(વેદાંત સોસાયટી ઓફ સેન્ટ લૂઈ દ્વારા પ્રકાશિત અને સ્વામી ચેતનાનંદ દ્વારા લિપિબદ્ધ મૂળ અંગ્રેજી પુસ્તક “Sri Sarada Devi and Her Divine Play”નો એક અંશ આપની સમક્ષ પ્રસ્તુત છે. ભાષાંતરકાર છે શ્રી હર્ષદભાઈ પટેલ. -સં)
એ પરમ વિસ્મયની બાબત છે કે શ્રીમા શારદાદેવી જયરામવાટીના નાનકડા નિવાસસ્થાનમાં પોતાની યુવાન ભત્રીજીઓ, ભાભીઓ, સ્ત્રીભક્તો અને યુવાન સંન્યાસીઓ તેમજ પુરુષભક્તોના સંગમાં કેવી રીતે સુમેળપૂર્વક રહ્યાં હતાં! જો કે તે સૌ તેમનાં સંતાનો હતાં છતાંય શ્રીમા સ્ત્રીઓ અને પુરુષો પરસ્પર મુક્તપણે હળે-મળે નહીં તેનું વિશેષ ધ્યાન રાખતાં. શ્રીમાના પુરુષ સેવકો અને ભક્તો મકાનના આગળના ભાગના કક્ષમાં રહેતા અને સ્ત્રીવર્ગ પછવાડેના ભાગમાં. ભોજન વખતે શ્રીમા પુરુષોને પહેલાં ભોજન કરાવતાં, તેમની સાથે વાતચીત કરતાં પરંતુ તેમને લાંબો સમય રોકાવા દેતાં નહીં. તેઓ તેમને કહેતાં, “મારાં સંતાનો! અમે ગમે તે હોઈએ, પરંતુ અમારું નારીરૂપ છે.” શ્રીમા તેમના યુવા સેવકગણમાં સંન્યસ્તના આદર્શોના પ્રત્યારોપણ માટે વિશેષ પ્રયાસ કરતાં.
૧૨૫ વર્ષો પૂર્વે શ્રીમા આ ધરાતલ પર સદેહે વિદ્યમાન હતાં અને કોલકાતા તેમજ જયરામવાટીમાં નિવાસ કરતાં હતાં. જો કે આપણે તેમની દિવ્યલીલા નજરે નિહાળવા ભાગ્યવાન નથી પરંતુ તેમના શિષ્યો આપણા માટે તેમનાં સંસ્મરણો મૂકતા ગયા છે. શ્રીમા કેવી રીતે રાંધતાં અને શાકભાજી સમારતાં, શું ખાતાં અને કઈ વાનગીઓ પસંદ કરતાં, ભક્તો સાથે કેવી રીતે વાર્તાલાપ કરતાં અને મંત્રદીક્ષા આપતાં, સગાંસંબંધી તથા શિષ્યો સાથે કેવી રીતે વર્તતાં, મલેરિયા અને સંધિવાથી કેટલાં પીડાતાં, કેવી રીતે રેલગાડી અને બળદગાડામાં મુસાફરી કરતાં ઇત્યાદિનું હાલમાં આપણે માનસદર્શન કરી શકીએ છીએ.

