(ગતાંકથી આગળ)

શ્રીઠાકુર આવી ભાવાવસ્થા અનેક વાર અનુભવતા. અનેક વાર એમના મનની આવી અવસ્થા થઈ જતી અને તેઓ સંસારના કોઈ વિષય પર ઊતરી ન આવતા. આ વિશે એક ઘટનાનો ઉલ્લેખ કરું છું: શ્રીઠાકુર બાગબજારમાં શ્રીબલરામ બોઝના ઘરે પધાર્યા હતા. એમના દર્શન માટે નરેન્દ્ર વગેરે અનેક યુવાન ભક્તો ભેગા થયા હતા. અતીન્દ્રિય વિષયોની અનુભૂતિના વિષયમાં વાત કરતાં અણુ વીક્ષણ-સૂક્ષ્મદર્શક યંત્રની વાત નીકળી. નરી આંખે જે ન જોઈ શકાય તેવા સૂક્ષ્મ પદાર્થો-જીવાણુઓ આ સૂક્ષ્મદર્શક યંત્રથી જોઈ શકાય. આ સાંભળી શ્રીઠાકુરે આવા યંત્રથી એકાદ-બે વસ્તુઓ જોવાની ઇચ્છા પ્રકટ કરી. પૂછતાં જણાયું કે આવેલા યુવા ભક્તોમાંથી એક પાસે આવું યંત્ર હતું. તે ડોક્ટર હતો. મેડિકલની પરીક્ષા થોડા સમય પહેલાં જ વિશેષ યોગ્યતા સાથે પાસ કરી હતી અને આવું યંત્ર એના સન્માનાર્થે એને પુરસ્કાર રૂપે મળ્યું હતું. એને સૂચના આપી હતી એટલે એ દૂરબીન સાથે લાવ્યો હતો. એણે બધું ગોઠવીને શ્રીઠાકુરને બોલાવ્યા. શ્રીઠાકુર ઊભા થયા, એ જોવા આગળ આવ્યા પણ, કંઈ જોયા વિના જ પાછા આવી ગયા. એમના આ રીતે આવી જવાના કારણ વિશે પૂછતાં એમણે કહ્યું, ‘મન એટલી ઉચ્ચકક્ષાએ છે કે તેને નીચે ઉતારી શકતો નથી.’ સૂક્ષ્મદર્શક યંત્રમાં જોવા માટે જેટલી કક્ષાએ મનને નીચે લાવવું પડે તે કક્ષા સુધી શ્રીઠાકુર પોતાના મનને ઉતારી ન શક્યા. એમનું મન કેમેય કરીને નીચે ન ઊતર્યું. પરિણામે એમને સૂક્ષ્મદર્શક યંત્રમાંથી જોવાનું શક્ય ન બન્યું.

આવું હતું શ્રીઠાકુરનું મન. એમનું મન સ્વાભાવિક રૂપે જ ઊર્ધ્વગામી રહેતું, તે જગદાતીત (દેહ જગતથી ઘણું ઘણું દૂર-ઉચ્ચ કક્ષા) તત્ત્વ તરફ વળેલું હતું – પહોંચ્યું હતું. આ મનને પ્રયત્નપૂર્વક ખેંચીને ધરાતલ પર લાવવું પડતું. આમ કરવાની શી આવશ્યકતા હતી? એમને પોતાને માટે તો આની કોઈ જરૂર ન હતી, છતાં ય  તેઓ શા માટે મનને આવી રીતે ખેંચીને નીચે લાવતા-ઉતારતા? એ બધું આપણા માટે જ કરતા. આ ઇંદ્રિયાતીત આનંદનો અનુભવ અને એ આનંદનું ઉદ્‌ભવસ્થાન તેઓ આપણને બતાવવા માગતા હતા. એટલા માટે પોતાના સમાધિભાવના આનંદની પણ એમણે ઉપેક્ષા કરી હતી. તેઓ કહેતા, ‘મા, તું મને બેહોશ ન બનાવ – સમાધિના આનંદમાં જ ડૂબેલો ન રાખ. હું તો આ બધા લોકો સાથે વાતચીત કરીશ.’ આ વાતચીત કરવાની વળી શી જરૂર હતી? તેઓ તો આનંદવિભોર હતા. જેઓ ‘આત્મરતિ:’ ‘આત્મતૃપ્ત:’ અને ‘આત્મનિ એવ સંતુષ્ટ:’ હતા. તેઓ આપણા માટે એટલા બધા વ્યાકુળ થઈ ગયા કે શ્રીમાને-કાલીમાને પ્રાર્થના કરે છે: ‘મા, મને બેહોશ ન કર, હું એ બધા લોકો સાથે વાતચીત કરીશ.’ અને એમણે વાતચીત પણ કરી. અને એટલે જ આ ‘કથામૃત’આ ધરતી પર સર્વત્ર પીરસાઈ રહ્યું છે. શ્રીઠાકુરના મનની  આ અતીન્દ્રિય તત્ત્વ પ્રત્યેની ગતિ એ સહજ ગતિ હતી. આ મનને તેઓ વાળીને બાંધીને નીચે ઉતારી લાવતા હતા. એમને વારંવાર સમાધિભાવ થતો. એટલે એમને એ અસંતોષ રહેતો કે આ સમાધિ અવસ્થા એમને ભક્તો સાથે વાતચીત કરવા દેતી નથી. જે સમાધિભાવ માટે ઋષિ-મુનિઓ જન્મજન્માંતર સુધી સાધના કરતા રહે છે, તપશ્ચર્યા કરતા રહે છે, એ જ સમાધિભાવ એમની પાસે વારંવાર આવે છે; પણ તેઓ તેની ઉપેક્ષા કરે છે, એનાથી અસંતુષ્ટ થઈ જાય છે- ‘જો હું આવી રીતે સમાધિભાવમાં જ લીન રહું તો મારા આ જગતમાં અવતરણની સાર્થકતા જ શી?’

