(ગતાંકથી આગળ)
દીના મુખરજી બીજો એક સારો ભક્ત હતો. તે બાગ બાઝાર પાસે રહેતો હતો. તે ઘણો ગરીબ હતો. ઠાકુર એના પવિત્ર ચારિત્ર્યને એટલું ચાહતા હતા કે એને ઘેર જવામાં આમંત્રણની વાટ ન જોતા. એકવાર ઠાકુરે મથુરબાબુને પોતાને દીનાને ઘેર લઈ જવાનું કહ્યું. એનું ઘર ખૂબ સાંકડું અને કોઈ પ્રસંગને કારણે માણસોથી ભરચક્ક હતું એટલે બેસવાની પણ જગ્યા ન હતી. દક્ષિણેશ્વર પાછા ફરતાં મથુરે ફરિયાદ કરી. બાબા, આવી રીતે કોઈને ઘેર જવાય! બિચારો ગરીબ માણસ કેટલો સંકોચ. પરંતુ ઠાકુર તો તે વિશે ઉપેક્ષા જ સેવતા રહ્યા.
એક વાર રામકૃષ્ણ નંદ બોઝને ઘેર બાગ બાઝારમાં ગયા પણ એણે ઠાકુરને કંઈ ઉપહાર જેવું ન આપ્યું એટલે ઠાકુરે સમજાવ્યું કે ગૃહસ્થને ઘેર કોઈ અતિથિ આવે તો તેણે કંઈક ને કંઈક તેને તાજગીભર્યું આપવું જોઈએ. એ ગૃહસ્થધર્મ છે. એનો ભંગ થાય તો કોઈક રીતે કમનસીબી આવી પડે છે.
એકવાર નંદનબાગાનમાં બ્રાહ્મોસમાજના મંદિરે કોઈક ધાર્મિકોત્સવમાં આવવાનું ઠાકુરને નિમંત્રણ મળ્યું. ઠાકુર પોતાના ભક્તો સાથે ત્યાં ગયા પણ તે તરફ કોઈએ કશું લક્ષ આપ્યું નહિ. કારણ કે નિમંત્રકો અન્યાન્ય કાર્યોમાં વ્યસ્ત હતા. ઠાકુર અને ભક્તો તો એ ભરચક્ક ભીડમાં કયાંય ખોવાઈ ગયા. ત્યાં તો માનવ મહેરામણ ઉમટયો હતો. કયાંય પણ સહેજ પણ જગ્યા ન હતી. પણ શ્રીઠાકુરે તો પ્રાર્થના માટે બનાવેલા મંચને નમન કર્યું. અસંખ્ય ભક્તોને ભગવાનની ભક્તિ માટે ભેળા થયેલા જોઈ ઠાકુરનું હૈયું આનંદથી છલકાઈ ઊઠયું અને તેઓ સમાધિમાં સરી પડયા! ત્યાર પછી ઘણો સમય વીત્યે ભોજન માટે સૌને કહેવામાં આવ્યું. અને એમાં પણ ઠાકુરની ઉપેક્ષા થતી જોઈને ભક્તોએ તેમને દક્ષિણેશ્વર પાછા ફરવાનું કહ્યું પણ ઠાકુર તો હલ્યાચાલ્યા નહિ. જ્યારે તે બધા જમવા માટે બીજે માળે ગયા તો ત્યાં પણ એકેય જગ્યા ખાલી ન હતી! એટલે રામકૃષ્ણે પરાણે એક ગંદા ખૂણામાં બેસવું પડયું અને ખાઈ ન શકાય તેવું થોડુંક ખાધું અને નમકવાળી છાશથી ભૂખ ભાંગી.
