તીર્થયાત્રાનું મહત્ત્વ ભારતમાં સવિશેષ જોવા મળે છે. ઘણા ઋષિઓએ – મહાપુરુષોએ વિવિધ તીર્થસ્થળોએ જઈને એમની પવિત્ર ચરણધૂલિથી જે તે તીર્થસ્થાનને વધુ ને વધુ પવિત્ર બનાવ્યાં છે, એવું કથન આપણાં શાસ્ત્રોમાં પણ છે. શ્રીમદ્‌ ભાગવત (૧.૧૩.૧૦) માં ભક્ત વિદુર તીર્થયાત્રામાંથી પાછા ફર્યા ત્યારે રાજા યુધિષ્ઠિર એમને કહે છે : ભવદ્વિધા ભાગવતાસ્તીર્થિભૂતા: સ્વયં વિભો । તીર્થીકુર્વન્તિ તીર્થાનિ સ્વાન્ત: સ્થેન ગદાભૃતા । ‘હે વિભુ, પવિત્રતાના પરમ શિખર સુધી પહોંચેલા, તમારા જેવા પ્રભુના ભક્ત, આપની ભીતર રહેલા નારાયણની ઉપસ્થિતિ સાથે પવિત્ર તીર્થસ્થાનોની તમે યાત્રા કરીને એ પવિત્ર સ્થળોને વધુ પવિત્ર બનાવ્યાં છે.’

ભારતભૂમિમાં આધ્યાત્મિક ભાવને જગાડતાં તીર્થસ્થાનોનો ઘણો મહિમા છે. આ તીર્થભૂમિની વિશુદ્ધિ તેમજ તેની શ્રદ્ધેયતામાં વૃદ્ધિ કરનારા સંતો-મહર્ષિઓની અનુભૂતિઓ, તેમની અધ્યાત્મ કથાઓ, પુરાણ કથાઓ, લોકકથાઓ, ભવ્ય પ્રણાલીઓને લીધે આ તીર્થો વધુ પાવનકારી અને સુખ્યાત બન્યાં છે. તીર્થાટન હિંદુઓ માટે પોતાની ધર્મસાધનાનું એક અંગ બની ગયું છે. જેમ નદીને સરળતાથી ઓળંગવા એક હોડીની જરૂર પડે છે તેમ આ સંસાર સાગરને ઓળંગવા, જન્મમૃત્યુના ચક્રમાંથી મુક્ત થવા તીર્થો આવશ્યક છે. પરંતુ એક તીર્થ બીજાં તીર્થ કરતાં વધુ પાવનકારી કેમ હોઈ શકે? મહાભારતમાં આનો જવાબ છે: ‘જેમ શરીરના ચોક્કસ અવયવોને પવિત્ર ગણવામાં આવે છે તેવી જ રીતે આ ધરતીના કેટલાક ભૂભાગ અને જળભાગને પણ પવિત્ર ગણવામાં આવ્યા છે. એક હિંદુ યાત્રાળુ તીર્થસ્થાનોની યાત્રા કોઈ સૌંદર્ય દર્શનના હેતુથી કરતો નથી. એમને મન તીર્થદર્શન એટલે ત્યાંના પવિત્ર મંદિરોમાં રહેલ દિવ્ય દેવપ્રતિમાનાં સાક્ષાત્‌ દર્શન કે પ્રભુએ માનવના રૂપે કરેલી  દિવ્યલીલાને નિહાળવાનો પુણ્ય અવસર છે. આધ્યાત્મિક અનુભૂતિઓથી ભરેલા મહાત્માઓ માને છે કે આવાં પવિત્ર તીર્થસ્થાનોમાં સાક્ષાત્‌ પ્રભુની ઉપસ્થિતિ હોય છે. સ્વામી શારદાનંદજી તીર્થયાત્રાનું મહત્ત્વ સમજાવતાં કહે છે કે જ્યારે આવા મહાન પ્રભુના ભક્તો કે અવતારી પુરુષો કોઈ તીર્થસ્થાનની યાત્રાએ જાય છે ત્યારે તેઓ ઈશ્વરના વિશેષ અને નવા રૂપના પ્રગટીકરણને ત્યાં મૂકતા જાય છે અને ત્યાં રહેલ પૂર્વના ઈશ્વરના પ્રગટીકરણને વધુ ઉજ્જ્વળ બનાવી જાય છે. 

