અચાનક વરસાદ શરૂ થતાં શારદાનંદ મહારાજે તરત જ ઘડાથી પાણી રેડવાનું બંધ કરાવ્યું. જરાક વાર લગી એક ઝાપટું વરસાદ વરસીને ચિતાને ઠારી દીધી અને બપોરના તડકામાં તપેલા માનાં સઘળાં સંતાનોને શીતળ કરી દીધાં. કેટલાક સંતાનોએ એકઠાં મળીને એક ઘડામાં દેહાવશેષ અસ્થિ એકઠાં કર્યાં. આશ્ચર્યની વાત હતી કે લગભગ બધું જ રાખ થઈ ગયું હતું, બહુ જ થોડાં અસ્થિ મળ્યાં. એને જાળવીને એકઠાં કરીને તાંબાના ઘડામાં ભરીને ભક્તિપૂર્વક લઈ જઈને બેલૂડ મઠના ઠાકુર ઘરમાં માના મિત્ર પાસે સ્થાપિત કરવામાં આવ્યાં. ઠાકુરને વિરાટ ભોગ દઈને ભરપટ્ટે પૂરી શાક રસગુલ્લાનો પ્રસાદ ભેગાં થયેલાં સહુને આપવામાં આવ્યો. તે દિવસે સંધ્યાટાણે એ યજ્ઞસ્થળે એક સંતાને ધૂપ જલાવ્યો. બીજે દિવસેથી સુબોધાનંદ મહારાજે નિત્ય નિયમિતપણે ધૂપ-દીપ પ્રગટાવવાની જવાબદારી એક બ્રહ્મચારીને સોંપી.
શ્રીશ્રીમાના નિત્યલીલા-પ્રવેશને બીજે દિવસે બપોરે જ્યારે એમનો દેહ બેલૂડ મઠમાં આણવામાં આવ્યો ત્યારે, ધોમધખતા તડકામાં આટલે દૂરથી લવાયા છતાં પણ એમનું મુખમંડળ જ્યોતિર્મણિડત હતું. સ્નાન-પૂજા પછીયે, છેવટની ક્ષણ લગી મુખની એ દિવ્ય જ્યોતિર્મય આભા સંપૂર્ણપણે વીલાઈ નહોતી ગઈ, અને જેમને ચરણકમલના સ્પર્શનું સૌભાગ્ય પ્રાપ્ત થયેલું, તેમણે દીઠું કે એ પણ હજી યે કેવાં સુકોમળ હતાં. પુષ્પાદિથી સુશોભિત થઈને ‘સ્થલપદ્મપ્રતીકાશમ્’ એ ચરણયુગલે અતિ સુંદર, નયનમનોહર રૂપ ધારણ કરેલું. માની એ દિવ્ય જ્યોતિર્મય પ્રભા સંબંધે પૂજ્ય રાસબિહારી મહારાજે વાત કરેલી, ‘કેવી તો આશ્ચર્યમય ઘટના! કેટલાયે દિવસોથી રીબાઈ રીબાઈને માના શરીરમાં કશું રહ્યું નહોતું. ચહેરો અતિશય સૂકાઈ કરમાઈને ઝાંખો બની ગયેલો, દેહત્યાગની વેળાએ પણ એવો જ હતો! પ્રાણવાયુ વિલીન થઈ ગયા બાદ પૂજ્ય શરદ મહારાજની સૂચના મુજબ પહેરેલાં કપડાં વગેરે બદલાવીને નવાં કપડાં પહેરાવીને સાફ બિછાના પર દેહ રાખવામાં આવ્યો. ધૂપ પ્રગટાવ્યો. શોકાતુર થઈને સહુ જરાક છેટે બેઠાં હતાં, અચાનક એક જણાની નજર પડી કે, માનું મુખમંડળ ઝળહળ થઈ ઊઠ્યું છે. એ બોલી ઊઠ્યો, ‘જુઓ, જુઓ, માનું મુખ જ્યોતિર્મય થઈ ગયું છે અને સહુની દૃષ્ટિ એ ભણી ખેંચાઈ. અવાક્ બનીને સહુ એકબીજાંનાં મોઢાં જોઈ રહ્યાં. ‘આ તે કેવી નવાઈ! ક્યાંથી અચાનક આ જ્યોતિનો આવિર્ભાવ થયો, પહેલાં તો કોઈએ કદીપણ આવું રૂપ દીઠું નહોતું!’ સૌનાં હૃદય વિસ્મયથી પુલકિત થઈ ઊઠ્યા, માતૃવિષયક ભજન ગૂંજી ઊઠ્યાં.’
