વેદાંત સાથે ભક્તિનો સમન્વય એ શાંકર વિચાર માટે કાંઈ નવી ચીજ ન કહેવાય. શંકરાચાર્યે પોતે જ પંચાયતન – પૂજાની સ્થાપના કરીને ઉપાસના સમન્વય કર્યો. એ જમાનાને માટે એટલો ઉપાસના–સમન્વય પર્યાપ્ત હતો. પરંતુ આધુનિક જમાનામાં તે પૂરતો નહોતો. તેથી તેમાં ઈસ્લામ, ખ્રિસ્તી વગેરે ઉપાસનાઓ જોડવાનું કામ આ યુગમાં શ્રીરામકૃષ્ણ પરમહંસે કર્યું. સ્વામી વિવેકાનંદ એમના સર્વોત્તમ શિષ્ય હોવાને કારણે આ ઉપાસના–સમન્વય એમને પોતાના ગુરુ પાસેથી સહજ પ્રાપ્ત થયો હતો.

સ્વામી વિવેકાનંદે જે વિશેષ વાત કરી તે એ કે અદ્વૈત સાથે પરમેશ્વરની વિવિધ ઉપાસનાઓનો સમન્વય થતો તેમાં એમણે દરિદ્રનારાયણની સેવા પણ જોડી દીધી. આ ‘દરિદ્રનારાયણ’ શબ્દ પણ એમનો દીધેલો છે. પ્લેગના દિવસોમાં મહારાષ્ટ્રમાં જેમ લોકમાન્ય ટિળકે, તેમ બંગાળમાં સ્વામી વિવેકાનંદે પ્રત્યક્ષ સેવાનું ઘણું કામ કર્યું હતું. એમ અદ્વૈત વિચારને દરિદ્રનારાયણની સેવા સાથે જોડવાની પ્રક્રિયા સ્વામી વિવેકાનંદની હતી. આ ‘દરિદ્રનારાયણ’ શબ્દ લોકમાન્યને બહુ પ્રિય હતો. દેશબંધુ ચિત્તરંજન દાસે પણ તેને પ્રચલિત કર્યો. ત્યાર બાદ એ શબ્દ ઘેરઘેર પહોંચાડવાનું કામ અને તદનુસાર આખો રચનાત્મક કાર્યક્રમ ઊભો કરવાનું કામ મહાત્મા ગાંધીએ કર્યું.

લોકમાન્ય ટિળક અને સ્વામી વિવેકાનંદની આધ્યાત્મિક પ્રતિભામાં ઝાઝો ફરક નહોતો, સિવાય કે લોકમાન્ય કર્મયોગના ક્ષેત્રમાં, અને ખાસ કરીને રાજકારણના ક્ષેત્રમાં, જેમ પ્રત્યક્ષ કામ કર્યું તેમ પ્રત્યક્ષ કામ સ્વામી વિવેકાનંદે નહોતું કર્યું. મહાત્મા ગાંધી અને સ્વામી વિવેકાનંદની પ્રતિભા પણ એકરૂપ હતી. મહાત્મા ગાંધી લોકમાન્યથી અધિક અંતરનિષ્ઠ હતા. એટલે, બાહ્ય જીવનકાર્યમાં, તેઓ સ્વામી વિવેકાનંદની વધુ નજીક આવે છે. મહાપુરુષોની તુલના ન કરવી જોઈએ. એવી તુલના ન તો યોગ્ય છે, કે ન એની કંઈ જરૂર છે. આ તો ભારત પર જેમનો અત્યંત ઉપકાર છે એવા આ મહાપુરુષોનું સહજ સ્મરણ કર્યું.

ભારતીય વેદાંતને સંબંધ છે ત્યાં સુધી અદ્વૈત સાથે માનવસેવાને જોડવાનું કામ સૌથી પ્રથમ સ્વામી વિવેકાનંદે કર્યું એમ જ માનવું જોઈએ. આ એક બહુ મોટી બાબત તેમણે કરી. તેને પરિણામે અદ્વૈત તત્ત્વજ્ઞાન, તત્સાધક ભિન્ન ભિન્ન ઉપાસનાઓ, અને તત્પ્રકાશક સેવા, એવી રીતનો જીવનમાં એકરસ વિચાર ભારતને મળી ગયો.

આ ગુરુ-શિષ્યની ભાવના, કે જે પ્રાચીન ગુરુકુળોમાં હતી તે હવે એક સ્મરણીય વસ્તુ માત્ર રહી ગઈ છે. પરંતુ એનું ઉત્કટ સ્વરૂપ શ્રીરામકૃષ્ણ ને સ્વામી વિવેકાનંદના અન્યોન્ય સંબંધમાં આપણને જોવા મળે છે.

(આસામ યાત્રા, તા. ૧૪-૮-૬૨ના વિનોબાજીના પ્રવચનમાંથી સાભાર સંકલિત)

Total Views: 339

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.