(શ્રીરામકૃષ્ણદેવના ઉપદેશોનો નિચોડ નાના-નાના, નિબંધોના રૂપમાં રાજાજીએ પોતાના તામિલ પુસ્તક ‘રામકૃષ્ણ ઉપનિષદમ્’માં અનોખી શૈલીમાં વણી લીધો છે. તામિલ ઍકૅડૅમી ઑફ મદ્રાસે આ પુસ્તકને ૧૯૫૨-૫૩નું સર્વશ્રેષ્ઠ શિક્ષાપ્રદ પુસ્તક જાહેર કર્યું હતું. તેમના મૂળ તામિલ પુસ્તકનો હિન્દી અનુવાદ તેમની પુત્રી શ્રીમતી લક્ષ્મીબહેન દેવદાસ ગાંધીએ કર્યો હતો. આ હિન્દી અનુવાદ પરથી મણિભાઈ ભ. દેસાઈએ કરેલ ગુજરાતી અનુવાદ પુસ્તકાકારે નવજીવન પ્રકાશન મંદિર, અમદાવાદ દ્વારા પ્રકાશિત થયો હતો. વાચકોના લાભાર્થે આ પુસ્તકના અંશો ધારાવાહિકરૂપે અહીં આપતાં અમને આનંદ થાય છે.)
શ્રીરામકૃષ્ણ પરમહંસનો ઉપદેશ ઉપનિષદોની કોટિમાં આવી શકે એવો છે. પ્રાચીન કાળના ઋષિમુનિઓ જેવા જ આ તપસ્વી મહાત્મા આપણા સમયમાં પેદા થયા. એમણે પોતે કોઈ પુસ્તક નથી લખ્યું કે ભાષણો નથી આપ્યાં. શુદ્ધ સંન્યાસીજીવન ગાળીને તેઓ દુનિયામાંથી વિદાય થયા. પરમહંસના જે શિષ્યો તેમના ઉપદેશો શ્રદ્ધા અને ભક્તિથી સાંભળતા હતા તેમણે પછીથી તે લખી કાઢ્યા.
ભણેલાગણેલા લોકોને સુંદરમાં સુંદર લેખ લખવામાં કશી મુશ્કેલી નથી નડતી, પણ એવાં લખાણો ઘણુંખરું પ્રતિભારહિત હોય છે. શ્રીરામકૃષ્ણ પરમહંસે જે રીતે પોતાનામાં પરમાત્માનો અનુભવ કર્યો એ જ રીતે વસ્તુમાત્રમાં પણ પરમાત્માનો સાક્ષાત્કાર કર્યો. તેઓ ઘણા મોટા જ્ઞાની હતા. આવા જ્ઞાનીઓ દુનિયામાં કોક કોકવાર જ જન્મે છે.
આપણને સ્વતંત્રતા તો મળી ગઈ છે. પણ એનો પૂરેપૂરો લાભ લેવા માટે આપણે ધર્મનો રસ્તો કદી ન છોડીએ એ જરૂરી છે. એમાં જ આપણું શ્રેય છે. આજકાલ લોકો છડેચોક નાસ્તિકવાદની તરફેણ કરે છે અને પોતાને બહુ જ બહાદુર માને છે. એ આપણું દુર્ભાગ્ય છે. આ બ્રહ્માંડની તથા તેની અનેક શક્તિશાળી અદ્ભુત વસ્તુઓની રચના કોઈ એક બીજી મહાન વિભૂતિએ જ કરી છે. તેના આદેશથી બધું નિયમ પ્રમાણે ચાલી રહ્યું છે. એ મહાન વિભૂતિને સમજવાનું કે સમજાવવાનું સહેલું નથી. એ જ પરમેશ્વર છે, પરમ તત્ત્વ છે. પ્રકૃતિ પોતાની રીતે ચાલે છે, સંચાલકની જરૂર નથી, એમ કહીને ઈશ્વરને બદલે પ્રકૃતિની જ આરાધના કરવાથી કશું થઈ શકતું નથી.
