(ઑક્ટોબર ૨૦૦૭ થી આગળ)
પછીથી શ્રીમા કાલીનાં પ્રથમ દર્શન બાદ શ્રીરામકૃષ્ણદેવ ઈશ્વરભાવમાં રહેતા. શ્રીઠાકુરનું વિચિત્ર અને નવાઈ પમાડે તેવું વર્તન હૃદયરામ જોતા અને મૂંઝવણમાં પડી જતા. તેઓ કહેતા: ‘એ દિવસોમાં જ્યારે મામા મંદિરમાં ન હોય ત્યારે તમે શ્રીમા કાલીના મંદિરમાં પ્રવેશો ત્યારે તમે આશ્ચર્યચકિત થઈ જવાના. અને એમાંય તેઓ ત્યાં હોય ત્યારે તો વધુ મોટા અચંબામાં પડી જવાના. આમ છતાં પણ શ્રીમાની પૂજા વખતે તેઓ કેવું વર્તન દાખવે છે એ જોવાની લાલચને હું રોકી ન શકતો. જ્યાં સુધી હું એમને નજરે જોતો ત્યારે મારું હૃદય પૂજ્યભાવભક્તિથી ભરપૂર ભરાઈ જતું. પણ જેવો હું મંદિરની બહાર આવતો ત્યારે મારા મનમાં શંકાઓ ઉદ્ભવતી અને હું મનોમન પ્રશ્ન પૂછતો: ‘શું મામા ખરેખર પાગલ થઈ ગયા છે? જો એમ ન હોય તો પૂજા સમયે આવી ખતરનાક બાબતો તેમણે શા માટે કરવી જોઈએ? જ્યારે રાણી રાસમણિ અને મથુરબાબુ આ વિશે સાંભળશે ત્યારે તેઓ શું કહેશે, એનો મને ભય હતો. પણ મામાને ક્યારેય એની ચિંતા ન થતી. એમની સાથે વધારે વખત વાત કરવાનું સાહસેય હું ન કરી શકતો. હું વર્ણન ન કરી શકું તેવા એક ભયથી મારું મોઢું બંધ રહેતું. અમારી બંનેની વચ્ચે કોઈ સીમા-મર્યાદા છે, એમ મને સ્પષ્ટપણે લાગતું. એટલે જ હું એમની ચૂપચાપ અને બને તેટલી ઉત્તમ સાર-સંભાળ લેતો. પણ મને એ સતતપણે ભય રહેતો કે કોઈક દિવસ તે તકરાર કરી બેસશે.’ (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્પલ્સ’, પૃ. ૬૭)
શ્રીરામકૃષ્ણની પૂજાપદ્ધતિ વિશે હૃદયરામ કહેતા: ‘હું જોતો કે મામા હાથમાં પુષ્પ અને બિલ્વપત્ર લઈને તેમનો પોતાના માથે, છાતીએ, અરે! સમગ્ર દેહે અને પોતાનાં ચરણે પણ સ્પર્શ કરાવતા. અને પછી એ બધાને શ્રીમા કાલીનાં ચરણે ધરતા.’ (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૭૭)
તેઓ વધુમાં કહેતા: ‘મામાની છાતી અને આંખો દારૂડિયા જેવી કેવી લાલચોળ રહેતી એ પણ હું જોતો. પૂજારીના આસન પરથી લથડિયાં ખાતા તેઓ ઊભા થતા, વેદી પર ચઢતા અને માની ચીબૂકની નીચે સ્પર્શ કરીને મા જગદંબા પ્રત્યે વ્હાલ વરસાવતા. વળી ક્યારેક ગાવા મંડતા તો વળી ક્યારેક શ્રીમા જગદંબા સામે હસતા, તેમની સાથે વ્યંગ વિનોદ કરતા અને વાતચીત પણ કરતા. વળી ક્યારેક શ્રીમા જગદંબાના હાથ પકડીને નૃત્ય કરવા માંડતા.
