‘આવનાર શતાબ્દી નારી નેતૃત્વની શતાબ્દી હશે.’ એક સૈકા પહેલાં સ્વામી વિવેકાનંદે ભાખેલી ભવિષ્યવાણી આજે યથાર્થ પુરવાર થતી દેખાય છે! ભારતનો નારીત્વનો આદર્શ છે માતા – માતૃશક્તિ. શ્રી વિનોબાજીએ કહેલું : સ્ત્રીઓનાં શક્તિ, ગરિમા અને સામર્થ્યનો યુગ આવી રહ્યો છે, અહિંસક સમાજનો યુગ આવી રહ્યો છે. મહિલાઓ, એની શક્તિ એની ગરીમા તેમજ એના સામર્થ્યને આખું વિશ્વ પીછાણી રહ્યું છે. નારીશક્તિનાં વિશ્વભરમાં વિવિધ રીતે મહિમાગાન થઈ રહ્યાં છે. આધુનિક વિજ્ઞાન અને ટેક્નોલોજીના વિકાસે અકલ્પ્ય સિદ્ધિઓ તો આપી છે પરંતુ સાથે ને સાથે સમાજમાં વિષમતા, વિષાદ, અસમાનતા, માનસિક વ્યાધિઓ, કુટુંબોનાં ભંગાણ, કુટુંબના સભ્યો વચ્ચે પ્રેમલાગણીના સંબંધોમાં આવતી ઓટ જેવી વિપત્તિઓએ આપણને સૌને ઘેરી લીધા છે.
અમારી વિકાસયાત્રામાં અમે પશ્ચિમ અને પૂર્વ, ગ્રામ્ય અને શહેર, શિક્ષિત-અશિક્ષિત, એમ અલગ અલગ વિચારસરણી ધરાવતી સ્ત્રીઓના સંપર્કમાં આવ્યાં છીએ. વિવિધક્ષેત્રોની મહિલાઓના પ્રધાનને જોઈને આનંદ અને ગૌરવ પણ થાય છે. પરંતુ, પોતાની પાંચ હજાર વર્ષ જૂની પ્રાચીન સંસ્કૃતિને ત્યજીને પશ્ચિમની સંસ્કૃતિનું આંધળું અનુકરણ કરવાની વૃત્તિ જેવી ગંભીર સમસ્યાઓ પણ આપણા સમાજમાં જોવા મળે છે, આને પરિણામે જન્મતાં અનિષ્ટો ખરેખર દુ:ખદાયી છે. આપણા સમાજનો પાયો ધર્મ છે. ધર્મમૂલ્ય આધારિત આચરણ એ માનવસભ્યતાનું શાશ્વત ઝરણું છે. પ્રેમ, મૃદુતા, કોમળતા, સહનશીલતા, શાંતિ, ધૈર્ય, ઉદારતા અને દયા જેવા આ પ્રાચીન વારસાને આપણી માતાઓએ જ સાચવી રાખ્યો છે. આપણી આ એક અનુપમ શક્તિ છે. આ ગુણોને લીધે જ માતાઓ અશક્ય જણાતાં કાર્યો કરી શકે છે.
‘યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતા’ – મૃદુતા, વાત્સલ્ય, ત્યાગ અને સેવા, કરુણા અને ધર્મભાવ, સર્જકતા અને પોષણશક્તિ, જેવા ગુણોનો ભંડાર એટલે માતૃશક્તિ. એ માત્ર લગ્નજીવન કે સંતાનપ્રાપ્તિ પૂરતી મર્યાદિત નથી. માતૃશક્તિનાં આ દર્શન આપણને ઘણા સંતપ્રકૃતિના પુરુષોમાં પણ થાય છે. સ્ત્રીઓમાં રહેલી આ માતૃશક્તિને પુનર્જિવિત કરવા જાણે કે શ્રીરામકૃષ્ણદેવ, શ્રીશ્રીમા શારદાદેવી અને સ્વામી વિવેકાનંદ અવતર્યાં હતાં.