સ્વાભાવિક રીતે ભક્તોને શ્રીમાની જયરામવાટીમાંની દિનચર્યા જાણવાની આતુરતા હોય છે. સ્વામી સારદેશાનંદે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છે-
શ્રીમા પ્રાતઃકાળે વહેલાં ઊઠી જતાં, ઠાકુર (ચિત્રપટ)ને જગાડતાં અને તેમનો ફોટો વેદી પર મૂકતાં. સ્નાનાદિથી પરવારીને ઠાકુરની પૂજા માટે આવશ્યક ચીજવસ્તુઓ તૈયાર કરતાં, ફળફળાદિ કાપતાં અને નૈવેદ્ય તૈયાર કરતાં. ત્યારબાદ પૂજા કરતાં અને પછી ઘરના સભ્યોને પ્રસાદ વહેંચતાં. ત્યાર પછી રસોડામાં જઈ રસોઈ કરનારને મદદ કરતાં. શાકભાજી સમારતાં, વળી કેટલીક વાનગી પણ રાંધતાં. કેટલીક સ્ત્રીભક્તો તેમને સહાયતા કરતી. રસોઈ તૈયાર થતાં, તે ઠાકુર સમક્ષ લઈ જતાં. જ્યાં સુધી તેઓ શારીરિક રીતે સક્ષમ હતાં ત્યાં સુધી જાતે જ ભક્તોને ભોજન પીરસતાં અને તેમનાં પતરાળાં ઉઠાવતાં. પછીથી ઓસરીમાં બેસીને ભોજન આરોગી રહેલાં સંતાનોને નિહાળતાં અને કેટલાંકને તેમની ભાવતી વસ્તુ વધુ પીરસવાની સૂચના આપતાં. ભોજન બાદ તેઓ સર્વને પાન-બીડાં વહેંચતાં. સારા ભોજન બાદ પાન-બીડાં ચાવતા ભક્તોને નીરખવાનું શ્રીમાને ખૂબ ગમતું. કેટલીક વાર શ્રીમા પોતાના ભાઈઓના પરિવાર સાથે ભોજન આરોગતાં. ભોજન કર્યા બાદ શ્રીમા બજરથી દાંત સાફ કરતાં અને ભક્તોના પ્રશ્નોના ઉત્તર આપતાં. ત્યાર બાદ તેઓ આરામ કરવા જતાં.
જયરામવાટીમાં શ્રીમા ભોજનમાં શું લેતાં એનું વર્ણન સ્વામી સારદેશાનંદે કર્યું છેઃ
શ્રીમાનું ખાણું મધ્યમ વર્ગના પરિવાર જેવું હતું. અલ્પાહારમાં તેઓ પૌંવા આરોગતાં. બપોરના ભોજનમાં તેઓ ઘણું કરીને ભાત, અડદની દાળ, ખસખસનું શાક, શાકભાજીનો જોલ, ચટણી, જોલ (બાફેલું શાક), તળેલી વાનગી, ક્યારેક ભક્તો માટે માછલી. પછીના ગાળામાં તેઓએ સેવકોને પતરાળાં અને આસન કેવી રીતે ગોઠવવાં તે શીખવ્યું હતું. શરૂઆતમાં શ્રીમા સ્વયં રાંધતાં અને પીરસતાં પણ ખરાં. આસન અને પતરાળાંની ગોઠવણી વખતે બે આસન વચ્ચેનું અંતર એક સમાન રખાવતાં અને પ્યાલામાંના પાણીનું સ્તર બધા જ પ્યાલામાં સમાન રાખવાનું જણાવતાં. ભોજન પીરસાઈ જાય એટલે શ્રીમા સાધુઓ અને ભક્તોને આવી જવાનું અને ભોજન આરોગવાનું કહેતાં કે જેથી પીરસાયેલ અન્ન પર માખીઓ બેસે નહીં. જો કોઈ મોડા આવે તો શ્રીમા પોતાના પાલવથી માખીઓ ઉડાડતાં. શ્રીમા પોતાનાં સંતાનોને ભોજન આરોગતાં જોઈને આનંદવિભોર બની જતાં અને કેટલાંકને વધુ પીરસવાનું કહેતાં.
શ્રીમા રાત્રીભોજનમાં રોટલી, શાકભાજીનો જોલ, દૂધ અને ગોળ લેતાં.
શ્રીમા સ્વયં રોટલીનો લોટ મસળીને તૈયાર કરતાં અને રોટલી વણતાં. ભોજન તૈયાર થાય એટલે ઠાકુરને નિવેદિત કરતાં અને પછી ભોજન-પાત્રો ઢાંકી રાખતાં જેથી રસોઈ ગરમ રહે. કેટલીક વાર ભાનુ ફઈ શ્રીમાના પગે મસાજ કરતાં. જો શ્રીમા થાકી જતાં તો ઓસરીમાં સૂઈ જતાં અને સેવિકાને તેમના પગે લસણનું તેલ ઘસવાનું કહેતાં. શિષ્યો જ્યારે ધ્યાન-જપથી નિવૃત્ત થતા ત્યારે શ્રીમા તેમને રાત્રીભોજન માટે બોલાવતાં. રાધુની બિલાડી રસોઈ એઠી ન કરે એટલા માટે શ્રીમા લાકડીથી રક્ષણ કરતાં. અંધારી ઓસરીમાં દીવો ટમટમતો અને શ્રીમા દીવાલને ટેકો દઈ, પગ લંબાવીને બેસતાં. એ નીરવતામાં શ્રીમાનું મન કયા ઉચ્ચ પ્રદેશમાં વિહાર કરતું એ કોઈ જાણતું નહીં!
