:: અનુવાદક :: શ્રીમનસુખભાઈ મહેતા
અઘાસુરનો વધ
એક દિવસ શ્રીકૃષ્ણ વનભોજન કરવાના વિચારથી સવારે વહેલા ઊઠી ગયા. બંસરીના મધુર ધ્વનિથી પોતાના સાથીઓને ઉઠાડ્યા અને શ્રીકૃષ્ણે પોતાની વનભોજન યોજનાની વાત કરી. તેઓ વ્રજમંડળમાંથી નીકળી ગયા. કૃષ્ણની સાથે જ એમના ચાહક ગોપબાલો આનંદમંગલ સાથે ચાલ્યા જતા હતા. તેમણે પોતાની સાથે દહીં અને ભાતના ઘડાવાળા છીકાં, લાકડીઓ, વાંસળી વગેરે લીધાં હતાં. શ્રીકૃષ્ણના નેજા હેઠળ તેઓ અનેક રમતો રમતાં રમતાં આગળ ચાલ્યા જતા હતા.
એવામાં અચાનક અઘાસુર નામનો એક વિશાળ દૈત્ય ત્યાં ટપકી પડ્યો. એ દૈત્ય શ્રીકૃષ્ણ અને ગોવાળિયાની આનંદસુખભરી ક્રીડા જોઈ ન શક્યો. એના મનમાં ઇર્ષ્યા ઊભી થઈ. અઘાસુર પુતના અને બકાસુરનો નાનો ભાઈ હતો. કંસે તેને શ્રીકૃષ્ણને મારી નાખવા મોકલ્યો હતો. શ્રીકૃષ્ણને જોઈને મનમાં વિચારવા લાગ્યો, ‘અરે, આ જ મારાં સગાભાઈ અને સગીબહેનને મારી નાખનારો છે. આજે તો હું એને મારી નાખીને એ વેરનો બદલો લઈશ.’
આવો પાકો નિર્ણય કરીને એ દુષ્ટ અસુરે એક વિશાળકાય અજગરનું રૂપ ધારણ કર્યું. એ અજગરનું શરીર એક યોજન લાંબું અને પર્વતના જેવું જાડું અને વિશાળ હતું. આવું ભયંકર રૂપ ધારણ કરીને તે મોટી ગુફાના જેવું પોતાનું મોં ફાડીને રસ્તા પર સૂઈ ગયો. એનો નીચેનો હોઠ ધરતી પર અને ઉપરનો હોઠ આકાશ સુધી પહોંચે તેવો હતો. મોઢાની ભીતર ભયંકર અંધકાર અને વળી જીભ તો લાલ પહોળા રસ્તા જેવી દેખાતી હતી. એમનો શ્વાસ પણ પવનની આંધી જેવો હતો. આંખો તો વળી દાવાનળની જેમ ધધકતી હતી. એના મનમાં એવી ઇચ્છા હતી કે શ્રીકૃષ્ણ અને એમના સાથી મિત્રો તેના મોંને ગુફા માનીને તેમાં પ્રવેશે એટલે તરત જ હું એ બધાને ગળી જઈશ.
ગોવાળિયાઓએ તેને દૂરથી જોયો. આ એક જીવતો અજગર છે કે કેમ એ એમને સમજાયું નહીં. એમણે તો એના મુખને એક વિશાળ ગુફા સમજી લીધી અને તાળીઓ વગાડતાં વગાડતાં અઘાસુરના મોંમાં પ્રવેશી ગયા.
