શ્રીરામકૃષ્ણદેવનાં જીવન અને સંદેશનો પ્રભાવ ગાંધીજીના જીવનમાં જોવા મળે છે. એ વાત આપણે ગયા સંપાદકીયમાં જોઈ ગયા છીએ. હવે તેઓ શ્રીરામકૃષ્ણદેવને કઈ દૃષ્ટિએ જોતા હતા અને એમના પ્રત્યે કેવાં માન-સન્માન રાખતા હતા તેની માહિતી આપણને તત્કાલીન મનીષી નોબેલ પારિતોષિક વિજેતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ લખેલા ગાંધીજીના અનુપમ જીવનચરિત્ર તેમજ અન્ય પ્રકીર્ણ લખાણોમાંથી સાંપડે છે.

યુરોપ સ્થિત ધનગોપાલ મુખર્જી ‘ધ ફેઈસ ઑફ સાયલન્સ’ એ નામે શ્રીરામકૃષ્ણદેવની સર્વપ્રથમ અંગ્રેજી જીવનકથા લખનારાઓમાંના એક છે. ૪થી ઓક્ટોબર ૧૯૨૬ના રોજ ધનગોપાલ મુખર્જીની સાથે રોમાં રોલાંએ ચર્ચા કરી હતી. એ વિશે એમની દૈનિકપોથીમાં એમણે નોંધ કરી છે :

‘રામકૃષ્ણદેવના આધ્યાત્મિક પ્રભાવ હેઠળ ગાંધી આવી ગયા છે. (શ્રીરામકૃષ્ણદેવની) જીવનકથાથી વધારે પવિત્ર અને દિવ્ય એવી કોઈ વાત તેઓ જાણતા નથી. ગાંધીજીની જીવનકથા લખવાની ધનગોપાલ મુખર્જીએ ઇચ્છા દર્શાવી પણ ગાંધીજીએ એમ કરવા સ્પષ્ટ ના પાડી. એનાં કારણો વિશે પૂછતાં મેં (રોમાં રોલાં) કહ્યું: ‘ગાંધીજી એ વાતથી પૂર્ણપણે સભાન હતા કે તેઓ પોતે શ્રીરામકૃષ્ણ જેવા દિવ્ય આધ્યાત્મિક પુરુષ ન હતા. ગાંધીજીના ચાહકો એમને એક આધ્યાત્મિક વિભૂતિ તરીકે પ્રસ્થાપિત કરવા માગે છે એ પ્રત્યે એમને સખત નાખુશી હતી; અને તેમણે એ વાતનો વિરોધ પણ કર્યો. પોતે એક સામાન્ય માનવી છે અને કોઈ દિવ્ય કે આધ્યાત્મિક વિભૂતિ નથી એવું સિદ્ધ કરવા માટે જ તેઓ પોતે જ પોતાની આત્મકથા લખવાના હતા. હું (રોમાં રોલાં) માનું છું કે તેઓ એક સંત છે. એક સંત અને દિવ્યાનુભૂતિવાળા અવતારી મહાપુરુષ વચ્ચે ઘણો તફાવત છે; આવી દિવ્ય વિભૂતિઓ એક અનન્ય કોટિની હોય છે.’ (રોમાં રોલાં રચિત મૂળ ફ્રેંચ પુસ્તક ‘ઈંદે’માંથી શ્રીકાલીકૃષ્ણ કર્મકારે કરેલ બંગાળી અનુવાદનો અંશ)

રોમાં રોલાંની આ નોંધ પરથી આપણે એટલું તારણ કાઢી શકીએ કે ગાંધીજી પોતાની જાતને દિવ્યાનુભૂતિવાળા આધ્યાત્મિક પુરુષ માનતા ન હતા. એ એમની વિનમ્રતાનું સૂચક છે, એટલું જ નહિ પરંતુ એક આધ્યાત્મિક અવતારી પુરુષ અને પોતાના જેવા આધ્યાત્મિક પથના જિજ્ઞાસુ વચ્ચેના ભેદથી પણ સભાન હતા.

