દુ:ખી માનવજાતિ પર કરુણા વરસાવવા સચ્ચિદાનંદ માનવરૂપે અવતરે છે. આ માનવરૂપધારી ઈશ્વરાવતાર પોતાની દિવ્ય કરુણાનાં પૂરોથી સમગ્ર વિશ્વને તરબોળ કરી દે છે અને માનવને રૂપાંતરિત કરી દેતાં, એનાં આધ્યાત્મિક મોજાઓ વિશ્વમાં ચારેકોર ફરી વળે છે.
અર્વાચીન યુગના આવા પરમ પ્રેમાવતાર શ્રીરામકૃષ્ણ મૂર્તિમાન પ્રેમરૂપ હતા. એમણે જ કહ્યા પ્રમાણે કેવળ ઈશ્વર જ મનુષ્ય રૂપે અવતરીને પ્રેમ અને જ્ઞાનના પાઠો શીખવે છે. (કથામૃત, ૩૫૯, ૭૨૬)
આ પ્રેમાવતાર શ્રીઠાકુરે એટલી બધી ઉત્કટતાથી ઈશ્વરનું સર્વવ્યાપકપણું વિશ્વમાં અનુભવ્યું કે એમનું શરીર વિશુદ્ધ ચેતનાથી ધખધખી ઊઠયું અને એમની આંખો આધ્યાત્મિક તેજે જાણે બે સરોવરો છલકાતાં હોય તેમ છલકી ઊઠી હતી. તેઓ અનંત આનંદનો અનુભવ કરતા રહેતા. ભગિની નિવેદિતા એને ‘આત્માની એકાંત ભવ્ય સ્વતંત્રતા’ તરીકે ઓળખાવતાં.
પરંતુ આ પ્રેમ-જ્ઞાનના નિધિને શ્રીરામકૃષ્ણ કેવળ અંગત જ કરી રાખવા ઇચ્છતા ન હતા. દુનિયાદારીના કીચડમાં સબડતા અનેક જીવોને એનું વિતરણ કરી દેવા માટે તેમનું સમગ્ર જીવન ધબકતું હતું. ભક્તો તરફ તેમનો અગાધ પ્રેમ તો તેમના પ્રત્યે નિ:સ્વાર્થ આશ્ચર્ય અને સમ્માનની ભાવના આપણામાં ઉત્પન્ન કરે છે જ. એ પ્રેમ કંઈ ભૌતિક પ્રેમ ન હતો, એ તો દિવ્ય – આધ્યાત્મિક એવો ઈશ્વરપ્રેમ અને માનવ કલ્યાણની ઝંખનાનો અન્ય દાખલો દુર્લભ છે. હીન-દીન, દબાયેલાં-પિસાયેલાં, અજ્ઞાની, દલિતો-સર્વના કલ્યાણ માટે તેઓ ઊંડી કાળજી રાખતા. હતાશ લોકોના મિત્ર બની ને તેઓ તેમને પ્રેમ અને આશ્વાસન આપતા. દુ:ખી નરનારીઓનો તિરસ્કાર કે નિંદા કર્યા વિના કલંકિતો અને ઉદ્ધતો તરફ તેમણે પ્રેમ જ વરસાવ્યો છે. સ્ત્રીઓ, પુરુષો, ઉચ્ચવર્ગ, નિમ્નવર્ગ, પંડિત, મૂર્ખ, સર્વના તેઓ સ્નેહભાજન હતા. ઈશ્વરને માતૃસ્વરૂપે ભજતા ઠાકુર દરેક નારીમાં જગદમ્બાનું સ્વરૂપ નીરખતા.
શરાબી અને વેશ્યાઓ પ્રત્યે પણ પ્રેમવર્ષા કરતા ઠાકુરને જોઈને સંકુચિત મનના ઘણા લોકો એને નૈતિક ભૂમિ પર નકારતા હતા. એમના એવા આક્ષેપોને રદિયો આપતાં મેક્સમૂલર કહે છે કે ‘આપણને કહેવામાં આવ્યા પ્રમાણે તેઓ (શ્રીરામકૃષ્ણ) વેશ્યાઓ પ્રત્યે જો પૂર્ણ રીતે તિરસ્કાર દાખવી શકયા હોત, તો તેઓ ધર્મસ્થાપક મહર્ષિઓથી એકલા પડી જાત.’
