चन्दनं शीतलं लोके चन्दनादपि चन्द्रमाः।
चन्द्रचन्दनयोर्मध्ये शीतला साधुसंगतिः॥

      ચંદનના લેપને સૌથી વધુ શીતળ માનવામાં આવ્યો છે, ચંદ્ર તેનાથી પણ વધુ શીતળતા પ્રદાન કરે છે. પરંતુ સાધુ-સજ્જનોની સંગતિ સૌથી વધુ શીતળતા અને શાંતિ પ્રદાન કરે છે.

સાચા સાધુ-સંતો, અવતારી પુરુષોની ચેતના શાશ્વત હોય છે. વર્તમાનમાં પણ વેણુધ્વનિ સાંભળનારાઓ, ભગવાન સાથે વાતો કરનાર, અનુભૂતિ તથા કૃપા પ્રાપ્ત કરી શાંતિના મહાસાગર બનેલ અસંખ્ય લોકો છે.

અવતારી પુરુષ શ્રીરામકૃષ્ણના સાંનિધ્યમાં આવનારનો તણાવ તો કયાંય તણાઈ જાય છે. પારસમણિ કથીરને કાંચન કરે છે પરંતુ શ્રીરામકૃષ્ણદેવ તો કથીરને પણ પારસમણિ બનાવી દે છે. એટલે જ સ્વામી વિવેકાનંદ કહે છે કે દક્ષિણેશ્વરના આ નિરક્ષર પૂજારી બ્રાહ્મણ જેમ હોશિયાર કુંભાર માટીને ચાકડા પર ચડાવી પોતાની ઇચ્છા મુજબનાં ઉત્તમ વાસણો ઘડે છે, તેમ ગમે તેના મનને પોતાની ઇચ્છા મુજબ ઘડી શકે છે, પોતાની ઇચ્છા હોય તો આ માટીમાંથી લાખો વિવેકાનંદ બનાવી શકે છે.

આ કળિકાળમાં, વિશેષ કરીને આ કોરોનાકાળમાં માનવમનમાં-જીવનમાં અનેક આઘાત-પ્રત્યાઘાત, સંકટ, મુશ્કેલીઓ વધી જતાં તણાવ પણ વધી ગયો છે. વિશેષ કરીને મનોરોગો વધી ગયા છે. લોકો સંકટ આવશે એવા ભયના ઓથાર હેઠળ જીવે છે. તેમાં મોટા ભાગના તો કાલ્પનિક ભયને કારણે તણાવમાં જીવે છે; તો ઘણા આર્થિક સંકડામણ, સ્વજન-વિયોગના દુઃખસાગરમાં નિમગ્ન છે. આવા બધા પ્રકારના દરદનો ઇલાજ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ પાસે છે. જેમ ઉત્તમ માળી પોતાના બગીચામાં પુષ્પોનું જતન, પોષણ, રક્ષણ કરીને વિવિધ પ્રકારનાં પુષ્પોને પ્રગટાવી સુગંધીદાર, સુંદર પુષ્પદાની બનાવે છે તેમ કરુણાસાગર, ભક્તસખા, શરણાગત વત્સલ ભગવાન શ્રીરામકૃષ્ણદેવ આપણું જતન, પોષણ, રક્ષણ કરી સમાજમાં ઉત્તમ, આદર્શ સજ્જનોનો સમૂહ પ્રગટાવે છે.

આમ મોટા ભાગની વિટંબણાઓ, દુઃખ, તણાવ માનસિક હોય છે. એમાંય મોટા ભાગની તો કાલ્પનિક હોય છે! જો આપણે અનાસક્ત બની કર્મ કરવાના તથા શરણાગતિના પાઠો શીખી લઈએ તો જેમ પ્રકાશ ક્યારેય અંધકારને ઓળખતો નથી તેમ મનની પ્રસન્નતા સામે તણાવ જેવું કશું જ ટકી શકે નહીં અને મન એવી અવસ્થા પ્રાપ્ત કરે, જેમ નરસિંહ મહેતા કહે છે, ‘જે ગમે જગતગુરુ દેવ જગદીશને તે તણો ખરખરો ફોક કરવો..?’

