આ અગાઉના સંપાદકીયમાં આપણે શ્રી મગનલાલ પટેલે લખેલ ‘મહાજન મંડળ’ (૧૮૯૬) ગ્રંથમાં સ્વામી વિવેકાનંદની સંક્ષિપ્ત જીવનકથા ગુજરાતી ભાષામાં આપવામાં આવી હતી. આ કદાચ બીજી ભારતીય પ્રાદેશિક ભાષાઓમાં સ્વામીજીની જીવનઝરમર સૌ પ્રથમ પ્રકાશન ગણી શકાય. જો કે અંગ્રેજી ભાષામાં પણ આવી સંક્ષિપ્ત જીવનઝાંખી ૧૮૯૬માં એટલે કે એમની હયાતીમાં પોતાની ૩૩ વર્ષની ઉંમરે થયું નથી, એવું અનુમાન કરી શકીએ ખરા.
શ્રી મગનલાલ પટેલે આ પુસ્તકની પ્રસ્તાવનામાં જરૂરી સાહિત્ય સામગ્રી પૂરી પાડવા માટે શ્રી ભગુભાઈ કારભારીનો ઋણ સ્વીકાર કર્યો છે. એટલે આપણે સહેજે અનુમાન કરી શકીએ કે ‘મહાજન મંડળ’માં આવેલાં શ્રીરામકૃષ્ણ અને સ્વામી વિવેકાનંદનાં જીવનચરિત્રો લખવાની પ્રેરણા અને એ માટેની પૂરતી સામગ્રી શ્રી ભગુભાઈએ જ પૂરી પાડી હશે.
સ્વામી વિવેકાનંદે શિકાગોની વિશ્વધર્મ પરિષદમાં આપેલાં ભાષણોની શ્રી ભગુભાઈએ ૧૮૯૭માં ગુજરાતી વાચકોને આપેલી અનુવાદ કૃતિ ‘સનાતન હિંદુધર્મ’ના પાછલા કવર પૃષ્ઠ પર તેમણે સ્વામીજીનાં બીજાં ૧૦ પુસ્તકોની યાદી આપી છે. તેમાં કર્મયોગ, પુનર્જન્મ, આત્મા, આત્મા અને પ્રભુ, શું આત્મા અમર છે?, ભક્તિ માર્ગ, હિંદુસ્તાનના ધર્મ, સનાતન ધર્મભ્રાંતિ, ભક્તિયોગ, રાજયોગ નો સમાવેશ થાય છે. એમાંથી કર્મયોગનું છાપકામ ચાલું હતું અને બાકીનાં પુસ્તકોના પ્રકાશનની પૂર્વ તૈયારીઓ ચાલતી હતી. આ પુસ્તકોમાંથી સૌ પ્રથમ સરસ્વતી ભવન, અમદાવાદમાંથી કુલ ૯૬ પૃષ્ઠવાળી ‘કર્મયોગ’ની પ્રથમ આવૃત્તિ ૧૮૯૭માં બહાર પડી હતી. આ પુસ્તકના પ્રકાશકના ‘બે બોલ’માં શ્રી ભગુભાઈ કારભારીએ આ પ્રમાણે લખ્યું છે :
‘આ વ્યાખ્યાન માળા પ્રસિદ્ધ કરવાનો ઉદ્દેશ મેં મારી તર્ફથી પ્રસિદ્ધ થયેલ ‘સનાતન હિંદુ ધર્મ’ નામના પ્રથમ મણકામાં કહી બતાવ્યો છે, અને તે પુસ્તકનો જો કે સ્વસ્ત (સસ્તી) કીમત છતાં જોઈએ તેવો ઉઠાવ (ઉપાડ) થયો નથી, તો પણ તેની જાહેર છાપાએ તેમજ વિદ્વાન્ વર્ગે જે પ્રસંશા કરી છે તે જોતાં મેં આ વ્યાખ્યાનમાળા ગમે તેવી મુશ્કેલીઓ છતાં તે પ્રસિદ્ધ કરી જનસમુહ આગળ મૂકવા નિશ્ચય કર્યો છે.
