વનમાં જતી વખતે ભગવાન રામનો ઋષિ વાલ્મીકિ સાથે મેળાપ થયો હતો. રહેવા માટે કોઈ યોગ્ય સ્થાન અંગે ભગવાન રામે ઋષિને પૂછ્યું. વાલ્મીકિએ જે જવાબ આપ્યો તે રામચરિતમાનસમાં ‘રામ-નિવાસ’ના નામથી પ્રસિદ્ધ છે. (અ. કા. ૧૨૫ થી ૧૩૨) ઋષિએ કહ્યું કે “પ્રભુ, પહેલાં એ તો બતાવો કે, આપ ક્યાં નથી? આપ તો હંમેશાં સર્વત્ર વિરાજમાન છો. જો આપ નિવાસ જ કરવા માગતા હો તો એવા ભક્તોનાં હૃદયમાં નિવાસ કરો કે, જેમના મુખેથી સદા આપના નામનો જપ થાય છે, જેમના હાથ આપની સેવા કરે છે અને જેમના પગ સદા આપનાં તીર્થોનું ભ્રમણ કરે છે, જેઓ નેત્રોથી આપના શ્રીવિગ્રહનું દર્શન કરે છે, તથા કાનોથી આપનાં કથામૃતોનું પાન કરે છે, જેઓ પવિત્ર અને સદાચારી છે તથા દેવ-બ્રાહ્મણ-ગુરુનું પૂજન કરે છે. આપ તેમના હૃદયમાં નિવાસ કરો.” વગેરે… ત્યાર બાદ ઋષિ વાલ્મીકિએ ભગવાનને રહેવા માટે બધી રીતે અનુકૂળ એવું સ્થાન-ચિત્રકૂટ બતાવ્યું.
આ સુંદર પ્રસંગ દ્વારા ગોસ્વામી તુલસીદાસજીએ આપણને અવતારી મહાપુરુષોને જોવા સમજવા માટે ત્રણ પ્રકારની દૃષ્ટિ પ્રદાન કરી છે. પહેલી છે દેહ તથા ભૌતિકલીલા સંબંધી ઐતિહાસિક તથા ભૌગોલિક દૃષ્ટિ. બીજી, ગુણો, ભાવો તથા આદર્શો પર આધારિત દૃષ્ટિ, તથા ત્રીજી ભાવાતીત ગુણાતીત, દેશ-કાલાતીત તત્ત્વ પર આધારિત પારમાર્થિક દૃષ્ટિ. શ્રીરામકૃષ્ણનું અધ્યયન અને અનુધ્યાન આ ત્રણે પ્રકારથી કરી શકાય છે.
શ્રીરામકૃષ્ણનો જન્મ આજથી ૧૫૫ વર્ષ પૂર્વે ફાગણ મહિનાની છઠ્ઠી તિથિએ બંગાળી સંવત ૧૭૫૭, તદનુસાર ૧૭ ફેબ્રુઆરી, ૧૮૩૬ના રોજ પૂર્વ હુગલી જિલ્લાના કામારપુકુર નામના ગામમાં થયો હતો. બાળપણમાં તેમને ત્રણ વખત ભાવસમાધિ થઈ હતી. પૈસાનો સંગ્રહ કરતાં શીખવે એવા શિક્ષણ પ્રત્યે અરુચિ હોવાને કારણે તેઓ વધારે વિદ્યાભ્યાસ કરી શક્યા નહીં. પિતાના અવસાન પછી ૧૬ વર્ષની ઉંમરે તેઓ પોતાના મોટા ભાઈ રામકુમારની સાથે કલકત્તા આવ્યા. તથા ઘટનાક્રમાનુસાર કલકત્તાની નજીકના દક્ષિણેશ્વરમાં નવનિર્માણ પામેલા કાલી મંદિરમાં પૂજારી નિમાયા. ત્યાર બાદ તેમની કઠોર એકનિષ્ઠ સાધનાનો ક્રમ શરૂ થયો. ઈશ્વરદર્શનની તીવ્ર વ્યાકુળતાના ફળસ્વરૂપે તેમને મા જગદંબાનાં દર્શન થયાં અને ધીરે ધીરે તેમને માટે એ સ્થાયી અને સ્વાભાવિક થઈ ગયું.
