અવતારોની માનવસુલભ દુર્બળતાઓનું તાત્પર્ય
સંસારમાં બધા ય લોકો આવી રીતે ભૂલચૂકો કરે છે, નાદાનની માફક ઘણાં કામ કરી નાખે છે, અને છેવટે અફસોસ પણ કરે છે – એ સાવ સામાન્ય વાત છે. પણ અવતારલીલામાં આ બધાંની સાર્થકતા શી? માનવની બુદ્ધિતર્કની પેલે પાર રહેલા વિષયને છતો કરી આપવાને માટે તો ભગવાનનો આવિર્ભાવ થાય છે, તેથી આવાં બધાં સામાન્ય લોકાચરણો ઘણાને નકામા લાગે છે. ઉપલક દૃષ્ટિએ આવાં નિરર્થક લાગતાં હોવા છતાં ભક્તહૃદયમાં આ બધાંનું ચમત્કારિત્વ અને આકર્ષણ ભારે હોય છે. ભક્તહૃદયમાં રસનું સ્ફુરણ, મમત્વબોધનું ઉદ્દીપન કરવાને માટે ભગવાન મનુષ્ય થઈને આવે છે. અને ભગવાન આપણા પોતાના જેવા જ છે એમ જણાવાથી તેમ જ તેઓ સાવ આપણા પોતાના જ આત્મીયજન છે એની લાગણીની અતિશયતાથી જ ધીમે ધીમે દૂરત્વનો અલાયદાપણાનો ભાવ નાશ પામે છે અને છેવટે એમની સંગાથે એકત્વની અનુભૂતિ સુદ્ધાં થાય છે. રોજ-બ-રોજનાં વ્યવહાર વર્તનમાં પ્રાકૃત નરસમી નરલીલામાં જ અવતાર લીલાનું માધુર્ય સૌથી વધુ પ્રગટ થાય છે. જે જ્ઞાનસ્વરૂપ છે તેનું અજ્ઞાન, પૂર્ણઆનંદનું દુ:ખ, ભૂમાના ક્ષુદ્ર અભિલાષ, ભયહારીની ભીતિ – એ બધું જોઈ જોઈને જ એમના તરફ મમત્વબોધ વધતો જાય, અંતર પીગળી જઈને એમનાં ચરણોમાં સમાઈ જાય. એવા અંતરને શું ફરી કઠિન સંસારમાં પાછું આણવાનું સંભવ છે? ફેરવવા માગે તો ય ફરે નહિ. ‘કામ શું વાસે, કામ શું વાસે કામ શું મારે ગૃહવાસે! હરિ જેના હૃદયે વસે, આવાસે તે શું રહી શકે?’
બધી ય મા એમનાં સંતાનોનાં મસ્તી તોફાન અનિમેષ નયને નિહાળી રહે, જોઈને હૈયું હરખાય. તેથી તો મા યશોદાની માફક ભગવાનને પણ લાડકવાયાને રૂપે પોતાના બાળકનું જ અનુકરણ કરતા જોઈને માતાઓનાં પ્રાણમન ઉલ્લાસિત થઈ ઊઠે. તરસી આંખે એમનું લીલાક્રીડાઓ જોતાં જોતાં વધુ ને વધુ હરખાતી જાય. શંખ ચક્રગદાધારી ગીતા ઉપદેશકના કરતાં માતાઓને ‘નંદનો છેલૈયો’ વધારે વ્હાલો લાગે, જે દહીંની મટકી ફોડે, માખણ ચોરીને ખાય, પકડવા જતાં દોડીને ભાગી જાય. ભક્તની નજરોમાં શંખ ચક્ર ગદાપદ્મધારીના રૂપ કરતાં મહામહેનતે જેમતેમ કરીને નંદના પાટલા ઊંચકીને લઈ જનારા બાળકના રૂપનાં સૌંદર્ય માધુર્ય ક્યાંયે ચઢિયાતાં! શેષશય્યાશાયી, લક્ષ્મીજી દ્વારા પદસેવિત નારાયણમૂર્તિ કરતાં ‘ઠુમકિ ચલત રામચંદ્ર, બાજત પૈંજનિયા’ કૌશલ્યાનંદનનું રૂપ વધુ ચિત્તને ચોરનારું. છોને યશોદા વારંવાર એમના દીકરાનું અલૌકિક ઐશ્વર્ય દેખતી રહે, ગોપાળ જેવો ‘મા’ કહીને બોલાવે ત્યારે પછી એને કશું ય યાદ રહેવા પામે ખરું? કૌશલ્યાએ કેટલું યે સાંભળેલું કે ભગવાને રામચંદ્રને રૂપે જન્મ ગ્રહણ કર્યો છે રાક્ષસકુળને સંહારીને પૃથ્વીનો ભાર ઊતારવાને માટે; પણ જ્યારે રામને છાતીએ ચાંપીને એના મુખે ચૂમી ભરે ત્યારે શું એ વાત યાદ આવે?