આ (મૂળ અંગ્રેજી) પુસ્તકની ત્રણ આવૃત્તિઓ જુદે જુદે સ્થળે છપાઈ છે. (અમેરિકા, ઈંગ્લેન્ડ અને હિંદુસ્તાન). અને તે ત્રણેમાં અમુક અમુક ફેરફાર છે. જે આવૃત્તિનું ભાષાંતર કરવામાં આવ્યું છે તે અમેરિકાની પ્રત ઉપરથી તેમ કરવા સ્વામીશ્રીએ પોતાના સ્વીટ્ઝર્લેન્ડમાંથી મને લખેલા તા. ૮-૮-૯૬ના પત્રમાં નીચે પ્રમાણે લખ્યું છે: ‘The Karma-Yoga, you ought to translate from the American Edition and not the English.’
હાલમાં આપણા કેળવાયેલા યુવાનોમાં ધાર્મિક પુસ્તકો વાંચવાની અને તત્ સંબંધી અભ્યાસ કરવાની કોઈ અભિરુચિ જણાય છે, પણ જેટલો નવલ ગ્રંથોનો અને નાટકોનો ઉપાડ થાય છે તેટલો આવાં પુસ્તકોનો ઉપાડ થતો નહિ હોવાથી, આવાં ધાર્મિક પુસ્તકો લખવાની ઉમેદ ઓછી થાય છે. તેમજ સારા ગૃહસ્થો અને મહારાજાઓ તર્ફથી ઉત્તેજન પણ તેવું જ મળતું હોવાથી ભવિષ્યમાં આવાં ઉપયોગી પુસ્તકો ઓછાં પ્રગટ થવાનો ભય રહે છે. આ પુસ્તક પ્રગટ કરવામાં પણ મારા મુરબ્બી બાબુ શ્રી કાલીપદ ઘોષે જે મદદ કરી છે અને ભવિષ્યમાં સ્વામીનાં બીજાં પુસ્તકો ગૂર્જર ભાષામાં પ્રસિદ્ધ થતાં જોવા જે ઇચ્છા બતાવી છે તેને માટે તેમનો આ પ્રસંગે આભાર માનું છું; અને આશા રાખું છું કે આપણા સખી ગૃહસ્થો પણ કાંઈ મદદ કરી સ્વામીશ્રીનાં તમામ વ્યાખ્યાનો પ્રસિદ્ધ કરવામાં મને સહાયભૂત થઈ પડશે.
– ભગુભાઈ ફતેહચંદ કારભારી,
તા. ૨૭-૯-૯૭, સરસ્વતી ભુવન, અમદાવાદ
મદ્રાસના પ્રિય શિષ્ય આલાસિંગાએ સ્વામીજીની સૂચના અને પ્રેરણાથી જુલાઈ, ૧૮૯૫થી ‘બ્રહ્મવાદિન’ નામનું એક અંગ્રેજી માસિક શરૂ કર્યું. એમાં સ્વામીજીએ અમેરિકામાં આપેલાં પ્રવચનો, એમણે લખેલાં પત્રો, વર્ગનોંધો અને અન્ય માહિતી પ્રસિદ્ધ થતાં રહેતાં. એમાંથી શ્રી ભગુભાઈને નિયમિત રીતે સ્વામી વિવેકાનંદની સાહિત્ય સામગ્રી મળતી રહેતી. શ્રી ભગુભાઈ કારભારીને ૮ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ લખેલા પત્રની સાથે એ જ દિવસે સ્વીટ્ઝરલેન્ડથી સ્વામીજીએ આલાસિંગાને પણ પત્ર લખ્યો હતો. તેમાં આ માસિક ચલાવવા માટે પૂરતું પ્રેરણાબળ આપતું આવું લખાણ આવે છે: ‘.. તમારા કાર્ય પ્રત્યે તમને પૂર્ણ નિષ્ઠા હોવી જોઈએ, એમ સમજીને ‘બ્રહ્મવાદિન’ને સફળ બનાવવા ઉપર જ તમારી ‘મુક્તિ’ નિર્ભર છે. આ પત્રને તમારા ઈષ્ટદેવ ગણો અને પછી જુઓ કે તમને કેવી સફળતા વરે છે.’
