સામાન્ય રીતે દર્શન’ના પ્રતિપાદ્ય ઘટકોમાં આ ચાર વિષયો આવે છે : (૧) પરમ સત્ (૨) વિશ્વ (૩) જીવ (૪) એમનો પરસ્પર સંબંધ અને માનવજીવનનું લક્ષ્ય. દરેક દર્શનકારે પોતાની વિશિષ્ટ સ્થાપના અર્થે ઉપરનાં ઘટકોને પોતપોતાની રીતે વર્ણવ્યાં છે. અને એને પ્રમાણવા માટે પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન વગેરે પ્રમાણોનો આશરો લીધો છે. શ્રીરામકૃષ્ણની વિશેષતા એ રહી છે કે એમણે પ્રધાનતયા સ્વકીય અનુભૂતિને પ્રમાણી છે. વિવિધ આધ્યાત્મિક અનુભૂતિઓથી સભર જીવન જીવેલા શ્રીરામકૃષ્ણ અનેક રીતે અને અનેક માર્ગે પરમ તત્ત્વ પામ્યા. એથી એમના દર્શનમાં કોઈ નવી ‘સ્થાપના’ની જરૂર ન રહી. આ અનુભૂતિઓ પોતાના ખાસ સ્વરૂપમાં અને લક્ષણમાં પરસ્પર જુદી પડતી હોવા છતાં એક જ પરમ તત્ત્વને અનુલક્ષીને એનાં જ વિવિધ સ્વરૂપોને – અવસ્થાઓને ઉદ્ઘાટિત કરે છે. એટલે જ શ્રીરામકૃષ્ણના દર્શનને કોઈ ચોક્કસ દર્શન પદ્ધતિનો આકાર આપવો શક્ય નથી. શ્રીરામકૃષ્ણને પોતાને થયેલી આ રહસ્યમય, અપરોક્ષ અને સાચુકલી અનુભૂતિઓ એમણે જન હિતાર્થે જાહેર કરી હતી કે એક જ ૫રમ સત્ તત્ત્વ અને અવસ્થાઓ, સ્વરૂપો અને લક્ષણો ધરાવે છે. એની એવી એક અવસ્થા સગુણ – સાકાર પણ છે, નિર્ગુણ – નિરાકાર પણ છે અને એ બન્નેની પેલી પારની પાર છે. આમ, સાંપ્રદાયિક સંઘર્ષમય પૂર્વગ્રહોથી પિડાતા અસહિષ્ણુ જમાનામાં જન્મી – જીવીને એમણે સર્વસમન્વય – સ્થાપના દ્વારા સંઘર્ષ નિવા૨વાનું યુગોચિત ભગીરથ જીવનકાર્ય કર્યું. એમના ઉપદેશોમાં સર્વ ધર્મ સમન્વયની સંજીવની ભરીભાદરી છે. આ સમન્વય માર્ગી વેદાન્તના કેટલાક મહત્ત્વના વિષયો વિશે અહીં આપણે સંક્ષેપમાં તાત્ત્વિક ચર્ચા કરીશું. પહેલાં વિશ્વના અંતિમ – પારમાર્થિક – પરમ તત્ત્વ વિશે – પરબ્રહ્મ પરમાત્મા વિશે તેમનો મત જોઈએ.
શ્રીરામકૃષ્ણના મતે સચ્ચિદાનંદના અનંત સાગર સમું પરબ્રહ્મ જ એક માત્ર પરમ તત્ત્વ છે. પણ એને અનેક પાસાં – અવસ્થાઓ છે. બ્રહ્મ સાક્ષાત્કારી પુરુષ ચોક્કસ પણે જાણે છે કે ઈશ્વર સાકાર-સગુણે ય છે. નિરાકાર-નિર્ગુણે ય છે અને અન્ય અનેક અનિર્વચનીય છે, સ્વરૂપવાળો પણ છે, એ પૂર્ણ બ્રહ્મ છે, એ જ ઈશ્વર છે. એ પૂર્ણને તો સાકાર કે નિરાકારરૂપે દર્શાવી શકાય; પરંતુ સાકાર – નિરાકાર ઉભયની પેલી પારનું એનું પાસું તો અનિર્વચનીય જ છે એટલે જ શ્રીરામકૃષ્ણ વારંવાર કહેતા કે વિશ્વની બધી ચીજો એંઠી થઈ ચૂકી છે એકલું બ્રહ્મ જ એંઠું થયું નથી. વેદ-ઉપનિષદો આ બ્રહ્મના સાકાર અને નિરાકાર બન્ને સ્વરૂપની સાખ પૂરે છે. બૃહદારણ્યકોપનિષદ (૨-૩-૧) કહે છે કે, ‘બ્રહ્મની સાકાર-નિરાકાર, સ્થિર-ગતિશીલ, પર-અપર-એમ બન્ને અવસ્થાઓ છે” શ્રીરામકૃષ્ણ એથીય આગળ વધીને કહે છે કે બ્રહ્મને અન્ય પણ અનેકાનેક શબ્દાતીત અવસ્થાઓ છે. તેઓ ઘણી વાર પોતાની અનુભૂતિઓને વેદ-વેદાન્તની ય પેલી પારની ગણાવતા, તેનો આથી તાળો મળી રહે છે.