શ્રીઠાકુરે પોતાની અસીમ કરુણાથી અનેકાનેક વ્યક્તિઓનાં જીવન રૂપાંતરિત કરી નાખ્યાં હતાં અને તેમને મોક્ષના અધિકારી બનાવ્યા હતા. સતત સમાધિ સ્થિત હોવા છતાં પોતાના ઈશ્વર અને માનવો પ્રત્યેના અપ્રતિરોધ્ય પ્રેમને કારણે શ્રીરામકૃષ્ણ અવિરતપણે અને અચૂકપણે વિશ્વકલ્યાણ પ્રસરાવતા હતા. તેઓ દીનદુખિયારાંને દિલાસો આપનાર દોસ્ત અને પરમેશ્વરના પરમ ભક્ત પણ હતા. માનવતાના પરમ પ્રેમી અને સાથોસાથ સર્વ પ્રાણીઓમાં ઈશ્વરને જોનારા શ્રીઠાકુરે આ પ્રેમનિષ્ઠાના આચરણમાં અવગણનાઓ – અપમાનો પણ સહ્યાં છે. ‘યત્ર જીવ તત્ર શિવ’ અને ‘શિવભાવે જીવસેવા’ જેવાં ઠાકુરે આપેલાં સૂત્રો હજુ પણ આપણા કાનોમાં ગુંજે છે. દરેકમાં તેઓ ઈશ્વરની (પોતાની) કરુણા અને પ્રેમને વેચી રહ્યા છે. તેમનું શરૂનું જીવન આધ્યાત્મિક ઉપલબ્ધિઓમાં વીત્યું. અને બાકીનાં વરસો સામાન્ય લોકસમુદાયમાં એને વહેંચી દેવામાં વીત્યાં. તેમને સાંભળવા ટોળાંબંધ માણસો આવતાં. તેઓ ચોવીસમાંથી વીસ કલાક તેમની સાથે વાતો કરતા. અને આવું તો જ્યાં સુધી થાકથી તેમનું શરીર સાવ ભાંગી પડયું ત્યાં સુધી કેટલાય મહિના ચાલ્યા જ કર્યું. માનવજાતિ તરફની તેમનો તીવ્ર પ્રેમ હજારોમાંથી કોઈ દીનહીનને પણ મદદ કરવાની ના પડાવી શકતો નહિ. ધીરે ધીરે તેમનું ગળાનું દર્દ વધવા લાગ્યું. છતાં કોઈ તેમને આ પરિશ્રમથી રોકવા સમજાવી શકયું નહિ. તેઓ મળવા આવનારને મળવાનો આગ્રહ રાખતા અને જ્યારે કોઈ એમને એમ કરવામાંથી રોકતું તો કહેતા કે ‘આવાં માણસોને મળવા હું મારાં આવાં હજારો શરીરો છોડવા પણ તૈયાર છું.’ એમને કશો આરામ ન હતો તેઓ કહેતા કે ‘જ્યાં સુધી બોલી શકીશ, ત્યાં સુધી બોલીશ જ.’ અને તેમણે છેવટ સુધી આમ કર્યે જ રાખ્યું.
રામકૃષ્ણે હલકા કહેવાતા લોકોને પણ પોતાના નિ:સ્વાર્થ પ્રેમ અને કરુણા આપ્યાં. પોતાની પવિત્રતાથી એ સૌને પવિત્ર કર્યા. તેઓ આપણને તેમની આધ્યાત્મિક સંપત્તિના વારસદારો બનાવતા ગયા છે એનાં અનેક ઉદાહરણો રામકૃષ્ણના ઉપદેશોના સંગ્રહકર્તાઓએ આપ્યાં છે એમાંનું એક શરદચંદ્ર દત્ત આપે છે:
એકવાર એક દુબળો પાતળો માણસ રામકૃષ્ણના ઓરડામાં આવ્યો. ગંદા ગોબરા તેણે રામકૃષ્ણને કહ્યું: ‘હલ્લો રામકૃષ્ણ!’ અને એ ઠાકુરના આસન પર ચડી બેઠો. અને ઠાકુરના ખભે હાથ મૂકી બોલ્યો: ‘ભાઈ! મારે માટે હુક્કો તૈયાર કરી આપોને?’ ઠાકુરે જલદી તમાકુ તૈયાર કરવા માંડી પણ તેમના ભક્તોએ તેમની પાસેથી એને લઈને તૈયાર કરી આપી. પેલો માણસ તો ટેસથી હુક્કો પીવા લાગ્યો. પછી જતાં જતાં કહેતો ગયો કે ‘ભાઈ! હું તો છું રામ!’ તેના ગયા પછી ભક્તોએ પૂછયું કે ‘ઠાકુર, તમે એને માટે તમાકુ કેમ તૈયાર કરતા હતા? અમને એ માટે કહેવું જોઈતું હતું.’ ત્યારે ઠાકુરે કહ્યું: ‘બીજાની સેવા કરવામાં ખોટું શું છે?’