માએ સંતાનની સેવા સ્વીકારવી
શિયાળાની બપોર છે. મા જમીને આરામ કરવા પડ્યાં છે. મકાનની આગલી બાજુએ આવેલા દવાખાનામાં એક સંતાન કામ કરી રહ્યા છે, અને અચાનક કોઈએ કહ્યું, ‘માના પેટમાં દુ:ખે છે, બહુ તકલીફ થાય છે.’ ભક્ત દોડતા માના બિછાના પાસે જઈને ઊભા અને માને સવાલો પુછવા માંડ્યા, ‘કેવું દરદ છે, ક્યારથી દુ:ખે છે, શાથી થયું, ક્યાં દુ:ખે છે’ વગેરે કે જેથી હોમિયોપથીની દવા અપાય. માએ ઢીલે ઢીલે અવાજે જવાબ આપ્યા એટલે ઝટઝટ દવા આણીને ખવડાવી દીધી. પણ માનું મન એટલાથી માન્યું નહિ. દુ:ખી અવાજે બોલ્યાં, ‘બેટા! ભારે પીડા છે, બહુ દુ:ખે છે મને, પેટ ઉપર હાથ ફેરવી દે ને’ માની લાડભરી જીદ, હવે કરવું શું? ખાટલાની ઉપર રજાઈ હેઠળ ભીંત તરફ મોં ફેરવીને મા સૂતેલાં છે. હાથપગ ભેગાં કરીને ટૂંટિયું વાળીને પડેલાં છે. ખાટલાની નીચે બેસીને તો પેટ ઉપર હાથ ફેરવી દેવાનું ફાવે તેમ નથી. માની પથારી ઉપર બેસવું બરાબર છે? કરવું શું? મા બેચેન છે, બહુ તકલીફ થાય છે, ભારે દરદ છે. ભક્તને યાદ છે કે પહેલાં એક દહાડો માના ઓરડામાં ઝટઝટ બેસવા જતાં હાથવગું એક આસન રહેલું જોઈને એને પાથરીને બેસવા જતા હતા ત્યાં મા એકદમ ભયભર્યાં બોલી ઊઠેલાં, ‘મૂકી દે એને બેટા, એના ઉપર હું બેસું છું. જો આ બીજું રહ્યું, એના પર બેસ.’ બીજા આસન ઉપર બેસાડેલા. ગુરુના આસન ઉપર બેસવું તે મહાપાપ, પાછું ક્યાંક છોકરાનું અકલ્યાણ થાય. એને લીધે જ મા ભયથી ઊંચાનીચાં થઈ ગયેલાં. પણ આજે વિચાર કરવાની વેળા નથી, બીજો કશો ઉપાય પણ સૂઝતો નથી. એટલે સંતાન બિછાના ઉપર જ બેસીને હાથ ફેરવી દેવા લાગ્યા, વચમાં વચમાં એકાદ બે દિલાસાના શબ્દો પણ કહેતા જાય છે. જોતાજોતાંમાં દરદ જરા હલકુન પડ્યું, બાલિકાનું મુખ પણ પ્રસન્ન થઈ ઊઠ્યું અને હાશ કરીને શ્વાસ હેઠો મેલ્યો. ત્યારબાદ ગરમ પાણીની કોથળી લઈને આસ્તે આસ્તે શેક કરવાનું શરૂ કરતાં પીડા ઘણી શમતી જણાઈ. તે પછી માની આંખ જરાક તન્દ્રાથી ઘેરાતી જાય છે. એમ જોઈને ભક્ત ધીમે પગલે ચૂપચાપ નીકળી આવ્યા. મા નીરાંતે ઊંઘી રહ્યાં છે એમ જોઈને ઘરમાં સહુનાં મનને શાંતિ વળી. ગૃહસ્થો તો જાણે છે કે અચાનક નાનાં છોકરાંના પેટમાં દુ:ખવા માંડે ત્યારે ઘરમાં કેવી તો ધમાલ મચી જાય છે. ઘરનાં બધાં ય જણાં ગભરાટથી હાંફળાંફાંફળાં થઈ જાય કે કેમ કરીને બચ્ચાને આરામ કરાવી શકાય, એકેએક જણ એને માટે કોશિશ કરવા મંડે. મા પણ માંદા પડે ત્યારે એવાં બચ્ચાંઓ જેવાં જ થઈ જતાં.