કથામૃતમાં આપણે વાંચીએ છીએ કે ઠાકુરની દયાનો કોઈ પાર ન હતો. તેમના શિષ્યો – ભક્તોમાં ઝાઝા તો છોકરડા જ હતા એટલે તેમના તરફથી અપેક્ષા પ્રમાણે આદર સત્કાર ન મળે તો એમાં દુ:ખ વળી શાનું? વળી, યજમાનને ઘેરથી સાધુ-અતિથિ ખાધા વગર જાય તો એ અમંગલકારી ગણાય. અને છેવટે ત્યાં ભગવાનને નામે ઉજાણી થતી. એમની ઉપેક્ષાની ત્રીજી ઘટના તો ત્યારે બની કે જ્યારે તેઓ એક યજમાનને ઘેરથી દક્ષિણેશ્વર જવા નીકળ્યા, ત્યારે ગાડી ભાડાના પૈસા બાબત યજમાને રકઝક કર્યા બાદ નજીવી જ રકમ આપી! આ બધી અપમાનોની હારમાળા શ્રીઠાકુરે આનંદથી પહેરી લીધી! અને છતાંય યજમાનના પરિવારના કલ્યાણના આશીર્વાદો આપ્યા!
ભગિની દેવમાતાએ એક દિવસ દૂરથી દક્ષિણેશ્વરે ઠાકુરને મળવા આવેલી ગરીબ સ્ત્રીની ઘટના વર્ણવી છે. ઠાકુરને ચાર રસગુલ્લાં ધરવાની એની મનીષા હતી. એણે એ કરકસર કરી બચાવેલા પૈસામાંથી ખરીદ્યાં. પણ ત્યાં જઈને જોયું તો રામકૃષ્ણ ભક્તોની ભીડથી ઘેરાયેલા બેઠા છે. તેથી અંદર જવાની પેલી સ્ત્રીની હિંમત ન ચાલી. હતાશ થઈને રસગુલ્લાં ધર્યા વગર એણે ઘેર પાછા વળવાનું વિચાર્યું. આશ્વાસન લેવા તે શ્રીમાના વરંડામાં જઈ બેઠી. એની આંખો આંસુથી ઊભરાઈ ગઈ, હૈયું શોકાકુલ થઈ ગયું. એ તો રોવા લાગી. ત્યાં એકાએક ઠાકુર ઓરડો છોડી બહાર નીકળ્યા. અને જાણે કંઈક શોધતા હોય, તેમ તે તરફ જ જોવા લાગ્યા! તે રડતી સ્ત્રીને જોઈને બોલ્યા: ‘મને બહુ ભૂખ લાગી છે, મને કંઈક ખાવાનું આપશો?’ પેલી સ્ત્રીના આનંદનો પાર ન રહ્યો! એણે લાવેલાં રસગુલ્લાં ઠાકુરને આપ્યાં. ઠાકુરે આનંદથી તે આરોગ્યાં! આનંદવિભોર થયેલી તે સ્ત્રી ઘેર પાછી વળી, એની મન:કામના પૂરી થઈ!
કાલીઘાટના કાલીમંદિરનો પૂજારી ચંદ્ર હલદાર મથુરબાબુનો કુળગોર હતો. મથુરની ઠાકુર તરફ એકનિષ્ઠ ભક્તિથી તેને ખૂબ દ્વેષ થતો. એટલે એણે કેટલાય જાદુઈ પ્રયોગો મથુરને અટકાવવા કર્યા છતાં પણ મથુરને અડગ જોઈને એને લાગ્યું કે એનાથી પણ કંઈ વધુ શક્તિશાળી જાદુ ઠાકુરે મથુર પર અજમાવ્યો છે કે જેથી તેની નિષ્ઠા અકબંધ રહે અને પોતાના સિવાય મથુર અન્ય સ્થળે જાય નહિ! ઠાકુરે તો હલદારને અનેક વખત કહ્યું હતું કે જગદંબાની કૃપાને કારણે જ ભક્તો પોતાની તરફ આવે છે; એમાં જાદુ-બાદુ જેવું કશું નથી. છતાં હલદાર એ માનતો નહિ, એણે તો રામકૃષ્ણના સ્પર્શને જાદુ જ માન્યે રાખ્યો. અને ઠાકુરના એવી જાદુઈ કરામતને ન પકડી શકવાનો વસવસો એના માનસમાં કેટલાય વખત સુધી વિષાદ પાથરતો રહ્યો!
