અર્વાચીન સમયમાં આપણે ત્યાં રામકૃષ્ણ પરમહંસ, સ્વામી વિવેકાનંદ, મહાત્મા ગાંધીજી, રવીન્દ્રનાથ, શ્રી અરવિંદ વગેરે વિભૂતિઓ થઈ છે, જેમનું કાર્ય આપણા દેશ પૂરતું મર્યાદિત ન રહેતાં, વિશ્વનાં વિચારબળો ઉપર પણ એની અસર થઈ છે. સમગ્રતયા કહીએ તો રવીન્દ્રનાથમાં કવિનું, મહાત્મા ગાંધીજીમાં સત્યાગ્રહીનું અને શ્રી અરવિંદમાં યોગીનું સ્વરૂપ પ્રગટ થયું છે. ભારતની એ એક વિશિષ્ટતા છે કે એની ચેતના સમગ્રતયા મહાન ધારણશક્તિ દાખવે છે. સરેરાશ ભારતવાસીનું જીવન ખાસ ઉન્મેષ પ્રગટ કરતું ન દેખાય, પણ એ જ જાગ્રત એકાદ વિવેકાનંદ, ટાગોર, ગાંધીજી કે શ્રી અરવિંદ ઉત્પન્ન કરી શકે! મહાન પુરુષોનું જીવન એ આખા રાષ્ટ્રની સંપત્તિ હોય છે, ભૂમિની ધારણશક્તિ અનુસાર તેમનો પ્રાદુર્ભાવ થાય છે. આધુનિક યુગમાં ભારતમાં જે મહાન પુરુષો ઉત્પન્ન થયા છે, તે સૌના જીવનકાર્યે માનવજાતિના વિકાસમાં પોતાનો ફાળો આપ્યો છે. શ્રી અરવિંદે પણ માનવજાતિને રસ્તો બતાવ્યો. તે માનવજાતિના પથપ્રદર્શક બન્યા.

શ્રી અરવિંદનું જીવન જોતાં લાગે છે કે પ્રભુ તેમને આ મહાન કાર્ય માટે પહેલેથી તૈયાર કરતા રહ્યા. ઈંગ્લૅન્ડમાં તેજસ્વી વિદ્યાર્થી-કારકિર્દી પછી તે સ્વદેશ પાછા ફર્યા એ જ ક્ષણે કો અમર શાંતિ એમના પર ઊતરી આવી. આ સૌ પ્રથમ આધ્યાત્મિક અનુભવ હતો. એ પછીનું તેમનું રાજકીય જીવન અવલોકતાં પ્રભુ તેમને જાણે કે કોઈ મહાન કાર્ય માટે પોતાનું કરણ બનાવતા રહ્યા. ૧૯૦૬માં સુરતમાં કોંગ્રેસ મળી, તેમાં શ્રી અરવિંદે દેશ માટેના સંપૂર્ણ સ્વાયત્ત શાસનની જાહેરાત કરી, જેના ઉપર શ્રી કનૈયાલાલ મુનશીએ “સ્વપ્નદ્રષ્ટા” નામે નવલકથા લખી. એ પહેલાં ૧૯૦૦થી ૧૯૦૬ના વડોદરા-નિવાસ દરમ્યાન તે લેલેના પરિચયમાં આવ્યા. આણંદના બ્રહ્માનંદ સ્વામીનો પરિચય થતાં, ભારતના સમગ્ર સાંસ્કૃતિક વારસાને આત્મસાત કર્યો. યૌગિક ક્રિયાઓ કરવા લાગ્યા. એવામાં બંગભંગની લડત આવી અને શ્રી અરવિંદ કલકત્તા ગયા. ૧૯૦૮માં એમના ઉપર અલીપુર બૉમ્બ કેસ થયો. ૧૯૦૯માં એ છૂટ્યાં. આ પછી ૧૯૦૯માં એમણે આપેલા ઉત્તરપાડા વ્યાખ્યાનમાં પોતાની આધ્યાત્મિક અનુભૂતિની વાત તેમણે કરી છે. તેમને કૉર્ટમાં લઈ જવાતા હતા ત્યારે તેમણે જેલના અધિકારી સામે જોયું તો ત્યાં અધિકારી ન હતો, સાક્ષાત્ શ્રીકૃષ્ણ હતા. વૃક્ષ સામે જોયું તો ત્યાં વૃક્ષ ન હતું, પણ મંદ મંદ સ્મિત કરતા શ્રીકૃષ્ણ જ હતા. ‘‘વાસુદેવ: સર્વત્ર ઈતિ”નો અનુભવ થયો. પ્રભુના આદેશ પ્રમાણે ૧૯૧૦માં ચન્દ્રનગર – પોંડિચેરી ગયા. ૧૯૧૪માં શ્રીમાતાજીનું આગમન થયું. શ્રી અરવિંદની આજુબાજુ યોગ ગોઠવાયો. આશ્રમની રચના થઈ.