ભગવાન શ્રીકૃષ્ણે ગીતામાં કહ્યું છે- ‘યે યથા માં પ્રપદ્યતે તાંસ્તથૈવ ભજામ્યહમ્…’ ‘જે લોકો જેવી રીતે મને ભજે છે, તેમને તેવી જ રીતે હું ભજું છું.’ શ્રીરામકૃષ્ણદેવની પાસે કેટલાય પ્રકારના મનોરોગી આવ્યા હતા. એક હતા માસ્ટર મહાશય કે જેઓ સંસારના ક્લેશથી આહત થઈને આત્મહત્યા કરવાનું વિચારતા હતા. આવા સંજોગોમાં તેઓ શ્રીરામકૃષ્ણદેવના સંપર્કમાં આવ્યા અને આ કથીરને તેમણે કાંચન બનાવી, પારસમણિ પણ બનાવી દીધા! ‘સ્થિતપ્રજ્ઞસ્ય કા ભાષા’ – માસ્ટર મહાશયના જીવનની પ્રૌઢાવસ્થાની ઘટના છે. સ્વામી વિવેકાનંદના એક સંન્યાસી શિષ્ય સ્વામી આત્માનંદ માસ્ટર મહાશયના ઘર પાસેથી નીકળ્યા હતા. તેમને થયું, આ બાજુ નીકળ્યો છું તો ચાલને માસ્ટર મહાશયનાં પુણ્યદર્શનનો લાભ લઈ લઉં.

સ્વામી આત્માનંદે જોયું કે માસ્ટર મહાશયના ઘરે ઘણા લોકો સમાગત છે. તેમને થયું કે કંઈક ઉત્સવ હશે. પોતાના આંગણે આગત સંન્યાસીની આગળ આવી માસ્ટર મહાશયે અભ્યર્થના કરી; પોતાના દીવાનખંડમાં લઈ જઈ જલપાન, મીઠાઈ આપી તેમની સેવા કરી. સ્વામી આત્માનંદે પૂછયું, ‘આટલા લોકો ભેગા થયા છે, તો કોઈ ઉત્સવ છે?’ માસ્ટર મહાશયે કહ્યું, ‘મારી દીકરી મૃત્યુ પામી છે, તેને સ્મશાને લઈ જવાની છે. તે માટે લોકો આવ્યા છે.’ સ્વામી આત્માનંદની ચાર આંખો થઈ ગઈ અને નિસ્તબ્ધ થઈ માસ્ટર મહાશયની સ્થિતપ્રજ્ઞતા નિહાળી રહ્યા! આ જ માસ્ટર મહાશયની દિવ્ય પ્રેરણાથી કેટલાય યુવાનો રામકૃષ્ણ સંઘમાં સંન્યાસી બન્યા છે.

એક વિદેશી જિજ્ઞાસુ સંશોધક પોલ બ્રન્ટનને ભારતીય આધ્યાત્મિકતાની ખોજ કરતાં કરતાં કોલકાતામાં માસ્ટર મહાશયને મળવાનું થયું અને પોતાની અનુભૂતિ તેમણે આ રીતે કંડારી છે:

‘કેટલાક સમય સુધી હું પણ આ બેઠકોમાં હાજર રહ્યો. દરરોજ રાત્રે હું પણ માસ્ટર મહાશયને ત્યાં જવા લાગ્યો, તેમના ભક્તિપૂર્ણ ઉપદેશોને સાંભળવા માટે જ નહીં પરંતુ તેમના સાન્નિધ્યના આધ્યાત્મિક આલોકમાં સ્વયંને તપાવવાના ઉદ્દેશથી પણ. તેમની ચોતરફ કોમળતા, સુંદરતા, પ્રેમમય પ્રશાંતિ પ્રવાહિત થતી રહેતી હતી. તેઓએ અવશ્ય આંતરિક આનંદ પ્રાપ્ત કરી લીધો હતો અને તેનું પ્રસારણ સ્પષ્ટતયા અનુભવાતું હતું. પ્રાયઃ હું તેમની વાતોને ભૂલી જતો હતો, પરંતુ તેમના તે દિવ્ય પ્રભાવને હું ક્યારેય ભૂલ્યો નહીં. જે અજ્ઞાત શક્તિથી ખેંચાઈને તેઓ શ્રીરામકૃષ્ણદેવનાં દર્શન માટે વારંવાર જતા હતા તે જ આકર્ષણથી હું પણ માસ્ટર મહાશય પ્રતિ ખેંચાઈને જવા લાગ્યો. ધીમે ધીમે મારા મનમાં પણ એ વાત સ્પષ્ટ થવા લાગી કે જો શિષ્યની જ મારા પર આટલી મોહિની છે તો તેમના ગુરુની કેવી પ્રભાવોત્પાદક મોહિની રહી હશે!’