‘વળી ક્યારેક હું એ પણ જોતો કે જ્યારે તેઓ મા જગદંબાને નૈવેદ્ય ધરતા હોય ત્યારે એકાએક તેઓ ઊભા થતા, પોતાના હાથમાંના થાળમાંથી કઢી અને ભાતનો કોળિયો લેતા, શ્રીમા જગદંબાના મોંએ અડાડીને કહેતા: ‘લે મા, આરોગો. આ નૈવેદ્ય આરોગો, મા.’ વળી પાછું આવું કહેતા: ‘શું હું ખાઉં એમ તમે ઇચ્છો છો? અને ત્યાર પછી જ તમે નૈવેદ્ય આરોગશો? સારું સારું, હું આરોગું છું.’ પછી તેઓ એ નૈવેદ્યમાંથી થોડું પોતાના માટે લેતા અને બાકીનું શ્રીમા જગદંબાના ઓંઠે અડાડીને કહેતા: ‘મા, મેં તો થોડું ખાઈ લીધું, હવે તમે આરોગો.’
એક દિવસ નૈવેદ્ય અર્પણ કરવાના સમયે એક બિલાડી મામાની નજરે પડી. તે મ્યાઉં મ્યાઉં કરતી મંદિરમાં આવી. મા જગદંબાને અર્પણ કરવાનું નૈવેદ્ય એમણે બિલાડીને ‘મા, તમે આ ખાશો ને?’ એમ કહીને ખવડાવ્યું.’ (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્પલ્સ’, પૃ. ૬૭)
હિંદુ પૂજાવિધિ પ્રમાણે આવાં વર્તનો નિંદનીય છે. ધીમે ધીમે મંદિરના પદાધિકારીઓને શ્રીરામકૃષ્ણના આ ગાંડાઘેલા વર્તન વિશે જાણવા મળ્યું અને એમણે કોલકાતામાં મથુરબાબુને આ વિશેની ફરિયાદનો સંદેશ પણ મોકલ્યો. એક દિવસ મથુરબાબુ મંદિરમાં કોઈનેય કહ્યા વગર આવ્યા અને એમણે જોયું, તેમજ એમને ખાતરી પણ થઈ કે શ્રીઠાકુર પાગલ કે ગાંડાઘેલા નથી પણ તેઓ ઉચ્ચતર ચેતનામાં રહે છે. દિવ્યભાવની અવસ્થામાં રહીને શ્રીરામકૃષ્ણ જો કે શ્રીમા કાલીની પૂજાનાં દૈનંદિન વિધિવિધાનો ચાલુ રાખી ન શક્યા. એક દિવસ જ્યારે તેઓ શ્રીમા કાલીના મંદિરમાં પૂજા કરતા હતા ત્યારે મથુરબાબુ અને હૃદયરામ ઉપસ્થિત હતા. એકાએક શ્રીઠાકુર સમાધિભાવમાં પોતાના આસનેથી ઊભા થયા અને મથુરબાબુને કહ્યું: ‘આજથી હૃદયરામ મા જગદંબાની પૂજા કરશે. માએ મને કહ્યું છે કે તેઓ હૃદયરામની પૂજાને મારી જેમ જ સ્વીકારશે.’ (સ્વામી શારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૧૭૪) ભક્તિભાવવાળા મથુરબાબુએ શ્રીઠાકુરનાં વચનોને મા જગદંબાનો આદેશ ગણીને સ્વીકાર્યા.
શ્રીરામકૃષ્ણ હવે એવી ઉચ્ચકક્ષાએ પહોંચી ગયા હતા કે તેઓ આધ્યાત્મિકતાના ઝંઝાવાતમાં તણાઈ જતા. મથુરબાબુ અને હૃદયરામ બંનેને એમની ચિંતા થતી. શ્રીઠાકુરનાં અગ્નિદાહ જેવી દાહપીડા, અનિદ્રા, વાયુનો પ્રકોપ જેવાં અસામાન્ય રોગચિહ્નોની સારવાર માટે મથુરબાબુએ કોલકાતાના સર્વશ્રેષ્ઠ ચિકિત્સકોને બોલાવ્યા, પરંતુ તેઓ કંઈ કરી ન શક્યા. પછી ૧૮૫૮માં શ્રીરામકૃષ્ણ કામારપુકુરની મુલાકાતે ગયા. તેમનાં માતપિતાએ તેમનું મન સ્થિર રહે એ હેતુથી તેમનાં લગ્નની ગોઠવણ કરી. ૧૮૫૯માં લગ્ન થયાં.
