શ્રીરામકૃષ્ણ મઠ-મિશનના ઉપાધ્યક્ષ શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજના મૂળ બંગાળી પુસ્તક ‘એક નૂતન માનૂષ’ના એક લેખનો શ્રી કુસુમબહેન પરમારે કરેલો ગુજરાતી અનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા’એ શાશ્વતમંત્રનો વારંવાર ઉચ્ચાર થયો છે. ઈશ્વર જ સાર વસ્તુ અને બાકી બધું અસાર. શ્રીરામકૃષ્ણદેવનાં જીવનમાં દૃષ્ટાંતરૂપ વિશિષ્ટતાઓ જોવા મળે છેઃ ઈશ્વરપ્રાપ્તિ માટેની તેમની તીવ્ર વ્યાકુળતા, જીવ-જગતની વિસ્મૃતિ, દેહાભિમાનશૂન્યતા, ઈષ્ટદર્શનનો પરમાનંદ, અનેક માર્ગે અને ભિન્ન ભિન્ન મત પ્રમાણે ઈશ્વરનો આસ્વાદ, સમાધિસ્થિતિ-સવિકલ્પ અને નિર્વિકલ્પ વગેરે. આવી અપૂર્વ આધ્યાત્મિક અનુભૂતિઓ તેમના રોજિંદા જીવનમાં સહજભાવે અસ્ખલિતપણે જોવા મળે છે. તેમ જ કાશીપુરમાં સહુને આત્મચૈતન્યના અભય આશીર્વાદ આપે છેઃ ‘તમને સહુને આત્મચૈતન્ય થાઓ.’ મનુષ્ય માત્રનું જીવન લક્ષ્ય તો આત્મચૈતન્ય દ્વારા દિવ્યતાની પ્રાપ્તિ જ હોઈ શકે; એથી સ્પષ્ટપણે જીવનનો મર્મ સમજાવતાં કહે છે, ‘મનુષ્યજીવનનું અંતિમ લક્ષ્ય છે ઈશ્વરપ્રાપ્તિ.’ આ રીતે વિચારીએ તો શ્રીરામકૃષ્ણદેવ એક ઈશ્વરનિષ્ઠ બ્રહ્મનિષ્ઠ અથવા તો અતીન્દ્રિય રાજ્યના એક અતિમાનવ-પરમપુરુષ છે. જ્યારે બીજી બાજુ માનવતાવાદનો વિચાર પરમપુરુષ રામકૃષ્ણદેવ સામે કેવો વામણો લાગે! શ્રીરામકૃષ્ણ અને માનવતાવાદ જાણે પરસ્પર વિ૨ોધી હોય તેવી પ્રતીતિ થાય છે. પરંતુ અગાઉ કદી ન સાંભળ્યું હોય એવું અદ્‌ભુત જ્ઞાનપ્રકાશથી ઉજ્વળ, સહજ ભાવમય મનઃરાજ્યમાં સ્થિર, જીવન- વાસ્તવની ઘટનાઓ પ્રમાણરૂપ છે. ‘ધૃત સહજસમાધિં ચિન્મય કોમલાંગં’ અર્થાત્ શ્રીરામકૃષ્ણદેવ સહજે સમાધિમાં ગરકાવ થતા અને તેમનું ભાગવતી તનુ ચિન્મય અને કોમળ છે. એવા બ્રહ્મસ્વરૂપ શ્રીરામકૃષ્ણ યુગપ્રયોજનાર્થે જ્ઞાન અને ભક્તિના વિતરણ માટે તથા શાંતિનું સામ્રાજ્ય સ્થાપવા અવતર્યા છે ‘વિતરિતુમવતીર્ણમ્ જ્ઞાન ભક્તિ પ્રશાંતીઃ’ તેમ જ તેમનું ચિત્ત પ્રેમ પારાવારમાં પીગળેલું અને સર્વજીવોના દુઃખથી હૃદય દ્રવીભૂત છે ‘પ્રણયગલિત ચિત્ત જીવદુઃખાસહિષ્ણુમ્’ તેમ જ ‘ભંજન દુઃખ ગંજન કરુણાઘન કર્મ કઠોર, પ્રાણાર્પણ જગત તારણ કૃતન કલિડોર.’ કરુણાગાર શ્રીરામકૃષ્ણદેવે જગતવાસીઓન દુઃખોનો નાશ કરવા સખ્ત પરિશ્રમ કર્યો; એટલું જ નહિ કળિકાળમાં જગતનો ઉદ્ધાર કરવા પ્રાણ અર્પણ કર્યા!

