(રામકૃષ્ણ મઠ-મિશનના ૧૨મા પરમાધ્યક્ષ બ્રહ્મલીન શ્રીમત્ સ્વામી ભૂતેશાનંદજી મહારાજે રામકૃષ્ણ યોગોદ્યાન મઠ, કાંકુડગાચ્છીમાં સાપ્તાહિક સત્સંગ રૂપે ‘શ્રીરામકૃષ્ણ વચનામૃત’ પર આપેલ વ્યાખ્યાનોના હિંદી સંસ્કરણ ગ્રંથ-૩માંથી ગુજરાતી અનુવાદ ભાવિકોના લાભાર્થે અહીં પ્રસ્તુત છે. આ પહેલાં ગ્રંથ ૧ અને ૨ના આધારે ‘કથામૃત-પ્રસંગ’ એ નામે એક પુસ્તક ગુજરાતીમાં બહાર પડી ચૂક્યું છે. – સં.)

૨૨ ઓક્ટોબર, ૧૮૮૫, ઈંદ્રિયોની દિશા બદલવી

શ્રીરામકૃષ્ણ જેમને જ્ઞાન હોતું નથી, એવા લોકો વિશે વાત કરી રહ્યા છે; વિદ્યા, પાંડિત્ય અને ધનનો અહંકાર રહે તો જ્ઞાન થતું નથી. અર્થાત્ જ્ઞાનપ્રાપ્ત કરવા માટે એ જ્ઞાનને નડતર રૂપ અહંકારને છોડવો પડે. અહંકાર ભિન્ન ભિન્ન પ્રકારના ગુણોથી નીપજે છે. એને સમજાવવા માટે તેઓ કહે છે: ‘તમોગુણનો સ્વભાવ અહંકાર છે. અહંકાર અજ્ઞાનથી થાય છે.’ રજોગુણના બીજાં બે વધુ લક્ષણ છે – કામ અને ક્રોધ. ગીતામાં કહ્યું છે કે ‘કામ એષ ક્રોધ એષ રજોગુણ-સમુદ્ભવ:’ શ્રીઠાકુર તમસ અને રજસને અલગ ન કરીને એમને વધારે વ્યાપક અર્થમાં કહે છે કે તેઓ બંને મનુષ્યને બદ્ધ કરી દે છે અને સત્ત્વગુણ મનુષ્યને મુક્ત કરે છે. ‘ક્રોધમાં ઉચિત અને અનુચિતનું જ્ઞાન રહેતું નથી. હનુમાને લંકાને સળગાવી દીધી પણ એમને એ જ્ઞાન નથી કે એને લીધે સીતાજીની કુટિર પણ સળગી જશે.’ ક્રોધમાં આપણી બુદ્ધિ વગેરે લુપ્ત થઈ જાય છે. એને આપણે સ્પષ્ટ રૂપે સમજીએ પણ છીએ. આપણે કહીએ છીએ ‘એ વખતે હું ગુસ્સામાં હતો, મને ભાન ન રહ્યું.’ ભગવાન શ્રીકૃષ્ણ ગીતા (૨.૬૨-૬૩)માં કહે છે:

ध्यायतो विषयान्पुंसः सङ्गस्तेषूपजायते।
सङ्गत्सञ्जायते कामः कामात्क्रोधोऽभिजायते॥

વિષયોનું ચિંતન કરનાર પુરુષની તેમાં આસક્તિ થાય છે. આસક્તિથી કામના અને કામનામાંથી ક્રોધ પ્રગટે છે.

क्रोधाद्भवति सम्मोहः सम्मोहात्स्मृतिविभ्रमः।
स्मृतिभ्रंशाद् बुद्धिनाशो बुद्धिनाशात्प्रणश्यति॥

ક્રોધથી મૂઢતા ઉત્પન્ન થાય  છે, મૂઢભાવથી સ્મૃતિમાં ભ્રમ ઉત્પન્ન થાય છે. આ સ્મૃતિભ્રમથી  બુદ્ધિનો – જ્ઞાનશક્તિનો નાશ થાય છે, અને બુદ્ધિના નાશથી મનુષ્ય નાશ પામે છે.

