શ્રી આર. રીબેકોવ રશિયાની ‘ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓરિયેન્ટલ સ્ટડીઝ’ના નિર્દેશક અને વિવેકાનંદ સોસાયટી મોસ્કોના ઉપપ્રમુખ છે. વિવેકાનંદ સોસાયટીના પ્રમુખ શ્રી ઈ.પી, ચેલીશેવની જેમ તેઓ પણ શ્રીરામકૃષ્ણ – વિવેકાનંદ સાહિત્યમાં ઊંડો રસ ધરાવે છે. ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના જૂન અને જુલાઈના અંકોમાં પ્રકાશિત થયેલ શ્રી ઇ.પી. ચેલીશેવના લેખ પરથી અને સપ્ટેમ્બરના અંકમાં પ્રકાશિત થયેલ ‘રશિયા તો છે શ્રીરામકૃષ્ણનું’ લેખ પરથી વાચકોને ખ્યાલ આવી જ ગયો હશે કે, સ્વામી વિવેકાનંદ સોવિયેત પ્રજાના પ્રિય બની રહ્યા છે. પ્રસ્તુત લેખમાં આ લોકપ્રિયતાનાં કારણો પર પ્રકાશ ફેંકવાનો પ્રયત્ન લેખકે કર્યો છે. રામકૃષ્ણ મિશન ઇન્સ્ટિટ્યૂટ ઑફ કલ્ચર, કલકત્તા દ્વારા પ્રકાશિત “The world Thinkers on Ramakrishna Vivekananda” માંથી આ લેખ સાભાર લેવામાં આવ્યો છે.
તાજેતરમાં હું રશિયા અને ભારતના લોકોની સમાન ચાહના મેળવનાર મહાન લેખક લીયો ટોલ્સટોયના ઘેર – યાસ્નયા પોલીયાના ગયો હતો. ત્યાં મેં જમવાના ટેબલની ચોતરફ બેઠેલો મુલાકાતીઓનો સમૂહ જોયો અને મારા મન સમક્ષ કેરોસીનના દીવાના અજવાળામાં બ્રિટિશ વર્તમાનપત્રો મોટેથી વાંચતા, ભૂખરી દાઢીવાળા ટોલ્સ્ટોયનું ચિત્ર તાદૃશ થયું. બ્રિટિશ વર્તમાનપત્રો સ્વામી વિવેકાનંદનાં તેજસ્વી ભાષણોના અહેવાલોથી ભરપૂર હતાં. જો કે એમાં તથ્યનું પ્રમાણ ઓછું હતું, આમ છતાં વર્તમાનપત્રોની ગળણીમાંથી ગળાઈને આવતો કલકત્તાના એ સંન્યાસીનો શક્તિશાળી અવાજ ટૉલ્સ્ટૉયના મન સુધી જરૂર પહોંચતો હતો. તેણે ટૉલ્સ્ટૉયને ઊંડાણથી એવા તો હચમચાવી મૂક્યા કે, થોડો સમય તે આગળ વાંચી શક્યા નહીં. તેમણે સૂવાના ઓરડામાં જઈ, આખી રાત વિવેકાનંદની ચોપડીઓ વાંચ્યા કરી. પોતાની ડાયરીમાં તેમણે નોંધ કરી, “ફરીથી હું વિવેકાનંદને વાંચી રહ્યો હતો. તેમના અને મારા વિચારોમાં કેટલું સામ્ય છે!”
