ધૃતાન્નની ઘટના
એ જ દિવસની કે બીજો કોઈ દિવસની વાત છે તે બરાબર યાદ નથી આવતું. એક શિષ્યે આસામ બાજુના ‘વિરણ’ ચોખા મોકલાવેલા. એક બીજા શિષ્યે એ ચોખાના વરાળે રાંધેલા ઘી-ભાત તૈયાર કરેલા. એને માટે એમણે ઘણી મહેનત કરીને કડાકૂટ કરેલી. વરાળથી ચોખા ચઢીને ભાત રંધાશે કે નહિ એની શંકા ઘણાંને હતી. પણ પછી જ્યારે ફક્કડ મજાનો ભાત તૈયાર થયો ત્યારે સહુ નવાઈ પામીને પાર વગરનાં વખાણ કરવા માંડ્યાં. માનો હરખ તો માય નહિ, નાની બાલિકાની જેમ અધીરાં થઈને સહુને બોલાવી બોલાવીને બતાવે. વિરણ ચોખા વરાળે જ સરસ રંધાય અને ભારે સ્વાદિષ્ટ. એની ધાણી બહુ સરસ થાય. મા કહેતાં હતાં, ‘જુઓ, જુઓ, છોકરાઓએ કેવા સરસ ભાત વરાળે રાંધ્યા છે, અતિ પવિત્ર આજ્ય – અન્ન, અતિ પવિત્ર આજ્ય- અન્ન.’ એમ કહીને વારંવાર વખાણ કરતાં હર્ષભેર ઠાકુરને ભોગ ધરાવ્યો. ત્યાર પછી એક વાડકીમાં થોડોક લઈને બોલ્યાં, ‘થોડોક કાલીને આપી આવું, પવિત્ર આજ્ય-અન્ન.’ ભારે હરખભર્યે હૈયે મા કાલીમામાને ઘેર જઈને પોતે આપી આવ્યાં. તે પછી જાતે પીરસીને સંતાનોને ધરાઈ ધરાઈને જમાડ્યા. છોકરાઓ ભાત રાંધતા હતા ત્યારે પોતે જ એમને પૂછીપાછીને જાણી લીધેલું કે આ ભાત શેની સંગાથે ખાવામાં સરસ લાગે અને એ મુજબ તેલમાં સસડાવેલાં શાક સરસ કરાવડાવેલાં. એ ભાત સંબંધે માએ એક બીજી વાત પણ કહેલી કે એ અતિપવિત્ર આજ્ય-અન્ન. એમાં સખડી-એંઠું જૂઠું એ દોષ લાગે નહિ. ઘીમાં બનાવેલી ચીજ અને ઘી હંમેશાં શુદ્ધ ગણાય, કદી અશુદ્ધ થાય નહિ. એક દિવસ દક્ષિણેશ્વરમાં ઠાકુરે એંઠે હાથે ઘીની વાડકી લીધેલી એ જોઈને માએ નવાઈ પામીને કહેલું કે, ‘અરે, આ શું કર્યું તમે, બધું ઘી એંઠું થઈ ગયું’ ત્યારે ઠાકુર હસીને બોલેલા કે, ‘ઘી કોઈ દહાડો એંઠુ થાય નહિ.’ સાવ નાની વાતમાં માનો ઉલ્લાસ અને ઉદાસી થઈ આવે, નાનકડી બાલિકા સમાણું આચરણ, કેવી તો નવાઈની વાત! જેમણે આ દીઠું છે તેમનાં હૈયાંમાં વણાઈ રહ્યું છે…
બાલિકાભાવ તથા માતૃભાવનું સંમિલન
સારું દૂધ મેળવવાની આશાએ બજારભાવ કરતાં વધારે દર આપીને દૂધ ખરીદવાનું મા પસંદ કરતાં નહિ. તેઓ કહેતાં કે, એ રીતે ભાવ વધારવાથી તો દૂધવાળાઓ પૈસાને લોભે હજી વધુ પાણી નાખશે, અને તદુપરાંત ચીજવસ્તુનો ભાવ વધારી મૂકવાથી બીજાં લોકોને મુશ્કેલી પડશે. હાથમાં પૈસા હોય એટલે એ પ્રમાણે વધુ ભાવે ચીજ ખરીદવાનું બહુ ખોટું છે, એનાથી બીજા લોકોનાં મનમાં અદેખાઈ ઉપજે. તેથી એ બાબતમાં બહુ જ સાવધાન કરી દેતા અને કદીક જો કોઈએ એવી રીતે ખરીદી કરી હોય તો બીજાંને સામે વધારે કિંમત આપ્યાની વાત જાહેર કરવાની મનાઈ ફરમાવતાં.