દક્ષિણેશ્વરમાં જાગીરદાર-કચેરીના મકાનની અગાસી પર ચઢીને કરુણ આક્રંદથી વિહ્‌વળ શ્રીરામકૃષ્ણદેવ ભક્તોને પોકારે છે. ‘તમે બધા ક્યાં છો? આવો, આવો.’ ભવતારિણીના પુજારી શ્રીરામકૃષ્ણના મા-મય પ્રાણ આજે પ્રત્યેક મનુષ્યને પોતાની પાસે ખેંચવા આકુળવ્યાકુળ થયા છે. સાધક જીવનનો દિવ્યોન્માદ આજે ‘ભાસ્વર ભાવસાગર ચિર ઉન્મદ પ્રેમ-પાથાર; ભક્તાર્જન યુગલ-ચરણ તારણ ભવ પાર’ ભક્તોને ભવ પાર ઉતારવા તત્પર છે.

શ્રીરામકૃષ્ણનાં દર્શન ને ઉપલબ્ધિ માત્ર ભવતારિણીના સાક્ષાત્કારથી જ સમાપ્ત થતાં નથી. તેમની અનુભૂતિમાં ચૈતન્યશક્તિ માત્ર ભવતારિણી કાલી રૂપે જ નહિ પરંતુ સમષ્ટિમાં વ્યાપેલી ચેતનસત્તારૂપે પ્રકાશિતા શક્તિ સ્વરૂપે પ્રકટ થઈ… અને તેમની નજર સમક્ષ પૂજાના વાસણ, દરવાજો, આંગણું, ઝાડપાન, બિલાડી-મનુષ્ય બધું જ ચૈતન્યસત્તાના પ્રકાશમાં વિલીન થયું. પછી તો પ્રાણીસૃષ્ટિના લોકો કે પશુપક્ષી ભિન્ન રહ્યાં નહિ. જીવનું અને શિવનું અદ્‌ભુત સધાયું! શ્રીમંદિરમાં બિરાજમાન ભવતારિણી અને વિભિન્ન સ્તરના માણસો એક જ તેજોપુંજ! પરમ સત્યસભર જ્ઞાનદૃષ્ટિમાં હવે તેમને માનવ અને દેવનો, વસ્તુ કે પ્રાણીનો, ગટર કે નદીનો કોઈ ભેદ રહ્યો નહિ. શ્રીરામકૃષ્ણની અદ્વૈત ઉપલબ્ધિએ તેમને સર્વપ્રકારના ઇન્દ્રથી પર એવા દિવ્યચેતનાના સામ્રાજ્યમાં સ્થાપી દીધા. ‘ઈશા વાસ્યમિંદ સર્વં યત્‌કિંચ જગત્યાં જગત્’  —  આ મંત્રને શ્રીરામકૃષ્ણદેવે પ્રત્યક્ષ પ્રકટ કર્યો. મંદિરમાં બિરાજમાન મા કાલી, નહોબતખાનામાં રહેતાં ચંદ્રાદેવી અને તેમની પગ-ચંપી કરતાં સારદાદેવી એક.’ માતાજીનો સાક્ષાત્કાર મંદિરની કાલીમૂર્તિમાં તો અવશ્ય કર્યો. પરંતુ ભવતારિણીને પત્તિતા રૂપે, મોહિની રૂપે અને હજુ ય કેટકેટલા રૂપે ડોકિયા કરતાં નિહાળ્યાં | તેથી જ દૃઢસ્વરે શ્રીરામકૃષ્ણદેવ કહે છેઃ ‘મૂર્તિમાં તેમનો આર્વિભાવ થાય અને મનુષ્યમાં ન થાય? તેઓ તો સર્વભૂતમાં રહેલાછે, પરંતુ મનુષ્યની અંદર તેમનો વિશેષ પ્રકાશ.’

અવતારી પુરુષના, જીવનનો ઉદ્દેશ્ય પોતાની આધ્યાત્મિક ઉપબ્ધિથી જ સમાપ્ત થતો નથી. અવતારની જીવનગંગા તો સહસ્રધારાએ સ્વકીય અને સિદ્ધિના વ્યાપને ઓળંગીને લોકકલ્યાણાર્થે માનવમાત્રમાં સંચારિત થવા વહેતી હોય! તેથી ઠાકુર જેમ ભવતારિણીનાં દર્શન માટે વ્યાકુળ થયા હતા તેમ લોકકલ્યાણાર્થે દક્ષિણેશ્વરના નાના ઓરડામાં એકઠા થતા લોકોને પ્રબોધતાઃ ‘મૂર્તિમાં ઈશ્વરની પૂજા થાય અને જીવતા જાગતા મનુષ્યમાં થાય નહિ? ઈશ્વર જ મનુષ્ય બનીને લીલા કરે છે.’ દાન, ધ્યાન, દયા કેટલી? પોતાની દીકરીના લગ્નમાં હજાર હજાર રૂપિયા ખર્ચ કરે અને બાજુના ઘરમાં રહેતા પાડોશીને ખાવા મળતું નથી, તેમને થોડું ભોજન આપતાં મુશ્કેલી પડે- ખૂબ હિસાબ કરીને પૈસા આપે. બીજાને જમવા મળતું નથી તેથી વળી શું થશે? સાલા મરે કે બચે, હું અને મારા ઘરનાં બધાં મજામાં રહીએ તો ઘણુંય. આમ તો મોટેથી સર્વ જીવ પ્રતિ દયાની વાતો કરે!

‘હૃદયકમલમધ્યે રાજિતં નિર્વિકલ્પં
સદસદખિલભેદાતીતમેકસ્વરૂપમ્
પ્રકૃતિ વિકૃતિ શૂન્યં નિત્યમાનન્દમૂર્તિમ્’

