(સ્વામી શશાંકાનંદજી રામકૃષ્ણ સંઘના સંન્યાસી છે, હાલ રામકૃષ્ણ મિશન સમાજ સેવક શિક્ષણ મંદિરના પ્રિન્સિપાલ છે. પોતે એક કુશળ સ્કાઉટ ગાઈડ હોવાથી સ્કાઉટની દૃષ્ટિથી સ્વામી વિવેકાનંદજીનો સંદેશો રજૂ કરે છે. – સં.)
ઓગણચાલીસ વરસ અને થોડાક મહિનાના ટૂંકા જીવનકાળ દરમ્યાન સ્વામી વિવેકાનંદે માનવજાતિને શું પ્રદાન કર્યું છે, તે સમજતાં સૈકાંઓ લાગશે. તેમનું વ્યક્તિત્વ બહુમુખી હતું. તેમણે માનવજીવનને લગતી વિવિધ પ્રવૃત્તિઓને ક્ષેત્રે મોટું યોગદાન કર્યું છે. કહેવા દો: ‘‘સમગ્ર માનવશક્તિનું સુસંવાદી એક માત્ર વ્યક્તિત્વ એટલે સ્વામી વિવેકાનંદ.’’
દુનિયાને વિદિત હોય તેવી ભૂત, ભવિષ્ય અને વર્તમાનની બધી જ ગતિવિધિઓની બાબતમાં તેઓ પારંગત હતા. આમાં બાલવીરની પ્રવૃત્તિ (Scout Movement) અપવાદરૂપ નથી. પ્રત્યેક બાલવીરને સ્વામી વિવેકાનંદમાં નૂતન પ્રકાશ અને માર્ગદર્શન મળી રહેશે.
આ મહાન જગદ્ગુરુનું આહ્વાન છે, “ઊઠો! જાગો! અને લક્ષ્ય પ્રાપ્ત ન થાય ત્યાં સુધી અટકો નહીં,” આ ઉદ્બોધનથી આપણને બાલવીર પ્રવૃત્તિનું ઉમદા સૂત્ર ‘‘સજ્જ થાઓ’’ યાદ આવી જાય છે. તેઓ કહે છે: “મારા બાંધવો, ચાલો, આપણે સખત મહેનત કરીએ; ઊંઘવાનો આ સમય નથી. તમને માણસ માટે પ્રેમ છે? તમને તમારા દેશ માટે પ્રેમ છે? તો આવો, ચાલો આપણે ઉચ્ચત૨ અને વધારે સારી વસ્તુઓ સાધવા માટે સંઘર્ષ કરીએ. પાછળ ન જુઓ, આપણાં નજીકનાં તથા સૌથી પ્રિય સગાં આક્રોશ કરતાં હોય તો પણ નહીં. પાછળ ન જુઓ, આગળ જુઓ.”
જ્ઞાતિ, પંથ અને જડ સિદ્ધાંતોથી પર એવા વિશ્વબંધુત્વનો ઉપદેશ સ્વામી વિવેકાનંદ આપતા હતા. તેમને સમગ્ર સૃષ્ટિમાં રહેલી દિવ્યતા અને એકતાનો સાક્ષાત્કાર થઈ ગયો હતો. માનવજાતિને તેમનું આહ્વાન છે: ‘‘સહાયરૂપ થાઓ, લડાઈ ન કરો. આત્મસાત્ કરો, વિનાશ નહીં.’’
સુસંવાદિતા અને શાન્તિ, કલહ નહીં. વિશ્વબંધુત્વના આદર્શમાં ધર્મ અંતરાયરૂપ ન બની શકે, કારણ કે સ્વામીજીના મતે ઈશ્વર એક જ છે, જુદા જુદા ધર્મના લોકો તેને જુદાં જુદાં નામો આપે છે . અન્ય માટે સત્કાર્ય કરવા એકત્ર થવા લોકોને આશીર્વાદ આપતાં તેમણે કહ્યું છેઃ
‘‘હિન્દુઓનો બ્રહ્મ, જરથુસ્તી લોકોના અહુરમઝ્દ, બૌદ્ધોના બુદ્ધ ભગવાન, યહૂદીઓના જેહોવાહ, ખ્રિસ્તીઓના આકાશમાંના પિતા તમારા ઉમદા વિચારોનો અમલ કરવામાં તમને સામર્થ્ય પૂરું પાડો.’’
