રામકૃષ્ણ મઠ-મિશનના ભૂતપૂર્વ ઉપાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્‌ સ્વામી નિર્વાણાનંદજી મહારાજના વાર્તાલાપોમાંથી સંકલિત તેમજ ‘ઉદ્‌બોધન’ (ફાલ્ગુન, ૧૪૦૨, અંક ૨) માં પ્રકાશિત લેખના સ્વામી ચિરંતનાનંદજીએ કરેલ હિંદી અનુવાદનો ગુજરાતી ભાવાનુવાદ અહીં પ્રસ્તુત છે. – સં.

મહારાજ (સ્વામી બ્રહ્માનંદ) કહેતા હતા: દક્ષિણેશ્વરમાં રહેતી વખતે તેઓ શ્રીઠાકુરના ઓરડામાં જ સૂતા. રાત્રે જ્યારે ઊંઘ ઊડતી ત્યારે તેઓ જોતા કે કાંતો શ્રીઠાકુર એકદમ નિરવ સમાધિસ્થ બનીને બેઠા છે કે ફરીથી ભાવસ્થ બનીને ઓરડામાં ચારે તરફ ફરે છે અને ‘મા, મા’ એવો પોકાર કરે છે. એ સમયે એમના અંગ પર કપડાં લત્તા લગભગ ન રહેતા. વ્યાવહારિક આચરણમાં એમને અનેકવાર નિયમની બહાર જતા જોયા છે. પરંતુ અન્ય સમયે સ્વાભાવિક અવસ્થામાં હોય ત્યારે પોતાના મસાલાપાનના બટવાને પણ તેઓ ભૂલી ન જતા. 

એક દિવસની ઘટના મહારાજ બતાવતાં કહે છે: ‘રાતના લગભગ બે વાગ્યે શ્રીઠાકુર બટેટા, પરવળ, મસાલા એક સ્થળે વ્યવસ્થિત કરીને રાખે છે. એ સમયે શ્રીઠાકુરને પેટની તકલીફ હતી. ઝોલ (રસાવાળી શાકભાજી) અને ભાત જ ખાતા. પછીથી રાંધવાના સમયે વધારે મસાલા ન નાખી દે અથવા જરૂરથી વધારે પકવી ન દે એટલા માટે પહેલેથી જ બધું વ્યવસ્થિત ગોઠવીને એક સ્થળે રાખે છે.  શ્રીઠાકુરના ભાણેજ હૃદયે એમની આ અવસ્થા જોઈને કહ્યું: ‘મામા, આ શું કરો છો?’ શ્રીઠાકુરે ત્યારે કહ્યું : ‘કાલના ઝોલ-ભાત માટે બધું વ્યવસ્થિત ગોઠવીને રાખું છું.’ એ સાંભળીને હૃદયે કહ્યું: ‘એ તો કાલને માટે. આટલી રાતે આ શું?’ શ્રીઠાકુરની અવસ્થા ક્યારે કેવી રહે તે વાત તેઓ પોતે પણ જાણતા નહિ. એવું પણ બની શકે છે કે ભાવાવસ્થામાં વિભોર બનીને તેઓ એ સમયે કોઈ અન્ય જગતમાં રહેવાના હોય એટલા માટે સ્વાભાવિક અવસ્થામાં તેઓ આ બધું વ્યવસ્થિત કરીને રાખી રહ્યા છે. હૃદયના પ્રશ્નના ઉત્તરમાં શ્રીઠાકુરે આટલું જ કહ્યું: ‘કાલે કઈ અવસ્થામાં હું રહીશ એનું કોઈ ઠેકાણું નથી.’’

આ વાત આપણે ગહનતાથી સમજવાનો જો પ્રયત્ન કરીએ તો જ આપણે થોડી ધારણા કરી શકીએ છીએ. મહારાજ કહેતા: ‘જુઓ, યુગાવતારના આવવાથી એક શક્તિ જાગ્રત થાય છે. શ્રીઠાકુર, યુગાવતાર છે, એમના આગમનથી એક શક્તિ જાગ્રત થઈ છે. આ સુઅવસરનો લાભ લઈ લો. જો આ જન્મમાં ન થયું તો પછી ઘણા જન્મ લાગી જશે. એટલે બળપૂર્વક એમાં લાગી જાઓ, આ જન્મમાં જ થઈ જશે.’

