જરાસંધ સાથે દ્વંદ્વ યુદ્ધઃ
શ્રીકૃષ્ણ અને અર્જુને પ્રેમપૂર્વક ભીમસેનને આલિંગન કર્યું. ત્યાર બાદ શ્રીકૃષ્ણે જરાસંધના પુત્ર સહદેવને મગધના રાજસિંહાસન પર બેસાડ્યો અને જરાસંધે જે રાજાઓને કેદ કરી રાખ્યા હતા તેમને કેદમાંથી મુક્ત કરી દીધા. જરાસંધે લગભગ વીસ હજાર રાજાઓને પહાડીની ઘાટીમાં એક કિલ્લાની અંદર કેદ કરી રાખ્યા હતા. જ્યારે તેઓ કિલ્લામાંથી નીકળ્યા ત્યારે તેઓનાં શરીર અને વસ્ત્રો મેલાં હતાં, તેઓ ભૂખથી દુર્બળ થઈ ગયા હતા અને તેમનાં મુખ સૂકાઈ ગયાં હતાં. તેઓએ નીકળતાં જ જોયું કે તેમની સામે સ્વયં ભગવાન શ્રીકૃષ્ણ ઊભા છે. ભગવાનનાં દર્શન કરીને તે રાજાઓને એટલો આનંદ થયો કે તેમનો સઘળો ક્લેશ બિલકુલ અદૃશ્ય થઈ ગયો. તેઓ હાથ જોડીને ભગવાન શ્રીકૃષ્ણની આ રીતે સ્તુતિ કરવા લાગ્યા, ‘શરણાગતોનાં બધાં દુઃખ અને ભયને હરી લેનારા દેવેશ્વર! સચ્ચિદાનંદ સ્વરૂપ અવિનાશી શ્રીકૃષ્ણ! અમે તમને નમસ્કાર કરીએ છીએ. તમે જરાસંધના કેદખાનામાંથી તો અમને છોડાવ્યા પરંતુ હવે આ જન્મ-મૃત્યુ રૂપ ઘોર સંસારચક્રથી પણ છુટકારો અપાવો, કારણ કે અમે આ સંસારમાં દુઃખનો કડવો અનુભવ કરતાં કરતાં થાકી ગયા છીએ અને તમારી શરણમાં આવ્યા છીએ. આ શરીર દિવસે દિવસે ક્ષીણ થતું જાય છે. રોગોની તો આ જન્મભૂમિ છે. હવે અમે આ શરીરથી ભોગવી શકાય એવા રાજ્યની અભિલાષા કરતા નથી, કારણ કે અમે સમજી ગયા છીએ કે તે મૃગજળની જેમ મિથ્યા છે. હવે તમે અમને તે ઉપાય બતાવો કે જેનાથી તમારાં ચરણકમળમાં અમારી ભક્તિ વધે.’
શ્રીકૃષ્ણે તે રાજાઓને કહ્યું, ‘રાજાઓ! તમે જેવી ઇચ્છા પ્રગટ કરી છે તે મુજબ આજથી તમારા બધામાં ચોક્કસપણે સુદૃઢ ભક્તિ જાગશે. એ જાણી લો કે હું બધાનો આત્મા અને બધાનો સ્વામી છું. હવે તમે પોતપોતાનાં રાજ્યોમાં પાછા જાઓ અને પોતાના કર્તવ્યોનું પાલન કરો.’
ત્યાર બાદ શ્રીકૃષ્ણ ભીમસેન અને અર્જુન સાથે ઇન્દ્રપ્રસ્થ જવા ચાલી નીકળ્યા. તેઓએ ઇન્દ્રપ્રસ્થ પહોંચીને જ્યારે પોતપોતાના શંખ વગાડ્યા ત્યારે ઇન્દ્રપ્રસ્થવાસીઓએ સમજી લીધું કે જરાસંધ મરી ગયો અને રાજા યુધિષ્ઠિરનો રાજસૂય યજ્ઞ કરવાનો સંકલ્પ એક રીતે પૂરો થઈ ગયો.
