(ગતાંકથી આગળ)

ત્યારબાદ શ્રીઠાકુરનો એક કઠિન પ્રશ્ન આવ્યો. એમણે પૂછ્યું : ‘તમારી શ્રદ્ધા સાકાર પર છે કે નિરાકાર પર?’

ઈશ્વર સાકાર અને નિરાકાર

બાહ્ય દૃષ્ટિએ આવી જાતના પ્રશ્ન પૂછવાનું કારણ સમજવું કંઈક કઠિન લાગશે પરંતુ થોડો વિચાર કરતાં એ સમજાઈ જશે કે આવો પ્રશ્ન પૂછવા પાછળ શ્રીઠાકુરનો ઉદ્દેશ શો હતો. એ દિવસોમાં નવયુવાનો પર બ્રાહ્મવિચારધારાનો ઘણો મોટો પ્રભાવ હતો અને આ સમાજના સિદ્ધાંત પ્રમાણે મૂર્તિપૂજા એ અજ્ઞાનતાની પરાકાષ્ઠા હતી. આ પરિપ્રેક્ષ્યમાં જોવાથી શ્રીઠાકુરનો આવો પ્રશ્ન પૂછવાનું કારણ મળી રહેશે. પ્રશ્ન સાંભળીને માસ્ટર મહાશય વિચારવા લાગ્યા કે શું સાકાર અને નિરાકાર બંને સત્ય હોઈ શકે? માસ્ટર મહાશયની શ્રદ્ધા તો નિરાકાર પર છે એટલે આ વાત સાંભળીને શ્રીઠાકુર બોલ્યા : ‘ઠીક છે. કોઈ એક બાબત પર શ્રદ્ધા રહેવાથી ચાલે. નિરાકાર પર શ્રદ્ધા, આ તો ઘણું સારું છે. પરંતુ એવું ન વિચારતા કે કેવળ આ જ સત્ય છે અને બાકી બધું મિથ્યા છે. એ જાણી લો કે નિરાકાર પણ સત્ય અને સાકાર પણ સત્ય છે.’ શ્રીઠાકુરે આ વાત વારંવાર કહી છે કે ભગવાનના ભાવની ઈતિશ્રી ન થઈ શકે. એમનો ભાવ અનન્ત છે. આપણે એવી કલ્પના ન કરીએ કે ભગવાન આટલું જ હોઈ શકે છે અને એનાથી વધારે નહીં આ પ્રકારની સંકીર્ણ બુદ્ધિ યોગ્ય નથી. એના કરતાં તો નાસ્તિક થવું સારું છે. જે નાસ્તિક છે તેનામાં ક્યારેય આસ્તિક બુદ્ધિ આવી શકતી નથી, પરંતુ સંકીર્ણતા અને દુરાગ્રહને હઠાવવા કઠિન બની જાય છે. શ્રીઠાકુરનો પ્રથમ ઉપદેશનો અહીંથી આરંભ થયો – આ માસ્ટર મહાશય સાથેના એમના વાર્તાલાપનું આદિપર્વ છે. પરંતુ શ્રીઠાકુરે કહ્યું કે ઈશ્વર સાકાર છે અને નિરાકાર પણ છે, આ માસ્ટર મહાશય માટે સમસ્યારૂપ કથન બની ગયું. માસ્ટર મહાશય તર્કશાસ્ત્રના અભ્યાસી હતા. તર્કશાસ્ત્ર તો એ જ કહે છે કે સાકાર અને નિરાકાર પરસ્પર વિપરીત છે. હવે આ બે વિપરીત ધર્મ એક અધિકરણમાં તો ન રહી શકે. એટલે શ્રીઠાકુરની આ વાતથી માસ્ટર મહાશય થોડા સંભ્રમમાં પડી ગયા. તેઓ વિચારવા લાગ્યા : સફેદ વસ્તુ દા.ત. દૂધ શું કાળું પણ હોઈ શકે?

