નોબલ પારિતોષિક વિજેતા ફ્રેંચ લેખક રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણ, સ્વામી વિવેકાનંદ અને મહાત્મા ગાંધીનાં અનુપમ જીવનચરિત્રો ફ્રેંચ ભાષામાં લખ્યાં. સને ૧૯૨૮માં એમણે લખેલું: ‘લગભગ એક સદી સુધી નવજાગૃત ભારતના બધા જ લક્ષ્યવેધીઓનું એક જ લક્ષ્ય રહ્યું છે અને તે છે ‘ઐક્ય’.’ ઉપરના શબ્દો તેમણે શ્રીરામકૃષ્ણના જીવનચરિત્રની ભૂમિકામાં ઉચ્ચાર્યા હતા ત્યારે એમનું મુખ્ય ધ્યાન શ્રીરામકૃષ્ણદેવ પ્રત્યે જ હતું. એટલે એ તો જાણીતી વાત છે કે નવ્યભારતના આ ઐક્યમંત્રના ઉદ્ઘોષકોમાં તેઓ સૌથી પ્રબળ અને વ્યાપક ઉદ્ઘોષક હતા. પણ તેમની આ ઐક્યની ઉદ્ઘોષણા ધર્મકેન્દ્રી હતી અને ત્યાં તેઓ અન્ય ઉદ્ઘોષકો કરતાં જુદા પડતા હતા. રામકૃષ્ણ-વિવેકાનંદની વિચારધારાએ સમગ્ર ભારતને અપૂર્વ રીતે હચમચાવી નાખ્યું હતું. પરંતુ દુર્ભાગ્યે આવી મહત્ત્વપૂર્ણ ઘટનાની એ સમયના કોઈ વિશ્વકોશ કે ઇતિહાસનાં પુસ્તકોમાં નોંધ પણ લેવાઈ ન હતી. ઉપરની વાત પર ખેદ પ્રગટ કરતાં વિન્સેન્ટ શીને પોતાના પુસ્તક ‘લીડ કાઈન્ડલી લાઈટ’માં લખ્યું છે:
‘એટલા જ માટે આ શતકના મધ્યભાગમાં લખાયેલા ઇતિહાસના થોથાંના થોથાં ઉથલાવતો કોઈ પણ વિદ્યાર્થી પણ થોડા દસકાઓમાં મૂલ્યનો હ્રાસ થતો જોઈને છોભીલો પડી જાય છે. ‘કેમ્બ્રિજ હિસ્ટરી ઑફ ઇન્ડિયા’ વૉ.૬માં ૧૮૫૮-૧૯૧૮ના સમયની ઘટનાઓનું નિરૂપણ કરતા ‘ભારતનું સામ્રાજ્ય’ નામના પ્રકરણમાં વિવેકાનંદનું નામ ફક્ત એક જ વખત લખવામાં આવ્યું છે અને શ્રીરામકૃષ્ણનું તો નામ જ લખવામાં આવ્યું નથી. ભારત વિશે માહિતી આપતાં કેટલાંય પ્રકરણો લખાયાં છતાં ‘એન્સાઈકલો પિડિયા બ્રિટાનિકા’માં ૧૯૨૦માં પ્રિન્સ ઑફ વેલ્સે ભારતની લીધેલી મુલાકાત જેવી મામુલી વાતોને પણ ઘણું વધારે મહત્ત્વ આપ્યું છે પણ ૧૯મી સદીના અંતમાં જેમણે હિંદુત્વના આત્માને જગાડી દીધો તેમનું નામ લક્ષ્યમાં લીધું નથી.’