આ પહેલાં સ્વામીજીએ આલાસિંગાને સ્વીટ્ઝરલેન્ડથી ૬ ઓગસ્ટ, ૧૮૯૬ના રોજ લખેલ પત્રમાં ‘બ્રહ્મવાદિન’ના પ્રકાશનમાં લાગી રહેવા માટે અને રામકૃષ્ણના જીવન-સંદેશ પર સાહિત્ય ગ્રંથ બહાર પાડવા માટેના પોતાના કાર્યમાં લાગી રહેવા માટે સ્વામીજીએ આમ લખ્યું હતું:
‘પ્રિય આલાસિંગા,
‘બ્રહ્મવાદિન્’ પત્ર નાણાભીડમાં આવી પડ્યું છે એ સમાચાર તમારા પત્ર દ્વારા જાણ્યા. જ્યારે હું લંડન પાછો ફરીશ, ત્યારે તમને સહાય કરવાનો પ્રયત્ન કરીશ. પત્રનું ધોરણ નીચું ઉતારવું નહિ જ. પત્રને ચાલુ રાખજો. થોડા જ વખતમાં હું તમને એવી રીતે સહાય કરીશ કે તમે આ શિક્ષકના વ્યવસાયની માથાકૂટમાંથી મુક્ત થઈ શકશો. ભય રાખશો નહિ. વત્સ! ભાવિમાં મહાન કાર્યો થવાનાં છે. હિંમત રાખો. ‘બ્રહ્મવાદિન્’ તો એક રત્ન છે, એને નષ્ટ થવા દેવાય નહિ. અલબત્ત, આવું પત્ર હંમેશાં ખાનગી સહાયથી જ ચાલુ રાખી શકાય, અને ‘આપણે તેમ જરૂર કરશું.’ થોડા મહિના વધુ તમારા કાર્યમાં ચીટકી રહો.
શ્રીરામકૃષ્ણ ઉપરનો મેક્સમૂલરનો લેખ ‘નાઈન્ટીન્થ સેન્ચુરી’માં પ્રસિદ્ધ થયો છે. મને એની નકલ મળશે કે સત્વર હું તમને એ મોકલાવી આપીશ. એઓશ્રી મારા ઉપર અત્યંત સુંદર પત્રો લખે છે અને શ્રીરામકૃષ્ણના જીવન પર પોતે લખવા ધારેલા મહાન ગ્રંથ માટે એમને બધી સામગ્રી જોઈએ છે. મેક્સમૂલરને બને તેટલી સામગ્રી મોકલી આપવાનું તમે કલકત્તા લખી નાખશો.’
શ્રી ભગુભાઈ કારભારીએ અનુવાદ કરેલાં સ્વામીજીનાં બીજાં પુસ્તકો જેમાં ૧૧૨ પૃષ્ઠ વાળા પુસ્તક ‘રાજયોગ’ની પ્રથમ આવૃત્તિ ૧૮૯૯માં અને ૨૪૦ પૃષ્ઠવાળી ‘પાતંજલ યોગદર્શન’ની પ્રથમ આવૃત્તિ, ૧૯૦૩માં બહાર પાડી હતી. આ બંનેના પ્રકાશક ‘મહાદેવ રામચંદ્ર જાગુષ્ટે, અમદાવાદ’ હતા. ‘રાજયોગ’ના પ્રારંભમાં તેમણે લખેલ ‘બે બોલ’ પર નજર નાખીએ:
‘આજ પર્યંત સ્વામી વિવેકાનંદનાં જેટલાં વ્યાખ્યાનો પુસ્તકના આકારમાં છપાયાં છે તે તમામ પુસ્તકોમાં ‘રાજયોગ’ સર્વોપરીપણું ભોગવે છે. આ પુસ્તકની પ્રથમ આવૃત્તિ ઓગસ્ટ ૧૮૯૬માં પ્રસિદ્ધ થઈ હતી અને તેનો એટલો બધો ઉપયોગ થયો છે કે ત્યારથી આજ સુધીમાં તેની પાંચ આવૃત્તિઓ ખપી ગઈ છે.
