(‘શ્રીશ્રીમાતૃચરણે’ પુસ્તકમાંથી આ સંકલન પ્રસ્તુત છે. – સં.)
શિષ્ય: હું રોજ થોડો પ્રણાયામ કરું છું. એ ચાલુ રાખું?
મા: થોડો સમય ભલે ચાલુ રાખ પણ એ લાંબો સમય ન કરતો, નહીં તો તારું સમતોલપણું ચાલી જશે. તારું મન જાતે જ વશ થઈ જતું હોય તો પછી પ્રાણાયામની શી જરૂર રહે?
શિષ્ય: કુંડલિની જાગ્રત ન થાય ત્યાં સુધી કશું જ અગત્યનું પ્રાપ્ત થતું નથી.
(કુંડલિની) ચોક્કસ જાગશે. એમના નામનું રટણ તને ધ્યેયે પહોંચાડશે. તારું ચિત્ત એકાગ્ર ન થાય તો પણ એમનું પવિત્ર નામ હજારો વાર લઈ શકાય. કુંડલિની જાગ્રતિ પૂર્વે સાધકને અનાહત નાદ સંભળાય છે. પરંતુ, જગદંબાની કૃપા વિના આ શક્ય નથી.
શિષ્ય: મા, મારું મન કેમ શાંત થતું નથી? ભગવાનનું ચિંતન કરું છું ત્યારે, વિવિધ દુન્યવી પદાર્થોમાં એ ખેંચાય છે.
મા: પૈસા અને પોતાનાં કુટુંબીજનોમાં મન જાય તો એ નુકસાનકારક છે. પણ, મન તો માણસની રોજિંદી પ્રવૃત્તિઓમાં જ વસેલું રહે છે. તું જો ધ્યાન ન કરી શકતો હો તો, જપ કર. જપ પૂર્ણતા તરફ લઈ જાય છે. જપ દ્વારા માણસ પૂર્ણતાને પ્રાપ્ત કરે છે. ધ્યાનની વૃત્તિ જાગે તો સારું. ન જાગે તો, જોરજુલમથી ધ્યાન કરવું નહીં.
શિષ્ય: નિષ્ઠાપૂર્વક ન થાય તો નામજાપથી શું મળે?
મા: પાણીમાં તું તારી મેળે પડે કે કોઈ તને ધક્કો મારે, તારાં કપડાં ભીનાં થવાનાં જ છે. તારું મન હજી કાચું છે એટલે નિયમિત રીતે ધ્યાન કર. ધ્યાનના લાંબા સમયના અભ્યાસ પછી તારું મન સ્થિર થશે. અને તારે સત્ અને અને અસત્ વચ્ચેનો વિવેક નિત્ય કરવો જોઈએ. જે સંસારી પદાર્થો પાછળ મન દોડ્યા કરે છે તેમને અસત્ જાણ. તારું ચિત્ત ઈશ્વરને સમર્પિત કરી દે. એક તળાવને કાંઠે એક એકલો માણસ માછલી પકડી રહ્યો હતો. એ વખતે એક વરઘોડો પસાર થયો પણ એનું ધ્યાન તો ગલ પર જ હતું.
શિષ્ય: મા, મને ધ્યાન કરવાની પણ ફૂરસદ નથી. કૃપા કરી મારી કુંડલિનીને જાગ્રત કરો.
મા: એ ચોક્કસ જાગ્રત થશે. થોડાં જપધ્યાનથી એ જાગશે. એ કંઈ પોતાની મેળે થોડી જાગે છે? જપધ્યાન કર. ધ્યાનથી ચિત્ત એવું એકાગ્ર થશે કે તને ધ્યાન છોડવું નહીં ગમે. પણ મનની એવી એકાગ્રતા ન સધાય તો, પરાણે ધ્યાનમાં બેસવું નહીં. આવે પ્રસંગે પ્રભુને પ્રણામ કરીને જ સાધના આટોપી લેવી. મનનું વલણ યોગ્ય થાય તે દી આપોઆપ ધ્યાન થશે.
(સ્વામી શાંતાનંદની નોંધ)
મા: ઠાકુર કહેતા, ‘જેની પાસે પૈસો અને અનાજ હોય તે એ ગરીબોને આપે. જેની પાસે ન હોય તે ઈશ્વરનું નામ રટે.
નારાયણ: માત્ર નામ રટણ જ? મંત્રજપ પણ નહીં?