મહાત્મા ગાંધી પર શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના જીવન અને સંદેશની કેટલી મોટી પ્રભાવક અસર પડી છે તેનો ખ્યાલ આપણને વિન્સેન્ટ શીનના આ જ પુસ્તક ‘લીડ કાઈન્ડલી લાઈટ’માં મળે છે. તેમણે લગભગ ૪૦૦ પાનાંના આ પુસ્તકમાં ‘ગાંધીજીના પૂર્વગામીઓ’ એ પ્રકરણ માટે આશરે ૭૦ જેટલા પાનાં ફાળવ્યા છે. એમાં એમણે શ્રીરામકૃષ્ણ અને વિવેકાનંદના જીવન અને સંદેશનો તે સમયના ભારતના રાષ્ટ્રિય અગ્રણીઓ અને સમાજ સેવીઓ પર – ખાસ કરીને મહાત્મા ગાંધી પર એ બંનેની કેવી ભારે અસર પડી હતી અહેવાલ આપ્યો છે. શ્રીરામકૃષ્ણને ગાંધીજી કેટલી શ્રદ્ધાની દૃષ્ટિથી જોતા એ વાત નીચેના શબ્દોમાં આપણને જોવા મળશે:
‘તેઓ (મહાત્મા ગાંધી) પોતાના જીવનપથ દર્શકોનો હંમેશાં ઋણ સ્વીકાર કરવા તત્પર રહેતા. એ મહાપુરુષો પોતપોતાના ક્ષેત્રમાં તેમના કરતાં ઘણી ઉચ્ચકક્ષાએ પહોંચેલા હતા, એ વાતને સ્વીકારતા તેઓ અચકાતા નહિ. ગાંધીજીએ એવા ઘણા આદર્શ હિંદુસત્પુરુષોને જોયા હતા કે જેઓ વ્યક્તિગત જીવનની પવિત્રતામાં અને શુદ્ધ ચારિત્ર્યમાં તેમનાં કરતાં ચડિયાતા હતા. પરંતુ અધ્યાત્મિકતાના આર્ષદ્રષ્ટાઓ તો એનાથી ઘણા ઉચ્ચકોટિના હોય છે. ગાંધીજી અત્યંત વિનમ્રતાપૂર્વક પોતાને આવા મહાપુરુષોના એક અનુયાયી માત્ર ગણતા હતા.
એમની શ્રીરામકૃષ્ણ પ્રત્યેની પૂજ્યભાવના અત્યંત દૃઢ તેમજ પૂર્વગ્રહવિહોણી હતી. શ્રીરામકૃષ્ણ જેવા એક વિલક્ષણ આધ્યાત્મિક જગતના મહાપુંજ સમાન આ ધરતી પર ભાગ્યે જ જોવા મળે છે. સામાન્ય રીતે ગાંધીજી આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી અતીન્દ્રિય અનુભૂતિઓ પ્રત્યે થોડો ઉદાસીન અને નિરપેક્ષ ભાવ રાખતા તેમજ એ વિશે મોટે ભાગે તેઓ મૌન જ રહેતા. પરંતુ એમણે ૧૯૨૪માં પ્રકાશિત ‘લાઈફ ઑફ રામકૃષ્ણ’ના આમુખમાં લખેલા આ શબ્દો અહીં આપવા યોગ્ય ગણાશે:
‘શ્રીરામકૃષ્ણ પરમહંસની જીવનકથા ‘ધર્મના જીવંત આચરણ’ની કથા છે. એમનું જીવન ઈશ્વરને આપણી સન્મુખ જોવાની શક્તિ આપે છે. ઈશ્વર જ સત્ય છે અને બીજું બધું અનિત્ય છે, તેની ખાતરી થયા વિના એમની જીવનકથા કોઈ વાંચી શકે નહિ. શ્રીરામકૃષ્ણ ઈશ્વરમયતાનું મૂર્તિમંત સ્વરૂપ હતા. એમનાં વચનો માત્ર પંડિતના વચનો નથી, પણ જ્વલંત જીવનની કિતાબનાં પૃષ્ઠો છે. એમના જાત-અનુભવોનું એ પ્રાગટ્ય છે. એ વાંચનાર ઉપર અમીટ છાપ મૂકી જાય છે. નાસ્તિકતાના આ યુગમાં ઓજસ્વી અને જીવંત શ્રદ્ધાનું દૃષ્ટાંત તેઓ પૂરું પાડે છે; આધ્યાત્મિક પ્રકાશ વિહોણા હજારોને તેઓ સાંત્વના આપે છે.’
