આ પહેલાંના સંપાદકીયમાં જાપાનથી વેનકુંવર સુધીની તાતા અને સ્વામીજીની સ્ટીમરની યાત્રા વિશે આપણે વાત કરી હતી. ૧૮૯૩માં જ્યારે સ્વામીજી જાપાનમાં હતા ત્યારે તાતાએ પણ એ દેશની મુલાકાત લીધી હતી. સ્વાભાવિક રીતે જ બંનેએ જાપાનના વૈજ્ઞાનિક અને ઔદ્યોગિક વિકાસના અદ્‌ભુત ચમત્કારને નજરે જોયા હતા; અને એ બંનેએ પરસ્પર એ વિશે ચર્ચા પણ કરી હતી. ૧૮૯૮માં જ્યારે જમશેદજી તાતાની યોજના પ્રથમ વખત જાહેરમાં પ્રકાશિત થઈ એમાં જમશેદજીએ નિહાળેલ જાપાનની ભૌતિક સમૃદ્ધિ અને વિકાસનો ઘણા ઉચ્ચ આદર સાથે ઉલ્લેખ કર્યો છે. બરાબર આના વિરુદ્ધ ભારતનું આર્થિક પછાતપણું એમને માટે એક ગહન હતાશા અને દુ:ખનું સ્રોત બની ગયું હતું. જાપાન વિશેના પોતાના દૃષ્ટિબિંદુઓ સાથેનો, સ્વામીજીએ પોતાના મદ્રાસના શિષ્યોને એક પત્ર ૧૦ જુલાઈ, ૧૮૯૩ના રોજ લખી જણાવ્યું હતું :

‘આધુનિક યુગની જરૂરિયાતો પ્રત્યે જાપાનના લોકો હવે સંપૂર્ણપણે જાગ્રત થયા હોય એમ લાગે છે. દીવાસળીનાં કારખાનાઓ તો ખૂબ જ જોવા જેવાં છે. પોતાને જે કંઈ જોઈએ તે સ્વદેશમાં જ બનાવવાનો તે લોકો નિર્ણય કર્યો છે.’

૧૮૯૩ના મધ્યમાં અમેરિકામાં પહોંચીને તરત જ સ્વામીજીએ સંન્યાસીઓને ઉદ્યોગશાળા સ્થાપવાની આવશ્યકતા વિશે કહ્યું હતું. ૪ વર્ષ પછી ૧૮૯૭માં જ્યારે સ્વામીજીએ ખરેખર સંન્યાસી સંઘની સ્થાપના કરી ત્યારે આવી ઉદ્યોગશાળા વિશેના એમના અગાઉના વિચારો વિશે શું થયું? રામકૃષ્ણ મિશનના હેતુઓ વિશે સ્વામીજીએ પોતાના લેખમાં લખ્યું હતું :

‘એક સંપૂર્ણ વિશ્વવિદ્યાલય બને એ રીતે આ મઠનો વિકાસ કરવાનો આદર્શ છે. એમાં દાર્શનિક બાબતો, ધર્મ-સંસ્કૃતિની સાથે સંપૂર્ણપણે સાધનસજ્જ ટેકનિકલ ઇન્સ્ટિટ્યૂટ પણ હશે. આના પર પહેલાં ધ્યાન દેવું પડશે. બીજી બધી શાખાઓ તો પાછળથી ક્રમશ: ઉમેરાશે.

મધ્ય ભારતમાં હજારી બાગ કે એવા બીજા જિલ્લાઓની નજીક ફળદ્રૂપ, પાણીની સારી સુવિધાવાળી ઉપજાઉ જમીન ઝાઝી મથામણ વિના મળી શકે તેમ છે. એ વિસ્તારમાં આપણે વિશાળ જમીન મેળવવી પડશે અને એ ભૂમિ પર મોટી ટેકનિકલ શાળા અને વર્કશોપનું બાંધકામ પણ કરવું પડશે.’

આ લખાણ ૧૮૯૭માં લખાયું હતું. ભારત પરિભ્રમણ દરમિયાન સ્વામી વિવેકાનંદજીએ સેવેલા આદર્શોમાંથી તેઓ તસુભર પણ ચ્યૂત થયા ન હતા એ વાત આના પરથી સ્પષ્ટ થાય છે. અને એમણે જમશેદજી તાતાની વિજ્ઞાન અને ટેકનોલોજીની યોજનાને આટલી દૃઢતાથી સમર્થન કર્યું તે પણ આ બાબત પરથી સમજાય છે. 

