ધ્રુવનું આખ્યાન સાંભળીને દુ:ખથી દ્રવિત થયેલાં મા
બીજાંની મનોવ્યથા માના હૃદયમાં કેટલી હદે પ્રવેશ કરી જતી, તેની બીજી એક ઘટના ઉલ્લેખ યોગ્ય છે. માના એક સંતાન લાવણ્યકુમાર ચક્રવર્તીએ પોતાની લખેલી ‘ધ્રુવચરિત’ નામની ચોપડી માને મોકલાવેલી. પુસ્તક મળવાથી મા રાજી થયાં અને એને સાંભળવાની ઇચ્છા પ્રગટ કરી એટલે એક દિવસ સંધ્યા પછી એની ગોઠવણ કરવામાં આવી. ઓસરીમાં ચટાઈ પાથરીને મા પાઠ સાંભળવાને બેઠાં, જોડે ઘરની બીજી સ્ત્રીઓ પણ બેઠી છે. એક છોકરો જરાક દૂર અલગ આસન ઉપર બેસીને પુસ્તક વાંચી રહ્યો છે. થોડાંક પાનાં વંચાયાં છે સહુ આનંદથી સાંભળી રહ્યાં છે, એટલામાં એક ઠેકાણે એક દુ:ખભર્યા પ્રસંગનું વર્ણન આવ્યું. રાજા ઉત્તાનપાદ સિંહાસને બેસીને એમની ઘણી માનીતી રાણી સુરુચિના દીકરાને વ્હાલથી ખોળે બેસાડીને લાડ લડાવી રહ્યા છે, એ જોઈને સુરુચિની શોક્ય સુનીતિનો પુત્ર ધ્રુવ પણ પિતાને ખોળે ચઢવાને માટે આગળ આવ્યો. સુરુચિ ધ્રુવને ધુત્કારી કાઢતાં બોલે છે, ‘દુ:સાહસી છોકરા, જો રાજાને ખોળે ચઢવાના ઓરતા થતા હોય, તો ફરીવાર સુરુચિને પેટે જનમ લે.’ બાયલો રાજા સુરુચિની બીકે બાળક ધ્રુવને ખોળામાં લેવાની હિંમત નથી કરી શકતો. બાળક દુ:ખથી રડવા લાગ્યો. મર્મભેદી કહાણી સૂણીને મા પણ રડવા લાગ્યાં. વાંચનારે જરાક થંભી જઈને રાહ જોઈ. મા એ શાંત પડીને આંખો લૂછી. ફરીવાર વાચન શરૂ થયું. ફરી પાછી દુ:ખભરી કહાણી. પાંચ વરસનો બાળક ધ્રુવ તપસ્યા કરીને શ્રીહરિને પ્રસન્ન કરવાને માટે વનમાં જવા તૈયાર થયો છે. સુનીતિ એકના એક દીકરાનું મોં જોઈને દુ:ખભરી જિંદગી વીતાવી રહી છે. અને એ જ પુત્ર માને છોડીને વનમાં જવા નીકળ્યો છે. સુનીતિ કેટકેટલું સમજાવે છે પણ ધ્રુવ કેમે કર્યો માનતો નથી. સુનીતિના દુ:ખથી માનું હૈયું પીગળી ઊઠ્યું, જાણે કે પોતે જ સુનીતિ છે, પુત્રને વનમાં મોકલતાં હૈયું ફાટી રહ્યું છે, ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યાં છે. પાઠક અને શ્રોતા સહુ અવાક્ બની જઈને એકટકે આ અદ્ભુત શોકના આવેગને નિહાળી રહ્યા છે. જરાક વારે મા શાંત પડતાં વળી પાછું વાંચવાનું ચાલું થયું. એકલો અટૂલો ધ્રુવ વનને રસ્તે ચાલી નીકળ્યો છે. માની આંખેથી આંસુ દડી રહ્યાં છે. દુર્ગમ વનપથે ભગવાનની કૃપાથી ધ્રુવને નાના પ્રકારની સહાય મળવાથી માનું મન ઉલ્લાસમાં આવ્યું, મોઢું હસું હસું થઈ રહ્યું. ત્યારબાદ નારદ પ્રગટ થયા અને સદુપદેશ દીધો એ વાત સાંભળીને વધારે રાજી થયાં પ્રફુલ્લિત ચિત્તે સૌને કહ્યું, ‘જુઓ, જુઓ, ભગવાનની કરુણા! જે એમને ઇચ્છે; તેને તેઓ કેવી મદદ કરે!’ વાચન આગળ વધ્યું અને ધ્રુવની કઠોર તપસ્યાની વાત આવી. હિંસક પશુઓથી ભરેલા ગાઢ જંગલના જાતજાતનાં બિહામણાં વર્ણન. બાળક ધ્રુવનું દિલ ડરથી કંપે છે, નિરૂપાય અસહાય બાળક એકલો એકલો રડી રહ્યો છે. એ હૃદયવિદારક દૃશ્યનું વર્ણન સાંભળતાં જ માનું ચિત્ત દ્રવિત થઈ ગયું. એમનું પોતાનું જ સંતાન હોય, ખોળામાંનું શિશુ હોય એમ ધ્રુવને માટે રડવા લાગ્યાં. ઘણા પ્રયત્ને જાતને એમણે સ્વસ્થ કરી. પાઠકે વાંચવું શરૂ કર્યું, પણ બીજી જ ઘડીએ વળી પાછાં મા ધ્રુવને યાદ કરીને આકુળવ્યાકુળ થઈ ગયાં અને રડવા લાગ્યાં. ક્રમે વધુ ને વધુ વ્યાકુળ થતાં ગયાં, એમના મનપ્રાણ જાણે કે એ ઘોર જંગલમાં ઘનઘોર રાતે ધ્રુવનું રક્ષણ કરવાને માટે દોટ મૂકી રહ્યાં છે. બીજાં બધાં શ્રોતા, પાઠક સહુ સ્તબ્ધ થઈને એ શોકોદ્વેષને થોડીકવાર જોઈને ચૂપચાપ ઊઠી ઊઠીને સરકી ગયાં. પુસ્તક આગળ વંચાયું નહિ. બધાંયનાં ‘હૈયાં શોકથી ઘેરાઈ ગયાં છે. કોને માટે? કોણ કહી શકે?’
પોલીસની નજરબંધી હેઠળ માના શિષ્ય
માનો એક ત્યાગી શિષ્ય બેત્રણ વર્ષ જયરામવાટીમાં રહીને મેલેરિયાથી ઘણો હેરાન પરેશાન થઈ ગયેલો. તેથી તે હવાફેર કરવાને માટે કટિહાર જઈને પોતાના એક ડોક્ટર ગુરુભાઈને ત્યાં રહેતો હતો. થોડોક વખત ત્યાં રહ્યા એનાથી એમના ઉપર સી.આઈ.ડી. પોલીસને શંકા ગઈ. એ ડોક્ટરના બે નાના ભાઈઓ ઉગ્ર ક્રાન્તિકારી દળના સભ્યો હતા અને ભાગેડુ હતા, એમની સંગાથે આ સાધુ સંકળાયેલો હોવાનું માનીને પોલીસ એને પણ પકડીને અટકમાં રાખવાના પ્રયત્નો કરવા લાગી. ડોક્ટરબાબુ ઉચ્ચ સરકારી હોદ્દે હતા. એમણે જામીન થઈને એ સાધુને મુક્ત રખાવ્યો, પણ એ શરતે કે જ્યારે પણ પોલીસ હુકમ કરે ત્યારે તરત જ એને હાજર કરી દેશે. સાધુ એમને ઘેર જ રહેવા લાગ્યા. થોડાક માસ પછી એને જયરામવાટી કામ માટે જવાનું થયું અને ત્યાં જવાની ઇચ્છા થઈ એટલે એ કટિહાર છોડીને ચાલી આવ્યો. ત્યારે મા કોઆલપાડા જગદંબા આશ્રમમાં રહેલાં હતાં. દીકરો પાછો આવવાથી એને મળીને અને ખાસ તો એની તબિયતમાં સુધારો થયેલો દેખીને માને મનમાં બહુ ખુશી ઉપજી. પણ એના ઉપર હજી યે પોલીસની નજરબંદી ચાલુ છે અને પેલા ડોક્ટર એને માટે પુષ્કળ મોટી રકમની જામીનની જવાબદારીથી બંધાયેલા છે એમ સાંભળીને ત્યાં હાજર રહેલા સહુએ શંકિત બની ઊઠ્યાં અને એણે માની પાસે આવીને રહેવાની વિરુદ્ધમાં મત દર્શાવ્યા. બધાં એ એકે અવાજે કહ્યું કે એણે તેને તે જ દિવસે કટિહાર પાછા ચાલ્યા જવું જોઈએ, અને જ્યાં લગી પોલીસનો મામલો પૂરેપૂરો પતી જાય ત્યાં લગી એ જ ડોક્ટરને ઘેર રહેવું જોઈએ. બધાંની આવી તર્કસંગત વાત સાંભળીને અને ખાસ તો પોતાને કારણે માના ઘરમાં પોલીસ રખેને કશી જાતની ધમાલ ઊભી ના કરે એવી ચિંતા સૌને થઈ રહેલી જોઈને એ પાછો જતો રહેવા