તીર્થ ત્રણ પ્રકારના હોય છે: સ્થાવર – જેવાં કે કાશી, કુરુક્ષેત્ર, પુષ્કર, ગંગા, ગોદાવરી વગેરે. જંગમ – નિર્મળ અને પવિત્ર હૃદયના સાધુસંતો. મનસ – ઉદાત્ત નૈતિક ગુણો જેવા કે દયા, પ્રેમ, સત્યનિષ્ઠા, ક્ષમા, સંતોષ, વગેરે. સાક્ષાત્‌ જગજ્જનની શ્રીમા જ્યારે પ્રાચીન સ્થાવર તીર્થસ્થાનોની યાત્રાએ જાય ત્યારે તીર્થસ્થાનમાં સ્થાવર, જંગમ અને મનસ એ ત્રણેયનો સુભગ સમન્વય થઈને એ તપોભૂમિ એક શક્તિપીઠ બની જાય છે.

શ્રીઠાકુરના દેહાવસાન પછી એમના અસ્થિપુંજને તામ્રકળશમાં રાખીને, કાશીપુરના ઉદ્યાનગૃહની શ્રીઠાકુરની શય્યા પર એ તામ્રકળશને રખાયો. સાંજે શ્રીમા પોતાના હાથના સોનાનાં કંકણ દૂર કરવા જતાં હતાં ત્યારે શ્રીઠાકુરે એમને સાક્ષાત્‌ દર્શન આપીને કહ્યું: ‘હું કંઈ મરી ગયો છું કે તમે આ સૌભાગ્યનાં ચિહ્‌નો હાથમાંથી ઊતારો છો?’ એટલે કે શ્રીઠાકુરની દિવ્યલીલાનો અંત ન હતો અને શ્રીમાને પણ આ દિવ્યલીલાના કાર્યમાં શ્રીઠાકુરનો વિયોગ પણ ન હતો. ૨૧મી ઓગસ્ટે તેઓ બલરામબાબુના નિમંત્રણથી કાશીપુર ઉદ્યાનગૃહમાંથી તેઓ બાગબજારમાં એમના નિવાસસ્થાને આવ્યાં. શ્રીઠાકુરના વિરહનું દુ:ખ હળવું ન થયું. આ વિશે શ્રીમાએ પોતાના શબ્દોમાં આ પ્રમાણે કહ્યું હતું: ‘એમની (શ્રીઠાકુરની) મહાસમાધિ પછી મારો શોક અસહ્ય બની ગયો. હું અવારનવાર મનમાં ને મનમાં કહેતી: ‘આવા ભવ્યપુરુષ ચાલ્યા ગયા છે. હવે પાછળ રહેવાનું મારે શું કામ?’ મને ક્યાંય ગોઠતું ન હતું અને લોકોનો સંગાથેય ન ગમતો.’ શ્રીમાના વિષાદના ભારને હળવો કરવા માટે ભક્તજનોએ શ્રીમાને તીર્થયાત્રાએ મોકલવાનો નિર્ણય કર્યો. આ યોજના પ્રમાણે ૩૦મી ઓગસ્ટ, ૧૮૮૬ના રોજ સ્વામી યોગાનંદજી, સ્વામી અભેદાનંદજી, સ્વામી અદ્‌ભુતાનંદ, લક્ષ્મીદીદી, ગોલાપ મા અને માસ્ટર મહાશયનાં પત્ની નિકુંજદેવી સાથે શ્રીમા વૃંદાવનની યાત્રાએ નીકળ્યાં. આ યાત્રાના માર્ગમાં તેઓ સૌ પ્રથમ દેવઘર ગયાં. ત્યાં પ્રખ્યાત વૈદ્યનાથનાં દર્શન કરીને પછીની ગાડીમાં આ યાત્રાસમૂહ કાશીધામ જવા ઉપડ્યો. 

સંસ્કૃત ધાતુ ‘કશ્‌’ (પ્રકાશવું) પરથી કાશી શબ્દ આવ્યો છે. (કાશીખંડ ૨૬.૨૭)માં કાશી વિશે કહેવાયું છે: શિવ અખંડ જ્યોતિ રૂપે અહીં નિરંતર પ્રકાશમાન થઈ રહ્યા છે એટલે એને કાશી કહેવાય છે. ઉત્તરે વરણ અને દક્ષિણે અસિ નદીની વચ્ચે આવેલું છે. આ બંને નદીઓ ગંગા નદીમાં મળી જાય છે. એટલે કાશીને વારાણસી પણ કહેવાય છે. સ્વામી અરૂપાનંદે કાશીમાં એકવાર શ્રીમાને પૂછ્યું: ‘બનારસમાં મૃત્યુ પામનારને મોક્ષ મળે છે, એ વિશે તમારો શો અભિપ્રાય છે?’ શ્રીમાએ કહ્યું: ‘શાસ્ત્રો આમ કહે છે, આ ઉપરાંત ઘણા લોકો શ્રદ્ધાભક્તિ સાથે અહીં આવે છે. શિવજીના જેઓ શરણાગત થયા છે તેમને બીજું શું થઈ શકે?’ એક શિષ્યે વળી પ્રશ્ન પૂછ્યો: ‘બીજા ધર્મના કે શિવજીના શરણાગત ન બનેલા લોકો વારાણસીમાં મૃત્યુ પામીને મોક્ષ ગતિ મેળવી શકે ખરા?’ શ્રીમાએ કહ્યું: ‘હા, ચોક્કસ. વારાણસીમાં પ્રભુના ચૈતન્ય અને દિવ્યતા સર્વત્ર વ્યાપેલાં છે. અહીં બધાં સજીવ, અરે મચ્છર, કીડી-મકોડા પણ દિવ્યચૈતન્યમય છે. અહીં મૃત્યુ પામનાર ભક્ત હોય, આસ્તિક હોય, બીજા ધર્મમાં માનતો હોય, અરે મચ્છર, કીડી-મકોડા પણ મોક્ષ ગતિ પામે જ.’ મણિકર્ણિકાનો ઘાટ એ કાશીનું સુખ્યાત શ્મશાન છે. આ ઘાટ પર સદીઓથી હજારો હજારો ભાવિકોના દેહને અગ્નિસંસ્કાર કરવામાં આવે છે. મણિકર્ણિકાનો મહિમા આવો છે:

સંસારસારપદવી યત્ર સ્યાદવીયસી
કર્ણજપાન્મહેશાનાત્કરુણાવરુણાલયાત્‌ ।
અનેક ભાવસંભૂતપ્રભૂત સુકૃતૈર્નરા:
કર્ણેજપમ્‌ ભવમ્‌ યત્ર લભન્તે તે ભવાપહમ્‌ ।
સ્વીકૃત્ય ક્ષેત્રસંન્યાસં યદ્‌બલેન મહાધિય:
તૃણમ્‌ કૃતાન્તં મન્યન્તે સેયં શ્રીમણિકર્ણિકા ।

‘મણિકર્ણિકા એવું સ્થળ છે કે જ્યાં કરુણાસાગર મહેશ્વર મૃતદેહના કાનમાં મંત્ર ભણે છે; અહીં જીવનનો દિવ્ય આનંદ પ્રાપ્ત કરવો સરળ છે; અહીં લોકો પોતાના પૂર્વ જન્મના પુણ્યના પ્રતાપે આ ભૌતિકતાના વિનાશક અને અમૃતમંત્ર આપનાર ભવ એટલે શિવજીને પામે છે; અહીં પવિત્ર લોકોનાં વિવેકવૈરાગ્ય, તપ, સંયમના પ્રતાપે મૂર્ખાઓ યમદેવને મેળવે છે.’

પુણ્યભૂમિ કાશીમાં તેઓ આઠ-દસ દિવસ રોકાયાં અને વિવિધ સ્થળે દર્શન કર્યાં. આ  એમનું પ્રથમ કાશી દર્શન હતું. વારાણસીમાં શ્રી વિશ્વનાથ, અન્નપૂર્ણાદેવીની પૂજા કરીને બીજાં મંદિરોનાં દર્શને ગયાં. શ્રીમાએ શ્રીવેણીમાધવના ટાવર પરથી કાશીનાં દર્શન કર્યાં. 

 એક દિવસ સાંજના આરતીનાં દર્શન વખતે શ્રીમા મહાભાવમાં આવી ગયાં અને ઘરે આવ્યાં ત્યાં સુધી એમને બાહ્યાવસ્થાનું ભાન ન હતું. ત્યાર પછી તેમણે કહ્યું: ‘શ્રીઠાકુર જ મારો હાથ પકડીને ઘરે લઈ આવ્યા.’ કાશીયાત્રા દરમિયાન તેઓ ત્યાંના સુખ્યાત સંત સ્વામી ભાસ્કરાનંદને પણ મળ્યાં. એમના વિશે પ્રતિભાવ આપતાં શ્રીમાએ કહ્યું: ‘કેવા સ્થિરધીર મહાત્મા. ઠંડી અને ગરમીને વસ્ત્રો વિના નિર્વિકારભાવે સહન કરે છે. કાશીથી તેઓ અયોધ્યા ગયાં. અયોધ્યામાં શ્રીરામની દિવ્યલીલાભૂમિનાં પાવનસ્થળોનાં દર્શન કરી વૃંદાવન જવા નીકળ્યાં. માર્ગમાં શ્રીમાને ફરી એકવાર શ્રીઠાકુરના અનપેક્ષિત દર્શન થયાં. શ્રીઠાકુરે શ્રીમાની અસ્વસ્થતા દૂર કરવા પોતાનું ઈષ્ટકવચ  આપ્યું હતું. શ્રીમા એ ઈષ્ટકવચની પૂજા કરતાં અને પોતાના હાથે બાંધી રાખતાં. કવચવાળો હાથ ગાડીના ડબ્બાની બારી તરફ હતો. એ સમયે શ્રીઠાકુરે બારીમાંથી ડોકિયું કાઢીને એમને સાવધાન કરતાં કહ્યું: ‘જુઓ, હાથમાં પહેરેલું પેલું ઈષ્ટકવચ આવી રીતે ન રાખો. એને ચોર સરળતાથી છોડીને લઈ જશે.’ શ્રીમાએ પછી આ કવચ હાથેથી છોડીને શ્રીઠાકુરની પૂજાની છબિ સાથે રાખી દીધું. ત્યાર પછી એમણે કોઈ દિવસ પહેર્યું નહિ. 