એમ.કે. ગાંધી
સાબરમતી, માગસર,
વદ-એકમ, વિ.સં.૧૯૮૧
મહાત્મા ગાંધી પ્રામાણિકપણે સત્યના ચુસ્ત ઉપાસક હતા. એમને પ્રતીત થયેલા સત્યમાંથી એમનો કોઈ ક્યારેય પ્રાણને ભોગે પણ વિચલિત કરી શકે નહિ. પોતાને સ્વયં પ્રતીતિ થયા વગર ગાંધીજી કોઈના કહેવાથી કે કશું માનીને પોતાનો એ વિશે મત આપતા જ નહિ. શ્રીરામકૃષ્ણ વિષયક ઉપરનું લખાણ પણ એમણે એવી પ્રતીતિ થયા વગર ન જ લખ્યું હોય. તેઓ જ્યારે એમ લખે કે ‘એમનાં વચનો પંડિતના વચનો નથી, પણ જીવનની કિતાબનાં પૃષ્ઠો છે. એમના જાત-અનુભવોનું એ પ્રાગટ્ય છે’ ત્યારે આપણે એ અવશ્ય જ માનવું રહ્યું કે શ્રીરામકૃષ્ણના એ જાતઅનુભવોની મહાત્માજીને અવશ્ય જ પ્રતીતિ થઈ છે. ગાંધીજીને જાણનાર કોઈ પણ વ્યક્તિ એ સહેલાઈથી એનું સમર્થન કરી શકશે.
ગાંધીજીએ શ્રીરામકૃષ્ણના જે જીવનચરિત્રના આમુખમાં ઉપરના શબ્દો લખ્યા છે તે ગ્રંથનો પૂર્વભાગ અનેકાનેક રહસ્યમય અતીન્દ્રિય અનુભૂતિઓથી ભરચક જ હતો. હિંદુધર્મ તેમજ અન્ય ધર્મોની વિવિધ સાધનાઓ કરીને તેમાં રહેલી અસંખ્ય રહસ્યમય અનુભૂતિઓ શ્રીરામકૃષ્ણે કરી હતી. હવે જો ગાંધીજીને એ અતીન્દ્રિય રહસ્યમય અનુભૂતિઓમાં થોડો પણ સંદેહ હોત તો કોઈ પણ હિસાબે તેઓ આ પુસ્તકનું આવું આમુખ લખત જ નહિ, એ વાત પણ સ્પષ્ટ છે.
શ્રીરામકૃષ્ણની દૃષ્ટિએ ઈશ્વર કોઈ કોરી કલ્પના નહિ પણ એ હરપળે અપરોક્ષ રીતે જોવાની, અનુભવવાની, એમની સાથે વાતચીત કરવાની અને એમનાં સલાહસૂચન લેવાની જીવતીજાગતી વાસ્તવિકતા હતી. શ્રીરામકૃષ્ણના જીવનના આ પાસાની અસર ગાંધીજીના જીવન પર ખૂબ પ્રબળ રીતે પડી હોય એવું લાગે છે. કારણ કે તેમણે કહ્યું છે:
‘તમે અને હું આ રૂમમાં બેઠા છીએ એ હકીકત કરતાં પણ મને ઈશ્વરના અસ્તિત્વની વધારે ખાતરી છે. હું હવાપાણી વગર જીવી શકું પણ એમના વિના નહિ.’
ગાંધીજીના જીવનમાં, તેઓ ઈશ્વર પર કેટલા આધારિત હતા તે આપણે જોઈ શકીએ છીએ. તેઓ કહેતા કે પોતાનો કોઈ પણ નિર્ણય ‘ઈશ્વર કે આત્માના અવાજ’ની અનુમતિ સિવાય લેવાયો ન હતો.
શ્રીરામકૃષ્ણે પોતાના તીવ્રતમ આધ્યાત્મિક જીવન દ્વારા અનુભૂત સત્યની શક્તિની પ્રભાવક અસરનો તેમના શિષ્ય વિવેકાનંદ અને બીજા ગુરુભાઈઓના માધ્યમથી જગતને પરિચય કરાવ્યો.
શ્રીરામકૃષ્ણે ખાતરીપૂર્વક કહ્યું છે કે ઈશ્વરની અપરોક્ષ અનુભૂતિ એવી શક્તિ ધરાવે છે કે એવો સાક્ષાત્કારી પુરુષ અન્યને પણ ઈશ્વરનો સાક્ષાત્કાર કરાવી શકે છે. સાક્ષાત્કારી પુરુષનો આ જ મહિમા છે. ‘સાક્ષાત્કારી પુરુષે કરાવેલું શક્તિનું આ સંક્રમણ દુનિયાની વાસ્તવિકતા કરતાં વધારે સંવેદનાપૂર્ણ હોય છે અને તે સહજ હોય છે.’ એ માટે રોમાંરોલાં કહે છે તેમ: ‘અજમાનો છોડ તમને એની સુગંધની પ્રતીતિ કરાવવા પ્રયત્ન કરતો નથી. એ માટે તો તમારે તેનું તાજું અત્તર જ સૂંધવું પડે છે.’ એટલે સાક્ષાત્કારી પુરુષનું સાંનિધ્ય જ મહાફલદાયી હોય છે.