તૈયાર થઈ ગયો. એ દિવસોમાં જયરામવાટી તેમ જ કોઆલપાડા આશ્રમ ઉપર પોલીસની કડી નજર રહેલી હતી. તેના ઉપર વળી આવા નજરબંદી આસામીના આવવાથી પરિસ્થિતિ વધુ વણસશે એમ વિચારીને સહુ ચિંતામાં પડ્યાં હતાં. પણ મા પોતાના ત્યાગી સંતાનને છોડવાને ખાતર કેમે કર્યાં રાજી ના થયાં. એના પાછા જવાની વાત કહેવામાં આવતાં જ અતિશય દુ:ખિત થઈને રડવા માંડ્યાં. ‘ઠાકુરની ઇચ્છાથી જે થવાનું હશે તે થશે, છોકરો અહીંયા મારી પાસે જ રહેશે.’ એવો અભિપ્રાય માએ જાહેર કરતાં મહામુશ્કેલી ઊભી થઈ. દીકરો પણ મહાસંકટમાં આવી પડ્યો. એક બાજુએ મા છોડતાં નથી અને ખુદ પોતાની પણ ભારે ઇચ્છા કે માની પાસે જ રહેવું છે. બીજી તરફ બધાં જણાં વિરોધમાં અને એમની વિચારપૂર્ણ વાતને ઊડાવી દેવાય તેમ પણ નહોતું. કોણ જાણે સર્વે સત્તા ધરાવનારી પોલીસ શું યે કરે.’
અહીં માને ઘેર પણ ઉપાધિ આણી શકે અને ત્યાં કટિહારમાં પણ પેલા નિરપરાધ ભક્તને ઘોર વિપદમાં ઊતારી શકે. બધી બાજુનો વિચાર કરીને એણે પાછા જતા રહેવાનું જ યોગ્ય ગણ્યું, પણ મા કેમે કરીને દીકરાને છોડતાં નથી.
મા અધીરાં થઈને રડવા લાગ્યાં. એમને આમ નાદાન બાળાની માફક આંસુ સારતાં જોઈને બધાં ય વ્યથિત થઈ ઊઠ્યાં. દીકરો પણ માની સ્નેહ વ્યાકુળતા જોઈને રડવા લાગ્યો. અને મા પણ દીકરાને વળી પાછો આઘે આઘે એ પોલીસના પંજામાં મોકલવાની વાતથી અધીરાં બનીને રડવા માંડ્યાં. આવી ભારે વિપદજનક પરિસ્થિતિમાં સહુ મોટી ચિંતામાં પડી ગયાં. હજી થોડા જ દિવસો અગાઉ માને સખત મેલેરિયાનો તાવ આવ્યો હતો. એમની સારવાર માટે પૂજ્ય શરત્ મહારાજ, પૂજ્ય યોગીન-મા અને બીજાં પણ સેવક-સેવિકાઓ તથા ભક્તવૃંદ ત્યાં રહેલાં હતાં. બધાંએ ભેગાં મળીને મસલત વિચાર કરીને એ સાધુને જ સમજાવીને માની પાસે મોકલ્યો, કે જેથી કરીને એ ડોક્ટર ભક્ત ઉપર આવી શકનારી વિપત્તિની વાત માને જણાવી શકે. એટલે એ મુજબ એણે પોતે જ માની પાસે જઈને ધીરે ધીરે કરતાં સહુના મનની આશંકા તથા ડોક્ટર પર વિપત્તિની સંભાવનાની વાત રજૂ કરી. એને મોઢેથી બધી વાત સાંભળીને અને ખાસ કરીને ડોક્ટરની નોકરી જવાની તેમ જ ધનસંપત્તિનો નાશ થવાની સંભાવના જાણીને મા કશું બોલ્યા વિના આંસુ સારવા લાગ્યાં. બીજી પણ કોઈ કોઈ માની પ્રીતિપાત્ર અને વિશ્વસ્ત વ્યક્તિઓએ જઈને માને બધી વાત ફોડ પાડીને સમજાવી. ખાસ તો માને જાણ થઈ કે શરત્ મહારાજનો મત પણ સાધુ કટિહાર ચાલ્યો જાય એવી તરફેણમાં છે. એટલે છેવટે નિરૂપાય બનીને મા દીકરા બંનેએ આંખમાંથી પાણી વહેવડાવતાં એકબીજાની વિદાય લીધી. પણ થોડા દહાડા લગી દીકરાની વાત હૈયે ચઢી આવતાં જ માનાં શોકાશ્રુ ઝરી પડતાં. પછી ધીમે ધીમે કરીને માએ પોતાને સંભાળી લીધેલાં.