ભગવાન તથા પોતાના દેશ પ્રત્યેનું પોતાનું કર્તવ્ય બજાવવામાં સર્વશ્રેષ્ઠ પ્રયત્ન કરી છૂટવા માટે બાલવીર વચનબદ્ધ હોય છે. બાળપણથી જ સ્વામીજીને પ્રતીતિ થઈ ગઈ હતી કે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા વિના કોઈને દુઃખના અંતનો અનુભવ થશે નહીં. વિદ્યાર્થી તરીકે તેમણે આ શૂન્યાવકાશની યાતનાનો અનુભવ કરી લીધો હતો. એ પરિસ્થિતિએ તેમને બેચેન બનાવી દીધા હતા. સત્યનું જ્ઞાન મેળવવા પાછળ તેઓ ગાંડા બન્યા હતા. આ ગાંડપણ તેમને શ્રીરામકૃષ્ણ તરફ દોરી ગયું. પરમહંસદેવે ટૂંક સમયમાં જ આ યુવાનને સર્વોચ્ચ સત્ય – નિર્વિકલ્પ સમાધિનો સાક્ષાત્કા૨ ક૨વાનો માર્ગ દર્શાવ્યો. આ અનુભવને આધારે તેમણે ઘોષણા કરી: “પ્રત્યેક જીવાત્મામાં દિવ્ય બનવાનું સામર્થ્ય રહેલું છે. માનવજાતિનું લક્ષ્ય છે આ આંતરિક દિવ્યતાને અંદરની તેમ જ બહારની પ્રકૃતિના સંયમને માર્ગે પ્રકટ કરવાનું.’’
ઈશ્વર પછી સ્વામીજીનો પ્રેમ પોતાની માતૃભૂમિ પ્રત્યે હતો. તેઓ વિરલ કક્ષાના દેશપ્રેમી હતા. ભારત પ્રત્યેના તેમના પ્રેમની ગંગોત્રી હતી તેના અતીતના ઈતિહાસ અને સંસ્કૃતિનું અને વર્તમાન સંજોગોનું ઊંડું જ્ઞાન. પોતાના દેશ અને દેશબાંધવોની સેવામાં તેમણે યોજેલાં વિપુલ સામર્થ્ય અને માનસિક શક્તિનું ઉદ્ગમ-સ્થાન આ જ્ઞાન હતું. ભગિની નિવેદિતાએ આ બાબતની રજૂઆત સુંદર રીતે કરી છે. તેઓ કહે છે, ‘‘તેઓ જન્મજાત પ્રેમી હતા અને તેમના પ્રેમનું પૂજ્ય પાત્ર હતું તેમની માતૃભૂમિરૂપી સામ્રાજ્ઞી. મા ભારતની સરહદમાં ભરવામાં આવેલાં પ્રત્યેક ડૂસકાંનો સક્રિય પડઘો તેમના હૃદયમાં ન ઊઠતો હોય તેવું બનતું ન હતું.”
તેમણે આપણને અત્યંત પ્રેરણાદાયક સંદેશ આપેલો છે: ‘‘તમે ગર્વ લો કે તમે ભારતીય છો અને અભિમાનથી ઘોષણા કરો કે હું ભારતીય છું. પ્રત્યેક ભારતીય મારો ભાઈ છે. ઉચ્ચ સ્વરે ઘોષણા કરો, ભારતીય મારો ભાઈ છે. મારું જીવન ભારતીય છે, ભારતનાં દેવદેવીઓ મારા ભગવાન છે, ભારતનો સમાજ એ મારા શૈશવનું પારણું છે, મારા યૌવનનું ઉપવન છે. પવિત્ર દેવભૂમિ છે. મારા વાર્ધક્યનું કાશી છે, ભાઈ, કહો કે ભારતની ભૂમિ એ મારા માટે સર્વોચ્ચ સ્વર્ગ છે અને ભારતના ભલામાં જ મારું ભલું છે.’’
બાલવીર જેને માટે વચનબદ્ધ છે, તે બીજું વચન છે હંમેશાં અન્ય લોકોને સહાયરૂપ બનવાનું. સ્વામી વિવેકાનંદનું મહા સૂત્ર હતું: ‘‘ભલા થાઓ અને બીજાને ભલા થવામાં મદદ કરો.” તેમની દૃઢ માન્યતા હતી કે સારા માણસો અન્ય લોકો માટે જ જીવન જીવતા હોય તો સમજુ માણસે અન્ય માટે પોતાની જાતને બલિદાનરૂપ બનાવી દેવી જોઈએ. બીજાને કઈ રીતે મદદ કરી શકાય તેનો માર્ગ સ્વામીજીએ બતાવેલો છે. તેમણે પોતાના અનુયાયીઓને સૂચના આપી હતી કે પડતી અને દુઃખમાં ડૂબેલા ગરીબ લોકો પાસે જાઓ, માંદા લોકોમાં દવાઓનું વિતરણ કરો અને કાળજીપૂર્વક તેમની સારવાર કરો. ભૂખ્યાંને અન્ન પૂરું પાડો અને અભણને બને તેટલું ભણાવો. અન્ય લોકોને મદદ ક૨વી એ આપણી પાયાની ફરજ છે. તેઓ કહે છે ‘‘જ્યાં સુધી લાખો લોકો ભૂખ અને અજ્ઞાનમાં સબડે છે, ત્યાં સુધી એ લોકોને ખર્ચે શિક્ષિત બનેલા અને કશું જ વળતર ન આપતા લોકોને હું દેશદ્રોહી ગણું છું.”
