(અદ્વૈત આશ્રમ દ્વારા પ્રકાશિત હિંદી પુસ્તકમાંથી આ બાળવાર્તા સાભાર સ્વીકૃત કરવામાં આવી છે.-સં.)

લગભગ પંદરસો વર્ષ પૂર્વે કેરળ પ્રાંતના કાલડી નામના ગામમાં શિવગુરુ અને આર્યમ્બા નામનું એક ભગવદ્‌-ભક્ત બ્રાહ્મણ દંપતી રહેતું હતું. શિવગુરુ વેદો અને શાસ્ત્રના પ્રકાંડ વિદ્વાન હતા. એમની પાસે જીવનની બધી સુખ-સુવિધાઓ હતી, પરંતુ દુર્ભાગ્યથી એમને કોઈ સંતાન ન હતું. એમણે પુત્રપ્રાપ્તિને માટે ભગવાન શંકરની આરાધના કરી. એમની આરાધનાથી પ્રસન્ન થઈને એક રાતે ભગવાન શંકર સ્વપ્નમાં પ્રગટ થયા અને એમણે શિવગુરુને પૂછ્યું, ‘તું કેવી જાતનો પુત્ર ઈચ્છે છે? એક વિદ્વાન, ધર્મનિષ્ઠ, સર્વજ્ઞ પુત્ર જે ફક્ત ૧૬ વર્ષો સુધી જીવિત રહેશે અથવા એક દીર્ઘજીવી સાધારણ પુત્ર?’ શિવગુરુએ વિચારીને કહ્યું, ‘મારે ધર્મનિષ્ઠ અને વિદ્વાન પુત્ર જ જોઈએ, કદાચ તે અલ્પ આયુ પણ કેમ ન હોય!’

ભગવાન શંકર એના જવાબથી પ્રસન્ન થયા અને બોલ્યા, ‘હું પોતે જ તારા પુત્રના રૂપમાં જન્મ લઈશ.’ શિવગુરુ પ્રસન્નતાપૂર્વક એ શુભ દિવસની પ્રતીક્ષા કરવા લાગ્યા, જ્યારે ભગવાન શંકર એના ઘરમાં સ્વયં પધારશે.

યોગ્ય સમયે આર્યમ્બાને એક પુત્ર-રત્નની પ્રાપ્તિ થઈ અને એમણે શિવજીની કૃપાથી પ્રાપ્ત થયેલ એ પુત્રનું નામ ‘શંકર’ રાખ્યું.

બાળક પરમ બુદ્ધિમાન અને સૌમ્ય સ્વભાવનો હતો. એની સ્મરણ શક્તિ અદ્‌ભુત હતી. ત્રણ વર્ષની નાની ઉંમરમાં જ બાળક શંકરે માત્ર સાંભળીને જ કેટલાય ગ્રંથો કંઠસ્થ કરી લીધા. જ્યારે તે કેવળ ચાર વર્ષનો હતો એના પિતાનું મૃત્યુ થઈ ગયું. હવે એની મા જ એનું સર્વસ્વ હતી. એના પાંચમા વર્ષમાં એની માએ શંકરના યજ્ઞોપવિત સંસ્કાર કરાવીને એને ગુરુકુળમાં મોકલી દીધો. શંકર અસાધારણ બાળક હતો. બે વર્ષના ટૂંકા સમયમાં જ તે વેદો અને બીજા શાસ્ત્રોમાં પારંગત બની ગયો.

Total Views: 661

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.