આ બધું એક એક કરીને થાય છે. પહેલાં વિષય સાથે સંબંધ થાય છે. ભોગ્ય વિષયોમાં રહીને એમનું ચિંતન કરતાં કરતાં ક્રમશ: આ બધાં સારાં લાગે છે અને એનાથી મનમાં એમને માટે કામના જાગે છે. ત્યાર પછી એ કામના કે ઇચ્છિત વસ્તુની પ્રાપ્તિમાં જે કંઈ પણ બાધક હોય તેના પર ક્રોધ આવે છે. એટલે જ કામથી ક્રોધ ઉત્પન્ન થાય છે, ક્રોધથી મોહ એટલે કે હિત-અહિત ન જોનાર જ્ઞાનશૂન્યતા આવી જાય છે. મોહથી સ્મૃતિભ્રંશ આત્મજ્ઞાન કે પોતાના લક્ષ્ય વિશે જે સ્મૃતિ છે તે નાશ પામે છે. સ્મૃતિ ભ્રંશ થાય, લક્ષ્ય ભ્રષ્ટ થાય એટલે મનુષ્યની બુદ્ધિ નાશ પામે છે. ‘નિશ્ચય કરવાની ક્ષમતા’ એવો બુદ્ધિનો અર્થ છે. હું આ પથ પર ચાલીશ, આ મારું લક્ષ્ય છે, આ નિશ્ચયાત્મિકા બુદ્ધિનો નાશ થાય છે અને બુદ્ધિનો નાશ થાય એટલે મનુષ્ય પાસે રહે શું? મનુષ્યનો જ નાશ થઈ ગયો.

અહીં ધ્યાન આપવા જેવી વાત એ છે કે શ્રીઠાકુરે કામ અને ક્રોધ બંનેને અલગ કરીને વર્ણવ્યા નથી.એક તરફ જેને આપણે કામ કે વાસનાના રૂપે જોઈએ છીએ, બરાબર એ જ વસ્તુ બીજા રૂપે ક્રોધમાં પરિણત થાય છે. હવે પ્રશ્ન આપણા મનમાં સ્વાભાવિક રૂપે ઊઠે કે કામ-ક્રોધાદિ જે શત્રુ મનુષ્યમાં છે, એમના પર વિજય મેળવવાનો ઉપાય શો? શ્રીઠાકુર કહે છે: ‘પથુરિયા ઘાટના ગિરીન્દ્ર ઘોષે કહ્યું હતું, કામક્રોધાદિ શત્રુ તો જવાના નથી, એટલે તેમની દિશા બદલી નાખો.’ કામ અર્થાત્ મેળવવાની ઇચ્છા ઈશ્વર માટે બની જાય. ક્રોધ – ઈશ્વરપ્રાપ્તિની માર્ગની બાધાઓ પ્રત્યેનો બની જાય. લોભ ભગવાન માટે થાય. મોહ ઈશ્વરના રૂપ તથા ગુણ પ્રત્યે ઊપજે. ત્યાર પછી મદ અને મત્સર વગેરે એમાંથી જ ઉત્પન્ન થાય છે. ભગવાન માટે જ ઉન્મત્ત બની જાઓ. એને જ સાથે રાખીને અભિમાન અહંકાર કરો. આવી રીતે આ શત્રુઓની દિશા ભગવાન તરફ વાળી દીધા પછી એમની અનિષ્ટકારક ક્ષમતા દૂર થઈ જાય છે. વિશેષ કરીને સંસારના કોઈ પણ વ્યક્તિ પ્રત્યે આપણા મનમાં જે આકર્ષણ છે એને ભગવાન તરફ વાળી દેવાથી તે આપણને ભગવાન પાસે લઈ જાય છે. એટલે જ જેટલું લાગે છે એટલું આ કામ કરવું સહજસરળ નથી. પરંતુ અભ્યાસ કરવાની આ એક પ્રણાલી છે. શ્રીઠાકુરે પોતાના પ્રસંગોમાં વારંવાર આ પ્રણાલી પર ભાર દીધો છે. એનું કારણ એ છે કે સામાન્ય લોકો માટે એ પ્રણાલી અત્યંત ઉપયોગી છે.