જો આપણે કહીએ કે વસ્તુ ધોળી છે તો એ વાત સ્પષ્ટ છે કે એ કાળી ન હોઈ શકે. પણ જો આપણે એમાં શાહી મેળવી દઈએ તો? દૂધમાં શાહી મેળવીને એને કાળું કરી શકીએ કે નહીં? – કરી શકીએ છીએ, પણ એ વાત ધ્યાનમાં રાખજો કે આ જે કાળો રંગ થયો તે એનો સ્વાભાવિક રંગ નથી, અર્થાત્ આ તેનો ગુણધર્મ નથી. બીજો ગુણધર્મ એની સાથે ભળી ગયો છે. દાર્શનિકોના વિચારોની અહીં સમાપ્તિ થઈ જાય છે કે ઈશ્વર જો નિરાકાર છે તો સાકારભાવ એના પર આરોપિત છે. આ જ વાત વિચારને લઈને ઢગલાબંધ દર્શનશાસ્ત્રો લખી નાખવામાં આવ્યાં છે. છતાંય આ જ સુધી દાર્શનિક જગતમાં એની મીમાંસા થઈ નથી. અને જો ભૂત- ભૂતકાળને જોઈને ભવિષ્યની કલ્પના કરીએ તો તો એ જ કહેવું પડશે કે આ પ્રશ્નનું સમાધાન ક્યારેય નહીં મળી શકે. કારણ એ છે કે આપણે પોતાની બુદ્ધિ દ્વારા તેને સમજવાની ચેષ્ટા કરીએ છીએ કે જે બુદ્ધિથી અતીત-પર છે. પણ શું આ વસ્તુ ક્યારેય સંભવ બને ખરી? અચિન્ત્યાઃ ખલુ યે ભાવાઃ ન તાંસ્તર્કેણ યોજયેત્ – જે વસ્તુ વિચારથી પર છે એને ક્યારેય બુદ્ધિ દ્વારા સમજવાનો પ્રયત્ન ન કરો. આ વાત કોણ કહે છે? – તેઓ કે જેમણે તર્ક કરી કરીને ચરમ ગવેષણા કરી છે. તર્ક દ્વારા જ્યાં સુધી ચકાસણી થઈ શકે છે ત્યાં સુધી એ કરીને અને બધું જોઈ સાંભળીને તેઓ એ સિદ્ધાંત પર પહોંચ્યા છે કે તર્ક દ્વારા તેમને સમજવાની ચેષ્ટા ન કરો. અને ચેષ્ટા કરવાથી પણ તેને સમજી શકશો નહીં.