શ્રીરામકૃષ્ણને મતે પૂર્વોક્ત સગુણ-સાકાર અને નિર્ગુણ-નિરાકાર એ બન્ને કંઈ એકબીજાથી અલગ હસ્તીઓ નથી. વિવિધ અવસ્થાઓમાં કેવળ એક જ બ્રહ્મ, શક્તિ, કાલી – જેવાં વિવિધ નામે તે કેવળ એક જ અભિન્ન ‘સત્’ તત્ત્વ પોતાના નિત્ય રૂપમાં બ્રહ્મ કે ‘પૂર્ણ તત્ત્વ’ કહેવાય છે. અને એ જ એના ‘લીલા’રૂપમાં કાલી કે સગુણ ઈશ્વર કહેવાય છે.
શ્રીરામકૃષ્ણે આ સમજાવવા ઘણાં ઉદાહરણો આપ્યાં છેઃ જેમ દાહકશક્તિ વગરની આગ કલ્પી શકાતી નથી; કિરણો વિનાના સૂર્યની કે સફેદી વગરના દૂધની – એક વગર બીજાની બીજા વગર એકની કલ્પના કરી શકાતી નથી, તેવી જ રીતે આપણે શક્તિ વગરના બ્રહ્મનો કે બ્રહ્મ વગરની શક્તિનો વિચાર કરી શકતા નથી. શ્રીરામકૃષ્ણ કહે છે : ‘કાલી જ બ્રહ્મ છે અને બ્રહ્મ જ કાલી છે.’ એ એક જ તત્ત્વ છે. જ્યારે એ સૃષ્ટિ-સ્થિતિ-લયના કાર્યથી વિરત-અક્રિય હોય છે, ત્યારે એ સ્વરૂપ વિચારે આપણે એને ‘બ્રહ્મ’ કહીએ છીએ. પણ જ્યારે એ સક્રિય હોય છે. ત્યારે એ જ કાલી કહેવાય છે. અને આપણે શક્તિ કહીએ છીએ. એ એક, અદ્વિતીય, અવિભાજ્ય અને અનેકરૂપધારી છે. જેમ એક જ સાગરજળ કોઈ વાર વહેતું તો કોઈ વાર સ્થિર હોય છે, જેમ એક જ સાપ કોઈ વાર સરકતો તો કોઈવાર ગૂંચળું વળેલો ગતિહીન હોય છે, તેમ એક જ પરમ તત્ત્વ એની સર્જનાદિ ગતિશીલ અવસ્થામાં કાલી વગેરે, તેમ જ ગતિહીન અવસ્થામાં ‘બ્રહ્મ’ કહેવાય છે. પરમ સત્ એક જ હોવા છતાં ‘વૉટર’ ‘જલ’ ‘પાની’ વગેરેની પેઠે વિવિધ નામરૂપે ઓળખાય છે. (‘શ્રીરામકૃષ્ણ’ કથામૃત, ભાગ – ૧, પૃ. ૩૭)
શ્રીરામકૃષ્ણના આ વિચારોમાં આપણને અન્ય કોઈ સ્થળે અલભ્ય એવું ઈશ્વર અને પૂર્ણ બ્રહ્મના સ્વરૂપની ગૂંચનું પરિતોષજનક સમાધાન સાંપડે છે. સામાન્ય રીતે તત્ત્વજ્ઞાનમાં ‘પૂર્ણ’ શબ્દ, એક – અદ્વિતીય, નિત્ય, સર્વગત, સમગ્ર અને અંતિમ ‘સત્’ તત્ત્વના અર્થમાં વપરાય છે. જ્યારે ‘ઈશ્વર’ શબ્દ, બહુધા પુરુષવિધ સાકાર અને જગતના સર્જક-પાલક-નિયંતા માટે વપરાય છે. એટલે ‘પૂર્ણ તત્ત્વ’ એ જો દેખાતા અને સંભવિત