જયરામવાટીમાં સંન્યાસીઓ અને ભક્તોને ભોજનની બાબતમાં અભાવ ન લાગવો જોઈએ- શ્રીમા આ સંબંધે ચિંતિત રહેતાં. જયરામવાટીમાં શ્રીમા સૌ પ્રથમ પુરુષભક્તોને જમાડી દેતાં, પછીથી પોતે સ્ત્રીભક્તો સાથે જમતાં. જો કોઈ સંન્યાસી કાર્યવશાત્ અન્યત્ર ગયા હોય તો તે જ્યાં સુધી પરત ન થાય ત્યાં સુધી મા પોતે ભોજન કરતાં નહીં, ભલેને ગમે તેટલું મોડું કેમ થતું ન હોય.
કેટલાક ભક્તો નિયમિતપણે શ્રીમાના જીવનનિર્વાહ અર્થે પૈસા મોકલાવતા. સ્વામી સારદેશાનંદે શ્રીમાના અનાસક્તિભાવનું વર્ણન કરતાં લખ્યું છેઃ ટપાલી મનીઓર્ડર લઈને આવતો. શ્રીમા પ્રાપ્તકર્તાના સ્થાને પોતાના ડાબા હાથના અંગૂઠાનું નિશાન કરતાં અને બીજું કોઈ તેને પ્રમાણિત કરતુંઃ “શ્રીશારદાદેવીના ડાબા હાથના અંગૂઠાનું નિશાન.” પછી ટપાલી પૈસા ગણીને શ્રીમાને હાથમાં સોંપતો. શ્રીમા તેની સાથે ટૂંકી વાતચીત કરતાં અને તેને વિદાય આપતાં. કોઈ જાણતું નહીં કે કોણે-કેટલા પૈસા મોકલ્યા છે. પાછળથી નવરાશના સમયે શ્રીમા પોતાના સેવકને મનીઓર્ડરની કૂપન આપતાં અને તેને પોતાના આશીર્વાદ સહિત સ્વીકૃતિ-પત્ર લખાવતાં. જ્યારે સેવક પૈસા સ્વીકારતો, ત્યારે શ્રીમા તેને પૈસા ગણવાનો ઇન્કાર કરીને કહેતાં, “બેટા, પૈસાનો ખણખણાટ મનુષ્યના મનમાં લોભ જગાડે છે. અને ધનની એવી શક્તિ છે કે ઢીંગલી સુધ્ધાંનું મુખ એ સ્વીકારવા ખૂલી જાય છે.”