હલદાર મથુરબાબુને ઘરે ઘણીવાર આવજા કરતો. એકવાર ત્યાં જતાં એણે એક ઝાંખા પ્રકાશવાળા ઓરડામાં ઠાકુરને બેઠેલા જોયા. ત્યાં ભૂમિ પર તેઓ આધ્યાત્મિક ભાવમાં પડયા હતા. એમને જોઈને હલદારને એવું લાગ્યું કે આ તો બીજા ઉપર પ્રભાવ પાડવા માટે કરેલો ઢોંગ છે! એના દ્વારા પૈસા કમાવાની ચાલાકી છે! આ જોઈને હલદારનો ગુસ્સો અને દ્વેષ ભભૂકી ઊઠયા! એણે તો ઠાકુરને કેટલીય લાતો લગાવી દીધી! ઠાકુર ભોંય પર પડયા. એણે મારેલી બૂટોની લાતોથી ઠાકુરના શરીરે કાળા ડાઘા પડી ગયા!
શ્રીરામકૃષ્ણ તો દયાના સાગર હતા. આ ઉપરની વાત તો તેમણે પોતે નરેન્દ્ર અને ભક્તોને શ્યામપુકુરમાં અને એ પણ ડો. સરકારે આગ્રહ કર્યો ત્યારે જ કહી. શ્રીરામકૃષ્ણે કહ્યું: ‘આ વાત મથુરબાબુને કરી દેવા મને કેટલાય માણસોએ કહ્યું પણ મેં એ કહ્યું જ નહિ!’ આ વાત ઠાકુરે મથુરબાબુને કયારેય કરી જ નહિ કારણ કે હલદારના હિંસક આક્રમણને જો મથુરબાબુ જાણી જાય તો કુળગોરને કડક સજા કરે. પણ છેવટે મથુરબાબુએ આ વાત જાણી ત્યારે તેમણે કહ્યું: ‘ઠાકુર! જો મેં આ વાત ત્યારે જાણી હોત તો હું એને જાનથી જ મારી નાખત.’ ઠાકુરે એનો ખૂબ નમ્ર્રતા અને અગાધ કરુણાથી ઉત્તર આપ્યો કે ‘જુઓ, હલદાર મને ખરેખર જ કોઈ મોટા જાદુગર તરીકે માનતો. એનો ખોટો ખ્યાલ દૂર કરવા મેં પ્રયત્ન તો કર્યો પણ એ હું કરી ન શકયો.’ આ પ્રસંગ પર ટિપ્પણી કરતાં શ્રીઠાકુરના સાક્ષાત્ શિષ્ય સ્વામી શિવાનંદજી લખે છે: ‘જુઓ, આપણા ઠાકુરનો ભાત ભાતનો મિજાજ! હલદારની બાબતમાં તેઓ શિષ્ય રૂપાંતરકારી ગુરુના મિજાજમાં ન હતા. એમની નજરમાં તો હલદાર એક એવો ભક્ત માત્ર હતો કે જે અજ્ઞાન અને લુચ્ચાઈમાં ભગવાનને જોતો હોય!’ આગળ જતાં ફરજમાં ભયંકર ક્ષતિ થવાને કારણે મથુરને હલદારની હકાલપટી કરવી પડી હતી.
મથુરબાબુએ શ્રીરામકૃષ્ણની ચૌદ વરસ સુધી કરેલી સેવા તો સુપ્રસિદ્ધ છે. એકવાર મથુરબાબુની બીજી પત્ની જગદંબાને મરડાનો મોટો હુમલો થયો. કોલકાતાના મોટા ડોકટરો પણ એના જીવના જોખમને દૂર ન કરી શકયા. ચિંતાતુર મથુરબાબુ સીધા પંચવટી પહોંચ્યા અને ઠાકુરનાં ચરણોમાં પડીને એમણે બધા હાલહવાલ કહ્યા. આમાં પત્નીનું અવસાન થશે તો ઠાકુરની સેવાનું શું થશે? એ એમની ચિંતા હતી! ત્યારે ઠાકુરે એમને આધ્યાત્મિક ભાવમાં રહીને જ ચિંતા ન કરવાનું કહી દીધું! એથી મથુરબાબુનું હૈયું હળવું થયું. તેઓ ઘરે ગયા. તેમના પત્ની ધીરે ધીરે સાજાં થવા લાગ્યાં. આ વાત એકવાર શ્રીરામકૃષ્ણે પોતે જ કહી હતી કે ‘તે તો સાજાં થઈ ગયાં પણ તેમનો રોગ મેં માથે લીધો એટલે છ માસ સુધી હું મરડાથી પીડાતો રહ્યો.’