નવો યુગ
તે સમયગાળો પસાર થયાને તો આજે ઘણો સમય વીતી ગયો છે. અત્યારે ટૉલ્સ્ટૉય મ્યુઝિયમમાં આવતા અને ભોમિયા દ્વારા કહેવાતી વાતો સાંભળતા આ બધા લોકો તો અવકાશયાનો, સિનેમા અને ટેલિવિઝનના યુગમાં જન્મ્યા હતા અને સંસ્થાનવાદ શું છે તે પણ જાણતા હોતા નથી. એ વખતના ભૌતિક સંસ્કારો, પહેરવેશ અને રોજબરોજની જિંદગીની બાબતો અત્યારે અદૃશ્ય થઈ ગઈ છે. પરંતુ બધા દેશોને એકસૂત્રે બાંધનાર આધ્યાત્મિક સંસ્કૃતિ હજુ જીવિત છે અને સમકાલીન લોકો ઉપર સતતપણે તેની તીવ્ર અસર થઈ રહી છે. વિવેકાનંદના વિચારો ફક્ત ત્યારે ટૉલ્સ્ટૉયને જ પ્રિય હતા એવું નથી. આજે પણ સોવિયેત લોકોને તે એટલા જ પ્રિય છે તેનું મુખ્ય કારણ એ છે કે, મુખ્યત્વે તો વિવેકાનંદના ખ્યાલો અડગ રાષ્ટ્રપ્રેમથી ભરપૂર હતા. પોતાના દેશ, ભારતનું પુનરુત્થાન તેમનું સ્વપ્ન હતું. શક્તિશાળી હોવા છતાં પરાધીન, બ્રિટિશ સંસ્થાનવાદીઓના બંધનમાં ઝકડાયેલ, સદીઓ જૂના ઇતિહાસ અને નાતજાતની કઠોર વાડાબંધીની છાપ ધરાવનાર, વેરવિખેર, કચડાયેલ અને બળવો કરવા અક્ષમ એવા ભારતની પરિસ્થિતિ બદલવા તેમણે કાયમ ઇચ્છા રાખી હતી. તેમણે પોતાના દેશબાંધવોમાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગૃત કરવા, રાષ્ટ્રના હિતમાં વર્તવાની ઇચ્છા પ્રગટ કરવા અને ભારતના તેજસ્વી ભવિષ્યમાં શ્રદ્ધાની ભાવના જગાડવા માટેના કોઈ પ્રયત્નો બાકી રાખ્યા નહોતા કે પછી ભારતીયોની પરતંત્રતા અને કચડાયેલી સ્થિતિ માટે તેમનામાં શરમની લાગણી ઉત્પન્ન કરવા માટે માર્મિક કટાક્ષો કરવાના પણ બાકી રાખ્યા નહોતા. માર્ક્સના ઉલ્લેખને નોંધીએ તો, ‘શરમ એ એક પ્રકારની ક્રાંતિ જ છે. એ અંદરની તરફ વળેલો ગુસ્સો જ છે અને જો આખા રાષ્ટ્રે શરમ અનુભવી હોય તો, એ છલાંગ મારવા તત્પર એવા સિંહની બરાબર છે.’ ઇચ્છા ન હોવા છતાં સ્વામી વિવેકાનંદ એક રીતે રાજનીતિમાં સંકળાઈ ગયા હતા. તેમની બધી જ પ્રવૃત્તિઓનું લક્ષ્ય સામ્રાજ્યવાદ અને સંસ્થાનવાદની સામે મંડાયેલું હતું અને ભારતને સ્વતંત્ર અને મજબૂત બનાવવામાં તેમણે મહત્ત્વનો ભાગ ભજવ્યો હતો.