શ્રીરામકૃષ્ણદેવના દિવ્ય અને આધ્યાત્મિક જીવનથી ગાંધીજી પ્રભાવિત થયા હતા એટલું જ નહિ પરંતુ તેમના ઉપદેશ અને એમની બોધકથાઓની પણ એમના ચિંતન પર ઘેરી છાપ જોવા મળે છે. ગાંધીજી શ્રીરામકૃષ્ણની ઉક્તિઓને અવારનવાર એક પ્રામાણ્ય ઉક્તિ રૂપે ઉદ્ધૃત કરતા. ૮ ડિસેમ્બર, ૧૯૨૭ના ‘યંગ ઈંડિયા’ના અંકમાં એમને એક પત્ર લખનારને શ્રીરામકૃષ્ણની ઉક્તિઓના ઉદ્ધરણથી સભર એક પ્રત્યુત્તર આપ્યો હતો. આ પત્ર લખનારને એક બેંક મેનેજરે નાનાં બાળકોને શાળામાં ગીતાનું અધ્યયન કરાવવું કે તેનો ઉપદેશ આપવો એ યોગ્ય નથી એમ જણાવ્યું હતું. આ બેંક મેનેજરના પ્રશ્નનું શું કરવું એ વિશે માર્ગદર્શન ઇચ્છતા પત્ર લખનારને ગાંધીજીએ શ્રીરામકૃષ્ણદેવના કેટલાંક મહત્ત્વનાં ઉપદેશ-કથનો ટાંકીને પ્રત્યુત્તર આપ્યો હતો. આ ઉપદેશ-કથનો આવાં હતાં:

(૧) બાળકો તો ચાખ્યા વિનાના ફળ જેવાં છે. એટલે બાળકો દેવતાને નૈવેદ્ય ધરવા જેવાં ફળ સમાં છે. એટલે હું બાળકોને ચાહું છું. એમનું મન સોળેઆના પોતાની પાસે જ હોય છે. લગ્ન થતાં જ આઠ આના મન પત્ની લઈ જાય છે. બાકીનું ચાર આના મન સંતાનો લઈ જાય છે. શેષ ચારઆના મન પિતા, માતા, દુન્યવી માનયશ, ભરણપોષણ વગેરે લઈ જાય છે. એટલે જ બાળકો પ્રભુને સરળતાથી જાણી શકે છે. ઉંમરવાળા એટલી સરળતાથી પ્રભુને પામી શકતા નથી.

(૨) દૂધમાં છ-ટાંક પાણી હોય તો એને પકવવામાં સરળતા રહે; પણ એ દૂધમાં ૩/૪ જેટલું પાણી હોય તો એને પકવવું કે એમાંથી ખીર બનાવવી કઠિન. નાના બાળકનું મન છટાંક પાણીવાળા દૂધ જેવું છે અને પ્રૌઢ માનવીનું મન ૩/૪ પાણીવાળા દૂધ જેવું છે.

(૩) કાચા વાંસને વાળવો સરળ પણ પાકા વાંસને વાળવો કઠિન.

(૪) ઉંમરવાળા પોપટને તમે તમારી ઇચ્છા પ્રમાણે ‘રામ, કૃષ્ણ’, રાધાકૃષ્ણ, વગેરે બોલાવી ન શકો. જો પઢાવવો હોય તો નાના પોપટને પઢાવવો. ઉંમરવાળા પોપટનું ગળું પહોળું થઈ જવાથી એમાંથી બરાબર બોલ નીકળતા નથી.

(૫) માણસનું મન રાઈની પોટલી જેવું છે. પોટલી જૂની અને ફાટવાથી રાઈના દાણા નીચે વેરાઈ જાય છે. એ વેરાયેલા દાણાને એકઠા કરવા ઘણું કઠિન છે. આ જૂની ફાટેલી પોટલી પ્રૌઢ અને ઉંમરવાળા માણસના મન જેવી છે. બીજી બાજુ નાના બાળકનું મન નવા અને મજબૂત કપડાની પોટલીમાં બાંધેલાં રાઈના દાણા જેવું છે. એ તૂટે ફાટે નહિ અને દાણાયે વેરાય નહિ. એ પ્રમાણે નાના બાળકોનું મન દુન્યવી બાબતોમાં વિખેરાઈ જતું નથી.

