(ગતાંકથી આગળ)

બીજાનાં દુ:ખમાં સહભાગી શ્રીમા

થોડા દિવસો થયા છે. શ્રીમા દુ:સાધ્ય રોગમાંથી મુક્ત બનીને સ્વસ્થ થયાં છે. પરંતુ શરીર હજુ પૂર્ણ રૂપે સબળ સ્વસ્થ થયું નથી. પથ્યાદિના નિયમો હજીયે પાળવા પડે છે. એ દરમિયાન એક દિવસ બપોરના ભોજનના સમયે થોડાક વધારે લોકો આવ્યા. ભાઈઓને જમાડ્યા પછી શ્રીમા બહેનો સાથે ભોજન કરવા બેઠાં. બપોરનો બનેલો ગરમ ભાત ઓછો પડે તેમ હતો અને વાસી ભાત ઘણો હતો. બહેનોએ નક્કી કર્યું કે હવે વધુ ભાત બનાવવાની જરૂર નથી. તેઓ થોડો થોડો વાસી ભાત ખાઈ લેશે. આવું બધું તો ચાલે કારણ કે એ લોકો વાસી ભાત ખાવા ટેવાયેલા હોય છે. પીરસતી વખતે બીજાની પાતળમાં વાસી ભાત પીરસવામાં આવ્યો એટલે શ્રીમાએ આગ્રહ કર્યો કે એમને પણ વાસી ભાત મળે. બધા લોકો વાસી ભાત ખાય અને તેઓ એકલા ગરમભાત ખાય, એવું ક્યારેય બની શકે ખરું? એમના મુખમાં એ અન્ન જાય જ નહિ. બહેનોએ વિશેષ કરીને એમની અનુગત શિષ્યા અને સેવિકા, નવાસનની વહુએ અનેક વિનંતી કરી, એમને હાથ જોડીને પ્રાર્થના પણ કરી, પરંતુ તે માના નિર્ણયને બદલાવી ન શકી. પોતાની લાડકીઓ સાથે શ્રીમાએ થોડો વાસી ભાત ખાધો. આનંદપૂર્વક ગપસપ કરતાં ભોજનના અંતે શ્રીમાએ કહ્યું: ‘જો જો, ભાઈઓને આ વાતનો ખ્યાલ ન આવે.’

પરંતુ પછી નવાસનની વહુ શ્રીમાને કંઈ ન થઈ જાય એવી શંકા સાથે ઘરનો બધો કારભાર સંભાળનારા શ્રીમાના એક શરણાગત પુત્રને એ બધી વાત કહી દીધી. એણે અત્યંત દુ:ખી થઈને રોતાં રોતાં કહ્યું: ‘ભાઈ, તમને બતાવ્યા વિના હું રહી શકતી નથી, મારા હૃદયને ઘણું દુ:ખ થાય છે. કોણ જાણે શું થઈ જાય! અત્યાર સુધી આટલાં બધાં દુ:ખકષ્ટ વેઠીને શ્રીમા આ દુ:સાધ્ય રોગમાંથી બહાર આવ્યાં છે.’ સેવક વિસ્મિત બનીને એના મોં તરફ તાકતા રહ્યા, દીદી તો બોલતી જ જાય છે અને આંખમાંનાં આંસું એના ગાલ પરથી વહી રહ્યાં છે. તે કહેવા લાગી : ‘શ્રીમાએ પરમ દિવસ બપોરના વાસી ભાત ખાધા છે. એણે ઘણી વિનંતી કરી, હાથ જોડ્યા, બધાએ ના પાડી, પરંતુ એમણે કોઈની વાત કાને ન ધરી. ગરમ ભાત ઓછો હતો અને વાસી ભાત પડ્યો હતો. અમે લોકોએ થોડો થોડો લીધો. અમારી બધાની સાથે માએ પણ એ ભાત ખાધો. એમને કંઈ ન થઈ જાય એવો મને ડર લાગે છે. ક્યાંક તેઓ વળી પાછા બીમાર ન પડી જાય.’ સેવકે એને આશ્વાસન આપ્યું અને જવાનું કહ્યું. મોઢેથી તો એમ કહી દીધું કે એમાં ડરવા જેવું કંઈ નથી, કંઈ થશે નહિ; પરંતુ મનમાં ને મનમાં કેટલાય દિવસ સુધી એ વિશેની શંકા બની રહી. ગમે તે કારણ હોય પણ શ્રીમા ફરીથી બીમાર પડી જાત તો અને એમાંય વળી આ વાસી ભાત ખાવાની વાતનો બધાને ખ્યાલ આવી જાત તો કોઈનેય મોઢું બતાવવા જેવું રહેત નહિ.