તેરમે દિવસે બેલૂડ મઠમાં મહામહોત્સવ યોજાયો. પૂજા, પાઠ, કીર્તન, પ્રસાદ વિતરણ અને ‘દીયતાં ભુજ્યતામ્’ના રવથી મઠ ગૂંજી ઊઠ્યો. ત્યારે ચોમાસાના દિવસો હતા. ઉત્સવને આગલે દહાડે ખૂબ વાદળાં ઘેરાયેલાં જોઈને ઘણાં આશંક્તિ અને ઉદ્વિગ્ન થઈ ગયેલાં, ત્યારે મહાપુરુષ મહારાજે ભારપૂર્વક કહ્યું કે, ‘કશી બીક નથી, જાણતા નથી કોનું કારજ છે? એમની ઇચ્છાથી જ તમામ કામ સરસ રીતે આટોપાઈ જશે. બીજે દહાડે આકાશ ચોખ્ખું થઈ ગયું અને સહુએ નિર્વિઘ્ને ઉત્સવમાં જોડાઈને પ્રસાદ લીધો.
માના દેહત્યાગના એકાદ-બે દિવસ પછી સંધ્યાવેળાએ માના આશ્રિત એક સારાં ઘરનાં ભક્ત-દંપતી અત્યંત શોકાર્ત થઈને બેલૂડ મઠે આવ્યાં અને પૂજ્ય મહાપુરુષ મહારાજનાં દર્શન કરીને પોતાનાં અંતરનો પ્રબળ શોક રડતાં રડતાં પ્રગટ કર્યો. એ લોકો ઘણે આઘે રહે છે, માનાં છેલ્લા દર્શન કરવાની આશાએ કેટલી મુશ્કેલી વેઠીને આવ્યાં, પણ આશા પૂર્ણના થઈ. મા એના પહેલાં જ સીધાવી ગયાં. મહાપુરુષ મહારાજે એમના પ્રત્યે ખૂબ જ સહાનુભૂતિ દર્શાવીને એમને સાંત્વન આપ્યું, એમનું મન પણ સહેજ શાંત થયું. ત્યારબાદ મહાપુરુષજી એક પ્રકારે ભાવાવિષ્ટ જેવા બનીને બોલવા લાગ્યા. ‘મા તો હવે સર્વવ્યાપિની; સહુની અંદર, સહુ ઠેકાણે એમને જોઈ શકશો. જે કોઈ એમને અંતરથી પુકારશે તે દર્શન પામશે. આટલા દિવસ તેઓ એક સ્થાને હતાં, હવે સર્વત્ર છે. દુ:ખનું કોઈ કારણ નથી, વ્યાકુળ બનીને આંતરિક ભાવે પુકારતાં જ દર્શન દેશે.’ મહાપુરુષ મહારાજની એ આશાવાણી અનેકનાં હૃદયોને સ્પર્શી ગઈ અને ભરોસો બંધાવી ગઈ.
