(શ્રીશ્રીમાતૃમંદિર દ્વારા પ્રકાશિત બંગાળી પુસ્તક ‘શ્રીશ્રીમા ઓ જયરામબાટી’નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે સ્વામી કૃષ્ણસખાનંદ. – સં)

પૂર્વભૂમિકા

૨૦મી સદીની શરૂઆતનો સમય હતો, આંદોલનનો યુગ. મોટાં મોટાં શહેરોમાં સંગ્રામનો દાવાનળ ભભૂકી ઊઠ્યો હતો. એ અગ્નિશિખા બંગાળનાં ગામડાંમાં પ્રસરી ગઈ. ભારતમાતાને સુદીર્ઘ પરાધીનતાની સાંકળોમાંથી મુક્ત કરાવવા યુવકોનાં ટોળેટોળાં દેશસેવામાં ઝંપલાવવા લાગ્યાં.

એ યુવકવૃંદના આત્મત્યાગના આદર્શે મને પણ અનુપ્રાણિત કરી મૂક્યો. પોતપોતાના સામાન્ય સ્વાર્થ વિસર્જિત કરી, અમે કેટલાક લોકોએ મળીને કોઆલપાડા ગ્રામમાં એક આશ્રમનું નિર્માણ કર્યું તથા વિભિન્ન કાર્યસૂચિના માધ્યમથી ભારતમાતાની સેવામાં આત્મ-સમર્પણ કર્યું. આ રીતે મારા જીવનમાં માતૃપૂજાનો શુભારંભ થયો. ત્યારે કોને ખબર હતી કે ભારતમાતાની સેવાના માધ્યમથી જગદંબાનું મહા-આવાહન મારા જીવનમાં ઉપસ્થિત થશે?

ત્યારે ભારતમાતાને મન-પ્રાણ-સમર્પણ જ હતું મારા જીવનનું વ્રત. એ સમયે મારા જીવનની પરમ શુભ-ક્ષણ ઉપસ્થિત થઈ! મારાં બા અને એક શિક્ષક મહોદય પાસેથી સાંભળ્યું કે પાસેના જયરામબાટી ગ્રામમાં પરમહંસદેવનાં સહધર્મિણી રહે છે અને એમનાં દર્શન કરવા માટે ઘણા લોકો જાય છે. એમનાં દર્શન મેળવવાનું મારું કૌતૂહલ ધીરે ધીરે પ્રબળ થવા લાગ્યું. છેવટે દોડીને પહોંચ્યો જયરામબાટી ગ્રામમાં માતૃદર્શન માટે!

પ્રથમ દર્શન

એ હતો ૧૩૧૧ બંગાબ્દનો એક અવિસ્મરણીય દિવસ. ઢળતી બપોરે મળ્યું પ્રથમ દર્શન! સંધ્યા થવાની હજુ થોડી વાર હતી. મા અને દીકરો સામસામે ઊભાં હતાં! મા ઊભાં છે પ્રસન્ન મામાના દક્ષિણદ્વારી ઘરના વરંડાના દરવાજાની સામે ખૂંટી ઉપર હાથ રાખીને, સસ્મિત વદને, અપાર કરુણામય નયને! અને જિજ્ઞાસુ દીકરો જીવનના કોઈ પરમ રત્નના મેળાપે એમની સમક્ષ ઉપસ્થિત; પરમ વિસ્મયે તાકી રહ્યો છે માના શ્રીમુખ સમક્ષ.

એ એક અપૂર્વ મિલન-ક્ષણ! મસ્તક નત થઈ ગયું! ઢળી પડ્યો કરુણામયીનાં પદકમળે! શ્રીશ્રીમાએ મારા મસ્તક પર હાથ મૂકી આશીર્વાદ આપ્યા અને હડપચીનો સ્પર્શ કરી ચુંબન કર્યું. એમના પવિત્ર સ્પર્શે હૃદયમાં એક અદ્‌ભુત સ્પંદનનો અનુભવ થયો! સમસ્ત દેહ-મન શાંત અને સ્નિગ્ધ થઈ ગયાં.