કોઈ કોઈવાર સામાન્ય બાબતમાં માની છોકરમત જેવો ભાવ જોઈને સંતાનોને ભારે કૌતુક ઉપજતું. કોઆલપાડા આશ્રમે પરવળની ખેતી થતી અને સારાં પરવળ પેદા થતાં હતાં. ત્યાંથી પરવળના થોડા રોપ આણીને એક શિષ્યે માના ઘરના વાડામાં લગાડેલા. મા ત્યારે કલકત્તા હતાં. એ દિવસોમાં આ પ્રદેશમાં ત્યારે પરવળની ખેતી થતી નહિ અને લોકોને પરવળ ખાવાં ભાવતાં પણ એને ઉગાડવાની બાબતમાં વહેમથી ગભરાતા. માને ઘેર પરવળ રોપાયાની વાત ચર્ચાનો વિષય બની. બૈરાઓએ જઈને માને જણાવ્યું, ‘પરવળ લગાડ્યાં છે, એ તો બહુ અપશુકનિયાળ વાત. પરવળ ઉતારશે કોણ?’ ‘પરવળ તોડવા’ શબ્દનો ચલણી અર્થ થતો હતો ‘મૃત્યુ’- સંસારમાંથી વિદાય. માએ મનમાં શંકા ઉપજવાથી પરવળના વેલા ઉખાડીને ફેંકી દેવાનું કહ્યું, અને શિષ્યોએ તરત જ માના આદેશનું પાલન કર્યું. પણ માની બાળકબુદ્ધિ, અને એમની બીક લઈને એ લોકો હસાહસ કરવા માંડ્યા. અત્યારે તો જયરામવાટી પ્રદેશમાં માતૃમંદિરમાં પણ ઘણી પરવળની ખેતી થાય છે પણ તે બાબતે તો એ લોકોને સમજાવી નહોતું શકાયું કે, જો પરવળ તોડવાથી જ માણસ મરી જતાં હોય તો બજારમાં આટલાં પરવળ આવે છે કેવી રીતે? અને વળી લોકોને પરવળ માટે આટલી લાલસા પણ કેમ?
જગતનું સૂક્ષ્મમાં સૂક્ષ્મ યંત્ર એટલે મનુષ્ય હૃદય. એ માનવહૃદયરૂપી યંત્રને મા કટાક્ષ માત્રથી પરિવર્તિત કરી નાંખી શકતા, પણ એ જ માને વળી એક સાધારણ ફાનસને સાફ કરવાનું કામ બહુ અઘરું લાગતું! જયરામવાટીમાં માના ઘરમાં એ જમાનાનું એક હરિકેન ફાનસ હતું. એની બહારની તારવાળી જાળી ખોલીને કાચનો ગોળો બહાર કાઢવો, સાફ કરવો, મોઢિયું ખોલીને અંદર ઘાસલેટ ભરવું વગેરે કામ માને બહુ અઘરાં અને માથાકૂટિેયાં લાગતાં. એમની જૂનવાણી ઢબ મુજબ ચાડાં પરનો તેલનો દીવો અને ઘાસલેટની કુપ્પીવાળી ચીમની સૌથી સહેલી ચીજો. એને ઠીકઠાક કરીને રાખવામાં કશી ય માથાફોડ નહિ. પણ આ ફાનસની વાત તો બહુ અઘરી. તેથી તેઓ એને બીજાંની પાસે સાફસૂફ કરાવી લેતાં. અને જે બધી સ્ત્રીઓ એ કામ કરી આપે, એની હોંશિયારી અને ચતુરાઈનાં મા કેટલાંયે વખાણ કરે : ‘અરે એ લોકોને તો કેટલાંયે કામ આવડે છે! કેવું ફટાક કરતું ને ફાનસ ઠીક કરી દીધું!’ મા પોતે સાવ જૂની ઢબનાં હતાં પણ છોકરીઓ નવા જમાનાને ઉપયોગી ભણતર કામકાજ શીખે તે પસંદ કરતાં, એને માટે ઉત્સાહ પણ દેતાં. નાની ભત્રીજીઓ માકુ અને રાધુને નિશાળે ભણવા મોકલવાની વ્યવસ્થા એમણે કરેલી. એ બાબતમાં ઉત્સાહ આપતાં કહેતાં, ‘લખતાં વાંચતાં શીખશો, કામકાજ શીખશો તો પોતે પણ સુખી થશો અને બીજાંનું પણ ભલું કરીને એમને સુખી કરી શકશો.’ એમણે પોતે પણ ઘણા પ્રયાસો કરીને બચપણમાં અને પછીથી દક્ષિણેશ્વરમાં બંગાળી વાંચતાં શીખી લીધેલું. એમના એક શિક્ષાવ્રતી શિષ્યને એમણે જયરામવાટીના પ્રદેશમાં છોકરીઓને લખતાં વાંચતાં તેમ જ હુન્નર કામ શીખવાડવાને માટે પ્રયત્નો કરવાનું કહેલું. માની એક વિશેષ કૃપાપાત્ર કન્યાએ સીવણકામ તેમ જ દાઈનું કામ શીખીને ઘણાની સેવા કરી હતી. એ તમામ કામની પ્રશંસા માને મોઢેથી સાંભળવા મળતી, ક્યારેક ક્યારે એમના નામનો પણ ઉલ્લેખ કરતાં.
