(પ્રવ્રાજિકા ભારતીપ્રાણા શારદા મઠના પ્રથમ અધ્યક્ષ હતાં. નાનપણથી જ તેઓ શ્રીમા શારદાદેવીના સંપર્કમાં આવ્યાં હતાં. તેમનાં સંસ્મરણો શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા પ્રકાશિત ગ્રંથ ‘શ્રીશ્રી માતૃચરણે’માં પ્રકાશિત થયાં છે. તેના થોડા અંશા શ્રીમા શારદાદેવીની જન્મતિથિ પ્રસંગે અહીં આપી રહ્યા છીએ.)
ઈ. સ. ૧૯૧૮માં કોઆલપાડામાં શ્રીમા સખત બીમાર પડ્યાં. જોગીન-મા અને શરત મહારાજ (સ્વામી શારદાનંદ) પણ ત્યાં હતાં. જો કે રાધુ જાણતી હતી કે શ્રીમા ખૂબ બીમાર છે, છતાં તે પોતાના પતિગૃહે જતી રહી. શ્રીમાએ જોગીન – માને કહ્યું, “જોગીન, જો તો! તે મને આવી રીતે છોડી જાય છે!” અને જોગીન – માએ કહ્યું, “પણ, શા માટે ન જાય, મા? તમે શું એ તદ્દન ભૂલી ગયાં કે તમે પણ ઠાકુર પાસે આવવા દક્ષિણેશ્વર સુધી આખો રસ્તો ચાલતાં?” શ્રીમા હસ્યાં અને કહ્યું, “જોગીન, તું બરાબર કહે છે.” તેમને સારું થઈ ગયું અને કલકત્તા પાછાં ફર્યાં…
જોગીન-માને કોઈ વાર શંકા-કુશંકાઓ થયા કરતી. ઠાકુરે તો સંસારનો ત્યાગ કરેલો પરંતુ શ્રીમા તો સંસારમાં રચ્યાંપચ્યાં લાગતાં હતાં. તેઓ હંમેશાં તેમના ભત્રીજાઓ અને ભત્રીજીઓની ચિંતા કરતાં હતાં. જોગીન-મા તેમને સમજી શકતાં ન હતાં. એક દિવસે, ગંગાકિનારે, ધ્યાન ધરતી વખતે તેમણે ઠાકુરને પોતાની સામે ઊભેલા જોયા. તેઓ બોલ્યા, ‘જો, નદીમાં તે શું તણાતું જાય છે?’ એક નવજાત બાળકનું શબ હતું અને તેના શરીરની આસપાસ ઓર ને નાળ વીંટળાયેલી હતી. ઠાકુરે કહ્યું, “શું ગંગા આથી અપવિત્ર બની જશે? અને શું તેને કાંઈ પણ અપવિત્ર કરી શકશે? તેમને પણ આ પ્રમાણે જાણો. તેમના વિષે શંકાઓ ન સેવો. તેઓ મારી સાથે એકરૂપ છે.”
જોગીન-મા નદીએથી પાછાં ફર્યાં અને શ્રીમાની ચરણધૂલિ લઈ અને કહ્યું, “મા, મને માફ કરો.”
“કેમ, જોગીન, શું બન્યું છે?”
“મા,મેં તમારા પ્રત્યે શંકા સેવી હતી. પણ ઠાકુરે મને સત્ય બતાવ્યું.”
શ્રીમા જરા હસ્યાં અને કહ્યું, “તેમાં શું વાંધો! ચોક્કસ તમને શંકાઓ થશે જ. પ્રશ્નો થશે અને ફરી વિશ્વાસ પ્રાપ્ત થશે. તે પ્રમાણે જ વિશ્વાસ ઉત્પન્ન થાય છે.”
‘ઉદ્બોધન’માં એક સ્ત્રી-શિષ્યા શ્રીમા પાસે આવતી. શ્રીમા તેના તરફ ખૂબ પ્રેમ રાખતાં. પરંતુ તેની આબરૂ સારી ન હતી. તેથી ઘણા સાધુઓને, તેની શ્રીમા પાસેની હાજરી ગમતી નહીં. જ્યારે શ્રીમાને આ કહેવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું, ગંગામાં ઘણી વસ્તુઓ વહે છે; પણ શું તેનાથી ગંગા અપવિત્ર બને છે?”
શ્રીમા સાથે ઘણા પ્રશ્નોની ચર્ચા કરી અને એક શિષ્ય ચાલ્યો ગયો. પછી તેમણે મને પોતાની મેળે જ વાત કરી, “બેટા! આ ધ્યાનમાં રાખ. માણસે શરણાગતિ સ્વીકારવી જોઈએ અને ઈશ્વરની દયા મેળવવા માટે રાહ જોવી જોઈએ; ત્યારે જ તે દયા લાવે છે.”