એક બીજો દાખલો સ્વામી વિશુદ્ધાનંદ આપે છે કે – એકવાર મથુરબાબુનો મિત્ર દક્ષિણેશ્વરની મુલાકાતે આવ્યો. એણે ફૂલોથી ભરચક્ક બગીચો નિહાળ્યો. એની પાસે ઠાકુરને જોઈને વિચાર્યું કે એ માળી હશે. એણે ઠાકુરને ફૂલોનો એક ગજરો બનાવી આપવા કહ્યું. ઠાકુરે તો એ બનાવી આપ્યો. પેલો મથુરબાબુનો મિત્ર મથુરબાબુને મળ્યો અને ગજરો બનાવનાર માળીની પ્રશંસા કરી. મથુરબાબુ એની સાથે માળીને મળવા ગયા પણ માળી તો રામકૃષ્ણ પોતે જ નીકળ્યા!
હવે નારી વિશેના રામકૃષ્ણના મનોભાવોને જોઈએ. તેઓ ઈશ્વરને માતૃસ્વરૂપે ભજતા હોવાથી બધી જ નારીઓમાં તેમને જગદમ્બાનું સ્વરૂપ જ દેખાતું હતું. એટલે કોઈપણ નારીનું દુ:ખ તેઓ સહન કરી શકતા નહિ. કથામૃતમાં આવી એક ઘટનાની વાત આવે છે. બે યુવાન ભાઈઓની પત્નીઓ રામકૃષ્ણને મળવા ઉપવાસ કરીને જ આવતી. એકવાર તેમનો યોગ્ય આદર સત્કાર કરીને રામકૃષ્ણે પૂછયું: ‘તમે ઉપવાસ શા માટે કરો છો? તમારે અહીં આવતાં પહેલાં પૂરું જમી જ લેવું જોઈએ. સ્ત્રીઓ તો જગદમ્બાનાં જ વિવિધ રૂપો છે હું એમનાં કષ્ટો જોઈ શકતો નથી. તમે સૌ જગદમ્બાનાં જ સ્વરૂપો છો. હવે પછી જમીને જ આવજો.’ પછી ઠાકુરે રાખાલને કહીને તેમને મંદિરમાંથી આવેલ વિવિધ ફળોનો પ્રસાદ જમાડયો. ત્યારે જ તેમને નીરાંત વળી પછી ઠાકુર બોલ્યા: ‘તમે થોડું ખાધું તેથી મને શાંતિ થઈ. હું સ્ત્રીઓના ઉપવાસને સહન કરી શકતો નથી.’
શ્રીરામકૃષ્ણે પોતાની અભિવ્યક્તિઓમાંથી શિષ્યોને પણ અધ્યાત્મ પુષ્પો આપ્યાં હતાં. સમાધિમાંથી વ્યુથિત થઈને તેમણે શિષ્યોને કહ્યું હતું: ‘કૃપા કરવાની વાત કેવી મૂર્ખતા છે? માણસ તો ધરતી પર સરકતો એક કીડો છે! અને એ વળી બીજા પર દયા દાખવી
શકે? આ તો વાહિયાત વાત છે! ‘દયા’ નહિ, સર્વની ‘સેવા’! ‘જીવ’ ને ‘શિવ’ માનીને સેવા કરવી.’
નરેન્દ્ર (સ્વામી વિવેકાનંદ)ના મનમાં આ ચમત્કારિક સંદેશ જડાઈ ગયો. એને એમાંથી પોતાનું જીવનકર્તવ્ય સાંપડી ગયું. એણે પોતાના ગુરુભાઈઓને એ વાત જણાવી. એને એમાં ભક્તિ અને વેદાંત જ્ઞાનનો ચમત્કારિક સમન્વય દેખાયો અને છેવટે એ સંઘસ્થાપનમાં પરિણમ્યો ભવ્ય, સ્વાભાવિક અને મધુર એ સમન્વય!
સને ૧૮૮૭ના મેની પહેલી તારીખે સ્વામી વિવેકાનંદે રામકૃષ્ણ સંઘની સ્થાપના કરીને ટૂંકમાં જણાવ્યું કે ‘જો હું તમસ્માં સબડતા મારા દેશબાંધવોને જગાડી શકું તો હજારો નરકવાસોને હું આનંદપૂર્વક સહન કરવા તૈયાર છું’.‘જો તેઓ પગભર થઈને કર્મયોગ તરફ પ્રેરિત થાય તો ભલે મને નરકવાસ મળે!’