ક્યારેક ક્યારેક માના એક બાલિકા જેવાં માન-અભિમાન પણ શિષ્ય સંતાનોને આમોદ કરાવી જતાં. એક દિવસ જયરામવાટીમાં રસોયાણી હતી નહિ એટલે નલિનીદીદી રોટલી શેકતાં હતાં, અને મા વણતાં હતાં. જોકે એમનો એક શિષ્ય પણ રોટલી વણાવીને મદદ કરી રહ્યો હતો. માનો એ દીકરો રોટલી વણવામાં એક્કો હતો. નલિનીદીદી લગભગ કાયમ માટે મોટી સાસુની જેમ વર્તીને માને શિખામણ આપ્યા કરતાં! રોટલી શેકતાં શેકતાં એમણે ઘાંટો પાડીને કહ્યું, ‘ફઈબાની રોટલી સારી નથી થતી.’ એમની ટીકા સાંભળીને માના મનમાં ભારે માઠું લાગી ગયું, મોઢું ચડાવીને વેલણ ધકેલી દઈને બોલ્યાં, ‘લો, આ રહ્મું તમારું રોટલી વણવાનું. મારી રોટલી જો સારી ના વણાતી હોય તે હું કાંઈ હવે વણવાની નથી.’ દીકરો તો ભારી મુસીબતમાં મૂકાઈ ગયો. એણે ‘બાલિકા’ને સમજાવી પટાવીને રોટલી વણવાનું બંધ ના કરવા માટે ઉત્સાહિત કરવા માંડી. મા બોલ્યાં, ‘આખી જિંદગી હું રોટલી વણતી આવી છું અને આજે મારી રોટલી ખરાબ થઈ ગઈ.’ સંતાને સમજાવટ કરતાં કહ્યું, ‘ના મા, તમારી રોટલી તો બહુ ફક્કડ થાય છે. નલિનીદીદીને ક્યાંથી ખબર પડી કે કઈ રોટલી કોની વણેલી છે? બંને જણાની રોટલીઓ એકઠી તો છે. ખોટો ખોટો તમારો વાંક શું કરવા કાઢે છે? તમારી રોટલી તો બહુ સરસ જ થાય છે.’ એણે ચકલો વેલણ ફરી પાછાં આગળ કર્યાં, ‘બાલિકા’નું મન પણ ભારે રાજી થઈ ગયું અને ફરી પાછાં બેઉ જણાં વાતો કરતાં કરતાં આનંદપૂર્વક પહેલાંની જેમ જ રોટલી વણવા લાગ્યાં.