એક વાર મેં શ્રીમાને જપ વિષે પૂછ્યું, “મારે કેવી રીતે જપ કરવા જોઈએ?”
“ગમે તે રીતે તમે તે કરો તે બરોબર છે. ઠાકુરને તમારા પોતાના તરીકે જ કલ્પો.” પછી તેમણે પોતાની આંગળીઓ ઉપર જપ કરવાની રીત બતાવી.
ઠાકુરના દેહવિલય બાદ, વૃંદાવનમાં શ્રીમા હતાં તે વખતની વાત કરતાં તેમણે કહ્યું, “તમે જાણો છો મેં રાધારમણને પ્રાર્થના કરી હતી, પ્રભુ, મને બીજાના દોષ જોવા ન દો.”
શ્રીમા હંમેશાં કહેતાં, “ભૂલ કરવી એ મનુષ્યસ્વભાવ છે. માણસે તે મન ઉપર લેવું ન જોઈએ. તેથી માણસને દોષ જોવાની આદત પડી જાય છે.” એક વખત તેમણે જોગીન-માને કહ્યું, “જોગીન, બીજાના દોષ ન જો, નહીંતર તારી પોતાની આંખો જ દોષિત બનશે.” …
જયરામવાટીમાં એક દિવસે શ્રીમાએ મને કહ્યું, “બેટા, તું જાણે છે કે ઠાકુરના દેહવિલય બાદ જ્યારે હું વૃંદાવનમાં હતી ત્યારે અમે બધાં દુ:ખમાં ડૂબી ગયાં હતાં.” એક રાત્રે ઠાકુરે મને કહ્યું, “’તમે શા માટે આટલાં બધાં આંસુ સારો છો? હું ક્યાં ગયો છું? માત્ર એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું. બસ એટલું જ.”
“એક વખત તેમણે (ઠાકુરે) સૂચવ્યું કે મારે દીકરા જોગેન (સ્વામી યોગાનંદ)ને મંત્રદીક્ષા આપવી.” હું ઢીલી પડી ગઈ અને મને શરમ લાગી. આ શું હતું? લોકો તો યે કહેશે? ચોક્કસ તેઓ કહેશે, ‘મા તો પોતાના શિષ્યો બનાવવા જ લાગ્યા!’ પરંતુ ઠાકુરે તો ત્રણ દિવસ લગાતાર આજ્ઞા કર્યા કરી. મેં તેને મંત્રદીક્ષા નથી આપી. તે તો તમારે જ કરવું જોઈએ. જોગેનને મારે શું મંત્ર આપવો તે પણ તેમણે મને કહ્યું.
“તે દિવસોમાં હું દીકરા જોગેન સાથે પણ બોલતી નહીં. ઠાકુરે મને જોગીન (જોગીન-મા)ને તેને કહેવા માટે કહ્યું. તેણે જાણ્યું કે ઠાકુરે જોગેનને કદી મંત્રદીક્ષા આપી ન હતી, તે વાત સત્ય હતી અને ખરેખર તેને પણ ઠાકુર દેખાયા હતા અને મારી પાસેથી મંત્રદીક્ષા લેવાનું કહ્યું હતું. આ વિષે મને કહેવાની તેની હિંમત ચાલતી ન હતી. છેવટે મેં તેને મંત્રદીક્ષા આપી. મેં જેઓને મંત્રદીક્ષા આપી તેમાં તે પ્રથમ હતો. શરતના અપવાદ સિવાય તેણે મારી એવી તો સેવા કરી કે બીજા તેમ ન કરી શકે.”
બીજા એક પ્રસંગે, એક સ્ત્રી-શિષ્યાએ પોતાની એક મિત્ર સાથેના મતભેદ વિષે, શ્રીમામાં વિશ્વાસ રાખીને કહ્યું. શ્રીમાએ કહ્યું, “બેટા, મનુષ્યને પ્રેમ કરવો એટલે સહન કરવું. માત્ર જેઓ ઈશ્વરને ચાહે છે, તેઓ જ ભાગ્યવાન છે અને તેમને જ દુ:ખ નથી.”
એક દિવસે એક સ્ત્રીએ, ઠાકુરની ભક્તિ કેવી રીતે કરવી એમ શ્રીમાને પૂછ્યું. શ્રીમાએ જવાબ આપ્યો, “તારે ઘરકામ કરવાનું હોય છે, તું બહુ કરી નહીં શકે. તને તેમનું નામ મળ્યું છે, તેની સંભાળ રાખ, તે પૂરતું છે.”