અસલ પુસ્તકની જોડે પાતાંજલ યોગસૂત્ર તેની સરલ ટીકા સાથે સામેલ કરવામાં આવ્યું છે; પરંતુ આપણી ભાષામાં પાતાંજલ યોગસૂત્રના પ્રોફેસર કણીઆ અને મહાત્મા શ્રી નથુરામ શર્માએ જુદાં પુસ્તકો ભાષાંતર અને ટીકા સાથે પ્રસિદ્ધ કર્યાં છે અને તેથી કદાચ આ ત્રીજું ભાષાંતર ઉપયોગી નહિ થાય એમ ધારી દાખલ કર્યું નથી; પણ ઉપલી બંને ટીકાઓ સ્વામીશ્રીની ટીકા સાથે સરખાવતાં તદ્દન જુદી માલુમ પડી છે, તેથી સ્વામીશ્રીની ટીકાવાળું પાતાંજલ યોગસૂત્ર જુદા પુસ્તકના રૂપમાં તૈયાર કરવા માંડ્યું છે, જે થોડા વખતમાં અસલ શ્લોક સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે.
રાજયોગનું ભાષાંતર બનતાં સુધી સરલ કરવા પ્રયત્ન કર્યો છે. પણ વિષય ઘણો ગહન હોવાથી તેમાં કેટલાક શબ્દો નવા જ યોજવા પડ્યા છે. જે ગ્રહસ્થો મારી તર્ફથી પ્રસિદ્ધ થતાં પુસ્તકોને આશ્રય આપતા આવ્યા છે અને આપે છે તે તમામ ગ્રહસ્થોનો આ પ્રસંગે આભાર માનું છું.
– ભાષાન્તર કરનાર
‘પ્રજા બંધુ’ ઓફીસ, ૧-૪-૧૮૯૯
સ્વામી વિવેકાનંદના મૂળ અંગ્રેજી ગ્રંથ ‘રાજયોગ’નો ઉત્તર ભાગ ભગુભાઈએ ૧૯૦૩માં ‘પાતંજલ યોગદર્શન’ના નામે પ્રસિદ્ધ કર્યો. એ ગ્રંથની શરૂઆતમાં તેમણે લખેલ ‘બે બોલ’ જોઈએ :
‘સન ૧૮૯૯માં જ્યારે મારી તર્ફથી રાજયોગ પ્રગટ કરવામાં આવ્યું ત્યારે મેં લખ્યું હતું કે સ્વામીશ્રીની ‘ટીકાવાળું પાતાંજલ યોગસૂત્ર’ જુદા પુસ્તકના રૂપમાં તૈયાર કરવા માંડ્યું છે. જે થોડા વખતમાં અસલ શ્લોક સાથે પ્રસિદ્ધ કરવામાં આવશે. અને આજે તે લેખના આધારે આ પુસ્તક પ્રગટ કરવાનો મને પ્રસંગ મળ્યો છે તે જોઈ મને આનંદ થાય છે. પાતાંજલ યોગદર્શનનું પુસ્તક સર્વ માન્ય છે. તેનાં અંગ્રેજીમાં મર્હુમ ડો. રાજેન્દ્રલાલ મિત્રે, પ્રોફેસર મણીલાલ નભુભાઈ, મી. સરકાર આદિએ ભાષાંતરો કર્યાં છે. સિવાય મરાઠી, કેનેરી (કન્નડ), બંગાલી, હિંદી, ટેમીલ (તમીળ) આદિ આપણી તમામ ભાષામાં ભાષાંતર થયાં છે, તે જ આ પુસ્તકનું સર્વમાન્યપણું સાબીત કરી આપે છે.
આટલું છતાં સ્વામી વિવેકાનંદ કૃત પાતાંજલ યોગદર્શન એટલું તો લોકપ્રિય થયું છે કે આ જ છ વર્ષમાં તેની બધી મળી અંગ્રેજીમાં દસ આવૃત્તિઓ થઈ છે. અને યુરોપની એવી કોઈ પણ ભાષા નથી કે જેમાં આ ટીકાનું ભાષાંતર ન થયું હોય – ટીકા સરળ હોવાથી જ મેં આ પ્રયત્ન કર્યાં છે અને આશા રાખું છું કે યોગવિદ્યાના અભ્યાસીઓ અને તે વિદ્યા શીખવા ઇચ્છા રાખનાર અનુયાયીઓ આનો સત્કાર કરશે.