પોતાની સાથે રહેનારા સહકર્મીઓની નૈતિક અવનતિ જોઈને ગાંધીજીએ એકવાર ૨૦ ડિસેમ્બર, ૧૯૩૬ના ‘હરિજન બંધુ’ સાપ્તાહિકમાં કહ્યું હતું:

‘ચૈતન્ય, રામકૃષ્ણ, રામમોહનરાય, દયાનંદ, વગેરે મહાપુરુષોનો પ્રભાવ એમની બુદ્ધિના કારણે ન હતો. એમના કરતાં પણ વધારે બુદ્ધિમાન મનીષીઓ આ દુનિયામાં જન્મ્યા છે. પરંતુ ઉપર્યુક્ત મહાપુરુષોનો પ્રભાવ એમની નૈતિક શક્તિને કારણે રહ્યો છે.’

શ્રીરામકૃષ્ણના જીવન અને સંદેશ પરથી આપણે એટલું સ્પષ્ટપણે જાણી શકીએ છીએ કે એમની દૃષ્ટિએ કેવળ ભૌતિક વિદ્યાઓનું જ્ઞાન એ જીવનના પરમ લક્ષ્યની સિદ્ધિ માટે પૂરતું ન નથી. નૈતિક તેમજ આધ્યાત્મિક આચરણવાળું જીવન પરમલક્ષ્યની પ્રાપ્તિમાં અનિવાર્યપણે આવશ્યક છે. અને એટલે જ કોરા જ્ઞાનને બદલે નૈતિક સદાચરણ અને આધ્યાત્મિકતાના ભાવવાળું જીવન જીવવા તેઓ સૌને પ્રેરતા રહેતા.

એક દિવસ કેશવચંદ્ર સેન દક્ષિણેશ્વરને મંદિરે શ્રીરામકૃષ્ણ પાસે આવ્યા અને એમણે શ્રીરામકૃષ્ણને પૂછ્યું: ‘ધાર્મિક ગ્રંથોનો ભંડાર આખો વાંચી કાઢ્યો હોવા છતાં, આધ્યાત્મિક જીવનમાં અગત્યની બધી બાબતોથી જ્ઞાનીઓ આટલા અજાણ કેમ જોવા મળે છે?’ શ્રીરામકૃષ્ણે ઉત્તર વાળ્યો, ‘સમડી અને ગીધ હવામાં ખૂબ ઊંચે ઊડે પણ, બધો વખત એમની દૃષ્ટિ ઉકરડાના ઢગ પર પડેલાં જાનવરોનાં શબ પર મંડાયેલી રહે છે; એ જ રીતે, ધાર્મિક બાબતોના એમના જ્ઞાન છતાં, આ કહેવાતા જ્ઞાનીઓનાં મન, સંસારી પદાર્થોને વળગેલાં રહે છે ને તેથી, તે લોકો સાચું જ્ઞાન પામી શકતા નથી.

શ્રી ઠાકુર કહેતા : ‘મનહૃદયને વિશુદ્ધ કરે તે જ સાચું જ્ઞાન. બીજું બધું અજ્ઞાન. કેવળ પોથીજ્ઞાનથી શું વળે? પંડિતો ઘણા શાસ્ત્રગ્રંથો અને શ્લોકો જાણતા હોય પણ, એના પોપટપાઠથી શું વળે? શાસ્ત્રોમાં મૂર્ત થયેલાં સત્યોનો સાક્ષાત્કાર પોતાના જીવનમાં કરવો જોઈએ. આપણે સંસારને વળગેલા છીએ ત્યાં સુધી, કામિની-કાંચનનું આકર્ષણ છે ત્યાં સુધી, માત્ર વાચન જ્ઞાન કે મોક્ષ આપી શકે નહીં.’