ઉપર્યુક્ત પત્રમાં બીજી એક રસપ્રદ બાબત છે. આ પત્રમાં સ્વામીજીએ મધ્યપ્રદેશ, હજારીબાગ જેવા તત્કાલીન સેન્ટ્રલ ઇન્ડિયાના વિસ્તારોનો ઉલ્લેખ કર્યો છે. સ્વામીજીએ આ બધા વિસ્તારોમાં ઘણું પરિભ્રમણ કર્યું હતું. એમના વૈજ્ઞાનિક અને ભૂશાસ્ત્રના જ્ઞાનને લીધે આ વિસ્તારની ખનીજ સંપત્તિ વિશે તેઓ ઘણું જાણતા હતા. શ્રી આર. એમ. લાલાએ લખેલા પુસ્તક ‘ધ ક્રિએશન ઑફ વેલ્થ’ નામના પુસ્તકમાં ઉલ્લેખ આવે છે કે જ્યારે જમશેદજી તાતાના પુત્ર સર દોરાબજી તાતા પોતાના પોલાદના કારખાનાની યોજના માટે સુયોગ્ય પ્રદેશની પસંદગી કરવા સર્વેક્ષણ કરી રહ્યા હતા ત્યારે શ્રી પી.એમ. બોઝે ૧૮૮૭માં તૈયાર કરેલ એક સર્વેક્ષણ-નક્શો એમના હાથમાં પડ્યો. એ નક્શા પરથી મધ્યપ્રદેશનો દૂર્ગ વિસ્તાર લોખંડની ખાણો માટે ઘણો સમૃદ્ધ હતો એમ એમને જાણવા મળ્યું. જ્યારે બીજા વિકલ્પો વિશે વાત થઈ ત્યારે શ્રી પી.એમ.બોઝે દોરાબજી તાતાને બાજુના મયૂરભંજ વિસ્તારમાં પણ વધુ સમૃદ્ધ લોખંડની ખાણો છે એવું બતાવ્યું. આ માહિતીના આધારે ભારતમાં તાતાની સૌ પ્રથમ વિશ્વ વિખ્યાત જમશેદપુરની તાતા આયર્ન એન્ડ સ્ટીલ કંપનીનું નિર્માણ થયું. સંભવ છે કે શ્રી પી.એમ. બોઝ પણ સ્વામીજીને સારી રીતે જાણતા હશે અને એમની સાથે સંપર્કમાં પણ આવ્યા હશે. એમના ૧૮૯૪માં પ્રસિદ્ધ થયેલા પુસ્તક ‘ઈંન્ડિયન સિવિલાઈઝેશન અન્ડર બ્રિટિશ રુલ’માં રામકૃષ્ણ મૂવમેન્ટ વિશે વિસ્તૃત વિવરણ છે. આપણે એટલું યાદ રાખવું જોઈએ કે રામકૃષ્ણ ભાવ-આંદોલન એક પ્રારંભિક તબક્કામાં પ્રવેશ્યું હતું અને સ્વામીજી કે એમના ગુરુભાઈઓ સાથે શ્રી પી.એમ. બોઝને સંપર્ક-સંબંધ ન હોય તો આવું લખાણ એ પુસ્તકમાં ન હોઈ શકે. ભારતના ભૌતિક અને આર્થિક વિકાસ માટે તેમજ ભારતના સામાન્ય જનની ઉન્નતિ માટે વિજ્ઞાન અને ટેકનોલોજીની કેટલી મોટી આવશ્યકતા છે એ વિશે સ્વામીજી કેટલા ચિંતિત હતા, એનો આપણને સ્પષ્ટ ખ્યાલ આવે છે.