ઈશ્વરતત્ત્વ તર્કાતીત

શ્રુતિ વારંવાર કહે છે કે, જ્યાં સુધી માનવનું સાધારણ જ્ઞાન પહોંચી શકે છે ત્યાં સુધી તેનું મન ક્રિયાશીલ બની શકે છે. જેવી રીતે, હું દૃષ્ટા છું; હું જે જોઉં છું, જે અનુભવ કરું છું, તે મારી દૃશ્ય વસ્તુ છે. આ દૃશ્યની ભીતર અનેક પ્રકારનું વૈચિત્ર્ય છે આપણું ન્યાયશાસ્ત્ર આ વૈચિત્ર્યની મર્યાદામાં જ કામ કરે છે. ન્યાયશાસ્ત્ર જ શા માટે, વિજ્ઞાન દ્વારા પણ આપણે જેટલું દૂર અને દૂર આગળ જઈ શકીએ છીએ તે બધું પ્રત્યક્ષરૂપે હોય કે પરોક્ષરૂપે હોય પણ પંચેન્દ્રિયગ્રાહ્ય જ્ઞાન પર એ બધું આધારિત છે. અને આ પંચેન્દ્રિયગ્રાહ્ય જ્ઞાનને જ આધાર બનાવીને આપણે સમસ્ત વિજ્ઞાનની ગવેષણા કરીએ છીએ. કદાચ આપણે કોઈ એવી વસ્તુનો આવિષ્કાર કર્યો છે કે, જેને આપણે આંખથી જોઈ શકતા નથી અને કાનથી સાંભળી શકતા નથી. હવે ભલે તે વસ્તુ પ્રત્યક્ષરૂપે દેખાતી નથી છતાં પણ પરોક્ષરૂપે તે વસ્તુ પંચેન્દ્રિયનો વિષય બનવો જોઈએ. નહિ તો વિજ્ઞાન એનો સ્વીકાર કરશે નહીં. બરાબર એવી જ રીતે પંચેન્દ્રિયગ્રાહ્ય જ્ઞાનની સહાયથી આપણે ભગવાનને પણ સમજવા માગીએ છીએ. અને સમજવા માગીએ છીએ એટલે ભગવાનની આપણે કલ્પના કરીએ છીએ. આંખોથી તો જોઈ નથી શકતા પરંતુ તર્કની સહાયથી એને સમજવાની ચેષ્ટા કરીએ છીએ. જેમ આ જગતની સૃષ્ટિ થઈ છે, એટલે કોઈ એક સૃષ્ટિકર્તા છે, અને તે સૃષ્ટિકર્તા જ ભગવાન છે. હવે પ્રશ્ન એ છે કે જગતની આ જે સૃષ્ટિ થઈ છે એ આપણને કોણે બતાવ્યું? બીજા કોઈએ નથી બતાવ્યું, પરંતુ આ આપણો પોતાનો જ અનુભવ છે કે જે કંઈ સંમિલિતરૂપે ઉત્પન્ન થયું છે તેને ઉત્પાદિત કરવા માટે યા ઉપાદાનોને એક સાથે મેળવવા માટે કોઈ એક શક્તિનું અસ્તિત્વ હોવું આવશ્યક છે. આ શક્તિને જ આપણે ‘ઈશ્વર’ કહીએ છીએ. આ શક્તિ, એ ઈશ્વરે પરમાણુઓને યા તેનાથી પણ સૂક્ષ્મ વસ્તુઓ જો હોય તો તે બધાંને વિભિન્ન પ્રકારે, વિભિન્ન પ્રણાલિઓથી સંમિલિત કરીને આ જગતનું સર્જન કર્યું છે. આપણે આટલી કલ્પના કરી શકીએ છીએ એનાથી અધિક બીજાં કંઈ અકાટ્ય પ્રમાણ નથી. સંસાર એક વૃક્ષ છે. ન્યાયશાસ્ત્ર કહે છે કે આ સંસારવૃક્ષનું બીજ પણ તે જ છે, જેનાથી આ જગત ઉત્પન્ન થયું છે. પરંતુ એના દ્વારા આ બીજ વિષે થોડું ઘણું જાણી શકાય છે ખરું? એના સ્વરૂપના સંબંધ વિશે આપણને અનેક પ્રકારના સિદ્ધાંતો જોવા મળે છે. આ બધા પરસ્પર વિરોધી સિદ્ધાંતો ક્યારેય સત્ય ન હોઈ શકે. આમાંથી કોઈ પણ એક સિદ્ધાંતને લઈ લો, એની સત્યતા વિશે પર્યાપ્ત સંદેહનું