ત્યાર બાદ ભૈરવી બ્રાહ્મણી, તોતાપુરી, વગેરે ગુરુઓના માર્ગદર્શનથી શ્રીરામકૃષ્ણે તંત્ર, વૈષ્ણવ ધર્મ તથા વેદાંતની સાધના કરી અને બધાનાં ચરમ લક્ષ્યને પ્રાપ્ત કર્યાં. એટલું જ નહીં પરંતુ, ઈસ્લામ ધર્મની પણ તેમણે સાધના કરી તથા ઈસાઈ ધર્મની પણ ચરમ અનુભૂતિ પ્રાપ્ત કરી. સાધનાને અંતે તેમણે પોતાની પત્નીની દેવીના રૂપમાં ષોડષોપચાર પૂજા કરી.
સાધનાની સમાપ્તિ થતાં તેમની પાસે મુમુક્ષુઓના આગમનની શરૂઆત થઈ. તેઓ કેશવ સેન વગેરે બ્રાહ્મ નેતાઓને મળ્યા તથા તેમને પણ પ્રભાવિત કર્યા. ગુરુના રૂપમાં તેમણે અનેક યુવક સાધકોને સાધના પથ પર અગ્રેસર કર્યા, જેમાં નરેન્દ્રનાથ મુખ્ય હતા, જે આગળ જતાં સ્વામી વિવેકાનંદ થયા.
ઈ. સ. ૧૮૮૫માં તેમના ગળામાં કેન્સરનો રોગ થવાથી તેમને ઉદ્યાનભવનમાં લાવવામાં આવ્યા. ૧૬ ઓગસ્ટ, ૧૮૮૬ની રાત્રે સવા વાગ્યે તેમણે દેહત્યાગ કર્યો.
આ છે શ્રીરામકૃષ્ણની ભૌતિકલીલા. બાહ્યદૃષ્ટિથી આટલા સામાન્ય દેખાતા ઘટનાચક્ર પાછળ એક અપૂર્વ આધ્યાત્મિક ગાથા છે. શ્રીરામકૃષ્ણ ફક્ત એક ઐતિહાસિક પુરુષ જ નહોતા, તેઓ એક ભાવમય દેવમાનવ પણ હતા. સ્વામી વિવેકાનંદ તો તેમને આદર્શોના એક ઘનીભૂત વિગ્રહના રૂપમાં જોતા હતા. એ જ કારણે જે ઉપદેશોનો પ્રચાર સ્વામી વિવેકાનંદે દેશ-દેશાંતરમાં કર્યો તે બધા શ્રીરામકૃષ્ણના હોવા છતાં તેમાં ભાગ્યે જ શ્રીરામકૃષ્ણના નામ કે તેમના જીવન સંબંધી તથ્યોનો ઉલ્લેખ છે. શ્રીરામકૃષ્ણનું જીવન નૈતિક આદર્શો તથા આધ્યાત્મિક સત્યોના વિકાસ તથા અભિવ્યક્તિનો એક અદ્ભુત ઇતિહાસ છે, જેને પ્રસિદ્ધ સાહિત્યકાર ક્રિસ્ટોફર ઈશરવુડ “The story of a phenomenon” કહેવાનું વધારે ઉપયુક્ત સમજે છે.