સરસ્વતીરૂપિણી મા
એ પછી કેટલાંક વર્ષે એકવાર શ્રીપંચમીને દિવસે એક બ્રહ્મચારી બેલૂડ મઠમાં પ્રતિમામાં સરસ્વતીદેવીની પૂજા કરવા બેસતાં પહેલાં મહાપુરુષ મહારાજના આશીર્વાદ લેવા ગયા હતા. એમને ઉદ્દેશીને મહાપુરુષ મહારાજ ઊંચે અવાજે બોલ્યા, ‘મા જ સાક્ષાત્ સરસ્વતી છે. એમની કૃપાથી આપણા મઠમાં નિત્ય એમની પૂજા થાય છે. તેઓ જ કૃપા કરીને સૌનું અજ્ઞાન દૂર કરે છે, જ્ઞાન ભક્તિ પ્રદાન કરે છે.’ ‘જય મા’ ‘જય મા’ બોલતાં બોલતાં મહાપુરુષ મહારાજ ભક્તિ ગદ્ ગદ્ કંઠે બે હાથ જોડીને વિનમ્ર્રભાવે માને ઉદ્દેશીને વારંવાર પ્રણામ કરવા લાગ્યા. એમના આ ભાવોદ્વેકે સહુનાં ચિત્ત દ્રવિત કરી દીધાં. માનાં એક સંતાન ‘મા સાક્ષાત્ સરસ્વતી’ સાંભળીને બહુ પુલકિત થયેલા, એમના અંતરમાં એક પુરાણી સ્મૃતિ જાગૃત થઈ ઊઠેલી. એકવાર તેઓ જયરામવાટીમાં પૂજાને માટે ફૂલ એકઠાં કરવાને નીકળેલા. આસપાસમાં કશે ય ફૂલ ના મળતાં, ફરતાં ફરતાં ભૂરસૂળો ગામે માણિકરાજાના બગીચે આવી પહોંચ્યા, અને એમના પુરાણા ખંડિયેર સમ બાગમાં એક લગભગ મરી ગયેલા કુન્દના ઝાડ ઉપર થોડાંક ફૂલ દેખીને બહુ ખુશ થઈ ગયા. કાંટાળા ઝાડીઝાંખરાં વટાવીને થોડાંક કુન્દ પુષ્પો ચૂંટીને લઈ આવ્યા. ત્યારે શિયાળાની ઋતુમાં કુન્દ ફૂલો ખીલવાની મોસમ હતી. મા ફૂલ જોઈને ખૂબ ખુશી થયાં અને ઠાકુરની પૂજા કરી. પૂજા વખતે સંતાને માને થોડાંક ફૂલ બાકી રાખવાની વિનંતી કરેલી. પૂજા પૂરી થતા મા એમને ફૂલ દેખાડી દઈને ખાટલા ઉપર પગ લટકાવીને બેઠાં. સંતાન ફૂલ લેવા ગયા અને જોયું કે એમાં એક અતિ સુંદર વિકસિત કુન્દ પુષ્પ પણ રહેલું. ભક્તો માને પાયે રાતાં ફૂલ અર્પવાં પસંદ કરે, સફેદ ફૂલ તો ઠાકુરને માટે. જે હોય તે, માએ રાખેલું છે, તેથી સફેદ કુન્દ પુષ્પ હાથમાં લઈને પાદપદ્મોમાં દીધું. પણ એ ફૂલ પાદપદ્મોમાં અર્પતાં જ, અંતરમાં જાણે કે એક આનંદનો હિલ્લોળ ઊઠ્યો. એમ લાગ્યું જાણે કે એ પુષ્પ એક જ વિસ્તારને ચારે દિશાઓને અજવાળી દઈને હસી રહ્યું છે, મા પણ અત્યંત પ્રસન્નવદના છે. કુન્દ તો મા સરસ્વતીનું અતિ પ્રિય પુષ્પ, અને આપણાં મા તો સાક્ષાત્ સરસ્વતી છે! પણ અબુધ સંતાને હજી ત્યારે એ વાત સાંભળી નહોતી.
ચોકીદારો રડવાનો અવાજ સાંભળીને જાણી જશે તો દુષ્ટ કંસને ખબર પહોંચાડી દેશે અને એ હત્યારો તરત આવીને એના પ્રાણપ્યારાને છીનવી લઈને મારી નાખશે. માના પ્રાણ ભયથી ફફડી રહ્યા છે કે કેમ કરીને એના અસહાય બાળુડાની રક્ષા કરે.