શ્રીઠાકુરે આ પ્રસંગને વાર્તાના માધ્યમથી સમજાવી દીધો. ત્રણ મિત્રો મેદાનમાં ફરવા ગયા. ફરતાં ફરતાં ઊંચી દીવાલોથી ઘેરાયેલું એક સ્થાન જોયું. એની અંદરથી ગાન-વાદ્યનો મધુર ધ્વનિ આવતો હતો. અંદર આ શું ચાલે છે એ જોવાની એમને ઇચ્છા થઈ. એમાંનો એક ક્યાંયથી વાંસની નિસરણી લઈ આવ્યો. અને એનાથી એ દીવાલ પર ચડી ગયો. અંદર નજર કરતાંની સાથે તે એટલો આનંદવિભોર થઈ ગયો કે હસતાં હસતાં એ નીચે કૂદી પડ્યો. આ જોઈને બીજો મિત્ર પણ ઉપર ચડ્યો અને એ ય પોતાની જાતને સંભાળી ન શકતાં હસતાં હસતાં નીચે કૂદી પડ્યો. એ જોઈને ત્રીજો મિત્ર પણ નિસરણીની મદદથી ઉપર ચડ્યો. અંદર ચાલતો આનંદમેળો એની નજરે પણ પડ્યો. પહેલાં તો એને પણ થયું કે પોતે જ આ આનંદમમેળામાં ભળી જાય પરંતુ એણે વિચાર્યું કે જો હું ય આ આનંદમેળામાં ભળી જાઉં તો બહારના લોકોને અહીં આવું આનંદનું સ્થાન છે એનો ખ્યાલ પણ નહીં આવે. શું હું એકલો જ આ આનંદનો ઉપભોગ કરું? આમ વિચારીને તેણે પ્રયત્નપૂર્વક પોતાના મનને પાછું વાળી લીધું અને નીચે ઊતરી ગયો. જે મળ્યા એને એ કહેતો, ‘ભાઈ, સાંભળો. અહીં આનંદભર્યું સ્થળ છે. ચાલો, આપણે સૌ સાથે મળીને એને માણીએ.’

આ ત્રીજો મિત્ર એટલે સ્વયં શ્રીઠાકુર. તેઓ એકલા આ આનંદનો ઉપભોગ કરવા નહોતા આવ્યા, પરંતુ આ અક્ષુણ્ણ આનંદભંડારને આપણા સૌ માટે ખુલ્લો કરવા-મૂકવા આવ્યા હતા. એટલે જ તેમને પોતાના સમાધિ-ભાવના આનંદની ઉપેક્ષા કરવી પડે છે. આ શ્રીઠાકુરની ધ્યાનમાં રાખવા જેવી વિશિષ્ટતા છે. જેને આપણે યાદ રાખવી પડશે.