વાતવાતમાં શ્રીશ્રીમાએ કહ્યું: “તું દીકરો, હું મા—એ જ સારું.” વાત નાનકડી છે, પરંતુ એટલામાં જ સમાવૃત્ત છે સૃષ્ટિનું ચરમ સત્ય. મહાશક્તિના ખોળામાં શાયિત છે આ વિશ્વબ્રહ્માંડ. માટે જ “મા અને દીકરો”—આ સંબંધ માત્ર એક જન્મનો નહિ, જન્મજન્માંતરનો! મારો વિસ્મય ઉત્તરોત્તર વધવા લાગ્યો અને મનમાં થવા લાગ્યું, કોણ છે આ કરુણાઘનમૂર્તિ કે જેના કૃપાકટાક્ષ માત્રથી ક્ષણભરમાં અતિ પાખંડીના જીવનમાં પણ સમૂળગું પરિવર્તન આવી જાય!

સંધ્યા થવાની તૈયારી છે. માને વિનંતી કરી કે હવે વિલંબ કર્યા વિના કોઆલપાડા આશ્રમે પાછું ફરવું પડશે. માએ પૂછ્યું: “અત્યારે જ જતા રહેવું પડશે? આજે રોકાઈ જઈશ નહિ?” અને સકરુણ નયને મને નીરખી રહ્યાં. એક અદ્‌ભુત આનંદનું આસ્વાદન મેળવીને એ દિવસે પાછો ફર્યો. પાછો ફર્યો તો ખરો, પણ મન-પ્રાણ બધું જ કોઈની પાસે હારીને આવ્યો! હું હવે પહેલાં હતો એવો ન રહ્યો. મારા જીવનપ્રવાહની દિશા પરિવર્તિત થઈ, અમૃત-સાગર તરફ વળી. હવે શું કોઈ બાધા એને અવરોધી શકે? આ રીતે જીવન-નાટકનો નવો અંક પ્રારંભ થયો. પ્રબળ આકર્ષણથી શ્રીશ્રીમા પાસે વારંવાર આવ-જા કરવા લાગ્યો.

કોઆલપાડા આશ્રમનો પ્રારંભ

અમે એ સમયે કોઆલપાડા આશ્રમમાં જ હતા. આશ્રમના પ્રારંભની વાત કરતાં જ સર્વપ્રથમ કેદારબાબુ, કિશોર અને રાજેનને યાદ કરવા પડે. (ત્રણેયે સંન્યાસ ગ્રહણ કરી અનુક્રમે સ્વામી કેશવાનંદ, પરમેશ્વરાનંદ અને વિદ્યાનંદ નામ મેળવ્યાં હતાં.) એ ત્રણેયે પરામર્શ કરીને નક્કી કર્યું હતું કે સૌએ પોતપોતાના ઘરનો ત્યાગ કરવો, અને એક અલગ મકાન લઈને રહેવું. ત્યાં રહીને આધ્યાત્મિક ઉન્નતિ માટે સાધના કરવી અને સાથે જ કોઈ રોજગાર કરી થોડું ધન-ઉપાર્જન પણ કરવું.

આ ઉદ્દેશ્યે કેદારબાબુના વિદ્યાલયના એક ઓરડામાં આશ્રમની શરૂઆત થઈ હતી. (કેદારબાબુ શિક્ષક હતા.) તેઓ ઘરેથી આવ-જા કરતા અને ત્યાં રાત્રિવાસ કરી ગીતા, ભાગવત, યોગવાસિષ્ઠ રામાયણ, શ્રીશ્રીરામકૃષ્ણ કથામૃત અને સ્વામી વિવેકાનંદનાં પુસ્તકોનું અધ્યયન કરતા. બીજા બે-ત્રણ ઉંમરલાયક સજ્જનો પણ એ અધ્યયનમાં જોડાતા. કેટલાય દિવસ એમ થયું છે કે વાંચન, વાર્તાલાપ અને વિશ્લેષણ કરતાં કરતાં સમય ક્યાં વીતી જતો એ હોશ રહેતી નહીં અને પરોઢ થઈ જતું. કેદારબાબુ વયસ્ક હતા અને તેઓ ચર્ચામાં આગળ પડતો ભાગ ભજવતા. વાદ્યયંત્રો સહિત ભજન-કીર્તન પણ ગવાતાં.

એક અદ્‌ભુત પ્રસંગ

એક દિવસ સંધ્યા-આરતી બાદ અમે બધા તન્મય બની સમસ્વરે આ ભજન ગાઈ રહ્યા હતા:

કોણ છે ષડ્‌દલે નિર્મલવરણી 
યં રં લં વં સોઽહંસ: હંસ: ઇતિ બીજધારિણી.

