જીવનના અંતિમ દિવસો
માને નીરોગી અને સ્વસ્થ કરવાને માટે શરત્ મહારાજ તેમ જ માનાં અન્ય સંતાનો અથાક પ્રયત્નો કરી રહ્યા હતા. એલોપેથિક, હોમિયોપેથિક, આયુર્વેદિક તમામ પ્રકારના ઉપચારો કરવામાં આવ્યા છે. દૈવચિકિત્સા, ગ્રહશાંતિ, સ્વસ્ત્યયન પૂજા, જપ હોમ વગેરે ઘણા દિવસથી ચાલે છે. ક્યારેક ક્યારેક જરાક સારું લાગે છે પણ કશાયથી સ્થાયી ફાયદો થતો નથી. ગ્રહશાંતિ અને સ્વસ્ત્યયને સમયે એક સંતાન બેલૂડ મઠેથી રોજ ફૂલ બિલ્વપત્ર વગેરે લઈને આવે છે. ખાસ તો હોમને માટે ખોડખાંપણ વિનાના ત્રણ પાંદડાવાળા બિલ્વપત્ર તેમજ એની સાથે માને માટે આમરુલની ભાજી તથા મઠના બગીચાનાં તાજાં લીંબુ પણ લઈ આવે છે. એક દિવસ એ બધું લઈને સવારના પહોરમાં ઉદ્બોધનના પૂજાઘરમાં આવી પહોંચીને પૂજાની દેખરેખ કરનારા કપિલ મહારાજને સમજાવવા જાય છે ત્યાં જોયું કે તેઓ ભારે ઉદ્વેગમાં છે. જે ઘટમાં આટલા દહાડાથી સ્વસ્ત્યપૂજા ચાલી રહી હતી, તેમાંથી આજે નીચેની બાજુએથી પાણી નીકળતું જોઈને બધાં દુ:ખી ચિંતિત બની ગયા છે. ઘટને બદલીને બીજો એક ઘટ સ્થાપિત કરવામાં આવ્યો. થોડી જ વારમાં સ્વસ્ત્યયન કરી રહેલા બ્રાહ્મણના જોવામાં આવ્યું કે, બદલી કરાયેલા ઘટની નીચે પણ પાણી છે. આ ઘટને તળિયે પણ કાણું હોવાથી પાણી બહાર નીકળે છે. એમ જોઈને બધાં બહુ ગભરાઈ ગયાં છે. જલદી જલદી ઘટને ત્યાંથી બીજે ઠેકાણે મૂકવામાં આવ્યો. કપિલ મહારાજ બીજા એક જણને સંગાથે લઈને પોતે જાતે દુકાને જઈને ખાસ તપાસી તપાસીને એક નવો ઘડો ખરીદી લાવ્યા. એને સાફ કરીને પાણીથી ભરીને બેસાડવામાં આવ્યો. પૂજા શરૂ કરતાં મોડું થઈ ગયું. આજે શ્રીમાતાજીના જન્મનક્ષત્રના અધિપતિ દેવતાનાં વિશેષ પૂજા હોમ હતાં, તેથી એમાં આવું અચાનક વિઘ્ન ઉપસ્થિત થવાથી સહુનાં અંતરમાં ભારે ફિકરચિંતા નીપજ્યાં. માનું શરીર ત્યારે ખરાબ થઈ ગયું છે – પથારીવશ છે. એક સાધુએ જઈને યોગીન માને જ્યારે કહ્યું કે, ‘સાંભળ્યું તમે યોગીન-મા કે આટલા દિવસથી જે ઘટમાં સ્વસ્ત્યયનની પૂજા ચાલી રહી હતી, તેમાંથી આજે પાણી નીકળવા માંડ્યું. એને બદલીને બીજો ઘટ બેસાડવામાં આવ્યો તો એમાં યે કાણું. હવે બજારમાંથી નવો ઘટ લાવીને એમાં પૂજા થઈ રહી છે. કેવી ભારે વાત છે, સમજો છો ને?’ યોગીન મા લાંબો નિસાસો નાખીને ઉપર નજર કરીને આક્રંદભર્યા ઊંચે સ્વરે બોલ્યાં, ‘સમજવાનું હવે શું કશું બાકી રહ્યું છે બેટા? ઘડામાં નહિ, આપણા કપાળમાં જ ફૂટ થઈ છે.’ સહુ નીરવ નિસ્તબ્ધ છે, બધાંનાં હૈયાં ઉદાસ છે, છેલ્લી છેલ્લી જરાક જેટલી આશા પણ વીલાઈ રહી છે.