શ્રીમા શારદાના જીવનસંદેશ અને આજની નારીએ કેળવવી જોઇતી ક્ષમતા :
માતૃશક્તિને વિશાળ અને વિસ્તૃત બનાવીને સમગ્ર જનસમુદાયને કલ્યાણ, સુખશાંતિ અને આનંદ આપવો એ શ્રીમાનો આદર્શ હતો. શ્રી શ્રીમા લગ્ન પછી કુટુંબની જવાબદારીઓ સાથે બ્રહ્મચારિણીનું જીવન જીવતાં અને આબાલવૃદ્ધ સૌ કોઈ પ્રત્યે કોઈપણ જાતના ભેદભાવથી પર રહીને સૌને શૈત્ય, પાવનત્વ, શાંતિ અને આનંદનો અનુભવ કરાવતાં. તેઓ આને લીધે વિશ્વજનની બની શક્યાં. અભણ અને ગામડાંનાં હોવા છતાં તેઓ સ્વામી વિવેકાનંદ જેવાં સમર્થ સંન્યાસીઓનાં માર્ગદર્શક માતા બની શક્યાં. શ્રીરામકૃષ્ણદેવના સંન્યાસીઓનાં સુખે સુખી અને દુ:ખે દુ:ખી થતાં શ્રી શ્રીમા સંઘમાતા બની શક્યાં. શ્રી શ્રીમાના ઉદાત્તગુણોનું આચરણ અને સૌને પોતાના બનાવી લેવાનું સામર્થ્ય દ્વારા આજની સ્ત્રીઓ સમાજનું મહત્તમ કલ્યાણ સાધી શકશે. ભોગવિલાસ કે ભૌતિક આભાને બદલે ભીતરના સાચી દિવ્યતા સાથેના ઐશ્વર્ય દ્વારા આજની નારી સર્વકલ્યાણ સાધી શકશે, સમાજની બધી વિષમતાઓ સામે લડી શકશે, બધાં અત્યાચાર-દુષણોનો ધૈર્ય અને સંયમથી સામનો કરી શકશે. શ્રીમાનું જીવનકવન આ માટે આજની સ્ત્રીઓને ઘણું મોટું જીવનપાથેય પૂરું પાડી શકે તેમ છે.
શ્રીરામકૃષ્ણદેવનો નારી પ્રત્યેનો આદર્શ :
શ્રીરામકૃષ્ણદેવે માતૃત્વશક્તિનાં ગરિમા, ગૌરવ મહિમાનો સંદેશ આપણને આપ્યો છે. પોતાનાં સહધર્મચારિણી શ્રી શારદાદેવીની ષોડશીપૂજા કરીને એમણે માતૃશક્તિને સર્વોચ્ચ સ્થાને પ્રસ્થાપિત કરી છે. ભૈરવી બ્રાહ્મણીને ગુરુ તરીકે માનીને તેમજ શ્રીમા કાલીની ઈષ્ટદેવી રૂપે પૂજા કરીને તેમણે સ્ત્રીમાં રહેલ માતૃશક્તિનો મહિમા ગાયો છે. સ્ત્રી કે શ્રી શ્રીમાની અવગણના તેઓ જરાય સહન કરી ન શકતા. સમાજની દૃષ્ટિએ પતિત ગણાતી નારીમાં પણ તેઓ જગન્માતાના દર્શન કરતા. આજના પુરુષસમાજે શ્રીઠાકુરના જીવનમાંથી આ સંદેશ ગ્રહણ કરવો અને જીવનમાં ઉતારવો એ સમગ્ર સમાજના પ્રેયસ્-શ્રેયસ્ માટે હિતાવહ છે. એ દ્વારા જ સમાજ, રાષ્ટ્ર કે વિશ્વ સાચાં શાંતિ, આનંદ, સુખ પ્રાપ્ત કરી શકશે.
