કુંતી કહે છે : દેવકી મહાભાગ્યશાળી કારણ કે, તેને તમે પુત્રરૂપે પ્રાપ્ત થયા છો. વળી મુશ્કેલીના સમયમાં વસુદેવ તેની સાથે હતા. પરંતુ મારે તો કોઈ ન હતું. તેથી સાચું કહેવામાં આવ્યું છે કે, જેનું કોઈ નથી તેની ભગવાન રક્ષા કરે છે. આ વાતની ખરાઈ તમે વારંવાર મારા માધ્યમ દ્વારા પ્રમાણિત કરો છો. તેથી કહું છું.

विपदः सन्तु नः शश्वत्तत्र तत्र जगद्गुरो ।
भवतो दर्शनं यत्स्यादपुनर्भवदर्शनम् ॥ (१.८.२५)

હે જગદ્‌ગુરુ શ્રીકૃષ્ણ! અમને હંમેશાં આવી રીતે વિપત્તિઓ આવે જેથી ભવભયહારી એવા તમારાં દર્શન હંમેશાં પામીએ.

આ રીતે વાત કરવાની હિંમત-સાહસ જગતમાં ક્યાંય જોવા મળે નહિ. મહાભારતની કુંતી એક અનુકરણીય મહાન ચરિત્ર છે. વ્યાસદેવે એકબાજુ કુંતીમાં ઘણા ગુણોનો સમન્વય કર્યો છે તો બીજી બાજુ તેના જીવનની સુખશાંતિ છીનવી લઈને આવા નિષ્કલંક ચરિત્રનું સર્જન કર્યું છે. કુંતી અસામાન્ય રૂપવતી હતાં અને તેમની પવિત્રતા, ધીરજ, સેવાપરાયણતા, હિંમત, મહાનતા વગેરે ગુણો પૃથ્વીના કોઈપણ દેશ અથવા લોકો માટે આદર્શ છે. આટલા ગુણો હોવા છતાંય કુંતી ક્યારેય વિપરીત પરિસ્થિતિને લીધે સુખી થયાં ન હતાં.

કુંતી કહે છે : ‘ઘણી વખત મૃત્યુ નીપજે એવી વિપત્તિમાં પડ્યાં છીએ અને એકદમ નિ:સહાય-નિરુપાય થયાં હતાં. છતાંય તમે હરપળે અમારી રક્ષા કરી છે. વારંવાર અમને દર્શન આપ્યાં છે. તેથી ડગલે ને પગલે ભલે વિપદ આવે, જેથી કરીને અમે દૃઢતાથી તમારા પાદપદ્મે આશ્રય લઈ શકીએ. વિપત્તિઓથી અમને છૂટકારો નથી જોઈતો. અમે તો વિપદ જ માગીએ છીએ.

जन्मैश्वर्यश्रुतश्रीभिरेधमानमदः पुमान् ।
नैवार्हत्यभिधातुं वै त्वामकिञ्चनगोचरम् ।। (१.८.२६)

સત્કુળમાં જન્મ, ઐશ્વર્ય, વિદ્યા અને સૌભાગ્યવાળી વિશિષ્ટ વ્યક્તિઓ અભિમાનના મદમાં તમને દીનજનના દયામય પ્રભુ તરીકે વિચારી પણ ન શકે.

અમે જો ઐશ્વર્યયુક્ત રાજસુખમાં હોત તો પછી દુર્યોધનની જેમ અમે પણ તમને ભૂલી જાત. ઐશ્વર્ય, વિદ્યા, વંશ ગૌરવ વગેરે હોય તો અહંકાર-અભિમાન આવે અને અભિમાન હોય તો તમને પામી ન શકાય.

શ્રીરામકૃષ્ણદેવ કહેતા : ‘અહંકાર હોય તો ઈશ્વરદર્શન ન થાય. અહંકાર જાણે ઊંચી ટેકરી, વરસાદનું પાણી ત્યાં જમા ન થાય નીચે વહ્યે જાય. નીચી જમીનમાં જળ જમા થાય પછી તેમાં અંકુર ફૂટે, ત્યારબાદ છોડ થાય અને પછી ફળ આવે.