નવાસનની વહુ ઘણી સદ્‌ભાગી હતી. શ્રીમાનાં અંતિમ વર્ષોમાં એમની સાથે એમની છાયાની જેમ રહીને એણે માની સેવા કરી હતી. તેનું વર્ણન શબ્દોમાં કરવું શક્ય નથી. શ્રીમાની બધી ભૌતિક આવશ્યકતાઓની પૂર્તિ, એમની સેવાશુશ્રૂષા, વિશેષ રૂપે જ્યારે તેઓ માંદા રહે ત્યારે એમના મળમૂત્રને સાફ કરવાં, કપડાં ધોવાં, આ બધાં કાર્યો તે એટલી બધી શ્રદ્ધા અને એવા પ્રેમભક્તિથી કરતી કે જેણે નજરે જોયું હોય તે પોતે જ સમજી શકે. ખરેખર એણે જગજ્જનનીના એક જ આધારે શ્રીમા તથા પુત્રીના રૂપે આ પરમ સેવા કરીને પોતાનું જીવન સાર્થક કરી લીધું. ખરેખર સેવાનો આ શુભ અવસર એના અનેક જન્મોનાં સત્કર્મોનું જ ફળ હતું. આ રીતે સેવાનું સૌભાગ્ય બીજા કોઈને મળ્યું હોય એવું જોયું જાણ્યું નથી.

શ્રીમાના પરિવારમાં ભક્ત સ્ત્રીપુરુષો કેવી રીતે રહેતાં

શ્રીમાનાં જે પુત્રપુત્રીઓને એમનાં સાંનિધ્યમાં થોડા દિવસો સુધી રહેવાનું સદ્‌ભાગ્ય સાંપડતું ત્યારે તેમની વચ્ચે ભાઈબહેનનો સંબંધ દૃઢ કરીને એ લોકોનાં મનને શુદ્ધ તથા એમની દૃષ્ટિને નિર્મળ-પવિત્ર બનાવવાનો ઉપાય પણ શ્રીમા રચી દેતાં. બહેનો અને ભાઈઓ હંમેશાં અલગ અલગ રહેતાં. કોઈ પણ કામકાજ વિના વાતચીત, ચર્ચા કે હળવા મળવાની વાત જ ન આવતી અને જ્યારે ક્યારેક કોઈ કામ માટે બધાનું એકી સાથે મળવાનું થતું ત્યારે એ કામ ત્વરાથી પૂરું કરવું પડતું. આ બધું હોવા છતાં પણ રહેવાનું અને ખાવાનું તો એક જ પટાંગણમાં રહેતું. અને વળી ક્યારે કયું કામ આવી પડે એનું કાંઈ ઠેકાણું હોય ખરું? એટલે છોકરા-છોકરીઓ, ભાઈઓ-બહેનોનું હળવા મળવાનું તો સાવ બંધ જ રહેતું. પણ એનાથી શું? શ્રીમાની હાજરીમાં એમના પ્રભાવને લીધે એમના ઘરમાં એ બધાંમાં પરસ્પર ભાઈ-બહેન સિવાય બીજો કોઈ ભાવ જન્મતો નહિ. એ બધાં એકબીજાને મોટાભાઈ કે મોટી બહેન કહીને સંબોધતાં. શ્રીમા પણ ભાઈઓના હૃદયમાં પોતાના પ્રત્યે માતૃભાવ દૃઢ કરાવવા માટે તથા શરમાળ ભાઈઓનો સંકોચ દૂર કરવા માટે એમને ‘મા’ કહીને બોલાવવાનું કહેતાં અને એ બધાંના મોઢેથી ‘મા’ એવો શબ્દ સાંભળવા ઇચ્છતાં. એક વખત એક છોકરાને શ્રીમા કોઈ કામ માટે બહાર મોકલી રહ્યા છે. તેને કહે છે : ‘જઈને કહેજે, માએ (આમ) કહ્યું છે.’ છોકરાએ તો વાત શાંતિથી સાંભળી લીધી. શ્રીમાએ પૂછ્યું: ‘તું શું કહીશ એ મને જરા સંભળાવ, હું સાંભળું.’ શરમાળ છોકરાએ જવાબ આપ્યો : ‘(એમ) કહીશ કે આપે કહ્યું છે.’ શ્રીમાએ એમાં સુધારો કરીને કહ્યું: ‘એમ નહિ! કહેજે કે માએ કહ્યું છે, સમજ્યો?’ અંતે છોકરાએ કહેવું પડ્યું: ‘કહીશ, માએ કહ્યું છે.’ શ્રીમાએ પ્રસન્ન દૃષ્ટિથી છોકરા તરફ જોયું અને છોકરો પણ પ્રસન્ન થઈને ચાલવા લાગ્યો. તેઓ પોતાના શરણે આવેલાં સંતાનોના પારસ્પરિક સંબંધોને શુદ્ધ અને દૃઢ બનાવવા છોકરાઓને આમ કહેતાં: ‘વચેટ મામાને અમુક વાત કહી આવ તો,’ ‘વચેટ મામી છે કે કેમ એ જરા જોઈ આવ,’ ‘મોટી બહેનને બોલાવતો આવ,’ વગેરે. એ જ રીતે તેઓ છોકરીઓને પણ કહેતાં: ‘તમારા ભાઈને બોલાવી લાવો’, ‘ભાઈને પીરસો’, વગેરે. આ રીતે વ્યાવહારિક શિક્ષા દ્વારા શ્રીમા એમનાં હૃદયમાં વિશુદ્ધભાવ દૃઢ મૂલ કરી દેતાં. નોકર-નોકરાણીઓ સાથે પણ નજીકનો સંબંધ રચીને ઘરગૃહસ્થીનું કામ ચાલતું. સમાજના આ પ્રાચીન નિયમનો-બધા પ્રત્યેનો આત્મીયભાવ લુપ્ત થઈ જવાને કારણે જ આજે માનવ કેટલી ઝડપથી અધોગતિમાં સરી રહ્યો છે!