અવતારી પુરુષના નામનો જાપ કરવા મંત્રથી દીક્ષિત થવું એ આ તણાવને દૂર કરવાનો સચોટ ઉપાય છે. નામ અને નામી અભેદ છે. આ કળિયુગમાં નારદીય ભક્તિ એટલે ભગવાનના નામનો જપ કરવો, ગુણગાન કરવાં એ આધ્યાત્મિક સંપદા પ્રાપ્ત કરવાનો સરળ ઉપાય છે. ગુજરાતીમાં કહેવત છે ‘જેના સંગમાં રહો તો તેનો વાન ન આવે, પણ સાન આવી જાય.’ તેમ ભગવાન શ્રીરામકૃષ્ણદેવના નામનો જપ કરવાથી તેમના ગુણોનો થોડોક અંશ તો સાધકોમાં આવે જ. સરળતા, સાદાઈ, કોઈને તકલીફ ન આપવી, સત્ય, પ્રેમ, ત્યાગ, કરુણા, સમન્વય, જ્ઞાન, ભક્તિ વગેરે અસંખ્ય ગુણોનો સુભગ સમન્વય એટલે શ્રીરામકૃષ્ણદેવ.

ઘણા કહે, ‘અમે તો શ્રીરામકૃષ્ણને અવતાર માનીએ છીએ. ઘણાં વર્ષો થયાં, દીક્ષા પણ લીધી, તોય કંઈ તો થયું નથી.’ ભાગવતમાં આવે છે. ફળવાળીએ ગોપીઓ પાસેથી લાલાનો મહિમા, ગુણગાન, માધુર્ય, પ્રેમ વગેરેની વાતો સાંભળી. તેના મનમાં પણ ધીમે ધીમે લાલા પ્રત્યે પ્રેમ જાગ્યો. છતાંય તપસ્યા વગર કૃપા પ્રાપ્ત થતી નથી. તેણે લાલાના નામનો મંત્ર લીધો અને નિત્ય નિયમિત અંતર્મનથી લાલાના મંત્રજાપ સાથે નંદભવનની કેટકેટલીય પ્રદક્ષિણા કરતી. ત્યારે તો કેટલાંય વર્ષો પછી લાલાએ તેના પર કૃપા કરી.

હવે આપણે આત્મવિશ્લેષણ કરીએ. ગુરુએ બતાવેલ આ મંત્રનો સવાર-સાંજ કેટલા અંતર્મનથી નિત્ય જપ કરીએ છીએ? ઘણાને તો મંત્ર તથા ગુરુનું નામ પણ યાદ નથી હોતું! આવા શિષ્યને દીક્ષાનો વિશેષ લાભ પ્રાપ્ત થતો નથી. આ સાથે અધ્યયન કરવું જોઈએ જેથી ઇષ્ટમાં શ્રદ્ધા દૃઢ થાય. ‘શ્રીરામકૃષ્ણ કથામૃત’નો પાઠ કરવો. આ એક અદ્‌ભુત આધ્યાત્મિક ગ્રંથ છે. તેના દ્વારા કેટલીય સમસ્યાઓનું સમાધાન અનાયાસ પ્રાપ્ત થાય છે. આ રીતે નિત્ય નિયમિત જપ-ધ્યાન, અધ્યયન કરવાં એ તપ જ છે.