હવે શ્રીકૃષ્ણે જોયું કે આ ભલાભોળા ગોપબાળ મિત્રો એ અસુરના મોંમાં પ્રવેશી રહ્યા છે, ત્યારે એમણે એમને પ્રવેશતાં રોકીને તેમના જીવ બચાવવાનો વિચાર કર્યો. હજી તો એ વાતનો માંડ માંડ વિચાર કરતા હતા ત્યાં તો એ બધાય ગોપબાળો પોતપોતાના ગૌધન સાથે અસુરના પેટમાં હોમાઈ ગયા. પરંતુ નવાઈની વાત તો એ છે કે આટલાં બધાં માનવી અને પશુને ગળી ગયા પછી પણ અઘાસુરે પોતાનું મોં બંધ ન કર્યું. એનું કારણ એ હતું કે તે શ્રીકૃષ્ણ મોંમાં પ્રવેશ કરે એની રાહ જોતો હતો. જ્યારે ભગવાન શ્રીકૃષ્ણે જોયું કે બિચારા ગોવાળિયા અને અબોલ પશુ મૃત્યુ રૂપી અઘાસુરના જઠરાગ્નિનો કાળકોળિયો બની રહ્યા છે, ત્યારે એમનું હૃદય કરુણાથી દ્રવી ઊઠ્યું અને તેઓ વિચાર કરવા લાગ્યા, ‘હવે એવો તે ક્યો ઉપાય છે કે આ નરાધમ રાક્ષસ પણ મરી જાય અને મારા ભલાભોળા ગોવાળિયા અને મૂંગાં પશુઓ બચી જાય ?’ તેમણે પાકો નિશ્ર્ચય કરીને અજગરના મોંમાં પ્રવેશ કર્યો. અઘાસુર તો ધારતો હતો કે જેવા શ્રીકૃષ્ણ મોંમાં પ્રવેશે કે તરત જ ગૌધન, ગોવાળિયા સહિત શ્રીકૃષ્ણને પોતાની તીક્ષ્ણ અને વિશાળ દાઢોમાં ચાવીને એના ચૂરેચૂરા કરી નાખશે. પણ ધાર્યું ધણીનું થાય એમ ભગવાન શ્રીકૃષ્ણે એના ગળામાં પ્રવેશીને તરત જ પોતાનું શરીર વધારવાનું શરૂ કરી દીધું. થોડી વારમાં જ પોતાનું શરીર એટલું મહાકાય બનાવી દીધું કે અઘાસુરનું ગળું જ રુંધાઈ ગયું. આકુળ વ્યાકુળ બનીને તે આમ તેમ છટપટવા માંડ્યો અને એની આંખોના ડોળા બહાર નીકળી ગયા. અંતે એના પ્રાણ હરાઈ ગયા. કૃષ્ણે જોયું કે એમના સખા અઘાસુરના ઝેરીલા શ્ર્વાસને કારણે મૃતવત્ થઈ ગયા હતા. એમના પર પોતાની અમૃતમયી દૃષ્ટિ નાખી અને એ બધાને ફરીથી જીવતા કર્યા. પછી બધાને સાથે લઈને શ્રીકૃષ્ણ અઘાસુરના મુખમાંથી બહાર નીકળ્યા.
ત્યાર પછી શ્રીકૃષ્ણ પોતાના સખાઓને યમુનાના કિનારે લાવ્યા અને તેમને સંબોધીને કહ્યું, ‘હવે આપણે બધાએ ભોજન કરી લેવું જોઈએ, કારણ કે દિવસ ઘણો પસાર થઈ ગયો છે અને આપણને બધાને કકડીને ભૂખ લાગી છે.’ બધાએ કૃષ્ણની વાત માની. પહેલાં તો ગાયવાછરુને ચરવા અને પાણી પીવા માટે છોડી દીધાં. ત્યાર પછી ગોવાળિયાઓ પોતપોતાનું ભાતું ખોલીને શ્રીકૃષ્ણની આસપાસ બેસી ગયા. જાણે કે ખીલેલાં કમળે પોતાની નાની નાની પાંખડીઓને ચારે બાજુએ વેરી દીધી હોય એમ શ્રીકૃષ્ણ ગોવાળિયાઓની વચ્ચે બેસીને શોભતા હતા. ત્યાર પછી વ્યંગવિનોદ કરતાં કરતાં એકબીજાની ભોજન સામગ્રીમાંથી કંઈક ને કંઈક છીનવીને બધા આનંદ પ્રમોદથી ભોજન કરતા હતા. આ દૃશ્યની કલ્પના કરવી પણ કેટલી આનંદદાયી છે ! અને આ ગોવાળિયાઓ પણ કેટલા સદ્ભાગી કે સમસ્ત યજ્ઞોના એક માત્ર ભોક્તાની સાથે ભોજન કરવાનો આનંદ માણી રહ્યા છે ! શ્રીકૃષ્ણની છટા તો સૌથીય નિરાળી. એમણે પોતાની મોરલીને કમરબંધમાંથી આગળ કરીને ખોંસેલી હતી અને ભૂંગળ અને નેતરની સોટી બગલમાં દબાવી રાખી હતી. એના જમણા હાથમાં ધણો મીઠો ઘી સાથેનો દહીંભાતનો કોળિયો હતો. તેઓ પણ ગોવાળિયાઓની વચ્ચે બેસીને પોતાની વ્યંગવિનોદભરી વાતોથી સૌને હસાવતા હતા.
Your Content Goes Here