સાબરમતીના સત્યાગ્રહ આશ્રમમાં ૧૫ જાન્યુઆરી, ૧૯૨૮ના રોજ ગાંધીજીએ પણ પોતાના ભાષણમાં આ જ વાતને સમર્થન કરતાં કહ્યું છે:
‘આપણી આધ્યાત્મિક અનુભૂતિઓ વહેંચી શકાય છે તેમજ એને સંક્રમિત પણ કરી શકાય છે. પછી એ બાબતમાં આપણે શંકા કરીએ કે ન કરીએ. આ સંક્રમણ અને વહેંચણીનું કાર્ય આપણા જીવન અને આચરણ દ્વારા થવું જોઈએ, અને આપણી વાણી-શબ્દો જેવા અપર્યાપ્ત વાહકો દ્વારા નહિ. વિચાર કરતાં આધ્યાત્મિક અનુભૂતિ વધુ ગહન છે. આપણે જીવીએ છીએ – આચરીએ છીએ એ જ હકીકતથી આધ્યાત્મિક અનુભૂતિ એકધારી વહેતી થશે.’
૧૨ ડિસેમ્બર, ૧૯૩૬ના ‘હરિજન’ સાપ્તાહિકના અંકમાં ગાંધીજી લખે છે:
‘જીવન પોતે જ પોતાની એક અભિવ્યક્તિ છે… ગુલાબને ચોતરફ પોતાની સુગંધ ફેલાવવા માટે તેમજ સૌ કોઈ પોતાની આંખો વડે જોઈ શકે એવા સૌંદર્ય વિશે કોઈ ગ્રંથ લખવો પડતો નથી કે કોઈ ઉપદેશાત્મક વ્યાખ્યાન આપવું પડતું નથી… આધ્યાત્મિક જીવન તો અનંત રીતે પેલા સુંદર અને સુગંધી ગુલાબ કરતાં ચડિયાતું જ છે… જે પળે જીવનમાં આધ્યાત્મિક અનુભૂતિ અને અભિવ્યક્તિ થાય છે તે પળે આજુબાજુનું બધું તરત જ એનો પ્રતિસાદ આપશે.’
શ્રીરામકૃષ્ણે કથામૃતમાં કહ્યું છે: ‘બધા ઉપર પ્રેમ કરવો જોઈએ, કોઈ પારકું નથી. બધા જીવોમાં એ જ હરિ વસે છે.’ શ્રીરામકૃષ્ણના આ ભાવને ગ્રહણ કરીને એમની જેમ ગાંધીજીએ પણ માણસને કોઈ દિવસ ‘નાનો’ જોયો નથી અને શ્રદ્ધાની દૃષ્ટિથી જ જોયો છે. ગાંધીજી કહેતા:
‘એક ચુસ્ત હિંદુ, એક ચુસ્ત ખ્રિસ્તી અથવા ચુસ્ત મુસલમાન થવા માટે પૂર્ણ કાળની સાધના જોઈએ. એક સારો હિંદુ બનવા માટે મારે જીવનનો બધો સમય આપવો પડે છે તો પછી ધર્માન્તરણ કરવાનો સમય જ ક્યાં રહે છે? હું કોઈ દિવસ એમ માનીશ નહિ કે તેઓ બધા મારાથી નાના છે.’
ગાંધીજીની ઉપર કહેલી વાતને પ્રેરણા કદાચ કથામૃતની શ્રીઠાકુરની આ વાતમાંથી મળી હશે:
‘મેં બધી જ સાધના કરી છે. બધા પથનો હું સ્વીકાર કરું છું. શાક્તોને માનું છું, વૈષ્ણવોને માનું છું અને વેદાંતીઓને પણ માનું છું. એટલે જ અહીં બધા લોકો આવે છે.’