એ સંતાન બેલૂડ મઠેથી લગભગ રોજ ઉદ્બોધને આવીને દૂરથી માનાં દર્શન કરે. એમનાં એ ર્જીણશીર્ણ કલેવરમાં પણ ચહેરા પર રહેલી શાંતિ અને કરુણાસભર સ્નેહદૃષ્ટિને નિહાળીને ક્ષણભરને માટે તો બધું વિસરાઈ જતું પણ તો યે અંતરમાં ભારે વ્યથા લઈને જ પાછો ફરતો. માનું શરીર ભાંગી ગયું છે, ચાલવાની શક્તિ રહી નથી, ઓરડામાંથી શ્રીઠાકુરનું સિંહાસન બીજે ઠેકાણે ખસેડી લેવામાં આવ્યું છે અને માની નીચે ભોંય પરની પથારીમાં સૂતેલાં છે. સહુનાં અંતરમાં હતાશા છે, ફફડાટ છે કે ક્યારે શું થઈ જાય! એક દિવસ સંધ્યા ટાણું થવામાં હતું ત્યારે સંતાને જઈને જોયું તો, માને ટેકો દઈને પથારીમાં બેઠાં કર્યાં છે, કન્યાઓ એમની આસપાસ ઘેરીને ઊભી છે. સાંજ થતાં માએ અત્યંત કષ્ટપૂર્વક બીજાંની મદદથી બેઉ હાથ જરાક ઊઠાવીને લાંબા કરીને ઠાકુરને પ્રણામ કર્યા. પહેલાંના એ સુંદર સુડોળ વરાભયપ્રદ કરયુગલને કંતાઈ ગયેલાં, નિ:સ્તેજ હાડચામના માળમાં સમા દેખીને સંતાનના પ્રાણોમાં અરેરાટી વ્યાપી ગઈ, પૂરી બરાબર રીતે જોઈ પણ ના શકાયું. હાય રે! જે હાથો વડે માએ સંતાનને કેટલા આશીર્વાદો દીધા છે, સ્નેહમમતાથી મનપ્રાણને છલકાવી દઈને કેટલો પ્રસાદ ખવડાવ્યો છે, એ હાથોની આજે આ દશા! માનું શરીર એટલું તો લેવાઈ ગયેલું અને સૂકાઈ ગયેલું કે, હાથમાં રહેલાં એ જૂનાં ભારી ‘અનંતવલય’ ખૂબ જ ઢીલા પડી જવાથી નીકળી જાય એવાં થઈ ગયેલાં તેથી સૂતર વડે બાંધી રાખવા પડતા. એક દિવસ એમની અત્યંત લાડલી બલરામબાબુની દીકરી માનાં દર્શન કરવા આવેલી, એણે માના શરીરની આવી હાલત જોઈને અતિશય દુ:ખી થઈ ઊઠીને, નાનકડી છોકરીના હાથના ગળાના સોનાનાં કડાં બનાવડાવીને આણેલાં. એ જ કડાં છેવટની ઘડી લગી માના હાથમાં રહ્યાં હતાં અને એ કંગન સહિત જ માના પવિત્ર દેહની અંતિમ ક્રિયા થયેલી.
શ્રાવણ માસના ધોધમાર વરસાદમાં જન્માષ્ટમીના થોડાક દિવસ પહેલાં શ્રીઠાકુર આ નરલોકમાંથી અંતર્ધાન થઈ ગયેલા. એ જ સમય પાસે આવતો જતો હતો તેવે વખતે મા પણ એમનાં દીન સંતાનોને અફાટ સાગરમાં છોડીને ઠાકુરની જેમ ગાઢ નિશાએ નરતનુ ત્યજીને નિત્યસ્વરૂપમાં અવસ્થિત થઈ ગયાં. તરત જ બેલૂડ મઠમાં ખબર પહોંચતાં, જે લોકો ઠાકુરસેવામાં હતા તેમના અને વૃદ્ધ સાધુઓના સિવાયના તમામ જણાં માનાં અંતિમ દર્શન કરવાને માટે દોડતાં આવ્યાં.