શ્રી અરવિંદનું જીવનદર્શન તેમની વિચારણામાં, તેમના યોગમાં અને તેમની કવિતામાં પ્રગટ થયું છે. ડાર્વિનના ઉત્ક્રાન્તિના સિદ્ધાંતને તે દિવ્ય જીવનની રચનામાં આગળ લઈ જાય છે. તેમનો પૂર્ણ માનવ એ નિત્શેનો ‘‘સુપરમેન” નથી. તેમનો યોગ તો દિવ્ય માનવ બનાવવાનો છે. પ્રકૃતિ સમેત સમગ્ર માનવચેતનાને દિવ્યતામાં પહોંચાડનારી એ પ્રક્રિયા છે. અગાઉના યુગોમાં પ્રકૃતિ જેમની તેમ રહી જતી અને આત્મા વિકાસ સાધતો. શ્રી અરવિંદ તો શરીરને પણ દિવ્ય બનાવવાની વાત લઈ આવ્યા. શ્રી અરવિંદ કર્મ માર્ગના વિરોધી નથી. યોગસ્થ: કુરુ કર્માણિ – યોગમાં સ્થિત રહીને કર્મ કરવાનું કહે છે. મનુષ્યે પ્રભુના કરણ બનવાનું છે. શ્રી અરવિંદ, આ માટે, જીવનના પ્રત્યેક પદાર્થને આધ્યાત્મિકતા વડે રસી દેવાનું ઉદ્બોધે છે. ત્યાગ – વૈરાગ્યની પ્રાચીન ધારણાના તે પુરસ્કર્તા નથી. તે જીવનનો સ્વીકાર કરે છે પણ એ તમસ્લીન જીવનને ધરમૂળમાંથી રૂપાંતરિત કરવાનું કહે છે. શ્રી અરવિંદની ફિલસૂફીમાં આ રૂપાંતર – ટ્રાન્સફર્મેશન એ મહત્ત્વનું પગથિયું છે. એટલે જ તો શ્રી અરવિંદ સમગ્ર જીવનને યોગરૂપે જીવે છે. આ યોગ શ્રી અરવિંદે પોતાની અંદ૨ સિદ્ધ કર્યો હતો. એમનું મહાકાવ્ય સમું જીવન બુદ્ધિના પરિમિત કરણથી સમજવું મુશ્કેલ છે. એથી જ તેમણે લખેલું કે – ‘‘મારા જીવન વિષે કોઈ લખી શકે એમ નથી. કારણકે એ એવું સપાટી પરનું જીવન નથી કે જે માણસોની નજરમાં આવી શકે.”

તેમણે પરિકલ્પેલાં ત્રણ સોપાનો (૧) મનસ (૨) અધિમનસ (૩) અતિમનસ એમની સમગ્ર યોગ- વિભાવનામાં બંધ બેસે છે. શ્રીકૃષ્ણમાં અધિમનસ ભૂમિકા પ્રાદુર્ભુત થઈ હતી અને આ ભૂમિકાએ શ્રી અરવિંદ ૧૯૨૬માં પહોંચ્યા હતા. ૨૪ નવેમ્બર ૧૯૨૬નો એ યાદગાર દિવસ. એનું વર્ણન શ્રી અંબાલાલ પુરાણીએ આપ્યું છે. ત્યારથી આ દિવસ સિદ્ધિદિન તરીકે ઉજવાવા લાગ્યો.

શ્રી અરવિંદ પોતાના યોગમાં શાસ્ત્ર, ઉત્સાહ, ગુરુ અને કાળ એ ચાર સોપાનોનું સુંદર વિવરણ આપે છે. અભિમુખતા, અભિપ્સાનો ઉચિત મહિમા કરે છે. કવિ સુન્દરમ્ કહે છે તેમ-

“જાગ અગ્નિ! જાગ અગ્નિ! જાગ હે!/

ભસમ ક૨વા તમસ વગડા જાગ અગ્નિ જાગ હે’’