લગભગ આપણે કોઈ વ્યક્તિ કે પ્રીતિપાત્ર પ્રત્યે આકર્ષણ અનુભવીએ છીએ. એનું પરમ ઉદાહરણ છે હરણનું ચિંતન કરવાનો રાજા ભરતનો પ્રસંગ. આપણે પણ કોઈ વ્યક્તિ પ્રત્યે આકર્ષાઈને આપણું પૂરેપૂરું મન એમાં કેન્દ્રિત કરીને બધી બાજુએથી બંધાઈ જઈએ છીએ. આનો પ્રતિકાર કયો છે? શ્રીઠાકુર કહે છે: ‘એની ભીતર ઈશ્વરને જોવાનો પ્રયત્ન કરો.’ ઉદાહરણ તરીકે – એક વિધવા સ્ત્રીભક્તને શ્રીઠાકુરે પૂછ્યું કે એમનું જપધ્યાન કેવું ચાલે છે? ત્યારે એ સ્ત્રીભક્તે કહ્યું: ‘ધ્યાન કરવા બેસતી વખતે એમનો ચહેરો અને એમની વાતો યાદ આવે છે.’ આ રીતે અસ્પષ્ટ ઉત્તરથી ઠાકુરને સંતોષ ન થયો. એટલે એમણે પૂછ્યું: ‘કોની વાતો યાદ આવે છે?’ એ સ્ત્રીએ કહ્યું: ‘મેં મારા પોતાના એક ભત્રીજાનું પાલનપોષણ કર્યું છે, એની વાતો યાદ આવે છે. એના પ્રત્યે આકર્ષણ રહે છે.’ એટલે શ્રીઠાકુરે કહ્યું: ‘એને ગોપાલ રૂપે જાણો. તમે અત્યાર સુધી એને મનુષ્ય માનીને ચાહ્યો છે. હવે એને ગોપાલ સમજીને એમને પ્રેમ કરજો.’ એમણે એમ ન કહ્યું કે એના તરફથી મનને હટાવીને ભગવાન તરફ લઈ જવાનો પ્રયત્ન કરો, વૈરાગ્યનું અવલંબન કરો, સાધના કરો.

ઠાકુરના આ ઉપદેશનું અનુસરણ કરવાથી પહેલાં ભક્ત મહિલાને થોડા જ દિવસોમાં એટલી ગહન આધ્યાત્મિક અનુભૂતિ થઈ કે એમને ભાવસમાધિ પણ થઈ જતી. આ જ પ્રણાલી છે. ભક્તને જો એમ કહેવાય કે પોતાના ભત્રીજાનો વિચાર ન કરતા તો એ એને માટે સંભવ ન બને. આપણા મનનું જે બાજુએ વલણ કે રસ છે, એકાએક લગામ ખેંચીને એને એ બાજુએ જતું રોકવાથી તે આપણને હરાવવામાં પોતાની પૂરેપૂરી શક્તિ કામે લગાડી દેશે. જેમ કોઈ એક વેગીલા પ્રવાહવાળી નદીની ધારાને બંધથી રોકીએ તો તે પ્રવાહ પોતાની પૂરી શક્તિ લગાડીને બંધને તોડવાનો પ્રયત્ન કરે છે. પણ જો એમાંથી નહેર કાઢીને પ્રવાહની દિશા ધીમે ધીમે બદલી નખાય તો તે ધારા જે દિશામાં વળશે, નદી પણ એ જ દિશામાં વહેવા માંડશે. એવી જ રીતે કોઈ સાંસારિક વસ્તુ કે વ્યક્તિ પર મનનું આકર્ષણ હોય તો એ વસ્તુ કે વ્યક્તિની ભીતર ભગવાનના અસ્તિત્વની ભાવના કરતાં કરતાં વસ્તુધર્મ પ્રમાણે મન શુદ્ધ થઈ જશે. ત્યારે આકર્ષણ એ વસ્તુ કે વ્યક્તિ પ્રત્યે ન રહેતાં ભગવાન પ્રત્યે રહેશે. આને કૌશલ કહે છે.