એ વખતે તો પછી વધારે ખાસ કાંઈ ધમાલ થયેલી નહિ, પણ થોડાક માસ પછી, શિરોમણિપુર પોલીસથાણાનો દરોગો ઊપલા અધિકારીઓના હુકમથી એ સાધુ સંબંધે પૂછતાછ કરવાને માટે માને ઘેર આવેલો. આગલે દહાડે ગામના ચોકીદારને મોઢેથી દારોગાના આવવાના સમાચાર સાંભળીને બીજા લોકો ચિંતાતુર થઈ ગયેલાં પણ માના મનમાં જરાક જેટલી ય ફિકર ચિંતા થઈ છે એવું જણાતું નહોતું. બીજે દિવસે સવારના ટાઈમે માના કૃપાપાત્ર સંતાન આરામબાગના વકીલ મણીન્દ્રબાબુના આગમનથી સૌનાં મન પ્રફુલ્લ થઈ ઊઠ્યાં અને આશ્વાસન પામ્યાં અને દારોગાના આવવાની શક્યતાની વાત કરીને એમને એ દિવસે રાત્રે પણ રહી જવાનું કહેવામાં આવ્યું. સાંજ પડતાં પહેલાં દારોગા મહાશય આવી પહોંચતાં, મણીન્દ્રબાબુએ એ જ માનપાનભર્યો આવકાર આપીને બેસાડીને વાતોચીતો કરવા માંડી દારોગાએ વાતોવાતોમાં તેમ જ બીજા કોઈ કોઈને કંઈક કંઈક પૂછપરછ કરીને એમને જાણવું હતું તે જાણી લીધું. એટલીવારમાં માએ એમને નાસ્તાપાણી કરાવવા માટે પોતાને હાથે શીરો બનાવીને બહાર કહેવડાવ્યું એટલે સંતાનો દારોગાબાબુને ઘરને અંદરને ભાગે લઈ ગયા. એમણે માતાજીને ભક્તિપૂર્વક પ્રણામ કર્યા, મા પણ પાસે બેસીને એમને પ્રેમપૂર્વક ખવડાવવા લાગ્યા. દારોગાજીએ ખાતાંખાતાં માની જોડે વાતચીતો કરતાં કરતાં જ વચમાં વચમાં સવાલો પૂછીને પોતાની તપાસણીનું કામ પૂરું કરી લીધું. મોઢામાં પાનનું બીડું મૂકીને માને પ્રણામ કરીને વિદાય માગી. અત્યંત સરળ અને પ્રસન્ન ચિત્તે માએ પણ શુભકામના કરીને સ્નેહપૂર્વક વાત્સલ્યભરી વિદાય દીધી. આવી રીતે પોલીસની તપાસ જેવો ભારે ચિંતાનો વિષય સહજભાવે સરળતાથી ઊકલી ગયો તેથી ત્યાં હાજર રહેલા સહુનાં મન પણ ઘણાં પ્રસન્ન થઈ ગયાં. પણ ત્યાં રહેલામાંથી કોઈ કોઈના દિલને એક વાત સ્પર્શી ગઈ. તે એ કે દારોગા મહાશય જ્યારે આવ્યા ત્યારે એમનો ચહેરો ચિંતાભર્યો ગંભીર અને નારાજ જણાયેલો. મણીન્દ્રબાબુ જોડેની વાતચીત પણ કાંઈ બહુ ખુલ્લા દિલે થઈ હોય એમ લાગેલું નહીં. એટલે લગી કે ઘરને અંદરને ભાગે જતી વખતે પણ એમને નીચે માથે, ચિંતિત ભાવે ધીરાં ડગલાં ભરતાં જોવામાં આવેલા. પણ માની પાસે પહોંચ્યા કે તરત જ, ખાસ તો જ્યારે મા પાસે બેસીને હેતથી ખવડાવવા માંડ્યાં, ત્યારે એમની આંખોનો ભાવ બદલાઈ જઈને એકદમ સરળ પ્રસન્ન બની ઊઠ્યો. એમ લાગ્યું કે જાણે કે તેઓ પોતાની માતા. અથવા તો દીકરીની પાસે બેસીને મજાની વાતોચીતો કરતાં કરતાં ખાઈ રહેલા છે. જતી વેળાએ સૌની સંગાથે એકદમ પ્રસન્ન ચિત્તે ખુલ્લા દિલે આનંદથી વાતો કરીને નમસ્કાર વગેરે કરીને પ્રિયજનની જેમ જ પાછા ફરેલા.
મા, તમારા શબ્દોમાં, વ્યવહારમાં અને ખાસ તો સંતાનોને ખવડાવવા પીવડાવવાની બાબતમાં શું માધુર્યભર્યો જાદુ હતો, એ તો તમે જ જાણો!
Your Content Goes Here




