શિશુપાલનો વિરોધ અને તેનો વધ
પરંતુ એ યજ્ઞસભામાં એક વ્યક્તિ એવી પણ હતી કે જે શ્રીકૃષ્ણને આ રીતે સમ્માનિત થતા જોઈને ક્રોધથી ધૂંવાંપૂંવાં થઈ રહી હતી. તે વ્યક્તિ હતી દમઘોષનો પુત્ર શિશુપાલ. તે ઊભો થઈ ગયો અને ભરી સભામાં હાથ ઊંચા કરીને ઘણા જ ઉચ્ચ અવાજે અસહિષ્ણુતા પરંતુ નિર્ભયતાપૂર્વક શ્રીકૃષ્ણને ઉદ્દેશીને અત્યંત કઠોર વચનો કહેવા લાગ્યો, ‘સભાસદો! મૂર્ખતાની પણ કોઈ હદ હોય છે. આશ્ચર્ય છે કે અહીં બાળકો અને મૂર્ખાઓની વાતોથી મોટા માટા વયોવૃદ્ધો અને જ્ઞાનવૃદ્ધોની બુદ્ધિ ફરી ગઈ છે. અહીં મહાન તપસ્વી, વિદ્વાન અને પરમ જ્ઞાનીઓ હાજર છે, જેઓની પૂજા મોટા મોટા લોકપાલો પણ કરે છે. તો પછી આ ગોવાળિયો કૃષ્ણ કેવી રીતે અગ્રપૂજાનો અધિકારી થઈ શકે છે? એનો તો નથી કોઈ વર્ણ કે નથી કોઈ આશ્રમ. આ તો ઉચ્ચ કુળનો પણ નથી. આ તો મર્યાદાઓનું ઉલ્લંઘન કરીને મનમાં આવે એવું આચરણ કરે છે. એ બધા ધર્માેથી બહાર છે અને એનામાં કોઈ ગુણ નથી. તો પછી આ અગ્રપૂજાને યોગ્ય કેવી રીતે થઈ શકે છે ?
શિશુપાલે આ જ પ્રકારની બીજી પણ અનેક કઠોર વાતો કહી. પણ જેવી રીતે સિંહ શિયાળનાં ઉંવાં ઉંવાં પર ધ્યાન નથી આપતો તેવી રીતે શ્રીકૃષ્ણે પણ શિશુપાલની આવી ઉટપટાંગ વાતો પર ધ્યાન આપ્યું નહિ. તેઓ નિર્વિકાર ભાવે બેસી રહ્યા. પરંતુ સભાસદોને માટે ભગવાનની નિંદા સાંભળવી અસહ્ય હતી. એમાંથી કેટલાય પોતપોતાના કાન બંધ કરીને શિશુપાલની નિંદા કરતા કરતા સભાની બહાર ચાલ્યા ગયા.
પાંડવો ક્રોધિત થઈને શિશુપાલને પાઠ ભણાવવા માટે અસ્ત્ર-શસ્ત્ર લઈને ઊભા થઈ ગયા. બીજા પણ થોડાક રાજાઓએ શિશુપાલનો વધ કરવા માટે પોતાના હાથમાં હથિયાર ધારણ કરી લીધાં. પરંતુ શિશુપાલને આનાથી કંઈ ગભરામણ થઈ નહિ. એણે પોતાનાં ઢાલ અને તલવાર ઉઠાવ્યાં અને એ રાજાઓને પડકારવા લાગ્યો. આ લોકોને લડતા જોઈને શ્રીકૃષ્ણ ઊભા થઈ ગયા અને બધાને શાંત રહેવાનો ઇશારો કર્યાે. શિશુપાલ ત્યારે શ્રીકૃષ્ણ પર ત્રાટક્યો અને ત્યારે ભગવાને તેનું મસ્તક સુદર્શન ચક્રથી કાપી નાખ્યું. બધાના દેખતાં શિશુપાલના શરીરમાંથી એક જ્યોતિ નીકળીને શ્રીકૃષ્ણના શરીરમાં સમાઈ ગઈ. શિશુપાલના માર્યા જવાથી ત્યાં અત્યંત કોલાહલ મચી ગયો. એના અનુયાયીઓ પોતપોતાના જીવ બચાવવા માટે ઊભા થઈ ગયા. શિશુપાલની સદ્ગતિ થયા પછી શ્રીકૃષ્ણની પૂજા કરવામાં આવી અને યજ્ઞ શાંતિપૂર્વક સમાપ્ત થયો. ત્યાર પછી શ્રીકૃષ્ણ પોતાનાં સગાંસંબંધીઓની સાથે થોડા મહિનાઓ સુધી ઇન્દ્રપ્રસ્થમાં જ રહ્યા.