એ પછી આવે છે સમર્પણ. યૌગિક પ્રક્રિયામાં જાતને ખુલ્લી કરવી, ઊર્ધ્વમાંથી ભાગવત ચેતનાના પ્રકાશને ઝીલવો અને ચેતનાને નીચેથી આરોહિત કરવી વગેરે બાબતો પર ભાર મૂકાયો. મનુષ્ય …. ….. અને પ્રભુની શક્તિનું અવતરણ આ બંને મળીને પ્રક્રિયા બને છે. ‘‘તવ હૃદયે અમ વાસ સદા હો” એમ સુન્દરમ્ એક કાવ્યમાં કહે છે. આ પંક્તિ મહત્ત્વની છે. ભક્તના હૃદયમાં ભગવાન હોય એ બાબત મહત્ત્વની નથી, પણ ભગવાનના હૃદયમાં આપણું સ્થાન હોય તે મહત્ત્વનું છે. આપણે એવા હોઈએ અથવા એવા થઈએ કે પ્રભુના હૃદયમાં આપણું સ્થાન હોય. ભક્તની પ્રભુ તરફની ભક્તિ જાણીતી છે, પણ પ્રભુની પણ ભક્ત ત૨ફ એવી જ ભક્તિ હોય છે. એટલે તો ભાગવતમાં ભગવાન કહે છે કે મારા ભક્તોની પાછળ હું એટલા માટે ફરું છું કે એમની ચ૨ણ રજથી હું પવિત્ર થઈ જઉં! ભગવાનની ભક્ત તરફની કેવી ભક્તિ! પ્રભુ પ્રત્યે એવી અભિપ્સા પ્રગટવી જોઈએ. આ અભિપ્સામાંથી અજબ ખુમારી આવે છે. સુન્દરમ્ કહે છે:

અને પ્રભુ જો મુજ પ્રેમ વાંચ્છે

આવે ભલે તે લયલા બનીને.

બીજા એક કાવ્યમાં સુન્દરમ્ કહે છે:

નીર ભર્યા ઘટ ઠલવી દીજે,

અને સાસુની આણ ન સુણીએ,

છોરુ વછોરુને છૂટાં મૂકી હવે,

મોંઘું સોંઘું નહિ ગણીએ રે,

ચલ ગાગર લૈ ઝટ જઈએ.

માનવીના મનને જે પૂર્વગ્રહો – માન્યતાઓ – અભિપ્રાયોનાં ભૂત વળગ્યાં છે, એમાંથી મુક્ત થયા સિવાય એ નિર્ભેળ સત્ય ક્યાંથી પામવાનો? અજ્ઞાનાવસ્થામાં ચિરકાળ પોષેલાં પોતાનાં માનસ – અપત્યનો ખરાં કર્યા વગર, દુન્યવી નફાતોટાની ગણતરી કર્યા વગર એને ભગવાનની પ્રાપ્તિ ક્યાંથી થાય? એટલે માણસે ‘‘કોરી સ્લેટ’’ બનવાનું છે. ભગવાન તો ‘‘સૂને ઘાટે બેઠો એકલો સાંવરો/ આપણી વાટ નિહાળે/ અમ સરીખાં એને ઝાઝાં મળે ના/ બીજા કોને એ પાર ઉતારે રે.”

૧૫મી ઑગસ્ટે ભારતને સ્વતંત્રતા મળી. આ દિવસ તે શ્રી અરવિંદનો જન્મદિન છે અને એ અકસ્માત નથી. શ્રી અરવિંદે ૧૫ ઑગસ્ટ ૧૯૪૭ના રોજ આપેલા સંદેશામાં કહેલું: “મારો જન્મદિન અને હિંદની સ્વતંત્રતા પ્રાપ્તિનો દિન આમ એક જ દિવસે બની આવે છે એ ઘટનાને, એક યોગી તરીકે, હું કોઈ સાદા યોગાનુયોગ તરીકે યા તો કોઈ ગમે તેમ બની આવેલા અકસ્માત તરીકે ગણાવતો નથી. પરંતુ આ ઘટના દ્વારા હું મારા જીવનના આરંભકાળથી મેં હાથ ધરેલા કાર્યમાં પ્રભુની જે દિવ્ય શક્તિ મારા પગલાંને દોરી રહી છે તેની એક સંમતિ નિહાળું છું. એ કાર્ય ઉપર તેની એક મહેચ્છા અંકાતી જોઉં છું.” એ જ સંદેશામાં હિંદના ભાગલા થવા ન જોઈએ અને થશે પણ ખરા જ એવી આગાહી પણ તેમણે કરેલી. ગાંધીજીના નિધન સમયે “પ્રકાશ છે જ’’ અને એમાં સ્થિ૨ થવાનું તેમણે ઉદ્બોધેલું. ‘‘ધ હ્યુમન સાઈકલ” ગ્રંથમાં તેમણે ચીન વિશે જે લખ્યું, તે પણ ચેતવણીરૂપ હતું. શ્રી અરવિંદના આર્ષદર્શનની એમાં ઝાંખી થાય છે.