પાંડુરોગથી પીડાતો એક માણસ વારંવાર ઠાકુરને કહેવા લાગ્યો કે રોગ પર આપનો હાથ ફરે તો રોગ મટી જાય. ઠાકુરે કહ્યું ‘હું તો કશું જાણતો નથી પણ માની ઇચ્છા હશે તો મટી જશે.’ એમ કહીને હાથ ફેરવ્યો. પેલાનો રોગ તો મટી ગયો પણ ઠાકુરનો હાથ આખો દિવસ દુ:ખ્યા જ કર્યો. ઠાકુરનું હૃદય તો કરુણાનો સાગર જ હતું!
હૃદયે ઠાકુરની ઘણાં વરસો સુધી સેવા કરી. પણ એ દલીલબાજ હતો અને ઠાકુરના દર્શનાર્થીઓ તરફ કડક વલણ દાખવતો હતો. કેટલીક વાર ઠાકુરને એનું વર્તન સાવ બેહૂદું લાગતું. એની અન્યાયપૂર્વકની ચાલાકી અને દાંભિક આધ્યાત્મિકતાને કારણે છેવટે તો એને દક્ષિણેશ્વરની સેવામાંથી રૂખસદ મળી. પછીથી રામકૃષ્ણને ખબર પડી કે હૃદય બીમાર પડયો છે તેથી ઠાકુરને ભારે દુ:ખ થયું અને તેને મળીને આશ્વાસન આપવા એને ઘેર દોડી ગયા: ‘અરે આ શું? હૃદય તરફ મારી આટલી લાગણી? આ તે માયા છે કે દયા? શા માટે મને હૃદય પર આવી બધી લાગણી થાય છે?… પણ હૃદયે મારી વરસો સુધી નિષ્ઠાથી સેવા ચાકરી કરી છે પણ પાછળથી મને હેરાન પણ ખૂબ જ કર્યો છે! ખેર, હવે એને થોડા પૈસા મળે તો મને નિરાંત થાય! પણ એ માટે મારે કોને કહેવું?’… વગેરે બોલતા ઠાકુરનું વલણ એવા અપરાધી તરફ પણ ઉદાર અને ચિંતા કરાવે તેવું હતું.
એકવાર હૃદય જ્યારે પોતાની ઠાકુર તરફની વર્તણૂક પ્રત્યે ચિંતિત હતો, જાણે કે ઠાકુરના પ્રેમથી હવે તે વંચિત જ બની ગયો હતો ત્યારે તે દક્ષિણેશ્વર પહોંચ્યો. તે ઠાકુરના ઓરડામાં તો ન ગયો પણ યદુ મલ્લિકના બગીચાના દરવાજા પાસે ઊભો રહ્યો. હાથ જોડીને ત્યાં ઠાકુરના આવવાની રાહ જોવા લાગ્યો. જ્યારે ઠાકુરને એની જાણ થઈ કે તરત ભક્તમંડળને છોડીને મંદિર પરિસર ભેદીને હૃદયને આવી મળ્યા! હૃદય એમનાં ચરણમાં પડયો. ઠાકુરે એને ઉઠાડયો. ઠાકુરની આંખો આંસુથી છલકાઈ ગઈ. હૃદયની આંખો પણ! ઠાકુરે કરુણાથી હૃદયના ભારને હળવો કર્યો! પછીથી ઠાકુરે માસ્ટર મહાશયને કહ્યું: ‘તેણે મને હેરાન તો કર્યો છે અને સેવા પણ કરી જ છે. એની હેરાનગતિથી મારી હોજરી બગડી ગઈ, શરીર હાડકાંના માળા સમું થઈ ગયું, કંઈ ખાઈ શકતો નથી.’… વગેરે. માસ્ટર મહાશયે તો મૂંગા મૂંગા આ શબ્દો સાંભળ્યા.