કારણ જોવા મળે છે. એટલે જ યુક્તિ કે તર્કના ક્ષેત્રમાં ધર્મ કે ઈશ્વરના વિશે નિશ્ચિત જ્ઞાન ક્યાં જોવા મળે છે? ઈશ્વર વિશેની વાત તો દૂર રહી, આપણને તો આપણા પોતાના વિશેનું નિશ્ચિત જ્ઞાન નથી. ‘હું’ કહેવાથી શેનો બોધ થાય છે એ પણ આપણે જાણતા નથી. જો આ વિષયમાં તર્ક કોઈ નિશ્ચિત સિદ્ધાંત પર પહોંચતો ન હોય તો, તે ઈશ્વર વિશે પણ પહોંચી ન શકે તો એમાં આશ્ચર્ય શું છે? તો શું આપણે વિચાર ન કરવો? શ્રીઠાકુર અધિકારભેદથી કોઈ કોઈને તો વિચાર-તર્ક કરવા માટે કહે છે અને વળી બીજા કોઈને વિચાર-તર્ક કરવાની ના પણ કહી દે છે. માસ્ટર મહાશયને સોગંદ લેવડાવીને કહે છે : ‘કહો હવે હું વિચાર-તર્ક નહીં કરું.’ કારણ કે શ્રીઠાકુર ઇચ્છતા હતા કે માસ્ટર મહાશય એમના ભાવને (editing) કશાય સુધારાવધારા વિના બીજાની સામે રજૂ કરે. એટલા માટે માસ્ટર મહાશય માટેનું કામ હતું : તર્ક કર્યા વિના ગ્રહણ કરવું અને કોઈપણ પ્રકારની વ્યાખ્યા વિના જેવું હોય તેવું બીજા સામે રજૂ કરવું. એક વાર જ્યારે તારક માસ્ટર મહાશયની જેમ એમના ઉપદેશો લખતા હતા ત્યારે શ્રીઠાકુરે એને મના કરતાં કહ્યું : ‘અરે, આ કામ તારા માટે નથી.’ જેને માટે જે કાર્ય નિર્દિષ્ટ થયું હતું તેને તેમણે એ કામ માટે તૈયાર કર્યા. એટલા જ માટે એમણે માસ્ટર મહાશયને સૂચના આપી કે કોઈપણ પ્રકારના તર્ક-વિચાર કર્યા વિના એમના ભાવને કોઈપણ પ્રકારની હેરફેર વિના, જેવા હોય તેવા જ લોકોની સામે રજૂ કરવા. જો તેઓ આમ ન કરત તો માસ્ટર મહાશયના અંતઃકરણમાં જે તર્ક કરવાની મનોવૃત્તિ છુપાઈને પડી હતી તે તેમના ઉદ્દેશ્યને વ્યર્થ બનાવી દેત એટલે જ શ્રીઠાકુરે વિચાર્યું કે માસ્ટર મહાશયના અહંકારના ચૂરેચૂરા કરી નાખવા પડશે અને તે પણ પ્રારંભમાં જ કરવું પડશે. આ એક વાત હતી. બીજી વાત એ છે કે મનુષ્ય માટે પરસ્પર વિરોધી ભાવોનો એકત્ર સમાવેશ ભલે અસંભવ લાગે પણ ઈશ્વર માટે એ જરાય અસંભવ નથી. એટલે જ શ્રીઠાકુરે મથુરબાબુને લાલ જાસૂદના છોડની એક ડાળી તોડીને લાલ અને સફેદ બે રંગના ફૂલો બતાવી દીધાં અને મથુરબાબુએ સ્વીકાર કરવું પડ્યું કે જેમણે નિયમોની રચના કરી છે તે પોતાની ઇચ્છા પ્રમાણે કોઈપણ સમયે એ નિયમોની બહાર પણ જઈ શકે છે. આ જે વસ્તુ તર્કથી પર છે, અતીત છે તેને આપણી પોતાની સીમિત બુદ્ધિથી પકડી શકતા નથી. આ વાત બીજાને સમજાવવી તો દૂરની વાત છે પણ આપણે પોતાની જાતને પણ સમજાવી શકતા નથી. વિશેષ કરીને આ વાત બુદ્ધિમાનોને ગળે ઉતારવી ઘણી મુશ્કેલ છે.

