(શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના પરમાધ્યક્ષ છે.)
આંદોલનો ઘણી જાતનાં હોય છે. આપણું આંદોલન શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદના વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનું છે. પહેલાં વિચાર મૂકવો અને પછી તેને વ્યવહારમાં મૂકવા મથવું તે આ ચળવળ દ્વારા અભિપ્રેત રામકૃષ્ણ-વિવેકાનંદ આ જોડિયાં ચરિત્ર એકબીજાથી ભિન્ન નથી એ સૂચવવા અહીં સાથે મૂકેલ છે. શ્રીરામકૃષ્ણ એક આધ્યાત્મિક નેતા, સંત કે યુગાવતાર છે.
શ્રીરામકૃષ્ણદેવની વિચારણા સંપૂર્ણ આધ્યાત્મિક છે. અમુક પ્રકારના ક્રિયાકાંડ કરવા કે વિધિનિષેધ પાળવા એ નહિ પણ ચરિત્રની ઉમદા બાબતો પ્રગટ કરવામાં એ રીતે મદદ કરવી જેથી ઉચ્ચતર માનવ અને સમાજનું ઘડતર થાય. સ્વામી વિવેકાનંદે તેમના વિશાળ વાઙ્મય દ્વારા તે વાત સુપેરે સમજાવેલ છે. તેમના મતે આજના ભૌતિકવાદી જીવનમાં ઈશ્વરની ખોજ દ્વારા માનવજાતને દૈવી કક્ષા સુધી ઉન્નત કરવા શ્રીરામકૃષ્ણ આવ્યા હતા. તેમનો ઈશ્વરનો અર્થ છે – જ્ઞાત અને અજ્ઞાત એવા સમસ્ત વિશ્વને આશ્લેષમાં લેનારું અસ્તિત્વ. આ વિચારને સ્વામી વિવેકાનંદ અને અન્ય સાધુઓ દ્વારા વિસ્તૃત રીતે સમજાવવામાં આવ્યા હતા. આ પરંપરા સામાન્યત: રામકૃષ્ણ મિશન કે મઠના નામે જાણીતી છે. પણ એનો અનુસરનારો વર્ગ સર્વ પ્રકારનો જનસમાજ છે. એટલે એ ચળવળ ક્રમશ: માનવજાતને વધુ સારી બનાવવા માટે એક પ્રચંડ બળ બની છે.
સ્વામી વિવેકાનંદે કહ્યું છે કે શ્રીરામકૃષ્ણ પરંપરા સ્થાપિત કરવાનો તેમનો આશય શ્રીરામકૃષ્ણના વિચારો સમગ્ર જગતમાં ફેલાવવાનો છે. એ માટે આ સંસ્થા કે તંત્ર જરૂરી છે. એ માટે સ્વામીજીએ આ ચળવળ શરૂ કરી. સ્વામી વિવેકાનંદે શ્રીરામકૃષ્ણના નામે સાધુ પરંપરા વિકસાવી એની સ્થાપના કરનાર શ્રીરામકૃષ્ણ પોતે જ હતા. જીવનનાં પાછલાં વર્ષોમાં તેમણે આ કાર્ય કર્યું. એમના વિચારો ઝીલવાને પાત્ર હોય તેવાઓને તેમણે એકત્રિત કર્યા. માનવજાતને સુધારવા આદર્શોનો પ્રચાર કરવાનું કાર્ય તેમણે સોપ્યું એ વખતે સંસ્થાનો કોઈ વિચાર નહોતો. ઈશ્વરનો સાક્ષાત્કાર કરવાની તાલાવેલી વાળા યુવાનોએ શ્રીરામકૃષ્ણની શરણાગતિ સ્વીકારી. તેમને ધીરે ધીરે ભાન થયું કે તેમનું ધ્યેય માત્ર જ્ઞાન પ્રાપ્ત કરવાનું નહિ પણ શ્રીરામકૃષ્ણના વિચારોનો પ્રચાર કરવો તે પણ છે. આ રીતે સંસ્થાનો વિકાસ થયો.
શ્રીરામકૃષ્ણના અનુયાયીઓ જ્યારે વાહનગરમાં રહેતા ત્યારે માત્ર ત્યાગની ભાવનાવાળા યુવાનો હતા, જેમને જીવન નિર્ગમન કરવા શું કરવાનું છે તેનો ખ્યાલ નહોતો. પણ સ્વામી વિવેકાનંદે તેમને યોગ્ય રસ્તો ચીંધ્યો. સ્વયં સ્વામીજીના વિચારો પણ બદલાયા. પહેલાં તેમની ઈચ્છા આધ્યાત્મિક ઉન્નતિની હતી. પણ ક્રમશ: તેમનું હૃદય વિશાળ બન્યું અને સમગ્ર માનવજાત માટે તેમને લાગણી ઊભરાવા લાગી. શ્રીરામકૃષ્ણે તેમને એકવાર તેમના જીવનના ઉદ્દેશ વિશે પૂછ્યું ત્યારે સ્વામીજીએ કહ્યું, “હું સમાધિમાં લીન રહેવા માગું છું.”