કુંતી કહે છે : ‘અભિમાન વગરના દીન લોકોના જ તમે મિત્ર છો. તેથી અભિમાનશૂન્ય થવા માટે વિપત્તિ અમે ઇચ્છીએ છીએ. તો જ અમે તમને મેળવી શકીશું.

नमोऽकिञ्चनवित्ताय निवृत्तगुणवृत्तये ।
आत्मारामाय शान्ताय कैवल्यपतये नमः ।। (१.८.२७)

હે કૃષ્ણ! તમે ભક્તના સર્વસ્વ, શરણાગતનાં માયામોહ દૂર કરનાર, આત્મારામ અને આસક્તિરહિત, તમે જ મુક્તિદાતા છો. તમને પ્રણામ કરું છું.

અકિંચન એટલે જેઓ નિ:સ્વ છે, તેમને કોઈ કામનાવાસના નથી. અકિંચનને કોઈ સંપત્તિ કે પૈસાનું વળગણ હોતું નથી. શ્રીકૃષ્ણ જ તેમની સંપત્તિ અને સર્વસ્વ. કૃષ્ણ જેમ અકિંચનવિત્ત, ભક્તધનથી ધનવાન, તેમ ભક્ત પણ કૃષ્ણધને ધની છે. ભગવાને દુર્વાસાને કહ્યું હતું : ‘ભક્તો મારા પ્રાણથીય મને વધુ પ્રિય છે. તેઓ જ મારો આત્મા છે. ભક્ત સિવાય ભગવાનનો મહિમા જગતમાં કોણ પ્રચાર કરી શકે! વળી ભગવાન તો નિવૃત્તી હોવા છતાં ગુણવૃતવાન છે. ભગવાનનું જેઓ શરણ લે છે, તેઓ માયામોહથી પર થઈ જાય છે. તેમને પછી વિષયવાસના ન રહે. કૃષ્ણ આત્મારામ છે, હંમેશાં સ્વરૂપાનંદમાં જ રહે, બીજા બધા વિષય તરફ તે ઉદાસીન રહે. તેથી તો તે શાંત, રાગદ્વેષરહિત તેમજ કૈવલ્ય પતિ- મુક્તિદાતા સર્વ ગુણાન્વિત કૃષ્ણને કુંતી વારંવાર પ્રણામ કરે છે.

मन्ये त्वां कालमीशानमनादिनिधनं विभुम् ।
समं चरन्‍तं सर्वत्र भूतानां यन्मिथः कलिः ॥ (१.८.२८)

કુંતી કહે છે : ‘તમે સર્વના અંતર્યામી, બાહ્યજગતના નિયંતા, આદિ- અનંત અને સર્વવ્યાપી છો. સામાન્ય માણસ તમારા સ્વરૂપને સમજવા અસમર્થ હોય, તેથી અનેક પ્રકારના પરસ્પર વિરોધી મતવાદની રચના કરે છે. મને લાગે છે કે, તમે તો બધા વિષયમાં બધા પ્રત્યે સમભાવ રાખો છો. તમારામાં અઘટીત જેવું કશું નથી.

ભગવાન બધાના હૃદયમાં રહીને સમસ્ત જગતનું પરિચાલન કરે છે. સૃષ્ટિની ઉત્પત્તિ પહેલાં પણ તે હતા અને સૃષ્ટિના પ્રલય પછી પણ રહેશે. તે સર્વ કંઈ બની રહ્યા છે. તેને પોતાનું કે, પારકું એવું કશું નથી. તેથી તે દરેક બાબતમાં અનાસક્ત અને બધા પ્રત્યે સમભાવ રાખે, છતાંય સામાન્ય માણસ માને કે ભગવાન કોઈકને દુ:ખ આપે, કોઈકને સુખ આપે છે. બસ, આ લઈને જ ખોટા વાદવિતંડા કરતા રહે છે.  કુંતી કહે છે : ‘હું જાણું છું કે, તમે જ ભગવાન છો અને તમારામાં કોઈ જાતનો ભેદભાવ નથી. તમે જ દુર્યોધનને રાજ્ય આપીને પાંડવોને વનવાસમાં મોકલ્યા હતા, તેમજ અશ્વત્થામા દ્વારા દ્રૌપદીના પાંચ પુત્રોની હત્યા કરાવી. તમે સર્વના અંતર્યામી, બ્રહ્મરૂપે બધાના હૃદયમાં બિરાજમાન છો. તમે સર્વવ્યાપી બની બધાનું કલ્યાણ થાય તેમ કરો છો.  સમસ્ત જગતમાં તમારા સિવાય તો કશું જ નથી. તેથી કોના પ્રતિ તમે પ્રેમ કે તિરસ્કાર કરશો?