સકલ વિશ્વવિષયોનો પર્યાય છે, તો ‘ઈશ્વર’ સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સ્રષ્ટા, ક્લ્યાણકારી અને નીતિનિયંતા છે. આમ, સીમિત પદાર્થો, મન અને જીવોની દુનિયા ભલે ‘ઈશ્વર’ પર આધારિત હોય, છતાં ઈશ્વરથી એ બહારની વસ્તુઓ છે. આનો અર્થ એ થયો કે પૂર્ણ તત્ત્વમાં ઈશ્વર, ઈશ્વરાશ્રિત પરસ્પર ક્રિયાશીલ જીવો અને વિશ્વના સીમિત પદાર્થો સમાઈ જાય છે. એટલે વિશ્વનો સર્જક-પાલક-નિયંતા સર્વશક્તિમાન હોવા છતાં ઈશ્વર કંઈ ‘પૂર્ણ તત્ત્વ’ તો હોઈ ન શકે. આથી એવી સમસ્યા ખડી થાય છે કે આ ‘પૂર્ણ તત્ત્વ’ અને ‘ઈશ્વર’ વચ્ચે શો સંબંધ છે?
આ સમસ્યાના સમાધાન માટે વિવિધ દાર્શનિકોએ વિવિધ ઉત્તરો આપીને ‘પૂર્ણ તત્ત્વ’નો ‘ઈશ્વ૨’ સાથેનો સંબંધ વિવિધ રીતે વર્ણવ્યો છે. ઍફ.ઍચ.બ્રૅડલી જેવા કેટલાકને મતે ‘ઈશ્વર’, ‘પૂર્ણ તત્ત્વ’ કરતાં જુદો છે અને એ પુર્ણ તત્ત્વનું એક પાસું કે આભાસ છે. જો ‘પૂર્ણ તત્ત્વ’ જ અંતિમ – નિત્ય પારમાર્થિક સત્ હોય તો આભાસી ઈશ્વર નિત્ય નથી – અને ‘નિત્ય’ સ્વવિરોધી તો ન જ હોય ને? પણ બ્રૅડલીની આ ઈશ્વર સંકલ્પના તો સ્વવિરોધી જ થઈ! ઈશ્વર તો વિશ્વસ્રષ્ટા અને આપણો આરાધ્ય હોવાથી એ વિશ્વથી અને આપણાથી બહારનો હોવો જોઈએ. અને એથી એ વિશ્વ અને જીવોમાં અનુસ્યૂત ન હોઇને ‘અપૂર્ણ’ અને અવ્યાપક જ રહેશે. પણ ધર્મને તો આનાથી ઊલટા એવા ઈશ્વરની જરૂર છે કે જે ઈશ્વર વિશ્વ અને જીવો સાથે સંપૂર્ણ એકતા અને સંવાદિતાવાળો અવશ્ય હોય. આનો અર્થ તો ઈશ્વર સર્વગત-સર્વાનુસ્યૂત-સત્ તત્ત્વ છે, એવો જ થાય! પણ બ્રેડલીની વિભાવનાનો ઈશ્વર તો એવો નથી. એ તો પેલા પૂર્ણ તત્ત્વનો માત્ર આભાસ જ છે! વળી, એ મત ઈશ્વર અને પૂર્ણ તત્ત્વનો અભીપ્સિત ન્યાય્ય અર્થ બતાવવાને બદલે ઈશ્વરને આભાસની કોટિએ ઉતારી પાડે છે. ખરી રીતે એનો નિરાદર જ કરે છે. આ સમસ્યાનું સંતર્પક સમાધાન તો ઈશ્વરને આપણો આરાધ્ય અને સાથોસાથ પૂર્ણ સત્ તત્ત્વરૂપ-બન્ને સાબિત કરવો એ જ છે. એટલે આ મત સ્વીકાર્ય નથી.