સાધનાની શરૂઆતમાં શ્રીરામકૃષ્ણના મનમાં એક પ્રશ્ન ઊઠ્યો હતો, જે વિશ્વના બધા દેશો તથા સમગ્ર સમયના સાધકોના મનમાં ઊઠતો રહ્યો છે. “શું ઈશ્વર છે?” આ અનિત્ય ક્ષણભંગુર જગતની પાછળ શું કોઈ સ્થાયી, નિત્ય સત્તા છે? જો છે તો સાક્ષાત્કાર થઈ શકે? આ પ્રશ્નનો ઉત્તર તેમણે તીવ્ર વ્યાકુળતા તથા એકનિષ્ઠ દીર્ઘ કઠોર સાધના દ્વારા મેળવ્યો. સાધનાના સમય દરમિયાન તેઓ મૂર્તિમાન સાધના જ બની ગયા હતા. તેમની વ્યાકુળતા એવી હતી કે વર્ષો સુધી તેમની આંખમાંથી ઊંઘ ગાયબ થઈ ગઈ; તેમનું સ્થાન તથા સમયનું ભાન ચાલ્યું ગયું. સંસાર વિસ્તૃત થઈ ગયો તથા આટલા પ્રિય દેહને પણ તેઓ ભૂલી ગયા. અંતમાં તેમને ઈશ્વરનાં દર્શન થયાં. જે સિદ્ધિ પ્રાપ્ત કરતાં સામાન્ય સાધકોને અનેક જન્મો લાગી જાય છે તે તેમણે તીવ્ર સંવેગ દ્વારા ફક્ત છ મહિનામાં જ પ્રાપ્ત કરી. તેઓ કહેતા કે, ઠીક-ઠીક વ્યાકુળ થઈને પોકારવાથી ઈશ્વરનાં દર્શન થાય છે. તેમનો અપરિગ્રહ એવો હતો કે એક પડીકી મુખવાસ પણ લઈ શકતા નહોતા. બ્રહ્મચર્યમાં પ્રતિષ્ઠા એવી હતી કે, અજાણ્યે કોઈ સ્ત્રીનો સ્પર્શ થઈ જતાં હાથ મરડાઈ જતો હતો અને તેમાં પીડા થવા લાગતી હતી. સોનાનો ત્યાગ એવો હતો કે ધાતુનો સ્પર્શ થતાં જ હાથમાં દાહ પેદા થતો. તેમની સત્યનિષ્ઠા એવી હતી કે વચન પ્રમાણે કાર્ય ન થઈ શકતાં તેમના પગ આગળ ચાલી જ ન શકતા. શ્રીરામકૃષ્ણની આવી અભૂતપૂર્વ સાધના તથા સિદ્ધાવસ્થાને જોઈને ફ્રાંસના પ્રસિદ્ધ સાહિત્યકાર રોમાં રોલાંએ લખ્યું છે કે, “તેમનું જીવન અસંખ્ય નર-નારીઓની ત્રણ હજાર વર્ષની આધ્યાત્મિક આશાઓ અને આકાંક્ષાઓનું ઘનીભૂત પ્રતિરૂપ હતું.” તાત્પર્ય એ છે કે, તેમના આંતરિક જીવનમાં ઉચ્ચ આધ્યાત્મિક ભાવોનો એક એવો પ્રવાહ વહેતો હતો કે જાણે ઇતિહાસ અને ભૂગોળ તથા દેશ અને કાળની સીમાઓનું તીવ્રતાથી અતિક્રમણ કરી નાખ્યું હતું.
પારમાર્થિક દૃષ્ટિથી શ્રીરામકૃષ્ણ પરબ્રહ્મ પરમેશ્વર છે. તેઓ એ જ સગુણ ઈશ્વર છે કે જે યુગે-યુગે ધર્મસંસ્થાપનાને અર્થે ધરતી પર અવતારના રૂપમાં આવે છે.
ઉપર્યુક્ત રૂપે વર્ણિત-ઐતિહાસિક, આધ્યાત્મિક તથા પારમાર્થિક રૂપે વર્ણિત-શ્રીરામકૃષ્ણનાં આ ત્રણેય રૂપોનું ભક્તો માટે મહત્ત્વ છે. પ્રારંભિક અવસ્થામાં જ્યારે ભક્તનો દેહાત્મબોધ પ્રબળ હોય છે ત્યારે તેને સ્થૂળ આશ્રયની જરૂરત હોય છે, કે જેના દ્વારા તે મનને ઈશ્વરાભિમુખ કરી શકે. તે શ્રીરામકૃષ્ણની પ્રતિમા કે ચિત્રની પૂજા દ્વારા સાધનાનો આરંભ કરે છે. શ્રીરામકૃષ્ણનું જન્મસ્થાન કામારપુકુર, તેમનું સાધના સ્થળ દક્ષિણેશ્વરનું મંદિર, કે