ગીતામાં કહ્યું છે: ‘જે કર્મ બંધનનું કારણ છે તે કુશળતાથી કરીએ તો તે જ કર્મ આપણને બંધનમાંથી મુક્ત કરે છે.’ એવી જ રીતે જે પ્રેમ આપણને બાંધી રાખે છે, કુશળતાપૂર્વક તેનો પ્રયોગ કરવાથી તે આપણને મુક્ત પણ કરે છે. શ્રીઠાકુર અહીં એ જ કૌશલ્ય શીખવે છે. એમાં પોતાના મનની સાથે કોઈ પ્રબળ યુદ્ધ કરવાની જરૂર નથી. આવા યુદ્ધમાં નકામો શક્તિનો ક્ષય થાય અને મનને જીતવાનું તો બને જ નહીં, એવો સંભવ છે. પરંતુ કૌશલ્યથી અભ્યાસ કરતાં કરતાં બાળકમાં ગોપાલની ભાવના રાખતાં રાખતાં અનાયાસે જ એ બાળક પ્રત્યે જે માનવભાવ છે તે ભૂલાઈ જશે અને એમાં ગોપાલની ઉપસ્થિતિ દેખાશે.

મનુષ્યનું મન જ્યારે શુદ્ધ થાય છે ત્યારે તે લાકડા કે પથ્થરની જેમ જડ બની જતું નથી એટલે કે એના મનની સ્વાભાવિક વૃત્તિઓ મરી જતી નથી; એ વખતે આ વૃત્તિઓ ભગવદોન્મુખી બની જાય છે. જે વસ્તુ આપણને આકર્ષે છે, એમાં શ્રીઠાકુર ભગવાનની ભાવના કરવા અને જ્ઞાનપૂર્વક એ કૌશલનો સહારો લેવા કહે છે. શાસ્ત્રો કહે છે કે જડ વસ્તુ મનને આકર્ષતી નથી એની ભીતર જે ચેતના છે, ભગવત્ સત્તા છે, આનંદમય રૂપે જે વિરાજે છે, એમના પ્રત્યે આપણું ચિત્ત આકર્ષાય છે. એ આકર્ષણને આપણે એમનું ન સમજીને, જડના આવરણનું જ આકર્ષણ સમજી બેસીએ છીએ; એટલે જ બંધનમાં પડીએ છીએ. પરંતુ આકર્ષિત કરનાર વસ્તુને ઈશ્વરદૃષ્ટિએ જોવાથી એ બંધનનું કારણ બનતી નથી. એના દ્વારા જ સમજી શકીએ છીએ કે જે દૃશ્યોને જોઈને સાધારણ વ્યક્તિના મનમાં ખરાબ ભાવો જન્મે છે, એને જ જોઈને ઠાકુર શા માટે ભગવદાનંદમાં ડૂબી જતા? શરાબીનું મતવાલાપણું શું કોઈના મનમાં ધર્મભાવનો ઉદ્વેગ કરે છે? પરંતુ શરાબ પીને પછી ભલે ગમે તેવા હોય પણ આનંદની અનુભૂતિ તો થાય છે. એ આનંદની અનુભૂતિ ઠાકુરના મનમાં પરમાનંદની અનુભૂતિ જગાડી દે છે, તેઓ સમાધિસ્થ થઈ જાય છે.

