(ગતાંકથી આગળ)

હું જ્યારે મારા પિતાને ઘેર હતી, ત્યારે માતા મને કહ્યા કરતી કે મારે ઘરની અંદર જ રહેવું. મને ઘણી સારી રીતે જમાડતી . જેથી કરીને મારો દેખાવ સામાન્ય સુંદર જણાય. પણ મારી સખીઓ આવીને બહાર રમવા લઈ જતી. રમ્યા પછી બપોરના ભારે તાપ-તડકો રહેવા છતાં જમી લઈને ઘરની બહાર જ સૂઈ જતી અને ઘરનાં બધાં આરામ પૂરો કરે તે પહેલાં જ ૫ાછી આવતી. જો કે એક વાર હું થોડી મોડી પડી અને બધાં ચિંતાગ્રસ્ત થઈ ગયેલાં. હું શું કરી શકું ? પછી મને ખબર પડી કે ઠાકુર આવ્યા હતા અને દીવાનખાનામાં બેઠા હતા. મેં મારી રીતે વિચાર કર્યો કે ‘જો હું તેમની પાસે બેસીશ, તો માને કશું ધ્યાનમાં નહીં આવે અને માની લેશે કે હું તો ઘરમાં જ હતી.’ ઠાકુરે જોયું કે હું મારા નખ કરડી રહી છું એટલે તેમ નહીં કરવા મને કહ્યું. પછી તેમણે મને કહ્યું , ‘મારા વિશે તારો શું મત છે ? કેટલાંક એમ કહે છે કે હું જાતે ભગવાન છું. એ અંગે તું શું વિચારે છે ?’

મેં ઉત્તર આપ્યો, ‘ના, ના, ના, તમે ભગવાન નથી; તમે મારા પતિના ગુરુ છો.’ પછી, મને મધુર સુગંધ આવે છે તેવું લાગ્યું. એ દેવી-દેવતાઓની પૂજા સમયે વપરાતા અત્તરની સુગંધ હતી. મેં વિચાર્યું કે, જેમ ઠાકુર કહી રહ્યા હતા કે કેટલાંક તેમને સ્વયં ભગવાન છે તેમ કહે છે, એટલે તેમના જ શરીરમાંથી આ સુગંધ આવતી હોવી જોઈએ. મેં તે શોધવા પ્રયત્ન કર્યો; અને તેમના કાનની આસપાસ જોયું. જ્યારે હું તેમની ઘણી જ નજીક આવી ગઈ કે અચાનક ઠાકુરની દેહાકૃતિ ઊગતા સૂર્યના રંગના દિવ્ય પ્રકાશમાં અદૃશ્ય થઈ ગઈ અને તેમની દેહાકૃતિ તે પ્રકાશમાં એક તેજસ્વી પડછાયા રૂપે દૃશ્યમાન થઈ. મેં કહ્યું, ‘ઠાકુર, ઠાકુર, તમે આવું શા માટે કરો છો ?’ તેમની દેહાકૃતિ ખરેખર જ અદૃશ્ય થઈ ગઈ. મેં તેમના દેહને અનુભવવા પ્રયાસ કર્યો, ૫ણ એ શક્ય બન્યું નહીં. હું તેમને વારંવાર પોકારતી જ રહી, પણ તેમણે કોઈ જવાબ આપ્યો નહીં; એટલે હું તો તેમના તરફ આતુરતાપૂર્વક જોતી જ રહી; મને ખબર નથી કે આવું કેટલા લાંબા સમય સુધી ચાલ્યું હતું. પછી કેટલાક સમય બાદ, પ્રકાશ ધીરે ધીરે ઓછો થતો ગયો અને હું સ્પષ્ટપણે ઠાકુરને જોઈ શકી. મેં બીજા બધાને બોલાવ્યા, પણ કોઈએ ખાસ ધ્યાન આપ્યું નહીં.

જો કે મારા સાસરે, જ્યારે મેં મારાં સાસુને આ વાત કરી ત્યારે તેઓ મને સમજ્યાં, તેને માન્ય કર્યું અને મારા પતિ પણ પ્રસન્ન થયા. મારાં સાસુએ મને કહ્યું : ‘હવે પછી જ્યારે ઠાકુરને મળવાનું થાય ત્યારે તેમની પાસે તને એક મંત્ર આપવાની માગણી કરજે.’ મને એ સમયે કંઈ સમજાયું નહીં કે મંત્ર એટલે શું ? અને વિચાર્યું કે બંગડી જેવી કોઈ ભેટ હશે અથવા કોઈ ઘરેણું હશે.

ઠાકુર ફરી એક સમયે અમારે ઘેર આવ્યા ત્યારે મેં તેમને કહ્યું, ‘સાસુએ મને સૂચવ્યું છે કે તમે મને એક મંત્ર આપશો.’ તેમની પાસે હું બેઠી અને કહ્યું, ‘મને મંત્ર આપો, મને એક મંત્ર આપો.’ તમારે એ યાદ રાખવું રહ્યું કે એ સમયે હું ફક્ત આઠ વર્ષની જ હતી. મેં જ્યારે આગ્રહ રાખ્યો, ત્યારે ઠાકુરે મને કહ્યું, ‘ચોક્કસ, હું તને એક મંત્ર આપીશ. શિવને તેં જોયા છે ?’

