાં હતાં. તેથી જ્યારે શ્રીમા જયરામવાટીમાં હોય, ત્યારે અક્ષય ઉઘાડે પગે, હાથમાં લાકડી લઈને તેમને મળવા જતા. તેઓ શ્રીશ્રીમા માટે કંઈક ને કંઈક પોતાના શિર પર રાખીને લઈ જતા. શ્રીશ્રીમાને નમીને તેઓ મુક્તિની માગણી કરતા. એક વખત જયરામવાટીમાં અક્ષયે ‘મા!’ એમ કહી શ્રીશ્રીમાને બોલાવ્યાં અને શ્રીમાએ જવાબ આપ્યો : ‘હા, મારા દીકરા!’ ત્યારે અક્ષયે હિંમતપૂર્વક કહ્યું : ‘મા, મેં તમને ‘મા’ કહીને બોલાવ્યાં અને તમે ‘હા’ એમ કહી દીધું. એથી હવે મને વધારે કશો ભય નથી.’ આના ઉત્તરમાં શ્રીમાએ કહ્યું : ‘બેટા, આવી વાતો કરીશ નહિ. સાવધાન મનુષ્યને જ સફળતા મળે છે.’

શ્રીશ્રીમાએ અક્ષયને કહ્યું હતું કે ‘તારા જીવનના અંત ભાગમાં થોડી તકલીફ ઊભી થશે.’ તેમના મરણના ચાર દિવસ અગાઉ તેમને તાવ ચડ્યો અને લોહીના મરડાની પીડા તેમણે ભોગવવી પડી. જ્યારે અક્ષયનો અંતકાળ નજીક આવ્યો, ત્યારે તેમના નાનાભાઈ શ્રીરામકૃષ્ણના નામનું મોટેથી સ્મરણ કરવા લાગ્યા. અક્ષયે એકાએક પોતાની આસપાસ બેઠેલા લોકોને કહ્યું: ‘બસ, હવે શાંત થઈ જાઓ. હું શ્રીઠાકુર અને શ્રીશ્રીમાને જોઉં છું.’ ત્યાં હાજર રહેલા બધાએ જોયું કે એનો ચહેરો પ્રકાશિત થઈ ઊઠ્યો છે, એની આંખો અરધી બંધ થઈ ગઈ છે. પછી એમણે અંતિમ શ્વાસ ખેંચ્યા. સને ૧૯૨૩ના ડિસેમ્બર માસની ૭મી તારીખ અને શુક્રવારે સવારે નવ વાગ્યે અક્ષયનું નિધન થયું. જીવનમાં અનેકાનેક અવરોધો અને પીડાઓ આવવા છતાં ઘણાં દુ:ખો અને જરાજેટલાં સુખો – એવાં જીવનનાં અનેક પાસાંઓમાંથી પસાર થતા અક્ષયે શ્રીઠાકુરના સાચુકલા સંદેશવાહક થયા. એટલી હદ સુધી શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશને પોતાના જીવનમાં એમણે પચાવી લીધા હતા. સ્વામી વિવેકાનંદે જેમ એક પત્રમાં સૂચવ્યું હતું, તેને જ તેમણે પોતાના જીવનમાં કર્તવ્ય તરીકે સ્વીકાર્યું હતું કે ‘અક્ષય ઘરેઘરમાં શ્રીરામકૃષ્ણની પૂજાની પરંપરા શરૂ કરે… ગમે તે માણસ ભક્તિથી એની (શ્રીઠાકુરની) પૂજા કરશે, તો તે સદૈવ એનો કૃપાપાત્ર બનશે.’ અક્ષયનું જીવન, શ્રીઠાકુરના નિર્મળ અને મહિમામય જીવનની સૌરભથી ભર્યુંભાદર્યું હતું. તેઓ પોતાના ચિરંતન કૃતિ ‘શ્રીશ્રીરામકૃષ્ણ પૂંથિ’ દ્વારા ભાવોદ્રેકથી શ્રીઠાકુરનું મહિમાગાન કરે છે. તુલસીદાસના રામચરિતમાનસના દોહાઓ અને ચોપાઈઓની પેઠે આ પણ સ્વરબદ્ધ કરીને ગાઈ શકાય છે. મૂળ બંગાળી ગ્રંથનું ગુજરાતી ભાષામાં સમશ્લોકી કાવ્યમય ભાષાંતર (મૂળ છંદને ગુજરાતીમાં કાયમ રાખીને) શ્રીરામકૃષ્ણ આશ્રમ, દ્વારા સુંદર રીતે તૈયાર થઈ રહ્યું છે. એના કેટલાક અંશો વાચકોના લાભાર્થે આ અંકમાં તેમજ પછીના અંકોમાં ક્રમશ: આપતા રહીશું. શ્રીરામકૃષ્ણની દિવ્યલીલામાં અક્ષયે ચારણનો પાઠ ભજવ્યો છે. તેમની આ વર્ણનગાથા ભારતની વિવિધ ભાષાઓમાં અને અંગ્રેજી અનુવાદ દ્વારા સમગ્ર વિશ્વમાં શ્રીઠાકુરના અમરજીવન અને સંદેશને ફેલાવી રહી છે.

(ક્રમશ:)

Total Views: 144

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.