શ્રીઠાકુરનો માનવપ્રેમ

‘લીલાપ્રસંગ’માં શ્રીઠાકુરના જીવનનું વિશ્લેષણ કરતાં ઘણી વાતોની ચર્ચા થઈ છે. એમાંની એક છે: શ્રીઠાકુરના જીવનની દરેક ઘટના પાછળ એક ઉદ્દેશ્ય દેખાય છે. આ ઉદ્દેશ્ય ક્યો છે? ‘જગત કલ્યાણ’ ‘સંસાર-જગતને શિક્ષણબોધ’-બધું જ બીજા માટે, પોતાને માટે કંઈ જ નહીં. આ વાતને સમજવા આપણે ઘણી ઝીણવટથી એમના જીવનનું પરિશીલન અનુશીલન કરવું પડશે. આપણે વધારે તો ન સમજી શકીએ, પણ એટલું તો આપણી સમજણમાં આવી જ જાય છે કે શ્રીઠાકુર તો ઇચ્છામાત્રથી સમાધિના આનંદમાં લીન રહી શકતા હતા. પણ આપણા માટે જ તેઓ સમાધિ-સુખની પણ ઉપેક્ષા કરી રહ્યા છે. જગન્માતા સાથે ઝઘડતાં કહે છે: ‘મા, તું મને બેભાન (સમાધિમાં) કેમ કરી દે છે! મારે તો આ બધા લોકો સાથે વાતો કરવી છે.’ તેઓ જાણતા હતા કે ઈશ્વરના સંબંધે આપણામાં ઘોર અજ્ઞાન છે. કાં તો આપણે સંસારનાં સામાન્ય સુખોમાં રચ્યાપચ્યા રહીએ છીએ કે પછી દુ:ખોથી થાકી હારીને હાય-વોય કરીએ છીએ. આ સુખદુ:ખથી પાર થવા – પર થવા માટેનો માર્ગ ચીંધવા શ્રીઠાકુરનો જીવ વ્યાકુળ રહેતો. માત્ર પોતાનો પ્રાણ જ નહીં પણ એમના સાક્ષાત્ શિષ્યો પાર્ષદોના પ્રાણ પણ આ જ રીતે વ્યાકુળ-બેચેન રહે એ માટે એમણે પ્રયાસો કર્યા અને એ જ પ્રમાણે પોતાના શિષ્યોને એમણે તૈયાર કર્યા, એમનું ઘડતર કર્યું. નરેન્દ્રનાથ સમાધિ-ભાવમાં ડૂબી જવા માગતા હતા. એને ધિક્કારતાં શ્રીઠાકુરે કહ્યું હતું: ‘છિ:, છિ:, તું આટલો મોટો આધાર અને તારા મુખે આવી વાત! તું એક વિશાળ વટવૃક્ષની જેમ ફેલાઈશ અને હજારો લોકો એનો આશ્રય લેશે. ક્યાં એવા એ ભાવ અને ક્યાં તારી આ હીન-સ્વાર્થી બુદ્ધિ! માત્ર (તારી)પોતાની મુક્તિની જ ઇચ્છા! તારા મુખે આ કેવી તુચ્છ વાત! ના, તારી દૃષ્ટિ આટલી સંકુચિત ન રાખ, ન બનાવ.’ આવી જ વાત શ્રીઠાકુરે શ્રી શ્રીમાને પણ કરી હતી, ‘જુઓ, કલકત્તાના લોકો જાણે કે અંધારામાં કીડાની જેમ ખદબદી રહ્યા છે. તમે એના તરફ કૃપાનજર કરજો.’

એમનું જીવન તો આપણા માટે સમર્પિત જીવન હતું. અને જે લોકો એમના લીલાસહચરરૂપે આવ્યા એ બધાને પણ એમણે ‘જગત્ હિતાય’ – જગતના કલ્યાણ અર્થે – એ મંત્રથી ઉદ્‌બુદ્ધ કર્યા હતા – ભરી દીધા હતા. એમણે કહ્યું હતું: ‘તમારા જીવનનો જે આનંદ છે એ અસીમ આધ્યાત્મિક આનંદને તમે એકલા જ ભોગવવા આ જગતમાં – સંસારમાં નથી આવ્યા. તમે તો જન્મ્યા છો – આવ્યા છો સમગ્ર જગતને આ અસીમ આનંદનું ઠામ-ઠેકાણું બતાવવા.’ આ જ છે શ્રીઠાકુરના જીવનની મૌલિક વિશિષ્ટતા એમણે પોતાને માટે કંઈ નથી કર્યું. એમણે જે કંઈ કર્યું એ બધું જગતના બધા લોકો માટે જ કર્યું છે. એમણે એ માટે શું કર્યું? મનુષ્યોને દુ:ખ-કષ્ટોથી પાર લઈ જવા, જે આનંદથી તેઓ અજ્ઞાત છે તેની જાણ કરવી – તેનાથી તેમને જ્ઞાત કરવા. માત્ર એની જાણ ન કરવી પરંતુ એમનો હાથ પકડીને એ આનંદના નિર્દિષ્ટ સ્થાન સુધી પહોંચાડી દેવા.