‘કથામૃત’માં અને ‘લીલાપ્રસંગ’માં ઠાકુરના અસીમ પ્રેમ અને કરુણાનાં અસંખ્ય ઉદાહરણો અપાયાં છે. ઊંચ – નીચ સૌને તેમનો પ્રેમ આશ્વાસન આપે છે. જો કે તેમને મહત્તમ આનંદદાયક માતૃત્વયુક્ત પ્રેમ તેમના નિખાલસ અને પવિત્ર યુવાન શિષ્યો પર વરસતો હતો, છતાં પણ તેમનો અનુગ્રહ તો દરેકેદરેક ચાંડાલમાં પણ અપ્રતિબદ્ધ વહ્યા કરતો હતો. પ્રસ્તુત લેખનો ઉદ્દેશ પણ નમ્ર્રભાવે શ્રીરામકૃષ્ણના એ અનુગ્રહને દર્શાવવાનો જ છે. બાકી એમનું પૂર્ણ જીવન તો દિવ્ય-ભવ્ય, મહાન અને લોકોત્તર જ છે! એમાંથી અમારે તો માત્ર અવિચ્છિન્ન ધારાવાહી પેલા સર્વજનસુલભ પ્રેમાનુગ્રહની જ થોડી વાતો કરવી છે.
આપણે દક્ષિણેશ્વરમાં જ બનેલી એક ઘટનાથી શરૂ કરીએ. એ એમના એક યુવાન શિષ્ય તરફ તેમણે દાખવેલ પ્રેમભર્યા રૂપાંતરકારી વલણનો ખ્યાલ આપે છે. એ યુવાન શિષ્ય લાટુ મહારાજ – સ્વામી અદ્ભુતાનંદ હતા. આ લાટુ તેમના બધા શિષ્યો કરતાં વહેલા તેમની પાસે આવ્યા હતા. એમની ભાષા આખાબોલી અને ઉદ્ધત હતી. એક વાર કોઈકે ઠાકુર સમક્ષ અણછાજતું વર્તન કર્યું. એ જોઈને લાટુ મહારાજનો પિત્તો ગયો અને એણે એને ફટકાર્યો. એ જોઈને ઠાકુરનું હૈયું કરુણાથી ઉભરાઈ ગયું. પેલા જણના ગયા પછી ઠાકુરે લાટુને કહ્યું: ‘તારે આવું ન કરવું જોઈએ. દુનિયાથી દાઝેલા બિચારા અહીં એ લોકો આવે છે અને એમની થોડીક ક્ષતિને કારણે તેમને અહીં પણ જો ફટાકારવામાં આવે, તો તે બિચારા જાય ક્યાં? હવેથી કયારેય સત્પુરુષોની હાજરીમાં એવાં વચનો બોલીશ નહિ અને તેમને દુ:ખ થાય એવું કશું કરીશ નહિ. આવતીકાલે તે માણસ પાસે જઈને એની ક્ષમા માગજે કે જેથી તારા ખરાબ વ્યવહારને તે ભૂલી જાય!’ … આવી રીતે ઠાકુરે લાટુને મધુરવાણીથી કહ્યું એટલે બીજે દિવસે લાટુએ પેલા માણસને પેલા દિવસના કઠોર વર્તનને ભૂલી જવા કહ્યું. ઠાકુરને પણ એની જાણ કરી એટલે ઠાકુરે કહ્યું કે, ‘તે ક્ષમા યાચીને તેને નમસ્કાર કર્યા હતા કે નહિ?’ લાટુએ સ્તબ્ધ થઈને ના પાડી એટલે ઠાકુરે કહ્યું: ‘પાછો જા અને તેને પ્રણામ કર અને મારા પણ પ્રણામ કહી આવ.’ લાટુ પાછો ગયો અને એણે ઠાકુરના આદેશ પ્રમાણે કર્યું. ત્યારે પેલો માણસ તો ઠાકુરના આવા ભાવથી લાગણીવશ થઈ ગયો અને રડવા જ લાગ્યો. લાટુએ આ બધી વાત શ્રીઠાકુરને કહી. લાટુનું ધરમૂળથી જીવન પરિવર્તન આ ઘટનાએ કરી દીધું!