આ પ્રસંગે જે ગ્રહસ્થો અને મારા સ્નેહીઓ મારી તર્ફથી પ્રગટ થતાં પુસ્તકોનો સત્કાર કરી મારા કાર્યમાં સહાયભૂત થાય છે તેમનો હું કેટલાક અંશે આભારી છું.’
– ‘ભ. ફ. કા.’, તા. ૧૫-૨-૧૯૦૩
૧૧૦૩, રાજામ્હેતાની પોળ, અમદાવાદ
એ જ રીતે કુલ ૨૮૪ પૃષ્ઠવાળી ‘સ્વામી વિવેકાનંદના પત્રો’ની પ્રથમ આવૃત્તિ ૧૯૧૨માં બહાર પડી હતી. આ પુસ્તકના પ્રારંભમાં લખેલ પ્રયોજનમાં શ્રી ભગુભાઈએ કેટલીક રસપ્રદ હકીકતોનું વર્ણન કર્યું છે એ આપણે જોઈએ:
‘એક ગુજરાતી તરીકે સ્વામી શ્રી વિવેકાનંદની ઓળખ મને મુંબઈમાં સન ૧૮૯૨ની સાલમાં મારા એક સ્નેહી બાબુ પરેશચંદ્ર ઘોષ (સ્વામી શ્યામાનંદ) દ્વારા થઈ હતી. અને ત્યાર પછી તે પૂજ્ય સ્વામી જ્યાં સુધી હયાત હતા ત્યાં સુધી તેઓશ્રી વખતો વખત પત્રથી મને યોગ્ય સલાહ આપતા હતા. તેઓશ્રી અમેરિકાથી આ દેશમાં સન ૧૮૯૭ની સાલમાં જ્યારે પાછા ફર્યા ત્યારથી સન ૧૯૦૩ની સાલ દરમિયાન મેં તેમના કેટલાક પુસ્તકોનો અનુવાદ કર્યો હતો. ત્યાર પછી મારું રોકાણ જૈન પત્રના અંગે રોકાયેલું હોવાથી મર્હુમ સ્વામીજીની આજ્ઞાનુસાર હું બીજાં પુસ્તકો પ્રસિદ્ધ કરી શક્યો નહિ, પણ તે દરમિયાન આ પૂજ્ય સ્વામીના પુસ્તકોનું અનુવાદ, બંગાલી, હિંદી, મરાઠી અને ગુજરાતી ભાષામાં થયું છે અને આજે દુનિયામાં એક પણ દેશ એવો નથી કે જે પૂજ્ય સ્વામીની કૃતિથી અજ્ઞાત હોય. મારા સમજવા પ્રમાણે હિંદની કોઈ પણ ભાષામાં જો પ્હેલું અનુવાદ આ મહાત્માની કૃતિનું થયું હોય તો તે ગુજરાતી હતું.
મર્હુમ સ્વામીજીના લેખ સર્વ માન્ય છે. તે સરલ ધર્મજ્ઞાન બતાવે છે, અને કોઈ પણ ધર્મ સંબંધી તેમાં વાદ કે નિંદા નથી. આ પત્રો અગાઉ ‘પ્રબુદ્ધ ભારત’ માસિકમાં છપાયા હતા. તે પછી સ્વામીજીના ગ્રંથ સંગ્રહમાં અને પુસ્તક આકારે છપાયા છે; એટલું જ નહિ પણ મરાઠી અને બંગાળી ભાષામાં તેનું ભાષાંતર થયેલું છે, અને તે એટલા બધા બોધક છે કે દરેક વાંચનારને ધર્મ, જ્ઞાતિ અને દેશાભિમાન શું છે તે બતાવે છે.