મેં કહ્યું, ‘હા.’

તેમણે કહ્યું, ‘જો તને તે ગમતા હોય તો તેમને પ્રેમ કર.’

પછી તેમણે પૂછ્યું, ‘તેં કાલીને જોયાં છે ?’

મેં ઉત્તર આપ્યો, ‘હા.’

તેમણે કહ્યું, ‘જો તે તને ગમતાં હોય, તો તેમને પ્રેમ કર.’

પછી તેમણે કહ્યું, ‘તેં કૃષ્ણને જોયા છે ?’

રામ ?… ‘રામને ક્યાં જોયા છે ?’

‘મારાં માતાને ઘેર,’ મેં જવાબ આપ્યો.

તેમણે કહ્યું, ‘જો તે તને ગમતા હોય, તો તેને પ્રેમ કર.’

પછી તેમણે કહ્યું, ‘જો તને હું ગમતો હોઉં, તો પછી મને પ્રેમ કર.’

‘હા, હું તમને પ્રેમ કરું છું,’ મેં ઉત્તર આપ્યો. ‘હું તમને ઘણો જ પ્રેમ કરું છું; પણ જો તમે મને મંત્ર નહીં આપો તો હું મારા સાસરે નહીં જાઉં.’ પછી ઠાકુરે કહ્યું, ‘ભલે, તું તારા સાસરે જા અને સાસુને પૂછ કે મારે તને ખરેખર શું આપવું જોઈએ. જો મારી પાસે તે હશે, તો હું તને તે આપીશ, નહીં તો તે ખરીદવા માટે પૈસા આપીશ. સાંભળ, અત્યારે મારી પાસે કશું જ નથી. ‘મેં જોયું કે તેમનાં ખિસ્સાં ખાલી હતાં. ત્યારે હું સમજી કે સાચે જ આપવા માટે ઠાકુર પાસે કશું જ નથી. તો પણ મેં તેમને કહ્યું, ‘જો તમે મને નહીં આપો તો, હું મારા સાસરે નહીં જાઉં.’

મારા સાસરે પાછા આવતાં મેં મારાં સાસુને શું બન્યું તેની વાત કરી, ત્યારે તેઓ ઘણાં જ પ્રસન્ન થયાં અને કહ્યું, ‘તે જ મંત્ર છે.’

વર્ષો પસાર થઈ ગયાં. હું મોટી થઈ. હજુ પણ હું ઠાકુરને પૂછવા ઈચ્છતી હતી કે જ્યારે મેં તેમને પ્રકાશપુંજમાં જોયા ત્યારે શું બન્યું હતું. મારી જિજ્ઞાસા ઘણી જ વધી ગઈ હતી, પણ તેમને પૂછવાની તક મળતી ન હતી. છેવટે મારા સસરા મને એક દિવસ દક્ષિણેશ્વર લઈ ગયા, અને ઠાકુરે તેમને મા સારદા પાસે મને કેટલાક દિવસો રહેવા દેવા કહ્યું. એટલે મેં મનમાં નિશ્ચય કર્યો કે આ તક ઝડપી લઈને મારો પ્રશ્ન તેમને પૂછીશ. પણ અનેક ભક્તો ઠાકુરની આસપાસ હમેશાં રહેતા હોવાથી હું તેમને પૂછી શકતી ન હતી. સંધ્યા સમયે તેઓ કાલી મંદિરે જતા અને આરતીમાં બેસતા (સંધ્યા પૂજા). એક દિવસે તેઓ જ્યારે ત્યાં હતા, ત્યારે તેમના ઓરડામાં હું ગઈ અને તેમને પ્રશ્ન પૂછવા માટે બેઠી. મંદિરથી તેઓ પાછા અંદર આવતાં તેમની પાસે જઈને બેઠી પણ હજુ હું તેમને કાંઈ પૂછું તે પહેલાં, ફરીથી પ્રકાશપુંજમાં તેમની દેહાકૃતિ અદૃશ્ય થતી મેં જોઈ. મેં તેનો વારંવાર સ્પર્શ કર્યો, પણ કાંઈ બન્યું નહીં. તેમનો દેહ ઘણો કોમળ હતો, જાણે કે તેમાં એકેય હાડકું જ ન હતું. પછી હું ભાન ગુમાવી બેઠી અને મારું માથું તેમના ખોળામાં પડી ગયું. જ્યારે ભાનમાં આવી ત્યારે મેં જોયું તો ઠાકુર તેમના હાથથી મારો વાંસો પંપાળી રહ્યા હતા. મેં કહ્યું, ઠાકુર, ઠાકુર, તમે કોણ છો ? શું તમે ભગવાન છો ?’ શું તમે કૃષ્ણ છો ? શું તમે રામ છો ? તમે શું છો, ઠાકુર ? (ક્રમશ 🙂

Total Views: 328

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.