આપણે ઘણીવાર કહીએ છીએ : ‘ભગવાન બધું કરી શકે છે.’ પણ આ તો માત્ર કહેવાની વાત છે. એની સાથે આપણા અંતઃકરણનો કોઈ યોગસંબંધ થતો નથી. એટલે જ બીજી ક્ષણે કોઈ એવી ઘટના ઘટે કે જે આપણને પસંદ ન હોય તો આપણે બોલી ઊઠીએ છીએ : ‘હે ભગવાન! તમે આ શું કરી નાખ્યું!’ આમ કહેવાનો આપણો આશય એ હોય છે કે આવું કરવું ભગવાન માટે ઉચિત નહોતું. આપણે જે કંઈ આવું કહીએ છીએ તે બધું સમજી વિચારીને, માપીતોળીને કે ગંભીરતાથી કહેતા નથી. પરંતુ શ્રીઠાકુરની દરેક વાત ખૂબ સમજી વિચારીને અને માપીતોળીને કહેવામાં આવી છે – માપીતોળીને એટલા માટે કે એમાં સંશયસંદેહની કોઈ શક્યતા જ નથી રહેતી. અમારા એક વરિષ્ઠ સંન્યાસી વિશેષ રીતે સચેત કરી દેતા કે, શ્રીઠાકુરના ઉપદેશોને લોકો સમક્ષ રજૂ કરતી વખતે એમાં ક્યાંય જરાક પણ અહીંતહીં ન થવું જોઈએ. આપણે ઘણીવાર શ્રીઠાકુરના ઉપદેશોને આધુનિક ભાષામાં વ્યક્ત કરવા માટે અથવા એ ઉપદેશોને સભાસમારોહમાં પ્રસ્તુત કરવા માટે યોગ્ય બનાવવા તેમાં કંઈક ભાષાપ્રસાધન ચડાવી દઈએ છીએ. દા.ત. શ્રીઠાકુરે જ્યાં જ્યાં ‘કામિનીકાંચન’ કહ્યું છે ત્યાં આપણે બહુધા ‘કામકાંચન’ કહી દઈએ છીએ. આ વિશે સ્વામીજી કહેતા : ‘જુઓ, ઠાકુરની વાતો મંત્ર જેવી છે. એ મંત્રોનો પ્રયોગ એમણે આવી રીતે કેમ કર્યો છે એનું કારણ શોધવાથી તમને એમાં એક વિશેષ તાત્પર્ય રહેલું જણાશે. આપણે બધા કામકાંચન એટલા માટે કહીએ છીએ કે જેથી મહિલાઓના મનમાં કોઈપણ પ્રકારનો અસંતોષ ઊભો ન થાય. પરંતુ શ્રીઠાકુર જે વાતો કહેતા હતા તેમાં આ પ્રકારના abstract અમૂર્ત કે વ્યક્તિનિરપેક્ષ ભાવ નહોતો રહેતો; તેઓ તો પોતાની વાત બિલકુલ સ્પષ્ટ રીતે કહેવા ટેવાયેલા હતા. એ સમયે એમની વાતો જાણે કે આપણી સમક્ષ સાકાર બની જતી. જ્યાં જ્યાં મનમાં વાસનાના ઉદ્‌ભવની સંભાવના રહે છે ત્યાં તેમણે ‘કામિની’ શબ્દનો ઉલ્લેખ કર્યો છે. સ્ત્રીઓને હીણી ગણવા માટે નહીં. શ્રીઠાકુર જાણતા હતા કે આ સ્ત્રીઓમાં એ જ જગન્માતા રહેલ છે છતાં તેઓ કહેતા હતા તે નારી શક્તિનું તારતમ્ય છે, પ્રકાશનું તારતમ્ય છે. ક્યાંક ક્યાંક તે જગન્માતા- ‘સા વિદ્યા ૫૨મા મુક્તેર્હેતુભૂતા સનાતની’ વિદ્યામાયા, પરમાવિદ્યા અથવા મુક્તિને માટેને રૂપે વિદ્યમાન છે; તો ક્યાંક ‘સંસારબન્ધહેતુશ્ચ સૈવ સર્વેશ્વરશ્વરી’ – સંસારબંધનને કારણે તે રૂપે રહેલી છે.

