શ્રીમત્ સ્વામી આત્મસ્થાનંદજી મહારાજ સમસ્ત રામકૃષ્ણ મઠ અને મિશનના આસિ. સેક્રેટરી છે.
શ્રીરામકૃષ્ણ કથામૃતમાં ફરી ફરી ઉચ્ચારિત થયો છે એ જ શાશ્વત મંત્ર ‘બ્રહ્મ સત્ય, જગત મિથ્યા.’ શ્રીરામકૃષ્ણના જીવનમાં આનું ખાસ દૃષ્ટાંત જોઈએ, તો એ છે ઈશ્વર પ્રાપ્તિ માટે તેમની તીવ્ર વ્યાકુળતા, જીવ અને જગતનું વિસ્મરણ, પોતાની દેહાભિમાનરહિતતા, ઈષ્ટ લાભનો પરમ આનંદ, વિવિધ પંથે અને વિવિધ મતે ઈશ્વરનો આસ્વાદ – સમાધિ, અવિકલ્પ-નિર્વિકલ્પ. કાશીપુરમાં એમનો આશીર્વાદ ‘તમ સહુને ચૈતન્ય હો.’ ભગવત્ લાભ જ મનુષ્ય જીવનનો ઉદ્દેશ્ય. તેથી આવા ઈશ્વરનિષ્ઠ અથવા બ્રહ્મનિષ્ઠ અલૌકિક અતીન્દ્રિય રાજ્યના અતિમાનવ પરમ પુરુષ શ્રીરામકૃષ્ણ અને માનવતાવાદ જાણે લાગે છે પરસ્પર વિરોધી. પણ અશ્રૂતપૂર્વ રૂપી જ્ઞાન પ્રકાશથી પ્રકાશિત ભાવવિભોર રહેતા એમના જીવનની વાસ્તવિક ઘટનાઓ સાક્ષી પૂરે છે.
“धृत सहजसमाधिम् चिन्मयमं कोमलांगम्”
શ્રીરામકૃષ્ણ જ “वितरितुम अवतीर्णम्
ज्ञानभक्तिप्रशांतीः प्रणय गलितचितम्
जीवदुःखासहिष्णुम्,” “भन्जन-दुखः-गन्जन
करुणाधन, कर्मकठोर प्राणार्पण-जगत – तारण, कृन्तन कलिडोर”
દક્ષિણેશ્વરની કચેરીના મકાનની અગાશીએ ચડી, દુઃખી, આતુર બહાવરા થઈ રડીને શ્રીરામકૃષ્ણ પોકારતા – “તમે ક્યાં છો? આવો.” મા વિના જેમનું જીવન અસંભવ હતું તે ભવતારિણીના પૂજારી આજે માનવીના સાંનિધ્ય માટે ટળવળે છે, વ્યાકુળ છે! સાધકજીવનનો દિવ્ય ઉન્માદ આજે “ભાસ્વર ભાવસાગર ચિર ઉન્માદ પ્રેમ પાથાર, ભક્તાર્જન – યુગલ ચરણ તારણ – ભવ – પાર.” શ્રીરામકૃષ્ણનાં દર્શન અને ઉપલબ્ધિ ભવતારિણીને કેવળ એક જ ભાવે જોઈને સમાપ્ત નહોતી થઈ, એમની અનુભૂતિમાં ચૈતન્ય શક્તિ પ્રકાશિત થઈ ઊઠી હતી. કેવળ ભવતારિણી રૂપે જ નહિ, માયાના સંસાર જગતની ભીતર છુપાયેલી ચેતનસત્તા રૂપે નિયત પ્રકાશિતા એમની નજર સામેના જલપાત્ર (કોશ) આચમની, બારણાં -બારસાખ, ઝાડ-પાન, બિલાડી-મનુષ્ય બધાં એ જ ચૈતન્યસત્તાના પ્રકાશનાં વિભિન્ન રૂપોએ દેખા દીધી.
માણસો હવે કીટ સમાન નગણ્ય ન રહ્યા. જીવ અને શિવનું અભેદત્વ સમજાયું. શ્રીમંદિરની ભવતારિણી અને વિભિન્ન સ્તરનાં મનુષ્યો એક જ પ્રકાશથી પ્રકાશિત છે, એ ચરમ સત્ય જ્ઞાનથી એમના માટે મનુષ્ય અને દેવમાં, જડ વસ્તુ અને પ્રાણીમાં, ગંદા પાણીની ગટર અને નદીમાં કોઈ પણ જાતનો ભેદ ન રહ્યો. શ્રીરામકૃષ્ણની ઉપલબ્ધિએ એમને સર્વ પ્રકારના દ્વન્દ્વમય જગતથી પાર કરી દિવ્ય ચેતનાના રાજ્યમાં પહોંચાડી દીધા. “ईशावास्यम् इदं सर्वं यत्किंच जगत्याम् जगत्” – શ્રીરામકૃષ્ણે પ્રત્યક્ષ, નજરોનજર જોયું. મંદિરનાં મા અને નોબતખાનામાં રહેતાં શારદામણિદેવી એ બંને એક છે એમ પ્રત્યક્ષ અનુભવ્યું, મા ભવતારિણી પતિતારૂપે, મોહિનીરૂપે અને બીજાં પણ કેટકેટલાં સ્વરૂપે રહ્યાં હતાં! તેથી જ એમણે કહ્યું હતું, “મૂર્તિમાં જો એમનો આવિર્ભાવ થઈ શકે તો શું મનુષ્યમાં ન થાય? એ તો સર્વ જીવપ્રાણીમાત્રમાં છે. પણ મનુષ્યમાં એનો વિશેષ પ્રકાશ છે.”