ત્યાં આવેલ પંચવટી તથા અન્ય લીલાસ્થાન કાશીપુર ઉદ્યાન ભવન તેમને માટે પરમ પવિત્ર તીર્થ બની જાય છે. શ્રીરામકૃષ્ણનો સ્પર્શ પામેલી દરેક વસ્તુ પૂજાને યોગ્ય બની જાય છે. શ્રીરામકૃષ્ણ તથા તેમના અંતરંગ પાર્ષદોના જન્મદિવસે તેઓ શ્રીરામકૃષ્ણની માનવલીલાનું ધ્યાન ધરીને પોતાને ધન્ય માને છે. પરંતુ આધ્યાત્મિક વિકાસના ક્રમમાં એક સમય એવો આવે છે કે, ભક્ત શ્રીરામકૃષ્ણનાં પ્રત્યક્ષ દર્શન માટે વ્યગ્ર થઈ જાય છે. તે વિચારે છે, “કામારપુકુર, દક્ષિણેશ્વર, વગેરે તીર્થસ્થાનોની યાત્રા તો ઘણી વાર કરી પરંતુ શ્રીરામકૃષ્ણનાં દર્શન તો એકેય વખત થયાં નહીં. યાત્રાધામો તો બધાં એ જ છે પરંતુ શ્રીરામકૃષ્ણ નથી.” સ્થૂળ દેહમાં અવિદ્યમાન હોવા છતાં ભાવરૂપમાં તેઓ વિદ્યમાન છે એ પ્રકારનો અનુભવ ભક્તો અંતર્મુખી હોવાને કારણે કરે છે ને કહે છે, “જો હું ધર્મનિષ્ઠ તથા ન્યાયપરાયણતા રૂપી ક્ષુદીરામ અને સરલતા તથા પવિત્રતા રૂપી ચંદ્રામણિદેવીની પ્રતિષ્ઠા મારા હૃદયમાં કરીશ તો મારું હૃદય જ કામારપુકુર બની જશે અને ત્યાં ભગવાનનો આવિર્ભાવ થશે. ઈશ્વરદર્શનને જીવનનું લક્ષ્ય બનાવવાથી અને ઈશ્વરદર્શન માટે વ્યાકુળ થવાથી મારું હૃદય જ દક્ષિણેશ્વર બની જશે. જગત-કલ્યાણની ભાવનાથી પ્રેરિત થઈને પોતાના જીવનને ઉત્સર્ગ કરવાથી મારું આ જ હૃદય કાશીપુરનું ઉદ્યાનભવન થઈ જશે.” અંતે ભક્ત એવો અનુભવ કરે છે કે, જે શ્રીરામકૃષ્ણને તે બાહ્ય જગતમાં તથા સાધનામાં શોધતા હતા, તે તો હંમેશાં તેમના હૃદયમાં વિદ્યમાન હતા. તે પોતાનો અંતરાત્મા જ છે. તેનું વાસ્તવિક સ્વરૂપ જ શ્રીરામકૃષ્ણ જ છે. ફક્ત તે તેને ભૂલી ગયો હતો.
શ્રીરામકૃષ્ણના પારમાર્થિક રૂપનો પ્રત્યક્ષ અનુભવ કરવો તથા એમ જાણવું કે શ્રીરામકૃષ્ણ અંતર્યામી સાધકના આત્માના પણ આત્મા, પરમાત્મા છે, ભક્ત-સાધકની સાધનાનું ચરમ લક્ષ્ય છે.
ઉપર મુજબ વર્ણન કરેલ શ્રીરામકૃષ્ણનાં ત્રણ રૂપો આધ્યાત્મિક વિકાસનાં ત્રણ સ્તર છે. ઈષ્ટના સ્થૂળ રૂપનું ચિંતન, તેમની માનવી લીલાનું ધ્યાન તથા તેના સંબંધિત ઐતિહાસિક ગવેષણા ઉપયોગી સોપાન હોવા છતાં શરૂઆત જ આ છે. શ્રીરામકૃષ્ણ દ્વારા પ્રતિપાદિત આધ્યાત્મિક ભાવોને જીવનમાં વણી લીધા સિવાય તથા તેમના જીવન અને ઉપદેશ દ્વારા પ્રકાશિત આદર્શો અનુસાર જીવનનું બંધારણ કર્યા સિવાય ફક્ત ઐતિહાસિક ગવેષણાનું કોઈ આધ્યાત્મિક મૂલ્ય નથી. અનંત ભાવમય શ્રીરામકૃષ્ણના ભાવોની કોઈ ‘ઇતિ’ નથી એ યાદ રાખીને સાધકે સદા આગળ વધતા રહેવું જોઈએ.
ભાષાંતર : શ્રીમતી પુષ્પાબહેન પંડ્યા
Your Content Goes Here