વૃંદાવન પહોંચીને શ્રીમા યમુના કિનારે આવેલા બલરામબાબુના કાલાબાબુની કુંજમાં રહ્યાં. આ એમની વૃંદાવનની પ્રથમ મુલાકાત હતી. ત્યાં બલરામબાબુના પિતા ધ્યાન અને પ્રાર્થનામાં પોતાનો સમય ગાળતા. સુંદર વનરાજી, લીલાંછમ વૃક્ષો, ઘાસથી છવાયેલી હરિયાળી ભૂમિ, ફૂલોની સુગંધથી સુવાસિત પવન, મયૂરના કેકારવ, નિર્ભય હરણોનું ચરવું, ગોધનના વિવિધ અવાજો, ગોપાબાળોની વાંસળીના સૂર, કલકલનાદે વહેતી યમુનાનો મધુર મર્મધ્વનિ, આ હતી વૃંદાવનની અદ્‌ભુત શોભા. એ જ નિકુંજવન, રાધિકાના પ્રેમાશ્રુથી ભીંજાયેલી રજ, કૃષ્ણને વ્યાકુળભાવે ખોળતી વ્રજગોપીઓના નયનકટાક્ષથી પવિત્ર આ વ્રજભૂમિ એવી ને એવી છે. બધે જ વ્રજરાજ શ્રીકૃષ્ણની સ્મૃતિ સાચવીને બેઠેલાં સ્થળો આજે ય ભગવાન શ્રીકૃષ્ણનાં દર્શન કરવાની અભિલાષા ભક્તોના મનમાં જગાડે છે. અહીં આવીને પણ શ્રીમાનું વિષાદમય મન ફરી એકવાર બોલી ઊઠ્યું: ‘તેઓ ક્યાં છે?’ અહીં તેઓ થોડા સમય પહેલાં, શ્રીરામકૃષ્ણદેવના અવસાન પછી કોલકાતાથી વૃંદાવન આવેલાં શ્રીયોગીન માને મળ્યા. શ્રીમાએ એમને ભેટીને કહ્યું: ‘અરે યોગીન!’ અને પછી બંને રડી પડ્યાં. એ સમયે શ્રીમા અવારનવાર શ્રીઠાકુર માટે વિલાપ કરતાં. વૃંદાવનમાં એક દિવસ રાત્રે શ્રીમાને શ્રીઠાકુરે ફરી એકવાર દર્શન આપીને કહ્યું: ‘તમે શા માટે કલ્પાંત કરો છો? હું તો આ રહ્યો. હું ક્યાં ક્યાંય દૂર ગયો છું? હું તો એક ઓરડામાંથી બીજા ઓરડામાં ગયો છું, ખરું ને!’ શ્રીઠાકુરનાં આવાં દર્શનો પછી શ્રીમાના મનનો વિષાદ ઘણો ઓછો થઈ ગયો. શ્રીમદ્‌ ભાગવતના ગોપીગીતમાં કહ્યું છે: ‘શ્રીકૃષ્ણ જ્યારે રાસભૂમિ પરથી અચાનક અંતર્ધાન થઈ ગઈ ગયા ત્યારે ગોપીઓ વ્યાકુળ થઈને એમને શોધવા માંડી. એમને મળવાનો મનોરથ નિષ્ફળ જતાં વિરહની તીવ્રતાને લીધે શ્રીકૃષ્ણમાં તેઓ એટલાં બધાં તન્મય થઈ ગયાં કે પોતાને જ શ્રીકૃષ્ણ સમજીને એમની લીલાનું અનુકરણ કરવા લાગ્યાં.’ આ વખતે શ્રીમાએ પોતાનાં દેહમનમાં આવી જ તન્મયતા અનુભવી. કોઈનેય કહ્યા વિના તેઓ એકલાં રેતાળ કાંઠો ઓળંગીને યમુનાના પ્રવાહની પાસે આવી ઊભા રહેતાં. સહયાત્રાળુઓ એમને શોધીને પાછા લઈ આવ્યાં. તે વખતે કોણ જાણે શ્રીમા પોતાને રાધિકા માનીને અને શ્રીરામકૃષ્ણને કૃષ્ણ માનીને પોતાના કૃષ્ણની શોધમાં વૃંદાવનની એ લીલામાં શું તેઓ મગ્ન બની જતાં હશે? એક ભક્તના પ્રશ્નના જવાબમાં તેઓ એકવાર બોલ્યાં હતાં: ‘હું જ રાધા છું.’ એકવાર ધ્યાન કરતાં કરતાં તેઓ ઊંડી સમાધિમાં ઊતરી ગયાં. યોગીન માએ ઘણા વખત સુધી એમના કાનમાં ભગવાનનું નામરટણ કર્યું પણ સમાધિ ઊતરી નહિ. સ્વામી યોગાનંદજીના જપ દ્વારા ભાવ જરા શાંત થયો અને જેમ શ્રીરામકૃષ્ણ સમાધિભાવ ઊતરતાં કહેતાં તેમ શ્રીમા બોલ્યાં: ‘ખાવું છે.’  