ક્ષેત્ર કે પાત્ર પ્રમાણે એક જ શક્તિ બે રૂપોમાં પ્રકાશિત થઈ રહી છે. ક્યાંક તે બંધનની સૃષ્ટિ રચે છે તો વળી ક્યાંક બંધનમાંથી મુક્તિ રચી દે છે. ક્યાંક અભય વરદાન દઈ રહી છે. તો વળી ક્યાંક સંહારલીલા પણ કરી રહી છે. માનવ માટે ભલે આ બંને ભાવ પરસ્પર વિરોધી દેખાતા હોય પણ તેને માટે એવું નથી. ભાગવત કહે છે : ‘ત્વયીશ્વરે બ્રહ્મણિ ન વિરુધ્યતે’ – તમે ઈશ્વર છો, બ્રહ્મ છો, તમારા માટે આ બંને વિરોધી નથી. આવી રીતે સાકાર અને નિરાકાર આપણી દૃષ્ટિએ ભલે પરસ્પર વિરોધી હોય પરંતુ ઈશ્વરની દૃષ્ટિએ એ બંને જરાય વિરોધી નથી. શ્રીઠાકુર કહે છે : ‘નિરાકાર પણ સત્ય છે અને સાકાર પણ સત્ય છે.’

વિભિન્ન મતવાદ

સાધારણ રીતે કોઈ વેદાંતવાદી પછી ભલે દ્વૈતવાદી હોય કે વિશિષ્ટાદ્વૈતવાદી કે અદ્વૈતવાદી હોય, ગમે તે હોય પણ આ વાત સ્વીકારવા નથી ઇચ્છતા. અદ્વૈતવાદી કહે છે : ભગવાન કહો કે સ્રષ્ટા કહો, જે જગતનો આદિ છે તે નિર્ગુણ છે, નિરાકાર છે અને નિરવયવ છે. ઉપનિષદની ભાષામાં તે ‘અસ્થૂલમ્’, ‘અનણુ’, ‘અહૃસ્વમ્’, ‘અદીર્ઘમ્’, ‘અચ્છાયમ્’ છે. બસ, કેટલાક નેતિવાચક શબ્દોની સમષ્ટિ ઊભી કરી દીધી. વળી આ ઉપનિષદો જ એના વિશે આમ પણ કહે છે : તે ‘સર્વકામઃ’, ‘સર્વરસઃ’ અને ‘સર્વગંધઃ છે. અર્થાત્, એની ભીતર બધા પ્રકારના ભાવ વિદ્યમાન છે. બ્રહ્મમાં આ બંને પ્રકારના પરસ્પર વિપરિત ધર્મો એકી સાથે હોવા છતાં પણ શ્રુતિ કહે છે કે બ્રહ્મની ભીતર કોઈ વિરોધ નથી. હવે આની મીમાંસા કરવામાં પ્રવૃત્ત બનીને દાર્શનિકો પોતાની સીમિત બુદ્ધિની સહાયથી એ નિષ્કર્ષ પર આવ્યા કે, એક તો સત્ય છે અને બીજું છે આરોપિત અથવા મિથ્યા. એટલે, એક સમૂહ એમ કહે છે : ‘આ જે બહુરૂપતા છે, વિશિષ્ટતા છે એ બધું મિથ્યા છે, જે બધાં રૂપો અને પ્રકારોથી અતીત-પર છે, તે જ સત્ય છે અને એના જેટલાં જેટલાં વૈશિષ્ટ્ય છે, શ્રીઠાકુર જેને ‘રંગબેરંગ’ કહેતા હતા, એ બધું મિથ્યા છે.’ બીજી બાજુએ બીજું જૂથ એમ કહે છે કે એની ભીતર જ રંગબેરંગ છે. તમે લોકો એની પાસે જશો ત્યારે જ સમજી શકશો. દૂરથી જોવાથી એને કેવી રીતે સમજી શકશો? સૂર્ય દૂરથી એક પૂંજીભૂત તેજ રૂપે દેખાય છે. તેની પાસે જવાથી જણાશે કે તેમાં અનેક પ્રકારનાં વૈચિત્ર્ય છે. જ્ઞાની લોકો દૂરથી જોઈને, એક આભાસ મેળવીને આપણે બધું સમજી ગયા એમ વિચારે છે. આ રીતે એક જૂથ જે જ્ઞાનીઓના તર્કને કાપે છે અને આ જ્ઞાની લોકો જે લોકો ભગવાનમાં વૈચિત્ર્ય જુએ છે એ બધાને ભ્રાંત ગણે છે. અદ્વૈતવાદીઓએ કહ્યું કે અમે મીમાંસા કરી લીધી છે. કંઈ મીમાંસા કરી લીધી છે? – એ મીમાંસા કરી લીધી છે કે જે દ્વૈતવાદી છે તે ભગવાનના સ્વરૂપના નામે ઝઘડ્યા કરે છે. કોઈ કહે છે કે તેમને ચાર હાથ છે, કોઈ કહે છે એમને દસ હાથ છે વગેરે. અમે એમને કહીએ છીએ કે ભાઈ, આ બધું મિથ્યા છે એમનામાંથી કોઈની સાથે આપણો ઝઘડો નથી. કારણ કે આપણે જાણીએ છીએ કે એ બધાય ભ્રાંત છે. ઘણી મજાની મીમાંસા થઈ ગઈને! બધાને ભ્રાંતના જૂથમાં ફેંકી દઈને આપણે એક ઊંચા મંચ પર ઊભા થઈને આપણી જાતને એ બધા લોકોથી અલગ કરી લઈએ છીએ અને કહીએ છીએ – મીમાંસા થઈ ગઈ! આવી જ મીમાંસા દ્વૈતવાદીઓ પણ કરે છે. તેઓ કહે છે: એક અદ્વૈતમત આપીને સંસારને મોહગ્રસ્ત કરવા માટે ભગવાને શ્રીશંકરાચાર્યને પૃથ્વી પર મોકલ્યા હતા, કારણ કે આ જગતને જો માયાથી ઢાંકી ન દેવાય તો તો બધા લોકો ‘હરિ હરિ’ કહીને મુક્ત થઈ જશે.’ શ્રીઠાકુરના કથનનું તાત્પર્ય એ છે કે જે સિદ્ધાંત પર તમે પહોંચવા ઇચ્છો છો એના માટે પહેલાં તો એટલું તો વિચારી જુઓ કે એના વિશે તમારી જાણકારી ભલાં કેટલી છે?