સ્વામી વિવેકાનંદ અને માતૃશક્તિ :
આ સંદર્ભમાં સ્વામી વિવેકાનંદના વિચારો એમણે એમના ગુરુભાઈને અમેરિકાથી લખેલ એક કાગળમાં સ્પષ્ટ થાય છે. ‘તમે – તમારામાંનો કોઈ પણ હજુ માતાજી (શ્રીશારદાદેવી)ના જીવનનું અદ્ભુત રહસ્ય સમજી શક્યા નથી. ધીરે ધીરે તે તમે સમજશો. શક્તિ સિવાય જગતનો પુનરુદ્ધાર નથી. આપણો દેશ બધા દેશોથી વધારે નબળો અને પાછળ શા માટે છે? કારણ કે અહીં શક્તિનું અપમાન થાય છે. ભારતમાં એ અદ્ભુત શક્તિને પુનર્જીવિત કરવા માતાજીએ જન્મ ધારણ કર્યો છે… પ્રથમ માતા અને માતાની પુત્રીઓ, પછી પિતા અને પિતાના પુત્રો. તમે આ સમજી શકો છો?’ સ્વામી વિવેકાનંદની દૃષ્ટિએ આપણા સમાજે નારી પ્રત્યેના આપણા દૃષ્ટિકોણમાં પૂર્ણપણે ક્રાંતિકારી વલણ લાવવાની જરૂર છે. આજના પિતૃસત્તાક સમાજ અને પુરુષ પરના અવલંબનમાંથી માતૃસત્તાને – નારીને – આર્થિક, શૈક્ષણિક, સામાજિક અને આધ્યાત્મિક સ્વતંત્રતાની જરૂર છે. સ્વામી વિવેકાનંદે આપેલા સંદેશ પ્રમાણે અનંત શક્તિદાયિની માતા જેવી સન્માનભાવના કેળવવાની આજે આવશ્યકતા છે અને તે દ્વારા ભાવિ પેઢીનું સાચું ઘડતર અને ઉન્નતિ થઈ શકશે.
આપણા સમાજમાં આજે પણ પુત્ર-પુત્રીનાં ઉછેર, પોષણ, શિક્ષણ, આરોગ્યસંભાળ જેવી બાબતોમાં ભેદભાવ રખાય છે. સ્ત્રીઓને સાચી સ્વતંત્રતા અપાવવા વિશે સ્વામીજી કહે છે : ‘પ્રથમ તો સ્ત્રીઓને શિક્ષણ આપો અને પછી તેમને તેમના પર છોડી દો, એટલે તેમને ક્યા સુધારાઓ આવશ્યક છે તે તમને કહેશે. તેમને લગતી બાબતોમાં માથું મારનારા તમે કોણ?… અત્યાર સુધી આપણે તેઓને નિરાધારપણા અને ગુલામ જેવી પરાધિનતાનું જ શિક્ષણ આપ્યું છે. એટલે તેઓ નાની સરખીએ આફત કે ભય જેવું જણાતાંવેંત હતપ્રભ થઈ જાય છે. તેઓમાં શૌર્ય, વીરતા, અને આત્મરક્ષણ કરતાં શીખે તેવું શિક્ષણ આવશ્યક થઈ પડ્યું છે. આવી જાતનું શિક્ષણ આપીને બહેનોને સ્વતંત્ર બનાવી દો. તેમના પ્રશ્નોમાં હસ્તક્ષેપ કરવાનો આપણો અધિકાર કેવળ શિક્ષણ આપવા પૂરતો જ છે. સ્ત્રીઓને એવી સ્થિતિમાં મૂકી દેવી જોઈએ કે તેઓ પોતાની સમસ્યાઓનો પોતાની મેળે જ ઉકેલ લાવી શકે. એમને માટે બીજું કોઈ તેમ કરી શકે નહિ. તેમ કરવું જોઈએ પણ નહિ. ભારતમાં સ્ત્રીત્વનું સમસ્ત બળ માતૃત્વમાં એકઠું થયેલ છે.’ સ્વામીજીના આ ઉદ્ગારોને યાદ રાખીને, સ્ત્રી પ્રત્યે સન્માન અને સમભાવ રાખીને, એમને સાચું શિક્ષણ આપીને આપણે સમાજનાં પ્રશ્નો, સમસ્યાઓનો ઉકેલ લાવી શકીએ.