રાજસૂય યજ્ઞ
ઇન્દ્રપ્રસ્થ પહોંચીને શ્રીકૃષ્ણ, ભીમસેન અને અર્જુને યુધિષ્ઠિરને પ્રણામ કર્યા અને જરાસંધનો વધ કરવાને માટે જે કરવું પડ્યું હતું તે બધુ કહ્યું. ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણના આ પરમ અનુગ્રહની વાત સાંભળીને પ્રેમ અને કૃતજ્ઞતાથી અભિભૂત થઈ ગયા.
હવે યુધિષ્ઠિરે શ્રીકૃષ્ણની અનુમતિ લઈને, યજ્ઞનો યોગ્ય સમય આવ્યે, યજ્ઞનાં કાર્યોમાં નિપુણ વેદવાદી બ્રાહ્મણોને આચાર્ય વગેરેના રૂપમાં પસંદ કર્યા. આના ઉપરાંત તેમણે ભીષ્મ પિતામહ, દ્રોણાચાર્ય, કૃપાચાર્ય, ધૃતરાષ્ટ્ર અને એમના દુર્યાેધન વગેરે પુત્રોને તથા વિદુરને પણ બોલાવ્યા. રાજસૂય યજ્ઞનાં દર્શન કરવાને માટે દેશના બધા રાજાઓ, એમના મંત્રીઓ તથા કર્મચારીઓ બધા જ ઇન્દ્રપ્રસ્થ પધાર્યા. યાજકોએ મહારાજ યુધિષ્ઠિર દ્વારા વિધિપૂર્વક રાજસૂય યજ્ઞ કરાવ્યો અને યજ્ઞ નિર્વિઘ્ન પૂર્ણ પણ થયો.
હવે સભાસદો એ વિષય ઉપર વિચાર કરવા લાગ્યા કે સૌથી પ્રથમ કોની પૂજા કરવી જોઈએ. યજ્ઞમાં ઉપસ્થિત સર્વશ્રેષ્ઠ વ્યક્તિ જ અગ્રપૂજાને પાત્ર હોય છે, અને એમની પૂજા મહારાજ યુધિષ્ઠિરે કરવાની હતી. જુદા જુદા લોકોએ આ વિષયમાં જુદા જુદા મત પ્રગટ કર્યા, પણ સર્વસંમતિથી કોઈ નિર્ણય લઈ શકાયો નહિ. છેલ્લે સહદેવે કે જે ભગવાન શ્રીકૃષ્ણના મહિમાને જાણતા હતા તેમણે ઊભા થઈને સભાને સંબોધન કરતાં કહ્યું, ‘યદુવંશ-શિરોમણિ ભક્તવત્સલ ભગવાન શ્રીકૃષ્ણ જ આ સભાના સદસ્યોમાં સર્વશ્રેષ્ઠ અને અગ્રપૂજાને લાયક છે, કારણ કે તેઓ અદ્વિતીય બ્રહ્મ છે અને આ સંપૂર્ણ જગત એમનું જ સ્વરૂપ છે. તેઓ પોતાના સંકલ્પથી જ જગતની સૃષ્ટિ, પાલન અને સંહાર કરે છે. એમની પૂજા કરવાથી વિશ્વનાં સમસ્ત પ્રાણીઓની પૂજા થઈ જાય છે.’ જેવા જ સહદેવ આમ કહીને પોતાના આસને બેસી ગયા, આ યજ્ઞસભાના બધા જ સત્પુરુષોએ એકસ્વરે ‘બરાબર, બરાબર’ કહીને એમની વાતને સમર્થન આપ્યું. યુધિષ્ઠિરે સભાસદોનો અભિપ્રાય જાણીને પ્રેમથી વિહ્વળ બનીને અત્યંત આનંદપૂર્વક શ્રીકૃષ્ણની પૂજા કરી એમણે ભગવાનનાં ચરણોનું પ્રક્ષાલન કર્યું અને એમનાં ચરણોનું લોકપાવન જળ પોતાના મસ્તકે ચડાવ્યું. સભામાં ઉપસ્થિત બધા જ લોકો શ્રીકૃષ્ણને આ રીતે પૂજિત જોઈને એમનો જયજયકાર કરવા લાગ્યા. તે સમયે આકાશમાંથી પુષ્પવૃષ્ટિ થવા લાગી.
Your Content Goes Here