વળી શ્રીરામકૃષ્ણદેવે કહ્યું છે, ‘કળિયુગમાં સત્ય બોલવું એ તપ છે.’ આમ સદ્ગુરુ દ્વારા પ્રદત્ત બીજ સહિતનો ચૈતન્યરૂપ શ્રીરામકૃષ્ણદેવના નામનો મંત્ર અમોઘ છે. તે આપણા હજારો જન્મોના સારા-નરસા સંસ્કારોને બહાર લાવે છે અને જેમ મંત્રનો જાપ વધતો જાય છે તેમ બધા સંસ્કારો નિર્મૂળ થઈ જાય છે અને મન નિર્મળ બને છે. અંતે સાધક શ્રીરામકૃષ્ણદેવની ઉદાર, ગહન, ગંભીર આધ્યાત્મિક સંપદાનો ભાગી થાય છે. આ અમોઘ બીજ મંત્ર મુક્તિ ન થાય ત્યાં સુધી જીવનો કેડો છોડતો નથી.

તણાવને દૂર કરવાના બીજા ઉપાયોમાં શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશો આવે છે. જીવનમાં વચ્ચે વચ્ચે નિર્જનમાં સાધના, સાધુસંગ, મોટા ઘરની કામવાળીની જેમ સંસારમાં રહેવું, બિલાડીના બચ્ચા જેવો ભાવ કેળવવો, દેવદર્શને જવું, એકાગ્રમને પ્રભુના નામનો જપ કરવો, મંદિરમાં થોડી વાર બેસવું, ચરણામૃત લેવું, ગરીબગુરબાંને દાન કરવું વગેરે. આ કળિયુગમાં ધર્મ એક માત્ર દાન પર ઊભો છે. તેમાં પણ આધ્યાત્મિક દાન. વિદ્યાદાન, જીવનદાન, અભયદાન વગેરેનો મહિમા ગવાયો છે.

દુર્લભ આધ્યાત્મિક સંપદા આપનાર કરુણાસાગર પ્રભુ શ્રીરામકૃષ્ણદેવ ઢેફા જેવી આર્થિક સંપદા ન આપી શકે? તેઓ ધર્મ, અર્થ, કામ અને મોક્ષ- સર્વસ્વ આપનારા છે.

એક વાર એક ભક્ત દક્ષિણેશ્વર મીઠાઈ લઈને આવતો. પરંતુ શ્રીરામકૃષ્ણદેવ તેની ધરાવેલ મીઠાઈ ગ્રહણ કરતા નહીં. તેને એવો દઢ વિશ્વાસ કે શ્રીઠાકુર મીઠાઈ ગ્રહણ કરશે તો તેની આર્થિક ઉન્નતિ થશે. એક વાર શું થયું કે શ્રીઠાકુરે તેણે આપેલ મીઠાઈનો એક નાનકડો અંશ ગ્રહણ કર્યો અને એ વ્યક્તિ ધનાઢય બની ગઈ! શ્રીકૃષ્ણચંદ્રે સુદામાની ફાટેલી પોટલીમાંથી એક મુઠ્ઠી પૌઆ આરોગ્યા તો, તેને અતિ ધનવાન બનાવી દીધા. બીજી મુઠ્ઠી પૌંઆ આરોગ્યા તો તેને વૈકુંઠ સમાન સંપદા આપી. ત્રીજી મુઠ્ઠી આરોગવા જાય છે ત્યારે રુક્મિણીમૈયા અને પટરાણીઓએ હાથ રોકી લીધો અને કહેવા લાગ્યાં, ‘પ્રભુ, આ ત્રીજી મુઠ્ઠી આરોગશો તો તમારા સહિત અમારે સુદામાને ત્યાં ચાકર બનવું પડશે.’ મારો વહાલો આપવામાં ક્યારેય પાછી પાની નથી કરતો.