યમુનાના કિનારે શ્રીમા એકલાં નીકળી પડતાં. કોઈ આનંદમયી બાલિકાની જેમ તેઓ એક મંદિરેથી બીજા મંદિરે જતાં. એક દિવસ તેમણે પુષ્પમાળાઓથી શણગારેલા એક મૃતદેહને શ્મશાનમાં લઈ જવાતો જોયો. એક નિર્દોષ બાળકની જેમ શ્રીમાએ પોતાના સાથી મિત્રોને કહ્યું: ‘જુઓ, આવાં પવિત્ર સ્થળે મરનાર આ માણસ કેવો પ્રભુકૃપાપ્રાપ્ત છે! હું અહીં મરવા જ આવી હતી, પણ મને એક તાવનું સણકુંયે ન આવ્યું. અને છતાંય જુઓ હું કેટલી બધી ઘરડી થઈ ગઈ છું.’

વૃંદાવનમાં રાધારમણના મંદિરમાં શ્રીમાએ દૃઢ મને પ્રાર્થના કરતાં કહ્યું હતું: ‘હું લોકોના દોષ નહિ જોઉં.’ આ પ્રાર્થના ફળી. એમના આ સહજ વિરલ લક્ષણથી શ્રીમા કરુણા અને ધૈર્યના મૂર્તિમંત રૂપ બની ગયાં. પછીના પોતાના જીવનકાળમાં નિંદા કરતા લોકોને સાંભળીને તેઓ પોતાની વૃંદાવનની આ પ્રાર્થના વિશે કહેતાં: ‘પહેલાં તો હુંયે બીજાના દોષ જોતી. પછી મેં શ્રીઠાકુરને પ્રાર્થના કરી અને એમની કૃપાથી મારી આ કુટેવ દૂર થઈ. બીજાના દોષ જોવા એ માણસની સહજ પ્રકૃતિ છે. તમારે તો સદ્‌ગુણોની પ્રશંસા કરતાં શીખવું જોઈએ. માણસ ભૂલ કે દોષ તો જરૂર કરે છે પણ તમારે એના તરફ ધ્યાન ન દેવું જોઈએ. જો તમે સતત બીજાના દોષ જોતા રહેશો તો તમને હંમેશાં દોષ જ જોવા મળશે.’ એમણે યોગીનમાને કહ્યું: ‘બીજાના દોષ ન જોવા, નહિ તો તમારી દૃષ્ટિ પણ વિકૃત થઈ જશે.’

વૃંદાવનમાં જ શ્રીમાને પોતાના ભાવિ જીવનકાર્યનો પ્રત્યક્ષ સંકેત મળ્યો હતો. એક દિવસ શ્રીરામકૃષ્ણે એમને દર્શન આપીને કહ્યું: ‘તમે યોગેનને દીક્ષા આપજો’. એમણે શ્રીમાને સ્વામી યોગાનંદને માટે દીક્ષામંત્ર પણ આપ્યો. એમને આ ભ્રમણા જેવું લાગ્યું. વળી, લોકો તેમના આ કાર્યને જોઈને કહેશે: ‘જુઓ, આણે તો શિષ્યો બનાવવાનું શરૂ કરી દીધું.’ આ વિચારથી તેઓ થોડા ગભરાયાં. પરંતુ આવાં દર્શન પછીના બે દિવસ થયાં. ત્રીજા દિવસે શ્રીમાએ શ્રીઠાકુરને કહ્યું: ‘અરે, હું તો યોગેન સાથે બોલતીયે નથી, હું એને કેમ મંત્રદીક્ષા આપું?’ શ્રીરામકૃષ્ણે મંત્રદીક્ષા વખતે યોગીન માને સાથે રાખવાનું કહ્યું. યોગેનને પણ શ્રીઠાકુરે દર્શનમાં આવી સૂચના આપી. અંતે શ્રીમાએ યોગેનને મંત્રદીક્ષા આપી અને તેઓ શ્રીમાના પ્રથમ શિષ્ય બન્યા.