સ્પિનોઝા, હેગલ, લાઓત્સે અને વ્હાઈટહેડ જેવા કેટલાક તત્ત્વજ્ઞો ઈશ્વર અને પૂર્ણ તત્ત્વને બે અલગ સત્તા નહીં, પણ પરમાત્મારૂપે ઈશ્વરને જ સત્ તત્ત્વ કે પૂર્ણ તત્ત્વ માને છે. તેમને મતે વિશ્વનું અંતિમ અધિષ્ઠાન, સર્જક અને નિયંતા પણ ઈશ્વર જ છે. પૂર્ણ સત્ તત્ત્વ અને ઈશ્વર અવિભાજ્ય અને અભિન્ન છે. કેટલાક વૈષ્ણવ વેદાન્તીઓ તો આથી ય આગળ વધીને ઈશ્વરને જ પુરુષોત્તમ સ્વરૂપે અંતિમ સત્ તત્ત્વ માને છે. અને અનંત પૂર્ણ તત્ત્વ કે બ્રહ્મને પુરુષોત્તમની એક અવસ્થા ઈશ્વરમાંથી નીકળતા કિરણ તનુભા – ગણે છે! પણ આ મતમાં આખું પૂર્ણ તત્ત્વ વિશ્વમાં સમાયેલું હોઈ વિશ્વની પેલી પારની એની હસ્તીનો ખ્યાલ રખાયો નથી. વળી ઈશ્વર અને પૂર્ણ તત્ત્વના આપણે સામાન્યતઃ કરેલા ભેદને પણ એમાં સ્થાન નથી. કારણ કે વૈષ્ણવ વેદાન્તી તો અનિર્વાચ્ય પૂર્ણ બ્રહ્મને પુરુષવિધ નિર્વાચ્ય ઈશ્વરની એક પેદાશમાત્ર (અવસ્થા) જ માને છે! આ તો ઉત્ક્રાંતિના સર્વ સ્વીકૃત નિયમથી અવળી ગાડી જ થઈ!
ત્રીજા શાંકર વેદાન્તના મત પ્રમાણે ઈશ્વર અને પૂર્ણ બ્રહ્મ બે અલગ અસ્તિત્વ નથી. પણ જુદા જુદા દૃષ્ટિબિંદુથી જોવાયેલ એક જ સત્ છે. જો આપણે પૂર્ણ બ્રહ્મને વ્યાવહારિક દૃષ્ટિથી જોઈએ તો હસ્તી ધરાવતા જગતના કારણ – સ્રષ્ટા – પાલક – સંહારક – સર્વશક્તિમાન – સર્વજ્ઞ તરીકે પૂર્ણ બ્રહ્મ જ ઈશ્વર થાય છે. પરંતુ પારમાર્થિક દૃષ્ટિકોણથી જોઈએ તો બ્રહ્મને પૂર્વોક્ત લક્ષણયુક્ત ઈશ્વરરૂપ કહી શકાય નહિ. કારણ કે પૂર્ણ બ્રહ્મ એના મૂળ સ્વરૂપે તદ્દન નિર્વિશેષ, નિર્ગુણ અને અનિર્વાચ્ય છે. એ પોતાની માયાથી જગતનું સર્જનાદિ કરે છે. એ કંઈ બ્રહ્મનું સ્વરૂપ લક્ષણ નથી. એ તો કેવળ ‘ઉપાધિ’ છે. આપણે અધ્યાસથી બ્રહ્મ પર થોપી દઈએ છીએ. આ માયોપાધિક બ્રહ્મ જ ઈશ્વર છે. એથી શંકરની દૃષ્ટિએ પૂર્ણ બ્રહ્મ જ વસ્તુ સત્ છે. અને જગતની અપેક્ષાએ એનું જ અવસ્થાન્તર ઈશ્વર છે. સામાન્ય જાગતિક દૃષ્ટિથી પેલી પાર પહોંચી જનાર પુરુષ માટે ઈશ્વર છે નહિ, એને માટે તો કેવળ અવાડ્મનસગોચર પૂર્ણ બ્રહ્મ જ છે. શંકરાનુસારી કેટલાક અર્વાચીન ભારતીય ચિંતકો પણ વિશ્વ સાપેક્ષ દૃષ્ટિએ બ્રહ્મને જ ઈશ્વર અને નિરપેક્ષ દૃષ્ટિએ એને જ પૂર્ણ બ્રહ્મ માને છે.