ગૃહસ્થ બનીને ઘરમાં રહીએ કે સંન્યાસી થઈને વનમાં ચાલ્યા જઈએ, પરંતુ જ્યાં સુધી અંત:કરણ શુદ્ધ અને દૃષ્ટિ પવિત્ર નથી બની જતાં ત્યાં સુધી મનુષ્ય ઇન્દ્રિયોની આસક્તિમાંથી મુક્ત થઈ શકતો નથી. ભૂતકાળના આપણા વિચારો અને આપણાં કર્મ જ સંસ્કારના રૂપે રહીને સદા સર્વદા આપણને પ્રેરિત કરે છે અને એ પ્રમાણે જાણે કે આપણને નચાવી રહ્યાં છે. જો આપણે પોતાની વિચાર પ્રણાલી અને દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવીને જીવવાનું શીખીએ તો ક્રમશ: આપણું ચિત્ત શુદ્ધ બનાવી શકીએ છીએ અને આપણી આસક્તિને ઓછી કરી શકીએ છીએ. આજે માનવસમાજમાં કાર્યક્ષેત્ર જ એવું થઈ ગયું છે કે સ્ત્રી અને પુરુષે પરસ્પર એકબીજાને મળવું પડે છે; આખું વિશ્વ એક પરિવાર બની રહ્યું છે. શિક્ષણ, સ્વાસ્થ્ય, વ્યવસાય, રાજનીતિ આ બધાં ક્ષેત્રોમાં, દેશ અને વિદેશમાં, સ્ત્રી અને પુરુષ જો એક સાથે ન રહે તો કાર્ય થવાનું નથી. જંગલ આજે જનસ્થળ અને નગરોમાં પરિવર્તિત થઈ રહ્યાં છે. સર્વત્ર બધાંનું આવાગમન ચાલુ જ રહે છે. એટલે નિ:સંગ બનીને જીવન ધારણ કરવું કઠિન બની ગયું છે. એટલે કદાચ, હે મા! તમે પોતાનાં પુત્રપુત્રીઓને સમયાનુસાર ઘડવા માટેની તમારી આ એક અનન્ય શિક્ષણ પ્રણાલી છે! તમે ઇચ્છો છો કે સંન્યાસી હોય કે ગૃહસ્થી તે બધાએ પોતાના અંત:કરણમાં પોતાના ભાવ સુરક્ષિત રાખીને તેઓ આગળ વધે અને જીવનને ઊર્ધ્વગામી બનાવે. આપણે બધા એક જ માનાં સંતાન છીએ, એટલે કે ભાઈબહેન છીએ. બધાં સ્થળ શ્રીમાનું જ ઘર છે. પોતપોતાના ભાવમાં સ્થિર રહીને આપણે પરસ્પર એક બીજાની સહાયતા કરીશું. જેના પેટમાં જે સદે, શ્રીમા એ જ ખવડાવે છે. આ પ્રકારનું શિક્ષણ આપીને શ્રીમાએ પોતાનાં સંતાનો દ્વારા અસંભવને કેવી રીતે સંભવિત કરી દીધું છે એ વિચારતાં આશ્ચર્ય થાય છે.

(ક્રમશ:)

Total Views: 167

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.