न वेद कश्चिद्भगवंश्चिकीर्षितं
तवेहमानस्य नृणां विडम्बनम् ।
न यस्य कश्चिद्दयितोऽस्ति कर्हिचिद्
द्वेष्यश्च यस्मिन् विषमा मतिर्नृणाम् ॥ (१.८.२९)

હે કૃષ્ણ! તમારે માટે તો પ્રિય કે અપ્રિય એવું કશું નથી. કોઈને તમે ચાહો અને કોઈનો તિરસ્કાર કરો એ વાત તો પાયા વગરની છે. છતાંય મનુષ્ય મોહાંધ થઈને તમને ભેદભાવ રાખવાનો આક્ષેપ કરે છે. તેથી સમજી શકાય કે તમારી નરલીલા અકળ છે.

શ્રીરામકૃષ્ણ કહેતા : ‘અવતાર જ્યારે આ પૃથ્વી પર અવતરે ત્યારે સામાન્ય લોકો તેમને ઓળખી શકે નહિ. ગુપ્ત રીતે આવે, બે-ચાર જણા અંતરંગ ભક્ત ઓળખી શકે. રામ પૂર્ણબ્રહ્મ અવતાર છે આ વાત માત્ર બાર ઋષિઓ જ જાણતા હતા.

કુંતી કહે છે : ‘હે કૃષ્ણ તમે જેના પર કૃપા કરો તે જ તમારી લીલાનું રહસ્ય જાણી શકે. સામાન્ય માણસ તમારી ઈશ્વરીય લીલાનું રહસ્ય ન સમજીને તમારા અંગે પક્ષપાત વગેરે દોષ જુએ અને તર્ક-વિતર્ક કરે. પરંતુ હું તમારું સ્વરૂપ જાણું છું. તેથી હું તમને કેવળ પ્રણામ કરું છું.

जन्म कर्म च विश्वात्मन्नजस्याकर्तुरात्मनः।
तिर्यङ्नृषिषु यादः सु तदत्यन्तविडम्बनम् ।। (१.८.३०)

હે વિશ્વાત્મન્‌! તમે જન્મરહિત છો છતાંય ક્યારેક વરાહરૂપ, ક્યારેક રામ રૂપ, ક્યારેક નર-નારાયણાદિ ઋષિરૂપ, વળી ક્યારેક મત્સ્યાદિરૂપ જન્મ ગ્રહણ કરો છો. તમે સર્વકર્મથી પર છો છતાંય અનેક પ્રકારનાં કર્મો કર્યા કરો છો અને એ બધાં કર્મ એવી નિષ્ઠાથી કરો કે, કોઈ સમજી પણ ન શકે કે કર્મમાં તમારી કોઈ સ્પૃહા નથી.

ભગવાન જ્યારે દેહધારણ કરીને અવતીર્ણ થાય ત્યારે, તેઓ હૂબહૂ માણસની જેમ જ વ્યવહાર કરે. પરિણામે સામાન્ય મનુષ્ય તેમના સ્વરૂપને ઓળખી ન શકે અને જાત-જાતની વિપરીત વાતો કર્યા કરે છે. નીચેના શ્લોકમાં એક ઉપમા આપીને સમજાવવામાં આવ્યું છે કે, જાગતિક બુદ્ધિથી ભગવાનના સ્વરૂપને સમજવું અસંભવ છે.