રાધુની બીમારીના કારણે, શ્રીમા બોઝપરા ગલીમાં, ભાડાના ઘરમાં રહેતાં હતાં. હું ત્યાં તેમની સંભાળ લેવા રહી હતી. એક દિવસે તેમણે મને ઠાકુરને નૈવેદ્ય ધરાવવાનું કહ્યું. મને મંત્ર આવડતા ન હતા, તેથી મેં કહ્યું, “પણ મા, તે કેમ કરવું તે હું જાણતી નથી.” તેમણે જવાબ આપ્યો, “જો, બેટા, તે તારા પોતાના જ હોય તેમ તેમના તરફ જો, અને કહે, ‘આવો, બેસી જાઓ, આ વસ્તુઓ ગ્રહણ કરો અને તેને જમો.’ કલ્પના કર કે તેમણે તેમ કર્યું છે. જ્યારે માણસ પોતાના જ માણસ પાસે હોય પછી તેને મંત્રની શી જરૂર છે? વિધિ એ તો એક સામાન્ય રીતભાત છે. મહેમાનો પૂરતી એ ઠીક છે; પોતાના જ માણસ માટે આ બધું બિનજરૂરી છે.” પછી તેમણે મને મંત્ર શીખવ્યો.
એક વખત, એક શિષ્ય આવ્યો અને શ્રીમાને ફરિયાદ કરી, “મેં પ્રાર્થના કરવામાં અને ધ્યાન કરવામાં ઘણો વખત ગાળ્યો, પરંતુ કશું જ મળ્યું નથી.” તેમણે જવાબ આપ્યો, “એ કાંઈ શાકભાજી છે કે પૈસા દઈને લઈ અવાય?”
રાધુના જ્ઞાનતંતુઓ નબળા પડી ગયા હતા અને તે કોઆલપાડા રહેતી હતી. શ્રીમા ઘણી વાર તેને પોતાના હાથે જમાડતાં; તે ઘણી વાર પોતાના મોઢામાં કોળિયા લેતી અને પછી શ્રીમા ઉપર જ તે થૂંકી નાખતી. એક વખત શ્રીમાએ ખૂબ ગુસ્સે થઈ મને કહ્યું, “જો, બેટા, આ શરીર દિવ્ય છે. તે કેટલુંક સહન કરી શકે? ઈશ્વર સિવાય બીજુ કોઈ આટલું સહન ન કરી શકે. ઠાકુરે કદી મારી લાગણીને જરા પણ દુભાવા દીધી નથી. પરંતુ આ લોકો મારા જીવનને દુ:ખી બનાવે છે. આ વખતે જો ઠાકુર તેને સાજી કરે તો હવે બીજું માગું નહીં – તેના માટે! જો, બેટા, જ્યાં સુધી હું તેમની સાથે છું ત્યાં સુધી તેઓ મને પિછાણશે નહીં, પરંતુ પછીથી તેઓ જાણશે.”
‘ઉદ્બોધન’માંની છેલ્લી માંદગી બાદ, શ્રીમાને ભૂખ લાગતી ન હતી. માત્ર મૂઠીભર ભાત તેઓ લઈ શકતાં. એક દિવસ તેમના જમવાના સમય દરમિયાન ડૉ. કાંજીલાલ આવ્યા. તેમને એમ કે અમે તેમને વધુ પડતા ભાત આપ્યા છે અને મને તેમણે શ્રીમાની સમક્ષ ઠપકો આપ્યો, “શ્રીમાની સેવા કરવા માટે તું યોગ્ય પરિચારિકા નથી. આવતીકાલે હું બે ધંધાદારી પરિચારિકાઓને નિયુક્ત કરીશ. તારે કાંઈ પણ કરવાનું રહેશે નહીં.” પછીથી શ્રીમાએ મને કહ્યું, “પગમાં જોડા પહેરેલી તે સ્ત્રીઓની સેવા શું હું સ્વીકારું, તેમ તે માને છે? હું કદી તેમ નહીં કરી શકું. તું નિયમિત રીતે – રોજ જેમ કરે છે તેમ ચાલુ રાખજે. મારા જમવા વિષે કાંજીલાલે આવી ધાંધલ શા માટે કરવી જોઈએ? શું હું બહુ ખાઈ શકું છું? તે વિષે તે કશું જ જાણતા નથી.”
હવે તેઓ એક પાંચ વર્ષની બાલિકા સમાન બન્યાં હતાં. એક દિવસ રાત્રીના બાર વાગ્યે જ્યારે હું તેમને જમાડવા ગઈ ત્યારે તેમણે વાંધો ઉઠાવ્યો, “ના, હું તે નહીં લઉં. તું હંમેશાં મને કહે છે, ‘આ ખાઓ, ને તે ખાઓ,’ અને મારા ખભા નીચે થરમૉમીટર ખોસે છે!” ખાવાની તેમની અનિચ્છા જાણીને, મેં પૂછ્યું, “તો પછી શું હું મહારાજને બોલાવું?” કોઈ વાર જ્યારે મહારાજનું નામ ઉચ્ચારવામાં આવતું ત્યારે તેઓ જમી લેતાં, પરંતુ આ વખતે તેઓ પોતાના નકારમાં મક્કમ રહ્યાં. “જાઓ, શરતને બોલાવો, હું તારા હાથથી નથી જમવાની.”