ઈશુની જેમ શ્રીઠાકુર પણ માનતા: ‘માનવ માત્ર રોટીથી જીવતો નથી.’ એટલે કે આર્થિક ઉપાર્જન એ જ જીવનનું એકમાત્ર લક્ષ્ય નથી. તેઓ હંમેશાં કામિની-કાંચનનો ત્યાગ કરવાનો બોધ આપતા અને આ ત્યાગને તેમણે પોતાના જીવનમાં પૂરેપૂરો જીવી પણ બતાવ્યો હતો. તેમણે એમ પણ કહ્યું છે કે લોકો પાસે ખાલી પેટે ધર્મની અપેક્ષા રાખી શકાય નહિ. પરંતુ નિર્લોભી રહેવાનું અને નિ:સ્વાર્થભાવે રહેવાનું કોઈ પણ માનવીએ કોઈ પણ પરિસ્થિતિમાં છોડવું ન જોઈએ. આ ઉપદેશ શ્રીઠાકુરે પોતાના સંન્યાસી શિષ્યો તેમજ આધ્યાત્મિક પથે આગળ વધનારા સાધકોને માત્ર આપ્યો ન હતો, પરંતુ સામાન્ય દૈનંદિન જીવન જીવતા ગૃહસ્થોને પણ ભૌતિક બાબતોમાં અને ખાસ કરીને આર્થિક બાબતોમાં સંયમની વાડ રાખવાનું કહેતા. ગાંધીજીએ પણ પોતાના જીવનમાં અપરિગ્રહ વ્રતને જીવી બતાવ્યું અને આ દુનિયાની વચ્ચે રહેતા ગૃહસ્થને પણ એવું જીવન જીવવા અંગુલિનિર્દેશ કર્યો. તત્કાલીન અને આજના અર્થવિદો ગાંધીજીના આ વિચાર સાથે પૂરેપૂરા સંમત નથી. તેઓ માનતા હતા અને આજે પણ માને છે કે આર્થિક સમૃદ્ધિ એ જ માણસની પ્રગતિનો માપદંડ છે.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘પૈસો માત્ર રોટલો આપી શકે. એને તમારું એક માત્ર ધ્યેય નહીં માનો… કેટલાક લોકો પોતાનાં ધનનો અને સત્તાનો ગર્વ કરે છે, કેટલાક નામ અને કીર્તિનો અને સમાજમાં પોતાના મોભાનો ગર્વ કરે છે; પણ આ બધું ચાર દિનની ચાંદની છે. મૃત્યુ વખતે કોઈ સાથે નથી આવતું.’

શ્રીરામકૃષ્ણદેવે સંપત્તિના ગર્વને દૂર કરવા માટે ભક્તોને ઉદ્દેશીને કહ્યું હતું : ‘પૈસાનો ગર્વ કરવા જેવું કંઈ છે જ નહીં. તમે કહો કે, ‘હું પૈસાદાર છું.’, તો તમારા કરતાં ક્યાંય વધારે પૈસાદાર માણસો બીજા હોવાના અને એની સરખામણીમાં તમે ભિખારી જેવા દેખાવાના. સંધ્યાકાળ પછી આગિયા દેખાવા લાગે તે એમ માને કે ‘અમે જગતને અજવાળીએ છીએ.’ પણ તારાઓ ચળકવા લાગે ત્યારે આગિયાઓનું અભિમાન ગળી જાય. પછી તારા વિચારવા લાગે, ‘વિશ્વને અમે અજવાળીએ છીએ.’ પણ થોડી વાર પછી ચંદ્ર દેખાવા લાગે ને એમની રૂપેરી ચાંદની તારાઓનો ગર્વ ઉતારે અને દુ:ખથી એ ઝાંખા પડી જાય. એટલે ચંદ્રને ગર્વ થાય અને માનવા લાગે કે જગતને એ અજવાળે છે અને સૌંદર્યે મઢે છે. પણ થોડી વારમાં, ઉષાકાળ ક્ષિતિજ પર સૂર્યના આગમનની છડી પોકારે છે. હવે ચાંદો ક્યાં રહ્યો! પોતાને પૈસાદાર માનનાર લોકો પ્રકૃતિની આ બાબતોનો વિચાર કરે તો, પોતાનાં ધનસત્તાનો ગર્વ એ કદી ન કરે.’