‘‘ભગવાન સહુમાં રહેલો છે. બીજાને ભક્તિરૂપે મદદ કરો. જે જીવાત્માની સેવા કરે છે, તે ખરેખર ભગવાનની સેવા કરે છે.” એમ સ્વામીજી કહે છે. આગળ જતાં તેમણે કહ્યું છે, “તમે કશી શરતો નહીં કરો તો તમારા પર કોઈ શરત લાદવામાં નહીં આવે. આપણી પાસે જે ખજાનો છે, તેમાંથી આપણને ભગવાન આપે છે, તેમ આપી છૂટીએ.”
સ્વામીજીએ આપેલી અન્ય લોકોની સેવા ક૨વાની સર્વોચ્ચ કલ્પના આ છે. એ આપણને મદદરૂપ બની રહેશે. તેમના મતે અન્ય માટે કરવામાં આવેલું કામ આંતરિક શક્તિને જાગૃત કરે છે અને ધીમે ધીમે હૃદયમાં સિંહ જેવી શક્તિ પ્રેરે છે. ‘‘હું તમને સૌને ખૂબ ચાહું છું, પરંતુ બીજા માટે કામ કરતાં કરતાં તમારા બધાનું મરણ થાય એમ હું ઈચ્છું. તમે એમ કરો તો મને એ જોતાં આનંદ થાય.”
સ્વામી વિવેકાનંદને બીજાની મદદ કરવા તૈયાર અને ભગવાન તથા દેશને માટે કર્તવ્ય બજાવવા માટે શ્રેષ્ઠ પ્રયત્ન કરનાર લોકોમાં વિશ્વાસ હતો. તેઓ કહે છે: “યુવકો, મારી આશા તમારામાં કેન્દ્રિત થયેલી છે. તમારા રાષ્ટ્રે તમને આહ્વાન કર્યું છે, તેનો તમે જવાબ આપશો? જો મારું કહ્યું માનવાની તમારી હિંમત હોય તો દરેકનું ભવિષ્ય ઊજળું છે. તમારામાં વિપુલ શ્રદ્ધા કેળવો. તમારા સહુમાં આ શ્રદ્ધા હોવી જોઈએ કે દરેકમાં શાશ્વત શક્તિ રહેલી છે અને તમે સમગ્ર ભારતને સજીવન કરી દેશો. માત્ર યુવાનો જ આ કરી શકશે. યુવાન, શક્તિશાળી, મજબૂત, સુદૃઢ બાંધાવાળા, બુદ્ધિશાળી લોકોનું આ કામ છે. ઊઠો અને જાગો. જગત તમને બોલાવી રહ્યું છે.”
બાલવીર પોતાના દેશ, વડીલો તથા નાની ઉંમરના લોકો ત૨ફ પણ વફાદાર હોય છે. પોતાના દેશ અને દેશબંધુઓ પ્રત્યે પ્રેમ અને લાગણી હોય તો જ માણસ વફાદાર બને છે. વફાદારીની નિશાની છે ટીકાટિપ્પણ નહીં, પણ રચનાત્મક ઉકેલ અને સેવા. સ્વામી વિવેકાનંદે આપણને સાવધાન કરતાં કહ્યું હતું કે આપણી રાષ્ટ્રીય નૌકામાં ખામી હોય તો પણ આપણે તેને વખોડી કાઢવી ન જોઈએ. ચાલો આપણે જઈએ અને કાણાં બંધ કરી દઈએ. હૃદયના ઉત્સાહથી આપણે આનંદથી કામ કરીએ અને જો આપણે તે ન કરી શકીએ તો મરણને વરીએ. આ સમાજની વિરુદ્ધ એક પણ શબ્દ બોલશો નહીં.”