શ્રીઠાકુર ઉપમા આપીને પદ્મલોચનની વાત કરે છે. અનેક પંડિત એ વિચાર કરવા માટે બેઠા છે કે શિવ મહાન કે વિષ્ણુ! આપણે જ્યારે પુરાણ વગેરે ગ્રંથો વાંચીએ છીએ, ત્યારે આપણા મનમાં પણ એવા વિચાર જાગે છે કે મહાન કોણ છે? એક એક સ્થાને એક એક દેવતાની જે દુર્દશા કરી છે એની કોઈ સીમા નથી. આનાથી બુદ્ધિવિભ્રમ થાય છે, સમસ્યા ઊભી થાય છે. એટલે વળી પાછો તલવારની સહાયતાથી ફેંસલો થાય છે. આવી રીતે તલવા૨ની સહાયથી ફેંસલો એ સંસારમાં અનેક વખત બન્યું છે. ઈતિહાસમાં જોવા મળે છે કે શરૂ શરૂમાં ક્યાંક અનેક દેવતાઓ હતા, એમાં મુખ્ય કોણ? એનો નિર્ણય શાસ્ત્રો દ્વારા થતો હતો. દરેક જૂથના એક એક દૈવતા હતા. જે જૂથ મુખ્ય હતુ તેનો દેવતા પણ મુખ્ય બની જતો. દેવતાઓના પ્રધાનપણાનો આવી રીતે નિર્ણય થતો હતો અને એ સમયે એ જ રીત સર્વસાધારણ રીત હતી. ગમે તે હોય પણ વિષ્ણુ મોટા કે શિવ એનો નિર્ણય પંડિતના સમૂહથી થયો નહીં. ત્યારે આ પ્રશ્નનું સમાધાન કરવા પદ્મલોચનની પાસે જવું પડ્યું. પદ્મલોચને કહ્યું : ‘ભાઈ, અમારી ચૌદ પેઢીઓમાંથી કોઈએ ન તો શિવ ને જોયા છે કે ન તો વિષ્ણુને, એટલે કોણ મોટા અને કોણ નાના એ હું કેવી રીતે બતાવી શકું?’ આવી વાત કહેવાની હિંમત આપણામાં હોવી જોઈએ. આપણા મનમાં એ ધારણા સ્પષ્ટ હોવી જોઈએ કે આ વિશે હું કઈ પણ જાણતો નથી. એટલે જ્યારે આપણે કહીએ છીએ કે ઈશ્વર કાં તો સાકાર છે અને કાં તો નિરાકાર છે, પરંતુ તેઓ એક જ સમયે સાકાર અને નિરાકાર નથી થઈ શકતા; ત્યારે આપણે આપણા સીમિત ભાવોને જ બહાર પ્રગટ કરીએ છીએ.

શ્રીરામકૃષ્ણ અને મતસમન્વય

આજે કદાચ આપણે વિચારીએ કે આ ક્યું ગાંડપણ છે! પરંતુ શ્રીઠાકુરના અવતરણ પહેલાં આ પાગલપણું છે એવો ભાવ મનમાં ઊઠતો નહોતો. શ્રીરામકૃષ્ણના અવતરણ પહેલાં આવા ઉદાર ભાવનો પ્રચાર-પ્રસાર સામાન્યજનમાં અને સંસારમાં ક્યારેય જોવા નથી મળ્યો. જ્યાં જ્યાં ઉદારભાવ રહેતો, ત્યાં પણ ઉદારતા એટલી અસીમ નહોતી. એટલે કે ત્યાં કંઈક ને કંઈક સંકુચિતતા, કોઈક ને કોઈક સંદેહ રહી જતો હતો. ‘શિવમહિમ્નઃ સ્તોત્ર’માં કહ્યું છે :