દૂધ અશુદ્ધ થવાની ઘટના
કેટલીયે નાનીનાની બાબતમાં પણ માનો આવો બાલિકા જેવો ભાવ જોઈને પુષ્કળ આશ્ચર્ય ઉપજતું, ભારે કૌતુક પણ જાગતું. એક દિવસે એક શિષ્ય એક ઘડો ભરીને દૂધ લઈને અતિશય ઉદાસ મને માને ઘેર આવ્યા. માની પાસે દૂધનો ઘડો બીતાં બીતાં નીચે મૂકીને પ્રણામ કર્યા અને દુ:ખભર્યા સ્વરે એમણે કહ્યું કે, ચોખ્ખું દૂધ મેળવવાને માટે એક મિત્રે વધારે ભાવ આપીને એક નીચી જાતના માણસને ત્યાંથી આ દૂધ લીધેલું. પણ આવતાં આવતાં જોવામાં આવ્યું કે દૂધમાં એક ઝીણી અમથી સૂકી માછલી ઉપર તરે છે. જોતાં જ જાણે માથે આભ તૂટી પડ્યું એવું થયું, દૂધ ફેંકી દેવાનું મન થઈ ગયું, પણ પછી બહુ વિચાર કરી કરીને લઈને આવ્યો છું કે, મા જે પ્રમાણેનો આદેશ દેશે તે મુજબ કરીશું – ફેંકી દેવાનું હશે તો ફેંકી દઈશું અને રાખવાનું હશે તો રાખીશું. એમના મિત્રના મનમાં ભારે ઇચ્છા હતી કે ચોખ્ખા દૂધ વડે ઠાકુરને માટે ખીરનો ભોગ ધરાવાશે, મા પણ થોડીક મોંમાં મૂકશે. પણ હાય રે, બધા ય મનોરથ ધૂળમાં મળી ગયા, સાંભળીને માને પણ બહુ દુ:ખ થયું, વિલાયલે ચહેરે બોલ્યાં, ‘દીકરા, ફેંકી દેવાની જરૂર નથી, નાનાં નાનાં છોકરાં છે, એમને પીવા તો ચાલશે.’ ઠાકુરના ભોગ માટે દૂધ નહિ વપરાય, દીકરાઓ કેટલે આઘેથી તકલીફ લઈને લાવેલા છે. ઘરનાં સહુનો મત મા પૂછવાં લાગ્યાં કે એ દૂધની ખીર રાંધીને ઠાકુરના ભોગમાં ધરાવાય કે નહિ. નાદાન બાલિકાની માફક મા આને, તેને, રસોયાણીને અરે! નોકરાણી સુદ્ધાંને પૂછી રહ્યાં છે, ઉદાસ ચ્હેરે પૂછે છે, ‘હાં રે, આ દૂધ શું ઠાકુરને ધરાવવા માટે નહિ ચાલે?’ કોઈ કોઈએ ગંભીર ભાવે કહ્યું, ‘કેવી રીતે ચાલે? દૂધની અંદરથી કંઈક નીકળ્યું છે. એ દૂધ તો ભોગ માટે અયોગ્ય થઈ ગયું છે!’ મા ખૂબ જ દુ:ખી થઈને નિસ્તેજ ચહેરે બેઠાં છે. એટલામાં એમનાં મુરબ્બી, જાણે કે ઘરનાં કર્તાહતા નલિનીદીદી બહારથી આવીને ઘરમાં પેઠાં અને તરત જ માએ એમને પણ દૂધની બાબતમાં સવાલ કર્યો. નલિનીદીદીએ બધી વાત સાંભળીનાં જ મોટે અવાજે હાથ હલાવતાં પોતાનું મુરબ્બીપણું સારી પેઠે પસારીને સલાહ દીધી કે, ‘તે ફઈબા શું થઈ ગયું છે દૂધને? કોઈક રીતે ખેડૂતને ઘેર એક માછી પડી ગયેલી, એને કાઢીને ફેંકી દીધી છે. એમાં દૂધને શું થઈ ગયું? શું કરવા ઠાકુરને ના દેવાય? મજાનું ચાલશે. કલકત્તાના દૂધવાળાઓ દૂધમાં કંઈ કેટલીયે ભેળસેળ કરે છે, એની કોણ ખરખબર રાખે છે? એ જ દૂધની તો મીઠાઈઓ થાય છે, ખીર બને છે, અને બધાય લોકો દેવીદેવતાને ભોગ ધરાવે છે!’ ‘ખરું કહે છે નલિની, કલકત્તાના દૂધ માટે શું કોઈ વિચાર કરે છે. કંઈ કેટલીયે ભેળસેળ એમાં થાય છે. એ જો ઠાકુરને આપી શકાય, તો આ દૂધ પણ ચાલે જ. આ તો એનાથી ય વધારે સારું દૂધ છે.’ નલિનીદીદીની દલીલભરી વાતમાં માએ એમ કહીને સથવારો દીધો અને ભારે ખુશી થઈને નિશ્ચિંત બનીને ઠાકુરના પાયસભોગની વ્યવસ્થા કરી. છોકરાઓએ આટલી તકલીફ ઉઠાવીને આટલે આઘેથી આણેલું દૂધ, એની ખીર રાંધીને ઠાકુરને ભોગ ધરાવીને સહુને પોતાને હાથે પીરસીને ખવડાવતાં માના દિલમાં હરખનો પાર નહિ! સાચેસાચ, તેઓ આજે બાલિકાના જેવાં ઉલ્લાસભર્યાં છે, વારંવાર આગ્રહ કરી કરીને ખવડાવે છે.
(ક્રમશ:)
Your Content Goes Here