ઈશ્વર અને બ્રહ્મના સંબંધની આ શાંકર દૃષ્ટિ પૂર્વ ચર્ચિત બધા મતો કરતાં વધારે સંતર્પક છે. તેમને મતે એ બે અલગ હસ્તીઓ નહિ પણ દૃષ્ટિકોણની વિભિન્નતાથી બે રીતે પરખાતી એક જ હસ્તી છે. પારમાર્થિક દૃષ્ટિએ અનિર્વાચ્ય પૂર્ણ બ્રહ્મ જ નિમ્નતર વ્યાવહારિક દૃષ્ટિએ જોતાં ઈશ્વર છે. જગતનો સર્જક-પાલક-નાશક છે. પણ જગતને શંકર અજ્ઞાનમૂલક અધ્યાસ માને છે. એટલે એની સર્જકતા આદિ વાસ્તવિક નથી પણ અધ્યાસ છે. એનો અર્થ તો એ થાય કે ઈશ્વર બ્રહ્મમાં દેખાતું માયિક દૃશ્ય છે. અને આપણા અજ્ઞાનથી એ દેખાય છે. આમ, શાંકરમતમાં ઈશ્વરની સ્થિતિ અનિશ્ચિત છે. અને એવો ઈશ્વર આપણો આરાધ્ય ન હોઈ શકે. વિશ્વની અપેક્ષાએ બ્રહ્મ જ ઈશ્વર છે. અને વિશ્વના દૃષ્ટિબિંદુએ ઈશ્વર જ બ્રહ્મ છે. એમ માનતા તો ઊલટું જગતની પૂર્વહસ્તી સ્વીકારવી જ પડે. કારણ કે એમ માન્યા વિના બ્રહ્મનો જગત સાથેનો સંબંધ કે જગતના દૃષ્ટિકોણે બ્રહ્મની વિભાવના શક્ય નથી. પણ જગતની હસ્તીની સમજૂતી માટે આપણે બ્રહ્મમાં કોઈક સર્જન પ્રક્રિયા કલ્પવી જ રહી. અને તેથી સર્જક ઈશ્વરની હસ્તી છે. એથી જગતના સંદર્ભે બ્રહ્મ જ ઈશ્વર છે. એમ કહેવું તે તો ઈશ્વરને પહેલાં માની લેવાની વાત થઈ? એ કંઈ સમજૂતી ન થઈ! એનો પૂર્ણ બ્રહ્મ સાથે સંબંધ પણ ન થયો!
આ વિષયમાં શ્રીરામકૃષ્ણના ઉપદેશો અને તેની વિવક્ષાઓથી પૂર્વોક્ત દાર્શનિકોના મતમાં રહેલી મુસીબતો ઉકલી જાય છે. તેઓ કહે છે કે બ્રહ્મ, શક્તિ અથવા કાલી એ એક જ અને અદ્વિતીય ‘સત્’ છે. ક્રિયાહીન અવસ્થામાં – એ બ્રહ્મ કહેવાય છે અને સક્રિય સ્વરૂપે – લીલા અવસ્થામાં એ જ કાલી કહેવાય છે. આનો અર્થ એ થયો કે ઈશ્વર અને બ્રહ્મ બન્ને અવસ્થાઓ જ માત્ર જુદી હોવા છતાં એક જ તત્ત્વ છે. આ વિચારમાં ઈશ્વર કંઈ બ્રહ્મનો અસત્ આભાસ કે એનું નિમ્નતર સ્વરૂપ નથી. સ્પંદિત બ્રહ્મ સ્વયં જ અસંખ્ય જગતનો સર્જક-સંચાલક – સંહારક ઈશ્વર છે. “આદ્યશક્તિ કાલી નિત્યલીલામયી છે. સૃષ્ટિ-સ્થિતિ-લય એ જ કરે છે. અને લીલાનંદ લે છે.” (કથામૃત, ૧-૩૭). આવો ઈશ્વર જ માણસનો ઉચ્ચતમ આરાધ્ય હોઈ શકે. અને એ બ્રહ્મસ્વરૂપ ઈશ્વર જ માનવીય ધાર્મિક આકાંક્ષાઓને સંતોષી શકે. પણ સર્જન એ બ્રહ્મની લીલામાત્ર છે. એ જેમ આરંભાય છે તેમ સંકેલાય પણ છે. જ્યારે તે સંકેલાઈ જાય છે ત્યારે નિત્ય અવિનાશીરૂપે પૂર્ણ બ્રહ્મ જ રહે છે. ઈશ્વર એ સચ્ચિદાનંદ સાગરનું સ્પન્દિત રૂપ છે અને બ્રહ્મ એ એનું સ્થિર રૂપ છે. આ રીતે ઈશ્વર અને બ્રહ્મ વચ્ચેનો સંબંધ ઈશ્વરને નિમ્નકોટિમાં ધકેલ્યા સિવાય મુશ્કેલી વિના સમજાવી શકાય છે. નિત્ય – અવિનાશી – નિર્ગુણ- નિરાકાર અક્રિય સ્વરૂપ બ્રહ્મના જ ગતિશીલ સર્જક, સગુણ – સાકાર રૂપને ઈશ્વર કહેવાય છે. નિર્ગુણ નિરાકારમાં સૂર્ય, ચંદ્ર, તારા, પૃથ્વી, સ્વર્ગ, વિશ્વ, પદાર્થ કશું જ નથી. એ તો એક અદ્વિતીય, વિશુદ્ધ, સર્વવ્યાપક, સચ્ચિદાનંદ સ્વરૂપ, અનુભવૈકગમ્ય, અને અવાડ્મનસગોચર છે.