શ્રીઠાકુર રામકૃષ્ણદેવના એક ભક્ત તેજચંદ્ર મિત્રના જીવનમાં બનેલી ઘટના છે. શ્રીઠાકુર રામકૃષ્ણદેવની મહાસમાધિને અનેક વર્ષ વીતી ગયાં છે. કોઈએ તેજચંદ્રને બસ્સો રૂપિયા (તે વખતના) સાચવવા આપ્યા હતા. દુર્ભાગ્યવશ ટ્રામમાં જતી વખતે તે રૂપિયા ચોરાઈ ગયા. થોડા વખત પછી તેમને ખબર પડતાં તે ખૂબ જ વ્યાકુળ બની ગયા અને શ્રીઠાકુરને કહેવા લાગ્યા, ‘અરે પ્રભુ, આ શું થયું મારી સાથે?’ આમ કહીને તે ખૂબ જ રડવા લાગે છે. પોતાની આર્થિક પરિસ્થિતિ એટલી નહોતી કે તેઓ આટલી મોટી રકમ પોતાની પાસેથી પરત કરી શકે. તેઓ ગંગાકિનારે જઈને વ્યાકુળ બનીને રડવા લાગ્યા. ત્યારે શ્રીઠાકુર તેમની સમક્ષ પ્રગટ થયા અને ગંગાકિનારે પડેલી એક ઈંટને બતાવીને કહ્યું, ‘નીચે પૈસા પડ્યા છે.’ અને તરત જ તેજચંદ્રે ઈંટ હટાવીને જોયું તો પૈસાનું બંડલ પડેલ છે.

શ્રીરામકૃષ્ણદેવ નિત્ય સુકલ્પતરુ છે. હમણાં થોડા સમય પહેલાં પોરબંદર આશ્રમમાં જવાનું થયું. એક ભક્ત બહેને કહ્યું, ‘મહારાજ, થોડા વખત પહેલાં શ્રીશ્રીઠાકુરને બે દિવસ સુધી આંતરિક ભાવે, અત્યંત વ્યાકુળતાથી અશ્રુલોચને પ્રાર્થના કરી અને મારી સાંસારિક મનોઇચ્છા પૂર્ણ થઈ છે.’ આવી તો કેટકેટલીય અસંખ્ય ઘટનાઓ બની છે, બને છે અને બનશે પણ. શ્રીરામકૃષ્ણ- વિવેકાનંદ ભાવધારાને વરેલ સાધક ભક્તો આવી ચમત્કારપૂર્ણ સાંસારિક ઇચ્છાઓ કરતાં કરતાં ચારિત્ર્ય, સદ્‌વ્યવહાર, પ્રેમ, પવિત્રતા, લોકકલ્યાણ, દેશકલ્યાણ, આત્મકલ્યાણમાં પોતાના મનને લગાવે છે.

શ્રીભગવાને ગીતા(૯.૨૨)માં કહ્યું છે

अनन्याश्चिन्तयन्तो मां ये जनाः पर्युपासते।
तेषां नित्याभियुक्तानां योगक्षेमं वहाम्यहम्॥

      સ્વામી લોકેશ્વરાનંદ મહારાજ એક આશ્રમમાં હતા ત્યારે ત્યાં ગામમાં એક આકસ્મિક દુર્ઘટનાને કારણે કેટલાંય બાળકો અનાથ થઈ ગયાં. મહારાજે બેલુર મઠ પાસેથી અનાથાશ્રમ ખોલવાની મંજૂરી માગી. બેલુર મઠે જણાવ્યું, ‘આપણી પાસે અત્યારે ફંડનો અભાવ છે. તમે તમારી જાતે આર્થિક વ્યવસ્થા કરી શકો તો અનાથાશ્રમ ખોલી શકો છો.’ મહારાજે તો શ્રીઠાકુરનું નામ લઈ અનાથાશ્રમ સ્થાપ્યો. દરરોજ વીસ રૂપિયાનો ખર્ચ થતો. મહારાજ દરરોજ સવારે પોતાના ટેબલ પર વીસ રૂપિયા રાખી દે અને રસોઇયા અને બે-ત્રણ છોકરાઓ બજારમાં જઈ તે દિવસની રસોઈના સામાનની ખરીદી કરી રસોઈ બનાવતા. આમ અનાથાશ્રમ ચાલતો હતો.