સ્વામી ગૌરીશ્વરાનંદે પોતાનાં સંસ્મરણોમાં નોંધ્યું છેઃ
શ્રીમા પોતાના જીવનનિર્વાહ અર્થે યથાયોગ્ય નાણાકીય જોગવાઈ કરતાં પરંતુ તેમના હાથ પર ક્યારેય વધારાનાં નાણાં રહેતાં નહીં. તેઓ પોતાની નાણાંપેટી ખોલતાં અને ચીજવસ્તુની ખરીદી કરવા મને પૈસા આપતાં. તેઓ મને પેટીમાંનાં મોટાભાગનાં નાણાં આપી દેતાં અને કહેતાં, “એક રૂપિયાનું ખાદ્યતેલ, એક રૂપિયાનો લોટ, બે રૂપિયાનું ઘી અને એવું બધું ખરીદજે.” હું કહેતો, “મા, એમ નહીં. તમે જે કહ્યું તે મને લખી લેવા દો. પછી હું વજન મુજબ ખરીદી કરીશઃ પાંચ શેર એક વસ્તુ, અઢી શેર બીજી વસ્તુ અને એમ. આ વિશેષ કરકસરભર્યું રહેશે.” આનંદિત થઈને શ્રીમા કહેતાં, “બેટા, તારી ગણતરી મુજબ ખરીદી કરજે. એવી રીતે પૈસાની ગણતરી કરવાનું હું જાણતી નથી.” ક્યારેક બધા જ પૈસા ખરચાઈ જતા ત્યારે શ્રીમા કહેતાં, “સારું, ઇન્દુ થોડા જ વખતમાં પૈસા મોકલવાનો છે. ત્યારે આપણે વધુ જથ્થામાં વસ્તુઓ ખરીદીશું.” દર મહિનાની પહેલી કે બીજી તારીખે રાંચીનો ભક્ત ઇન્દુ પંદર રૂપિયા શ્રીમા માટે મોકલતો.
અવારનવાર ભક્તો શ્રીમાને સ્વાદિષ્ટ ફળ, વિવિધ મીઠાઈ અને સુંદર વસ્ત્રો ભેટ રૂપે આપતા, શ્રીમા આનંદપૂર્વક તે બધાંનો સ્વીકાર કરતાં અને આશિષ વરસાવતાં. પરંતુ આ તો ભક્તોના સંતોષ માટે કરાતું. શ્રીમાને આ બધાં પ્રત્યે જરાય આસક્તિ હતી નહીં. મધ્યમ વર્ગની સ્ત્રીઓને શોભે તેવી સાડી શ્રીમા પહેરતાં અને સાડી જીર્ણ-શીર્ણ થઈ જાય ત્યાં સુધી વપરાશમાં લેતાં. ક્યારેક તેઓ થીંગડાવાળી સાડી પણ પહેરતાં અને ભેટ રૂપે પ્રાપ્ત નવી સાડીઓ ગરીબ અને જરૂરિયાતવાળી સ્ત્રીઓને આપી દેતાં.
આસામના સુરેન્દ્રનાથ ગુપ્ત નામના શિષ્યે શ્રીમાને મોંઘી સાડી આપવાની ઇચ્છા વ્યક્ત કરી. શ્રીમાએ જ્યારે સાંભળ્યું કે તેની કિંમત રૂપિયા સાઈઠ છે ત્યારે તેમણે સદંતર ઇન્કાર કર્યો. ભક્તની ભાવના જાણીને શ્રીમાએ સેવકને લખી જણાવવા કહ્યું કે “જો તમે એટલી મોટી રકમ ખર્ચવા માગતા હો તો જમીનનો એક ટુકડો ખરીદો જેથી સાધુ અને ભક્તોની સેવા થઈ શકે.”
શ્રીમાના દક્ષિણેશ્વર નિવાસના દૈનિક જીવનની વાત કરીએ તો શ્રીમા અન્ય કોઈ ઊઠે તે પહેલાં સવારના ત્રણ વાગે ઊઠી જતાં. ગંગાસ્નાન પછી લગભગ દોઢ કલાક પૂજા-જપ કરતાં. ત્યારબાદ ઠાકુર અને ભક્તો માટે ભોજન તૈયાર કરતાં. દક્ષિણેશ્વરમાં શિષ્યો હાજર ન હોય તો શ્રીમા ઠાકુરને તેમના સ્નાન પૂર્વે તેલ-માલિશ કરતાં. ત્યારબાદ શ્રીમા બધાં માટે પાન બનાવતાં. સ્નાન કરીને આવ્યા બાદ ઠાકુર ભોજન લેતા. શ્રીમા ભોજનની થાળી તૈયાર કરીને લઈ જતાં. ઠાકુરનુ મન બાહ્ય જગતમાં ટકાવી રાખવા શ્રીમા સામાન્ય બાબતની ચર્ચા કરતાં જેથી ઠાકુર સમાધિસ્થ થઈ ન જાય અને સુપેરે ભોજન કરી લે.
Your Content Goes Here