યોગીન મા, ગોલાપ મા વગેરે માની અંતરંગ, એકાંત, આશ્રિત ભક્તોની પણ એવી જ અવસ્થા હતી. માની નિર્વિકલ્પ સમાધિ, દેહાત્મબુદ્ધિનો વિલોપ, ભાવાતીત ભાવમાં અવસ્થાન, અને ઇન્દ્રિયાતીત ભૂમિ ઉપરથી નીચે ઊતરી આવે ત્યારે પોતાનો પાંચભૌતિક દેહ જડે નહિ એવી સ્થિતિ, ઉચ્ચભાવભૂમિ ઉપર રહેતી વખતે દિવ્ય પ્રકાશથી દેહમનનાં પરિવર્તન, અલૌકિક રૂપ અને ભાવવિકાસ! તદુપરાંત જગજ્જનનીએ શરણાગત સંતાનને સ્નેહામૃતનું પાન કરાવીને એના પ્રાણ શીતળ કરવા, મનના સર્વ સંશયો, સંદેહોનું ભંજન કરનારી વેદવાણી સાંભળીને અભય પ્રદાન કરવું – એ બધું દેખી સાંભળીને વખતોવખત એ લોકો વિસ્મિત, સ્તંભિત થઈ જતા, ક્યારેક અત્યંત પુલકિત અને આનંદિત બની ઊઠતા. તો વળી બીજી બાજુ માની બીમારીના ખબર સાંભળીને, રહેવાખાવાની તકલીફ જાણીને, બગડેલી તબિયત અને શરીરનાં દુ:ખકષ્ટ જોઈને અતિશય ચિંતિત, શંક્તિ અને દુ:ખિત થઈ ઊઠતાં, તડફડતાં. ત્યારે એમનાં માતૃહૃદય મા-રૂપી બેટીના દુ:ખે ફફડાટ સ્વભાવ છે કે મોટાને નાનું કરીને જુએ. ઉચ્ચકોટિના ભક્તો રાગાનુગામાર્ગે આગળ વધીને જે ઉજ્જવળ અપાર્થિવ ભગવદાનંદનું રસાસ્વાદન કરે તેમાં સુખ અને દુ:ખ બંને અતિશય તીવ્ર અને તીક્ષ્ણ થઈને પરસ્પરને પુષ્ટ કરતાં રહે. પ્રેમભક્તિ કેવી છે? – ‘તપ્ત ઈક્ષુચર્વણ, મુખ જલે, ના જાય ત્યજન’ – ગરમ ગરમ શેરડી ચૂસવા સરખી છે, મોઢું તો બળી જાય છે પણ છોડતી યે નથી. અંતરાત્મા ભગવાનનું સ્ફુરણ અને અનુભવ જ અલૌકિક સુખદુ:ખ અથવા દુ:ખસુખનાં મુખ્ય વિષય-આશ્રય અથવા આશ્રય-વિષય છે.
તેથી આ દુ:ખની ભીતરમાં પણ ગભીર આનંદરસ જ વહેતો રહે છે અને પ્રેમિક ભક્તોનાં હૃદયમાં મધુર-વાત્સલ્ય આદિ ભાવોને આશ્રયે આ રસાસ્વાદનની સ્પૃહા પણ વરતાય છે. વિરહમાં, અદર્શનમાં, દેહનાં દુ:ખકલેશ જોઈને રસની વધુ સ્ફુર્તિ થાય છે. ‘પ્રેમપંથ પાવકની જ્વાળા, ભાળી પાછા ભાગે જોને; માહીં પડ્યા તે મહાસુખ માણે દેખણહારા દાઝે જોને.’