મથુરબાબુ સાથે કાશીની યાત્રાએ જતાં દેવઘરના દીનદુ:ખિયાંની અવદશા જોઈને ઠાકુરે દર્શાવેલી કરુણાની વાત તો જગજાહેર જ છે. ઈ.સ. ૧૮૬૮માં કાશીયાત્રામાં મથુરબાબુની સાથે ઠાકુર ગયા. રસ્તામાં થોડા દિવસ દેવઘરમાં પડાવ નાખ્યો. ઠાકુરે ત્યાંના દૂબળાં પાતળાં નાગાંભૂખ્યાં ચીંથરેહાલ લોકોના હાલ જોઈને કરુણા ભરેલ સ્વરે મથુરબાબુને તેમને અન્નવસ્ત્રોથી સંતોષવા વીનવ્યા. મથુરબાબુએ યાત્રામાં ઘણા પૈસા વપરાવાનું બહાનું બતાવી આનાકાની કરી એટલે ઠાકુર પેલા દીનહીનોની વચ્ચે જઈને બેસી ગયા અને મથુરબાબુને કહી દીધું કે ‘તમારે કાશી જવું હોય તો જાઓ હું તો આ લોકો ભેળો જ રહીશ.’ છેવટે મથુરબાબુને ઠાકુરનું કહેવું માનવું પડયું.
આવું જ એક બીજું ઉદાહરણ છે. શ્રીરામકૃષ્ણ મથુરબાબુના મૂળ વતનની મુલાકાતે ગયા. ત્યાં તેમણે મથુરબાબુના ગરીબીમાં સબડતા ગણોતિયાઓને જોયા અને એમનું હૃદય કરુણાથી ઉભરાઈ ગયું. અને તેમણે મથુરબાબુને ગણોતિયાઓનો કર માફ કરી દેવાની વિનંતી કરી. મથુરબાબુએ અચકાતાં અચકાતાં પણ છેવટે કર માફ કર્યો હતો.
સુવિખ્યાત હોમિયોપથી તબીબ ડો. મહેન્દ્રનાથ સરકાર ઠાકુરના ગળાના કેન્સરની માવજત માટે રોકાવામાં આવ્યા. પહેલાં શ્યામપુકુર અને પછી કાશીપુરમાં ઠાકુરની છેલ્લી એ માંદગી હતી. ત્યારે ઠાકુરે માસ્ટર મહાશયને કહ્યું હતું: ‘તમે બધા રોઈ પડશો એ બીકે હું આ પીડા સહન કર્યા કરું છું. જો તમે કહો તો આ ઘડીએ જ દેહને છોડી દઉં! આહ! હવે તો આ પીડા સહન કરી શકાતી નથી!’ કેટલી નિ:સ્વાર્થતા! અન્ય માટે કેટલી તિતિક્ષા!
કાશીપુરના આ દિવસો દરમિયાન શશી મહારાજ (સ્વામી રામકૃષ્ણાનંદ) ભાગ્યે જ પરિસર છોડતા. એવામાં સને ૧૮૮૬ની જગન્નાથની રથયાત્રાનો ઉત્સવ આવ્યો. ઠાકુરે શશી મહારાજને ઉત્સવ મેળામાં જવા કહ્યું એમના આદેશથી શશી મહારાજે અચકાતાં અચકાતાં પરિસર તો છોડયું. પણ ઉત્સવમાં એવું સ્થળ પસંદ કરીને બેઠા કે જ્યાંથી ઠાકુરનું સ્થાન નજીક હતું. ત્યાં તેમણે ફક્ત બે રૂપિયામાં વેચાતી એક ધારદાર છરી જોઈ અને ખરીદી લીધી. આવીને તે ઠાકુરને બતાવી એટલે ઠાકુર બોલ્યા: ‘તારે આવા ઉત્સવોમાં જવું જ જોઈએ અને નાનું મોટું કંઈક ખરીદી જ લાવવું જોઈએ. કારણ કે ગરીબ માણસો આવું સુંદર કંઈક બનાવીને રોટલો રળવા આવતા હોય છે. બની શકે ત્યાં સુધી આવી પરંપરાઓ જાળવવી જોઈએ અને બીજાને એનું જતન કરવાની પ્રેરણા આપવી જોઈએ.