લીલાસંવરણ પછી
પૂજનીય મહાપુરુષ મહારાજ (સ્વામી શિવાનંદ) બેલૂડ મઠમાં ઘડીમાં ગંગા તરફના વરંડામાં, તો ઘડીમાં વળી ઓરડામાં, એકલા ગંભીરવદને આંટા મારી રહ્યા છે – ઠાકુરઘર, ગંગા, દક્ષિણેશ્વર, કાશીપુર, ઉદ્બોધનની દિશામાં નજર ફેરવી રહ્યા છે. એમના મનમાં શું થઈ રહ્યું છે, એકમાત્ર તેઓ જ જાણે. હજી પણ પરોઢિયાનું અંધારું છે, જરાક તરાક ઉજાસ થઈ રહ્યા છે, એવે વખતે જૂના ભક્ત ભુવનબાબુએ મહાપુરુષ મહારાજની સંમુળે જઈને પ્રણામ કરીને કહ્યું, ‘મહારાજ, મા ઉદ્બોધનને ઉજમાળું કરીને રહ્યાં છે! મુખ ઉપર કેવી તો અલૌકિક જ્યોતિ વિરાજી રહી છે! જોઈને લાગતું નથી કે આપણને છોડીને ચાલી ગયાં છે. મુખ જોઈને તમામ શોક દૂર થઈ જાય છે!
ઝટઝટ મઠમાં ઠાકુરની પૂજા અને ભોગની ગોઠવણ થઈ. સ્વામી સુબોધાનંદજી દોડાદોડ કરીને બધી દેખભાળ, વ્યવસ્થા કરી રહ્યા છે. માનો પાવન દેહ મઠમાં આવશે, સ્નાન-પૂજા-આરતી થશે. એના પહેલાં જ ઠાકુરની પૂજા અને ભોગ આટોપી લેવાની વ્યવસ્થા થઈ. અત્યાર લગી ઠાકુરના શયનઘરમાં માની જે છબી હતી તેને આજે મહાપુરુષ મહારાજની સંમતિથી પૂજારી લક્ષ્મણ મહારાજે ઠાકુર ઘરમાં લઈ આવીને ઠાકુરના સિંહાસનની ડાબી બાજુએ અલગ આસન ઉપર પધરાવીને પુષ્પાદિ દ્વારા સુંદર રીતે શણગારી. આજથી બેલૂડ મઠમાં જાહેર રીતે માની ફોટોમાં નિત્યપૂજા આરંભ થઈ.
બપોર થતાં પત્રપુષ્પાદિથી સુસજ્જિત સુંદર ખાટ ઉપર માનો માલાભૂષિત ચંદનચર્ચિત પૂતદેહ ઊંચકી આણીને નાવમાં ગંગા પાર કરીને બેલૂડ મઠમાં આણવામાં આવ્યો. માની પુત્રીઓએ આંસુ સારતાં સારતાં માને ગંગામાં સ્નાન કરાવી નવાં વસ્ત્રોથી સજાવ્યાં. મઠના ઠાકુરમંદિરની સીડીની સામે રાખીને પૂજા આરતી થયાં. ઘણાંબધાં પદચિહ્નો લેવામાં આવ્યાં. પછી ગંગાતટે (હમણાં જ્યાં માનું મંદિર છે) લઈ જઈને ચંદનકાષ્ઠની ચિતામાં દેહ મૂકાયો. સ્વામી શારદાનંદજીએ પ્રદક્ષિણા કરીને અગ્નિ દીધો. સ્વામી શિવાનંદજી, સ્વામી સુબોધાનંદજી, સ્વામી નિર્મલાનંદજી, માસ્ટર મહાશય અને બીજાં પણ અનેક પુરાણા ભક્તો ચારે તરફ ઊભેલાં છે. ઘણાં ભક્ત નરનારીઓ એકઠાં થઈ ગયાં છે, એ લોકો પણ ઘેરીને ઊભાં ઊભાં શોક ભર્યે હૈયે આ અદ્ભુત યજ્ઞહોમ જોઈ રહ્યાં છે. સ્વામી નિર્મલાનંદજીએ એક વૈદિક મંત્રનું ઉચ્ચારણ કર્યું. અગ્નિ ભભૂકી ઊઠ્યો. સહુએ ધૂપ, અગરુ, કપૂર વગેરેની આહૂતિ દીધી. નહિ જેવી વારમાં બધું ખતમ થઈ ગયું. ત્યાર પછી ચિતા ઠારવાને માટે સહુએ ઘડે ઘડે ગંગાજળ આણવાનો આરંભ કર્યો.
(ક્રમશ:)
Your Content Goes Here