મા: હા, તારે મંત્રજપ તો કરવો જ. પરંતુ, દૃઢ ચિત્તથી ભગવાનના નામને પોકારવું એ લાખો વારના મંત્રજાપ બરાબર છે. મન એકધ્યાન ન હોય તો, આખો દિવસે જપ કર્યાથી શું વળે? મનની એકાગ્રતા આવશ્યક છે, તો જ એની કૃપા ઊતરે.
(પ્રબોધ બાબુ અને મણીન્દ્રની નોંધ)
મા: જપ અને ધ્યાન વગર તને સિદ્ધિ ક્યાંથી મળે? આ અભ્યાસ રોજ કરવો જોઈએ.
શિષ્ય: મને હવે વધારે જપ કરવા ગમતા નથી કારણ, કંઈ જ પ્રાપ્ત થતું નથી. કામ, ક્રોધ, મોહ હજીયે અગાઉની જેમ મનમાં રાજ કરે છે. મનની અશુદ્ધિ જરાય ઘટી નથી.
મા: બેટા! પ્રભુનામના જપથી આસ્તે આસ્તે મન શુદ્ધ થશે. આવા નિયમન વિના તું પરિણામની આશા કેમ રાખી શકે? મૂરખ થઈને એનો ત્યાગ ન કર. જ્યારે જ્યારે સમય મળે, ત્યારે ત્યારે ભગવાનનું પાવન નામ લે. અને ઠાકુરને પ્રાર્થના કર.
(એક અનામી ભક્તની નોંધ)
ઉદ્બોધન નિવાસના પૂજાઘરમાં એક સવારે મા પૂજાની તૈયારી કરી રહ્યાં હતાં. વાતચીત દરમિયાન મેં પૂછ્યું, ‘આપને આટલી બધી માયા કેમ છે? સંસારમાં ખૂબ ગુંચવાયેલા લોકોની માફક, દિવસ રાત આપ રાધુ સિવાય બીજી વાત કરતાં નથી. આપની પાસે આપના અનેક ભક્તો આવે છે પણ આપ એમને દાદ દેતાં નથી. આવી ઘેરી માયા આપને છાજે છે શું?’
આ જ સૂરમાં અગાઉ પણ કેટલીક વાર મેં એમની સાથે વાત કરી હતી. આ સાંભળી મા કહેતાં, ‘હું સ્ત્રી છું અને, મારા સ્ત્રી સ્વભાવને અનુસરું છું.’
પણ આજે જરા ઉગ્ર સ્વરે મા બોલ્યાં, ‘મારા જેવું બીજું તને ક્યાં મળશે? જો કોઈ મારા સમાન હોય તો એને શોધી કાઢ. જે પ્રભુનું ધ્યાન ખૂબ કરે છે, તેમનું ચિત્ત સૂક્ષ્મ અને શુદ્ધ થાય છે એ તું જાણે છે. આવું ચિત્ત જે વસ્તુને ગ્રહણ કરે છે તેને એકદમ ચીટકી રહે છે. એટલે એ માયા જેવું લાગે છે. વીજળીનો ઝબકારો બારીનો કાચ ઝીલે છે, બારીનું લાકડું નહીં.’
એક દિવસે, જયરામવાટીમાં મેં માને પૂછ્યું, ‘ભગવાનને શી રીતે પામી શકાય—ભક્તિથી, જપથી, ધ્યાનથી?
મા: આમાંથી એક્કેય વડે નહીં.
શિષ્ય: તો પછી શાના વડે?
મા: ઈશ્વરની કૃપા દ્વારા જ એને પામી શકાય. છતાંય, આપણે જપધ્યાન કરવાં જોઈએ કારણ, એથી મનનો મેલ દૂર થાય. પૂજા, જપ, ધ્યાન જેવી આધ્યાત્મિક સાધના આપણે કરવી જોઈએ. ફૂલને ઝાલી રાખવાથી કે, ચંદનને ઘસવાથી એની સુગંધ પામી શકાય છે તેમ, દિવ્ય તત્ત્વનું નિત્ય ધ્યાન ધરવાથી આધ્યાત્મિક જાગૃતિ આવે છે. પણ તું ઇચ્છામુક્ત થઈ જા તો, આ ઘડીએ જ તને જ્યોતિ લાધે.
(સ્વામી વિશ્વેશ્વરાનંદની નોંધ)
Your Content Goes Here