આ સાંભળ્યું કે તુરત જ શરત મહારાજ આવ્યા. શ્રીમાએ તેમને પોતાની પાસે બેસાડી અને કહ્યું, “બેટા, જરા હાથ ફેરવને…” પછી તેમણે તેના હાથ પકડ્યા અને કહ્યું, “ના, તું મને જમાડ. હું તેની પાસેથી કશું પણ લઈશ નહીં.”
મેં પીવાના પ્યાલામાં દૂધ રેડ્યું અને તે શરત મહારાજના હાથમાં આપ્યું. ગમે તેમ કરીને તેઓ તેમને થોડું પિવડાવી શક્યા અને પછી કહ્યું, “હવે થોડો આરામ લઈને પીઓ.” શ્રીમાએ કહ્યું, “તેઓ આ પ્રમાણે શા માટે નથી કહી શકતાં? જુઓ તો ખરા, તેઓએ મધ્યરાત્રિએ મારા પુત્રને કેવી ખલેલ પહોંચાડી છે. બેટા! જા, સૂઈ જા.” અને તેમણે તેના શરીરને પંપાળ્યું. પછીથી મહારાજે મચ્છરદાની ગોઠવી દીધી અને કહ્યું, “મા, હવે હું જઈ શકું છું?” “હા, બેટા.” શ્રીમાએ જવાબ આપ્યો, “મારા દીકરાને કેટલી તકલીફ આપી, મેં?”
પોતાના દેહવિલયના થોડા દિવસ અગાઉ, શ્રીમાએ રાધુ વિષે પૂછવાનું બંધ કર્યું હતું. એક દિવસ તેમણે તેને કહ્યું, “જયરામવાટી જા. અહીં વધુ સમય રહે નહીં.” તેમણે મને કહ્યું, તેમને જયરામવાટી મોકલવાનું શરતને કહે. “પણ, શા માટે, મા? રાધુ વગર તમે અહીં રહી શકશો?” મેં વાંધો ઉઠાવ્યો. “હા, હું ખુશીથી રહી શકીશ. મેં મારા મનને તેનાથી દૂર ખસેડી લીધું છે,” તેમણે જવાબ આપ્યો.
મેં આ વિષે જોગીન-મા અને શરત મહારાજને કહ્યું. જોગીન-માએ જઈને તેમને પૂછ્યું, “તમે તેમને જવાનું શા માટે કહો છો?” “કારણ કે પછીથી તેમને ત્યાં જ રહેવાનું થશે. મેં મારું મન ફેરવી લીધું છે. મારે તેમની હવે વધુ જરૂર નથી.” જોગીન-માએ ચીસ પાડીને કહ્યું, “મા! આવી વાતો ન કહો. જો તમે તમારું મન ખેંચી લો તો અમે કેવી રીતે જીવી શકીએ?” પણ છતાં શ્રીમાએ એ જ વાત કહ્યા કરી, “જોગીન, મેં બધી જ માયાને છોડી દીધી છે. હવે, વધુ નહીં.”
એક પણ શબ્દ બોલ્યા વગર જોગીન-મા ચાલ્યાં ગયાં અને શરત મહારાજને કહ્યું, “તો પછી હવે આપણે તેમને વધુ સમય રાખી શકીશું નહીં,” તેમણે કહ્યું, “હવે જ્યારે તેમણે રાધુ તરફથી પોતાનું મન ખેંચી લીધું છે, તો પછી કોઈ આશા નથી.”
હું નજીક ઊભી હતી. મહારાજે મને કહ્યું, “તેમની સંભાળ રાખ, તું હંમેશાં તેમની પાસે રહે છે; જો તું તેમનું મન રાધુ તરફ પાછું વાળી શકે તો પ્રયત્ન કર.” પરંતુ અમારા બધા જ પ્રયત્નો નિષ્ફળ ગયા. એક દિવસે તેમણે મક્કમતાથી કહ્યું, “એ જાણી લો કે જ્યારે એક વખત મેં મારા મનને ખેંચી લીધું છે, ત્યારે તે કદી પાછું નહીં ફરે.”
તેમના દેહવિલયના બે કે ત્રણ દિવસ પહેલાં તેમણે શરત મહારાજને બોલાવ્યા અને કહ્યું, “શરત, હું જાઉં છું. જોગીન, ગોલાપ અને બીજાઓ પાછળ રહે છે, તેમની સંભાળ રાખજે.”
(શ્રીશ્રી માતૃચરણે પૃ. સં. ૨૧૭-૨૨૨)
Your Content Goes Here




