૧૨૯. શું અહં-ભાવ કદી પૂરો નાશ નહીં પામે? સમય થતાં કમળની પાંખડીઓ ખરી પડે છે પણ એમનો ડાઘ રહી જાય છે. ઈશ્વર સાક્ષાત્કાર કરનારનો અહં એ રીતે સંપૂર્ણપણે નાશ પામે છે પણ અગાઉના અસ્તિત્વની નિશાનીઓ રહી જાય છે; પણ એની કશી વિપરીત અસર થતી નથી.
૧૩૦. જેણે ઈશ્વરદર્શન કર્યું છે તે સાચો જ્ઞાની. એ બાળક જેવો બની જાય છે. અલબત્ત, બાળકને પણ પોતાનું વ્યક્તિત્વ હોય છે, પોતાની અલગ અસ્મિતા હોય છે પણ, એ વ્યક્તિત્વ આભાસી છે, સત્ય નથી. બાળકનું હુંપણું મોટા માણસના હુંપણા-જેવું નથી હોતું.
૧૩૧. કેટલાક મહાત્માઓ સમાધિને સાતમે શિખરે પહોંચી ઈશ્વરભાવમાં લીન થયા હોય છે તેઓ, માણસજાતના કલ્યાણ માટે આધ્યાત્મિક ઊંચાઈએથી નીચે આવે છે. તેઓ વિદ્યાનો અહં રાખે છે જે ઊર્ધ્વતર અહં છે. પણ એ અહં કેવળ આભાસી છે. એ પાણી ઉપર દોરેલી લીટી જેવો છે.
૧૩૨. સીંદરી બળે પણ વળ ન મૂકે; પણ પછી એ બાંધવાના કામમાં ન આવે. એ જ રીતે જ્ઞાનાગ્નિથી બળી ગયેલા અહંનું છે.
૧૩૩. એક માણસને સ્વપ્ન આવ્યું કે કોઈક પોતાને મારી નાખવા આવી રહ્યું છે. ડરથી એ ચીસ સાથે જાગી જાય છે અને જુએ છે તો ઓરડો તો અંદરથી સાંકળ મારેલો છે અને, ઓરડામાં બીજું કોઈ નથી. છતાં, થોડી મિનિટ સુધી એનું હૃદય જોરથી ધબકે છે. એ જ રીતે આ અભિમાન કે ‘હું-પણું’ ચાલી ગયા પછી એનું થોડું જોર રહે છે.
૧૩૪. સમાધિ પામ્યા પછી પણ કેટલાક દાસનો કે ભક્તનો અહં રાખે છે. બીજાંઓને બોધ દેવા માટે શંકરાચાર્યે વિદ્યાનો અહં રાખ્યો હતો.
૧૩૫. હનુમાનને ઈશ્વરનાં સાકાર અને નિરાકાર બંને સ્વરૂપોના દર્શન પ્રાપ્ત થયાં હતાં. પણ એમણે દાસ-અહંકાર રાખ્યો હતો. નારદ,સનક, સનંદન અને સનત્કુમારનું પણ એવું જ હતું.
એક ભક્ત: નારદ અને બીજા સૌ માત્ર ભક્તો હતા કે જ્ઞાનીઓ પણ હતા.
ઠાકુર: નારદ અને આ સૌએ બ્રહ્મજ્ઞાન પ્રાપ્ત કર્યું હતું. છતાં એ સૌ ઝરણાની પેઠે ભગવાનનાં ગુણગાન ગાતા અને વાતો કરતા ફરતા, આ બતાવે છે કે એમણે પણ જ્ઞાનનો અહં રાખ્યો હતો; પરબ્રહ્મમાં પૂરા લીન ન થતાં થોડું વ્યક્તિત્વ રાખ્યું હતું જેથી બીજાંઓને ધર્મનાં તારક સત્યો શીખવી શકાય.
૧૩૬. એક વાર જરા ગમ્મતમાં શ્રીરામકૃષ્ણે પોતાના એક શિષ્યને પૂછ્યું, ‘તમે મારામાં જરાય અભિમાન જુઓ છો? મારામાં જરાય અભિમાન છે?’
શિષ્ય: હા મહાશય, થોડુંક છે પણ એ થોડુંક નીચેના હેતુઓ માટે રાખ્યું છે, એક, દેહ ટકાવવા માટે; બે, ઈશ્વરની ભક્તિ કરવા માટે; ત્રણ, ભક્તોમાં ભળવા માટે; ચાર, બીજાઓને બોધ આપવા માટે. સાથોસાથ એ પણ કહેવું જોઈએ કે, ખૂબ પ્રાર્થના કર્યા પછી આપે એ રાખ્યું છે. આપની સ્વાભાવિક પ્રકૃતિ સમાધિની છે એમ હું માનું છું. એટલે કહું છું કે આપ જે અભિમાન ધારણ કરી રહ્યા છો તે આપની પ્રાર્થનાનું પરિણામ છે.
ઠાકુર: બરાબર, પણ એ મેં નથી રાખ્યું, મારી જગદંબાએ રાખ્યું છે. પ્રાર્થનાનો સ્વીકાર જગદંબા પર આધારિત છે.
(- ‘શ્રીરામકૃષ્ણદેવની અમૃતવાણી’માંથી સાભાર)
Your Content Goes Here