શાલ્વ સાથે યુદ્ધ
શાલ્વ શિશુપાલનો મિત્ર હતો અને રુક્મિણીના લગ્ન પ્રસંગે તે શિશુપાલ તરફથી જાનમાં પણ આવ્યો હતો. એ યુદ્ધમાં યદુવંશીઓએ જરાસંધ વગેરેની સાથે સાથે શાલ્વને પણ જીતી લીધો હતો. એ દિવસે બધા રાજાઓની સામે શાલ્વે આ પ્રતિજ્ઞા કરી હતી, ‘હું પૃથ્વી પરથી યદુવંશીઓને નામશેષ કરી દઈશ. બધા લોકો મારંુ બળ-પૌરુષ જોજો.’ આવી પ્રતિજ્ઞા કર્યા પછી એણે હિમાલય પર્વત પર જઈને એક વર્ષ સુધી ભગવાન શિવની ઉપાસના કરી. શાલ્વે એક વર્ષ સુધી કઠોર તપસ્યા કરી. પછી શિવજીએ પ્રસન્ન થઈને એને દર્શન આપ્યાં અને વરદાન માગવા કહ્યું. શાલ્વે આ વરદાન માગ્યું, ‘મને એક એવું વિમાન આપો કે જેને દેવતા, મનુષ્ય, અસુર, ગંધર્વ વગેરે તોડી ન શકે, જે વિમાન મારી જ્યાં જવાની ઇચ્છા થાય ત્યાં ચાલ્યું જાય અને તે યદુવંશીઓને માટે અત્યંત ત્રાસદાયક હોય.’ ભગવાન શંકરે ‘તથાસ્તુ’ કહી દીધું. ત્યાર પછી એની આજ્ઞાથી મય નામના દાનવે લોખંડનું ‘સૌભ’ નામનું વિમાન બનાવ્યું અને તે વિમાન શાલ્વને આપી દીધું. શાલ્વ એને મેળવીને પ્રસન્ન ચિત્તે પોતાના રાજ્યમાં પાછો ફર્યાે. શું તે વિમાન હતું ? ના, તે એક નગર જ હતું. એને જોવું અથવા પકડવું અત્યંત કઠિન હતું. ચાલકની ઇચ્છા અનુસાર તે વિમાન ગમે ત્યાં જઈ શકતંુ હતું. એ વિમાન મેળવીને શાલ્વે દ્વારકા પર ચઢાઈ કરી. એની બહુ જ મોટી સેનાએ દ્વારકા નગરીને ચારેય બાજુથી ઘેરી લીધી અને પછી શાલ્વ નગરનાં ફળફૂલથી લદાયેલાં ઉપવન અને ઉદ્યાનોને ઉજ્જડ કરવા લાગ્યો. વળી નગરદ્વાર, રાજમહેલો, અટારીઓ અને નાગરિકોનાં ઘરને નષ્ટ-ભ્રષ્ટ કરવા લાગ્યો. પોતાના વિમાનમાં બેસીને આકાશમાંથી એણે બાણોની જડી વરસાવી અને નગર ઉપર મોટા મોટા પહાડો, વૃક્ષો, સર્પાે અને અંગારા વગેરે વરસાવવા લાગ્યો. તેણે એક ભીષણ વંટોળિયાની સૃષ્ટિ રચી નાખી, જેણે સમગ્ર નગરને આચ્છાદિત કરી દીધું.