૧૮૬૧માં ભૈરવી બ્રાહ્મણી નામનાં એક સંન્યાસિની દક્ષિણેશ્વરમાં શ્રીરામકૃષ્ણને તંત્ર-સાધનાની દીક્ષા આપવા આવ્યાં. તેઓ ત્રીશી વટાવવાની તૈયારીમાં હતાં અને અત્યંત સુંદર પણ હતાં. ચાંદનીના સ્નાનઘાટ પર એમને જોઈને શ્રીઠાકુર પોતાના ઓરડામાં આવ્યા અને હૃદયરામને એમને પોતાની પાસે બોલાવી લાવવા કહ્યું. હૃદયરામને જરા આશ્ચર્ય થયું કારણ કે એમણે આ પહેલાં ક્યારેય કોઈ અજાણી નારી વિશે તેમના મામાને કંઈ કહેતા સાંભળ્યા ન હતા. હૃદયરામે કહ્યું: ‘એ અજાણી નારી છે, હું આમંત્રણ આપું તોયે તે અહીં કેમ આવે?’ આ સાંભળીને શ્રીઠાકુરે કહ્યું: ‘જા, એમને મારું નામ દેજે. અને તેઓ આવશે.’ (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૧૧૪)
હૃદયરામ તો ભૈરવી બ્રાહ્મણીને શ્રીરામકૃષ્ણ પાસે લઈ આવ્યા. એમને જાણે કે ઘણા સમયથી ગુમાવેલો ખજાનો પાછો મળી ગયો હોય તેમ ભૈરવી બ્રાહ્મણીની આંખમાંથી આનંદનાં આંસું વહેવાં લાગ્યાં, એ જોઈને હૃદયરામને આશ્ચર્ય થયું. શ્રીરામકૃષ્ણ પણ ભાવવિભોર બની ગયા.
ભૈરવી બ્રાહ્મણીની મદદથી ૧૮૬૩માં શ્રીરામકૃષ્ણે પોતાની તાંત્રિક સાધના પૂરી કરી. ત્યાર પછી એમણે વૈષ્ણવ સાધના જેવી કે વાત્સલ્યભાવ અને મધુરભાવની સાધના શરૂ કરી. જ્યારે શ્રીરામકૃષ્ણ મધુરભાવની સાધના કરતા હતા ત્યારે એમણે સ્ત્રીનાં વસ્ત્રો ધારણ કર્યાં હતાં. તેઓ પોતાની જાતને રાધા કે ગોપી માનતા અને શ્રીકૃષ્ણના વિચારમાં પૂર્ણપણે ભાવલીન થઈ જતા. હૃદયરામે આ વિશે કહ્યું છે : ‘‘એક દિવસ આવી સાધનાના સમયે મથુરબાબુ મને તેમના કોલકાતાના નિવાસસ્થાનના નારીગૃહમાં લઈ ગયા અને મને કહ્યું: ‘આમાંથી કયા તમારા મામા છે એ તમે મને કહી શકશો ખરા?’ અને જો કે હું એમની સાથે આટલા લાંબા સમયથી રહેતો હતો અને એમની દરરોજ સેવાચાકરી કરતો હતો છતાં પહેલાં તો હું એમને ઓળખી ન શક્યો. મામા દરરોજ સવારે દક્ષિણેશ્વરના ઉદ્યાનમાંથી ટોપલીમાં ફૂલો ચૂંટતા. અમે એમને બરાબર જોતા અને અમારી નજરે એ પણ આવ્યું કે તેઓ હંમેશાં નારીની જેમ ડાબો પગ પહેલાં ઉપાડતા.’’ (ક્રિસ્ટોફર ઈશરવૂડ કૃત ‘રામકૃષ્ણ એન્ડ હીઝ ડિસાય્પલ્સ’, પૃ. ૬૭)
