‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ની સંપાદકીય સમિતિના સભ્ય શ્રી મનસુખભાઈ મહેતાના તા. ૪-૯-૨૦ના રોજ થયેલ નિધનના ઉપલક્ષમાં તા.૧૩-૦૯-૨૦ના રોજ શ્રીરામકૃષ્ણ આશ્રમ દ્વારા ઓન લાઈન સ્મૃતિસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના સંપર્કમાં આવેલ સંન્યાસીઓ અને મહાનુભાવોએ અર્પેલ શ્રદ્ધાસુમનનો અંશ અહીં આપવામાં આવેલ છે.

સ્વામી આદિભવાનંદજીએ તેમના વક્તવ્યમાં જણાવ્યું કે, ‘શ્રી મનસુખભાઈ મહેતા ઘણાં વર્ષોથી શ્રીરામકૃષ્ણ આશ્રમ, રાજકોટ સાથે સંકળાયેલા હતા. તેઓ એક ઘડવૈયા હતા. દેશના કે રાષ્ટ્રના ઘડવૈયાનું એમણે જબ્બર કામ કર્યું. કિશોરો અને નવયુવાનોને એવી રીતે તૈયાર કર્યા કે એમને કોઈ પહોંચી ન શકે. એમણે તૈયાર કરેલા નવયુવાનો આખી દુનિયાની અંદર પથરાયેલા છે. એવી જ રીતે ચારિત્ર્ય ઘડતરને માટે, બાળકો માટે તેમણે ઘણું કર્યું. આશ્રમમાં આવે એટલે ખોવાઈ જાય, સમયનું ભાન ન રહે, અન્ય કોઈ વાત નહીં. વિદ્યાર્થીમાં રહેલી શક્તિ કેવી રીતે બહાર આવી શકે અને બધી રીતે ઉપયોગી થાય એ જ એમનો હેતુ હતો. હરહંમેશ આશ્રમનું ભલું થાય એવું તેમનું ચિંતન રહેતું. તેમણે જીવનના અંત સુધી આશ્રમના પબ્લીકેશન વિભાગનું જબ્બર કાર્ય કર્યું છે. તેમના અનેક વિદ્યાર્થીઓ વિવિધ ક્ષેત્રોમાં છે.’

સ્વામી મંત્રેશાનંદે પોતાનાં સંસ્મરણો વાગોળતાં કહ્યું કે ‘શ્રી મનસુખભાઈ મહેતા પબ્લીકેશન વિભાગ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ સાથે ઘનિષ્ઠ રીતે સંકળાયેલા હતા, તેનો ખાલીપો લાગે છે. આપણે એક ખંતીલા, કાર્યદક્ષ કાર્યકર ગુમાવ્યા છે, એમાં કોઈ સંદેહ નથી. એમના વ્યક્તિત્વનાં ઘણાં બધાં પાસાં હતાં. તેમનામાં દક્ષતા હતી, પ્રબળતા હતી. મેં તેમના મુખ પર સદા પ્રસન્નતા જોઈ છે. આપણને ઉત્સાહ અને પ્રેરણા આપે એવું એમનું વ્યક્તિત્વ હતું. પ્રકાશન વિભાગમાં પુસ્તકોના અનુવાદ અને ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’ના સંપાદનનું કાર્ય તેઓએ છેલ્લા સમય સુધી કર્યું છે.’

સ્વામી સર્વસ્થાનંદે પોતાનાં સંસ્મરણો રજૂ કરતાં જણાવ્યું કે ‘શ્રી મનસુખભાઈ મહેતાના નિધનથી મને અત્યંત દુ :ખનો અનુભવ થાય છે. ૩૦ વર્ષ સુધી તેમની સાથે મારો સંપર્ક રહ્યો છે. તેઓ પ્રકાશન વિભાગમાં ખૂબ જ સક્રિય હતા. મને ગુજરાતી ભાષાનું જે જ્ઞાન છે તેમાં તેમનો મોટો ફાળો છે. આત્મજન તરીકે, વડીલ તરીકે તેમણે મને બહુ સ્નેહ આપ્યો છે.’

સ્વામી નિખિલેશ્વરાનંદે શ્રી મનસુખભાઈ મહેતાને શ્રદ્ધાસુમન અર્પતાં કહ્યું કે પૃથ્વી પર સત્પુરુષ ઓછા હોય છે, તેવા સત્પુરુષ પૈકી શ્રી મનસુખભાઈ એક હતા એમાં કોઈ સંદેહ નથી. તેઓ પ્રકાશન વિભાગમાં આખો દિવસ કામ કરતા. કેવું એમનું ઉમદા જીવન! કેવું એમનું સંયમિત જીવન! તેઓ સાચા અર્થમાં આચાર્ય હતા. પોતાના આચરણ દ્વારા તેમણે બધાના હૃદયમાં સ્થાન મેળવી લીધું. તેમનું વ્યક્તિત્વ ઉમદા હતું. He was one of the excellent human beings that I have seen in my life. તેમનું જીવન યુવાનોને શરમાવે તેવી શક્તિ અને ઉત્સાહથી ભરપૂર હતું.’

આ ઉપરાંત સ્વામી દ્વારકેશાનંદ, કિશોરભાઈ દવે, ઉમેશભાઈ મહેતા, ગુલાબભાઈ જાની, સુરેશ મહેતા, ગિરીશભાઈ મારુ, મીના અંતાણી, ભાસ્કર દવે, પ્રજ્ઞેશભાઈ, ભાર્ગવ જોષી, મહેન્દ્ર જોષી, કલ્પનાબહેન દવે, દર્શકભાઈ, હિતેન્દ્રભાઈ, ભદ્રાયુ વછરાજાની, ભૂપેન્દ્રસિંહ જાડેજા, અશ્વિનભાઈ ફળદુ, જયંતભાઈ, દેવીબહેન મહેતા, સુરેશભાઈ દવે, હરેશભાઈ મહેતા, હર્ષ દવે વગેરેએ પોતાનાં ભાવ સંસ્મરણો રજૂ કર્યાં હતાં.

Total Views: 465

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.