गोप्याददे त्वयि कृतागसि दाम तावद्
या ते दशाश्रुकलिलाञ्जनसम्भ्रमाक्षम् ।
वक्त्रं निनीय भयभावनया स्थितस्य
सा मां विमोहयति भीरपि यद्विभेति ॥ (१.८.३१)

હે કૃષ્ણ! જેના ભયથી સ્વયં ભય પણ ભયભીત થાય, તેવા તમે જ્યારે દહીંનું પાત્ર ભાંગી નાખ્યું ત્યારે યશોદાની સામાન્ય દોરીના બંધનમાં તમે બંધાયેલ હતા, ત્યારે તમે ભયથી કાજળ મિશ્રિત અશ્રુનીરે ભીંજાતા, નિર્દોષ વદને મા સામે ઊભા હતા. ત્યારની વાત મનમાં આવે ત્યારે હું તુરત વિહ્‌વળ થઈ જાઉં છું.

બરાબર આ જ રીતે ઉદ્ધવ વિદુરને કહે છે : ‘શ્રીકૃષ્ણનો જન્મ, શત્રુ ભયથી વ્રજમાં વાસ, વગેરે પ્રસંગો વિચારું ત્યારે એકદમ દિશાશૂન્ય થઈ જાઉં છું. જન્મહીનનો જન્મ, અભયપદનું ભયભીત થવું, કેવી રીતે આ સમજી શકાય!

अपरे वसुदेवस्य देवक्यां याचितोऽभ्यगात्।
अजस्त्वमस्य क्षेमाय वधाय च सुरद्विषाम् ॥ (१.८.३३)

જગતમાં બધા જ તમારી માયામાં મુગ્ધ થઈને તમારા અવતરણ માટે જાત-જાતની વ્યાખ્યા કરે છે. કોઈ કહે કે પૂર્વજન્મમાં વસુદેવ-દેવકીએ તમને પુત્રરૂપે પ્રાપ્ત કરવા પ્રાર્થના કરી હતી. તેથી તમે જગતના કલ્યાણ અને અસુરોનો સંહાર કરવા જન્મરહિત હોવા છતાં જન્મ ગ્રહણ કર્યો. વળી કોઈ કોઈ કહે છે કે ‘અસંખ્ય અસુ્રરોનો ભાર પૃથ્વી ઉપાડી શકતી ન હતી તેથી બ્રહ્માની પ્રાર્થનાથી તમે અવતાર લીધો.’

આ રીતે ઘણા લોકો ભગવાનના અવતરણ વિશે જુદાં જુદાં કારણો આપે છે. પરંતુ કુંતી બરાબર સમજે છે કે ભગવાન અનંત છે. તેમની લીલાનો પણ અંત નથી. ભિન્ન ભિન્ન લોકોએ પોત-પોતાની બુદ્ધિ પ્રમાણે અલગ અલગ કારણ આપ્યાં. પરંતુ વાસ્તવમાં ભગવાનને સીમિત ન કરી શકાય. તેમના માટે કશું જ અશક્ય નથી. ભગવાન જો મનુષ્યની બુદ્ધિથી અગોચર હોય તો તેમને સમજવાનો ઉપાય શું છે?

शृण्वन्ति गायन्ति गृणन्त्यभीक्ष्णशः
स्मरन्ति नन्दन्ति तवेहितं जनाः।
त एव पश्यन्त्यचिरेण तावकं
भवप्रवाहोपरमं पदाम्बुजम् ॥ (१.८.३६)

હે પ્રભુ! જે બધા ભક્તો શ્રદ્ધાપૂર્વક હંમેશાં તમારી લીલાની કથાનું શ્રવણ, કીર્તન અને સ્મરણ કરે, તેઓ તમારાં ચરણકમલને પામીને સંસારનાં બંધનથી મુક્ત થઈ જાય છે.