૧૮૬૪માં અદ્વૈતવેદાંતી સાધુ તોતાપુરી યાત્રાર્થે નિકળ્યા હતા અને એ દરમિયાન દક્ષિણેશ્વરમાં રોકાયા હતા. તેમણે શ્રીરામકૃષ્ણને સંન્યાસદીક્ષા આપી. શ્રીઠાકુરે ત્રણ દિવસમાં નિર્વિકલ્પ સમાધિ પ્રાપ્ત કરી. આ અવસ્થામાં તેઓ ત્રણ માસ સુધી રહ્યા. એક દિવસ શ્રીરામકૃષ્ણ સ્નાનઘાટ પર હતા અને ગંગાને ભાવાવસ્થામાં નિહાળી રહ્યા હતા. બે હોડીઓ ઘાટ પર હતી અને હોડીવાળા ઝઘડતા હતા. એકાએક એક બળુકા માણસે નિર્બળની પીઠ પર ઘા કર્યો. શ્રીરામકૃષ્ણદેવે તરત જ પીડા સાથે આર્તનાદ કર્યો. હૃદયરામે કાલીમંદિરમાંથી એ સાંભળ્યો અને તેઓ દોડતા આવ્યા. તેમણે શ્રીઠાકુરની પીઠ પર જોયું તો તે લાલચોળ થઈ ગઈ હતી અને સૂઝી ગઈ હતી. એમની પડખે ઊભા રહીને હૃદયરામે વારંવાર કહ્યું: ‘મામા, તમને કોણે માર્યા છે, એ માણસ મને બતાવો. હું એનું માથું ઉતારી લઈશ.’ જ્યારે શ્રીઠાકુર થોડા શાંત થયા ત્યારે પેલા હોડીવાળાના ઝઘડાને લીધે પોતાની પીઠ પર કેવી રીતે આવા સોળ ઊઠ્યા હતા અને પીડા અનુભવી હતી એ વાત સાંભળીને હૃદયરામ આશ્ચર્યચકિત થઈ ગયા. (સ્વામી શારદાનંદ કૃત ‘રામકૃષ્ણ ધ ગ્રેટ માસ્ટર’ વૉ. ૧, પૃ. ૩૦૧-૩૦૨) આ ઘટના શ્રીરામકૃષ્ણની એકત્વની અનુભૂતિ દર્શાવે છે અને આવા એક ઐક્યની અનુભૂતિ એ અદ્વૈતવેદાંતનો આદર્શ છે.
૧૮૬૭માં શ્રીરામકૃષ્ણ ભૈરવી બ્રાહ્મણી અને હૃદયરામની સાથે કામારપુકુર ગયા. થોડાં વર્ષોથી ભૈરવી બ્રાહ્મણી પોતે શ્રીરામકૃષ્ણના ગુરુ છે એવા ભાવથી અહંકારી બની ગયાં હતાં. એમણે કામારપુકુરની આ મુલાકાત વખતે રામકૃષ્ણને પોતાનાં પત્નીથી દૂર રાખવા એમના પર અંકુશ રાખવાનો પ્રયત્ન કરતાં. એમાં વળી જ્યારે તેમણે એ ગામના લોકોના સામાજિક રીતરિવાજોનું ખંડન કરવાનું શરૂ કર્યું ત્યારે ગ્રામ્યજનો ઉદ્વિગ્ન બન્યા. આ જ સમયે હૃદયરામે ભૈરવી બ્રાહ્મણીને કામારપુકુર છોડી જવા કહ્યું અને એક મોટો ઝઘડો ઊભો થયો. પછીથી ભૈરવી બ્રાહ્મણીને પોતાની ભૂલ સમજાઈ અને શ્રીરામકૃષ્ણ પાસે માફી માગીને તેઓ વારાણસી જવા નીકળ્યાં.
કામારપુકુરમાં હતા ત્યારે શ્રીરામકૃષ્ણે હૃદયરામના ગામ શિહરની મુલાકાત પણ લીધી. હૃદયરામે શ્રીરામકૃષ્ણને મળવા માટે કેટલાક સુખ્યાત વૈષ્ણવ ભક્તોને બોલાવ્યા અને એમની સાથે ધર્મચર્ચાનું આયોજન કર્યું. હૃદયરામનાં માતા હેમાંગિની દેવી શ્રીરામકૃષ્ણને ઇષ્ટદેવ માનતાં અને એમનાં શ્રીચરણોની પુષ્પો અર્પણ કરીને પૂજા કરતાં. એક દિવસ તેમણે શ્રીઠાકુરને પ્રાર્થીને ‘તેઓ પવિત્ર વારાણસીમાં મૃત્યુ પામે’ એવું આશીર્વચન આપવા કહ્યું. સમાધિભાવમાં શ્રીઠાકુરે એમને એ આશીર્વચન આપ્યું અને પછીથી હેમાંગિનીદેવી ખરેખર વારાણસીમાં જ મૃત્યુ પામ્યાં હતાં. (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૨૧૪)
