જગદ્વાત્રી પૂજાની સમસ્યા

સંતાનોના પ્રાણોની અભિલાષા શ્રીમા વખતોવખત અણધારી રીતે પૂર્ણ કરતાં. એનો અનુભવ એમનાં અનેક સંતાનોએ પોતપોતાનાં જીવનમાં પ્રત્યક્ષ કરીને તેઓ આશ્ચર્ય અને આનંદ પામ્યાં છે. જયરામવાટી શ્રીમાને ઘેર જગદ્ધાત્રી પૂજાને પ્રસંગે અથવા તેઓ પોતે હાજર હોય તો એમનાં અનેક સંતાનો પણ આવવાની કોશિષ કરતા. એ લોકો માને જ સાક્ષાત્‌ જગદ્ધાત્રી જાણતાં, મા પ્રતિમામાં અત્યંત શ્રદ્ધાભક્તિ સહિત જગદ્ધાત્રી પૂજા કરતાં, અને ભક્ત સંતાનો શ્રીમામાં સાક્ષાત્‌ જીવંત જગદ્ધાત્રીનાં દર્શન કરતાં. મા અત્યંત આનંદિત જગદ્ધાત્રી પૂજા કરીને અને સંતાનગણ પણ અત્યંત આનંદિત પૂજાને સમયે માની મનોહર મૂર્તિ દેખીને. એક શિષ્ય ઘણે દૂરના સ્થળેથી પૂજા વખતે આવેલો. રસ્તામાં કંઈક ગડબડ થવાથી એને પહોંચવામાં મોડું થઈ ગયું હતું. પૂજાને આગલે દહાડે બપોરે જ્યારે પહોંચ્યો ત્યારે માના ઘરમાં સહુ પૂજાના કામકાજમાં પરોવાયેલાં હતાં. ચારે બાજુએ ગોઠવણ તૈયારીઓ ચાલતી હતી. સાંજે આમંત્રણ-અધિવાસ અને પ્રભાતે પૂજા થશે. પ્રતિમા બની ગઈ છે, શણગારાઈ રહી છે. એણે માનાં દર્શન અને પ્રણામ કર્યા. પૂજા પ્રસંગે સંતાનના આવવાથી મા બહુ રાજી થયાં, પણ કુશળ સમાચાર પૂછવા ઉપરાંત બીજી કશી વાતોચીતો કરવાનો સમય મળ્યો નહિ.

સાંજ પછી ઘરમાં બધાં એકદમ આવરાં બાવરાં હતાં એમ જોઈને શું થયું છે તે જોવાને એ આગળ આવ્યો. માને ઘેરીને ઘણાં જણાં ઊભાં છે, બધાંના ચહેરા ઝાંખા ઉદાસ છે. 

તરેહ તરેહની અટકળો ચાલી રહેલી, મા પણ વગર બોલ્યે નીચું મોં કરીને બેઠાં છે, અતિશય ચિંતિત છે. થોડીકવાર કાન સરવા કરીને આજુબાજુના લોકોની વાતો ઉપરથી સમજવા પામ્યો કે, પૂજા માટેનાં કેળાંના અભાવે મુશ્કેલી ઊભી થઈ છે. થોડાક દહાડા પહેલાં કાચાં કેળાંની લૂમ ખરીદીને મૂકેલી, આશા હતી કે આટલા દહાડામાં પાકી જશે અને પૂજાના કામમાં આવશે. પણ એમાંથી એકે ય પાકી નથી, સહેજે રંગ આવ્યો નથી. સવારના પ્હોરમાં પૂજા છે, ઊઠતાંવેંત નૈવેદ્યને માટે કેળાં જોઈશે. કેળાં વગર પૂજા થાય નહિ, એટલે મુશ્કેલી ઊભી થઈ છે. ગામમાં કોઈને ય ઘેર કેળ નથી, આસપાસમાં પણ કશેથી મળવાની આશા નથી. હવે શું થશે? બધાં ઉદાસ છે, એટલામાં કોઆલપાડાના એક સાધુએ કહ્યું કે, ત્યાં જાય તો કેળાં કદાચ મળી રહેશે. ગામમાં એક જણાની કેળાંની વાડી છે, એ લોકો પાકાં કેળાં હાટબજારમાં વેચે છે. એમની વાત સાંભળીને સહુના મનમાં આશાનો સંચાર થયો અને કોઆલપાડા આશ્રમે તત્ક્ષણ માણસને મોકલવાનું નક્કી થયું. પણ આટલી રાત્રે કોણ જશે? રાતના નવેક વાગ્યા હશે, ચાર માઈલનો રસ્તો ચાલીને જવું આવવું અઘરી વાત હતી.