સ્વામી વિવેકાનંદ અને જમશેદજી તાતા બંને સાવ ભિન્ન ક્ષેત્રની વ્યક્તિઓના આદર્શ અને વિચાર કેવી રીતે એક બાબતમાં મળતા આવે છે એ વાત ખરેખર રસપ્રદ છે. એક બાજુએ સ્વામી વિવેકાનંદ પોતાના સંસારી જીવનનો ત્યાગ કરનાર હિંદુ સાધુ હતા અને ભારતના હૃદયસમા સ્થાને તેઓ સંન્યાસી સંઘની સ્થાપના અને સંચાલન માટે કાર્યરત હતા ત્યારે બીજી બાજુએ એક મૂડીવાદી કહેવાય તેવા મોટા ઉદ્યોગધંધાના માલિક અને ભારતના ઔદ્યોગિક ક્ષેત્રના પ્રણેતા શ્રી જમશેદજી તાતા હતા. બંનેની વચ્ચે આટલી ભિન્નતા હોવા છતાં પણ બંને માટે એક સમાન દૃષ્ટિબિંદુ પણ હતું. તેઓ બંને ભારતને ભૌતિક રીતે અને આધ્યાત્મિક રીતે સુસમૃદ્ધ બનતું જોવા ઇચ્છતા હતા. શ્રી તાતા વિશે બીજી અદ્‌ભુત હકીકત એ છે કે તેઓ ભારતના વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી વિકાસ માટે પોતાની સંપત્તિનો મોટો ભાગ અર્પણ કરતા જરાય અચકાયા નહિ. સાથે ને સાથે માનવ વ્યક્તિત્વની બધી શક્તિઓના દ્વાર ઉઘાડવાં માટે માત્ર વિજ્ઞાન જ પૂરતું નથી, એમ તેઓ માનતા હતા. એટલે જ એમણે પ્રકલ્પેલ વિશ્વવિદ્યાલયના અભ્યાસક્રમમાં દાર્શનિક વિષયોનો પણ સમાવેશ કરવાનું તેઓ ઇચ્છતા હતા. તત્કાલીન વાઈસરોય લોર્ડ કર્ઝનની આંખમાં આ બાબત કણાની જેમ ખૂંચતી હતી. એટલે એમણે તાતાની યોજનાનો વિરોધ કર્યો.

૧૮૯૮માં લોર્ડ કર્ઝન ભારતના નવા વાઈસરોય તરીકે આવ્યા ત્યારે શ્રી જે. એન. તાતાની ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સની દરખાસ્ત લઈને તત્કાલીન મુંબઈ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલરની આગેવાની હેઠળ એક પ્રતિનિધિ મંડળ લોર્ડ કર્ઝનને મળવા ગયું, એમણે આ દરખાસ્ત પર ટાઢું પાણી રેડી દીધું. એ માટે એમણે બે કારણો આપ્યાં. (૧) આવું સંસ્થાન ચલાવવા માટે આવી ગુણવત્તાવાળા ભારતીય વૈજ્ઞાનિકો ક્યાંથી મળશે? (૨) આવી સંસ્થામાં તાલીમ મેળવીને તૈયાર થયેલા વિદ્યાર્થી વૈજ્ઞાનિકો અને ટેકનોલોજીસ્ટોને આ દેશમાં જ્યાં ઉદ્યોગ નામેઠામે નથી ત્યાં કઈ અને કેવી તકો મળી રહેશે? આ બે કારણો આપીને એક સમિતિની રચના કરીને આજ યોજનાને નાના પાયે શરૂ કરવામાં આવે તો એમાં બ્રિટિશ સરકાર વિચાર કરશે એવું તાતાને જણાવ્યું. પણ જમશેદજી તાતા આ માટે સંમત ન થયા અને જરાય હિંમત ન હાર્યા. 

તાતાની આ વિજ્ઞાન-ટેકનોલોજીની યોજનામાં સ્વામીજીએ જે રસ લીધો એને ‘પ્રબુદ્ધ ભારત’ મુક્તમને સમર્થન આપે છે. સ્વામીજીના મિત્રો અને એમના શિષ્યોએ પડદા પાછળ રહીને એમની ઇચ્છાની પૂર્તિ કરવા માટે ઘણાં કાર્યો કર્યાં છે. ભગિની નિવેદિતા અને શ્રીમતી ઓલે બુલના નામ આ સંદર્ભમાં સૌથી વધારે ઉલ્લેખનીય છે. સ્વામીજીનાં મિત્ર કુમારી જોસેફાઈન મેક્લાઉડ પણ શ્રી તાતાના નજીકના પરિચયમાં આવ્યાં હતાં. જ્યારે જોસેફાઈન મેક્લાઉડે એ વિશે સ્વામીજીને પાછળથી લખ્યું ત્યારે એમણે પ્રત્યુત્તરમાં લખ્યું: 

‘તમે તાતાને મળ્યા અને એને આટલા શક્તિશાળી અને ભદ્ર રૂપે જોયા એ જાણીને હું ઘણો ખુશ થયો છું. અલબત્ત, હું મુંબઈ જવા માટે પૂરતી શક્તિ મેળવી શકું તો હું એમનું આમંત્રણ સ્વીકારીશ.’ 