આપણે ઈશ્વરને જોઈ નથી શકતા એ તે ન હોવાનો પુરાવો છે? રાત્રે આકાશમાં જે તારાઓ આપણે જોઈએ છીએ તે દિવસે દેખાતા નથી. એથી, અમુક વસ્તુ આપણે આંખોથી નથી જોઈ શકતા એટલે તે વસ્તુની હસ્તી જ નથી એવા નિર્ણય પર આપણે ન આવવું જોઈએ. ઈશ્વર જેવી કશી વસ્તુ છે જ નહીં, તેની કશી જરૂર જ નથી એમ આપણે કહેતા ફરવું ન જોઈએ.
એકવાર શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘ગામમાંથી કોઈ શહેરમાં આવે છે. શહેરમાં પહોંચીને પોતાનો સરસામાન કોઈક સુરક્ષિત જગ્યાએ મૂકીને તે ફરવા નીકળે છે. આખો દિવસ ફરીફરીને રાત્રે નિયત સ્થળે પહોંચી જાય છે અને નિશ્ચિંત બનીને સૂઈ જાય છે. શરૂઆતમાં જ જો તેણે આરામની જગ્યા ખોળી લીધી ન હોત તો રાત્રે થાક્યા-પાક્યા પાછા ફર્યા પછી તેને ઘણી જ તકલીફ પડત. સંસારના કલેશોથી થાકેલા મનનો આશરો પરમાત્મા છે. એ સ્થાન પોતાને માટે ખોળી રાખો, નહીં તો લટકતા રહેશો. સંસારના સુખભોગનો સમય પૂરો થતાં અંધકાર છવાઈ જશે; એ વખતે તમારે આશ્રયસ્થાનની જરૂર પડશે.’
પીવા માટે આપણે તળાવમાંથી ઘડામાં પાણી ભરીએ છીએ. પાણીને વધુ હલાવ્યા વિના ધીરેથી ભરી લઈએ તો ઘડામાં સ્વચ્છ પાણી આવશે; બહુ હલાવી એક સપાટે પાણી ભરીએ તો કાદવવાળું પાણી આવશે. ભિન્નભિન્ન પ્રકારના ગ્રંથો વાંચીને, વિવિધ પ્રકારની વાતો સાંભળીને આપણે આપણી બુદ્ધિને કલુષિત અને શંકાશીલ ન કરવી જોઈએ. મન પવિત્ર રાખીને અવિચળ ભક્તિ, ધ્યાન તથા ઉપાસના ધીરેધીરે પણ કરતા જઈએ તો આપણે યોગ્ય માર્ગ પર ચાલી શકીએ. તળાવની પેઠે આપણી બુદ્ધિ પણ વધારે પડતી ન ચલાવવાથી જ સ્વચ્છ રહે છે, નહીં તો કીચડ જેવી જ થઈ જાય છે.
ઈશ્વરનો સાક્ષાત્કાર કરવા ઇચ્છતા હો તો ભક્તિ અને આતુરતા રાખો. જીવાત્મા અને પરમાત્માનાં તત્ત્વોની ચર્ચામાત્રથી ભગવાનને નહીં જોઈ શકો. દહીંમાં માખણ છે એ સૌ કોઈ જાણે છે. તે ધીરજથી વલોવવાથી જ મળે છે. હું જાણું છું, દહીંમાં માખણ છે એમ પોકારવાથી કે એનું રટણ કરવાથી તે નહીં મળે. બાળક લાંબા વખતથી વિખૂટી પડેલી માતાની ગોદમાં જવાને માટે જેટલી આતુરતાથી ઝંખે છે તેટલી જ આતુરતાથી ભગવાનને મેળવવાની ઇચ્છા સેવતા રહો.
Your Content Goes Here