તેઓ કહેતા, ‘મારે જે કરવાનું હતું તે કરી આપ્યું છે. તમારે હવે વધારે કંઈ કરવાનું રહેશે નહીં, આ પ્રકાશના અજવાળે અજવાળે ચાલ્યા આવો.’ તેઓ કહેતા, ‘પીરસેલા ભાણે બેસી જાઓ. રસોઈ-બસોઈ તો તૈયાર જ છે.’ એમણે કુશળ ગૃહિણીની જેમ ભોજન-ભાવતાં ભોજન રાંધીને તૈયાર રાખ્યાં છે અને થાળી પણ પીરસી દીધી છે. આપણે તો માત્ર જમવા બેસવાનું છે, થાળીમાંથી કોળિયો લઈને મોંમાં મૂકવાનો છે. આગ તો લગાડી જ દીધી છે, હવે માત્ર તાપવાનું જ છે. જેવી જેની જરૂરત એ પ્રમાણે એમણે જાણે કે બધું પહેલેથી જ તૈયાર કરીને રાખ્યું છે અને બોલાવી બોલાવીને કહે છે, ‘ભાઈ તમે આવો, આવીને આ અસીમ આનંદને માણો.’ માત્ર બોલાવે છે એટલું જ નહીં રસ્તો ય ચીંધે છે. પ્રોત્સાહન આપે છે. શક્તિ-બળ પણ અર્પે છે અને આ વિકટ પથનાં વિઘ્નોને-આડખીલીઓને પોતાના હાથે જ હટાવી દે છે. અને આ બધું માત્ર બે-ચાર ગણી ગાંઠી વ્યક્તિઓ માટે જ નથી કરતા, માત્ર પોતાની સન્મુખ રહેલા થોડાક પાર્ષદો-સાક્ષાત્ શિષ્યો માટે નથી કરતા, પરંતુ એ બધું સંસારના-જગતના સમસ્ત માનવ સમુદાય માટે કરી રહ્યા છે. આ પહેલાં કહેવાયું છે કે પોતાના શિષ્યોને શ્રીઠાકુરે આ જ રીતે ઘડ્યા છે કે જેથી તેઓ એમના આ મિશનને-ધ્યેયને (જગત્ હિતાય) અને પોતાના જીવનના ઉદ્દેશ્યની પૂર્તિ માટે (આત્મનો મોક્ષાર્થમ્)માં સહાયક બને.

પોતાના સ્થૂલ દેહમાં રહીને એમને જેટલા કાર્યશીલ જોયા છે એના કરતાં હજારો-લાખો ગણા કાર્યશીલ આજે ય તેઓ છે. સૂક્ષ્મદેહે, અક્ષર દેહે રહીને આજે સમગ્ર જગતમાં તેઓ જે કાર્ય કરી રહ્યા છે એની માત્ર એક ઝલક-ઝાંખી જ આજે આપણી નજરે આવે છે. સ્વામી વિવેકાનંદે કહ્યું છે, ‘યુગો યુગો પછી આ બધું થશે, આજે તો એનો આભાસ જ આપણને દેખાય છે. પૂરેપૂરું ચિત્ર તો હજી આપણી સામે નથી એ જ પૂર્ણ ચિત્ર ક્રમશ: જાણે કે સ્પષ્ટ થતું જાય છે અને એના આ ક્રમિક-પ્રસ્ફૂટન-સ્પષ્ટ દર્શનનો માત્ર આભાસ આપણી સમક્ષ આવે છે. એ જોઈને આપણે અવાક બની જઈએ છીએ, આશ્ચર્ય અનુભવીએ છીએ અને વિચારીએ છીએ કે યુગો પછી આ બધું કોણ જાણે કેટલું મહાન હશે!

Total Views: 253

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.