વિવેકાનંદના ધર્મનું સારતત્ત્વ લોકોની સેવા છે. “હું એવા ઈશ્વર કે ધર્મમાં માનતો નથી કે જે વિધવાનાં આંસુ ન લૂછી શકે કે અનાથના મુખમાં રોટીનો ટુકડો ન મૂકી શકે.” એવું તેમણે કહેલું. તેમના વિચારો મનુષ્ય ઉપર કેન્દ્રિત થયેલા હતા. મનુષ્યના ભલા માટે જ બધું કરી છૂટવાના તેમના વિચારો મેક્સિમ ગૉર્કી દ્વારા તેમના જ સમયમાં ઉચ્ચારાયેલ શબ્દો – “મનુષ્યનું નામ ગૌરવનો સૂર ઉત્પન્ન કરે છે” – તેની સાથે કેટલા સુસંગત છે! પોતાના લક્ષ્યને ભારતીય વાસ્તવિકતાની ઉપર કેન્દ્રિત કરી તેમણે સમજાવ્યું કે, લોકોની જરૂરિયાતો પ્રત્યે ઉદાસીનતા, ગરીબી અને જનતાનું અજ્ઞાન – આ (ત્રણ) રાષ્ટ્રની પડતી માટે જવાબદાર છે. તેમણે કહ્યું, “સંપન્ન લોકોએ કરેલી આમજનતાની અવગણના એ ગંભીર રાષ્ટ્રીય પાપ છે.”
આ ઉપરાંત ભારતના પતન માટે સ્વામી વિવેકાનંદે બીજું એક કારણ શોધી કાઢયું. તે હતું ભારત દેશનો ‘અલગતાવાદી ચોકો’. એ સ્વાભાવિક જ છે કે સર્વધર્મ સમન્વય અને સર્વ રાષ્ટ્રોના મુક્ત લોકો વચ્ચેની બંધુત્વની ભાવના ઉપર ભાર મૂકનાર આવા માનવના અવાજ શિકાગોની ધર્મસભામાં હાજર રહેનાર પ્રતિનિધિઓને ઊંડાણથી હચમચાવી જ મૂકે.
રાષ્ટ્રીય પાપ
“કોઈના ફક્ત કહેવાથી જ ૨૦૦૦ લાખ દેવોને અંધપણે માનવાને બદલે મનુષ્ય પોતાની વિચારશક્તિને અનુસરીને નાસ્તિક બને તે વધારે સારું છે. આમ તેઓ કહેતા. તેઓ અમાનવીય શક્તિ અને ચમત્કારોમાં બિલકુલ માનતા નહીં અને પોતાના ગુરુ શ્રીરામકૃષ્ણદેવના નામની સાથે પણ જોડી દેવાયેલ ચમત્કારોને સ્વીકારવા બિલકુલ તૈયાર નહોતા. આમ છતાં શું એ ચમત્કાર જ નથી કે ઓગણીસમી સદીના યુરોપના મંદ અને પ્રશાંત જીવનમાં આવી રહેલ વીસમી સદીના સામાજિક અને રાજકીય બનાવોની ગર્જના તેમણે સાંભળી લીધી હતી અને અગાઉથી બરાબર જાણી લીધું હતું કે સ્વતંત્રતા રશિયામાંથી આવશે?
એ મહત્ત્વનો સમયગાળો પહોંચી ન શકાય એટલો દૂર થઈ ગયો છે. રાજાશાહી અદૃશ્ય થઈ ગઈ છે અને સંસ્થાનવાદ લગભગ પૂરેપૂરો તૂટી ચૂક્યો છે. વિવેકાનંદના ધધકતા અવાજની ગ્રામોફોન રેકોડર્સ હજુ પણ ભારતમાં છે એવું કહેવાય છે. શ્રીરામકૃષ્ણ તેમના અવાજને ખૂબ વખાણતા અને એ અવાજે શિકાગોની ધર્મસભા ઉપર તીવ્ર છાપ પાડી હતી. ગ્રામોફોન ન હોવાને કારણે જો કે આ રેકોર્ડ્સ ઘણા સમયથી વગાડવામાં આવી નથી.
છતાં, વિવેકાનંદનો સૂર વાગ્યા કરે છે અને આપણે રવીન્દ્રનાથ ટાગોરના શબ્દોને યાદ કરીએ છીએ, “જો તમે ભારતને પિછાણવા માંગતા હો તો વિવેકાનંદને વાંચો.”
ભાષાંતરકાર : ડૉ. ચેતના માંડવિયા
Your Content Goes Here