અલ્લાહાબાદની મુઈર કોલેજની ઈકોનોમિક સોસાયટીમાં ૨૨ ડિસેમ્બર, ૧૯૧૬ના રોજ મહાત્મા ગાંધીજીએ એક વક્તવ્ય આપ્યું હતું. વક્તવ્યનો વિષય હતો : ‘અર્થિક પ્રગતિ શું યથાર્થ પ્રગતિની સાથે સંઘર્ષ કરતી રહે છે?’ એ વિશે બોલતાં એમણે કહ્યું:

‘અર્થનીતિ વિશેના ઘણા આધુનિક ગ્રંથોની તુલનામાં દુનિયાના શાસ્ત્રગ્રંથોની રચના વધુ સારા પ્રમાણમાં, દૃઢ અને નિરાપદ પ્રામાણિત થઈ છે. આપણી સમક્ષ જે પ્રશ્ન ઊભો થાય છે એના નિરાકરણ વિશે મને આવું લાગે છે: સૌથી વધારે ભાવાત્મક અને અધિકત્તમ પ્રભાવ પાડનારું ઉદાહરણ આપણને તત્કાલીન શ્રેષ્ઠ આચાર્યના જીવનમાંથી જ સાંપડશે. ઈશુ, મહંમદ, બુદ્ધ, નાનક, કબીર, શંકર, દયાનંદ, રામકૃષ્ણ – આ બધા મહાપુરુષોએ હજારો હજારો માનવીઓના જીવનમાં પોતાના પ્રભાવને વિપુલ પ્રમાણમાં વિસ્તારીને એમનાં જીવનનું ઘડતર કર્યું છે. મહાપુરુષોનાં આવાં જીવનાચરણથી પૃથ્વીના ઐશ્વર્યમાં વૃદ્ધિ થઈ છે. એ લોકો સ્થિતપ્રજ્ઞ હતા, છતાં પણ તેઓ અકિંચનવ્રતધારી બની રહ્યા. કોઈ પણ માણસના સર્વાધિક અને સર્વાતિન્યૂન સંપત્તિનું પરિમાણ શું હોઈ શકે? એના ઉત્તરમાં હું શ્રીરામકૃષ્ણ કે ઈશુની ભાષામાં કહું તો ‘એ છે અકિંચનભાવ જ.’ (ધ કંપ્લીટ વર્ક્સ ઑફ મહાત્મા ગાંધી, પબ્લીકેશન ડીવીઝન, વૉ.૧૩, પૃ.૩૧૪)

શ્રીરામકૃષ્ણે ‘શિવજ્ઞાને જીવસેવા’નો આદર્શ આપ્યો અને ગાંધીજીએ – અર્થ પ્રત્યે અપરિગ્રહ વૃત્તિ રાખીને એકઠી કરેલી સંપત્તિનો ઉપયોગ સર્વના કલ્યાણ માટે કરવો એટલે કે એ મેળવેલી સંપત્તિના જે તે માનવ ફક્ત રખેવાળ જ છે અને એનો માલિક નથી – એ ભાવે એણે કોઈનું શોષણ કર્યા વિના સંપત્તિ એકઠી કરીને ‘સર્વજન હિતાય, સર્વજન સુખાય’ વાપરવાની છે.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘પૂલ નીચેથી પાણી વહ્યા કરે છે અને કદી બંધિયાર થતું નથી, તે રીતે, ઉદાર માણસોના હાથમાંથી ધન વહેતું રહે છે અને એમની પાસે ઢગલો થઈને રહેતું નથી… પૈસો જેનો દાસ છે એ જ ખરો મનુષ્ય છે; એથી ઊલટું, એનો યોગ્ય ઉપયોગ નહીં જાણનારાને માણસ ભાગ્યે જ કહી શકાય.’

