(વેદાંત સોસાયટી ઑફ સેન્ટ લૂઈના મિનિસ્ટર-ઈન-ચાર્જ સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “See God with Open Eyes”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં.)
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અને ‘શ્રીરામકૃષ્ણ લીલાપ્રસંગ’માં આપણને શ્રીરામકૃષ્ણદેવે કરેલી વિભિન્ન પ્રકારની અદ્ભુત પ્રાર્થનાઓ જોવા મળે છે. તદુપરાંત શ્રીરામકૃષ્ણદેવે શાસ્ત્રોમાં ઉપલબ્ધ અને પૌરાણિક પાત્રો દ્વારા કરાયેલ જે વિલક્ષણ પ્રાર્થનાઓનો પણ ઉલ્લેખ કર્યો છે તે આ ગ્રંથોમાં જોવા મળે છે. શ્રીરામકૃષ્ણદેવે ઉદ્ધૃત કરેલી આવી કેટલીક પ્રાર્થનાઓ નીચે મુજબની છે. આવી પ્રાર્થનાઓ સાધકોના મનમાં ઈશ્વરદર્શનની ક્ષુધા-પિપાસા જગાડે છે.
રામાયણ અંતર્ગત અહલ્યા-ઉદ્ધારના પ્રસંગમાં ગૌતમ ઋષિનાં પત્ની અહલ્યાએ ભગવાન શ્રીરામને પ્રાર્થના કરી હતી, ‘હે રામ! સુવરની યોનિમાં જન્મ થાય કે ગમે ત્યાં થાય, પણ મન તમારાં ચરણકમળમાં રહે, અને શુદ્ધ ભક્તિ આવે.’
પૌરાણિક કથા અનુસાર દેવર્ષિ નારદે શ્રીરામને પ્રાર્થના કરી હતી, ‘રામ, તમારી પાસેથી બીજું કશું વરદાન માગતો નથી. મને શુદ્ધ ભક્તિ આપો અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં, એ આશીર્વાદ આપો!’ (કથામૃત, 2.11.2)
મહાભારતના કથાનક અનુસાર દ્રૌપદીનાં જ્યારે વસ્ત્રો ખેંચાયાં, ત્યારે તેનું વ્યાકુળતાપૂર્વકનું રુદન સાંભળીને પ્રભુએ દર્શન દીધાં અને બોલ્યા કે જો કોઈને ક્યારેય વસ્ત્રનું દાન કર્યું હોય તો યાદ કરી જુઓ, તો તમારી લજ્જા રહે. દ્રૌપદી બોલ્યાં કે હા, યાદ આવે છે. એક ઋષિ સ્નાન કરતા હતા, તેનું કૌપીન તણાઈ ગયું હતું. મેં મારી સાડીનો અર્ધો ભાગ ફાડીને તેમને આપ્યો હતો. ભગવાને કહ્યું કે તો પછી તમારે ગભરાવું નહિ!’ (કથામૃત, 1.27.14)
ઈશ્વરની માયાજાળમાંથી બચવા હનુમાને પ્રાર્થના કરી હતી, ‘હે રામ, હું શરણાગત, શરણાગત. એવો આશીર્વાદ આપો કે તમારાં ચરણે શુદ્ધ ભક્તિ આવે અને તમારી ભુવનમોહિની માયામાં મોહિત ન થાઉં! (કથામૃત, 1.9.2)
‘બ્રહ્મ-જ્ઞાનની પ્રાપ્તિ પછીયે ઘણાયની અંદર ઈશ્વર વિદ્યાનો અહં, ભક્તનો અહં રહેવા દે. હનુમાન સાકાર નિરાકાર બન્ને સ્વરૂપનો સાક્ષાત્કાર કર્યા પછી સેવ્ય-સેવકના ભાવમાં, ભક્તના ભાવમાં રહેતા. તેમણે રામચંદ્રને કહ્યું હતું કે ‘રામ! ક્યારેક વિચાર કરું કે તમે પૂર્ણ, હું અંશ. ક્યારેક વિચાર કરું કે તમે સેવ્ય, હું સેવક અને રામ! જ્યારે તત્ત્વ-બ્રહ્મજ્ઞાન થાય, ત્યારે જોઉં છું કે તમે તે જ હું, હું તે જ તમે!’