શ્રી અરવિંદ સમગ્ર માનવજાતિને, સમગ્ર સમાજને આધ્યાત્મિક બનાવવા માગે છે. એમાં તેઓ કોઈ Socio- Philosophical વિચારણા રજૂ કરવા પ્રવૃત્ત થયા નથી. શ્રી અરવિંદની સમાજશાસ્ત્ર વિષયક દૃષ્ટિ હૉબ્સ કે મૅકિયાવેલીની માફક વર્તમાનમાં જ પુરાઈ રહેતી નથી, ટર્ગાટ, લૅસિંગ કે ફર્ગ્યુસનની જેમ સામાજિક ફેરફારોમાં ભાગ ભજવનાર નિયમો શોધી કોઈ સામાન્ય વ્યક્તિથી ઉ૫૨ આવવું માત્ર મર્યાદિત માનતી નથી, બલકે માનવ સભ્યતાથી સઘળી સંકુલ ગતિઓનો તાગ લઈ હજારો વરસના પુરુષાર્થથી માનવજાતિએ વિકસાવેલી બહુરંગી સભ્યતાના ભાવી સ્વરૂપનું ચિત્ર આપે છે.

શ્રી કિશનસિંહ ચાવડાએ એમના ‘અમાસના તારા’ પુસ્તકમાં ટાગોરના શ્રી અરવિંદ સાથેના મિલનનો એક પ્રસંગ આપ્યો છે. ૧૯૨૮માં કવિવર રવીન્દ્રનાથ હિબર્ટ લૅક્ચર આપવા ઈંગ્લૅન્ડમાં જતાં શ્રી અરવિંદને મળવા પોંડિચેરી રોકાયેલા. કિશનસિંહ એ વખતે પોંડિચેરીમાં હતા. અત્યાર સુધી તેમણે ટાગોરને જોયા ન હતા. શ્રી અરવિંદને મળવા ટાગોર ગયા ત્યારે પ્રફુલ્લ જણાતા હતા. પણ મળીને પાછા આવ્યા ત્યારે એમનાં નેત્રો આંસુભીનાં હતાં. આનું રહસ્ય થોડાં વર્ષો પછી કિશનસિંહ શાંતિનિકેતન ગયા અને ત્યાં થોડો સમય રહ્યા બાદ વિદાય વેળાએ સ્વયં રવીન્દ્રનાથને જ પૂછ્યું. રવીન્દ્રનાથે કહ્યું: ‘‘એ મારા જીવનનો મહા ધન્ય પ્રસંગ હતો. તમે મારા અંતઃકરણની મહામૂલ્યવાન પ્રતીતિને સ્પર્શ કર્યો છે. જ્યારે શ્રી અરવિંદને મળવા ઉ૫૨ ગયો ત્યારે વર્ષોથી વિખૂટા પડેલા બંધુને મળવાના ઉત્સાહમાં મારું ચિત્ત હસતું હતું.

આનંદ સમાતો નહતો. જઈને બાથ ભરીને ભેટવા કેટલો ઉત્કંઠિત હતો તે હું જ જાણું છું. પણ ઉ૫૨ જઈને મેં જે જોયું તેનાથી હું ગંભીર થઈ ગયો. મારી સામે મારા બંધુને બદલે એક ભવ્ય જીવનવિભૂતિ બેઠી હતી. બાથ ભરવા ખુલ્લા થયેલા મારા બન્ને હાથ અંજલિ બનીને પ્રણામી રહ્યા. જે સહજ હતું, તે જ થયું. એ જ કર્તવ્ય હતું. પાછો વળ્યો ત્યારે અહંકાર રડી પડ્યો, પણ અંતરમાં બેઠેલો કવિ શાંત સ્મિતમાં સમાધિસ્થ હતો.”

બીજો એક પ્રસંગ શ્રી અરવિંદના વડોદરા કૉલેજના વિદ્યાર્થી અને પ્રસિદ્ધ નવલકથાકાર કનૈયાલાલ મુનશીનો છે. શ્રી અરવિંદ એ સમયમાં કોઈને મળતા નહિ પણ મુનશીની બાબતમાં અપવાદ કરી તા. ૮ જુલાઈ, ૧૯૫૦ના રોજ તેમને મુલાકાત આપી. પોતાનો અનુભવ શ્રી મુનશીએ એક વ્યાખ્યાનમાં વર્ણવતાં લખેલું કે ‘‘મેં પૂર્ણતા નિહાળી.” શ્રી અરવિંદ તેમને ‘જીવન સર્જક મહાસ્થપતિ’ લાગેલા.

શ્રી અરવિંદનું જીવન અને દર્શન માનવજાતિનો મહામૂલો વા૨સો છે. એમાંથી પ્રેરણા લઈ આપણે કાંઈક થઈએ. આપણા સહિયારા પુરુષાર્થ ઉપર પ્રભુના આશીર્વાદ ઊતરો!

Total Views: 342

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.