અન્યને પ્રેમ કેમ કરવો તે શ્રીરામકૃષ્ણે શીખવ્યું. લોકોના માણસાઈ વગરના વર્તનને લીધે ઠાકુર કેટલીય વાર શૂળી પર ચડયા અને તેમનાં દુ:ખો – દોષોને એમણે નિવાર્યાં છે. પોતે લોકોત્તર હોવા છતાં લોકોનું દુ:ખહરણ તેઓ હંમેશા કરતા જ રહ્યા છે.
ગિરીશ ઘોષ શ્રીઠાકુરના પરમ ભક્ત હતા. તેઓ જ્યારે પહેલી વાર ઠાકુરને મળ્યા, ત્યારે તો એક સાવ અલગારી અને સ્વચ્છંદી હતા. રામકૃષ્ણ સાથેના પહેલા મેળાપથી એને પ્રેમ થવાનું કારણ તો આપણે સૌ સારી રીતે જાણીએ છીએ. ઠાકુરની પવિત્રતા એનો સ્પર્શ ન જ કરવા દે, એ તો ચોખ્ખી વાત હોવા છતાં શ્રીરામકૃષ્ણે ગિરીશને પણ દિવ્ય પ્રેમાનુભવ કરાવ્યો. ગિરીશ પીધેલો હોય ત્યારે કોઈના હાથમાં ન રહેતો. એક સાંજે તે ખૂબ પીને મિત્રો સાથે ઠાકુરની વાતો કરતો હતો. ગિરીશને ત્યારે ઠાકુરને મળવાની એકદમ ચટપટી ઉપડી. સીધા ઘાટ પર જઈ નાવ ભાડે કરી મિત્રો સાથે ઠાકુરને મળવા ઉપડયો. અડધી રાતે સૌ દક્ષિણેશ્વર પહોંચ્યા. ઠાકુરના ઓરડાનું બારણું ઉઘાડ્યું અને એમાં ઠાકુરને સમાધિમગ્ન જોયા! છતાં સૌએ અંદર જઈ એમને પ્રણામ કર્યા. ઠાકુરે તે પીધેલાઓ પ્રત્યે ઘૃણા પણ ન દર્શાવી કે તેમને કશો ઠપકો ય ન આપ્યો. પણ અનંત કરુણાથી તેમનું રૂપાંતરણ જ કરી દીધું! તેમનો હાથ પોતાના હાથમાં લઈ તેઓ નાચવા અને ગાવા લાગ્યા! અને આ રીતે તેમને ઈશ્વર સમીપ લઈ જવા લાગ્યા… ‘હું કંઈ સામાન્ય શરાબ પીતો નથી. મારો શરાબ તો શાશ્વત દિવ્યાનંદ આપનારો છે! હું જેમ જેમ કાલીનું નામોચ્ચારણ કરું છું તેમ તેમ મને વધુ નશો ચડતો જાય છે. હા, લોકો મને પીધેલો કહે છે.’ આવું એ બોલતા રહ્યા!
આવા પ્રેમને તે મિત્રો કેમ રોકી શકે? પ્રભુની દિવ્ય મસ્તીમાં ડૂબેલ ઠાકુરે તેઓને ભાવોદ્રેકમાં આણી દીધા! બધા જ નાચવા માંડયા. આમ બેએક કલાક વીત્યા હશે પણ આ વિશેષ પ્રસંગ પછી ગિરીશ ગંભીર બની ગયા. એમણે રામકૃષ્ણના સાચા પ્રેમને પિછાણ્યો અને માણ્યો પણ ખરો! આ વાત તો સુપ્રસિદ્ધ જ છે.
ગિરીશ પોતાના મિત્રો સાથે વહેલી સવારે કોલકાતા પાછા વળતાં બોલ્યા કે ‘મારા જેવા દુષ્ટ માનવ માટે તે માણસની અનુકંપા તમે જોઈને? નિ:શંક તેઓ ઈશ્વર જ છે! મોક્ષદાતા માતાના તે અવતાર છે. મારા જેવા પાપીઓના ઉદ્ધારક છે.’
(ક્રમશ:)
Your Content Goes Here