શ્રીરામકૃષ્ણ કથામૃતનો શ્રદ્ધાપૂર્વક જેમણે પાઠ કર્યો છે તે લોકો ભેદબુદ્ધિનો ક્યારેય પણ સ્વીકાર કરતા નથી. ગાંધીજીની વિચારધારા પણ દરેક કાળે ભેદબુદ્ધિની સામે વિદ્રોહ કરી ઊઠતી. પાડોશીધર્મને શ્રદ્ધાપૂર્વક અને ઉદાર દૃષ્ટિથી જોવાનો મનોભાવ શ્રીરામકૃષ્ણ અને ગાંધીજીમાં આપણને વર્તાય છે. રોમાં રોલાંએ ઠીક જ કહ્યું છે:
‘મારા અભિપ્રાય પ્રમાણે જ્યારે જ્યારે ગાંધીજીએ ભેદબુદ્ધિ વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો છે ત્યારે ત્યારે તેઓ જાણે કે આ બાબતમાં શ્રીરામકૃષ્ણદેવના જ વારસદાર હોય એવું લાગ્યા વગર રહેતું નથી.’
કોઈ સ્વેચ્છાથી ધર્માન્તરણ કરે તેમાં પણ ગાંધીજીનું સમર્થન જણાતું નથી. તેઓ કહેતા:
‘કોઈ કદાચ એવું કહે કે ધર્માન્તરણ કરવું તેનું પોતાનું કર્તવ્ય છે, તો તેમ કહેવાની તેને છૂટ છે પણ કોઈને ધર્માન્તરણ કરતાં જોઈને મને દુ:ખ જ થાય.’
કથામૃતમાં શ્રીરામકૃષ્ણે એક વાર કહેલું:
‘નારાયણ શાસ્ત્રી જ્યારે દક્ષિણેશ્વરમાં હતા, ત્યારે ત્યાં માઈકલ (બંગાળાના વિખ્યાત કવિ : માઈકલ મધુસૂદન દત્ત) આવેલ.
‘દફતરખાનાની જોડાજોડનો મોટો ઓરડો છે ને, ત્યાં માઈકલની સાથે મુલાકાત થયેલી. મેં નારાયણ શાસ્ત્રીને તેની સાથે વાત કરવાનું કહ્યું.
‘‘નારાયણ શાસ્ત્રી કહે : ‘‘તમે તમારો પોતાનો ધર્મ શા માટે છોડયો? (માઈકલે હિંદુ ધર્મ છોડીને ખ્ર્રિસ્તી ધર્મ સ્વીકાર્યો હતો). એટલે માઈકલે પેટ દેખાડીને કહ્યું કે ‘પેટ સારુ વટલાવું પડયું છે!’’
‘‘નારાયણી શાસ્ત્રી કહે કે ‘જે માણસને પેટ સારુ ધર્મ છોડે, તેની સાથે વળી વાત શી કરવી!’ એટલે માઈકલે મને કહ્યું કે, ‘આપ કંઈક બોલો.’
‘‘મેં કહ્યું, ‘કોણ જાણે શા માટે, પણ મને કંઈ જ બોલવાનું મન થતું નથી. મારું મોઢું જાણે કે કોઈક દાબી રાખે છે!’ (કથામૃત – ભા.૨ , પૃ.૧૧૮-૧૧૯)
બધા ધર્મો પ્રત્યે સમાનભાવ અને ધર્માન્તરની બાબતમાં પણ પોતે લખેલા ગાંધીજીના જીવનચરિત્રમાં રોમાં રોલાંએ શ્રીરામકૃષ્ણની અને ગાંધીજીની એકવાક્યતા બતાવી છે.
ધર્મની અનુભૂતિના ક્ષેત્રમાં નિર્ભેળ વિષયલક્ષી ખરાઈ કરવાની પદ્ધતિ દાખલ કરીને શ્રીરામકૃષ્ણે આધ્યાત્મિક જગતમાં આ આધુનિક યુગમાં એક નવી વિચારધારા વહેતી કરી છે. આ જ વિચારધારાને વધુ સ્પષ્ટ રીતે સમજાવતા એમના શિષ્ય સ્વામી વિવેકાનંદે પોતાનાં અનન્ય સંદેશ દ્વારા ‘આત્માના વિજ્ઞાન’ની આધારશિલા રચી દીધી છે. પોતાના ગુરુદેવ શ્રીરામકૃષ્ણની વાણીનો પડઘો પાડતાં સ્વામી વિવેકાનંદે કહ્યું છે: ‘પહેલાં કસોટી કરો અને પછી માનો. પહેલાં આધ્યાત્મિક અનુભૂતિ કરો અને પછી જ એમાં શ્રદ્ધા રાખો.’ શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદે કરેલી ધર્મની કસોટીઓની અસર આપણને ગાંધીજીના સત્ય પ્રયોગોમાં જોવા મળે છે. તેઓ પણ પોતાના જીવનમાં સત્યને એક વૈજ્ઞાનિકની જેમ વિષયલક્ષી કસોટીમાંથી પસાર કરતા.