બીજા એક દિવસે મહારાજે અમને એક વધુ આશાવાણી સંભળાવી. કથામૃતના લેખક માસ્ટર મહાશય બલરામના ઘરે આવ્યા છે. મહારાજ એ સમયે બલરામના ઘરે રહે છે. મહારાજની સાથે શ્રીઠાકુર સંબંધે વિવિધ પ્રસંગચર્ચા ચાલી રહી છે. મહારાજ જાણે કે પોતાના સ્વભાવસિદ્ધિ ભાવરાજ્યમાં નિમગ્ન છે. અપલક દૃષ્ટિ જાણે કોઈ એક અતીન્દ્રિય રાજ્યમાં વિચરણ કરી રહી છે. અચાનક તેઓ બોલી ઊઠ્યા: ‘જુઓ માસ્ટર મહાશય, આ વખતે શ્રીઠાકુરે આવીને જીવલોક અને શિવલોક – નરલોક અને દેવલોકની વચ્ચે એક Bridge- સેતુનું નિર્માણ કરી દીધું છે. હવે મનુષ્ય સરળતાપૂર્વક ભગવાન પાસે જઈ શકશે.’

શ્રીઠાકુરના મહિમાની વાત વિચારતાં વિચારતાં બાબુરામ મહારાજ (સ્વામી પ્રેમાનંદ)ની વાત યાદ આવે છે. બાબુરામ મહારાજ બેલૂર મઠના ઘાટના બંધ પાસે ઊભા છે. એમને જોઈને હું એમની પાસે ગયો. તેઓ આવેગપૂર્વક બોલી ઊઠ્યા: ‘અહીં ઊભા ઊભા જ એક દિવસ જોયું હતું (ભાવમાં દર્શન), સંપૂર્ણ જગતમાં અશાંતિરૂપી અગ્નિ ભડભડ બળી રહ્યો છે. ચારે તરફ આગ અને આગ જ! અને અહીં આવીને બધું હોલવાઈ ગયું, બધું શાંત થઈ ગયું.’ એમની વાત સાંભળીને મને એટલો બધો આનંદ થતો હતો કે ‘અહીં’ શબ્દથી એમણે કયો Mean અર્થ કર્યો? એ જાણવાની વાત એ સમયે મારા મનમાં જરાય આવી નહિ. મને લાગ્યું કે શ્રીઠાકુરને ધ્યાનમાં રાખીને જ એમણે આ વાત કરી હતી. અર્થાત્‌ સંસારમાં જે લડાઈ -ઝઘડા, મારપીટ, કતલેઆમ ચાલે છે, એ બધાનું સમાધાન એક માત્ર શ્રીઠાકુરનો આશ્રય લેવાથી જ થઈ જશે.

શ્રીઠાકુર નિત્યથી લીલામાં અવતરણ કરતી વખતે વિભિન્ન Sphere સ્તરથી બોલવાનો પ્રયત્ન કરતા. જ્યારે નિત્યમાંથી લીલામાં ૧૦૦ સીડી નીચે ઊતરી આવતા ત્યારે માત્ર ‘ઉં, ઉં’ કહેતા. મહારાજ કહેતા: ‘શ્રીઠાકુર જ્યારે સમાધિથી નીચે ઊતરતા ત્યારે તેઓ ગણગણીને કેટલીયે વાતો કહેતા, એ બધું સમજાતું પણ નહિ. ઘણીવાર પછી એમની વાતો સ્પષ્ટ થતી.’

શ્રીઠાકુર પ્રાય: બધા સમયે ભાવસમાધિમાં રહેતા. રાજા મહારાજ કહેતા: ‘સમાધિમાંથી ઊતરતી વખતે શ્રીઠાકુર હાથને મુખનો સ્પર્શ કરાવીને છાતી સુધી લઈ આવતા અને જાણે કંઈક બોલવાનો પ્રયત્ન કરતા, કંઈક કહેતા, કેટલીયે વાતો તમને કહેવા ઇચ્છું છું પણ મા જાણે કે મારું મોં દબાવી દે છે.’