દેવમાનવનું આ કેવું અપૂર્વ માનવદર્દ! કેવો અભિનવ માનવતાવાદ! દિવ્યભાવ સભર, શુદ્ધ મન- બુદ્ધિ ગોચર, તત્ત્વતઃ વાસ્તવનો સ્વીકાર કરીને સહૃદયી દેવમાનવ શ્રીરામકૃષ્ણ મનુષ્યને દેવત્વમાં ઉન્નત કરે છે – શિવજ્ઞાનથી પૂજા કરે છે; નિમ્ન જીવબોધથી દયા કરતા નથી. આ એક નવો દૃષ્ટિકોણ છે – નવીન ઉપદેશ, નવીન અનુભૂતિ, નવીન ધર્મ છે. બધા મનુષ્ય જ દેવતા અને તેની સેવાથી મનુષ્ય સર્વ બંધન મુક્ત થઈ જાય. અનંત આનંદના અધિકારી, અખૂટ ઐશ્વર્યમય, મહિમામંડિત સામ્રાજ્યના સમ્રાટ. આથી રામકૃષ્ણ અવતારમાં કર્મપરિણત વેદાંત જોવા મળે છે. તેમના રોજિંદા જીવનમાં વ્યવહારુ વેદાંત પ્રકાશી રહ્યું છે. તેથી જ જે વેદાંત સાધકને ઉદાર ન બનાવે, જે વેદાંતજ્ઞાન મનુષ્યના મન અને ઇચ્છાશક્તિને જૈવિક સ્તરથી ઉર્ધ્વસ્થિતિએ ન લઈ જાય, જે વેદાંતજ્ઞાન જીવને ક્ષુદ્ર સ્વાર્થના સાંકડા વર્તુળમાંથી બહાર લઈ જઈને પર દુઃખભંજન કરે નહિ, માનવમાત્રના કલ્યાણ માટે ઉર્ધ્વગામી કરે નહિ, તેવા વેદાંત પ્રત્યે શ્રીરામકૃષ્ણદેવનો ધિક્કાર અને ભર્ત્યના અત્યંત તીવ્ર અને અતુલનીય છે. પૂર્ણ માનવતાના વિકાસનાં જ્વલંત ઉદાહરણો તેમના જ જીવનમાં પ્રસંગોપાત જોવા મળે છેઃ જ્યારે બાળ ગદાધરે ધની લુહારણને ભીક્ષામાતા તરીકે સ્વીકારી, અક્ષયના મૃત્યુ સમયે અંગૂછો નીચોવાય તેવી વેદના અનુભવતા શ્રીરામકૃષ્ણ, વૃંદાવનમાં રોકાઈ જવાની ઇચ્છા કરી પરંતુ ગર્ભધારિણી જનનીની યાદ આવતાં વૃંદાવન છોડી કલકત્તા પાછા ફરવું, સહધર્મચારિણી સારદાદેવીને ઘરેણાં ઘડાવી આપવાં તેમ જ પોતાની પત્નીને યથાયોગ્ય શિખામણ આપવી, તદુપરાંત કેશવસેનની બિમારી વખતે મા કાલી પાસે નાળિયેર અને સાકરની માનતા માનવી, બાળક જેવી સરળતા અને માતૃનિર્ભરતા, ભાંગેલા હાથની પીડાથી સાધરણ મનુષ્યની જેમ વર્તન દાખવવું, લોક વ્યવહારમાં જાતજાતનું હાસ્ય રેલાવવું, – આશ્ચર્યચકિત કરે તેવી રમૂજ કરવી, નરેન્દ્ર વગેરે યુવકોના કલ્યાણ માટે સતત જાગ્રત ઉત્કંઠા ધરાવવી, અજ્ઞાનમાં સબડતા કલકત્તાના લોકોના મન-બુદ્ધિને ઉજ્જ્વળ કરવાના પ્રયાસથી રાણી રાસમણિનું શાંત અને સુંદર મંદિરનું માંગણ છોડીને મહાનગરીની શેરી ગલીઓમાં વારંવાર દોડી જવું, પ્રત્યેકના દ્વારે દ્વારે જઈને વનનું વેદાંત પહોંચાડતા વેદાંતમૂર્તિ સમા શ્રીરામકૃષ્ણ, ગિરિશને ગાડીમાં ભૂલાઈ ગયેલી દારૂની શીશી આપતા તેમજ અભિનેત્રી પર કૃપા કરતા શ્રીરામકૃષ્ણ તો શુદ્ધ માનવપ્રેમનું જીવંત ઉદાહરણ છે. તીર્થયાત્રા દરમિયાન દુષ્કાળમાં ભુખથી પીડાતા લોકોની સેવાને અગ્રતા આપતા શ્રીરામકૃષ્ણ, કલાઈઘાટના દુઃખી માણસોનો અભાવ દૂર કરવા તત્પર શ્રીરામકૃષ્ણ, મનુષ્યના એકત્વજ્ઞાનથી કંગાળોનું એઠું સાફ કરતા, સેવક વર્ગના શૌચાલયને પોતાના હાથે અને વાળથી લૂંછી આપતા, મથુરબાબુની વિનંતીથી જગદંબા દાસીના રોગને પોતાના શરીરમાં લઈ પીડા સહન કરતા, એક વખત જ્યારે નૌકાના માછીમારો પરસ્પર ઝઘડા કરી મારામારી કરતા હતા ત્યારે ઠાકુરના પોતાના શરીર પર મારના ચાંઠા પડ્યા, સફેદ કુષ્ઠરોગ મટાડતા પોતાને ભયંકર દાહ થયો, ગળાની અસહ્ય રોગપીડા હોવા છતા હંમેશાં દુઃખી અને જિજ્ઞાસુઓની સેવામાં રત રહેતા શ્રીરામકૃષ્ણ, સૌથી ઉચ્ચ આદર્શ ‘લાખોગણી પીડા પામે તો પણ જો લોકોનું ભલું થાય, ઉદ્ધાર થાય તો તે કરીશ.’ આ ઉદ્‌ગાર પ્રમાણે ખરેખર રામકૃષ્ણદેવ જેવા માનવમિત્ર, સહૃદયી અને હિતકારી બીજા કોઈ હોઈ શકે? 

શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં હકીકતે જીવંત ઉદાહરણ આપીને દેખાડ્યું કે પ્રત્યેક મનુષ્યની અંદર રહેલો આત્મા જ એક સત્ય છે – જે પરસ્પરને આત્મીય બનાવે છે. પરમાત્મા દૂર આકાશમાં રહેલ કોઈ અદ્‌ભુત વિષય નથી. ૫૨માત્મા મનુષ્યનાં પરમ આત્મીય મનુષ્યમાં પરમાત્માનો કોઈ ભેદ નથી. તેથી શ્રીરામકૃષ્ણની માનવતા એક રીતે મનુષ્યમાં રહેલી ચિરંતન ચૈતન્યશક્તિની સ્વીકૃતિ છે.

નિર્વાસનોઽપિ સતતમ્ પરમંગલાર્થી
નિષ્કર્મકોડપિ સતતમ્ પરકર્મકર્તા ।
નિર્દુઃખલેશમપિ તમ્ સતતમ્ પરેષામ્
દુઃખેષુ કાતરમહો ભજ રામકૃષ્ણમ્ ॥

Total Views: 256

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.