આગંતુક જુવાન સાહસી હતો. તે કોઆલપાડા ગામના પોતાનાથી નાના અને ઓળખીતા યુવકને સાથે લઈને જવાને માટે તૈયાર થઈ ગયો. શ્રીમાનું મન હરખાઈ ઊઠ્યું. શ્રીમાને પ્રણામ કરીને આશીર્વાદ લઈને બંને ભાઈબંધો નીકળી પડ્યા. દેશડા ગામમાં પેસતાં જ ગામનાં કૂતરાં એમની પૂંઠે પડ્યાં. વળી રસ્તો પણ એમનો બરાબર જાણીતો નહિ,એટલે તેઓના વારંવારના બોલાવવાથી આજુબાજુનાં ઘરનાં લોકો બહાર આવ્યાં. એમણે રસ્તો ચીંધી દીધો. એ મુજબ ચાલતાં ચાલતાં મોડી રાતે કોઆલપાડા આશ્રમે પહોંચીને આશ્રમના માણસોને જગાડ્યા. બધા ઊંઘતા હતા. આટલી રાત ગયે એ બે જણાને જોઈને એમને ઘણી નવાઈ લાગી અને પૂછતાં જ્યારે આવવાનું કારણ સાંભળ્યું ત્યારે ભારે ચિંતામાં પડી ગયા. કોઆલપાડા આશ્રમેથી જ કેળાં ખરીદીને મોકલવામાં આવેલાં. એ પાક્યાં નહિ એમ સાંભળીને એમને પારાવાર દુ:ખ થયું અને તે ને તે ઘડીએ કેળાંની તપાસ કરવાને માટે માણસ મોકલ્યો; પણ પાકાં કેળાં કશે ય મળ્યાં નહિ. કેળાંની ફોકટ શોધમાં રાત ઘણી વીતી ગઈ. બંને જુવાન રાત્રે કોઆલપાડા આશ્રમમાં જ સૂઈ રહ્યા અને બીજે દિવસે વહેલી સવારે ખાલી હાથે અને ખિન્ન મને માની પાસે પાછાં ફરીને જણાવ્યું કે પાકાં કેળાં તો મળ્યાં નથી. મા અને બીજાં સહુ એકદમ ખિન્ન છે, કેળાં વગર પૂજા કેવી રીતે કરાય?