રુચીનાં વૈચિત્ર્યાદૃજુકુટિલનાનાપથજુષાત્ ।
નૃણામેકો ગમ્યસ્ત્વમસિ પયસામર્ણવ ઇવ ।।

વિભિન્ન માર્ગોએ વહીને જલ પ્રવાહ સમુદ્રમાં પહોંચે છે તેવી રીતે બધા મનુષ્ય તમારી પાસે પહોંચે છે પરંતુ, જે ‘ઋજુકુટિલ’ છે એટલું તો સાથે રહી જ જાય છે. અમારાવાળા કુટિલ અને તમારાવાળા ઋજુ એમ કોઈ કહેશે નહિ. એ તો એમ કહેવાના કે તમારા જ કુટિલ અને અમારા ઋજુ. પરંતુ શ્રીઠાકુરની પાસે આ ઋજુકુટિલ જેવું કંઈ પણ નથી. એટલે તો તેઓ કહેતાઃ ‘આ શું એક ધૂન પકડીને બેઠા છો!’ જેનું આસ્વાદન કરવાનું છે તે કેટલો રંગબિરંગ છે! એમાં કેટલું વૈચિત્ર્ય છે! પરિપૂર્ણ અનુભૂતિ તો ત્યાં જ થશે જ્યાં દ્વૈત અને અદ્વૈતનો સમન્વય થશે. એટલા માટે આ સમન્વયાચાર્યની પ્રારંભથી એક જ વાત છે કે ઈશ્વર સાકાર પણ છે અને નિરાકાર પણ છે. પેલા બહુરૂપીની વાત યાદ કરોઃ તે ક્યારેક લાલ તો ક્યારેક વાદળી રંગનો રહે છે, તો વળી ક્યારેક પીળો તો ક્યારેક વળી પાછો કંઈ જુદો જ રંગ ધારણ કરે છે અને ક્યારેક ક્યારેક તો એને કોઈ રંગ જ નથી રહેતો. આ બધી વાતો પકડવાથી, બરાબર સમજી લેવાથી પેલો બહુરૂપી પકડાઈ શકે છે. એવું ન બને તો દૃષ્ટિ એકાંગી બને છે. આપણા જીવનની વિડંબના એ છે કે આવી એકાંગી અને સીમિત બુદ્ધિ લઈને આપણે પહેલા પૂર્ણાંગ અને અસીમ ઈશ્વરને સમજવા ઇચ્છીએ છીએ! અને પરિણામે તો જે થવાનું હતું તે જ થયું.

એટલે જ આ અપરિચ્છિન્ન તત્ત્વને જાણવા આપણે આપણી દૃષ્ટિને ઉદાર બનાવવી પડશે. જો આપણે બીજાના ભાવને ન સમજી શકીએ તો આપણે પોતે એ સમજવું પડશે કે એનું કારણ આપણી જ અપૂર્ણતા છે નહિ કે તેમના ભાવની ક્ષુદ્રતા. આ સમાધાન નથી, સહિષ્ણુતા નથી; સ્વામીજીએ કહ્યું છે: ‘આ toleration નથી, આ acceptance છે, સહિષ્ણુતા નહિ પણ સ્વીકાર છે. આપણે સ્વીકાર કરી લઈએ છીએ કે ભગવાનનો કોઈ અંત નથી – અનંત છે. આપણે એમને જેટલા રૂપોમાં જોઈએ છીએ એ બધાં રૂપ તો છે જ; અને વળી જે રૂપ આપણી સમજની બહાર છે તે રૂપ પણ તેઓ જ છે. આ જ શ્રીઠાકુરના ઉપદેશનો મૂળમંત્ર છે જે તેઓ માસ્ટર મહાશયને પ્રારંભમાં જ શીખવી દે છે; અને એટલા માટે શીખવે છે કે તેઓ ઇચ્છતા હતા કે આ માસ્ટર મહાશય જ એમના ભાવોના વિતરક બને. આજે ઘરે ઘરે એમની વાણી પ્રચારિત બનો, અજ્ઞાનનો ગાઢ અંધકાર દૂર થઈ જાઓ, હૃદય હૃદયમાં જ્ઞાનનો આલોક પ્રજ્વલિત બની ઊઠો, દિગ્દિગંતમાં એમના વચનામૃતની અમૃતમયી ગંગા વહેવા માંડો.

Total Views: 284

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.