अप्यद्य नस्त्वं स्वकृतेहित प्रभो
जिहाससि स्वित्सुहृदोऽनुजीविनः।
येषां न चान्यद्भवतः पदाम्बुजात्
परायणं राजसु योजितांहसाम् ॥ (१.८.३७)

હે કૃષ્ણ! કુરુક્ષેત્રનું યુદ્ધ સમાપ્ત થયું છે. તેથી હવે તમારું કર્તવ્ય છે કે, યુદ્ધમાં જે ઘણા આત્મીય સ્વજન, મિત્રો અને રાજાઓ મૃત્યુ પામ્યા છે, તેના માટે બધા મારા પુત્રોને જવાબદાર માને છે. તેમને તો તમારા સિવાય બીજું કોઈ નથી. તેઓ તો તમારી કૃપાથી જ યુદ્ધમાં વિજય પામ્યા છે. તમે ચાલ્યા જશો તો તેઓ સાવ એકલા થઈ જશે. તેથી કહું છું શું તમારા શરણાગત લોકોને છોડીને આજે જ તમે ચાલ્યા જશો?

के वयं नामरूपाभ्यां यदुभिः सह पाण्डवाः।
भवतोऽदर्शनं यर्हि हृषीकाणामिवेशितुः ।। (१.८.३८)

અંતર્યામી સાથે સંપર્ક ન હોય તો ઈંદ્રિયો કંઈ જ કરી શકે નહિ. તે રીતે તમારા વગર યાદવગણ શું કે પાંડવગણ શું, બધા જ એકદમ તુચ્છ બની રહે છે.

યાદવો અને પાંડવો કોઈ દુર્બળ નથી. તેમનું સામર્થ્ય અને ખ્યાતિ પણ યથેષ્ટ છે. છતાંય તમે ન હો તો યાદવો અને પાંડવોની સમૃદ્ધિ નહિવત્‌ થઈ જાય.

नेयं शोभिष्यते तत्र यथेदानीं गदाधर।
त्वत्पदैरङ्किता भाति स्वलक्षणाविलक्षितैः॥ (१.८.३९)

ભક્ત કદી ભગવાનને છોડીને રહેવા ઇચ્છે નહિ. ભગવાનનાં દર્શન વગર તેના માટે જગત શૂન્ય થઈ જાય. તેથી કુંતી વ્યાકુળતાપૂર્વક કહે છે. હે કૃષ્ણ! તમારો ધ્વજ, વજ્ર, અંકુશ વગેરે ચિહ્‌નોવાળાં આપનાં શ્રીચરણોથી અંક્તિ થયેલી હસ્તિનાપુરની આ ભૂમિની હમણાં જેવી શોભા છે તેવી આપ ચાલ્યા જશો તો રહેશે નહિ.

ઘણી જાતનાં વૃક્ષ, લતા વગેરે દ્વારા પરિશોભિત હસ્તિનાપુરનાં વન, પર્વત, જળાશય વગેરે તમારી જ કૃપાદૃષ્ટિથી સુંદર સમૃદ્ધ અને આનંદદાયક બન્યાં છે. તો તમારી ગેરહાજરીમાં હસ્તિનાપુરની કેવી દશા થશે!

આવેશપૂર્ણ હૃદયથી કુંતીએ શ્રીકૃષ્ણને જવાની ના કહી, કેટલીય મનોમુગ્ધકર વાણી ઉચ્ચારી રહ્યાં છે. પછી ફરી કહે છે.

अथ विश्वेश विश्वात्मन् विश्वमूर्ते स्वकेषु मे।
स्नेहपाशमिमं छिन्धि दृढं पाण्डुषु वृष्णिषु ।। (१.८.४१)

હે વિશ્વપતિ! હે વિશ્વના પ્રાણ સ્વરૂપ! હે જગન્મૂર્તિ! પાંડવો કે યાદવો બંને મારાં સ્વજનો છે. અને તે બધા સાથે હું મમતાથી બંધાયેલી છું. મારા આ દૃઢ મમતાના બંધનને તમે કૃપા કરીને દૂર કરો.

આગલા શ્લોક કરતાં આ શ્લોકમાં કુંતી જાણે થોડી અલગ લાગે છે. પરંતુ થોડો વિચાર કરીએ તો સમજી શકાય કે આ શ્લોકની સાથે પૂર્વાપર સંબંધ બરાબર છે.