એક વાર સ્વામી લોકેશ્વરાનંદ મહારાજે જોયું કે સાંજ સુધી પૈસાની વ્યવસ્થા થઈ નથી, કાલે પૈસા કયાંથી આપીશું? તેઓ વિચારવા લાગ્યા. અતિ મૂંઝવણમાં અને પ્રાર્થનામાં રાત વીતી. સવારમાં મહારાજ પોતાના કાર્યાલયમાં પહેલેથી આવી ગયા. ખૂબ જ મૂંઝવણમાં છે, હમણાં રસોઇયો અને બાળકો આવશે, પૈસા ક્યાંથી આવશે? ત્યાં તો જાણે ચમત્કાર થયો. આશ્રમ પાસે રહેતા એક ગૃહસ્થ દાતણ કરતાં કરતાં આશ્રમમાં આવ્યા, મહારાજને મળ્યા અને કહ્યું, ‘કાલે રાત્રે એક ભક્ત મારી પાસે આવ્યા હતા અને કહ્યું કે આશ્રમ તો અત્યારે બંધ થઈ ગયો હશે. તમે આ પૈસા કાલે મહારાજને આપી દેજો.’ અને તે ગૃહસ્થે મહારાજના ટેબલ પર પૈસા રાખી દીધા. મહારાજ શ્રીશ્રીઠાકુરના ચિત્ર સમક્ષ જોઈ રહ્યા અને આનંદાશ્રુ વહેવા લાગ્યાં. ‘યોગક્ષેમં વહામ્યહમ્’. અર્થાત્ શ્રીઠાકુરના-સ્વામીજીના ભક્તોને સાદાં ભાત-કાપડનો અભાવ હોતો નથી.

શ્રીશ્રીઠાકુર રામકૃષ્ણદેવના શરણાગત ભક્તોએ અચાનક સ્વજન વિયોગના કારમા ઘાને આત્માનુભૂતિના અંશરૂપે સહજતાથી સહી લીધા છે. આ લેખની શરૂઆતમાં માસ્ટર મહાશયનું ઉદાહરણ જોયું. આવી જ ઘટના શ્રીશ્રીઠાકુરના પરમ ભક્ત મનમોહન મિત્રના જીવનમાં પણ બની હતી.