એ સમયે એકાએક હવાની સાથે પદ્મફૂલની મધુર સુગંધ વહેવા લાગી. આશ્રમની દક્ષિણે એક મોટું તળાવ હતું, જેમાં પદ્મફૂલ ખીલતાં. પહેલાં તો મનમાં થયું કે એ પદ્મ-તળાવમાંથી આ સુગંધ આવે છે. પણ પોષ મહિનામાં તો પદ્મ ખીલે નહીં. તો પછી આ સુગંધ આવી ક્યાંથી? થોડી ક્ષણોમાં જ એ સુગંધ હવામાં વિલીન થઈ ગઈ. એ ક્યાંથી આવતી હતી એ ન સમજી શકતાં એ એક ઘટના અલૌકિક બની રહી!

આ રીતે, ધ્યાન-ધારણા, ભજન-સંગીત, વાંચન-વિશ્લેષણ લઈને કોઆલપાડા આશ્રમમાં અમારા દિવસો સુંદર ભાવે વ્યતીત થવા લાગ્યા. કેટલાક યુવકોનાં મનમાં પ્રબળ વૈરાગ્યભાવનો ઉદય થવાથી, તેઓએ શ્રીશ્રીમાનાં ચરણોમાં આત્મસમર્પણ કર્યું. શ્રીશ્રીમાનો પવિત્ર સંગ મેળવીને અત્યંત કર્મ-વ્યસ્તતાની વચ્ચે પણ ઉત્સાહ અને આનંદ સહિત તેઓના દિવસો પસાર થવા લાગ્યા.

શ્રીશ્રીઠાકુર અને માની પૂજા

એ સમયે મારા આગ્રહના પરિણામે આશ્રમમાં શ્રીશ્રીઠાકુર અને શ્રીશ્રીમાની પૂજા થતી અને અમે બધા સમયે સમયે જયરામબાટી જઈ માનાં દર્શન કરતા. શ્રીશ્રીમા પણ અમને વિવિધ ઉપદેશ આપતાં. એક દિવસ શ્રીશ્રીમાએ આશ્રમ માટે ફળ કાપવાની બોટી અને સ્વામી વિવેકાનંદનું નવપ્રકાશિત પુસ્તક ‘દિવ્યવાણી’ મને આપ્યાં. એ કોઆલપાડા આશ્રમમાં જ રાખવામાં આવેલ.

આ ઘટનાના થોડા દિવસો બાદ જ પરમ-આરાધ્યા શ્રીશ્રીમાએ મને, રાજેનને, કેદારબાબુને તથા અન્ય કેટલાક લોકોને મહામંત્ર પ્રદાન કરી ધન્ય કર્યા. તેઓ વિવિધ ઉપદેશો આપી અમને દોરવા લાગ્યાં.

કોઆલપાડાથી જયરામબાટીનો રસ્તો

કોઆલપાડાથી જયરામબાટી આવવાનો પથ ત્યારે અતિ દુર્ગમ હતો. ઝાડ-કાંટાની વચ્ચેથી સાંકડી કેડી પસાર થતી અને રસ્તામાં સાપ પણ જોવા મળતા. વર્ષાકાળે પૂર આવવાથી તેમજ શિયાળામાં ખેડૂતો ખેતરમાં પાણી લાવવા માટે નદી પર બંધ બાંધતા ત્યારે રસ્તાઓ પાણીથી ભરાઈ જતા અને અમારે નૌકા દ્વારા નદી પાર કરીને આવવું પડતું. કોઈ કોઈ વાર વળી નદીમાં મગરમચ્છ જોવા મળતા. મગરમચ્છ વાછરડાં, ગાય, બકરી વગેરેને પકડીને તેનું ભક્ષણ કરતા. સંધ્યા સમયે ઘણી વાર નદીના કિનારે સૂતેલા જોવા મળતા. આવી ભયાવહ પરિસ્થિતિમાં પણ અમે ક્યારેક ક્યારેક નૌકાના અભાવે તરીને નદી પાર કરતા.