માતા ઠાકુરાણી સાધારણ રીતે અતિશય સંકોચશીલ સ્વભાવનાં તેમ જ સામાનું માન રાખનારાં હતાં. કેટલોયે ખ્યાલ વિચાર કરીને એકેએક વાત કહેતાં અને કામ કરતાં. અને લજ્જાશીલતાની વાતનું તો કહેવું જ શું? સ્વામી અભેદાનંદે એમના રચેલા શારદાદેવી સ્તોત્રમાં ‘લજ્જાપટાવૃતે નિત્યં શારદે જ્ઞાનદાયિકે’ કહીને કૃપાની યાચના કરી છે. સ્વામી વિવેકાનંદે પણ એમના રચેલા શ્રીરામકૃષ્ણ સ્તોત્રમાં ‘ૐ હ્રીં’ કહીને ઠાકુર અને મા બંનેના બીજમંત્રોની સાથે શક્તિસહિત ભગવાનની સ્તુતિ કરેલી છે. હ્રીંકાર લજ્જાના બીજરૂપે પ્રસિદ્ધ છે. મા લજ્જાસ્વરૂપિણી હતાં એ તો ખરું જ. પરંતુ એમનામાં જગજ્જનનીભાવની સાથે સાથે ગુણાતીત પરમહંસની અવસ્થા, બાલિકાભાવ પણ સ્વભાવિક હતો અને જેમને એમની નજીક રહેવાનું સૌભાગ્ય મળેલું છે તેઓને હરહંમેશ એમનામાં ચિત્તને દ્રવિત કરનાર સલજ્જ માતૃભાવ અને માતૃરૂપનાં દર્શનની જેમ જ વખતોવખત લજ્જાશૂન્ય બાલિકામૂર્તિ અને બાલિકાભાવનાં દર્શન પણ થવાથી એ લોકો વિસ્મિત અને પુલકિત થઈ ઊઠતાં. માની મોટી ઉંમરની, એકાંત આશ્રિત ભક્તિમતી મહિલા શિષ્યાઓ તો એમને – એમની મારૂપી દીકરીને – સાવ નાનકડી બાળકીની માફક જ દેખતાં અને વાત્સલ્યપૂર્ણ વ્યવહાર કરીને હંમેશાં પોતાના કોઠા ઠારતા. ક્યારેક ક્યારેક કોઈક કોઈ પુરુષ શિષ્ય સંતાનને પણ આવી અવસ્થા સામે આવી પડતાં એ કિંકર્તવ્યમૂઢ થઈ જ તો પણ પરમઆનંદ પણ પામતો.
રાસબિહારી મહારાજ પર કૃપા
રાસબિહારી મહારાજ માના વિશેષ કૃપાપાત્ર હતા. ઉદ્બોધન અને જયરામવાટીમાં ઘણા દિવસો માનાં શ્રીચરણોમાં એમણે વાસ કરેલો અને માનાં ઊંડા સ્નેહ મમતાનો પરિચય પામેલા. અહીંયા એમના ઉપર માના વિશેષ અનુગ્રહની એક ઘટનાનો ઉલ્લેખ કરાય તેમ છે. જયરામવાટીમાં રહેતી વખતે એકવાર એમના મનની શાંતિનો ભંગ થઈ ગયેલો. એને લીધે અત્યંત દુ:ખી થઈને અને ચિંતામાં પડી જઈને એઓ વ્યગ્રતાથી માને વળગી પડ્યા કે પોતાને માટે એમણે કંઈક કરી દેવું પડશે. માએ એમને ઠાકુરની શરણાગત થવાનું કહીને ઘણું ઘણું સમજાવ્યા, દિલાસો દીધો પણ એમનું મન શાન્ત થયું નહિ. અતિશય વ્યગ્ર થઈને એમણે માની પાસે કાકલૂદીઓ કર્યે રાખતાં છેવટે માએ એમના તરફ વિશેષ કૃપા કરી, માની દયાથી એમના મનમાં એક અલૌકિક અને પહેલાં કદી અનુભવેલો નહિ એવો ભાવ અને આનંદ જાગી ઊઠ્યા. એ આનંદના કેફમાં દિવસો વીતી રહ્યા છે. બહારની દુનિયા બધી બરાબર ચાલે છે, ખાવું પીવું સૂવું કામકાજ બધું યે ચાલ્યા કરે છે. પણ એ તમામે તમામ જાણે કે સ્વપ્નવત્; આંખોની સામે ચિત્રોની માફક તરી રહ્યાં છે. ભીતરમાં એક સ્વાભાવિક આનંદની અનુભૂતિ હરદમ થઈ રહી છે. ઊઠવું બેસવું, હરવું ફરવું બધું યે જાણે કે યંત્રવત્ ચાલે છે. બે ચાર દિવસ એ જ રીતે વીત્યા. એક દિવસ સવારે ખાસ જરૂરી કામને અંગે પાસેને ગામ જવાનું થયું. એ ઠેકાણે એક માણસે એમને સાધુ છે એમ જોઈને અતિશય ભક્તિભાવપૂર્વક બેસાડીને એમના પગ ઉપર માથું મૂકીને પ્રણામ કર્યા. અને પછી પોતાને કપાળે અને છાતીએ રાસબિહારી મહારાજના પગ વિશેષ પ્રકારે ઘસવા માંડ્યો. એ જ સમયથી પછી રાસબિહારી મહારાજના મનની પેલી ઉચ્ચ અવસ્થા દૂર સરકવા માંડી અને ધીમે ધીમે કરતાં બેત્રણ દિવસની અંદર જ તેઓ સામાન્ય ભાવમાં આવી ગયા. રાસબિહારી મહારાજ ઘણો ખેદ કરતાં કહેતા કે, ‘મને ખબર હતી કે એ માણસનો સ્વભાવ સારો નથી, હલકું ચરિત્ર છે, પણ એ એવી રીતે આકુળ થઈને પગમાં પડ્યો કે, મારું મન બહુ નરમ થઈ ગયું અને મારી પોતાની વાતનો ખ્યાલ કર્યા વિના એના દુ:ખે દુ:ખી થઈ ઊઠ્યો.’ આ પ્રકારની મહતી કૃપાને ધારણ કરવી ઘણી અઘરી છે, તે છતાં એકવાર અનુભવેલા એ આનંદની સ્મૃતિ કાયમને માટે જીવંત બનીને રહે છે.