વૃંદાવનના માધવજીના મંદિરમાં કોઈના બાળકે ભૂમિને અપવિત્ર કરી. બધાંએ આ જોયું પણ કોઈએ સ્થળને સાફ કરવાનો પ્રયત્ન ન કર્યો. ગોલાપ માએ આ જોયું અને એમણે પોતાના કપડામાંથી એક લીરો ફાડીને એ બધું સાફ કર્યું. આ જોઈને બીજી સ્ત્રીઓ બોલી: ‘એ જ સાફ કરે છે એટલે એનું જ બાળક હોવું જોઈએ!’ મેં મનોમન કહ્યું: ‘અરે માધવજી! તે શું કહે છે તે સાંભળો.’ કેટલાકે એમ પણ કહ્યું: ‘આ તો સાધ્વીઓ! એમને બાળકો નથી. તેઓ તો બીજાની સુખસુવિધાઓ માટે આમ કરે છે.’

લાટુ મહારાજનો ભોજનનો સમય ચોક્કસ ન હતો. તેઓ કટાણે આવતા અને ખાવાનું માગતા. વળી તેઓ પોતાના ભોજનમાંથી વાંદરાઓને પણ ખવરાવતા. આ ન ગમતાં બીજાં ઠપકો આપતાં; પરંતુ શ્રીમાએ લાટુના આ બાળક જેવા વર્તન પ્રત્યે જરાય અણગમો ન બતાવ્યો. શ્રીમાએ લક્ષ્મીદીદી અને ગોલાપમાને પણ ઠપકો ન આપવા કહ્યું. તેઓ પોતે લાટુની પાસે બેસતાં અને માની જેમ પીરસવતાં. શ્રીમા પોતાના આ સંતાનને બરાબર ઓળખતાં. તેઓ એ પણ જાણતાં કે તેની લાગણી જરાકમાં દુભાતી. શ્રીમાએ પોતાના સંગાથીઓને લાટુ મહારાજની થાળી ઢાંકીને ચોક્કસ સ્થળે રાખવાનું કહ્યું હતું કે જેથી તેઓ પોતાનું ભોજન ગમે ત્યારે લઈ શકે. વૃંદાવનમાં શ્રીમા એક વર્ષ રહ્યાં હતાં. એમણે એકવાર પંચકોસી પરિક્રમા પણ કરી. આ પરિક્રમા કરતાં પંદર દિવસ થયા. 

વચ્ચે સ્વામી યોગાનંદ લક્ષ્મીદીદી અને યોગીનમાને સાથે લઈને તેઓ હરિદ્વાર પણ ગયા. શ્રીમા શ્રીઠાકુરનાં નખ અને કેશ લાવ્યાં હતાં એમાંથી થોડોભાગ હરિદ્વારના બ્રહ્મકુંડમાં વહાવ્યો. હરિદ્વારમાં શ્રીમાએ બ્રહ્મકુંડમાં સ્નાન કર્યું અને મંદિરોમાં દર્શને ગયાં. તેઓ ગંગા પાર કરીને ચંડી પર્વત પર ગયાં અને ત્યાં દેવી ચંડીની પૂજા પણ કરી. ત્યાંથી જયપુર જઈને ગોવિંદજીનાં દર્શન કર્યાં. જયપુર થઈને તેઓ પુષ્કર પણ ગયાં. શ્રીમાના પગમાં વા હોવા છતાં પણ તેઓ વૃંદાવનની કપરી પરિક્રમા, કાશીના વેણીમાધવના મંદિરમાં અને પુષ્કરના સાવિત્રી પહાડ પર પણ ચઢ્યાં હતાં. 

ઉત્તરનાં તીર્થસ્થાનોમાં એક વર્ષથી પણ વધુ સમય ગાળીને શ્રીમા અને એમનાં સંગાથીઓ અલ્લાહબાદ થઈને કોલકાતા જવા નીકળ્યાં. અલ્લાહાબાદમાં ગંગાયમુનાના સંગમસ્થાન પ્રયાગમાં પણ ગયાં. આ પવિત્ર સંગમમાં એમણે શ્રીઠાકુરના શેષકેશ વહાવી દીધા. અહીં લક્ષ્મીદીદીએ વિધવા હોવાને લીધે રીતિરિવાજ પ્રમાણે પોતાના વાળ ઉતરાવ્યા પણ શ્રીમાએ એનું અનુસરણ ન કર્યું; એમને શ્રીઠાકુરનાં સતત દર્શન થતાં રહેતાં. 