પૌરાણિક કથા અનુસાર યશોદા કૃષ્ણના વિરહથી બહુ જ દુઃખી થઈને રાધિકાની પાસે ગયાં. તેમનું દુઃખ જોઈને શ્રીમતીએ તેમને પોતાના સાચા સ્વરૂપમાં દર્શન દીધાં અને બોલ્યાં, ‘કૃષ્ણ ચિદાત્મા અને હું ચિત્શક્તિ; મા, તમે મારી પાસે વરદાન માગો!’ એટલે યશોદા બોલ્યાં, ‘માતાજી, મારે બ્રહ્મ-જ્ઞાન નથી જોઈતું. માત્ર એટલું વરદાન આપો કે જેથી ધ્યાનમાં સદા ગોપાળના સ્વરૂપનું દર્શન થાય, હંમેશાં કૃષ્ણના ભક્તોનો સમાગમ મળે અને ભક્તોની સેવા અને કૃષ્ણનાં નામ-ગુણ-કીર્તન હંમેશાં કરી શકું.’
‘ગોપીઓને એક વાર એવી ઇચ્છા થયેલી કે ભગવાનના ઈશ્વરી રૂપનાં દર્શન કરીએ. એ જાણીને કૃષ્ણે તેમને યમુનામાં ડૂબકી મારવાનું કહ્યું. ડૂબકી મારતાંની સાથે જ તેઓ બધી વૈકુંઠમાં હાજર! અને ત્યાં ભગવાનનાં એ ષડૈશ્વર્યપૂર્ણ સ્વરૂપનાં દર્શન થયાં. પણ તેમને એ રૂપ ગમ્યું નહિ. એટલે તેમણે કૃષ્ણને કહ્યું કે ‘અમારા ગોપાલનાં દર્શન, ગોપાલની સેવા, એ જ અમારામાં રહે; અમે બીજું કાંઈ ઇચ્છતાં નથી.’ (કથામૃત, 1.23.3)
એક વખત શ્રીરામકૃષ્ણદેવે હાજરાને કહ્યું કે હું જ એક સમજ્યો છું ને બીજા બધા મૂર્ખ એવી ભાવના રાખો મા. સૌને ચાહવા. કોઈ પારકું નથી. સર્વ ભૂતમાં એ હરિ જ છે; તેમના વિનાનું કાંઈયે નથી. પ્રહ્લાદને ભગવાને કહ્યુંઃ ‘તું કંઈક વરદાન લે.’ પ્રહ્લાદ બોલ્યોઃ ‘આપનાં દર્શન પામ્યો, હવે મને બીજા કશાની ઇચ્છા નથી.’ પણ ભગવાન એમ છોડે તેમ ન હતા. એટલે પ્રહ્લાદ બોલ્યો કે ‘પ્રભો! જો વરદાન આપવું જ હોય તો એ વરદાન આપો કે જેઓએ મને કષ્ટ આપ્યું છે, તેમનો એ અપરાધ માફ થઈ જાય!’ (કથામૃત, 1.28.2)
આમ, ઈશ્વર પ્રેમના ભૂખ્યા છે. ઈશ્વર પોતાનાં સંતાનોને ચાહે છે, પ્રેમ કરે છે. અને જ્યારે આ સંતાનો તેમનું ચિંતન કરે છે, તેમના પ્રીત્યર્થે કર્તવ્ય-કર્મ કરે છે અને તેમના ચરણે પોતાના સર્વસ્વનું સમર્પણ કરે છે ત્યારે તેઓ અતિ પ્રસન્ન થાય છે. માયા-બંધનથી મુક્ત થવાનો આ માર્ગ છે. આ માયા આપણને બદ્ધ કરે છે અને આ બંધન કષ્ટપ્રદ છે. વ્યક્તિ માયાથી કેવી રીતે મુક્તિ મેળવી શકે? શ્રીકૃષ્ણ ભગવાને શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સ્પષ્ટપણે કહ્યું છે,
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते।।
અર્થાત્ મારી આ ગુણમયી દૈવી માયા પાર કરવી કઠણ છે. જેઓ મારે શરણે આવે, તે આ માયાને તરી જાય છે.
‘શ્રીરામકૃષ્ણ કથામૃત’ અનુસાર વાર્તાલાપ દરમિયાન શ્રીઠાકુર ડૉક્ટર મહેન્દ્રલાલ સરકારને કહે છે, “એક છે અહૈતુકી ભક્તિ. એ જો આવે તો બહુ સારું. પ્રહ્લાદની અહૈતુકી ભક્તિ હતી. એવો ભક્ત કહેશે, ‘હે ઈશ્વર! મારે ધન, માન, દેહસુખ એમાંનું કંઈ જ જોઈએ નહિ. એવું કરો કે જેથી તમારાં ચરણકમલમાં મને શુદ્ધ ભક્તિ આવે.’” (કથામૃત, 2.13.8)
Your Content Goes Here