શ્રીરામકૃષ્ણ અને ગાંધીજી બંને સત્ય અને અહિંસાને વિશેષ મહત્ત્વ આપતા હતા. ગાંધીજી કહેતા: ‘સત્ય એ જ ઈશ્વર છે.’ કથામૃતમાં શ્રીરામકૃષ્ણ કહે છે:
‘શિવનાથને જોઈને મને આનંદ થાય. એ જાણે કે ભક્તિરસમાં ડૂબેલા છે. અને જેને ઘણા લોકો ગણે, માને તેનામાં જરૂર ઈશ્વરની કંઈક શક્તિ છે. પણ શિવનાથમાં એક મોટો દોષ છે. તેની વાતનું ઠેકાણું નહિ. મને કહ્યું હતું કે એકવાર ત્યાં (દક્ષિણેશ્વર કાલી-મંદિરે) આવીશ. પણ આવ્યા નહિ, અને કાંઈ સમાચાર પણ મોકલ્યા નહિ. એ સારું નહિ. એવું છે કે સત્ય એ જ કલિયુગની તપસ્યા. સત્યને આગ્રહપૂર્વક પકડી રાખીએ તો ભગવત્પ્રાપ્તિ થાય. સત્યનો આગ્રહ ન હોય તો ધીમે ધીમે બધું નાશ પામી જાય. એ વિચારીને હું જો કયારેય બોલી નાખું કે શૌચ જવું છે, તો હાજત ન લાગી હોય તોય એકવાર તો ઝારી લઈને ઝાઉતલા તરફ જઈ આવું; એવી બીકથી કે વખતે સત્યનો નિયમ ભાંગે તો? મારી આ અવસ્થા પછી હાથમાં ફૂલ લઈને માને કહ્યું હતું કે ‘‘મા! આ લો તમારું જ્ઞાન, આ લો તમારું અજ્ઞાન, મને શુદ્ધ ભક્તિ આપો. મા! આ લો તમારી પવિત્રતા, આ લો તમારી અપવિત્રતા, મને શુદ્ધ ભક્તિ આપો. મા! આ લો તમારું સારું, આ લો તમારું નરસું, મને શુદ્ધ ભક્તિ આપો મા! આ લો તમારું પુણ્ય, આ લો તમારું પાપ, મને શુદ્ધ ભક્તિ આપો. પણ જ્યારે આ બધું બોલતો હતો ત્યારે એમ બોલી શકયો નહિ કે મા! આ લો તમારું સત્ય, ને આ લો તમારું અસત્ય. બધું તજીને માને દઈ શકયો, પણ સત્ય તજી દઈ શકયો નહિ!’ (કથામૃત – ભા.૧ , પૃ.૩૨૧)
શ્રીઠાકુર માનતા કે સત્યમાં નિષ્ઠા રાખવી એ જ સાધકના જીવનનું એક અનિવાર્ય ભાથું છે. જેને સત્ય માટે પ્રેમ નથી એને ઈશ્વર પ્રાપ્તિ અસંભવ જ છે. કોઈ જૂઠું બોલતું તો શ્રીઠાકુર એમનાથી વિમુખ થઈ જતા. જેવી રીતે શિવનાથ શાસ્ત્રીને શ્રીઠાકુરે અસત્ય બોલવા માટે ઠપકો આપ્યો હતો તેવી જ રીતે પોતાના સંન્યાસી શિષ્ય સ્વામી નિરંજનાનંદને પણ શ્રીઠાકુરે એકવાર ઠપકો આપ્યો હતો. એ પ્રસંગે શ્રીઠાકુરે મણિ મલ્લિકને કહ્યું હતું:
‘જુઓ, નિરંજન છે તો ખૂબ સરળ! તો પણ આજકાલ થોડું થોડું જૂઠું બોલે છે એ જ એનો દોષ. તે દિવસે મને કહીને ગયો હતો કે હું આવીશ છતાં આવ્યો નહિ.’