સાત મહિના સુધી કામારપુકુરમાં રહીને હૃદયરામ સાથે શ્રીરામકૃષ્ણદેવ બર્દવાન થઈને દક્ષિણેશ્વર પાછા ફર્યા. પછી ૧૮૬૮માં શ્રીરામકૃષ્ણદેવ અને હૃદયરામ બંને દેવઘર, વારાણસી, પ્રયાગ, વૃંદાવન અને બીજા પવિત્ર તીર્થસ્થાનોની યાત્રાએ મથુરબાબુ અને એના કુટુંબીજનો સાથે ગયા હતા. વારાણસીમાં તેમણે એક દિવસ માટે એક હોડી ભાડે કરી. જ્યારે હોડી મણિકર્ણિકાના ઘાટ પાસેથી પસાર થતી હતી ત્યારે શ્રીરામકૃષ્ણદેવને શિવનાં દર્શન થયાં. તેઓ તો હોડીના એક છેડા પર આવી ગયા અને સમાધિભાવમાં સરી પડ્યા. શ્રીઠાકુર રખેને ગંગા નદીમાં પડી જાય એમ માનીને હોડીવાળાએ હૃદયરામને બૂમ પાડીને કહ્યું: ‘એમને પકડી રાખો, ભાઈ! એમને પકડી રાખો!’ (શ્રી મ. કૃત ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, પૃ. ૮૦૩) તરત જ હૃદયરામ અને મથુરબાબુ શ્રીઠાકુરને હોડીમાંથી પડતા બચાવવા ઝડપથી તેમની પાસે દોડી ગયા.
ત્યાર પછી આ યાત્રામંડળી વૃંદાવન ગઈ. ત્યાંથી શ્રીરામકૃષ્ણદેવ ગોવર્ધન પર્વતનાં દર્શને તેમજ નજીકમાં આવેલા શ્યામકુંડ અને રાધાકુંડનાં દર્શને પાલખીમાં બેસીને ગયા. રસ્તામાં શ્રીઠાકુર કરુણ આક્રંદ કરીને કહેવા લાગ્યા: ‘હે કૃષ્ણ, અહીં જૂના જમાનામાં હતું એવું બધું છે પણ તમે એકલા જ જોવા મળતા નથી!’ (શ્રી મ. કૃત ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, પૃ. ૧૨૯) હૃદયરામ એમની પાછળ પાછળ ગયા અને પાલખી ઊંચકનારને શ્રીઠાકુર સાથે કાળજીભર્યું વર્તન કરવા ચેતવણી પણ આપી.
વૃંદાવનમાં ગંગામાતા નામના એક વૃદ્ધ વૈષ્ણવ સ્ત્રીસંતે શ્રીરામકૃષ્ણને રાધાના મૂર્તિમંતરૂપે જોયા. એમણે શ્રીઠાકુરને વૃંદાવનમાં રહેવા અને પોતાની સેવા સ્વીકારવા વિનંતી કરી. હવે આ ઘટનાએ મથુરબાબુ અને હૃદયરામને ચિંતામાં મૂકી દીધા. એક દિવસ હૃદયરામે શ્રીઠાકુરને ગંગામાતાની ઓરડામાંથી બહાર લઈ જવા નિર્ણય કર્યો અને એમણે એમનો એક હાથ પકડી લીધો. આ બાજુએ ગંગામાતાએ એમનો બીજો હાથ પકડી લીધો. એ જ પળે શ્રીઠાકુરને યાદ આવ્યું કે એમનાં વૃદ્ધ માતા દક્ષિણેશ્વરમાં એકલા રહે છે; તેમણે (શ્રીઠાકુરે) ગંગામાતાને કહ્યું : ‘ના, હવે મારે જવું પડશે.’ (શ્રી મ. કૃત ‘ગોસ્પેલ ઓફ શ્રીરામકૃષ્ણ’, પૃ. ૧૩૦)
૧૮૭૦માં મથુરબાબુ, શ્રીરામકૃષ્ણ અને હૃદયરામ ચૈતન્યમહાપ્રભુની જન્મભૂમિ નવદ્વિપમાં જવા હોડીમાં બેસીને નીકળ્યા. રસ્તામાં તેઓ બર્દવાનની નજીક કાલનામાં રોકાયા. અહીં શ્રીઠાકુર અને હૃદયરામ વૈષ્ણવ સંત ભગવાનદાસ બાબાજીને મળ્યા.