અવતાર જીવનનો ઉદ્દેશ્ય કેવળ પોતાની જ ઉપલબ્ધિમાં પૂરો નથી થતો. અવતારની જીવનગંગા પોતાની સાધના અને સિદ્ધિની વિભૂતિ લોકકલ્યાણ માટે મનુષ્યોની અંદર સંચારિત કરવા માટે હજારો ધારામાં વહેતી હોય છે. તેથી, જેઓ ભવતારિણીનાં દર્શન માટે આકુળવ્યાકુળ થયા હતા, તે જ આજે માના આવિર્ભાવને સાર્થક કરવા માટે દક્ષિણેશ્વરની નાનકડી ઓરડીમાંથી ભેગા થયેલા લોકો સામે દૃઢ ભાવે બોલ્યા હતા, “પ્રતિમામાં ઈશ્વરની પૂજા થાય અને શું જીવતા માણસમાં ન થાય તે (ઈશ્વર) તો માનવ બની લીલા કરે છે.” અને દાન, ધ્યાન, દયા કેટલાં? પોતાની દીકરીનાં લગ્નમાં હજારો રૂપિયાનો ખર્ચ અને (બાજુના ઘરમાં) પાડોશમાં જે લોકોને ખાવા નથી મળતું, એને બે કોળિયા અન્ન દેતાંય ભારે પડે! આપે તોય ખૂબ હિસાબ કરીને આપે! લોકોને ખાવા નથી મળતું – તે શું થાય? એ સાલાઓ મરે કે જીવે, હું ને મારા ઘરનાં લોકો બધાં સુખે રહીએ એટલે બસ!” મોંએથી પાછા કહેશે, સર્વ જીવે દયા!
हृदयकमल मध्ये राजितं निर्विकल्पं
सद् असद् अखिल भेदातीतम् एक स्वरूपम्
प्रकृति-विकृति शून्यं नित्यंमानंदमूर्ति ।
દેવમાનવનું આ કેવું અપૂર્વ માનવદર્દ! (માનવ પ્રેમ) અભિનવ છે આ માનવતાવાદ. દિવ્યભાવ સભર, વાસ્તવનો સ્વીકાર, પણ એ શુદ્ધ મનબુદ્ધિ દ્વારા! (સહૃદય) દેવમાનવ શ્રીરામકૃષ્ણ મનુષ્યને દેવત્વ બક્ષે છે. શિવજ્ઞાને જીવની પૂજા કરીને, એને નીચ-પતિત જીવ માનીને, દયા કરીને નહિ! આ એક નૂતન દૃષ્ટિ, નૂતન બોધ, નૂતન અનુભૂતિ, નૂતન ધર્મ છે. બધાં જ માનવી બન્યા દેવતા, અને એમની જ સેવાથી મનુષ્ય બન્યો સર્વબંધનમુક્ત, અનંત આનંદનો અધિકારી, અખૂટ ઐશ્વર્યમય, મહિમામય સામ્રાજ્યનો સમ્રાટ! તેથી જ નજરે પડે છે શ્રીરામકૃષ્ણ અવતારમાં કર્મમાં પરિણત થયેલું વેદાંત અને એથી જ જે વેદાંત સાધકને ઉદાર ન બનાવે, જે વેદાંતબોધ મનુષ્યનાં મન અને ઇચ્છાશક્તિને જૈવિક ભોગથી ઊંચે ન લઈ જાય, જે વેદાંતજ્ઞાન, જીવને ક્ષુદ્ર સ્વાર્થની સીમારેખાની બહાર લાવીને પરદુ:ખે સમદુ:ખી ન કરે, માનવમાત્રના કલ્યાણ તરફ ન વાળે, એ વેદાંત પ્રત્યે શ્રીરામકૃષ્ણનો ધિક્કાર, અતિશય તીવ્ર અતુલનીય છે. પૂર્ણ માનવતા વિકાસનાં અવિરોધી અનેક દૃષ્ટાંતો આપણને એમના જીવનમાં જ જોવા મળે છે. જેવાં કે, તેઓ ધની લુહારણને ભિક્ષામાતા તરીકે પસંદ કરે છે. અક્ષયના મૃત્યુથી પ્રાણ વલોવાય એવી તીવ્ર વેદનાથી પીડિત થાય છે. વળી, સ્નેહમયી જનનીની યાદ આવતાં વૃંદાવનત્યાગ કરે છે, સહધર્મિણી શારદાદેવી માટે તેઓ દાગીના ઘડાવે છે; પોતાની પત્નીને યોગ્ય શિક્ષણ આપે છે, વળી કેશવ સેનની દુ:સાધ્ય બીમારી વખતની પીડા જોઈ મા કાલીની પાસે નાળિયેર ખડીસાકરની માનતા રાખે છે, બાળક જેવી સરળતા અને માતા પર પોતાના જીવનધારણ માટે સંપૂર્ણપણે નિર્ભર રહે છે. હાથ ભાંગે છે ત્યારે સામાન્ય માણસ જેવું વર્તન કરે છે; લોકો સાથે હળીમળીને જાતજાતની મજાક-મશ્કરી પણ કરે છે; નરેન્દ્ર વગેરે યુવાનોના કલ્યાણ માટે સદા જાગૃત રહી ઉત્કંઠાપૂર્વક પ્રયાસ કરે છે; કલકત્તાવાસી લોકોના તમસ્થી – અજ્ઞાનથી આચ્છાદિત મનબુદ્ધિને પુન: ચેતનવંત કરવા, રાણી રાસમણિના શાંત-સુંદર મંદિરના પ્રાંગણને છોડી, મહાનગરીની ગલીકુંચીમાં વારેવારે દોડી સાક્ષાત વેદાંતમૂર્તિ સ્વરૂપ બની, સહુને બારણે બારણે ફરી વનના વેદાંતને ઘેર ઘેર પહોંચાડવાનો પ્રયત્ન કરે છે; ઘોડાગાડીમાં પડી રહેલી શરાબની બાટલી લાવીને શરાબી ગિરીષ ઘોષને આપે છે; અભિનેત્રીઓ પ્રતિ કૃપા કરી શુદ્ધ માનવપ્રેમનું વિરલ દૃષ્ટાંત આપે છે; તીર્થયાત્રામાં જતાં રસ્તામાં, દુકાળપીડિતોની સેવાને પ્રધાનતા આપે છે; કલાઈઘાટામાં દુ:ખી માનવના અભાવને દૂર કરવામાં તત્પરતા દેખાડે છે; ‘મનુષ્ય સર્વ એક છે’, એમ માની ગરીબ કંગાળનાં એઠાં પત્રાવળાં ઉઠાવી ભોંય સાફ કરે છે; નોકરોનાં સંડાસ પોતાના હાથે અને પોતાના વાળથી લૂછે છે. મથુરના કહેવાથી જગદંબાદાસીના (મથુરનાં પત્ની) રોગ પોતાના દેહમાં લઈ પોતે ભોગવે છે; હોડીમાં બે માછીમારના આપસના ઝઘડામાં ઠાકુર પોતે પોતાના દેહ પર માર અનુભવે છે; સફેદ કોઢ રોગને સારો કરવા માટે ભયંકર જલન થતી હોવા છતાં, ગળાના કેન્સરની પીડા થતી હોવા છતાં પણ હંમેશાં દુ:ખી અને જિજ્ઞાસુ લોકોની સેવામાં અને સર્વોપરી “લાખ ગણી પીડા પામીને પણ જો એમનું કલ્યાણ થાય, ઉદ્ધાર થાય તો તે કરીશ.” એ વાક્ય ઉચ્ચારે છે. સાચે જ આવા માનવ-મિત્ર, સમસંવેદનશીલ પરદુ:ખે દુ:ખી, હિતકારી બીજું કોણ થઈ શકે?
શ્રીરામકૃષ્ણે પોતાના જીવનમાં આચરીને વાસ્તવિક કરી બતાવ્યું છે, દરેક માણસની ભીતરના આત્માની એકતાના સત્યે એકબીજાને આત્મીય કરી રાખ્યા છે; પરમાત્મા દૂરના આકાશનો કોઈ અદ્ભુત વિષય નથી, પરમાત્મા માણસનો પરમ આત્મીય છે. માણસ અને પરમાત્મામાં કોઈ પણ ફરક નથી, તેથી જ શ્રીરામકૃષ્ણની માનવતા એક વાક્યમાં કહીએ તો એ છે માણસની અંદર રહેલી ચિરંતન ચૈતન્યશક્તિની સ્વીકૃતિ.
निर्वासनोऽपि सततं परमंगलार्थी,
निष्कर्मकोऽपि सततं परकर्मकर्ता ।
निर्दुःखलेशमपि तं सततं परेषां,
दुःखेषु कातरमहो! भज रामकृष्णम् ॥
ભાષાંતર : ડૉ. સુકન્યા ઝવેરી
(બંગાળી માસિક ‘ઉદ્બોધન’માંથી સાભાર)
Your Content Goes Here