“અતીતની તેની મહત્તાને લીધે હું તેને ચાહું છું. તમે ઈશ્વરનાં સંતાનો છો અને યશસ્વી પૂર્વજોનાં બાળકો છો, તેથી જ હું તમને સૌને ચાહું છું. તો પછી હું તમને શાપ કઈ રીતે આપી શકું? કદી નહીં. તમારા પર મારા આશીર્વાદ હો.” જ્યારે તેઓ આ વિધાન કરે છે ત્યારે તેમની વફાદારી સર્વોચ્ચ રીતે પ્રકટ થઈ ઊઠે છે: “મારાં બાળકો, હું મારી બધી યોજનાઓ કહી દેવા માટે હું તમારી પાસે આવ્યો છું, જો તમે મને સાંભળો તો હું તમારી સાથે કામ કરવા તૈયાર છું. પણ જો તમે મારા શબ્દો સાંભળશો નહીં અને મને લાત મારીને ભારત બહાર કાઢી મૂકશો તો પણ હું પાછો આવીશ અને તમને કહીશ કે આપણું પતન થઈ રહ્યું છે.’’
સમગ્ર સૃષ્ટિમાં સ્વામી વિવેકાનંદને ઈશ્વરનો સાક્ષાત્કાર થયેલો હતો. તેથી તેમને પ્રાણીઓ માટે પણ કાંઈ ઓછો પ્રેમ ન હતો. તેમના જીવનના અંતિમ દિવસોમાં ઘણો સમય તેઓ પ્રાણીઓ સાથે જ પસાર કરતા હતા.
સ્વામી વિવેકાનંદના મતે શિસ્ત અને આજ્ઞાપાલન એ સફળતાનું રહસ્ય છે. તેમણે યુવાનની કલ્પના ચારિત્ર્યશીલ, આજ્ઞાપાલક અને અન્યની સેવા કરવા માટે સર્વસ્વનો ત્યાગ કરનાર તરીકે કરી છે. પ્રશ્ન કર્યા વિના ગુરુની આજ્ઞાનું પાલન અને બ્રહ્મચર્યનું કડક પાલન – આ સફળતાનું રહસ્ય છે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘‘હુકમનું પાલન કરતાં કરતાં સૈનિકની પેઠે મોતને ભેટો.’’
સ્વામી વિવેકાનંદને કદી નબળા અને ઉદાસ યુવકો ગમતા ન હતા. બળ, અભય અને પ્રસન્નતા જ માણસને સફળ બનાવે છે. તેઓ કહે છે: “જો તમે ખરેખર મારાં સંતાનો હશો તો તમને કોઈ વસ્તુનો ભય નહીં લાગે, તમે ક્યાંય અટકશો નહીં. તમે સિંહ જેવા બની ૨હેશો. બહાદુર બનો, બહાદુર બનો. માણસે મરવાનું તો એક જ વખત છે.” સ્વામીજીના મતે ભય એટલે મરણ, પાપ, નરક, અધાર્મિકતા અને જીવન વિષેની ખોટી વિભાવના. તેથી તેઓ કહે છે: ‘‘નાયક બનો. હંમેશાં કહો કે મને કોઈનો ભય નથી. શક્તિ એ જ જીવન છે. આનંદી બનો અને માની લો કે ભગવાને મહાન વસ્તુઓ સંપન્ન ક૨વા માટે આપણી પસંદગી કરી છે અને આપણે એ કામ કરીશું જ.”
સ્વામી વિવેકાનંદના મતે વાણી, વિચાર અને કર્મમાં પવિત્રતા એ સર્વોચ્ચ શક્તિ છે. વાણીની પવિત્રતા એટલે સત્ય બોલવાની બાબતમાં પવિત્રતા. વિચારમાં પવિત્રતા એટલે આત્મામાં પવિત્રતા અને નિઃસ્વાર્થભાવ એટલે કર્મની પવિત્રતા. સ્વાર્થીપણું એ પાપ છે. સ્વામી વિવેકાનંદ કહે છે: ‘‘સત્ય, પવિત્રતા અને નિઃસ્વાર્થભાવ – આ ગુણો જ્યાં ક્યાંય હોય, તેમના માલિકને આ લોકની કે પરલોકની કોઈ શક્તિ કચડી શકે નહીં.”
મારા બાલવીર બંધુઓ, ચાલો આપણે સ્વામી વિવેકાનંદ પાસેથી સારા અને સંપૂર્ણ બાલવીર થવા માટે પ્રેરણા લઈએ અને જેને માટે આપણે વચનબદ્ધ છીએ તેવું જીવન સાચા અર્થમાં જીવીએ.
અનુવાદ: શ્રી ચંદુભાઈ ઠકરાલ
Your Content Goes Here