રોગરાઈમાં માનો બાલિકાભાવ અધિક પ્રગટ થઈ આવતો- બધાંય માણસોને મંદવાડ આવે ત્યારે, દુ:ખકષ્ટ પડે એટલે બીજાંની મદદની આશા થાય, હૈયું નરમ પડી જાય. માનાં હૃદયની નરમાશ તો બધે ય વખતે બધી ય અવસ્થામાં જોવામાં આવતી પણ તે છતાં એમાં દુર્બળતા કે નબળાઈ કદી પણ દેખાતી નહિ. એ નરમાશ, શિશુના સ્વાભાવિક અધિકાર સમી, લાડ માત્ર જેવી અત્યંત સહજ, સરળ અને સુંદર લાગતી. જાણે કે કોમળ હૃદયવાળી નાનકડી દીકરી મા બાપનાં હેત મમતાનું આસ્વાદન કરતી હોય તેમ. આ વેળાએ માની માંદગી ઘણી ઘણી મટવા આવી છે, તાવ આવતો અટકી ગયો છે પણ તો યે હજી પણ નબળાઈ બહુ છે – પથારીવશ છે. કોયાલપાડાના કેદારનાં મા ઘણુંખરું આવીને જોઈ જાય છે, ખાસ કરીને ખોજખબર લેતા રહે છે. કેદારનાં માએ શ્રીમાતાજીને સાક્ષાત્ જગદંબાજ્ઞાને મનપ્રાણ સમર્પણ કરેલાં છે, દિલ દઈને સેવાચાકરી કરે છે, પરંતુ અપાર ભક્તિશ્રદ્ધાની જોડાજોડ અંતરમાં અતુલ વાત્સલ્ય રસ પણ ભળેલો છે. વૃદ્ધ માજી આટલે દૂરથી ચાલીને માનાં દર્શન કરવા આવતાં અને દીકરીનું શરીર કેમ છે, કશી તકલીફ તો નથી પડતીને એની ખાસ પ્રકારે તપાસ કરતાં, નજરે જોઈ જતાં. કોયાલપાડાથી જ હટાણું કરીને બધી ચીજવસ્તુઓ આવતી, માજી બધાનું ધ્યાન રાખતાં, જોઈ સાંભળીને વ્યવસ્થા કરી દેતા. માની ભારે માંદગીને લીધે બહુ ઉદ્વિગ્ન હતાં, હવે ઘણું સારું છે એમ દેખીને કંઈક જીવ હેઠો બેઠેલો. આવે તેવાં જ પથારીની બાજુમાં એકદમ અડીને બેસે માને, હાથેપગે હાથે ફેરવે, વ્હાલપૂર્વક વાતચીત કરે, શું ખાવું ભાવે છે, શું ખાવું જોઈએ એવી બધી કેટલીયે વાતો થાય. આજે આવીને દીકરીને જરાક ઠીક જોઈને મન થોડુંક પ્રફુલ્લ થયું છે તો પણ ખાવાપીવાની રુચિ જોઈએ તેવી નથી એમ જાણીને બહુ ફિકરમાં પડ્યા છે. સેવક-સેવિકાઓને જાતજાતની સલાહસૂચના આપીને માના કાનમાં ગૂપચૂપ કહીને ગયાં કે પોતે એક સરસ ચીજ તૈયાર કરી આપશે, ખાધે મોઢામાં સ્વાદ લાગશે અને રુચિ થશે. કેદારનાં મા પાકાં ગૃહિણી, કંઈ કેટલું યે આવડે, એ જમાનાનાં પાકટ વયનાં કુશળ જાણકાર મહિલા.