એ દૂરને ગામેથી આવેલો યુવક ઘેરથી આવતી વેળાએ પોતાને હાથે રોપેલી કેળનાં કેટલાંક કેળાં માને માટે લઈ આવેલો. ગઈકાલે માને માટે અત્યંત કામમાં રોકાયેલાં જોઈને કેળાં બહાર કાઢીને આપેલાં નહિ. પોતાની બેગમાં એ કેળાં પેક કરીને સંતાડીને રાખેલાં. ઇચ્છા એવી હતી કે પૂજા પછી મા નવરાં પડશે ત્યારે એમના હાથમાં મૂકશે. વળી એવો પણ વિચાર એના મનમાં આવેલો કે, અત્યારે કેળાં આપશે તો કોણ જાણે આટ આટલી ચીજવસ્તુઓમાં ક્યાંય અટવાઈ જશે? તદુપરાંત, જો કે એ કેળાં સરસ મજાનાં ભરાવદાર અને મોટાં મોટાં હતાં, પણ તો યે બહુ ઊંચી જાતનાં તો નહોતાં. પૂજામાં ઉપયોગી ‘કબરી’ જાતના હોવા છતાં પણ બહુ સામાન્ય પ્રકારનાં કેળાં એ હતાં, લોકો બહુ પસંદ ના કરે અને કાંઈ ખાસિયતવાળાં પણ નહિ. પોતાના હાથે રોપેલા ઝાડનાં ફળ હતાં તેથી માને માટે સંભાળીને લાવેલો એ ખરું, પણ બીજાં લોકો જુએ તો આટલે આઘેથી આવાં સાધારણ કેળાં ઊંચકીને લઈ આવવા માટે હસશે અને પૂજાને કારણે માના ઘરમાં કેવાંયે સરસ સરસ કેળાં નક્કી આવી ગયાં હશે, આવી બધી જાતજાતની વાતોનો વિચાર કરીને ભય, સંકોચ અને શરમના માર્યા એણે એ કેળાં છુપાવીને જ રાખેલાં. વળી આણ્યાં ત્યારે કેળાં કાચાં હતાં એટલે થયેલું કે સારાં પાકતાં સમય લાગશે. આજે દીકરાઓ કોઆલપાડાથી ખાલી હાથે પાછા ફર્યા પછી માનું ઉદાસ મોં અને ચિંતા દેખીને તેમ જ પૂજાને માટે ખાસ જરૂર છે એમ જણાતાં એણે પોતાને ઊતારે જઈને કેળાંનું બંડલ ખોલીને જોયું તો એ બધાં ખૂબ પાકી ગયાં છે અને આવતાં આવતાં રસ્તામાં દબાઈને બે ત્રણ તો જરાક નરમ પણ થઈ ગયાં છે. હવે આ કેળાં રાખી શકાય તેમ નથી એમ જોઈને એને લઈ જઈને માની સામે મૂક્યાં. એ પાકાં કેળાં જોતાં જ મા અત્યંત ઉલ્લાસમાં આવીને બોલી ઊઠ્યાં, ‘જુઓ, જુઓ, માએ પોતાની પૂજાની જોગવાઈ પોતે જ પહેલેથી કરી રાખી છે. અને આપણે બધાં યે ચિંતા કરી કરીને અડધાં થઈ ગયાં.’ સંતાને પોતાના દિલની તમામ વાત માને ચરણે નિવેદન કરી. માએ કેળાં હાથમાં લઈને સારી રીતે જોયાં અને પૂજાના કામમાં આવે એવાં ‘કબરી’ કેળાં જોઈને નશ્ચિંત અને આનંદિત બન્યાં. સંતાનનો પણ સઘળો શ્રમ સાર્થક થવાથી એનું હૃદય આનંદથી ભરપૂર બની ઊઠ્યું.

પ્રસન્ન ચિત્તે, મૃદુ હાસ્યે માએ સંતાનના મોઢા ભણી જોઈને ધીરે ધીરે કહ્યું, ‘આ તો જાણે બરાબર ઓરડામાં વસ્તુ મૂકી અને ચારે દિશાએ શોધતાં ફર્યા, એના જેવું.’ જરાક વાર રહીને ફરીવાર બોલ્યાં, વાક્યને લંબાવીને, ‘ઓરડા – માં – વસ્તુ – મૂકી – ચારે – દિશાએ – શોધતાં – ફર્યા’, મા જરાકવાર સ્થિરદૃષ્ટિથી તાકી રહ્યાં, સંતાન પણ એમના ભણી જોતો જોતો આસ્તે આસ્તે ઓરડામાંથી બહાર નીકળી આવ્યો; મનમાં વિચારે છે – ઓરડામાંની વસ્તુ તે કઈ?

આપણી કલ્પનાની બહાર, બુદ્ધિથી અગોચર સંયોગસૂત્રથી સંસારની કેટકેટલી ઘટનાઓ આશ્ચર્યજનક રીતે નિયંત્રિત થઈ રહેલી છે, એનો વિચાર કરતાં આશ્ચર્યનો પાર નથી રહેતો. માના ઘરમાં જગદ્ધાત્રી પૂજા માટે કેળાંની અછત! અને પાછું વળી કેટલી તો નવાઈભરી રીતે ક્યાંનાં કેળાં ક્યાં આવીને કેવી રીતે ખપમાં લાગ્યાં! જોતાં, વિચારતાં મનમાં થાય છે કે, એક સર્વવ્યાપી શક્તિને ઈશારે જ જગતમાં સર્વત્ર સઘળાં કામો ઊકલી રહેલાં છે, આપણે અજ્ઞ છીએ એટલે સમજી શકતાં નથી.