સ્વામી વિવેકાનંદ એવા સમયમાં થઈ ગયા કે જો તેવા પુરુષ આ દેશમાં ન જન્મ્યા હોત તો આપણા અંગ્રેજી ભણેલા અને ફીલસૂફીમાં ફસાયેલા અનેક યુવાનો ધર્મરહિત થાત, પણ તેમના શિક્ષણથી હિંદમાં સામાન્ય ધર્મનું રક્ષણ થયું છે. ખરું ચરિત્ર શું તે તેમણે બતાવ્યું છે એટલું જ નહિ પણ અમેરિકા અને ઈંગ્લેન્ડમાં પણ હિંદના ધર્મનું દર્શન કરાવી તેમણે ધર્મરક્ષણ અને દેશ સેવા કરી છે એ કયો હિંદી વાત કબુલ નહિ કરે?
ધર્મનું સાંકડાપણું રાખવાનો આ સમય નથી, ધર્મ અને જ્ઞાતિ સાથેનો સંબંધ ભેગો કરી કેટલાક ધર્મરક્ષક પુરુષો કેટલાકને ધર્માંધ બનાવી દેશ અને જ્ઞાતિનું સત્યાનાશ વાળે છે; પણ આવા ધર્મ ગુરુઓને અમે સ્વામી વિવેકાનંદના લેખ વાંચવા ખાસ ભલામણ કરીએ છીએ.
સ્વામી વિવેકાનંદ અમુક જ ધર્મ સારો અને અમુક ખોટો તેવું શિક્ષણ આપતા નથી; પણ સર્વ માન્ય ધર્મ કેવો હોવો જોઈએ, દુનિયાની દરેક વ્યક્તિ એકબીજા પ્રત્યે કેવો ભ્રાતૃભાવ રાખી શકે અને આવા ઐક્યથી ધર્મ અને દેશનું રક્ષણ કેમ થઈ શકે તે બતાવે છે.
સ્વામી વિવેકાનંદનાં તમામ પુસ્તકોનો સંગ્રહ કરી ૩-૪ પુસ્તકોમાં એક પુસ્તક સંગ્રહ બહાર પાડવા મારો વિચાર છે, અને તે પણ માત્ર નામની કિંમતે; તો મારા ગુર્જર વાચકો મારા શ્રમને આશ્રય આપી ઉત્તેજિત કરશે એવી મારી આશા છે.
આ પત્રસંગ્રહ પ્રબુદ્ધ ભારત ઓફીસ તર્ફથી બહાર પડેલા બે પુસ્તકોનું ભાષાંતર છે. અને તે સિવાય બીજા પત્રો પ્રબુદ્ધ ભારતમાં છપાયા છે. તે હવે પછી યોગ્ય સમયે બહાર પાડવા વિચાર છે. આ પત્રોમાં કેટલાક સ્થળે આ દેશને અનુકૂળ ન થાય તેવાં વાક્યોનું ભાષાંતર મૂકી દેવામાં આવ્યું છે, તેમજ કેટલાક વિચારથી જ્યાં હું જુદો પડ્યો છું ત્યાં નોટ કરેલી છે.’
– ભગુભાઈ ફતેહચંદ કારભારી
મુંબઈ, તા. ૧-૧-૧૯૧૨
‘સ્વામી શિષ્ય સંવાદ’ નામના પુસ્તકની પ્રથમ ગુજરાતી આવૃત્તિ શ્રી ભગુભાઈએ ક્યારે પ્રસિદ્ધ કરી તેની કોઈ માહિતી કે તત્કાલીન પ્રત હજી સુધી મળી નથી. પણ મુંબઈની મેઘજી હીરજી એન્ડ કાું. એ ૬૦ પૃષ્ઠની ‘સ્વામી શિષ્ય સંવાદ’ પુસ્તકની ૨જી આવૃત્તિનું ૧૯૧૪માં પ્રકાશન કર્યું હતું, એની એક પ્રત અમને મળી છે. આ પુસ્તકના નિવેદનમાં શ્રી ભગુભાઈ કારભારી લખે છે :