માનું બાલિકા જેવું આચરણ
મા માંદા પડ્યાં ત્યારથી એક શિષ્ય દીકરો રોજ રાત્રે સૂવા જતાં પહેલાં અને સવારના પહોરમાં માને ઓરડે જઈને પૂછપરછ કરે કે માને કેમ છે. માના ઓરડામાં ભોંયે સેવિકાઓ સૂઈ રહે. આજે વહેલી સવારે જઈને માના કુશળ સમાચાર પૂછતાં જ મા બોલ્યાં, ‘સારું છે, બેટા. જરાક ભૂખ લાગી છે.’ નાનકડી બાળા જેવી નજર, લાડભરી હઠના સમાણા શબ્દો. દીકરો વિચાર કરે છે કે શું આપું? પૂજનીય શરત્ મહારાજ, યોગીન-મા, ગોલાપ-મા, ડૉક્ટર, સેવક-સેવિકા બધાં અહીં છે; ખાવાની વસ્તુઓ પણ કેટલીયે જાતની પડેલી છે. એ લોકોને પૂછીને જ કંઈક આપવું સારું એમ એને લાગ્યું. એટલામાં માએ મૃદુ હસીને બાજુમાં ઓરડાની ભોંયે સૂતેલી એક સેવિકાને ધીમે ધીમે કંઈક કહ્યું કે તરત એમણે ઊઠીને એક નાનકડી છાબડીમાં થોડીક સાથવા જેવી કોઈક ચીજ આણીને દીકરાના હાથમાં મૂકી. માએ દીકરા ભણી મોં કરીને આગ્રહપૂર્વક કહ્યું, ‘ખવડાવી દે’ સંતાનને તો શું કરવું તેની સૂઝ પડે નહિ. છાબડી હાથમાં લીધી પણ ખબર પડી નહિ કે એમાં શું છે, આવી ચીજ એણે કોઈ દહાડો દીઠેલી નહિ. હવે શું કરે? માની શરીરની આવી હાલત છે. કોલકાતાથી ડૉક્ટર, દવાદારૂ આવેલાં છે, શરત્ મહારાજ પોતે જાતે આવેલા છે, એમને પૂછ્યાતાછ્યા વિના આ ખવડાવવું બરાબર છે? પણ પૂછવા જવાનો વખત પણ નથી અને બીજો કશો ઉપાય પણ નથી. મા બાલિકાની જેમ ભૂખથી આકળાં અધીરાં થઈ ઊઠ્યાં છે, ખાવાને માટે જીદ કરીને મોઢું લંબાવીને બેઠાં છે. ના, હવે રાહ જોવાની વેળા નથી. કેટલા દહાડાથી એમને ખવડાવવા માટે પ્રયાસો કરતા હતા, આજે એમને પોતાને ખાવાની મરજી થઈ છે. એટલે પછી સંતાને માનું જ મનમાં ને મનમાં સ્મરણ કરી અને એમનો જ આશરો લઈને પથારી ઉપર જ બેસીને ચપટી ચપટી કરીને એ જ ખાવાનું માના મોઢામાં મૂકવા માંડ્યું. ખાઈને માના ચહેરા પર આંખોમાં બાલિકાના જેવી તૃપ્તિ અને આનંદ ફુટી નીકળ્યાં, જોઈને સંતાનને પણ ખૂબ આનંદ થયો. વચમાં વચમાં એકાદ બે રાજીખુશીની વાતોચીતો કરતાં કરતાં ખાવાનું પૂરું થયું અને પાણી પીને માએ પરમ તૃપ્તિ વ્યક્ત કરી. સંતાને માનું મોઢું લૂછાવીને શરીર પરનાં કપડાં ઠીકઠાક કરીને ઓઢાડી દઈને રજા લીધી. પછી સેવિકાઓને મોઢેથી સાંભળ્યું કે એ સાથવા જેવી ચીજનું નામ છે. ‘મયના-કોટા’. કેદારનાં મા પોતાને હાથે બનાવીને સંતાડીને રાખી ગયાં છે કે મા સવારે સવારે જરાક જરાક ખાય તો મોઢામાં રુચિ આવે અને શરીરમાં લોહી આવતાં શક્તિ મળે. તાજી ભુંજેલી ડાંગરની ધાણીની અંદર જે અડધી ફુટેલી મમરા જેવી ધાણી હોય તેને વીણી લઈને, સાફ કરીને એમાં ચોખ્ખા શેકેલા તલ ભેળવીને, પછી એનો બારીક ભૂકો કરીને એમાં જરાક મીઠું મરચું ભેળવીને તૈયાર કરવામાં આવે છે. બહુ જ મોઢું સ્વાદ કરે તેવી, પચવામાં હળવી અને સ્વાદિષ્ટ વાનગી અને માને ભાવતી. કોઈને ય એ વિશે કશું કહ્યા કારવ્યા વિના રોજ સવારે સવારે થોડાક દિવસ સંતાને એ જ રીતે માને ખવડાવ્યું. કશું ય નુકસાન થયું નહિ, ઊલટાનું સારું જ થયું એમ જાણીને સંતાન ખૂબ રાજી રાજી છે. અને માએ બાલિકાની માફક ખુશીખુશી એમને હાથેથી એ ખાઈને એમના અંતરમાં એક અક્ષય નૂતન છબી આંકી દીધી છે. એ સ્નેહમૂર્તિ, વાત્સલ્યેથી છલકતાં નેણ મુખને શું કોઈ કદી વીસરી શકે?