આપણે જોયું કે શ્રીરામકૃષ્ણને મતે શક્તિ કે કાલીથી અવિભિન્ન બ્રહ્મ એક માત્ર જ ‘પરમાર્થ સત્’ છે. એ જ સર્વગત અને વિશ્વનું ઉપાદાન છે. ઉપનિષદના ઋષિઓની પેઠે તેઓ પણ “આ બધું બ્રહ્મ છે” એમ કહે છે. ભૂત-ભવિષ્ય-વર્તમાનની બધી જ વસ્તુઓ બ્રહ્મ છે. “સર્વં ખલ્વિવંદ બ્રહ્મ”-નો અર્થ તેઓ કંઈ શંકર કે ગૌડપાદ જેવા અદ્વૈતીઓની પેઠે, “બ્રહ્મ સિવાય કશું જ નથી” એવો નથી કરતા. તેમને મતે તો દેખાતા સર્વે પદાર્થો બ્રહ્મનાં જ વિવિધ સ્વરૂપો છે. બ્રહ્મ કે શક્તિ જ આ વિશ્વ, જીવો, પ્રકૃતિનાં ચોવીસ તત્ત્વો અને બધા ભૌતિક પદાર્થો બનેલ છે. છાપરે ચડતાં જેમ સીડીનાં બધાં પગથિયાં પાછળ છોડીએ અને ઉપર જઈને પામીએ કે છાપરું અને પગથિયાં તો એક જ પદાર્થનાં બનેલાં છે. એ રીતે ‘નેતિ નેતિ’ના માર્ગે બ્રહ્મને પામી શકીએ. પણ પામ્યા પછી બ્રહ્મની સર્વવ્યાપકતા અનુભવાય છે.” શ્રીરામકૃષ્ણ કહે છે કે ‘જ્ઞાની’ના નહિ તો ‘વિજ્ઞાની’ના જીવનમાં તો અવશ્ય બ્રહ્મનિશ્ચયના નવ પ્રકાશમાં જગત નકારાઈ જાય છે. ઠાકુરના મતે શક્તિ કે કાલીના રૂપે બ્રહ્મ જ જગતના સર્વ પદાર્થો થયેલ છે. તેઓને મતે ‘જગતના જડ ચેતન નાના મોટા બધા પદાર્થો બ્રહ્મશક્તિના જ આવિષ્કારો છે. બધું જ બ્રહ્મ અને ચિતિ શક્તિથી પ્રકાશિત છે’. સર્વબ્રહ્મમયતાની શ્રીરામકૃષ્ણની અનન્ય અનુભૂતિ બ્રહ્મની સર્વવ્યાપક સત્તા પ્રમાણે છે. અલબત્ત, વિશ્વન વિવિધ પદાર્થોમાં બ્રહ્મના ચિત્પ્રકાશના આવિષ્કરણની કક્ષા જુદી હોય છે ખરી! તેમને મતે વિશ્વના બધા પદાર્થો વિવિધરૂપે અને સ્તરે એક દિવ્ય તત્ત્વ અને ચૈતન્યથી સભર ભર્યા છે. સમગ્ર વિશ્વમાં દિવ્યતા અને ચૈતન્ય વિનાનું કશું જ નથી.