શ્રીઠાકુરની ૧૨ વર્ષની સાધના દરમિયાન હૃદયરામ તેમના વફાદાર સેવક રહ્યા હતા. પછીથી શ્રીઠાકુર જ્યાં જ્યાં જતા ત્યાં ત્યાં તેઓ એમના અંગરક્ષક અને સાથીમિત્ર તરીકે એમની સાથે જતા. હૃદયરામના હૃદયમાં આ ભૌતિક દુનિયા પ્રત્યે થોડીઘણી આસક્તિ હતી. એમની મુખ્ય ચિંતા તો એના નાના કુટુંબને પોતાના જીવનમાં બને તેટલા આનંદ-સુખ મળી રહે તેટલું સમૃદ્ધ બનાવવાની હતી. શ્રીરામકૃષ્ણ સાથેના સતત સંપર્કસંબંધને લીધે એમનામાં એ સમયે થોડા સત્ત્વગુણની વૃદ્ધિ થઈ હતી. પણ એ લાંબા સમય સુધી ટક્યો નહિ.
૧૮૬૮માં પોતાની યાત્રામાંથી પાછા ફર્યા પછી થોડા સમયમાં હૃદયરામનાં પત્નીનું અવસાન થયું, પરિણામે એમના જીવન પ્રત્યેના દૃષ્ટિકોણમાં પરિવર્તન આવ્યું. આસક્તિ હવે વૈરાગ્યમાં પરિવર્તીત થઈ અને તેઓ પ્રભુની ઝંખના કરવા લાગ્યા. તેઓ વધુ ગહન ભાવે શ્રીમા જગદંબાની સેવા-પૂજા કરવા લાગ્યા અને જેમ શ્રીઠાકુર કરતા હતા તેમ પોતાનાં વસ્ત્રો અને જનોઈ કાઢી નાખીને હવે તેઓ ધ્યાન ધરવા લાગ્યા. એમણે શ્રીરામકૃષ્ણને પણ પોતાનાં જેવાં દર્શન અને આધ્યાત્મિક અનુભૂતિ કરાવવા વિનંતી કરવાનો પ્રયત્ન પણ કર્યો હતો. શ્રીઠાકુરે એમને ખાતરી આપતા કહ્યું કે, એમને માટે એ બધું અનાવશ્યક છે. પરંતુ જ્યારે હૃદયે એ માટે ભારપૂર્વક કહ્યું ત્યારે શ્રીઠાકુરે કહ્યું : ‘સારું ભાઈ, શ્રીમા જગદંબાની ઇચ્છા પ્રમાણે થાઓ. મારી ઇચ્છા કંઈ કામની નથી. એક માત્ર મા જગદંબા જ એવા છે કે તેમણે મારા મનનું આટલું મોટું પરિવર્તન કર્યું અને અનુભૂતિનાં આ બધાં સોપાનોમાંથી એમણે જ મને પસાર થવા દીધો છે. જો તેમની ઇચ્છા હશે તો એ બધું તમને પણ મળી રહેશે.’ (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૨૩૪)
થોડા દિવસ પછી હૃદયરામને પણ આવાં દર્શનો થવા લાગ્યાં અને ધ્યાન તેમજ પૂજાના સમયે અર્ધસમાધિભાવની અનુભૂતિ અવારનવાર થવા લાગી. એક દિવસ હૃદયરામને આવી અવસ્થામાં જોઈને મથુરબાબુએ શ્રીઠાકુરને પૂછ્યું : ‘બાબા, આ બધું શું ચાલે છે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તરમાં કહ્યું : ‘હૃદયરામ આવી અવસ્થાનો ઢોંગ નથી કરતા. તેમણે મા જગદંબાને ઉત્કટતાથી થોડાં દર્શનો માટે પ્રાર્થના કરી હતી અને આ એનું પરિણામ છે. થોડા વખતમાં મા એમને શાંત કરી દેશે.’ આ સાંભળીને મથુરબાબુએ હસતાં હસતાં કહ્યું : ‘ના, એવું નથી બાબા; આ બધી તમારી માયા છે. તમે જ હૃદયને આવી અવસ્થામાં મૂક્યો છે. હવે મહેરબાની કરીને એને નીચે લાવો. જેથી કરીને અમે બંને તમારી સેવા કરી શકીએ. આવી આધ્યાત્મિક અવસ્થાઓ અમારા માટે નથી હોતી. (લાઈફ ઓફ શ્રીરામકૃષ્ણ, અદ્વૈત આશ્રમ, પૃ. ૨૩૪)
(ક્રમશ:)
Your Content Goes Here