કોયાલપાડામાં શ્રીજગદંબા આશ્રમે મા મેલેરિયાથી માંદાં પડ્યાં છે એમ સમાચાર મળતાં એક સંતાન એમને જોવાને ગયેલા. મા સૂતેલાં છે તાવ આવ્યો છે. સંતાને પથારી પાસે ઊભા રહીને પૂછ્યું, ‘મા, કેમ છો?’ માએ નાનકડી છોકરીની માફક દયામણા થઈને જવાબ દીધો, ‘નથી સારું ભાઈ, બહુ તાવ છે, શરીરમાં ભારે બળતરા થાય છે. હાથ અડાડીને જો ને.’ સંતાને અનેક કારણોસર દેવદેહને સ્પર્શ કરતાં સંકોચ પામીને નામ પૂરતો સહેજ હાથ લગાડ્યો. ખોટું લગાડીને બાલિકાના ભાવે મા રડમસ અવાજે અને પડી ગયેલા ચહેરે બોલી ઊઠ્યો, ‘એ શું? બરાબર સરખી રીતે તો જો.’ સંતાનની સમજમાં આવ્યું કે માના મનનો ભાવ અત્યારે નાની છોકરી જેવો છે; એટલે પછી સંકોચ ત્યજીને પાસે બેસીને સારી રીતે શરીરે હાથ પસવારીને જોવા લાગ્યો, શીખામણ અને સાંત્વના આપતી બે ચાર વાતો કહીને સમજાવવા માંડ્યો, ‘કશી ફિકર કરવા જેવું નથી’, ‘જલદીથી મટી જશે’ વગેરે. માને મનમાં વિશ્વાસ, આવતાં પ્રફુલ્લિત થઈ ગયાં અને એને પણ આશ્વાસન મળ્યું.