‘સ્વામી શ્રી વિવેકાનંદની પીછાન વાચકોને કરાવવાની હવે જરૂર રહી નથી. કારણ કે તેમના વ્યાખ્યાનો, લેખો અને પત્રો પ્રગટ થવાથી એ નરવરનું જીવન ઘણું સ્પષ્ટ થઈ ગયું છે. પ્રસ્તુત પુસ્તક પણ એ મહાત્માના આંતર જીવનને વિશેષ પ્રકાશમાં લાવવાને એક સાધન રૂપ છે. એક જાહેર લેખકે એક જાહેર વ્યાખ્યાનમાં મનુષ્ય-હૃદય જેટલું સ્પષ્ટ થાય તેના કરતાં પોતાના મિત્રો કે પ્રશંસકો પાસે વાતચીત કરવામાં વધારે સ્પષ્ટ થાય તે બનવા જોગ છે. આ પુસ્તકમાં સ્વામીશ્રી વિવેકાનંદને તેમના શિષ્યો તેમજ મિત્રો પાસે જે વાર્તાલાપ થયો, તેની નોંધ આપવામાં આવી છે. આ સંવાદો વાંચવાથી સ્વામીજીના હૃદયમાં સ્વદેશપ્રીતિ તથા મનુષ્યપ્રીતિ કેટલી બળવાન હતી તેનો બહુ સારો ખ્યાલ આવી શકે છે. એટલું જ નહિ પણ તેમના બળવાન ઉદ્ગારો વર્તમાન કાળની જડતા તથા સુસ્તી ઉડાડવાને પણ બહુ ઉપયોગી થઈ શકે એમ છે.
મારા મિત્ર મી. મેઘજી હીરજીએ પોતાના લગ્ન પ્રસંગે, એકાદ પુસ્તક પોતાના સ્નેહી મંડળમાં વહેંચવાની ઇચ્છા જણાવતાં મેં આ સંવાદ પસંદ કર્યાં. અને તેથી મુખ્ય મુખ્ય સંવાદોનું ભાષાંતર કરી પ્રકાશિત કરવા સુપ્રત કર્યા. આવી રીતે મી. મેઘજીભાઈના લગ્ન નિમિત્તે ગુજરાતી પ્રજાને નવું સાહિત્ય પૂરું પાડવા માટે હું તેમના મંગળ લગ્ન પ્રસંગે મંડળ ભાવના ભાવું છું.
મૂળ ગ્રંથ બંગાળીમાં છે, અને સંવાદ પણ એ જ ભાષામાં થવા યોગ્ય છે. તેથી મૂળના જેવી સરસતા અનુવાદમાં ન લાવી શક્યો હોઉં તો તે ક્ષંતવ્ય છે.
સ્વામી વિવેકાનંદના તમામ વ્યાખ્યાન લેખ વિગેરેનો એક સંગ્રહ આશરે ૩૨૦૦ પાનાનો ૮ ભાગમાં માત્ર ૪-૫ રૂપિયામાં આપવા મેં નિર્ણય કર્યો છે. અને આ બધા લેખ વગેરેના ભાષાંતર માટે મર્હુમ પૂજ્ય સ્વામીશ્રીએ જેમ મને પરવાનગી આપી છે તેમ મેં ફરી ઉદ્બોધન ઓફીસ દ્વારા પરવાનગી મેળવી છે. આવું કાર્ય એક હાથે થતું નથી અને તેથી મારા ભાષાંતર માટે મેં અનેક સ્નેહી અને સ્હાયકોની મદદ લીધી છે. આ સંવાદનું ભાષાંતર મારા લઘુબંધુ ભાઈ સુશીલના હાથે થયું છે. મેં તો તે માત્ર તપાસ્યું છે, તેથી તેના સારાપણા માટે હું ભાઈ સુશીલનો આભારી છું. અને જો તેમાં કંઈ ખામી હોય તો તે માટે મારો જ દોષ છે તેમ માનું છું. આવા ધાર્મિક પુરુષ મનુષ્યને કેવી ઊંચી કોટીએ લઈ જાય છે તેમજ એક સાધુ પુરુષ કેવું કાર્ય કરે છે તેનો કંઈક અંશે આ આદર્શ નમુનો છે.