એ જ યુવક કેળાંની જોડે જોડે પોતાના બગીચાની થોડીક પાકેલી છાલ સંગાથેની સોપારી પણ માને દેખાડવાને માટે લેતો આવેલો. પણ એ દિવસે તો એણે એનો કશો ઉલ્લેખ કર્યો નહિ કે બહાર કાઢીને દેખાડી પણ નહિ. સોપારી તો કાંઈ થોડા દિવસમાં બગડી જવાની નહોતી. વિચાર્યું કે પછીથી ફુરસદ મળતાં આપશે. જગદ્ધાત્રી પૂજા પૂરી થઈ. માને ઘેર પ્રતિમા બે દિવસ રાખીને પછી વિસર્જન કરવામાં આવી. વચમાં ગુરુવાર આવી જવાથી તે દિવસે કમૂરતાંમાં વિસર્જન કરાય નહિ, તેથી એક દિવસ પછી વિસર્જન કરવાનું નક્કી કરેલું છે. અને વિસર્જન ના થાય ત્યાં લગી પૂજા ચાલુ રહે, રોજ સાધારણ રીતે પ્રતિમાની અર્ચના કરવામાં આવે.

પૂજાની ધમાલ પતી ગઈ છે, અતિથિ-અભ્યાગત ચાલ્યાં ગયાં છે, ત્યારે પછી એક દિવસે માને પૂરી નીરાંતથી વિશ્રામ લેતાં જોઈને સંતાને સોપારીઓ આણીને આપી. પાકી છાલ સહિત – નારંગીના રંગની, મજાની ગોળગોળ, હાથની મૂઠી જેવડી એક એક સોપારી મા જોતાં જ રાજી રાજી થઈ ગયાં. એમણે આના પહેલાં કોલકાતામાં કોઈ બગીચામાં સોપારી જોઈ હતી, એટલે ઓળખી કાઢી. પણ ઘરની ઘણી સ્ત્રીઓએ છોડાં (છાલ) સાથેની કાચી સોપારી જોઈ નહોતી, એમણે અતિશય નવાઈ પામીને કુતૂહલપૂર્વક સોપારીની ખેંચાખેંચ કરવી શરૂ કરી. માએ આનંદપૂર્વક સોપારી હાથમાં લઈને એને કેવી રીતે ખવાય તે કહ્યું. સોપારીની છાલ કાઢીને પાણીમાં પલાળી રાખવાની, કે પછી જરાક ઉકાળી લઈને એનો મીણો કાઢી નાખવાનો, પછી સૂકવીને ખાવા લાયક થાય. એ વાત કહીને સહુને ચેતવણી આપતાં બોલ્યાં, ‘મીણાવાળી કાચી સોપારી ખાવાથી ક્યારેક માણસનું માથું ફરી જાય.’ એ સોપારીઓ એમણે કોઆલપાડા આશ્રમમાં રહેતા પ્રિય, વિશ્વાસુ બુદ્ધિમાન શિષ્ય કેદારને, ત્યાંના આશ્રમના બગીચામાં રોપવાને માટે મોકલી આપી. કોઆલપાડા આશ્રમ તરફ માનું ધ્યાન ઘણું રહેતું. પહેલાં એકવાર એકદમ સરસ જાતની કેરીઓ શિષ્યના હાથમાં મૂકેલી. કેરી ખાઈને ગોટલા રોપીને આંબા કરવાને માટે. ઘણા આનંદની વાત છે કે એ ગોટલામાંથી આંબા ઊગેલા અને હજી પણ રહ્યા છે. બહુ જ સરસ કેરી, બનારસની લંગડા કેરી અને દુ:ખની વાત એ કે સોપારીનાં ઝાડ પણ થયેલાં ખરાં, પણ જરાક મોટાં થયાં પછી બધાં જ મરી ગયેલાં. પાછળથી ત્યાં જાતજાતનાં બીજાં ફળોની જોડે સોપારીનાં ઝાડ પણ થયેલાં છે.