ભગવાનનો અનુગ્રહ પામનારાં ઊંચ-નીચ, ગરીબ-અમીર, ભણેલ-અભણના કશાય ભેદભાવ હોતા નથી. દક્ષિણેશ્વરનો રસિક નામનો ઝાડુવાળો એનો દાખલો છે. રસિક એક સીધો-સાદો-સરળ-પવિત્ર-નિષ્કલંક માણસ હતો. ભગવાનના સાક્ષાત્કાર માટે તે ઝંખતો હતો પણ એની હલકી જાતિને લીધે એને ઘણું બંધન સહેવું પડતું હતું. એ એના ‘બાબા’ રામકૃષ્ણદેવને મળવા ઝંખ્યા કરતો કારણ કે ઘણા લોકો એમના કૃપાપ્રસાદથી ધન્ય અને મુક્ત થતા હતા. શ્રીરામકૃષ્ણના અનુગ્રહ માટે તે તલપાપડ થઈ રહ્યો! એક દિવસ જ્યારે રામકૃષ્ણ પંચવટીમાંથી પાછા વળી રહ્યા હતા અને આધ્યાત્મિક મસ્તીમાં હતા ત્યારે તે તેમના પગમાં પડી ગયો. ‘અરે, આ શું છે?’ એમ કહી રામકૃષ્ણે નીચે જોયું તો, લઘરવઘરિયો રસિક! રામકૃષ્ણનું હૈયું પીગળી ગયું. રસિક સામે જોઈને એમણે એને ભવ્ય આશીર્વાદ આપ્યા; ‘મરણ સમયે તું મને જોઈશ.’ મહેતર પર એમણે મહેરબાની કરી – અનન્ય અનુગ્રહ કર્યો!’
ઠાકુરની મહાસમાધિ પછી બે વરસે રસિકને જીવલેણ તાવ આવ્યો. દવા છોડી એણે ચરણામૃતથી જ દેહ ટકાવ્યો. તાવ ગયો અને સાજો થયા પછી તુલસી ક્યારે પથારીમાં બેસી પ્રભુનામ જપથી જ તે પોતાના દિવસો વિતાવવા લાગ્યો અને મરણસમયે ખરેખર એની સામે ઠાકુર હાજરાહજૂર એને દેખાયા! અને અક્ષરશ: ઠાકુરના આશીર્વાદો એને ફળ્યા! રસિકની આ કથા તો એક મોટો દસ્તાવેજી પુરાવો છે. અને એવો જ એક બીજો પુરાવો હાજરાના જીવનનો પણ છે. કથામૃતના વાચકોને હાજરા સુપરિચિત જ છે. એ સ્વામીજીને પોતાના મિત્ર માનતો, જ્યારે સ્વામીજીએ એની મુક્તિ માટે ખૂબ વિનંતિ કરી ત્યારે શ્રીરામકૃષ્ણ અસ્વસ્થ થઈ ગયા પણ છેવટે સ્વામીજીની હઠને તાબે થઈ તેમણે હાજરા પર કૃપાદૃષ્ટિ કરી અને હાજરાનું પણ રસિકની પેઠે જ શાંતિથી મરણ થયું હતું.
આ બધી ઘટનાઓ આપણને ભર્તાભરીની વાતની પણ યાદ અપાવે છે. મંદિરના બાગનો એ અભણ માળી હતો. એના સીધાસાદા અને સરળ જીવનને રામકૃષ્ણ વખાણતા. એકવાર એણે રામકૃષ્ણના દેહમાંથી તેજનો ફુવારો નીકળતો જોયો. ત્યારે રામકૃષ્ણ બીલ્વવૃક્ષની નીચે ધ્યાનસ્થ હતા. વીજળી અને સૂર્ય કરતાં પણ એ ફુવારો વધુ તેજસ્વી હતો. એ જોઈને માળી તો એટલો બધો સ્તબ્ધ થઈ ગયો કે ભયભીત થઈ ત્યાંથી ભાગી જ ગયો. પણ બીજે દિવસે સવારે તે ઠાકુરના પગે પડયો અને આશીર્વાદ માગવા માંડયો! ઠાકુરે એને પ્રેમથી ઉઠાડીને કહ્યું: ‘તે રાતે જોયેલા તેજનું તું ધ્યાન કરતો રહે અને પંચવટી તરફ જતો રસ્તો રોજ સાફ કરતો રહે.’ ભવિષ્યમાં ઘણા ભક્તો અહીં આવશે.’ (સત્ પ્રસંગ, ૨/૩૪), એમ કહીને ઠાકુરે એને ખાતરી આપી કે તેમણે આપેલી સલાહ પ્રત્યેની વફાદારી મુક્તિદાયિની છે.
(ક્રમશ:)
Your Content Goes Here