યાદવો અત્યંત ભયભીત થઈ ગયા. એમને એક ક્ષણ માટે પણ શાંતિ મળતી ન હતી. જ્યારે પ્રદ્યુમ્ને જોયું કે પોતાની પ્રજાને બહુ કષ્ટ પડી રહ્યું છે ત્યારે એણે નગરવાસીઓને સાંત્વના આપી તથા સાત્યકિ, શામ્બ, અક્રૂર, કૃતવર્મા અને અન્ય યાદવવીરોને સાથે લઈને શાલ્વનો સામનો કરવા માટે રથ પર સવાર થઈને ચાલી નીકળ્યો. આ બધા યોદ્ધાઓ મહાન વીરો હતા અને તે બધા મોટાં મોટાં ધનુષ્યો લઈને અને કવચો પહેરીને નીકળી પડ્યા. બધાની પાછળ ઘણા બધા રથ, હાથી, ઘોડા તથા પાયદળ ચાલી રહ્યાં હતાં.
આ પછી પ્રાચીનકાળમાં જેમ દેવતાઓની સાથે અસુરોનું મહાભયંકર યુદ્ધ થયું હતું તેવી જ રીતે શાલ્વના સૈનિકો તથા યદુવંશીઓ વચ્ચે યુદ્ધ થવા લાગ્યું. પ્રદ્યુમ્ન દિવ્ય અસ્ત્રોનો જાણકાર હતો અને એણે એ અસ્ત્રો વડે શાલ્વની બધી માયાજાળ કાપી નાખી, જેવી રીતે સૂર્ય પોતાનાં પ્રખર કિરણો વડે રાત્રીના અંધકારને દૂર કરી દે છે. ત્યાર બાદ પ્રદ્યુમ્ને શાલ્વના સેનાપતિને ઘાયલ કરી દીધો અને શાલ્વને પણ સો બાણ માર્યાં.
મય દાનવ દ્વારા બનાવવામાં આવેલ શાલ્વનું વિમાન માયાવી હતું. તે ક્યારેક પૃથ્વી પર આવી જતું, ક્યારેક આકાશમાં ઊડવા લાગતું, ક્યારેક પહાડની ટોચ પર ચડી જતું, ક્યારેક પાણીમાં તરવા લાગતું. તે એક ક્ષણ માટે પણ ક્યાંય અટકતું નહિ. છતાં પણ શાલ્વ પોતાના વિમાન સાથે જ્યાં જ્યાં જોવા મળતો, ત્યાં ત્યાં યદુવંશીઓ બાણોનો વરસાદ વરસાવી દેતા હતા. તે એટલે સુધી કે તેઓએ શાલ્વને બાણોથી મૂર્છિત પણ કરી દીધો. યદુવંશીઓ પણ શાલ્વના સૈનિકો દ્વારા છોડવામાં આવેલાં બાણોથી પીડિત હતા. પરંતુ તેઓએ પોતપોતાનો મોરચો છોડ્યો નહિ.
શાલ્વના મંત્રીનું નામ દ્યુમાન હતું. તે બહુ જ શક્તિશાળી હતો. એણે ઝપટ મારીને પ્રદ્યુમ્ન પર પોતાની લોખંડી ગદા વડે જોરદાર પ્રહાર કર્યાે. ગદાના પ્રહારથી પ્રદ્યુમ્નની છાતી ફાટવા જેવી થઈ ગઈ. એની ઘાયલ જેવી અવસ્થા જોઈને સારથિ તેને રણભૂમિથી દૂર લઈ ગયો. થોડી વાર પછી પ્રદ્યુમ્નની મૂર્છા ઊતરી. ત્યારે એણે સારથિથી નારાજ થઈને કહ્યું, ‘સારથિ ! તેં આ ઘણું ખરાબ કૃત્ય કર્યું. તું મને શા માટે રણભૂમિમાંથી હટાવી લાવ્યો ? શત્રુ એમ સમજશે કે હું ભયથી રણભૂમિ છોડીને ભાગી ગયો. આવું ક્યારેય પણ સાંભળવામાં આવ્યું નથી કે અમારા વંશના કોઈ પણ વીર રણભૂમિ છોડીને ભાગી ગયા હોય. આ કલંકનો ચાંલ્લો તો મારા જ શિર પર લાગ્યો ! હવે હું મારાં સગાંસંબંધીઓને મારું મોં કેવી રીતે બતાવીશ ?’
Your Content Goes Here