માની અંતિમ બીમારી

મા પોતાનાં અક્ષમ સંતાનોની મનોકામના કેટલી અણધારી અદ્‌ભુત રીતે પૂર્ણ કરતાં, એનો વિચાર કરતાં આશ્ચર્યનો પાર નથી રહેતો. છેવટની માંદગી વખતે દેશમાં ઘણા દિવસો પીડાઈને માનું શરીર બહુ જ ખરાબ થઈ ગયું છે. પૂજ્ય શરત્‌ મહારાજ તથા બીજાં બધાંએ કોલકાતાથી સાધુઓને મોકલી ભારે જતનપૂર્વક માને કોલકાતા આણેલાં છે. મા ઉદ્‌બોધનમાં છે. સારામાં સારી ચિકિત્સા, સેવા, દવા, પથ્ય તમામની વ્યવસ્થા થઈ રહી છે, પણ કાંઈ ખાસ ફાયદો થઈ નથી રહ્યો. રોજ બપોર પછી થોડો થોડો તાવ ચડતો રહે છે. કેટકેટલી દવા પથ્યથી પણ મટતો નથી, એટલે કાળા જ્વરનો વહેમ પડે છે. જ્વર ચિકિત્સાના વિશેષ જાણકાર અનુભવી પ્રખ્યાત ડૉક્ટર પી. ડી. બોઝનો ઈલાજ ચાલી રહ્યો છે. રોગિણીને જોવા આવીને પછી જ્યારે એમને શ્રીમાનો વિશેષ પરિચય થયો છે, ત્યારથી એમણે વિઝિટ ફી લેવાની ના પાડી દીધી છે. પણ ક્યારેક ક્યારેક જરાક ઠીક છે એમ લાગવા છતાં સ્થાયી ફાયદો કશો જ જણાતો નથી. ઊલટાનું શરીર વધુ ને વધુ ખરાબ થતું જાય છે. માની બીમારીના સમાચાર સાંભળીને ચિંતિત થઈને દેશદેશાંતરથી એમનાં સંતાનો દોડતાં આવે છે અને માનાં દર્શન કરીને સહુનાં હૃદય અતિશય ખિન્ન દુ:ખી છે. ખાસ સાવધાની વરતવામાં આવી રહી છે. માને પ્રણામ કરવા, એમનાં ચરણસ્પર્શ કરવાની મનાઈ છે, અરે, દર્શન કરવાં પણ મુશ્કેલ છે. સાધારણ ભક્તો તો માની પાસે પણ પહોંચી શકતાં નથી, ખાસ પરિચિત સંતાનો જ દર્શન કરવા તેમજ એકાદ બે શબ્દો બોલવા પામે છે. સેવક સેવિકાઓ ખાસ ખબરદારીપૂર્વક ચોકી પહેરો ભરી રહ્યાં છે. ભક્તો માનાં સુખસ્વાસ્થ્યની જ કામના કરે છે, તેથી કોઈપણ કશી રીતે નિયમ વટોળવાની અને એમની પીડામાં વધારો કરવાની ઇચ્છા નથી ધરાવતા. આઘે આઘેથી આવેલા ભક્ત પણ ખાસ કારણસર માનાં દર્શન કરવાને માટે પણ પૂજ્ય શરત્‌ મહારાજની પરવાનગી લેવી પડે છે. તેઓ પણ પૂરી તરતપાસ કરીને પરિસ્થિતિ મુજબ વ્યવસ્થા કરી આપે છે. એ વાત ખરી, પણ તો યે કદીક કદીક માની મરજીથી પરવાના મનાઈનો કડક બંદોબસ્ત ઢીલો પણ થઈ જાય છે.

Total Views: 75

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.