વિવિધરૂપે બધે બ્રહ્મની જ હસ્તી સાબિત કરતાં શ્રીરામકૃષ્ણ કહેતા કે “બિલ્વફળનું પૂરું વજન મેળવવા એના છાલ-ઠળિયા અને ગર સાથે મૂકવાં પડે, તેવી રીતે પરબ્રહ્મને પૂર્ણરીતે જાણવા માટે આપણે જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ, સવિકલ્પ – નિર્વિકલ્પ સમાધિ જેવાં ચેતનાનાં વિવધિ સ્તરોનાં આવિષ્કરણોને સ્વીકારવાં જોઈએ.” (કથામૃત ૧/૮૦) વળે તેઓ કહે છે : “હું બ્રહ્મ, માયા, જીવ, જગત- બધાને સ્વીકારું છું. નહિતર પૂર્ણ વજનથી કંઈક ઓછું થઈ જશે.” તાત્ત્વિક રીતે આનો અર્થ એ કે પૂર્ણ બ્રહ્મ બધા દેખીતા અને શક્ય વિચારો અને અનુભવોને પોતાનામાં સમાવનારું પરમ તત્ત્વ છે. જો પરમ તત્ત્વ પોતાનામાં કંઈક ન સમાવે તો એ પૂર્ણ અને સર્વવ્યાપક મટીને અપૂર્ણ અને મર્યાદિત થઈ જાય! એટલે સત્ અસત્ કે માયિક – બધા વિષયોને પૂર્ણ બ્રહ્મ પોતાનામાં સમાવે છે એમ સ્વીકારવું જ રહ્યું! શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ માયા કંઈ બ્રહ્મની વિશ્વ-ભ્રમોત્પાદક ઐન્દ્રજાલિક શક્તિ નથી. તેમને મન માયા તો પરા શક્તિ, મહામાયા, બ્રહ્મરુપા, આરાધ્ય જગદમ્બા જ છે, (કથામૃત, ૨/૧૯૩) જો કે નૈતિક કે ધાર્મિક જેવા કેટલાક વિશિષ્ટ સંદર્ભોમાં તેમણે ‘માયા’ શબ્દ માણસના અજ્ઞાન, અહંકાર, ‘હું-મારું’,ની મિથ્યા બુદ્ધિના અર્થમાં પણ વાપર્યો છે ખરો! આ અર્થમાં માયા માનવ અને ઈશ્વર વચ્ચે પડદો થઈને ઊભી રહે છે, (કથામૃત ૧/૭૨) “જગદંબારૂપે બ્રહ્મ જ આ બધું થયેલ છે” એવું એમનું વિધાન અને બ્રહ્મ, જીવ જગતની હસ્તીનો તેમનો સ્વીકાર એવી છાપ ઊભી કરે છે કે તેઓ સગુણ બ્રહ્મને જ સર્વોપરિ તત્ત્વ માનતા હશે અને નિર્ગુણ નિરાકારને કાંતો અસત્ અથવા પુરુષવિધ બ્રહ્મની એક દશા જ માનતા હશે. પણ આવી છાપ સાવ ખોટી છે અને શ્રીરામકૃષ્ણના મત વિષે ગેરમાર્ગે દોરનારી છે કારણ કે આપણે બધા જ જાણીએ છીએ કે તેમણે બ્રહ્મના લીલારૂપ અને નિત્યરૂપનો સ્પષ્ટ ભેદ બતાવ્યો છે. જો કે તેઓ બન્ને રૂપની સત્તા સ્વીકારે છે. બ્રહ્મ નિત્યરૂપે તો નિગુર્ણ-નિરાકાર જ છે, જ્યારે એના લીલા સ્વરૂપે એ સગુણ-સવિશેષ ઈશ્વર છે અને એ જ જગદમ્બા છે અને એ જ આ બધું થયેલ છે. (કથામૃત ૧/૧૧૧) જ્યારે તેઓ બ્રહ્મ, માયા, જીવ, જગત – બધું સ્વીકારવાની વાત કરે છે ત્યારે એનો ખરો અર્થ તેઓ બ્રહ્મના નિત્યરૂપ અને લીલારૂપ એ બન્ને ને સ્વીકારે છે તેવો થાય છે. (કથામૃત ૧/૧૮૦-૧૮૧) વળી તેઓ એમ પણ કહે છે કે એ બન્ને