કુંતી કહે છે : ‘તમે અહીં રહો તો પાંડવોનું મંગલ થાય. પરંતુ દ્વારકામાં તમારી ગેરહાજરીને લીધે યાદવોને દુ:ખ થાય. વળી તમે દ્વારકા ચાલ્યા જાઓ તો પાંડવો માટે જગત નીરસ થઈ જાય. પરંતુ યાદવોની સમૃદ્ધિ થાય. તમે હસ્તિનાપુર રહો કે દ્વારકામાં રહો. પાંડવ અને યાદવોની સાથે સ્નેહસંપર્કને કારણે મારો અખંડિત આનંદલાભ શક્ય નથી. તેથી પ્રાર્થના કરું છું. પાંડવ અને યાદવો સાથે મારે જ માયાના બંધન છે, તે કાપી નાખો અને જેથી કરીને હું સદાસર્વદા તમારા જ ચિંતનમાં મગ્ન રહી શકું. તેવો ઉપાય કરો.

त्वयि मेऽनन्यविषया मतिर्मधुपतेऽसकृत् ।
रतिमुद्वहतादद्धा गङ्गेवौघमुदन्वति ।। (१.८.४२)

હે યદુનાથ! તમારા પ્રતિ મારા ચિત્તનો પ્રેમ સર્વદા અસ્ખલિતપણે વહ્યે જાય! એક ઉપમા આપવામાં આવી છે. જેમ ગંગા તેનો જળપ્રવાહ સમસ્ત અડચણોને પાર કરીને સમુદ્રમાં મળે છે, તે જ રીતે મારો ભગવત્‌-પ્રેમ પણ તમારા શ્રીચરણોમાં જ અનન્ય આશ્રય મેળવે.

કુંતીના મનમાં કદાચ એવો વિચાર હોય કે, ગંગાના સ્રોતમાં જેમ કોઈ વસ્તુ હોય તો ગંગા તે વસ્તુને પણ સમુદ્રમાં લઈ જાય છે. કુંતી વિચારે છે, પુત્ર અને આત્મીય સ્વજનોની સાથે મારો જે સંબંધ છે, તે તમારામાં સમાઈ જાય. અલગ રીતે તેમની સાથે મારો કોઈ સંબંધ રાખવા ઇચ્છતી નથી. તમારા માધ્યમ દ્વારા જેટલો સંબંધ રહે એટલો જ પર્યાપ્ત છે. એટલે કે, અર્જુન મારો પુત્ર એ વાત ભૂલીને, તમે અર્જુનના મિત્ર એ ભાવે અર્જુન સાથે મારો સંબંધ બની રહે. કેવી અપૂર્વ વાત! ભગવાન સિવાય મારું બીજું કોઈ નથી. તેની સાથે હું હંમેશાંયુક્ત, ભગવાન સાથે નાતો છે એથી તો જગત સાથે મારો નાતો છે!

જગતમાં ઘણીવાર જોવા મળે છે કે, પુત્ર અથવા કન્યા ઘણી વખત માતા-પિતાનો ત્યાગ કરીને ભગવાનમાં તન્મય થઈને રહે. પરંતુ કોઈ મા પોતાના સંતાન પ્રતિ મમતાનું આકર્ષણ છોડીને એકમાત્ર ભગવાનમાં જ તન્મય થવા ઇચ્છે એવું ઉદાહરણ મેળવવું મુશ્કેલ છે. કુંતીની આવી દુર્લભ ભગવાન પ્રીતિ જ અહીં વ્યક્ત થઈ છે અને શ્રીકૃષ્ણ તે બરાબર સમજી શક્યા છે.

श्रीकृष्ण कृष्णसख वृष्ण्यृषभावनिधुग्-
राजन्यवंशदहनानपवर्गवीर्य।
गोविन्द गोद्विजसुरार्तिहरावतार
योगेश्वराखिलगुरो भगवन्नमस्ते । (१.८.४३)

હે કૃષ્ણ! હે અર્જુન-મિત્ર! હે યાદવોમાં શ્રેષ્ઠ! હે લોકહિંસાપરાયણ રાજાઓના વંશવિનાશકારી! હે અખૂટ પ્રભાવશાળી! હે ગોવિંદ! હે ગાયો, બ્રાહ્મણો તથા દેવનાં દુ:ખ દૂર કરવા અવતાર લેનાર યોગેશ્વર! હે સર્વના ગુરુ! હે ભગવાન! તમને વારંવાર નમસ્કાર હો.