આસનના બે ટુકડા કરવાની ઘટના
માંદગીના સમય સિવાયના બીજે સમયે પણ ક્યારેક ક્યારેક માની અંદર આ જાતનો બાલિકાભાવ પ્રગટ થતો દેખાતો. માયાવતીથી ભુરિયા છોકરીઓએ એક સુંદર ગાલીચાનું આસન મોકલ્યું હતું એ વાત આગળ કહેલી છે. આસન જોઈને માનું મન હરખાયેલું, એ હિમાલયની પહાડી છોકરીઓની કારીગીરી અને ભક્તિભાવની ખૂબ પ્રશંસા કરેલી અને એ જ આસને બેસીને પૂજા કરતાં. એક દિવસ સવારને વખતે જઈને એક સંતાને જોયું કે, મા એકદમ દિલગીર થઈને ગાલ ઉપર હથેળી દઈને બેઠેલાં છે. એકદમ ચિંતામાં પડી ગયાં છે. પાસે જ એક ‘બંટી’ (શાક કાપવાનું લાકડાની પાટલી પર બેસાડેલું ઓજાર) અને બે બાજુ બે આસન પડેલાં છે. સંતાનને જોતાં જ મા દુ:ખી થઈને બોલી ઊઠ્યા, ‘બેટા, જો ને શું કરી નાંખ્યું છે મેં?’ બે હાથે બે આસન ઊંચકી લઈને દેખાડતાં ખૂબ અફસોસ કરતાં કહેવા લાગ્યાં, ‘પેલી પહાડી છોકરીઓએ આપેલું સુંદર આસન બહુ મોટું હતું. પાથરીએ ત્યારે ઓરડીની બહુ જગ્યા રોકાઈ જતી હતી અને બેસવા માટે એટલા બધાની જરૂર તો પડે નહિ. બેવડું વાળીને જોયું કે અંદરની બાજુએ વાળીએ તો આવી સરસ કારીગીરી પછી દેખાતી નહોતી, અને બહારની બાજુ કઠણ એટલે બેસવામાં પણ આરામ લાગે નહિ. બહારની બાજુએ બેવડું વાળવાથી અડધી ડિઝાઈન દેખાય, પણ બાકીનું નીચે ભોંયે ઘસાઈને ખરાબ થઈ જાય. અને પાછું બેવડું કરવાથી બહુ ઊંચું અને જાડું થઈ જાય તે જોવામાં કે બેસવામાં સારું ના લાગે. એટલે મને વિચાર આવ્યો કે બે કકડા કરીએ તો નાનું યે થઈ જાય અને બે જણને બેસવા પણ ચાલે. એમ વિચારીને ‘બંટી’ વડે કાપીને બે ટુકડા કરી કાઢ્યા, પણ સરખે ભાગે સીધાં કપાયાં નથી. બેઉ ટુકડા ત્રાંસા – એક છેડે પહોળા ને બીજે છેડે સાંકડા થાય છે! સરણ તો હતી, એને કહ્યું હોત તો સરસ મજાના સરખાં કરીને કાપી આપત. કેવી ભૂલ કરી છે. મેં, જે કોઈ જોશે તે હસશે!’ અણસમજુ બાળકીની માદક મા સાવ જ બુદ્ધુ જેવાં બની જઈને અફસોસ કરી રહ્યાં છે. એમ જોઈને સંતાને બંને ટુકડાને હાથમાં લઈને ધારી ધારીને જોયા અને પછી સાંત્વના અને ઉત્સાહ દેતાં બોલ્યા, ‘બે કકડા કર્યા તે તો સારું જ થયું. બહુ કામમાં આવશે. જરાક વાંકાચૂંકા થયા છે ખરા, પણ એ તો જરાક કાપીકૂપીને સારી રીતે ધારો વાળી દેવાથી થઈ જશે. સહેજે નુકસાન થયું નહિ, એને માટે કશી ચિંતા કરવા જેવું નથી. હમણાં સરલાદીદીને બોલાવીને બધું બરાબર કરી દઈએ.’ સરલાદીદી આવ્યાં, એમને પણ માએ આસનના ટુકડા દેખાડીને કહ્યું, ‘જોને મા, આ શું કર્યું છે મેં, હવે જરાક ઠીક કરી આપ કે લોકો હસે નહિ.’ એમણે પણ દિલાસો દઈને માને શાંત કર્યા અને આસનના બેઉ ટુકડા લઈને પહોળી બાજુ એથી જરાક કાઢી નાંખીને સાલ્લાની કોર વડે ધારો ઓટી દીધી. સરસ મજાનાં બે આસન તૈયાર થઈ ગયાં, લાવીને માને આપ્યાં. જોઈને માનું મન હરખાયું અને હરખભેર સંતાનને પણ બોલાવીને દેખાડ્યા. ‘જો જો, સરલાએ કેવાં સરસ કરી દીધાં છે. હવે મજાનાં કામમાં આવશે.
Your Content Goes Here