બેલૂર મઠથી થોડેક દૂર બાલિમાં કલ્યાણેશ્વર શિવનું મંદિર છે. શ્રીઠાકુર કલ્યાણેશ્વર શિવનાં દર્શન કરવા ગયા હતા. રાજા મહારાજ એમની સાથે હતા. એમણે કહ્યું: ‘કલ્યાણેશ્વરનાં દર્શન કરીને શ્રીઠાકુરને એટલી ગાઢ મહાસમાધિ થઈ ગઈ. એમણે શ્રીઠાકુરને આવા પ્રકારની સમાધિમાં આ પહેલાં ક્યારેય જોયા ન હતા. આખું મંદિર પ્રકાશથી ઝગમગી ઊઠ્યું. શ્રીઠાકુર અને કલ્યાણેશ્વર શિવ એક જ થઈ ગયા હતા.’ કલ્યાણેશ્વર સ્વયંભૂ લિંગ છે. અત્યંત જાગ્રત છે. રાજા મહારાજ પ્રાય: મંદિરમાં જતા. અત્યારે પણ મઠમાંથી દર સોમવારે કલ્યાણેશ્વર શિવ માટે પૂજા સામગ્રી મોકલવામાં આવે છે. શ્રીઠાકુરના આગમનથી જ સત્યયુગનો આરંભ થયો છે. અત: આપણે બધાએ સત્યયુગમાં જન્મ લીધો છે, આપણે બધા સત્યયુગના મનુષ્ય છીએ. 

હું દરરોજ કથામૃત વાંચું છું. કથામૃત વાંચવાથી દરરોજ એમાં નાવીન્ય અનુભવાય છે. દરરોજ શ્રીઠાકુરના એકેએક શબ્દનો નવો નવો અર્થ સમજાય છે. એનું કારણ બીજું કંઈ નથી પરંતુ ‘અનંતભાવમય’ શ્રીઠાકુર જે ભાવરાજ્યમાં સ્થિત રહીને વાતચીત કરતા; એ ભાવરાજ્યમાં જ્યાં સુધી કોઈ ન પહોંચી શકે ત્યાં સુધી એમની વાતો અને તેનો અર્થ વાચક પોતે પોતપોતાના ભાવ પ્રમાણે દરરોજે દરરોજ જુદો જુદો અનુભવ કરવાના. ક્યારેક ક્યારેક જો ‘કથામૃત’માં શ્રીઠાકુરની કોઈ વાત વિશેષ ભાવે મનમાં પ્રવેશી જાય છે, એ વાત પર જ્યારે ચિંતન મનન કરતા રહે તો, ત્યારે ક્રમશ: જોવા મળતું કે એ શબ્દના વિભિન્ન અર્થ મનમાં આવતા રહે છે; પરંતુ એ બધું એમની વાતોનો બરાબર બંધ બેસતો અર્થ હોય એવું ન પણ હોઈ શકે. શ્રીઠાકુરની વાતોને બરાબર સમજવા માટે સાધનભજન કરીને મનને શુદ્ધ કરવું પડશે. તેઓ જે સ્તરે, જે ઉચ્ચભૂમિમાં સ્થિત રહીને વાતચીત કરતા એની બરાબર ઉપલબ્ધિ કરવા માટે સાધનભજન દ્વારા મનને પવિત્ર બનાવીને એ સ્તર સુધી ઉપર લઈ જવું પડશે.

‘કથામૃત’માં જેની વાતો આપણે વાંચીએ છીએ તેઓ કોઈ સાધારણ માનવ ન હતા. સ્વયં જગદંબાએ એમના દેહનો આશ્રય લઈને પોતાની લીલા કરી હતી. તેઓ અને જગજ્જનની અભિન્ન હતાં. મહારાજ પાસેથી એક ઘટના સાંભળી હતી: 

એક દિવસ દક્ષિણેશ્વરમાં શ્રીઠાકુરે મહારાજને એમની ચરણસેવા કરવા માટે કહ્યું. મહારાજ પણ સેવામાં લાગી ગયા. થોડીવાર પછી મહારાજે જોયું તો ભવતારિણી મંદિર કાલીમંદિરની ભીતરથી એક શ્યામા બાલિકા ધીરે ધીરે શ્રીઠાકુરના ઓરડામાં પ્રવેશ કરે છે અને શ્રીઠાકુરની તરફ આગળ વધે છે, ક્ષણવારમાં જ એ શ્યામા બાલિકા શ્રીઠાકુરના શ્રીઅંગમાં મળી-ભળી જાય છે. મહારાજના મનમાં સંદેહ થયો કે શું એમણે કાંઈ ભ્રામક કે ખોટું જોયું છે? એ સમયે અંતર્યામી શ્રીઠાકુર મહારાજને કહે છે: ‘શું  (ચરણસેવાનું) ફળ તરત જ મળી ગયું ને!’

Total Views: 219

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.