– ભગુભાઈ ફતેહચંદ કારભારી
૧૫૦૬ રાજા મ્હેતાની પોળ, અમદાવાદ, તા. ૮-૪-૧૯૧૪
આ બધાં પુસ્તકો ગુજરાત વર્નાક્યુલર સોસાયટીના ભો. જે. વિદ્યાભવન ગ્રંથાલય, અમદાવાદના અભિલેખા ગૃહમાં આજે પણ જાળવી રાખવામાં આવ્યા છે. આ પહેલાં વર્ણવેલ પુસ્તકો પણ આ અભિલેખા ગૃહમાં પ્રાપ્ય છે.
‘સ્વામી વિવેકાનંદના પત્રો’ અને ‘સ્વામી શિષ્ય સંવાદ’ ની પ્રસ્તાવનામાં આપણે જોયું કે સ્વામી વિવેકાનંદની ગ્રંથમાળા બહાર પાડવાનો શ્રી ભગુભાઈનો એક વિચાર હતો. પણ આ વિચારને તેઓ કોઈ પણ કારણોસર સાકાર રૂપ આપી શક્યા નહિ. પરંતુ આ વિશે આપણે જૂન ૨૦૦૫ના સંપાદકીય લેખમાં આપણે ચર્ચા કરી હતી તે મુજબ ‘વિવેકાનંદ વિચારમાળા’ (છ ભાગમાં) ઇચ્છારામ સૂર્યરામ દેસાઈના મુંબઈના ગુજરાતી પ્રિન્ટીંગ પ્રેસ દ્વારા ૧૯૧૧ થી ૧૯૧૬ સુધીમાં બહાર પડી હતી. આ ‘વિવેકાનંદ વિચારમાળા’નું અનુવાદકાર્ય નારાયણ વિસનજી ઠક્કુરે (૧૮૮૦-૧૯૩૮) કર્યું હતું. તેઓ ગુજરાતી સાહિત્યના ‘સર વોલ્ટર સ્કોટ’ ગણાતા હતા.
આ ‘વિવેકાનંદ વિચારમાળા’ ભારતની તમામ પ્રાંતીય ભાષામાં સ્વામી વિવેકાનંદના સાહિત્યનું ગ્રંથમાળા રૂપે સૌ પ્રથમ પ્રકાશન કહી શકાય. તે પછી ૧૯૧૪થી સસ્તુ સાહિત્ય વર્ધક કાર્યાલય, અમદાવાદ દ્વારા ‘વિવિધ ગ્રંથમાળા’ની શ્રેણીમાં ૧૩ ભાગમાં સ્વામી વિવેકાનંદનું સાહિત્ય પ્રકાશિત કરવામાં આવ્યું હતું. આ સાહિત્ય રાહતદરે ઉપલબ્ધ હતું એના કારણે તેની ૫૦૦૦ જેટલી પ્રતો અગાઉની નોંધણીથી જ ખપી જતી.
આપણે ગયા સંપાદકીયમાં ગુજરાત વર્નાક્યુલર સોસાયટી, અમદાવાદ દ્વારા જૂન, ૧૮૯૩માં પ્રકાશિત પુસ્તક ‘ધાર્મિક પુરુષો’નો ઉલ્લેખ કર્યો હતો. આ પુસ્તકમાં શ્રી નારાયણ હેમચંદ્રે લખેલ શ્રીરામકૃષ્ણદેવની જીવનકથા અલગ લેખ તરીકે અમે હવે પછીના અંકમાં આપીએ છીએ. એ જીવનરેખા બંગાળી સિવાય બીજી પ્રાંતીય ભાષામાં સૌ પ્રથમ હોવાને કારણે એક ઐતિહાસિક મહત્ત્વ ધરાવે છે. પૂરતી માહિતીના અભાવે આ લેખમાં જ્યાં જ્યાં અમને હકીકત દોષ જણાયો છે તેનો સુધારો અમે કૌંસમાં આપ્યો છે. એ તત્કાલીન ગુજરાતી ભાષામાં લખાયેલ જીવન કથા છે. એ લેખ જેમ છે એમ જ અમે આપીએ છીએ, અને એનાથી વાચક વર્ગને આ અનન્ય સાહિત્યિક વિશ્વમાં ડોકિયું કરવાની તક મળશે, એમ અમે માનીએ છીએ.
Your Content Goes Here