ભારતીય સંસ્કૃતિ પ્રમાણે ઈશ્વરપ્રાપ્તિ કે મોક્ષ જ માનવજીવનનું લક્ષ્ય છે. શ્રીરામકૃષ્ણે અને ગાંધીજીએ ઈશ્વરપ્રાપ્તિને જ જીવના અંતિમ લક્ષ્ય તરીકે ઘોષિત કરી હતી. સત્યની બાબતમાં શ્રીરામકૃષ્ણ અને ગાંધીજી એકમતી ધરાવતા હતા.
જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં હતા ત્યારે એક પઠાણે તેમને એક લાકડી ફટકારી હતી. પરંતુ ગાંધીજીએ એને ક્ષમા આપી હતી. એ જ પઠાણ અંતમાં ગાંધીજીનો પરમ ભક્ત બની ગયો. શ્રીઠાકુર આ ધરાધામમાં ઈશ્વરના અસ્તિત્વના સંબંધમાં આપણને સંશયમુક્ત કરવા માટે જ નહિ પરંતુ કામ અને ક્રોધને કાબૂમાં લઈને ઈશ્વરપ્રાપ્તિ કેવી રીતે થાય એનું નિદર્શન કરવા માટે પણ આવ્યા હતા. શ્રીઠાકુરને એક વાર એક દુષ્ટ માણસે પોતાના જોડાથી ખૂબ ફટકાર્યા. આ ઘટનાનું વર્ણન શ્રીઠાકુરે કથામૃતમાં સ્વમુખે કર્યું છે :
‘એ પેલો કાલીઘાટનો ચંદ્ર હાલદાર. મથુર બાબુ પાસે એ હમેશાં આવતો. હું ઈશ્વરીય ભાવમાં જમીન પર અંધારામાં પડયો હતો. ચંદ્ર હાલદાર માનતો કે હું ઢોંગ કરીને એમ પડયો છું, બાબુનો માનીતો થવા સારુ. તે અંધારામાં આવીને મને પગના જોડાથી મારવા લાગ્યો. એટલા જોરથી મારેલા કે શરીર પર ચાઠાં પડી ગયેલાં. સૌ કહે કે મથુર બાબુને વાત કરીએ. પણ મેં તેમને અટકાવ્યા.’ (કથામૃત – ભા.૩ , પૃ.૨૨૮)
આ બે ઘટના દ્વારા શ્રીરામકૃષ્ણે અને ગાંધીજીએ આચરણ દ્વારા જ ધર્મ શીખવવાનું જ્વલંત ઉદાહરણ જગતને પૂરું પાડ્યું છે. શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદ વિશે રોમાં રોલાંએ કહ્યું છે: ‘પરમહંસ અને તેમની વિચારધારાને કાર્યાન્વિત કરનાર વીર સ્વામીજી – એ બંને તારક યુગલ આજે ભારતના ભાવિનું પારિચાલન કરી રહ્યા છે.. ભારતના વર્તમાન નેતાઓ – મૂર્ધન્ય ચિંતકોના રાજા- કવીશ્વર અને મહાત્મા – શ્રી અરવિંદ ઘોષ, રવીન્દ્રનાથ ટાગોર ને ગાંધીજી – એ ત્રણેય શ્રીરામકૃષ્ણ-વિવેકાનંદના તારામંડળના પરિઘમાં ઊછર્યા છે, ફૂલ્યા છે અને ફાલ્યા છે. આ વાતને શ્રી અરવિંદ અને ગાંધીએ જાહેર રીતે સ્વીકારી છે.
આ રીતે શ્રીરામકૃષ્ણ તથા સ્વામી વિવેકાનંદના અદ્ભુત જીવન અને સંદેશના અનેક પાસાઓનું સામ્ય આપણને ગાંધીજીના જીવનકવનમાં સાંપડે છે. એ અંગેની વિગતવાર ચર્ચા આપણે હવે પછીના સંપાદકીયમાં કરીશું.
Your Content Goes Here