આ વખતે શ્રીરામકૃષ્ણે તેમને ઠપકો આપ્યો, “જે વટવૃક્ષની છાયામાં મુસાફરો આરામ અને શાંતિ મેળવે છે તેવા બનવાને બદલે તું ફક્ત તારા આનંદ અને સંતોષ માટે વિચારે છે? આધ્યાત્મિક સંતોષ કરતાં પણ વધુ મોટું જીવન છે.” આમ તેમના ચરિત્રને ઘાટ આપ્યો. તેમનો જુસ્સો જ જાણે નરેન્દ્રના દેહ દ્વારા કાર્ય કરતો હતો. નરેન્દ્રનાથ સ્વામી વિવેકાનંદ તરીકે પ્રસિદ્ધ થયા અને એ વિચારોએ સંસ્થારૂપે ઘાટ લીધો. શ્રીરામકૃષ્ણના જીવનમાં આધ્યાત્મિક અને ભૌતિક વચ્ચેનો ભેદ ભુંસાઈ ગયો હતો. એમણે સર્વત્ર ઈશ્વરને જોયા અને દરેક કાર્યમાં ઈશ્વરની ઈચ્છા જોઈ. ઈશ્વરનો સાક્ષાત્કાર એ એક માત્ર તેમનું લક્ષ્ય હતું. પણ તેમનો ઈશ્વર પાપીઓમાં, પીડામાં, મૃત્યુમાં અને જીવનની પ્રત્યેક ક્રિયામાં સર્વવ્યાપી હતો.
સંસ્થાનો ક્રમશ: વિકાસ થયો અને સેવા માટેનું એક તંત્ર સ્થિર થયું પણ પ્રશ્ન એ હતો કે સેવા એટલે શું? સારા વિચારોનો ઉપદેશ આપવો એટલો તો નથી જ. લોકો તરફ સમભાવી થવું અને તેમની મુસીબતો સમજી તેમાંથી પાર ઊતરવા તેમને મદદ કરવી. આધ્યાત્મિક વિકાસનો આ વિશાળ અર્થ હતો. સ્વામીજીએ ભારતની યાત્રા કરી અને તેમાંથી પદ દલિતોની યાતના અને દુ:ખ સમજ્યા. એમાંથી જ લોકોનું ભલું કરવા માટે જાતને સમર્પિત કરવાની પ્રેરણા મળી. શ્રીરામકૃષ્ણના આ વિચારો અને સ્વામીજીનો આ ‘સાક્ષાત્કાર’ આ નવી ચળવળના પાયા છે. આશ્રમમાં નિશાળો, દવાખાનાં વગેરે છે. તે આ કારણે ચાલે છે. પણ આ બધાનું ધ્યેય લોકોની આર્થિક સ્થિતિ સુધારવી એ માત્ર નથી. પણ માનવી પોતે જ અંદર રહેલી અપાર આધ્યાત્મિક શક્તિ પ્રાપ્ત કરી પોતાના પ્રશ્નોનું નિરાકરણ કરતાં શીખી લે એ છે.
લોકોને પ્રયોગો દ્વારા બતાવવું જોઈએ કે તેમની યાતનામાંથી તે છૂટકારો મેળવી શકે છે અને ઉન્નત જીવન જીવી શકે છે. સંસ્થાએ આ રીતે કામ કરવાનું છે. આદર્શ નીચો પડે કે વિચારોમાં ભેળસેળ ન થાય તે ખાસ જોવું જોઈએ. એટલેજ સંસ્થાએ તેના સભ્યોનાં જીવન અને પ્રવૃત્તિ પર પૂરી કાળજી રાખવી જોઈએ.
શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશન આમ તો બે જુદી શિસ્ત છે. મઠ આધ્યાત્મિક બાબત પર ભાર દે છે. જ્યારે મિશન અધ્યાત્મ સાથે સંબંધ તોડયા સિવાય જાહેર પ્રવૃત્તિ પર ભાર દે છે, આ પરંપરામાં મિશન સંસારના નિષ્ઠાવાન માનવીઓને પણ આ કાર્યમાં સાંકળવા તાકે છે. મઠનું જીવન પણ બંધિયાર નથી હોતું. સામે પડેલું કામ વિશાળ છે, જ્યારે સાધુઓ ૧૪૦૦ જેટલા છે. તેમાંયે સક્રિય એવા હજારેક છે. ભારત અને ભારત બહાર ૧૩૦ કેન્દ્રો છે. તેમને માટે આ સંખ્યા ઓછી ગણાય. કેટલીકવાર અસરકારક રીતે કામ કરી શકાતું નથી. તેથી ભક્તો દ્વારા સંચાલિત ખાનગી કેન્દ્રો ઊભાં થાય તે જરૂરી છે. જયાં કેન્દ્રો નથી એવા વિસ્તારમાં પણ કામ પ્રસરવું જોઈએ જેથી આંદોલન વધુને વધુ વિસ્તરે. આદર્શ પોતે એક બળ છે. એ જેમ વધુ લોકો સુધી વિસ્તરે તેમ જગતને બદલનારું મોટું બળ બની જાય છે. આ બળ માત્ર સાધુઓ નહિ, પણ સંખ્યાબંધ સામાન્ય અનુયાયીઓમાંથી આવવાનું છે. એટલે આ પ્રવૃત્તિ વિકાસમાં સાધુ અને ગૃહસ્થ બન્નેનો ફાળો હશે. આ કારણે ચોક્કસ આદર્શથી પ્રેરાયેલાં ખાનગી કેન્દ્રો સર્વત્ર ઊભાં થશે અને આ ચળવળ અગોચર ખૂણે પણ ફેલાવશે. આવી ચળવળ ચોક્કસ જાગશે.
માનવજાતના ઇતિહાસમાં એવો કોઈ દાખલો નથી કે રાજકીય આશ્રય વિના કોઈ આંદોલન આટલા ઓછા સમયમાં વિશ્વવ્યાપી બન્યું હોય. બૌદ્ધ ધર્મ પણ ત્રણ સદી પછી સંસ્થાનું સ્વરૂપ પકડયું. શ્રીરામકૃષ્ણ વિવેકાનંદ આંદોલનનો વિકાસ બૌદ્ધધર્મ કરતાં પણ ઝડપી છે. આજે તે ભારત પૂરતું મર્યાદિત નથી. વિશ્વભરમાં પાંગર્યું છે. બહારના જગતમાં આ વિચારો લોકોને પ્રભાવિત કરે છે. અને યુનિવર્સિટીઓમાં તેમનો અભ્યાસ થાય છે. આંદોલન મોટું બળ બની રહેલ છે. એનો અર્થ એ થયો કે શ્રીરામકૃષ્ણ અને શ્રી વિવેકાનંદની ઇચ્છાથી આપણા ખભે ઘણી મોટી જવાબદારી મૂકવામાં આવી છે. સાધુઓ અને ગૃહસ્થોને એ વિચારો ચરિતાર્થ કરવા પ્રવૃત્ત કર્યા છે જેથી તેનો લાભ લાખો લોકો સુધી પહોંચી શકે. આવાં ભક્તજનો દ્વારા સંચાલિત કેન્દ્રો ઝડપથી ઊભાં થઈ રહ્યાં છે અને ધીરેધીરે સેવાનું ક્ષેત્ર વિસ્તરતાં વિસ્તરતાં જીવનનાં બધાં ક્ષેત્રોને આવરી લેશે. ભક્તજન સંચાલિત કેન્દ્રો પાસે એ અપેક્ષા છે. એને ચોક્કસ ઘાટ મળતાં લોકો તેને જીવનના એક માર્ગ તરીકે અપનાવશે. જીવનમાં ભૌતિક સમૃદ્ધિની વૃદ્ધિ માટે નહિ પણ જીવનના વ્યવહારુ ઉપયોગ માટે આ વિચારો છે. જીવનનું સર્વાંગી પરિવર્તન થવું જોઈએ અને એવું બળ એમાં છે. પોતાના જ જીવનમાં એને ઘાટ આપવો જોઈએ ત્યારે આપણે સાચા અનુયાયી બનીશું. આ ચળવળના આપણે મશાલધારી બનવાનું છે. શ્રીરામકૃષ્ણના આપણે સાધન બની શકીએ તે રીતે આપણી પોતાની ઉન્નતિ કરવાની છે. શ્રીરામકૃષ્ણ આપણા જીવનને બદલશે અને આપણા સંપર્કમાં આવનાર સૌના જીવનને બદલાવશે.
એમના આશીર્વાદ આપણા પર હો!
અનુવાદ: પ્રા. જે. સી. દવે
(શ્રીરામકૃષ્ણ મઠ અને શ્રીરામકૃષ્ણ મિશનના પરમાધ્યક્ષ શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે, રાઉરકેલા (ઓરિસ્સા)માં શ્રીરામકૃષ્ણ આશ્રમમાં તા. ૭-૧૧-૧૯૮૫ના રોજ આપેલ વ્યાખ્યાનના અનુવાદનો સારાંશ.)
Your Content Goes Here