શ્રીરામકૃષ્ણ એમના સંપત્તિવાન અને જમીનદાર શિષ્યોને પાણીના તળાવ, કૂવા બંધાવવા; સામાન્ય ખેડૂતોની મહેસૂલમાં રાહત આપવી કે સંજોગવશાત્‌ માફ કરવી; દીનદુખિયાંને અન્નવસ્ત્ર આપવાં; જેવાં પરોપકારનાં કાર્ય કરવાનો ઉપદેશ આપતા રહેતા. તેઓ એમને આ વાત સમજાવતાં કહેતા કે મા જગદંબાએ આપેલી સંપત્તિના તેઓ માત્ર એક રખેવાળ છે. દીનદુખિયાંની સેવા કરીને તેઓ તેમના પર કોઈ દયા કે ઉપકાર નથી કરતા પણ એમની ઈશ્વર રૂપે પૂજા કરે છે. આવી ‘શિવજ્ઞાને જીવસેવા’ કરવાનો અવસર આપવા માટે ખરેખર તો તેઓ આ દીનદુખિયાંના ઋણી છે, કારણ કે એમને કારણે એમની સંપત્તિનો સન્માર્ગે ઉપયોગ થયો છે.

શ્રીરામકૃષ્ણદેવે હિંદુ ધર્મની બધી પરંપરાઓ અને સાધના પ્રણાલીઓ દ્વારા તેમજ ઈસ્લામ, ખ્રિસ્તી જેવા અન્ય ધર્મ પથોની સાધના કરીને એ સિદ્ધ કર્યું કે એ બધા પથે ચાલીને કોઈ પણ સાચો અનુરાગી સાધક પોતાના પરમ લક્ષ્યને પ્રાપ્ત કરી શકે છે. ‘યતો મત તતો પથ’ – ‘જેટલા મત તેટલા પથ’ શ્રીરામકૃષ્ણદેવે આપેલા આધ્યાત્મિક જીવન સાધના અને સર્વધર્મસમન્વયના સૂત્રને ગાંધીજીએ પોતાના જીવનમાં સંપૂર્ણપણે સાકાર કરવાનો પ્રયાસ કર્યો છે. શ્રીરામકૃષ્ણની જન્મશતાબ્દીના ઉપલક્ષ્યમાં ૧૯૩૬માં કોલકાતામાં મોટા પાયે એક ધર્મમહાસભાનું આયોજન થયું હતું. એ ધર્મમહાસભામાં ગાંધીજીના પ્રતિનિધિ રૂપે કાકા સાહેબ કાલેલકર ઉપસ્થિત હતા. એ સભાના એક સત્રમાં તેઓ સભાધ્યક્ષ બન્યા હતા. પ્રારંભિક પ્રવચનમાં એમણે કહ્યું હતું:

‘ભારતના આધ્યાત્મિક જગતના એક મહાપુરુષ શ્રીરામકૃષ્ણ પરમહંસના નામે આપણે સૌ એકત્રિત થયા છીએ. કોઈ બુદ્ધિ કે તર્ક દ્વારા નહિ પરંતુ પોતાની આધ્યાત્મિક ઉપલબ્ધિસમૂહ દ્વારા એમણે આપણી સમક્ષ સાબિત કરી આપ્યું કે બધા જ ધર્મો સાચા છે; બધા ધર્મો સમભાવે ગ્રહણ કરવા યોગ્ય છે અને બધા ધર્મો આપણને સમભાવે ઉન્નત કરવા સમર્થ છે. એટલા માટે જ આ ધર્મમહાસભા શ્રીરામકૃષ્ણના નામે થવી યોગ્ય જ છે. પહેલી ધર્મમહાસભા ૧૮૯૩માં શિકાગોમાં થઈ હતી. એમાં શ્રીરામકૃષ્ણના પ્રિય શિષ્ય સ્વામી વિવેકાનંદ ભારતના પ્રતિનિધિ રૂપે ગયા હતા અને આજની આ ધર્મમહાસભા ભારતમાં થાય છે શ્રીરામકૃષ્ણના નામથી જ.’