આજે દેશના જુદા જુદા સ્તરના વહીવટમાં મહિલાઓની ભાગીદારી વધારવા માટે ૩૩% બેઠકો મહિલાઓ માટે અનામત ફાળવવાના પ્રયત્નો થઈ રહ્યા છે. આવા સુધારા લાવવા આવકારદાયક છે. પણ એ તો પ્રથમ પગલું હશે. સમાજને પક્ષી સાથે, સંસારને ભવસાગર અને વિશ્વને ખુલ્લા આકાશ સાથે સરખાવી શકાય. સ્ત્રી-પુરુષ એ સમાજરૂપી પક્ષનીની બે પાંખો છે. જો બંને પાંખો મજબૂત હશે અને એક સાથે ઉડવાનો પ્રયત્ન કરશે તો જ આ વિશ્વરૂપી આકાશમાં સરળતાથી અને સાહજિકતાથી ઉડવાનો આનંદ અને સંતોષ માણી શકશે. બંનેએ એકબીજાના પૂરક થઈને, બંનેએ સમતોલન જાળવીને ઊડવું પડશે અને તો જ આ ઉડ્ડયન મુક્ત અને સાહજિક બનશે. આ માટે પુરુષોએ તેમનાં વલણમાં, વૃત્તિઓમાં, માન્યતાઓમાં, જરૂરી પરિવર્તનો લાવવાં પડશે. હવે કોઈ કોઈ જગ્યાએ સૂર્યોદય પહેલાંનો ઉજાસ દેખાઈ રહ્યો છે. આ માતૃશક્તિ વિશ્વકલ્યાણ માટે કાર્યરત થતાં રાત્રિનો અંધકાર દૂર થશે એનું એ એંધાણ છે.
સ્વામીજીએ ભારતની નારી અને પશ્ચિમની બહેનોને સંબોધીને આપેલાં વ્યાખ્યાનો અને વાર્તાલાપોમાં કહેલી વાતો આ સંદર્ભમાં કેટલાં બધાં બંધ બેસતાં લાગે છે. સ્વામીજી પશ્ચિમની સુશિક્ષિત, આકાશમાં ઊડતી, પક્ષીઓની જેમ મુક્ત, આત્મનિર્ભર, સામાજિક વ્યવહાર અને શહેરના કારભાર પર કાબૂ રાખતી, ગરીબોનું ભલું કરવાના પરોપકારના કામકાજમાં લાગેલી નારીઓની ખૂબ પ્રસંશા કરતાં. એમના માટે એમણે ખૂબ માન અને પ્રેમની લાગણી દર્શાવેલી. પશ્ચિમની સ્ત્રીઓને એમણે કહેલું કે, ‘તમારી બુદ્ધિમતા મને બહુ જ ગમે.. તમારા જ્ઞાન માટે મને માન છે, પણ તે પવિત્રતાને ભોગે આવતી હોય તો હરગીઝ નહિ. બુદ્ધિમતા એ સર્વોચ્ચ માંગલ્ય નથી. અમે જે વસ્તુઓ માટે પ્રયાસ કરીએ છીએ તે છે ચારિત્ર્ય, નીતિમત્તા અને આધ્યાત્મિકતા.’ અને સાથે સાથે સ્વામીજીએ ભારતની નારીઓને સંદેશ આપતા કહ્યું છે કે, ‘ભારતમાં અને ભારતીય ધર્મમાં શ્રદ્ધા રાખો, સામર્થ્યવાન બનો, આશાવાદી બનો, અને સંકોચનો ત્યાગ કરો.’ સ્વામીજી પશ્ચિમ અને પૂર્વની સંસ્કૃતિના સુભગ મિલનની આવશ્યકતા દર્શાવવા માટે એમની પશ્ચિમની શિષ્યા, જેમણે ભારતની સેવા માટે પોતાની જાતને સ્વામીજીના ચરણોમાં અર્પિત કરેલ એવાં, સિસ્ટર નિવેદિતાનું જીવંત અને આદર્શ ઉદાહરણ આપણી વચ્ચે મૂકીને સિસ્ટરને લખેલ નીચેની કાવ્યપંક્તિઓ દ્વારા પૂર્વ અને પશ્ચિમની સંસ્કૃતિના મિલનની યથાર્થતાનો સંદેશ આપે છે. અને આ સંદેશામાં પણ માતૃત્વ અગ્રસ્થાને છે.
‘જનની તણું હૈયું ને, સંકલ્પ કો શૂરવીરનો,
દીઠું ન જે સ્વપ્નેય કદી કો પૂર્વજે,
થૈ રહે તું ભારતના ભાવિ બાળની
સ્વામિની, સખી ને દાસી તણી ત્રિવેણી’
આજના જમાનાને આવા આદર્શ માતાના નેતૃત્વની આવશ્યક્તા છે.
Your Content Goes Here