તાતાની આ યોજનામાં સ્વામીજીના શિષ્યા ભગિની નિવેદિતાનું પ્રદાન પણ ઘણું મહત્ત્વનું રહ્યું છે. જ્યારે તેમને એ પૂરેપૂરું સમજાયું કે તાતાની આ યોજના પોતાના ગુરુ સ્વામી વિવેકાનંદની સેવેલી ઇચ્છાનું મૂર્ત રૂપ છે, ત્યારથી એ યોજનાના અમલીકરણ માટે તેમણે પોતાની બધી શક્તિ કામે લગાડી દીધી. તાતાની યોજનાને સફળ બનાવવા માટે ભગિની નિવેદિતાએ ઈંગ્લેન્ડમાં કરેલી પ્રવૃત્તિઓ વિશે એમના પત્રોમાંથી ઘણી હકીકતો મળે છે. ૧૮૯૯ના મધ્યભાગમાં જમશેદજી તાતાના જમણા હાથ જેવા શ્રી બરજોરજી પાદશાહને ભગિની નિવેદિતા મળ્યાં. શ્રી બરજોરજી અને એમનાં બહેન સ્વામી વિવેકાનંદનાં પરમ ભક્ત હતાં. એટલે જ બરજોરજી પાસેથી ભગિની નિવેદિતાએ તાતાની યોજના વિશે પૂરતી માહિતી મેળવી હતી અને એને સાકાર રૂપ આપવા એમણે ભરપૂર પ્રયાસો કર્યા હતા. ૧૮૯૯ના જૂનમાં ભગિની નિવેદિતા સ્વામી વિવેકાનંદ સાથે ઈંગ્લેન્ડ ગયાં. અમેરિકા અને ફ્રાંસમાં એકાદ વર્ષ ગાળ્યા પછી ૧૯૦૧ના અંત સુધી તેઓ ઈંગ્લેન્ડમાં રહ્યાં. આ સમય દરમિયાન ભગિની નિવેદિતાએ લખેલા પત્રોમાંથી તાતાની આ યોજના વિશે તેઓ કેટલી ગહન ચિંતા અને લાગણી અનુભવતાં હતાં એનો ખ્યાલ આવે છે. પડદા પાછળ રહીને ભારતની ઉન્નતિ માટે ઘણું ઘણું કર્યું છે એ ઘણી જાણીતી બાબત છે. એટલે તાતાની આ યોજનાના બ્રિટિશ ઉચ્ચાધિકારીઓના વિરોધ પછી લગભગ અશક્ય બની ગઈ ત્યારે શ્રીમતી ઓલે બુલ અને ભગિની નિવેદિતાએ શિક્ષણ ખાતાના લોર્ડ બર્ડવૂડ અને શ્રી જે. એન. તાતા વચ્ચે એક ભોજનમિલન યોજ્યું. આ મિલન વખતે બર્ડવૂડ અને તાતાની વચ્ચે થયેલી વાતચીત-ચર્ચા તેમજ આ યોજના માટે નિવેદિતાએ કરેલા મક્કમ સમર્થન વિશેની વિગતો એમના શ્રીમાન અને શ્રીમતી ડૉ. જગદીશચંદ્ર બોઝને ૫ નવેમ્બર, ૧૯૦૦ના રોજ લખેલા પત્રમાંથી મળે છે. 

એ વખતે સર બર્ડવૂડનું સમર્થન ન મળ્યું પણ ત્યાંથી નિવેદિતા અટક્યાં નહિ. વિશ્વના સુખ્યાત લોકો અને ભારતના પરમ ચાહકોને તાતાની યોજના વિશે એક વિસ્તૃત વિજ્ઞપ્તિ કરવાની એક યોજના વિચારી કાઢી. આનો મૂળ હેતુ ભારતમાં એક પ્રબળ આંદોલન ઊભું કરવાનો હતો અને એનાથી બ્રિટિશ સરકાર પર ઘણું દબાણ પણ લાવી શકાય તેમ હતું અને એને લીધે તાતાની યોજનાને તત્કાલીન બ્રિટિશ સરકારની મંજૂરીની મહોર લાગે. વિવિધ વર્તમાન પત્રોમાં ને સામયિકોમાં તાતાની આ યોજના વિશે વિવેચના થઈ ત્યારે આ યોજનાનો બચાવ કરતો પત્ર ‘સ્ટેટ્‌સમેન’ ૧૯૦૪માં પ્રસિદ્ધ થયો હતો. એમાં ભગિની નિવેદિતા લખે છે : ‘ભારતના લોકોના કલ્યાણ માટે તાતા જે યોજના કરી રહ્યા છે, તે માટે પોતાની મોટા ભાગની સંપત્તિ અર્પણ કરીને પોતાના સ્વજનોને ભૂખના મોંમાં નાખવાનું જોખમ પણ ખેડવા તૈયાર છે.’ ભગિની નિવેદિતાએ તાતાની આ યોજનાને સમર્થન આપતાં ઘણાં લખાણો બીજાં વર્તમાન પત્રો અને સામયિકોમાં આપ્યાં.