અહીં કુંતીના હૃદયનો ભાવ, શ્રીકૃષ્ણ જે પરમપુરુષ ભગવાન એ અતિ સુંદર રીતે વ્યક્ત થયો છે. સહૃદયી ભક્ત જ્યારે ભગવાનનો મહિમા, ગુણ-કીર્તન કરે ત્યારે એટલો હૃદયસ્પર્શી હોય કે ભક્ત હૃદયની તે ગોપનકથા ભગવાન સુધ્ધાં સાંભળવા લલચાય છે. તેથી કુંતીની પ્રાર્થના મન દઈને ભગવાને સાંભળી અને તેના મનનો ભાવ જાણીને કૃષ્ણ મંદ મંદ હસ્યા. બધાને આનંદવિભોર કરીને રથ પરથી નીચે ઊતર્યા અને હસ્તિનાપુરના અંત:પુરમાં પ્રવેશ્યા.

સામાન્ય માણસ પહેલાં પહેલાં ઈશ્વરનો મહિમા સમજી ન શકે. પરંતુ ભગવાનની જુદી જુદી અલૌકિક લીલા જોઈને તે જ્યારે ભગવાન તરીકે ઓળખી શકે, ત્યારે તે અનુભવે કે ભગવાનનું સ્વરૂપ સમજી શકાય નહીં. તેથી ભગવાનનાં વિભિન્ન પરસ્પર વિરોધી કાર્યોને સમજવાં, સાધારણબુદ્ધિના માણસ માટે સંભવ નથી. ભગવાનના સ્વરૂપનું જ્ઞાન ન થાય તો પણ પોતાના જીવનમાં ભગવત્‌-કૃપાની વાતનું ચિંતન કરીને તે આનંદવિભોર થાય અને અહંભાવ ત્યાગ કરી ઈશ્વરનાં ચરણકમળોમાં સંપૂર્ણપણે આશ્રય લે છે. ત્યારે તે સમજી શકે કે, જગતનાં નામ, યશ, પ્રભાવ, સંપત્તિ વગેરે બધું જ અનિત્ય, બધું મિથ્યા. એકમાત્ર ભગવાન જ સત્ય અને તેને પામવા માટે તે ત્યારે બધી રીતની આપત્તિ-વિપત્તિઓને સ્વીકારવા તૈયાર થાય છે. તેનું મન ત્યારે વૈરાગ્યભાવે પૂર્ણ થઈને સંસાર બંધન તોડીને હરહંમેશ કેવળ ભગવાનનાં નામગુણગાનમાં તન્મય રહેવા ઇચ્છે છે. આ છે ભગવત્‌ આરાધનાનાં વિભિન્ન સોપાન. કુંતીના આ સ્તવનમાં સાધકોના આવા ક્રમ વિકાસનો અણસાર જોવા મળે છે.

શ્રીકૃષ્ણ રાજભવનમાં ગયા. યુધિષ્ઠિર કૃષ્ણને આલિંગન કરીને રડતાં રડતાં બોલવા લાગ્યા: ‘તમે શું ખરેખર આજે અમને છોડીને ચાલ્યા જશો? જો એમ જ હોય તો અમારો વધ કરીને જાવ. કારણ કે, તમારાં દર્શન વગર હવે અમે જીવી ન શકીએ.’ યુધિષ્ઠિરના મનમાં અશાંતિની આગ સળગે છે. કેવળ વિચારે છે કે, મારા માટે જ કુરુક્ષેત્રમાં યુદ્ધ થયું. જેમાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા. તેથી અનંતકાળ સુધી મારે નરકની યાતના ભોગવવી પડશે. યુધિષ્ઠિરનું આવું કરુણ કલ્પાંત જોઈને કૃષ્ણે દ્વારકા જવાનો સંકલ્પ છોડી દીધો. 

(ક્રમશ:)

Total Views: 175

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.