રૂપોમાં એકનો સંબંધ બાદ કરીને બીજાને વિચારી શકાય જ નહિ. આપણા બધા જ વિચારો સાપેક્ષ જ છે અંધકારના સંબંધ વિના પ્રકાશનો વિચાર થઈ જ ન શકે. તો પછી આપણે સ્વીકારવું રહ્યું કે એ ‘નિત્યરૂપ’ બ્રહ્મના મૂળ શાશ્વત અવિનાશી સ્વરૂપને નિર્દેશે છે. અને ‘લીલારૂપ’ એના કાલપરિમિત આદિ- અંતવાળા સર્જનાદિ ક્રિયાયુક્ત સ્વરૂપને નિર્દેશે છે. આ માટે તંત્રનો હવાલો આપી તેઓ કહે છે કે જ્યારે સૂર્ય-ચંદ્ર-પૃથ્વી-સ્વર્ગ કશું જ ન હતું ત્યારે બધું તમોમય હતું. મહાકાલ, નિત્યસત્તાયુક્ત, નિરાકાર જગદંબા હતી. એટલે જગતને આદિ છે. મહાપ્રલયમાં સમગ્ર વિશ્વનો વિલય થાય છે. અને જગદમ્બા ત્યારે સર્જનનાં બીજોને ભેગાં કરીને જેમ કોઈ પીઢ ગૃહિણી વપરાશી ચીજોને માટીના ઘડામાં મૂકે તેમ મૂકે છે. (કથામૃત ૧/૩૮-૧૮૧) એટલે સૃષ્ટિનો અંત પણ છે. બ્રહ્મની સર્જન પ્રક્રિયાને અંત છે. જ્યારે એ થાય છે ત્યારે જગત કે જગતનો સાકાર સર્જક ઈશ્વર કશું જ રહેતું નથી. ત્યારે કેવળ નિર્ગુણ બ્રહ્મ જ રહે છે.
શ્રીરામકૃષ્ણના ઉપદેશની ઉપરની સાચી સમજૂતી તેમના પોતાના જ શબ્દોથી નિષ્પન્ન થાય છે : જ્યારે કોઈ મનનથી ‘બ્રહ્મ સત્ય અને જગત મિથ્યા છે’ એ સત્યને પામીને સમાધિ પ્રાપ્ત કરે છે, ત્યારે બધાં નામરૂપો નાશ પામે છે, પુરુષવિધ ઈશ્વર પછી રહેતો નથી ત્યારે તે શું અને કેવો છે, તે કહી શકાતું નથી. કારણ કે પછી એ વિશે બોલનાર કોણ રહેશે? બોલનાર અહંકાર-વૈયક્તિકતા તો નાશ પામી ચૂક્યો છે! ત્યારે તો કેવળ નિર્ગુણ બ્રહ્મ જ હશે! (કથામૃત ૧/ ૨૧૭-૧૮). અહીં એ પણ ધ્યાનમાં રાખવું કે શ્રીરામકૃષ્ણનું ‘બ્રહ્મ સત્ય જગત્ મિથ્યા’નું વારંવારનું વિધાન અને ઉચ્ચતમ જ્ઞાન તરફ દોરી જનાર તરીકે એના ઉપર જ એમણે મૂકેલો ભાર તો ત્યારે જ સુયોગ્ય ઠરે કે જો આપણે એમ સ્વીકારીએ કે તેઓ નિગુર્ણ-નિરાકાર બ્રહ્મને જ ઉચ્ચતમ પરમાર્થ સત્ માનતા અને ઈશ્વરને એ બ્રહ્મનું લીલા સ્વરૂપ માનતા હતા. એ ઈશ્વર ‘સત્ છે અવશ્ય પણ શાશ્વત નથી. શ્રીરામકૃષ્ણોપદેશની આવી સમજૂતીથી જ સ્વામી વિવેકાનંદ (નરેન્દ્ર) પાસે તેમણે કરેલા વિધાનને આપણે સંતોષકારક રીતે સમજી શકીએ કે, “જે રામ હતા, જે કૃષ્ણ હતા, તે જ હવે રામકૃષ્ણ! પણ તારી (નરેન્દ્રની) વેદાન્તની દૃષ્ટિએ નહિ! કારણ કે અદ્વૈત વેદાન્તની દૃષ્ટિએ કેવળ નિર્ગુણ બ્રહ્મ જ પારમાર્થિક સત્ છે. અને સાકાર ઈશ્વર અને એના અવતારો તો જૂઠાં નામરૂપો અને અસત્ છે.
(ક્રમશઃ)
Your Content Goes Here