નિવેદિતાના આ સમર્થનભર્યા પ્રયાસોમાં ચોક્કસપણે સ્વામીજીના આશીર્વાદ એમને મળ્યા જ હતા. ભારતની વધુ ઉન્નતિ માટે તેમણે એ સમયે ઈંગ્લેન્ડના તત્કાલીન રાજનીતિજ્ઞ વર્તુળોનો સંપર્ક-સંબંધ વધારી દીધો. તેઓ પોતે એક બ્રિટિશ સન્નારી હતા અને એટલે જ એમને બીજા કોઈ ભારતીય કરતાં આ બાબતમાં વધારે સુયોગ અને તક હતાં. નિવેદિતાના વ્યક્તિગત સંગ્રહમાંથી વર્તમાન પત્રોના અને સામયિકોનાં તાતાની યોજના વિશેનાં લખાણો પુષ્કળ પ્રમાણમાં મળે છે. 

ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સનું સ્વપ્નનો પ્રકલ્પ પૂર્ણપણે ફળીભૂત થાય તે પહેલાં જ ૧૯૦૪માં એમનું અવસાન થયું. ભગિની નિવેદિતાએ ૧૪ એપ્રિલ, ૧૯૦૪ના રોજ શ્રીમતી તાતાના અવસાન પછી શ્રીમતી ઓલેબુલને લખેલા પત્રમાં શ્રી જમશેદજી તાતા અને એમની યોજના વિશે ઊંડી ભાવલાગણી વ્યક્ત કરી છે. 

તાતાના અવસાન પછી એમના પ્રદાન વિશે ‘પ્રબુદ્ધ ભારત’ના જૂન, ૧૯૦૪ના અંકમાં એમને સ્મરણાંજલિ આપતું આવું લખાણ પ્રસિદ્ધ થયું હતું:

‘ભારતના ઉદ્યોગ જગતના પ્રથમ મહાન નેતા સ્વદેશ ભક્ત મુંબઈના શ્રી જે. એન. તાતાના અવસાનથી ભારતે વણપૂરી ઊણપ સહન કરવી પડી છે. અનુસ્નાતક વિદ્યાર્થીઓ માટેની રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટના એમના ભવ્ય પ્રદાનને આપણે સૌ જાણીએ છીએ. આપણા ભારત રાષ્ટ્રની સમૃદ્ધિ શ્રી જે. એન. તાતા જેવા વ્યક્તિઓના હૃદયમનની ગુણસંપત્તિ પર આધાર રાખે છે. આવા થોડા વધુ તાતાઓ ભારતની સીકલ બદલી નાખશે. આપણા દેશના ધનવાન દેશબંધુઓ આ પારસી દેશભક્તની દિશામાં અને એમની ઉદારદિલની દાનશીલતાનું અનુકરણ કરે તેમ અમે ઇચ્છીએ છીએ.’