૧૮૮૮ના નવેમ્બરમાં સ્વામી બ્રહ્માનંદ, સ્વામી યોગાનંદ, સ્વામી શારદાનંદ, યોગીનમા, યોગીનમાના મા, ગોલાપમા તથા લક્ષ્મીદીદીની સાથે શ્રીમા પુરીધામ ગયાં. જહાજમાં બેસીને કોલકાતાથી ચાંદબાલી ૭ નવેમ્બરે પહોંચ્યાં. ત્યાંથી લોંચ દ્વારા કટક સુધી જઈને ત્યાંથી તેઓ બળદગાડામાં પુરી પહોંચ્યાં. ઝડપથી પહોંચવાની ઇચ્છાથી શરત મહારાજે આખી રાત પોતે જ ગાડી હાંકી. 

શ્રીઠાકુરે શ્રીજગન્નાથનાં દર્શન કર્યાં ન હતાં એટલે એમનો ફોટો કપડામાં છુપાવીને એમને જગન્નાથનાં દર્શન કરાવ્યાં. એમનાં દર્શન કરીને તેમણે આમ કહ્યું: ‘જગન્નાથને જોયા, જાણે પુરુષસિંહ છે, રત્નવેદી પર વિરાજમાન છે અને દાસી બનીને હું એમની સેવા કરું છું.’ એમણે જગન્નાથનાં શિવમૂર્તિ રૂપે પણ દર્શન કર્યાં હતાં. 

પુરીમાં તેઓ અત્યંત વિનમ્રભાવે રહ્યાં. ત્યાંના પુજારીએ તેમને પાલખીમાં બેસીને જવાનું કહ્યું ત્યારે શ્રીમાએ કહ્યું: ‘ના, તમે આગળ જાઓ અને મને રસ્તો બતાવો. હું તમારી પાછળ પગે ચાલીને એક ભિક્ષુકની જેમ આવીશ.’ એક દિવસ જગન્નાથ મંદિરમાં સેંકડો ભક્તોને ભગવાન કૃષ્ણની પૂજા કરતા જોઈને આંખમાં આંસું સાથે તેમણે કહ્યું: ‘અહા! આ બધા લોકો મોક્ષ પામશે એ શું અદ્‌ભુત આશ્ચર્ય નથી?’ એક પળ પછી એમણે સ્વગત કહ્યું: ‘આમાંના નિષ્કામ ભાવનાવાળા એકાદ-બેનો મોક્ષ થશે.’ તેમણે પુરીનાં બધાં પવિત્ર મંદિરો અને સ્થળોનાં દર્શન કર્યાં હતાં અને લક્ષ્મીદેવીના મંદિરમાં કલાકો સુધી ધ્યાન ધરતાં. ૧૨ જાન્યુઆરી, ૧૮૮૯ના રોજ પુરીની પ્રથમ યાત્રા પૂર્ણ કરીને તેઓ સંગાથીઓ સાથે કોલકાતા પાછા આવ્યાં.

૧૮૯૦ની દોલપૂર્ણિમાના પહેલાં તેઓ કોલકાતામાં માસ્ટર મહાશયના નિવાસસ્થાને ત્રણ સપ્તાહ સુધી રહીને ચૈત્ર માસના મધ્યમાં સ્વામી અદ્વૈતાનંદ સાથે ગયાધામ ગયાં.

શ્રીઠાકુર કહેતા કે તેમનો દેહ ગયામાંથી આવ્યો છે. ગયામાં શ્રીઠાકુરે પોતાનાં માના નિમિત્તે શ્રી ગદાધરનાં ચરણકમળમાં પિંડદાન કરવાનું કહ્યું હતું. મેં ઉત્તર આપતાં કહ્યું : ‘એ પિંડદાન દીકરો જીવતો હોય ત્યાં સુધી હું ન કરી શકું.’ શ્રીઠાકુરે કહ્યું: ‘ના, ના. તમે એક કરી શકો. હું કોઈ હિસાબે ગયા ન જઈ શકું. જો હું જાઉં તો તમે એમ ધારો છો કે હું પાછો ફરીશ!’ એટલે શ્રીમાએ તેમને ત્યાં જવા ન દીધા. પછી શ્રીમાએ ગયામાં એ પિંડદાન કર્યું.  

 આ કાર્ય પૂરું કરીને તેઓ બોધગયા દર્શનાર્થે ગયાં. બોધગયા મઠના ઐશ્વર્ય અને સાધુઓની સુખાકારી જોઈને એમને પોતાના ગૃહત્યાગી, આશ્રયહીન, અર્ધા ભૂખ્યા રહેતાં સંતાનો યાદ આવ્યાં. એમણે વિલાપ કરતાં શ્રીઠાકુરને કહ્યું: ‘હે ઠાકુર, મારાં બાળકો (શ્રીરામકૃષ્ણના સંન્યાસી શિષ્યો) ને માથું ટેકવા કોઈ જગ્યા નથી. એમને બે ટંક ખાવાનુંયે મળતું નથી. એક કોળિયો અન્ન માટે તેમને ભટકવું પડે છે. એમને આવું આશ્રયસ્થાન મળે એવું કંઈક કરો, હે ઠાકુર!’ પછીથી શ્રીઠાકુરની અમીકૃપા દ્વારા બેલૂર મઠની સ્થાપના થઈ. 