કાકાસાહેબે ગાંધીજીની એક ચિઠ્ઠી સંમેલનમાં વાંચી હતી. એનો થોડો અંશ અહીં પ્રસ્તુત છે :

‘તમે જે ધર્મમહાસભામાં જાઓ છો તે શ્રીરામકૃષ્ણના પવિત્ર નામ સાથે જોડાયેલ છે. હું આશા રાખું છું કે આ સભાના ફળ સ્વરૂપે કોઈ પણ ધર્મના અનુયાયીઓને તેમના લક્ષ્યને સિદ્ધ કરવા માટે પથનિદર્શન કરશે… અલગ અલગ ધર્મ વિશે આ મહાસભાનો અભિપ્રાય શો છે? આપણે જે પ્રમાણે વિચાર કરીએ છીએ તેવી રીતે બધા ધર્મમતો શું સમાન હોઈ શકે? અથવા ઘણા ભ્રાંતિવશ થઈને માને છે તેમ અમારો ધર્મ જ સાચો છે અને અન્ય ધર્મો ખોટા કે ખરા ખોટાનું મિશ્રણ છે? જેવી સર્વધર્મસમભાવ વિશેની અનેક સમસ્યાઓના સમાધાન માટે આ ધર્મમહાસભા કદાચ આપણી સમક્ષ યોગ્ય પથપ્રદર્શક નિવડશે.’ (ધ રિલિજન્સ ઑફ ધ વર્લ્ડ, રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કોલકાતા, ૧૯૩૮, વૉ.૧, પૃ.૧૨૨-૨૩)

શ્રીરામકૃષ્ણદેવના તેમજ અન્ય આધ્યાત્મિક વિભૂતિઓના જીવન અને સંદેશના વાંચન-મનનથી ગાંધીજીને મૃત્યુથી અભય-પ્રાપ્તિ થઈ હતી. હિંદુ સમાજને સદૈવને માટે છિન્ન-વિચ્છિન્ન કરવા માટે ‘મેક્ડોનલ્ડ એવૉર્ડ’ની ઘોષણા કરવામાં આવી હતી. એની સામેના પ્રતિકાર રૂપે ગાંધીજીએ આમરણ અનશન વ્રત ધારણ કર્યું હતું. એમના આ અનશનના સમાચાર સાંભળીને સમગ્ર દેશ ખિન્ન થઈ ગયો હતો. પરંતુ ગાંધીજી જરાય ડગ્યા નહિ. ભારતની આ સંકટની સંક્રાંતિની પરિસ્થિતિમાં એમણે જે મહાન મૃત્યુંજય વિભૂતિઓનું સ્મરણ કર્યું હતું તે હતા – શ્રીરામકૃષ્ણ, દયાનંદ, વિવેકાનંદ, રામતીર્થ, વગેરે. અવતારી મહાપુરુષોનો પ્રભાવ એમના નિધન પછી પણ પ્રબળ બનીને લોકોને પ્રેરતો રહે છે એ વાત ગાંધીજીના મૂળ શબ્દોમાં આપણે જોઈએ. ગાંધીજીએ ૬ મે, ૧૯૩૩ના ‘હરિજન’ પત્રિકામાં લખ્યું છે :

‘.. એટલે મને ખાતરી છે કે અંતે મેં લીધેલા આ અનશન વ્રતની સચ્ચાઈને મારા સુહૃદજનો ઓળખશે. એ વ્રત માટે હું જીવું કે મરું. પ્રભુની ઇચ્છા અગમ્ય હોય છે અને મારા જીવન કરતાં પણ આ અનશન વ્રત દરમિયાન થયેલું મારું મૃત્યુ વધારે ફળદાયી અને કલ્યાણકારી પરિણામદાયી બનશે. એ માટે મારું બલિદાન તેઓ (ઈશ્વર) ઇચ્છતા નહિ હોય, એ કોણ જાણે છે? એ તો બહુ જ નિરાશાજનક વાત કહેવાય કે માણસ દેહત્યાગ પછી માનવજાતની સેવા કરવામાં અસમર્થ બને છે. હું એમાં માનતો નથી. શ્રીરામકૃષ્ણ, દયાનંદ, વિવેકાનંદ અને રામતીર્થ જેવા અવતારી મહાપુરુષોના આત્માઓ આજે પણ આપણને પ્રેરણા આપે છે એમાં કોઈને શંકા થઈ શકે ખરી? તેઓ શું આપણી વચ્ચે આજે પણ કાર્યરત નથી? તેઓ સશરીર આ પૃથ્વી પર હતા તેના કરતાંયે વધુ પ્રભાવક રીતે માણસોને આજે પણ પ્રેરણા આપી રહ્યા છે.’

(ક્રમશ:)

Total Views: 183

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.