મનમોહન મિત્ર પરમ ભક્તિવાન ગૃહસ્થ હતા. તેમણે પોતાનાં સંસ્મરણોમાં આ સમયમાં બનેલી એક ઘટના જણાવી છે. મનમોહન લખે છે; ‘ભગવત્ શક્તિના પ્રભાવથી સર્વ કંઈ શક્ય છે. શ્રીરામકૃષ્ણના ચરણકમળની કૃપાથી એ જોયું છે. એક સમયે જેઓ ગહન રાત્રિમાં, કાશીપુરમાં રોગશય્યા પર સૂતા હતા, તેઓ પોતે કોન્નગરમાં સેવકના ઘરના બીજા માળના ઓરડામાં બેઠેલા હતા. તે વખતે સેવકની દીકરી મરણ પથારીએ હતી. તે સમયે શ્રીરામકૃષ્ણે તેને દર્શન આપીને કહ્યું, ‘આજે તારા માટે પરીક્ષાનો દિવસ છે. આશ્ચર્યચકિત થઈને સેવકે કહ્યું: ‘આ દાસનું એવું કોઈ સામર્થ્ય નથી કે તે પરીક્ષામાં ઉત્તીર્ણ થઈ શકે. હું તો અત્યંત હીન અને દુર્બળ છું. હું કેવી રીતે આ પરીક્ષા આપી શકું? એ મારાથી નહીં બને.’ થોડું હસીને ઠાકુરે કહ્યું, ‘શું તારી પુત્રીની સ્થિતિને તું જાણે છે?’ સેવક: ‘આપની જ ઇચ્છા પૂર્ણ થશે. ઇચ્છા કરવાવાળો હું કોણ?’ ઠાકુર: ‘વિચારીને જો.’ સેવક રડતાં રડતાં બોલ્યો: ‘પ્રભુ, હું શું વિચાર કરું?’ અચાનક ઠાકુર અદૃશ્ય થઈ ગયા. સેવક વ્યાકુળ બનીને રડવા લાગ્યો. પછી બીજી જ ક્ષણે તેણે જોયું કે ઠાકુર થોડું હસીને કહી રહ્યા છે: ‘જો, તું કાંઈ જ નથી. તારાં સ્ત્રી-પુત્રો કોઈ નથી. બધું જ ચૈતન્ય સ્વરૂપ છે. આ વિશ્વ સચરાચર બધું જ ચૈતન્યમય છે.’ કેવી આશ્ચર્યની વાત છે! ઠાકુરની બધી વાતો સાંભળીને સેવકની આંખોની સામેથી જાણે પડદો હટી ગયો. તે બધું ચૈતન્યમય જોવા લાગ્યો. ઉપર-નીચે બધું જ ચૈતન્યમય. ચૈતન્યનું ઘર, ચૈતન્યનાં સ્ત્રી-પુરુષ, ચૈતન્યનાં વૃક્ષો- લતાઓ વગરે સઘળું ચૈતન્યમય. ચૈતન્યનો પ્રભાવ જાણે એના ઓરડાની દીવાલોને ભેદીને અંદર આવી રહ્યો હતો. સેવક પોતાની પુત્રીને, મરણપથારીએ પડેલી પુત્રીને ભૂલી ગયો. તે જોવા લાગ્યો કે તેની પુત્રી પણ ચૈતન્યની એક મૂર્તિ છે. બધું જ એકાકાર થઈ ગયું. એક જ વસ્તુ સમગ્ર વિશ્વમાં વ્યાપ્ત છે… આ રીતે ઘણો સમય વીતી ગયો. સેવકને સમયનું ભાન પણ ન રહ્યું. ગીતામાં શ્રીભગવાને કહ્યું છે કે,

जातस्य हि ध्रुवो मृत्युर्ध्रुवंजन्म मृतस्य च।
तस्मादपरिहार्येऽर्थे न त्वं शोचितुमर्हसि॥

      જેનો જન્મ થયો, તેનું મૃત્યુ નિશ્ચિત હોય છે. આ ધ્રુવસત્યને શ્રીશ્રીઠાકુરના અનુગત ભક્તોએ પોતાની વર્ષોની સાધનાના પ્રભાવે ઉદ્ભવેલ વિવેકશક્તિ અને જ્ઞાનપ્રકાશમાં થોડે ઘણે અંશે આત્મસાત્ કરેલું હોય છે.

વર્ષો પહેલાં શ્રીશ્રીઠાકુરના પરમ અનુગત ભક્તના એકના એક જુવાનજોધ પુત્રનું માર્ગ અકસ્માતમાં મૃત્યુ થયું. આવા અતિ કારમા ઘાને પાર કરી, તે દંપતી અત્યારે પણ પરમાનંદ અને આત્મસંતુષ્ટિથી અતિ પ્રાચીન ઋષિમુનિઓની જેમ સુવાસિત જીવન જીવે છે. હાલમાં જ કોરોનાકાળમાં શ્રી શ્રીઠાકુરના ચરણાશ્રિત પરમ ભક્તના એકના એક પુત્રનું યુવાનવયે મૃત્યુ થયું. તે વીર ભક્ત પણ સહજતાથી આવા અતિ કારમા ઘાને જાણે વધાવી લે છે! અને તેમની શ્રદ્ધાંજલિમાં રક્તદાન શિબિર અને બીજાં ધાર્મિક કાર્યો કરે છે!
આમ શ્રીરામકૃષ્ણદેવના નિષ્ઠાવાન અને શરણાગત ભક્તો આ કારમી મહામારીને કારણે કે જીવનધારણના ભાગરૂપે આવનાર અવશ્યંભાવિ તણાવને સહજતાથી દૂર કરે છે અને શાંતિના પરમ રાજ્યમાં સદા સર્વદા વિચરતા હોય છે.

Total Views: 886

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.