આપણે અગાઉ ઉલ્લેખ કરી ગયા તે પ્રમાણે લોર્ડ કર્ઝને આ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટને નાના પાયા પર શરૂ કરવા ભલામણ કરી હતી. પણ જમશેદજી એ યોજનામાં જરાય કાપકૂપ કરવા ઇચ્છતા ન હતા. વ્યાપારી પેઢીઓ, આ દેશના મુખીઓ, રાજરજવાડાં, આવી સંસ્થાને ધીમે ધીમે મદદ કરવા બહાર આવશે. આ જ કારણે એમણે આ સંસ્થા સાથે પોતાનું નામ ન જોડાય એવો પણ આગ્રહ રાખ્યો હતો. આ ભગીરથકાર્યમાં મૈસૂરના મહારાજાશ્રીએ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટની સ્થાપના માટે બેંગ્લોરમાં ૩૭૧ એકર જમીન ઉદાર દિલે અર્પણ કરી અને એના બાંધકામ માટે રૂપિયા પાંચ લાખનું માતબર દાન પણ આપ્યું. સંસ્થાના નિભાવખર્ચ માટે દરવર્ષે રૂપિયા પચાસ હજાર આપવાની દરખાસ્ત પણ મૂકી. દુર્ભાગ્યે બીજા કોઈ આવકના સ્રોતો ઊભા ન થઈ શક્યા. કર્ઝનની ઇચ્છા પ્રમાણે કોઈ વિજ્ઞાનની માત્ર સંસ્થા જ ઊભી કરવાની હતી પણ તાતા તો એના દ્વારા એક નવી રાષ્ટ્રિય શિક્ષણપ્રણાલી ઊભી કરવા ઇચ્છતા હતા. તેઓ શિક્ષણની બધી શાખાઓ સાથેની અને એનો ભારતના ક્ષેમકલ્યાણમાં વિનિયોગ કરી શકે એવી એક વિશાળ વિશ્વવિદ્યાલય સમી સંસ્થા સ્થાપવા ઇચ્છતા હતા. તાતાની મૂળ યોજનામાં વૈજ્ઞાનિક અને પ્રૌદ્યોગિકી કેળવણી, મેડિકલ અને આરોગ્ય શિક્ષણ, જીવાણુ સંશોધન, કેળવણી – કેળવણીની પદ્ધતિઓ અને દર્શનશાસ્ત્ર; ભારતીય ઇતિહાસ અને પુરાતત્ત્વવિદ્યા તેમજ આંકડાશાસ્ત્ર, અર્થશાસ્ત્ર અને તુલનાત્મક ભાષાવિજ્ઞાન જેવા અભ્યાસ વિષયોનો સમાવેશ થતો હતો. જમશેદજી તાતાના અવસાન પછી ૧૯૦૫માં લોર્ડ કર્ઝને એમના પુત્ર દોરાબ તાતાને સંસ્થા સ્થાપવાની મંજૂરી આપી અને તેનો અર્ધો ખર્ચ સરકાર ઉપાડી લેશે એ માટે પણ તેઓ સહમત થયા.

આખરે ૧૯૧૧માં બેંગલોરમાં આ સંસ્થાનો પ્રારંભ થયો. અને એમાં સામાન્ય અને વ્યવહારુ રસાયણ વિજ્ઞાન, ઇલેક્ટ્રો ટેક્નોલોજી કેમેસ્ટ્રી અને ઓર્ગેનિક કેમેસ્ટ્રીના વિષયોની મુખ્ય શાખાઓ શરૂ થઈ. ૧૯૪૦ સુધીમાં આ સંસ્થામાં ૨૨ વિભાગો હતા. ૧૯૪૦ અને ૧૯૫૦ના દાયકામાં એરોનોટિકલ એન્જિનિયરિંગ, હાઈવૉલ્ટેજ એન્જિનિયરિંગ જેવા બીજા ઘણા વિભાગોનું શિક્ષણ-સંશોધન કાર્ય શરૂ થયું. આ સંસ્થા પ્રારંભથી સ્વાયત હતી અને એને તાતા, ભારત સરકાર તેમજ હાલની કર્ણાટક સરકારની સહાયથી ચલાવાય છે.

સ્વામીજીની પ્રેરણાથી અને તાતાના ભગીરથ પ્રયાસોથી શરૂ થયેલ ધ ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ, બેંગલોર આપણા રાષ્ટ્રિય જીવનમાં અત્યંત મહત્ત્વનું સ્થાન ધરાવે છે. આ સંસ્થાના પ્રારંભના ૩૧ વર્ષ પછી ૧૯૪૨માં ધ કાઉન્સીલ ઑફ સાયન્ટિફિક રિસર્ચ, ન્યુ દિલ્હીની સ્થાપના થઈ હતી. ૧૯૫૦માં ખડકપુરમાં સર્વપ્રથમ ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજીની સ્થાપના થઈ ત્યાર પછી ૧૯૬૧માં મુંબઈ, મદ્રાસ, કાનપુર અને દિલ્હીમાં આઈ.આઈ. ટીની સ્થાપના થઈ. ઈંડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ સાયન્સ દ્વારા પણ રાષ્ટ્રિય કક્ષાની ધ સેંટ્રલ ફૂડ એન્ડ ટેકનોલોજીકલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, મૈસૂર; નેશનલ એરોનોટિકલ લેબોરેટરી, બેંગ્લોર અને નેશનલ કેમિકલ અને મેટાલર્જીકલ લેબોરેટરી જેવી અનેક સંશોધન સંસ્થાઓ ભારતની કરોડરજ્જુ બની ગઈ છે.

Total Views: 141

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.