આ રીતે બીજી અનેક બાબતોમાં જ્યાં તીવ્ર વિષયસુખ માનવને આકર્ષે છે, ઠાકુરની દૃષ્ટિએ ત્યાં વિષય નથી પણ ભગવાન છે. વિષયાનંદ પણ ઈશ્વરીય આનંદનો એક લઘુ અંશ છે. પ્રકાશના ઉપર આવરણ રહેવાથી પણ જેમ કોઈ છિદ્રમાંથી પ્રકાશનું એક સૂક્ષ્મ કિરણ બહાર નીકળે છે તેવી જ રીતે બ્રહ્માનંદનો આ લઘુત્તમ અંશ વિષયરૂપ આવરણને ભેદીને આવે છે અને આપણે એના તરફ આકર્ષાઈએ છીએ. એટલે જ શ્રીઠાકુર વારંવાર કહે છે: ‘વિષય પ્રત્યે પ્રેમ બાંધી લે છે. એને ભગવાન પર આરોપિત કરો.’ એને કહે છે દિશા વાળવી. આવી રીતે કુવૃત્તિઓની દિશાને વાળીને વસ્તુના સ્વરૂપનો અનુભવ કરવાની ચેષ્ટા કરતાં કરતાં વિષય અદૃશ્ય થઈ જાય છે ત્યાં પરમેશ્વર જ અભિવ્યક્ત થશે, એમના આકર્ષણનું જ્ઞાન થશે. આ સાધનાનું એક વિશેષ અંગ છે. વિશેષ કરીને ભક્તિપથનો પણ આ એક ઉપાય છે.

આ ઉપાય ભક્તિશાસ્ત્રમાં આ રીતે સ્વીકારાયો છે. માટી, પથ્થર કે લાકડાની એક મૂર્તિ બનાવીને આપણે વિચારવા લાગીએ છીએ કે આ પરમેશ્વર છે, આ એમની જ મૂર્તિ છે અને એમની ભીતર આપણે એમનું ચિંતન કરીશું. મૂર્તિ આપણા માટે પ્રત્યક્ષ છે, આપણે એને સાજશણગાર કરી શકીએ છીએ, હલાવી ચલાવી શકીએ છીએ; જ્યારે ઈશ્વરને તો આપણે પકડી શકતા નથી અને સ્પર્શી પણ શકતા નથી. આમ છતાં પણ વિચારની દૃષ્ટિએ જોતાં આપણે ઠીક ઠીક પ્રમાણમાં સમજી જઈએ છીએ કે મૂર્તિ ઈશ્વર નથી, એ કોઈ મૂર્તિકારે જ ઘડી છે, પરંતુ શાસ્ત્રનો નિર્દેશ છે: ‘એમાં ઈશ્વરભાવ રાખો.’ આપણે મૂર્તિને સજાવીએ છીએ, શણગારીએ છીએ, એના પર આપણો પ્રેમ અર્પણ કરીએ છીએ; આમ કરતાં કરતાં મૂર્તિની ભીતર તેઓ આર્વિભૂત થશે. આ થયું દિશાને વાળવાનું કામ. આપણે કહીએ છીએ કે સાધના દ્વારા દેવતા જાગ્રત થાય છે કે અમુક જગ્યાના દેવતા જાગ્રત છે એનો અર્થ શું? શું દેવતા સૂતા છે અને એમને ઢંઢોળીને જગાડવાના છે? ના, એવું નથી, આપણી દૃષ્ટિએ તેઓ સૂતેલા છે અર્થાત્ હું સ્વયં જાગ્રત નથી, એમના અસ્તિત્વ વિશે સભાન નથી. કેવળ આરોપણ જ કરતો રહું છું કે તેઓ છે, તેઓ છે, તેઓ છે. આ પ્રકારે વિચાર કરતાં કરતાં પહેલાં પ્રેમ સ્થૂળ રૂપ તરફ ગયો, પછી મૃણ્મયરૂપનું ચિંતન કરતાં કરતાં ત્યાં જ ચિન્મય રૂપ પ્રગટી ઊઠ્યું આ છે સાધનાની પરિણતિ. પૂજા કરતી વખતે પૂજા વિધિ અનુસાર મૂર્તિમાં પ્રાણ પ્રતિષ્ઠા કરાઈ છે. આ પ્રાણ ક્યાંથી આવે છે? પોતાના પ્રાણમાંથી જ. આપણે કલ્પના કરીએ છીએ કે આપણા હૃદયમાંથી જઈને દેવતા આ મૂર્તિમાં અધિષ્ઠિત થયા છે.

Total Views: 148

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.