ઠાકુરે જરાક આરામ કરી લીધો છે. શ્યામદાસ સંપ્રદાય અનુસારનું કીર્તન ગાય છે. તેમાં શ્રીમતીની વિરહ-દશાનું વર્ણન સાંભાળીને ઠાકુર ભાવ-મગ્ન થઈ જાય છે. એ બેઠા હતા નાની પાટ ઉપર પોતાને આસને. બાબુરામ, નિરંજન, રામ, મનમોહન, માસ્ટર, સુરેન્દ્ર, ભવનાથ વગેરે ભક્તો નીચે બેઠા છે. પરંતુ કીર્તનનું ગીત બરાબર જામતું નથી.
કોન્નગરના નવાઈચૈતન્યને ઠાકુરે કીર્તન કરવાનું કહ્યું. નવાઈચૈતન્ય મનમોહનના કાકા થાય. પેન્શન લઈને કોન્નગરમાં ગંગાતીરે સાધન ભજન કરે. ઠાકુરનાં દર્શન કરવા એ ઘણી વાર આવે.
નવાઈચૈતન્ય ઉચ્ચ સ્વરે સંકીર્તન કરે છે. ઠાકુર આસન છોડી દઈને નૃત્ય કરવા લાગ્યા. તરત જ નવાઈચૈતન્ય અને બીજા ભક્તો તેમને વીંટળાઈને કીર્તન અને નૃત્ય કરવા લાગ્યા. કીર્તન સરસ જામી ગયું.
કીર્તન પૂરું થયું એટલે ઠાકુર પોતાની જગાએ બેઠા. હરિ-નામની પછી હવે આનંદમયી જગદંબાનું નામ લેવાય છે. નામ લેતી વખતે ઠાકુરની ઊર્ધ્વ દૃષ્ટિ.
ગીત- પ્રેમથી હૃદયે રાખો માનનીય શ્યામા માને, …
ઠાકુર આ ગીત ગાતાં ગાતાં ઊભા થઈ ગયા. માતાજીના આનંદમાં ઉન્મત્ત જેવા! ‘માનનીય શ્યામા માને હૃદયે રાખો’ એ વાત જાણે કે ભક્તોને ઉપરાઉપરી કહી રહ્યા છે. હવે તો ઠાકુર જાણે કે ખૂબ પીધેલની જેમ ઉન્મત્ત થયા છે. નાચતાં નાચતાં વળી ગીત ગાય છે : ‘મા શું મારી કાળી રે, કાળું રૂપ દિગંબરી, હૃદય ઉજાળી રે’…
ઠાકુર ગાતાં ગાતાં બહુ જ ડોલે છે એ જોઈને નિરંજન તેમને ઝાલી રાખવા ગયો. ઠાકુર હળવે અવાજે, ‘જો સાલા, અડીશ નહિ!’ કહીને તેને અટકાવે છે. ઠાકુર નાચી રહ્યા છે એ જોઈને ભક્તોય ઉભા થઈ ગયા. ઠાકુર માસ્ટરનો હાથ ઝાલીને બોલી ઊઠ્યા, ‘એઈ સાલા નાચ!’ ઠાકુર પોતાની જગાએ બેઠા છે. ભાવના ઊભરાથી ગદગદ મતવાલા!
ભાવ કંઈક શાંત થયે બોલે છે : ૐ ૐ, ૐ ૐ, ૐ ૐ, કાલી! વળી બોલે છે : ‘હોકો પીવો છે.’ ભક્તો ઘણાખરા ઊભેલા છે. મહિમાચરણ ઊભા ઊભા ઠાકુરને પંખો કરી રહ્યા છે.
શ્રીરામકૃષ્ણ (માસ્ટરને) – આજે ખૂબ આનંદ આવ્યો! મહિમ ચક્રવર્તી આ બાજુ ખેંચાતા આવે છે. હરિ-નામમાં જે આનંદ, તે કેવો છે જોયો ને?
માસ્ટર- જી હાં.
મહિમાચરણ જ્ઞાન-ચર્ચા કરે. એમણે આજે હરિનામ-સંકીર્તન કર્યું અને કીર્તન વખતે નૃત્ય પણ કર્યું, એથી ઠાકુર આનંદિત થયા છે. સંધ્યા થવા આવી છે. ભક્તો ઘણાખરાએ ઠાકુરને એક પછી એક પ્રણામ કરીને રજા લીધી.
સંધ્યા થઈ. નોકર દક્ષિણ તરફની લાંબી ઓસરીમાં અને પશ્ચિમની ગોળ ઓસરીમાં દીવા પેટાવી ગયો. ઠાકુરના ઓરડામાં દીવો પેટાવવામાં આવ્યો અને ધૂપ કરવામાં આવ્યો. થોડી વાર પછી ચાંદો ઊગ્યો. મંદિરનું આંગણું, બગીચાનો રસ્તો, ગંગાનો કિનારો, પંચવટી, વૃક્ષોની ટોચો, વગેરે બધાં જ્યોત્સનાથી હસી ઊઠ્યાં. ઠાકુર પોતાને આસને બેસીને ભાવ-મગ્ન થઈને માતાજીનું નામ-સ્મરણ અને ચિંતવન કરે છે. અધર આવીને બેઠા છે. ઓરડામાં માસ્ટર અને નિરંજન પણ છે. ઠાકુર અધરની સાથે વાત કરે છે.
શ્રીરામકૃષ્ણ- કેમ ભાઈ, તમે ઠેઠ અત્યારે આવ્યા? કેટલું કીર્તન, નૃત્ય વગેરે થઈ ગયું! શ્યામદાસનું કીર્તન, રામનો ઉસ્તાદ. પરંતુ મને એટલું બધું ગમ્યું નહિ, ઊઠવાની ઇચ્છા થઈ નહિ.
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ ભાગ – ૨, માંથી (પૃ.૧૫૮-૧૬૦)
Your Content Goes Here