અન્ય ભક્ત પર કૃપા
જો કે મને પોતાને તો આ પ્રકારનું સૌભાગ્ય નથી મળ્યું પણ માની અલૌકિક કૃપા સંબંધે બીજે એક સમયે એક શિષ્યને મોઢેથી એક ઘટના સાંભળવાનું સૌભાગ્ય તો જરૂર મળેલું છે. તે દિવસે એ શિષ્ય સંતાન આંસુભીની આંખે, ગદ્ગદ્ કંઠે માને જ એ વાત કહી રહ્યો હતો અને મા પણ ખૂબ આગ્રહ સહિત સાંભળી રહ્યા હતાં અને ‘ભાવ’ને હૃદયમાં ગ્રહણ કરીને વચમાં વચમાં ‘અહા, અહા’ કહીને સાદ પુરાવી રહ્યાં હતાં. દીકરો કહી રહ્યો હતો કે થોડાક દિવસ અગાઉ એનો એક જીગરજાન દોસ્ત સખત તાવમાં પટકાઈ પડેલો, એટલી હદે કે સન્નિપાત ઉપડવાથી એના પ્રાણ બચશે કે કેમ એની શંકા ઉપજેલી. જે દિવસે ભાઈબંધની સ્થિતિ મરણતોલ થઈ ગયેલી, તે દિવસે રાત્રે પોતે પૂજાના ઓરડામાં જઈને બારણાં બંધ કરીને માને ચરણે અંતરનું દુ:ખ અત્યંત કરુણાજનક ભાવે નિવેદન કર્યું અને આંસુ સારતાં સારતાં ક્યાંય લગી મિત્રના આરોગ્ય માટે પ્રાર્થના કરતો રહેલો. આ મુજબ થોડોક સમય વીતી જતાં એને તન્દ્રાના જેવું ઘેન ચઢી જતાં બહારની બાજુના ભાનનો લગભગ લોપ થઈ ગયો. અચાનક ભાન આવ્યું અને દીઠું કે મા જ્યોતિર્મય મૂર્તિરૂપે સામે ઊભાં ઊભાં અભય અને સાંત્વના દઈ રહ્યાં છે. એનું હૃદય આનંદે પૂર્ણ થઈ ગયું અને મા અંતર્ધ્યાન થઈ ગયાં. ભરોસો પામીને બહાર આવીને ભાઈબંધની પાસે સૂઈ ગયો. બીજા દિવસથી મિત્રની હાલત સુધરવા માંડી અને થોડા જ દિવસમાં સ્વસ્થ થઈ ઊઠ્યો. આજે પોતે મિત્રને સંગાથે લઈને માને પ્રણામ કરવા અને એમના આશીર્વાદ લેવા આવ્યા છે. એને મોંયેથી એ અદ્ભુત વર્ણન સાંભળીને તેમ જ શ્રીશ્રીમાને ઘણી ઉત્સુકતાથી એ સાંભળતાં અને સમર્થન તથા સમવેદના પ્રગટ કરતાં જોઈને મને અત્યંત આશ્ચર્ય અને આનંદ ઉપજેલાં.
(ક્રમશ:)
Your Content Goes Here