સને ૧૮૯૫ના ફેબ્રુઆરીના મધ્યેથી ડિસેમ્બરના મધ્ય ભાગ સુધી શ્રીમા માતુશ્રી શ્યામાસુંદરી, તેમના ભાઈઓ, સ્વામી યોગાનંદ, ગોલાપમા અને યોગીનમાની સાથે કાશી, વૃંદાવનની બીજી વખતની યાત્રાએ નીકળ્યાં. વૃંદાવનમાં તેઓ કાલાબાબુની કુંજમાં બે મહિના રહ્યાં. વૃંદાવનથી તેઓ એક પીતળની બાળગોપાલની મૂર્તિ લાવ્યાં હતાં. એમના ઓરડામાં રહેલી આ મૂર્તિ એક દિવસ શ્રીમા સૂતાં હતાં ત્યારે ઘૂંટણિયે ચાલતી આવી અને મા પાસે આવીને કહ્યું: ‘તમે મને લાવ્યા છો તો હવે ખાવાનું આપો ને પૂજા કરો. તમે પૂજા નહિ કરો તો બીજું કોઈ નહિ કરે.’ શ્રીમાએ બાલગોપાલને બહાર કાઢીને શ્રીરામકૃષ્ણની છબિ પાસે રાખી અને એને પુષ્પાંજલિ અર્પણ કરીને પૂજા કરી. ત્યારથી બાલગોપાલની પૂજા થવા માંડી.

૧૯૦૪ના નવેમ્બરની આખરમાં શ્રીમા ફરીથી પુરી ગયાં. તે વખતે બંગાળ નાગપુર રેલવેલાઈન પૂરી થઈ ગઈ હતી. બીજા વર્ગનો ડબ્બો રિર્ઝવ કરીને તેઓ નીલમાધવ, પગલી મામી, ગુલાબમા, લક્ષ્મીદેવી, રાધૂ, મહેન્દ્રનાથ ગુપ્ત તેમજ ચુનીલાલનાં પત્ની, કુસુમ કુમારી સાથે ગયાં. સ્વામી પ્રેમાનંદજી અને બીજા બે ભક્તો બીજા ડબ્બામાં બેસીને સાથે ગયા. અહીં શ્રીમા પોતાનાં મહિલા સાથીઓ સાથે બલરામ બાબુના પરિવારના ‘ક્ષેત્રવાસી’ મઠમાં રહ્યાં અને સ્વામી પ્રેમાનંદ અને બીજા દરિયાકિનારે આવેલ બલરામ બસુના નિવાસસ્થાન ‘શશીનિકેતન’માં રહ્યા.

પુરી પહોંચીને બધાં શ્રી જગન્નાથના દર્શને ગયાં. તેઓ દરરોજ સવાર-સાંજ જગન્નાથ પ્રભુનાં દર્શને જતાં અને જગન્નાથ મંદિરની પરિક્રમા પણ કરતાં. ત્યાંના સાગરજળમાં સ્નાન પણ કરતાં. ત્યાંના સ્થાનિક પૂજારી દ્વારા શ્રીમા માટે શ્રીજગન્નાથના મહિમા અને દિવ્યતા વિશેની હરિકથાનું આયોજન કરવામાં આવ્યું હતું. એમણે પુરીનાં શ્રીજગન્નાથનું ભંડારઘર, ગુંડેચાવાડી, લક્ષ્મીજલ, નરેન્દ્ર સરોવર અને ગોવર્ધન મઠ જેવાં અગત્યનાં પવિત્ર સ્થળોનાં દર્શન કર્યાં હતાં. જાન્યુઆરી, ૧૯૦૫ના અંતમાં પુરી થઈને કોલકાતાના બાગબજાર સ્ટ્રીટના ભાડાના મકાનમાં રહેવા લાગ્યાં.

આપણે દેવધર, અયોધ્યા, અલ્લાબાદ પ્રયાગ જેવાં તીર્થોની એકવાર અને કાશી, વૃંદાવન, ગયા તેમજ પુરીધામની બેવાર શ્રીમાએ કરેલી તીર્થયાત્રાનું વર્ણન જોયું. હવે પછીના લેખમાં દક્ષિણમાં સેતુબંધ રામેશ્વર સુધીનાં તીર્થસ્થાનોની શ્રીમાએ કરેલી તીર્થયાત્રાનું વર્ણન કરીશું. દક્ષિણની યાત્રાના દોઢ વર્ષ બાદ તેઓ ત્રીજીવાર કાશીની યાત્રાએ ગયા હતાં, એનું વર્ણન પણ જોઈશું.

Total Views: 260

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.