એક દિવસે એક ઘટના ઘટી. બજારમાંથી ખરીદી કરી અમે ત્રણ યુવકોએ જયરામબાટી તરફ પ્રસ્થાન કર્યું. નદીના કિનારે આવીને જોયું તો નૌકા સામેના કિનારે લાંગરેલી હતી. નૌકા-ચાલક ક્યાંય જોવા મળ્યો નહીં. બૂમો પાડવા છતાં કોઈ આવ્યું નહિ. આખરે અમે તરીને સામેના કિનારે ગયા અને નૌકા લઈ આવ્યા. બજારમાંથી ખરીદેલ વસ્તુઓ નૌકામાં રાખીને, અમે પોતે જ નૌકા ચલાવી, નદી પાર કરી અને છેવટે ખરીદેલ વસ્તુઓ લઈને શ્રીશ્રીમા સમક્ષ ઉપસ્થિત થયા. માએ આખી ઘટના સાંભળીને અમને આશીર્વાદ આપ્યા.

કોલકાતાથી જયરામબાટીનો પથ

શ્રીશ્રીમા જયરામબાટી નિવાસ કરતાં એ સમયે કોલકાતા તથા વિભિન્ન સ્થાનેથી અનેક ભક્તો લાંબો પંથ કાપીને એમનાં દર્શન કરવા આવતા. વિષ્ણુપુરનો રસ્તો એ સમયે અતિ દુર્ગમ હતો. કોલકાતાથી ‘ગોમો પેસેન્જર’ ટ્રેનમાં બેસીને વિષ્ણુપુર આવવું પડતું. ત્યાંથી આખી રાત બળદગાડીમાં મુસાફરી કરીને સવાર પડતાં કોઆલપાડા આવતું. કોઆલપાડાથી પગપાળા જયરામબાટી જવું પડતું. તારકેશ્વર અથવા ચાંપાડાંગાથી પણ પગપાળા જયરામબાટી જવાતું, પરંતુ એ પથ પણ અતિ દુર્ગમ હતો. બહારવટિયાઓનો પણ ઘણો ભય રહેતો. દીર્ઘપથ પગપાળા અથવા બળદગાડીમાં કાપવો પડતો.

કોલકાતામાં શ્રીશ્રીમા નિવાસ કરતાં ત્યારે એમનાં દર્શને આવતા ભક્તોની સંખ્યા ઉત્તરોત્તર વધવા લાગી હતી. તેથી પૂજ્યપાદ સ્વામી સારદાનંદજી મહારાજે વ્યવસ્થા કરી હતી કે પહેલેથી નક્કી કરેલા સમય દરમિયાન જ શ્રીમાનાં દર્શન મળશે. તેથી ઘણા ભક્તો ટ્રેનમાં સવાર થઈ, વિષ્ણુપુર આવતા અને ત્યાંથી કોઆલપાડાના રસ્તે થઈને જયરામબાટી આવતા, શ્રીશ્રીમા સમીપે આત્મનિવેદન કરી ધન્ય થતા. ગ્રામના ઘરેલું પરિવેશમાં વાર્તાલાપ કરવાનો જે સુયોગ તેઓને જયરામબાટીમાં મળતો એ એમને કોલકાતામાં મળતો નહિ.

અન્ય યુવકોનું આગમન

એક પછી એક, રાધામાધવપુરથી અમૂલ્ય અને કોઆલપાડાના દિવાકર આવીને આશ્રમમાં રહેવા લાગ્યા. અમે પણ આશ્રમમાં જ રહેતા અને ત્યાં જ ભોજન વગેરે કરતા. થોડા દિવસો બાદ મોતિ અને વિનોદ પણ આશ્રમમાં રહેવા આવ્યા. એ સમયે આશ્રમનો ખર્ચ અમારાં પોતાનાં જમીન, બાગ, તળાવમાંની ઉપજ વગેરે વેચીને થતો. દિવાકરે પણ આશ્રમને ઘણી જમીન દાનમાં આપી હતી. અમારા વડીલ અને માર્ગદર્શક કેદારબાબુ કોતુલપુરની એક બંગાળી વિદ્યાલયમાં શિક્ષકની નોકરી કરતા હતા અને સાથે જ કોઆલપાડાના કેટલાક વિદ્યાર્થીઓને લખવા-વાંચવાનું શીખવતા હતા. તેઓ ખૂબ જપ-ધ્યાન કરતા અને અમને પણ એમ કરવાનું કહેતા.

Total Views: 323

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.